નારીસંપદાઃ નાટક/ઘર લખોટી
ઘર—લખોટી
ત્રિઅંકી નાટક
ભારતી સારાભાઈ
“નાટકકારનું કામ પ્રશ્નના ઉત્તર આપવાનું નથી; એ તો માત્ર પ્રશ્નો પૂછવાનું છે.”
—ઇબ્સન
પ્રકાશક
શંભુલાલ જગશીભાઈ શાહ
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી માર્ગ, અમદાવાદ
TWO WOMEN
DR. C. P. RAMASWAMI AIYAR: Courageously and yet with tenderness and insight, Bharati Sarabhai has sought in this play to depict some aspects of the outer and inner life of India in transition, interpreting them as a series of dualities. ... Within a short compass, many problems and struggles have been resolutely faced by an authentic artist. ... The author has succeeded in creating not only clearcut and definite pictures of men and women and scenes but in evoking in several passages a haunting rhythm which lingers in the mind of the reader, and adequately reproduces the mental struggles and certitudes of each character. Not for the first time do we witness, blended in the author, the practical and mystic elements of her native soil. …Through her command of a subtle medium she succeeds, as Joseph Conrad once said, "by the power of the written word to make you hear, make you feel and, before all, make you see.” To say this is to utter high praise but it is not extravagant.' DR. A. CHAKRAVARTI: ‘It is an impressive play and very original: I think it breaks new ground and will be a pathfinder as well as an inspiring artistic force for the drama of today.' Produced at the Excelsior Theatre, Bombay, in February 1948, by Hima Kesarcodi and at the Kenya National Theatre, Nairobi, in December 1952, by Nalini Devi Appa Pant.
નાટક વિષે
શ્રીમતી ભારતી સારાભાઈને નાટ્યલેખનની કલા સુસાધ્ય છે. રૂપકો અને પ્રતીકોભર્યાં એમનાં બંને નાટકો— “બે નારી” અને “ઘરલખોટી” – ખૂબ અભિનયક્ષમ છે. પાત્રો કાળજીથી અને મમતાથી સુરેખ ઘડાયેલ છે. સંવાદો તલસ્પર્શી અને લક્ષ્યને વીંધે તેવા છે. સાહિત્યની દૃષ્ટિએ એ બંને નાટકો ઉચ્ચ કક્ષાનાં છે. પાંચસો–સાતસો પ્રેક્ષકોને બદલે માત્ર પચાસ—પોણોસો સમભાવી અને અધિકૃત પ્રેક્ષકો સમક્ષ, ઊંચી કક્ષાનાં અભિનયકારો દ્વારા, સમજપૂર્વક યોજાયેલ પ્રકાશયોજના અને સાદાં – લગભગ પ્લાસ્ટિક સેટિંગ્સની સહાયથી આ નાટકો વારંવાર ભજવાય તો રંગભૂમિના વિકાસમાં અત્યંત મદદરૂપ થઈ પડે. નાટકના વસ્તુને તખ્તાની સજાવટ જોડે – સંનિવેશ જોડે – ગાઢ સબંધ છે. સંસ્કૃત નાટકોના યુગમાં દૃશ્યો માત્ર કલ્પી લેવાનાં હતાં; એ સમયમાં દૃશ્યની શક્યતાનું બંધન વસ્તુને નડતું નહિ. વસ્તુના સ્થળકાળનાં દૃશ્ય રંગમંચ ઉપર સજાવવાની રીત આપણે પશ્ચિમમાંથી લાવ્યા ત્યારથી વસ્તુમાં સ્થળકાળના ઉપયોગ ઉપર મર્યાદા બંધાઈ. સ્થળ બદલતાં રંગસંનિવેશ પણ બદલવો પડે અને પડદાની પાડઉપેડ પણ કરવી પડે. સમય જતાં, બધાં અંકો અને પ્રવેશો એક જ સંનિવેશમાં ભજવાય તે પાશ્ચાત્ય રીતિ આપણે સ્વીકારી, અને અનેક નાટકોના પ્રયોગોમાં તે અમલમાં પણ આણી. શ્રી ભારતીદેવીની નાટ્યકલા એક ડગલું આગળ વધે છે, અને એક જ તખ્તા ઉપર વારાફરતી બે દૃશ્યો રજૂ કરવાની પશ્ચિમની છેલ્લામાં છેલ્લી યોજના અપનાવે છે. આ પ્રમાણે ભારતી સારાભાઈનાં આ બે નાટકો જાણે ભવિષ્યનાં આપણી નવી ગુજરાતી રંગમૂમિનાં નવાં મૌલિક “ઈન્ટલેક્ચુઅલ” નાટકો કેવા પ્રકારનાં હશે એની કાંઈક આગાહી કરતાં હોય એમ લાગે છે.
—ધનસુખલાલ મહેતા
“ઘર લખોટી” વાંચતાં પુરુષની સામાજિક અસમાનતાનું તાદશ દર્શન થાય છે. સમાજમાં પ્રવર્તતાં અનિષ્ટોની સમસ્યા ઉકેલવાના વિચાર કરવાનું સૂચન તેમાંથી થાય છે. ....ગુજરાતી ભાષામાં નાટકો બહુ થોડાં લખાય છે એ પરિસ્થિતિમાં શ્રી. ભારતીબહેને એક વિચારપ્રાધાન્ય નાટક રજૂ કર્યું છે તે ખાતે ધન્યવાદ.
—વિદ્યાબહેન ૨. નીલકંઠ
શ્રી ભારતીબહેનનાં બે નાટક “બે નારી” અને “ઘર—લખેાટી” સાદ્યંત વાંચી જવાનો સુભગ યોગ મળ્યો. આજના સંસ્કારી સમાજની વિભિન્ન બાજુઓને કુશળતાપૂર્વક રજૂ કરવાનો વિદુષી લેખિકાએ પ્રયત્ન કર્યો છે. પશ્ચિમના રંગમાં રંગાયેલા ભારતીય સમાજની કેટલીક કડવી—મીઠી વાતોને વણીને આમાં દંભ પણ કેવું પોતાનું વર્ચસ જમાવીને બેઠો છે એ પણ બતાવવામાં આવ્યું છે. બેઉ નાટક વિસ્તૃત ફલક ઉપર પથરાયેલાં છતાં વાચકને — અને “ઘર લખોટી” તો તખતા ઉપર પણ રજૂ થઈ ચૂકયું હોઈ, પ્રેક્ષકને પણ— સમસ્યાઓમાં વધુ અને વધુ ખેંચતાં જાય છે અને નાટકની નિર્વહણસંધિમાં ફલ નજીક મૂકી દે છે ત્યારે જ જાણે કે વાચક અને પ્રેક્ષક છુટકારાનો દમ ખેંચી શકે છે. પ્રસંગોની સાથોસાથ ભાષા ઉપર પણ લેખિકાનો ખૂબ જ કાબૂ જોઈ શકાય છે. ગુજરાતીમાં આ પ્રકારનાં જે ગણ્યાંગાંઠ્યાં નાટક છે તેમાં આ બેઉ નાટક ગણ્ય સ્થાન પામી શકે એ કોટિનાં છે એમ સ્વીકાર્યા વિના ચાલી શકતું નથી. શ્રી ભારતીબહેન આવાં વધુ નાટકો આપી ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં ઉમેરો કરવાનું ચાલુ રાખે એવી આશંસા.
—કેશવરામ કા. શાસ્ત્રી
બહુ આનંદ થયો . . આવો સક્રિય સુંદર ફાળો ... જે પ્રેમથી રંગભૂમિને એમની અમૂલ્ય મદદ આપી રહ્યાં છે તે માટે તેમને ધન્યવાદ.
—કેશવરામ કા. શાસ્ત્રી
“નટમંડળ” એક તદ્દન નવો જ નાટ્યપ્રયોગ રજૂ કરે છે. આ નાટકની ઊડીને આંખે વળગે એવી વિશેષતા એ છે કે એ કોઈ અનુવાદિત કે રૂપાન્તરિત નાટક નથી પણ શુદ્ધ મૌલિક ગુજરાતી નાટક છે. “લાવો મૌલિક ગુજરાતી નાટકો” એવી આપણા નટશ્રેષ્ઠ અને નાટ્યવિદ્યાના આચાર્ય શ્રી જયશંકર “સુંદરી”ની ટહેલને જાણે કે આ નાટક જવાબ વાળે છે. “ધ વેલ ઓફ ધ પીપલ” વગેરે અંગ્રેજી કૃતિઓનાં સુવિખ્યાત લેખિકા શ્રીમતી ભારતીદેવી સારાભાઈએ આ નાટકથી માતૃભાષાને નવાજી છે. “ઘરલખોટી” એ સામાજિક નાટક છે. સામાજિક નાટક તરીકે પણ વિશેષત: નારીજીવનના માર્મિક અનુભવો નિરૂપતું નાટક છે. વિષમ અને કૃત્રિમ સામાજિક રચનાના દંભ અને આળપંપાળો હેઠળ કચડાતા નારીહૃદયની વેદના વ્યક્ત કરતું આ નાટક છે. સ્ત્રીપુરુષના માર્મિક સંબંધમાં પુરુષનાં સ્વરૂપો ત્રણ : પ્રણયી, પતિ અને પિતા તરીકેનાં; એ જ પ્રમાણે સ્ત્રીનાં પણ સ્વરૂપો ત્રણ: પ્રેયસી, પત્ની અને માતા તરીકેનાં. આમાં પુરુષે પિતા તરીકે માતાને ઓળખવાનું – સમજવાનું બાકી રાખ્યું હોય એમ લાગે છે. સ્ત્રીપુરુષ સંબંધના સંસ્થાગત વિકાસની આ એક કરુણતા છે. પુરુષને સ્ત્રીના પ્રેયસી સ્વરૂપનો ખપ છે પણ માતાસ્વરૂપને એ પામી શકતો જ નથી. જીવનમાંથી જીવન સરજવાની સ્ત્રીની ઝંખના અને શક્તિને ભરણપોષણની સામાજિક જોગવાઈઓએ એવા કૃત્રિમ અને દાંભિક વળાંકો આપ્યા છે જેમાં સ્ત્રીનું સાહજિક સ્ત્રીત્વ અટવાઈ ગયું છે. પરિણામે ગર્ભપાતનો અથવા આત્મઘાતનો અથવા બંનેનો – ઓછામાં ઓછું આત્મવિલોપનનો માર્ગ સ્ત્રીને ગ્રહવો પડે એવી પરિસ્થિતિ છે. ... બહુ જ થોડાં પાત્રો, મર્મભેદક સંવાદો, હૈયું અધ્ધર થઈ જાય એવી કારમી પરિસ્થિતિઓ, વ્યવહારજગતમાં મનુષ્ય જે બોલે છે, જે બોલવું પડે છે તે દ્વારા પણ અંતર્ગત અર્થ પ્રગટ થાય એવી સ્વાભાવિક ઉક્તિઓ અને ‘લખોટી’ના રૂપક દ્વારા સ્ત્રીપુરુષ સંબંધની સમસ્યાઓને સૂચવવાનો પ્રપંચ — આ બધું આ નાટકના જમા પાસામાં છે. બુદ્ધિને કસે અને એકાગ્ર થવાની ફરજ પાડે એવો વસ્તુવિકાસ અને હૈયાં વલોવી નાખે એવી ઘટનાઓનાં સૂચનો, સ્મૃતિમાં છપાઈ જાય એવાં નમૂનેદાર પાત્રો અને જે પ્રત્યક્ષ નહીં પણ સૂચિત છે તેનું પણ ભારણ આ નાટકની મૂલ્યવત્તામાં ખૂબ ઉમેરો કરે છે. ... નાટકનું એક વિલક્ષણ વાતાવરણ રચાય છે, જે ખરેખર અપૂર્વ છે. પરિણામે ભાવકના સમગ્ર ચિત્તતંત્રને હલમલાવવાની વિલક્ષણ શક્તિ આ નાટકમાં રહેલી છે. લાગણીનો પ્રબળ ક્ષોભ પેદા કરનારું આ નાટક ઠેઠ સુધી રસનું નિર્વહન કરે છે. પણ એનું મુખ્ય કાર્ય તો નીતિનાં સ્વીકૃત મૂલ્યોને જીવનની વિશાળ સમજના પ્રકાશમાં ફરી તપાસવાની પ્રેરણા આપવાનું છે. એ રીતે આયોજન અને આલેખન બેઉ દૃષ્ટિએ આ નાટક ગુજરાતી નાટકના ઇતિહાસમાં નવો જ ચીલો પાડે છે.
—યશવંત શુક્લ
સંસારનું – આધુનિક જમાનાના સંસારનું — એક પાસું આ નાટક દ્વારા લેખિકાએ સચોટ રીતે રજૂ કર્યું છે... તે સૌને વિચાર કરતાં કરી મૂકવામાં સફળતા પામે છે... નવા દૃષ્ટિકોણથી મનન માગી લે છે. ... જીવનનાં અનેક પાસાં હોય છે, સારાં અને નરસાં. અમુક લેખકે અમુક પાસું જ શા માટે રજૂ કર્યું એવું પૂછવાનો કોઈને અધિકાર નથી. લેખકના મગજરૂપી “લેન્સ” ઉપર જે તસ્વીર ઝિલાઇ ગઈ, તે પ્રામાણિકપણે તેણે રજૂ કરવી રહી. ... આ શક્તિશાળી લેખિકા પાસેથી હજી ઘણું આપણને મળતું રહેશે એવી આશા સેવીએ છીએ.
—વિનોદિની નીલકંઠ
... નાટક ખરેખર સારું છે, નવી ઢબનું છે; ગમે તે સમાજને બંધ બેસે તેવું છે, અને ગમે તે જમાનાને પણ... નાટકમાં સ્થલ, કાલ અને ક્રિયાનું એકીકરણ જોઈએ અને “ઘરલખોટી”માં આ એકીકરણ છે જ.
—પ્રાણજીવન પાઠક
આ નાટકને પ્રથમ રજૂ કર્યું
ગુજરાત વિદ્યાસભા સંચાલિત
નટમંડળે
પ્રેમાભાઈ હૉલ, અમદાવાદ, ૧૫મી જાન્યુઆરી, ૧૯૫૫
દિગ્દર્શન
જયશંકર “સુંદરી”. જશવંત ઠાકર
સંગીત
નાગરદાસ અર્જુનદાસ
પાત્રસૃષ્ટિ
લલિતાગૌરી ... અનસૂયા ચોક્સી
સુંદરા ... દીના ગાંધી
કલા શાહ
સમજુ ડોશી ... રમાત્રિ વેદી
શ્રીકાન્ત ... ઉમેશ નાયક
સર શાંતિદા સમહેતા ... જશવંત ઠાકર
હાથીજી ... પ્રાણસુખ નાયક
રિક્ષાવાળો ...બાબુ પટેલ
મગનભાઈ બારોટ
નીલુબાબા ... ભરત
નિવેદન
નિયામક, નટમંડળ : શ્રી. જયશંકર “સુંદરી”.
નટમંડળની પ્રયોગાત્મક નીતિને વળગી રહી જે નવો અખતરો, “ઘર—લખોટી”, આપની સમક્ષ રજૂ થાય છે તે આધુનિક સામાજિક નાટકનો એક પ્રકાર છે. સદ્ભાગ્યે આ નાટક મૌલિક છે : ગુજરાતમાં ઉદ્ભવેલું, તાજેતરમાં સ્ફુરેલું; તથા ગંભીર દૃષ્ટિએ સમાજના એક વિકટ પ્રશ્નને આલેખતું. આપણને ચારે તરફ ઘેરી વળતી પણ શરમના અંધકારમાં ડૂબેલી સામાજિક ભૂમિકાનું ખેડાણ – જોકે એમાં ઉઠાવેલો પ્રશ્ન પ્રાયશ: પ્રત્યેક સમાજને, પ્રત્યેક વર્ગને ઓછે કે વત્તે અંશે લાગુ પડે છે. અને તે પ્રશ્ન માત્ર આજકાલનો નહિ પણ વૈદિકયુગ અને મહાભારતના સમયથી ઉપસ્થિત થયેલો : લોકજીવનને સ્પર્શતો, એને જ કોરી ખાતો. વિશ્વસમાજની એક જગજૂની સમસ્યા : સ્ત્રી, પુરુષ તથા બાળકના સંબંધની એક વિશિષ્ટ પરિસ્થિતિ; એમાંથી પરિણમતી વિકટમાં વિકટ દશા – અનેક દૃષ્ટિકોણથી, પ્રૌઢ તટસ્થ દૃષ્ટિએ આલેખાતી, તપાસાતી, ચર્ચાતી આપ જોશો. વ્યક્તિ અને સમષ્ટિને સ્પર્શતો જે વાસ્તવિક કોયડો અહીં નિરૂપાયો છે તે પરત્વે ઢાંકપિછોડો કે આંખમીંચામણાં કરવાને બદલે, આખાય પ્રશ્ને પ્રામાણિકપણે વિચારવા આ નાટક આપણને ફરજ પાડે છે. આજના નાટ્યકારનું આ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને આપ સર્વે આ નવીન કૃતિને સહૃદય બની જોશો તથા એણે પૂછેલા પ્રશ્નને યોગ્ય રીતે સેવશો એવી અભિલાષા. આ કરુણ પ્રશ્ન – સમાજિક હકીકત –નો ઉકેલ નિશ્ચિત રીતે સૂચવવાનો આ નાટકનો ઉદ્દેશ નથી. લક્ષ્ય તો આપણને વિચારતાં કરી મૂકવાનો છે; જાગૃતિ, સંવેદના લાવવાનો છે. ઈબસન કહે છે તેમ, “ નાટકકારનું કામ પ્રશ્નના ઉત્તર આપવાનું નથી, એ તો માત્ર પ્રશ્નો પૂછવાનું છે.” આર્ય વરાહમિહિરે છેક સાતમી સદીમાં પ્રશ્ન કર્યો, તે આ નાટક અંગે યાદ આવે છે : “એવો ક્યો ગુનો સ્ત્રીને આરોપી શકાય, જે ગુનો પુરુષને પણ સરખેસરખો ના આરોપાય ? શું તમે કહી શકશો કે પુરુષ સ્ત્રી કરતાં ઓછો દૂષિત છે ?” इति शिवम्.
અમર સુંદરાબાઈને :
દરેક સમાજની અનામિકા માતાને :
જોકે એમની મરણઝંખના પોતાનું નામ ભૂંસી નાખવાની.
પુરોવચન
મીરાંએ ગાયું છે : હાં રે મેરા દર્દ ન જાને કોઈ. શ્રીમતી ભારતી સારાભાઈની નાટ્યકલાએ ભારતની — વિશ્વની – નારીનાં દર્દોને સમભાવપૂર્વક વ્યક્ત કરવાનો સ્વધર્મ સ્વીકાર્યો છે મીરાં કહે છે, “શૂલિ ઉપર સેજ હમારી”; અને “ગગનમંડપમેં સેજ પિયા કી”; ગગનમંડળશાયી પ્રિયતમ પ્રભુનું સાન્નિધ્ય વાંછતી પરિણીતા નારીની દ્વિધાવૃત્તિજનિત વ્યથા એ ‘બે નારી’નું વસ્તુ—સૂત્ર છે.
નારીના ભાગ્યમાં શૂલિની સેજ ઉપર સૂવાનું નિર્માણ થયેલું છે — અનેક પ્રકારે. સ્ત્રીના સ્ત્રીત્વમાંથી, પ્રકૃતિસિદ્ધ માતૃત્વધર્મમાંથી પરિણમતી શૂલિની સેજ એ “ઘરલખોટી”ના વસ્તુનો વિષય છે.
નારીની એ વિકટ સમસ્યા કેવી છે એ, વિસ્તર થાય તોપણ, પાત્રમુખે ઉચ્ચારાયેલાં વચનોમાં જ જોઈએ : —
"દરેક સ્ત્રીનો એટલો તો જન્મસિદ્ધ હક છે : જન્મ આપવાનો.” ... “જ્યારે સમસ્ત જગતની વિરુદ્ધ જઈ સ્ત્રી તથા પુરુષ પ્રેમ કરે ત્યારે એ પ્રેમની શક્તિ કેટલી ? એનો સર્જક પ્રભાવ કેટલો — કલ્પાય છે ? અને એ પ્રેમનું ફળ, એ પ્રેમબાળક, કેટલું વહાલું — અદ્ભુત, અણમૂલું બને ? અને એનો હોમ ? પ્રેમશક્તિનો આવો વિનાશક ઉપયોગ ?"
(શ્રીકાન્ત: પૃ. ૯૬) "સ્થિતિ કોઈપણ સુધારી શકે — પોતાના સહજ પ્રેમબળે — તો તે માતા જ ! અને એમાં જ એનું પ્રાયશ્ચિત્ત."
(લલિતા: પૃ. ૯૫)
"પુરુષનો વ્યભિચાર પુરવાર કરવો એ લગભગ અશક્ય છે... અને સ્ત્રીનો વ્યભિચાર ઢાંક્યે ઢાંક્યો રહે એમ નથી."
(શ્રીકાન્ત: પૃ. ૯૪)
"બાઇબલમાં પણ એક એવી વાત છે, જૂની પુરાણી. ભરણપોષણ ખાતર ઈસાઉએ પોતાનો જન્મસિદ્ધ હક્ક વેચી નાખ્યો : માનવીનો, સ્વતંત્ર વ્યક્તિ બનવાનો. અને સ્ત્રીએ પણ એમ જ ! અનાદિકાળથી સોદો કર્યો, જન્મસિદ્ધ સ્વહક્કનો : વ્યક્તિ બનવાનો, પ્રીતિ કરવાનો, જન્મ આપવાનો, કાર્યસિદ્ધિ પામવાનો. ને તે પણ ભરણપોષણ ખાતર !!”
(લલિતા: પૃ. ૧૦૨)
આવાં સમાજક્રાંતિકર વિધાનો કરતી લલિતાના મુખમાં જ નાટકાન્તે લેખિકાએ આ શબ્દો મૂક્યા છે : “હાય, હું લખોટી છું... મારી વાસનાની.” “વાસના છે એટલે તૃપ્તિ નથી." આ નાટકમાં પણ “બે નારી” છે. બંને સમાજધર્મ અને પ્રકૃતિધર્મ વચ્ચેના વિરોધથી, “રૂઢિગત આચરણ અને સ્વતંત્ર વિચારવિહરણ — એ બે વચ્ચે મેળ ન સધાયો” તેથી ધર્મસંકટમાં આવી પડે છે : આબરૂ ખોવી કે પ્રાણ તજવા ? પતિને તજવો કે બાળકને તજવું ? સુંદરાબાઈ તરુણ વિધવા છે; લલિતા ગૃહસ્વામિની છે; બંનેનાં આવનારાં બાળકોનો જનક છે શ્રીકાન્ત – સુંદર, ગૌરવર્ણ, ઉન્નતકાય, બુદ્ધિશાળી તરુણ. તફાવત આ છે : સુંદરાબાઈ વિધવા છે, જ્યારે લલિતા સધવા છે, “પરણેલી છે, સુધરેલી છે, સુરક્ષિત છે.” બીજો પણ તફાવત છે : લલિતા બાળકીના મરણ પછી પતિ શાંતિદાસના પ્રણયસહચારથી સતત વંચિત રહેલી હોઈને અદમ્ય માતૃત્વઝંખનાથી પરપુરુષગમ્યા બની છે; સુંદરાબાઈ કામવશ બનીને સ્ખલિત થઈ છે. પ્રતિષ્ઠા ખાતર પ્રાણ તજવાનો દાવો કરનારી સુંદરાબાઈ છેવટ ગર્ભપાતનો ઉપાય અજમાવવા જતાં મરણશરણ પામે છે. લલિતાને સમાજનો ભય નથી, પતિનો ભય છે. પણ એ ભયથી વધારે અસહ્ય બને છે વંચના : “જૂઠાણાને ક્ષણેક્ષણ જીવવાનું ! એમાં ચિન્તન, સિદ્ધાંન્ત ક્યાં ?” આ વિચાર એનું અંતઃકરણ કોરી ખાય છે. લલિતા સુંદરાબાઈને અને એના આવનારા બાળકને રક્ષણ આપવાનું વચન આપે છે. પણ એમાં નડે છે સુંદરાબાઈનો પ્રતિષ્ઠાનાશનો ડર, અથવા લલિતાના પોતાના મત પ્રમાણે, લલિતાએ પોતાની પણ એવી દશા છે એવું એને ન જણાવ્યું એમાં રહેલો દંભ. લલિતા સાધારણ સ્ત્રી નથી. દંભ કે વંચના એના અન્તઃકરણને ડંખે છે. એ દોષનો એકરાર કરવાને તત્પર છે. શાંતિદાસ એને એકરાર કરતી અટકાવે છે : “ત્યારે તો કંઈ કહે ના ! મને ફરજ પાડ ના ! તારું બલિદાન ના આપ !” ત્યારે લલિતા ઉત્તર આપે છે : “તમે પણ ક્યાં બલિદાન નથી આપ્યું ? આ ઘડીએ જ — વધારે મોટું બલિદાન — પોતાના સિદ્ધાન્તમમત્વનું —મને બચાવી લેવા ! પણ મારે એવો ભોગ નથી જોઈતો — તમારા સિદ્ધાન્તનું બલિદાન !” લલીતા ગૃહત્યાગ કરવાનો મનથી નિશ્ચય કરતી જણાય છે: મરણનું શરણ એ નથી શોધતી, એથી પણ દારુણતર શિક્ષા વેઠવાની તૈયારી કરે છે— એ શિક્ષા છે મરણથી પણ મુશ્કેલ એવું જીવન. શાંતિદાસ પૂછે છે : “આપઘાત જેવું તો ના કરી બેસેને તું !” લલિતાનો જવાબ છે : “ના. મરણ કરતાં જીવવું મુશ્કેલ. હું સુંદરાબાઈ નથી.” શાંતિદાસ એને રોકે છે : “હું તને જવાનું નથી કહેતો !” અને લલિતા કહે છે : “હાથે કરીને જાઉં છું. હું સુંદરાબાઈ નથી. ઘરની લખોટી નથી.” પણ એનું એ સ્વાભિમાન તરત ઓસરી જાય છે : “હાય, હું લખોટી છું. બીજી કોઈની નહીં તો મારી પોતાની : મારી વાસનાની. બધાં ગબડાવે રાખશે. આમ અફળાઈશ, તેમ અફળાઈશ, જ્યાં સુધી — જ્યાં સુધી લખોટી રહીશ. એટલે જ મારે જાણવું છે હવે —લખોટી સિવાય કંઈ છે કે નહીં ? એટલે જાઉં છું હવે— !” શાન્તિદાસ સ્વાભાવિક રીતે પૂછે છે: “શ્રીકાન્ત પાસે ?” પણ લલિતાનો જવાબ એનામાં જાગ્રત થયેલું આત્મભાન અને ફરી જાગેલું અભિમાન સૂચવે છે : ના. ક્યાંય તૃપ્તિ નથી. વાસના છે એટલે તૃપ્તિ નથી. એક ચોકઠું નહીં તો બીજું ચોકઠું — પણ ચોકઠું જ. એમાંથી છૂટવું છે હવે !” લલિતા ચાલી ગઈ : શાન્તિદાસ બૂમ પાડતો રહ્યો; જે વહેલું કહેવું જોઈતું હતું તે મોડુંમોડું બોલ્યો : “લલિતા, લલિતા, તેં સાચી વાત કરી એ જ બસ નથી — આપણને સાથે ટકાવી રાખવા ? ભૂલ કોની નથી થતી ? પણ પરસ્પર સચ્ચાઈ — એ જ બસ નથી ? તમે શા માટે બાળકને ત્યજી દો ? હું કેમ બંને બાળકોને મારાં ન ગણું ? ના, નહીં જવા દઉં !” અને એ નીકળી ચૂકેલી લલિતાની પાછળ ધસે છે. આ પ્રશ્ન અનુત્તર રાખીને — લલિતા ક્યાં શી રીતે 'ચોકઠામાંથી' છૂટશે ? કે શાંતિદાસ એને પાછી આણશે ? એવા પ્રશ્નોમાં વાચકને ગરકાવ કરીને — નાટક સમાપ્ત થાય છે. મુખ પૃષ્ઠ ઉપર ઈબ્સનનું વચન ટાંક્યું છે : “નાટકકારનું કામ પ્રશ્નના ઉત્તર આપવાનું નથી; એ તો માત્ર પ્રશ્નો પૂછવાનું છે." શ્રીમતી ભારતીબહેને પ્રશ્ન પૂછીને ઉત્તર આપવો સમાજ માટે બાકી રાખ્યો છે. પણ “હાય, હું લખોટી છું. મારી વાસનાની” એવા લલિતાના કથનમાં ઉત્તરનું સૂચન નથી ? આ નાટકમાં સ્ત્રીની દશાના પ્રતિરૂપ તરીકે પ્રયુક્ત થતી ‘લખોટી’ લખોટીઘેલા શાંતિદાસની અનેક ઉક્તિઓમાં ઘૂસી ગઈ છે: “ન્યાયનું લખોટી જેવું છે", “માણસ અને લખોટી, બંને વચ્ચે કંઈક મળતાપણું છે." અને લખોટી સ્વ—રૂપે પણ સંવિધાનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકીના મૃત્યુનું એ કારણ છે; પિતાએ બાળકીને એ આપી એમાં માનિની લલિતાના અબોલા કારણભૂત છે; બાળકીનું મૃત્યુ અન્ય બાળકી સર્જવાની માતૃત્વઝંખના લલિતામાં ઉપજાવે છે, અને એ શાન્તિદાસથી પૂર્ણ થતી નથી — શાન્તિદાસ તો માળિયે એકલા એકલા ફાઈલો વાંચવામાં અને લખોટીએ રમવામાં જ સમય ગાળે છે તેથી — જેને પરિણામે લલિતા શ્રીકાન્ત દ્વારા ઝંખના તૃપ્ત કરે છે. અને મનગમતા છતાં અણખપતા બાળકના જન્મનો સંભવ ઊપજે છે. આ ઘટના પરંપરાના મૂળમાં છે પથ્થરની લખોટી. આમ આ નાટકમાં લખોટી સ્વ—રૂપે ભાગ ભજવે છે અને પ્રતિરૂપ તરીકે વાણીમાં પ્રયોજાય છે. સ્વરૂપ અને પ્રતિરૂપનું કલામય એકીભવન સમગ્ર નાટકમાં તો પર્યાપ્ત નથી થતું પણ નાટકાન્તે શાન્તિદાસની એક ઉક્તિમાં તો સિદ્ધ થાય છે. સુંદરા ગઈ; લલિતા કદાચ જશે; એ તકે નીલુ સાથે રમતા શાન્તિદાસ એક લખોટી ઉછાળીને દૂર હવામાં જવા દઈને બોલે છે : “ગઈ ! એક ગઈ. બીજી પણ જવા બેઠી. જોઈએ; આમ જો, તું આ બીજીને પકડી શકે છે ?” (લખોટીને બેઠકખાના ભણી ઉછાળે છે). સ્વરૂપ—પ્રતિરૂપનું અદ્વૈત છેક સુધી સ્પષ્ટાસ્પષ્ટ રહીને અંતે શાંતિદાસની આ ઉક્તિમાં સહસા સ્ફુટ થાય છે. વિશેષ કલામયતા આ વિદ્યુત ચમકાર જેવા ઉદ્યોતક ઝબકારમાં છે કે એ એકીભવન નાટકમાં સ્ફુટ રીતે વ્યાપક હોત તો એમાં હોત ? એ કલાદૃષ્ટિના વિકલ્પ તરફ કલારસિક વાચકોનું લક્ષ ખેંચું છું. નાટક ઉપર છાઈ રહેલી ઘેરી મૃત્યુછાયાનું સૂચન કબીરના “કર લે સિંગાર” એ પદના સુર—શબ્દ—ભાવથી થયા કરે છે. એ મૃત્યુગીત પ્રથમ સંભળાય છે ત્યારે શ્રીકાન્ત બોલી ઊઠે છે : “(આ) ધૂન હચમચાવી નાખે છે...યમદેવ માટે શૃંગાર ? અભિસારિકાભાવ ?...પ્રેમનો વિજય—તે આવા અન્ત માટે ? મરણશરણ થવા ?" અને એવા “પ્રેમના વિજયને” પરિણામે જ મરણશરણ પામેલી સુંદરાના શબનું ત્રીજા અંકના અવાન્તર દૃશ્યમાં, દર્શન થાય છે ત્યારે પણ આ ગીત સંભળાય છે અને વાચકના હૃદયને “હચમચાવી નાખે છે." બીજા અંકમાં શાન્તિદાસના “નહીં તો આવાં કજોડાં થાય ?" એ આત્મલક્ષી કથન પછી કૈંક સમય બાદ, નોકરો ભવાઈનો ‘કજોડાનો વેશ’ ભજવે છે, જે શબ્દસામ્યથી મુખ્ય વસ્તુતંતુ જોડે સંધાય છે, અને વાતાવરણને હળવું કરવાની યુક્તિ પણ બની રહે છે. સુંદરાબાઈને હાથે થતો ઢીંગલીઘરનો નાશ; નીલુ ઢીંગલી લઈ લે ત્યારે નોકરાણીની છોકરીની ચીસ (“સ્ત્રીની વધારે મોટી ચીસ કારણ કે એની પાસેથી તો ગયું !”); જેનું “મગજ ફરી ગયું છે” એવી સુંદરાનો “લાલ લાલ હોળી” વિશેનો પ્રલાપ : આ તત્ત્વોના ઉપયોગમાં ભાવિ સૂચનનો ઉદ્દેશ સ્પષ્ટ છે. સુંદરાની રિક્ષામાંથી “માણસનો દડો, માંસનો ગચ્ચો” મળ્યો છે એનું રહસ્ય, અને ઔચિત્ય સંદિગ્ધ રહે છે. સ્ત્રીની કરુણત્તમ દશા નિરૂપવાનો, સમાજ સમક્ષ એ કરુણ પ્રશ્ન રજૂ કરવાનો, આ નાટકનો ઉદ્દેશ છે, અને એમાં એ સફળ બને છે. પણ કલાતત્ત્વો સુભગ રીતે ઓતપ્રોત અને અનુસ્યૂત નથી બન્યાં એટલી સંવિધાનની કચાશ રહે છે. આ નાટકને ગુજરાત વિદ્યાસભા સંચાલિત નટમંડળે એક વર્ષ પહેલાં અમદાવાદમાં ભજવ્યું હતું. ઉક્તિઓના લંબાણ વિશે ત્યારે શો અનુભવ થયો એ જાણવું જોઈએ. રંગભૂમિની અપેક્ષાએ કાપકૂપ આવશ્યક તો જણાય છે.*
તા.૧૭ – ૧— ’૫૬ રામપ્રસાદ પ્રે. બક્ષી સાંટાક્રુઝ
¬¬¬¬¬¬¬¬¬¬¬¬*સામાન્ય પ્રેક્ષકગણની રુચિકોટિને અનુકૂળ થવા સુધી જવું કે નહિ એ બાબતમાં સર્જક સ્વતંત્ર છે. પ્રેક્ષકોનો અધિકાર, સ્થળકાળની મર્યાદા, નટનટીની શક્તિ એ પ્રશ્નો પ્રયોગ સમયે પ્રયોજકની સમક્ષ આવે. અર્થાત્ મૂલ ‘સ્ક્રિપ્ટ’ સર્જકના મનોભાવને, દર્શનને, ચિંતનને પર્યાપ્ત વ્યક્ત કરવા પૂરતી લાંબી હોય; પ્રયોગ—યોગ્ય ટૂંકાણ પ્રયોજક કરે કે કરાવે; એ દૃષ્ટિ સાચી છે. જોઈએ એટલું કે મૂળ સ્વરૂપમાં નાટ્યોચિતતા, રંગભૂમિક્ષમતા હોય. એ આ નાટકમાં છે.
ઘરલખોટી અંક ૧
(ઉપલા માળની અગાશીના છેડે વરસાદ માટે રાખેલ ઠેઠ નીચી પાળ ઉપર સુંદરાબાઈ મૂર્તિવત્ બેઠેલાં નજરે પડે છે; લમણે ડાબો હાથ મૂકી, એક ઢીંચણ પર બીજો ટેકવી. પૂનાની સાદી—સુતરાઉ પણ શોખથી ઓઢી હોય એવી રંગીન સાડીનો કચ્છો મરાઠા ઢબે પગ પાસે પથરાયેલો છે. નથી કપડાં—ઘરેણાંનો ઠસ્સો કે રંગ—પાઉડરનો છાંટ લેશ; તો ય આકારમાત્ર એવો સપ્રમાણ તથા સ્થિર કે તેમના તરફ જોતાંવેંત ધ્યાન ખેંચાય. મુખ ઘાટીલું, અમલશ્યામવરણું; અંબોડો ભરાવદાર ને એવી જ કાળીભમ આંખો વિશાળ, નિશ્ચલ. કાયા ફૂલથી નમેલી લાંબી ડાળખી જેવી હલકી હલકી છતાં કમર સીધી, શિર ઉન્નત. કપાળે ચાંલ્લો ન મળે. પગ ખુલ્લા. ઉંમર પચીસથી વધારે ન લાગે. અગાશીમાં બે ત્રણ મોટાં રંગબેરંગી રમકડાં છૂટાંછવાયાં પડ્યાં છે. ત્રણ ચાર વર્ષનાંને વિનોદવા લાયક નવોનકોર ઝૂલતો ઘોડો, લાકડાનું એન્જિન તથા ભાંગ્યુંતૂટ્યું પૂતળીઘર. પાળની જમણી તરફ, છેક આગળ, નીચેથી ઉપર આવવાનાં પગથિયાં ડાબી તરફ અગાશી પૂરી થતાં બેઠક—ખાનાના આગલા ભાગનો ઈશારો. સળંગ ખૂલી શકે એવું તથા સાધારણ રીતે ખુલ્લું રખાતું 'પાર્ટિશન' અને આખાને પડદા; કાચના કબાટમાં મઢેલાં માનપત્ર, વિશિષ્ટ વસ્તુઓ, છબીઓ; ખાખી ખોળ ચડાવેલા 'સોફા—સેટ', રેડિયોગ્રામ; પાછલી બાજુએ ટેલિફોન. સમાજના મધ્યમવર્ગને અને વિશેષે કરીને એમાં થઈ ટોચ પર તરી આવેલી ગણીગાંઠી વ્યક્તિને સૂચવતું મકાન. અંદરથી અદૃષ્ટ બાળક નીલુનો ઉત્તેજિત ઘાંટો સંભળાય છે : “મૂકી દે, આ તારી બેબી ! ચાલ, જવા દે તારી ઢીંગલી – છોડ, છોડ, નહિ તો ઝૂંટવી લઈશ !” અને એક છોકરી રડવાની તૈયારીમાં હોય એમ “નકો, નકો, માઝી ડૉલી” – ની ચીસ પાડે છે.) સુંદરા : (અવાજ કાઢ્યા વિના, સ્વસ્થતાથી આજ્ઞાર્થે) નીલુ – બાબા ! દુષ્ટ છોકરો જ એમ ઝૂંટવી લે બિચારી છોકરી પાસેથી ! (ઘોંઘાટ શાંત થઈ જાય છે. દૂબળો, આધેડ વયનો, ગામડામાંથી નોકરી કાજે શહેર ભણી ખેંચાઈ આવેલો ગરાશિયો હાથીજી અંદરથી નેતરની ખુરશીઓ લાવીને ગોઠવે છે. જજ સાહેબના લાલ કટિબદ્ધ પટાવાળાના વેશમાં એ ઠીક કઢંગો દેખાય છે.) હાથીજી : (મળતાવડી રીતે) વાહ, વટ છે વટ પૂણેનાં સુંદરાબૈનો. જનમથી ખુરશીમાં બેઠાં રહેતાં હોય એમ પગ પર પગ ચડાવી બિરાજ્યાં છે, બાઈ શા’બ ! (બાઈ પગ ખસેડી લઈ, આગળથી છેડો સરખો કરે છે; હસતાં કે બોલતાં નથી એટલે ગરાશિયો મજાક કરવાનું મૂકી અધિકારવાળા અવાજે) શું થયું છે, તમને ? સુંદરા : (ચમકી, અસ્વસ્થતા ઢાંકી) કંઈ નહીં. હાથીજી : હાંક મારીએ તો હાજરી કેમ પૂરતાં નથી ? સુંદરા : કારણ અમે વડોદરેની આયા નથી. જોઈએ તો બાઈ સાહેબને પૂછો. હાથીજી : (ગભરાઈ) એવું કે’દી કહ્યું – સુંદરા : હાથીજી, પરપુરુષ સાથ અમથી કામ વિનાની વાત અમને પસંદ નથી.
હાથીજી : (સકટાક્ષ) એમ... ચ્યારથી ? (માઠું લગાડી) બાઈ માણસ, અમારે કામ હાથે કામ હમજ્યાં કે ની’ ? “શુપરવાઇઝ” કરવાનું એ અમારું કામ, હમજ્યાં કે ની’ ?
સુંદરા : (આડું જોવાનું ચાલુ રાખી) ત્યારે કામની વાત કાઢોને, માસ્તર, ગામઠી સાફો મૂકી આ પટાવાળાના વેશમાં બહુ શોભો છો તે ! ! હાથીજી : ભલેને તમને બાબા સોંપાયા હોય અને “ગવર્નેશ મેમ”ની જેમ બાઈ શા’બ હાચવી—પંપોળીને કામ લેતાં હોય — તમને દેશી બાઈલોગને પણ શેકન્ડ કલાશમાં ચડાવ્યાં, પોતાની ઊતરી ગયેલી રેશમની હાડીઓ આપી, જરા ભણેલાં રૂપાળાં રહ્યાં – એથી મોટા નગરશેઠાણી – અમદાવાદનાં પણ નથી થઈ જવાતું, હમજ્યાં કે ની’ ?
સુંદરા : કોને થવું છે અમદાવાદનાં ! આપણું તો આ મુંબઈ સારું. હાથીજી : તો મુંબઈનાં ય તે લેડી બહાદુર શેઠાણી તમે નથી, હમજ્યાં કે ની’ ?
સુંદરા : ગરીબ સ્ત્રીને પણ આબરૂ છે; શેઠાણીની જેમ જ. આ સુંદરાબાઈ પણ આબરૂના કાંકરા થાય તે પહેલાં મોત પસંદ કરશે. હાથીજી : એમ... સુંદરા : પુણેનાં પાઠારે પરભુ સુંદરાબાઈ મુંબઈના શેઠીઆના ઘરમાં જેવાતેવાની હાહાહીહી ચલાવી લે તો જવાનિયા અમારું માન ના રાખે. હાથીજી : (ગગન ભણી આંગળી ચીંધી, આકાશભાષણવત્) બાઈ માણસે ઝાઝી વાત ના કરવી. પણ આદમી જોઈને વરતીએ. બધાં જવાનિયા નથી. સુંદરા : (ખેદ સહિત, કંટાળી ગઈ હોય એમ) એ તો ભલા એ જાણે અને એમનું દિલ જાણે ! શા મોંએ તમે, આવા જૂના માણસ છો તો એ – હાથીજી : હવે રહેવા દો એ આડીઅવળી વાત. આમ જુઓ. બાઈશા’બ બિચારાંને પેટમાં ફિકર રહ્યા જ કરે છે. હમણાંથી તમારો જીવે ઠેકાણે નથી ! અને બાબા બરાબર સચવાશે ? આજ સવારે જ મને બોલાવ્યો’તો, તમારી બાબત તમામ પૂછપરછ કરવા, “હિંન્ક્વાયરી” — સુંદરા : (છેલ્લા શબ્દોથી જ ધ્યાન પૂરેપૂરું ખેંચાતું હોય એમ એકાએક આંખ ચમકાવી, ગળું કાયમની જેમ ટટાર રાખી, સવાલ કરનારને બારીકાઈથી ભાળે છે. ઠંડે પેટે) પૂછપરછ.. શાની ? અમે કંઈ ચોરી કરી છે ? હાથીજી : સીધેસીધો જવાબ દો. તમને કશામાં ય ચેન કેમ પડતું નથી ? તબ્યત બરાબર નથી ? સુંદરા : શા પરથી ? (આંખ કે અવાજ કોઈ પ્રકારે ભાવવાહી નથી.) હાથીજી : અગર તો કંઈ ભારે ગોટાળો... (હાથથી પેટ જેવો આકાર કરી, સૂચક રીતે) બૈરાં માણસની વાત ! આપણે હાથ જોડ્યા, બાપ – નહિ તો શું થયું છે ? સુંદરા : (ઠંડા મિજાજે) શું થયું છે ?
હાથીજી : કંઈ બોલો તો હમજ પડે – આ રોજનાં રોજ નાટક મૂકી ! આ તો ચૂંએ નહીં અને ચાંએ નહીં. (સામેથી જવાબ નથી) ઠીક ત્યારે.. જોઈ લઈશ.( (ધમકી દર્શાવતો બાઈ તરફ પગલાં ભરે છે. અટકી, ઓરડા તરફ નજર કરી) બાઈ શા’બ છે કે ? (સુંદરા માથું ધુણાવી ના પાડે છે.) એટલે જ.. અને નીલુ બાબા ?
સુંદરા :બીજે ક્યાં ? અંદર ઘાટીની છોકરી સાથે. હાથીજી : ઘરમાં મા ન મળે, બાપ ભૂલેચૂકેય મોં દેખાડે ના, બાબા અંદર ફાવે તેમ કરે અને તમે અગાશીમાં ચંદરવો ચડાવો ! ચડાવો, ચડાવો, તમારી ય ચાંદની છે બે રાતની ! ચડાવો ! (સૂગ સાથે) ને ઊલટીઓ જેવું થૂંક્યે રાખો ! હા, હોજ ભરો, આ દુકાળ છે તે ! સુંદરા : હવે સમજ પડી. પાન ચાવીએ અમે ને રીસ ચડાવો તમે; તમારે ભોંયપોતાં મારવાનું તે, પટાવાળાના પટા પહેરી ! એ તો પાનમાં જરા વધારે તંબાકુ કોઈ વાર–
હાથીજી : રોજ રોજ તંબાકુ વધારે પડી જતા હશે !
સુંદરા : બળ્યું, આ રેશનનું અનાજ– હાથીજી : અમારે ય પેટ છે, ચતુર બાઈ. અમને કંઈ થતું નથી. સુંદરા : ના રે ભાઈ, તમને તે ક્યાંથી કંઈ થાય ? એટલો જ ફરક છે, બૈરાંના અવતારમાં ને આદમીના. હાથીજી : (ધર્મીલા સંતોષ સહિત) ઈ વાત હાચી, હોળે હોળ આની. બળ્યો તમ બૈરાંનો અવતાર ! બાઈ માણસનું પાપ ઢાંક્યું ઢંકાય ના. (સમર્થનમાં સ્વર્ગલોકનો અંગુલિનિર્દેશ કરી) એવો ની’મ છે. સુંદરા : (હોઠ કરડી) કામની વાત કાઢો, માસ્તર.
હાથીજી : યાદ રાખજો : આ છેવટની વાર ચેતવું છું તે. વેળાસર ચેતો તો. તમારું ચિત — ક્યાં ક્યાં ફરતું ફરે છે ? સાહેબલોગનું એકનું એક છોકરું – એક આ નીલુ બાબા જ રહ્યા... હવે. ને રહેવાનું ઉપલે માળ. આમથી તેમ કૂદકાભૂસકા એ મારે. તે દિવસ બારીની કોરે જઈ બેઠા પોતે એકલા એકલા, પાસે ક્વિનાઈનની શીશી. મારું તો કાળજું જ ઠંડું પડી ગયું; પગ જ ના ઊપડે ! ધારો અકસ્માત બને – અચાનક એકાએક – એ બીજી વાર –એને પણ – આ બીજા છોકરાને ! એ પછી મને ધ્રાસકો જ પડે. બાબા પણ કંઈ ગળીબળી બેઠા તો – નાનાં બેનની જેમ ! એ નાનકડો જીવ કેમ જાણે ભુલાતો જ નથી... એ છેવટના વખતનું ગરીબડું મોં – સફેદ પૂણી જેવી બાળકી, દમ લેવા ફફડતી – રિબાઈ, રિબાઈ...
સુંદરા : (એકાએક આવેશમાં આવી જઈ) એ કંઈ મારો ગુનો થયો કે – મને સંભળાવવાનો કંઈ અરથ ? હાથીજી : હેં બાઈ, હવે કંઈ થયું તો શા મોંએ જવાબ દેશો ? એક વાર ગફલત થઈ ગઈ અને જીવ ગયો નિર્દોષનો. એટલાથી ચેતતાં નથી ને – સુંદરા : એ તમે ખોટું પકડીને બેઠા છો – તમે જ એકલા ! ને સંભાર સંભાર કર્યા કરો છો – તમે જ એકલા ! હાથીજી : પણ બાળકી તમને સોંપી’તી કે બીજા કોઈ ને ? સુંદરા : શીદને ટોંક ટોંક ! કહી કહીને થાકી – કે તે દિવસ મારે ગુરુની રજા હતી – હું હતી પણ નહિ છેલ્લા દિવસે ! હાથીજી : પણ પહેલાંનો ગોટાળો પેટમાં પડ્યો હોય તો છેલ્લો દિવસ આવેને ? એ તો મરવા કાળે જ ભાળ થાય. સુંદરા : (અર્ધસ્વગતવત્) ના. જીવ મરે પછી જ જગતને ભાળ થાય; એટલી નિરાંત છે.. જે કાળે મૂએલાંને ભાન નથી, જે વીત્યું તેનો શોચ નથી, કશાની જ પડી નથી. એ તો મોટી દયા છે – તમારી નહિ, ભગવાનની. હાથીજી : બાઈ માણસ, ગજબ છો તમે. વાતે પાકકાં, કામે કાચાં. સુંદરા : અરે પણ જીવતાંને શા સારુ રિબાવો છો ? યાદ આપી આપી ? વારે વારે વહેમાઈ ? સાહેબ સુધ્ધાંએ આવું આળ મૂક્યું નથી, મારે માથે —
હાથીજી : ઓહો, એમાં તે શી મોટી નવાઈ ? પોતે રહ્યા અદાલતના વડા જજ. ખાતરી વિના મોં ખોલે જ ના. નહિ તો એમને જ માથે પડે, પાછો પોલીશનો કેશ થાય તો. સુંદરા : બાળકીની મા સુધ્ધાંએ મારું નામ લીધું નથી, કોઈ દી’ નહિ ! હાથીજી : ઓહો, એમની તો વાત જ કરશો મા. અમારાં લલિતાબહેન બિચારાં .. એવાં ભોળાં કે પોતાનો જ વાંક કાઢે ! પણ ત્યાર પછી એમનું નૂર .. અડધું અડધું થઈ ગયું. માનું મન તો મા જાણે. સુંદરા : (અનુભવજન્ય કડવાશથી, લાગી આવ્યું હોય એમ) મા જ જાણે. તમે નહિ—પુરુષમાત્ર નહિ : ના જાણો. હાથીજી : ત્યારે અમારે ય છોકરાંછૈયાં નહિ હોય ! સકો ને બકો ને ટકો, અમથી ને નથી જોઈતી તે તમકુડી – સુંદરા : બાપને પડી નથી. (અર્ધસ્વગતવત્) પણ જે મા પોતાનું લોહી રેડી રેડીને જીવતર અરપે, તે માનો હાથ જ કેમ ઊપડે, નાનકડો જીવ ફેંકી દેવા ? (મુખ ઢાંકી દે છે.) હાથીજી : (પીગળી) અવળો અરથ મા કાઢો, મારા હમ. આ નાનકડો જીવ તમને સોંપાયો છે તો એન જીવનતોલ જાળવો. એટલો જ સાર. સુંદરા : (સગૌરવ) મારે ય રતન જેવી દીકરીઓ છે. હાથીજી : નામ પણ નાનીનું રતન છે, ના ? સુંદરા : (વેંત વેંત ફુલાઈ) રત્નાવતી. જૂના વખતની રાણી પરથી. ખરા હીરા જેવી, એટલે રત્નાવતી. હાથીજી : એમ.... છોડી હાવ તમારા જેવી છે. સુંદરા : એના કાજે તો મેં ફરી લગ્ન ન કીધાં. નહિ તો બીજોએ ઘરવાળો મળત સારેસારો ને સાંજસવાર મેડીએ બેઠી બેઠી પાન વાળતી હોત. ઘેર બધાં છે, મા ભાઈ, પણ અમારું માન સાચવવા – અમે સારા ઘરનાં કહેવાઈએ. હાથીજી : (પોતે ઘણા જ શામળા છે.) તમે આવાં રૂડાં રૂપાળાં રહ્યાં — તમને તો અચ્છો ફાંકડો ભાયડો મળ્યો હશે ! સુંદરા : (નીચું જોઈને, ઘડીક પછી) ઘર સારું મળ્યું.. નાની છોકરી મારા જેવી જ છે ! .. હા, સારામાં સારું ઘર મળ્યું કહેવાય. હાથીજી : (સંતુષ્ટ થઈ) એટલે ઈજ્જત જાળવો છો. (સુંદરાબાઈ હવે પ્રસન્ન લાગે.) પુણેનાં સુંદરાબૈ પણ ભલાં એમનું જોબન સાચવી રહ્યાં છે, આ મુંબઈ માયાપુરીમાં. સુંદરા : તમે ય મારી રત્નાવતીને જોતા હશો. શનિવાર પેઠમાં મારી મા સાથે રહે, નિશાળે ય જાય, ફરાક પહેરે, જાણે મોટા ઘરની છોકરી; કોઈ તફાવત ના જાણે. હાથીજી : તફાવતની તો મોટી થશે ત્યારે ખબર પડશે. માટે મોટા ભાઈની માફક હમજાવું છુ કે બાઈ માણસ છો તો સાચવીને વરતો. સુંદરા : દરેકને જીવ વહાલો છે. (વધારે વાત લંબાવવી ન હોય એમ) દસ વાગ્યા. બાબાનું “ મિલ્ક –શેક”... હાથીજી : (ચાળા પાડી) “ મિલ્ક–શેક, મિલ્ક—શેક !” વટ છે, વટ ! છેવટ પુણેનાં સુંદરાબૈનો ! આવડત વધી ગઈ. અશલનાં “ગવર્નેશ મેમ” સરીખી. સુંદરા : (ધીમે રહી) એવી આવડત શા કામની ? હોંશેહોંશે બધું શીખીએ ને તે પોતાનાં પેટનાંને જ કામ ન આવે ! (ઊઠી, માથા પરનો છેડો છટાથી ખેંચી, અંદર જવાની તૈયારીમાં હોય છે ત્યાં નીચેથી દાદરનાં છેલ્લાં બે પગથિયાં એકી સપાટે વટાવી શ્રીકાન્ત ઉત્સાહી ચાલે પ્રવેશ કરે છે. એની ચકોર આંખ બધે પહોંચી વળતી હોય તેમ ચોતરફ નજર ફેંકે છે. તેમાં ય સુંદરાબાઈ વિશેષ ધ્યાનનો વિષય લાગે; કારણ ઊભો રહી જઈ ગંભીરતાથી એમને નિહાળે છે. બાઈ પણ જતી જતી થંભી જાય છે. નવો આવનાર કદાવર, ગોરો, વિચારશીલ દેખાતો પાંત્રીસેક વર્ષનો કુલીન પુરુષ છે. એણે હાથવણાટનાં સફેદ લેંઘો—પહેરણ, કોકટી રેશમનું ‘જવાહર જાકીટ’ અને પઠાણી ચંપલ સફાઈથી પહેર્યાં છે. પોતે મોહક રીતે ખૂબસૂરત છે પણ એ વિશે ભાન અથવા ગર્વ હોય એમ જાણવા નથી દેતો; બલકે શ્રીકાન્ત તો સમૂહ—આકર્ષણ, જનતા પરનો પ્રભાવ, સમગ્ર વ્યક્તિત્વ દ્વારા ખીલવવામાં માને છે. બુદ્ધિપ્રધાન ઉપરાંત મુખરેખા તથા બાંધા પરથી શોખીન લાગે—અને શ્રીકાન્ત જેવો ઉદ્દામવાદી, સમાજસુધારકમાં ખપતો, શોખો નહિ જ માણતો હોય એમ કેમ કહી શકાય ? કહી શકાય આટલું જ માત્ર : કે ભોગવિલાસ તથા એશઆરામથી જે વ્યય અથવા તો સ્થૂલતા જણાવા માંડે છે, એવી અસર આજ સુધી તો નથી. એ પ્રકારના અસુંદર વિકાર દેખાવા ના પામે એટલા પૂરતી કાળજી તો તે રાખે જ; નહિ તો શ્રીકાન્ત નહિ. એની જરીક પાછળ, લગભગ શ્રીકાન્તના ઉમ્મરની તથા એને ઘણી રીતે મળતી આવતી સ્ત્રી ચાલી આવે છે. બન્ને વચ્ચેનું સરખાપણું ખાસ ધ્યાન ખેંચે એવું; એટલે તો એમના વ્યક્તિત્વમાં જે કંઈ જુદું પડે છે તે સવિશેષ તરી આવે. ફેર એટલો જ કે લલિતાગૌરીમાં ઉત્સાહને બદલે ચંચલતા અને ધ્યાનને સ્થાને કંઈક કંટાળા જેવું દેખાય છે. હમેશ એવાં ન પણ હોય; અત્યારે તો આ મનોદશા છે. વળી, આજનો પ્રસંગ કંઈ જેવો તેવો નથી. એટલે નવાઈ ન લાગે જો સવારે ઊઠતાં જ લલિતાને સૂઝયું હોય કે અસ્વસ્થતા ઢાંકવા, કપડાંલત્તાં પર જરા વધારે ભાર મુકાય તો સારું પડશે. ને આ ઘડીએ એમની શોભા જોતાં કહેવું જ જોઈએ કે ઉદ્દેશ પાર પાડ્યો છે. દક્ષિણનું મેઘધનુષ જેવું રેશમી પોત ગુજરાતી ઢબે ધારણ કર્યું છે. ન જણાઈ આવે એવી કુશળતાથી રમણીય શૃંગાર—સામગ્રીનો લાભ કોમળ મુખને આપ્યો છે. વધારામાં સોનાનાં મારવાડી ઘાટનાં કંકણ, હાર અને બુટ્ટી; લલાટે સુસ્પષ્ટ સૌભાગ્ય—ચિહ્ન; પગમાં મોજડી; માથે વેણી. બહાર સહેલ કરી આવી હોય એમ હાથમાં નાનકડી ‘બેગ’ અને નાજુક છત્રી.)
લલિતા: (ઉપરના પગથિયા પાસે જ અટકી ગઈ, દાદરાથી થાક ચડ્યો હોય એમ) હાશ.. હાંફ ચડી ગયો.
શ્રીકાન્ત :(હજી સુંદરા તરફ તાકીને જોઈ રહેલો; લલિતાને લહેરથી ટકોર કરતો) આટલામાં જ કે ? લલિતા : (પાછળથી) તમને શી ખબર, અમારી !.. લાવો, મારી શાલ. શ્રીકાન્ત : (લલિતા આવી પહોંચે છે એટલે સુંદરા પરથી નજર ખેંચી લઈ, હાથીજી તરફ જાય છે. હસતો ને મિલનસાર, કાર્યકર્તાઢબે ગરાશિયાને ખભે થાબડતો) કેમ, હાથીજી, શું નક્કી કર્યું ? તમારી બૈરી તો અમારા પક્ષને જ વોટ આપવાની ને તમે હા—ના કરતા રહી જવાના ! (હાથીજી મલકે છે) તમને લોકોને વોટ તો છે ને હવે ? હાથીજી : (ધર્મિષ્ઠ વદને, આસમાન ભણી આંગળી ધરી) મેં ક્યારની અરજી નોંધાવી છે, ઉપર. બાકીના નોકરલોગ ફરિયાદ કરે છે કે અમારી પાસ કોઈ આવતું કેમ નથી, ભાષણવાળામાંથી ? ભટ્ટ મહારાજ ખબર લાવ્યા કે કૉંગ્રેસ વોટ દીઠ દસ દસ રૂપિયા આપે છે ને અમને તો કંઈ મળ્યું નહિ ! શ્રીકાન્ત : (લાક્ષણિક રીતે ખડખડાટ હસી) તે કૉંગ્રેસ શું દાનવીર બને ! પણ.. મહારાજ પણ ખરા મારવાડના ! (સવિનોદ ઝૂકી, પોતાની સાથે આવેલી સ્ત્રીને એની શાલ આપતો, એને ઉદ્દેશી, ટોળસહિત) લલિતા, સાંભળ્યું ? કેટલી ય ગામની બાઈઓ વોટ આપવા જવાની સાફ-સાફ ના પાડે છે. ને મારે ય ધર્મસંકટ ઊતર્યું હોત, જો આ દેશમાં સ્ત્રી—અવતાર લીધો હોત તો ! કારણ તમને લોકોને પૂછ્યા કર્યા વિના તમારાં નામ જ બદલી કાઢ્યાં, તમારાં કૉંગ્રેસ ફોઈબાએ ! (હાથીજી તરફ જોઈ) નવા રજિસ્ટરમાં એ બધીઓ નોંધાઈ ગઈ ધણીના નામે, અંગ્રેજી રિવાજ પ્રમાણે. તમારાં “મિસિસ હાથીજી” કે ફલાણાનાં “મિસિસ ઘોડીદાસ.” કોઈ કહેશો, સરકાર માબાપને તે ફોઈબાનું કામ કોણે સોંપ્યું ? ક્યાંથી સૂઝયું ? વળી માના નામે ઓળખાવાનો એ ગામડાનો જૂનો રિવાજ શું ખોટો હતો, હં ? બલકે એને તો ‘રૅવોલૂશનરિ’ ગણી શકાય, ક્રાંતિકાર : નવયુગદર્શક, આગામી સ્ત્રીયુગનું પ્રતીક. (લલિતા તરફ ફરી) પતિદેવનું પૂછડું થઈને શું વધારે મળ્યું, તમને બધાંને ? હું તો કહું કે પૂછડું થવાનો વખત ગયો—ગયો. પણ કોઈનું પૂછડું થવું જ હોય તો કામધેનુ જેવી માતા, જન્મદાતા, શું ખોટી ? ખરેખર, પ્રોફેસર લલિતા ! સ્ત્રીહક્કના હિમાયતીઓની પહેલી ‘ટેક્સ્ટ–બુક’ તે બે હજાર વર્ષ પૂર્વે લખાયેલું “મહાભારત.” એમાંથી ફણગા ફૂટવા દો, સ્ત્રીસંસ્કાર તથા સુધારાના. લલિતા : (ચર્ચાથી કંટાળતી હોય એમ) અરે, મારા પ્રોફેસર, કોણે ‘મહાભારત’ વાંચ્યો; મારા તમારા સિવાય ! કોઈ કહે તો સારું—આ બધાંમાંથી. શ્રીકાન્ત : (લલિતાના કટાક્ષથી ખસિયાણા પડ્યા વિના, ઘરના બેઉ નોકરો મુગ્ધ બની સાંભળી રહ્યા છે એમની તરફ વક્તાસુલભ છટાથી ફરી, ભાષણ કરવાનો સ્વભાવ બની ગયો હોય એમ) જુઓ, તમે લોકો પણ આ સમજો — હું સમજાવું, સાદી ભાષામાં. ફેંસલો તો તમારે કરવો રહ્યો; જનતાએ. ને મુકાબલો અમારે; “વિથ ધ ડમ્બ મિલિઅન્સ.” સંદેશો તો ત્યાં પહોંચાડવો રહ્યો — પચાસ હજાર ગામડાંમાં. (લલિતા આંટા મારે છે.) જુઓ; સાંભળો. “મહાભારત”ના વખતમાં આપણી બહેનો આજ કરતાં આગળ હતી. ક્યાં ય આગળ. યૂરપ—અમેરિકા કરતાંય ! જે બધું ધાંધલ તોફાન તમે સિનેમામાં જુઓ છો, એ તો છોકરવેડા, ધમપછાડા. (રંગમાં આવી) ક્યાં દ્રૌપદી, કુન્તી, ચિત્રાંગદા.. શકુંતલા સુધ્ધાં—અને ક્યાં (મોં બગાડી) મિસ ગ્રેટા ગાર્બો, મે વેસ્ટ, રીટા હેવર્થ ! અહા, આપણી નારી તો ઘણી વધારે સ્વતંત્ર, નિર્ભય, સ્વાશ્રયી. પોતપોતાની રુચિ, સ્વભાવ, સંજોગ અનુસાર જીવન ઘડવા, પ્રયોગો કરવા છૂટ ધરાવતી. આઠ જાતના તો વિવાહ હતા— લલિતા : (અધિરાઈથી) લોક સમજે તો તો સમજ્યા, ભાષણની તસ્દી લેવાનો અર્થ. ખરેખર, આપણા હાથીજી સમજે તો નવાઈ—આવું સાદું ભાષણ ! શ્રીકાન્ત, સ્ટેશન પરથી સીધા આવ્યા છો, તે ચ્હા પીવી છે કે નહીં ? વખત બહુ ઓછો છે. હાથીજી, તમે હમણાં ને હમણાં—અમને ચાપાણી તો આપીને સ્તો—એક મીટિંગ બોલાવો; આપણો બધો “સ્ટાફ,” ત્રણ નોકરો અને એક માળીની. અને આ જે બોધ સાંભળ્યો તે સાદી ભાષામાં સમજાવો. “એનાઉન્સ” કરજો કે મોડેથી બધાંને બસમાં ભરી વૉર્ડસભામાં મોકલવાની ગોઠવણ કરી છે. ત્યાં ઠીક રહેશે, શ્રીકાન્તભાઈનું ભાષણ ! શ્રીકાન્ત : (લાડથી લલિતાનો હાથ પકડી લેતો) અરે, મારે તો કોઈ પણ બહાને તને ભાષણ આપવું હતું, સમજી ? પણ સાંભળવા જેટલી મહેરબાની કરો ત્યારેને ? લલિતા : (સસ્મિત) સાંભળ્યું, બહુ સાંભળ્યું. ‘વર્ડ્સ,વર્ડ્સ,વર્ડ્સ,’* બુદ્ધિવાદ વાક્છલ ...(સુંદરા તરફ ફરી) સુંદરાબાઈ, એક મિનિટ. સભામાં તમે ન જાઓ તો સારું, બાબાને મૂકી. શ્રીકાન્ત : (સુંદરા પ્રતિ, સદ્ભાવથી જોતો) કેમ બહેન, મારી બીજી મીટિંગમાં આવવું ગમે ? લલિતા : (સુંદરાને) બાબો શું કરે છે ? રડ્યો’તો, જરાયે ? શ્રીકાન્ત : (સુંદરાને) તમને મારા વિચારો કેવા લાગે છે ? સ્ત્રીપક્ષના ? લલિતા : (મિજાજથી હાથ—ઘડિયાળ તરફ નજર રાખી) હું તો જાઉં છુ, અંદર, ચ્હા પીવા. (બાળકને બોલાવતી) નીલકુ ! વહાલકો મારો ! (કંઠમાં સહજ મીઠાશ આવી જાય છે. બાલિશ ચાળા પાડતી) મન્નો, મન્નો ...(ઉત્કંઠ બની ઝડપથી બેઠકખાનાની અંદર થઈ ચાલી જાય છે.) શ્રીકાન્ત : (સુંદરાને ઉદ્દેશવાનું ચાલુ રાખી) કંઈ બોલો તો ખરાં ! હાથીજી : બાઈ માણસથી તે બોલાય ? શ્રીકાન્ત : બોલાય; બોલાય. સ્ત્રીઓની જીભ તો આકાશ—પાતાળ બધે ફરી વળે ! ચાલો, અહીં ને અહીં જ કસોટી કરીએ, કોણ કોની તરફ છે. બોલો બહેન — (હાથીજીને, પ્રશ્નાર્થે) એમનું નામ સુંદરાબાઈ, હં ? ઠીક. *શેક્સપિયરના “હૅમલેટ” નાટકમાંથી : ‘શબ્દો, શબ્દો, શબ્દો’; અર્થાત્ પોલી શબ્દજાળ. સુંદરાબાઈ ! સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને, પોતાના આદમી તરફનું સુખ મળે યા ન મળે, એ વાત બાજુએ રાખીએ. એ તો ઠીક. કારણ લગ્નનું કંઈ કહેવાય નહીં. પ્રેમ આમે જવલ્લે જ થાય અને સુખ ઘણા ઘણા સંજોગો પર આધીન. પણ સુખિયણ કે દુખિયણ, માને પોતાના બાળકની માયા તો લાગવાની — લાગે જ, ખરુંને ? એમાં કંઈ ના છે ? તમારો જ દાખલો લો. સ્વપ્ને ય તમે પોતાના અસહાય બચ્ચાને મૂકી દો ? મૂકી શકો ? તમે જ કહો —
(બાઈ ક્ષોભ પામેલાં, અનિશ્ચિત લાગે છે. મૂક રહે છે. કદાપિ મહેમાનની આમન્યા જાળવતાં હોય !) એટલું ય નથી કહી શકતાં ? એટલું ય નથી સમજાતું, સ્ત્રી થઈને ?
હાથીજી : (મજાકમાં) એટલે જ હમજાય. (સુંદરા અર્ધપ્રશ્નાર્થે હાથીજી તરફ આંખ ચમકાવે છે.) એમને ય રતન જેવી છોકરીઓ છે તે... રત્નાવતીઓ. શ્રીકાન્ત : (છટા ભેર કડકડાટ) તો પછી બહેન, તમે રગેરગમાં જાણો, હરેક માની લાગણી, પ્રત્યેક માતાનો ભાવ. આમ છતાં રોજ રોજ છાપાંમાં મોટાં મથાળાં વાંચીએ છીએ, લોહી ખરડાયેલા અક્ષરે, નાનાં નાનાં બચ્ચાં ગટરમાં ફેંકી દીધેલાં, ટ્રેનમાં ગૂંગળાવી નાંખેલાં, કટકા કટકા કરી ઇસ્પિતાલની કચરાપેટીમાં સંતાડી રાખેલાં. (અર્ધવિરામ.) બાળહત્યા — ખૂન અધમમાં અધમ — પણ કોને હાથે ? (વિરામ.) માને હાથે. (બીજો અસરકારક વિરામ.) કારણ ? એનો વિચાર સુધ્ધાં કર્યો તમે ? એટલું ય પૂછ્યું, કે કોને વાંકે ? માને વાંકે ? નહીં જ. નહીં, નહીં ! અત્યારના કાયદા, અત્યારનો સમાજમત, શું ન્યાય પ્રમાણે છે ? પુરુષ માટે એક ન્યાય — અને સ્ત્રી માટે બીજો ન્યાય ! નહીં તો આવાં અકુદરતી ખૂન — થઈ જ કેમ શકે ? શા માટે વિચારી શકે એવી સ્ત્રીઓ પોતે જ નથી ઉઠાવતી બળવાનો ઝંડો ? શા માટે બીજી અસહાય બહેનોને નથી બતાવતી સાચો રસ્તો ? ક્યારે આગળ પડશે કોઈ વીર નારી ? ક્યાં સુધી સહન કરી લેશો, આ પુરુષે રચેલા સમાજે તમારા માતા તરીકેના જન્મસિદ્ધ હક પર હજારો વર્ષોથી ચલાવેલો ઘોર અન્યાય ? ક્યાં સુધી, મૂંગે મ્હોંએ, રડતી આંખે ? (હાથીજી તરફ નારાજ નજર કરી, હાથ એકાએક પછાડી, નાનો દૈત્ય દેવચરણ નીચે કચડાઈ જમીનદોસ્ત પડ્યો હોય એમ તેને વધારે દબાવી) લાગવા દો, આમના જેવાને આઘાત. પોકારવા દો કે વાત સાવ વાહિયાત. નોંધવા દો અરજ ઉપર કૈલાસમાં — કૈલાસપતિ એમનું રક્ષણ કરો ! (સુંદરા પર સૌમ્ય દૃષ્ટિપાત કરી, હસ્તકમલ મુદ્રાવત્ ઉઠાવી, પતિત અહલ્યાને ઉદ્ધારતો હોય એમ નવજીવન સિંચી) ઉઠો, દેવીઓ ! વાચાળ બનો અને કરી બતાવો. ઘોષ કરો, સારા ય જગતને — સ્ત્રીહૃદયની વેદના; તમારો સાચો અભિપ્રાય. સાચી વાત તો એક જ હોય. સત્યનારાયણ દ્વિમુખા નથી. એક પ્રચંડ જવાબ આપવા દો, એક એક બહેનને, સમૂહઘોષણાથી. સ્ત્રી ગરીબ હો કે તવંગર હો, આ દેશની હો કે બીજા દેશની હો, એમાં શો ફેર પડે છે, મા તરીકે ? સ્ત્રીએ, સ્ત્રી તરીકે જ, પોતાનો જીવનપ્રશ્ન વિચારવાનો છે અને ઉકેલવાનો છે. વળી હવે તો તમને, હરેક સન્નારીને, વોટ મળ્યા. ભાગ્યવિધાતા તમે જ. કેવું ભાગ્ય ઘડશો ? ક્યાં સુધી તમારી માતૃભાવનાનો અનાદર, સ્ત્રીત્વનું અપમાન — ક્યાં સુધી— લલિતા : (અંદરથી બૂમ પાડતી) ચ્હાનું શું થયું ? બાઈ ક્યાં ગયાં ? (હાથીજી ચ્હા લાવવા જાય છે. સુંદરા ઝડપથી બાબાનો સામાન, બૂટ રૂમાલ વગેરે ભેગા કરી અંદર જવા જાય છે ત્યાં શ્રીકાન્ત એમને બોલાવે છે; એમની પાછળ ધસી, દરવાજાની વચ્ચોવચ એમનો પ્રવેશ રોકી.) શ્રીકાન્ત : (આગ્રહભર્યા અવાજે) સુંદરા ! સુંદરા, જરા, એક મિનિટ ! (ચારે બાજુ નજર કરી, એકાંત જોઈ, બાઈ સંકોચ મૂકી છેક પાસે આવી જાય છે. હવે જ એના પરથી કૃત્રિમતાનો પડદો સાંગોપાંગ ખસી પડે છે. હવે જ મૂર્તિ મટી વેગ પકડે છે, આવેશથી ધબકે છે. પોતે જાણે કશાક સારુ અકથ્ય ઉત્કટ ભાવે યાચના કરતાં ન હોય !) સુંદરા : ના, ના ! એક મિનિટ નહિ ! વધારે, વધારે ! શ્રીકાન્ત : (આકર્ષક સ્મિત કરી, આંગ્લ રીતે ખભા ચડાવી) સમય સર્વસ્વ ? એ આપું ? સુંદરા : (પોતાને ઉદ્દેશીને) આપો જીવનદાન ! આ જીવને બચાવો ! (એના હાથ જોડાઈ જાય છે, આજીજી ભરી રીતે.) શ્રીકાન્ત : આ શું ? મને તે હાથ જોડાય ? મેં તો મશ્કરીમાં જ કહ્યું’તું, ‘એક મિનિટ’. બધાં વચ્ચે તમે જાણે મને ઓળખતાં જ ન હો એવું નાટક કર્યું, એટલે મારા કીમતી સમયની એક મિનિટ આપી ને માગી. સુંદરા : એટલાથી કંઈ ના વળે ! આરો જ ના આવે ! સમય કાઢવો જ પડશે ! આપો સહાય, સાચા દિલની પૂરી સહાય—ખરે વખતે. (શ્રીકાન્ત આશ્ચર્યચકિત બની જોઈ રહે છે એટલે) શું કહું.. અહીં, ખડેચોક.. શ્રીકાન્ત : (માયાળુ રીતે) પાછું મારું કામ પડ્યું, હં ? (વિચારતો હોય એમ) જુઓને.. સાંજની સભા પહેલાં કાર્યકરોને ન મળું તો ખોટું લાગે. તે પહેલાં પ્રેસ કૉન્ફરન્સ. (માથું ધુણાવતો) આજ તો મુશ્કેલ છે—મિનિટ તો શું, મિનિટનો અંશ પણ — એકલાં, નિરાંતે મળવું હોય તો. હા, સભા પછી બને, દરિયાકાંઠે કોઈ જગ્યાએ — અરે, પણ રાતની ગાડીમાં જ ડિસ્ટ્રીકટો માટે — સુંદરા : પછી જવાનું રાખો — બે દિવસ પછી — શ્રીકાન્ત : એમ તે ચાલે ? એકેએક મિનિટનો પ્રોગ્રામ ઘડાઈ ગયો છે. લલિતાબહેનનો પણ. સુંદરા : (હતાશ, અસહાય ભાવે) ત્યારે તમે પણ પડખે નહિ હો.. કોઈ નહિ. શ્રીકાન્ત :‘નૉનસેન્સ’ ! કેવી વાત — તદ્દન વાહિયાત ! સુંદર, મારું માનો. લલિતાબહેનને કહો. કરવા જેવુ બધું કરશે. હા, એમને કહો. સુંદરા : (અસંમતિ દર્શાવવા, નિશ્ચયાત્મક રીતે માથું હલાવી) બહેન કહે છે ખરાં, પણ જો કહેવા જઈએ તો કાઢી મૂકે — એક ઘડી ઘરમાં સંઘરે નહિ. શ્રીકાન્ત : (ચિડાઈને) હું એમને એળખું — તમે નહિ ! એ તે વિશાળ દિલનાં, ઉદાર વિચારવાળાં છે. એમનાં ભાષણો તમે નથી સાંભળ્યાં ? સુંદરા : ભાષણોનો શો ભરોસો ! શ્રીકાન્ત : મારા કાર્યકરો જ કહે છેને, કે કેટલાંને ય મદદ કરે છે, છૂટે હાથે, પૈસાની. સુંદરા : (તિરસ્કારથી) પૈસાની ! એટલું તો બહેન પણ કરે. એટલા માટે હું હાથ જોડતી આવું, તમને ? લલિતા : (અંદરથી) આવો છો કે, શ્રીકાન્ત ? શ્રીકાન્ત : (અધીરો બનતો) ના, ના, કેટલા જેઈએ ? (પૈસાનું પાકીટ કાઢી બાઈના હાથમાં મૂકે છે. સ્ત્રી એને તુચ્છકારતી હોય એમ પાછું વાળે છે.) ખોટું ન લગાડો, સુંદર. આપણે ગઈ દિવાળીએ નર્મદાકાંઠે અભ્યાસવર્ગ ખોલ્યો’તો, (અવાજ ધીમો કરી) એવી નિરાંત જોઈતી હોય તે હમણાં જરા થામી જાઓ. (આંખ નચાવી) અવસર મળી રહેશે, ચાર મહિનામાં જ — સુંદરા : (હબકી જઈ) ચાર મહિના ... શ્રીકાન્ત : કેમ, અધીરું ગાભરું ! ચાર મહિના કંઈ બહુ કહેવાય ? સુંદરા : (પોતાની માગણી અગત્યની, અનિવાર્ય છે એવે અવાજે) તે પહેલાં મને બચાવવી પડશે ! હમણાં જ — પછી ના પણ બને. શ્રીકાન્ત: (નાખુશીથી) કેટલી વાર કહ્યું ! અ.. શ .. ક્ય છે.. ઉનાળા પહેલાં. સુંદરા : (સખત ફટકો પડ્યો હોય એમ સાવ ઢીલી પડી જઈ, અર્ધસ્વગતવત્) તો .. તો આ ઉનાળો ન પણ નીકળે. શ્રીકાન્ત : (એકદમ ગુસ્સે થઈ જઈ) શું — આપઘાતની ધમકી આપો છો ! મને ? (પ્રત્યુત્તર નથી. આઘાત પામી સ્ત્રી ખસી જાય છે.) લલિતા : (જેવી ગઈ હતી તેવી જ અચાનક બહાર આવી) નીલુ તો સૂઈયે ગયો, બિચારો. ત્યારે બહાર બેસીએ. થોડા જ દિવસ રહ્યા, આવી ગુલાબી ઠંડીના. (ખુરસીમાં પડતું મૂકે છે. બાઈને) હવે બાટલીમાં દૂધ આપી દેજો. અને ત્યાં જ બેસજો. (સુંદરા જાય છે.) શ્રીકાન્ત : (પોતે પણ પાસેની ખુરશીમાં આરામથી ગેઠવાઈ) બાઈને મદદ જોઈતી લાગે છે. લલિતા : પાછી ? સવારે તો અઢીસો રૂપિયા માગ્યા. ને આપીયે દીધા મેં. પૂછ્યા કર્યા વિના. કોણ માથાફોડ કરે ! શ્રીકાન્ત : બાઈસાહેબનો આટલો મિજાજ કેમ, આજ ? લલિતા : (બન્ને એકલાં પડ્યાં છે એટલે છૂટથી પણ લાલિત્યથી નારાજ મનોભાવ વ્યક્ત કરતી) તમારો ધંધો જ થઈ ગયો છે — બીજાંને ભાષણ આપવાનો ને એ બહાને મને સંભળાવી દેવાનો ! ચીડ ન ચડે ? શ્રીકાન્ત : (પટાવતો હોય એમ) લલિતા, લલિત લવંગ લતા ! આપણે અહીં એલ્ફિસ્ટનમા હતાં અને એક અદ્ભુત સ્ત્રીની આત્મકથા સાંપડી — તેં જ ભેટ આપી હતી — (નામ યાદ કરતો હોય એમ) નૃત્યમાં ક્રાન્તિ લાવનાર, કલાકારના અંગત જીવનની સચ્ચાઈ તથા સ્વતંત્રતા માટે સરફરોશી કરનાર — હા, ઈઝડોરા ડન્કન ! બરાબર ! ત્યારથી હરતાં ને ફરતાં હું આઝાદ સ્ત્રીનો વિજયધ્વજ ફરકાવું છું. (ગણગણતો) ‘ડંકો વાગ્યો રણ — વૈયાં બૈરાં જાગજો રે...’ (એકાએક ગુજરાતી ઢાળ મૂકી, ઘેરા આકર્ષક કંઠે બંગાળી ગીતની અર્ધલીટી લલકારતો) ‘જૉલે, સ્થૉલે, આકાશ–પાતાલે...’ લલિતા : (ગંભીર બની) તમારે મન મશ્કરી છે. મને ફાળ પડે છે. શું કહું—ત્રાસી ત્રાસી જાઉં છું—(હાથીજીને ચાની “ટ્રે” લાવતાં જુએ છે એટલે આંખથી શ્રીકાન્તને અણસારો કરી, કુશળતાથી વાત ચાલુ રાખે છે.) એટલે જ તમે નથી હોતા ત્યારે થાય છે.. થાય છે કે આ બધાં નવા વિચારોમાં હું ખરેખર માનું છું ? કોણ જાણે. . . શ્રીકાન્ત : કોણ કહે છે, વિચારો નવા છે ! મલબારમાં ત્રિયારાજ નથી તો શું છે ? અનાદિકાલથી... (આમ કહેતાં કહેતાં વાત બદલવાના આશયથી ઊઠી, બેઠકખાના તરફ જઈ, પડદા ખેંચી ડોકિયું કરતો) કેવું નવાઈ જેવું — લલિતા : (હાથીજી ગયો એટલે ઊર્મિથી) પણ ક્યાંય ઊડી જાય છે ભય, તમને નજરે જોઉં છું ત્યારે—અત્યારે— શ્રીકાન્ત : નવાઈ નહીં ? તારા ઘરમાં આ પહેલી જ વાર મેં પગ મૂક્યો. લલિતા : (અસ્પષ્ટ અસંતોષ ફરી તરી આવતો) મારા પિયરઘરમાં ય તમે પગ મૂક્યો ન હોત, જો સગા ન હોત તો ! એક વાર થયેલું અપમાન તમે મનમાંથી કાઢવાના નહીં — કદી નહીં. શ્રીકાન્ત : (વિચારતો હોય એમ; સગર્વ) અપમાન ? કોઈને હાથે આ શ્રીકાંતે અપમાન ખમેલું યાદ નથી. અપમાન..શાનું ? લલિતા : હા, કોણ જાણે શાનું ! તોયે એનો દંશ સાચવી રાખવાના ! શ્રીકાન્ત : (હજી વાત ઉડાડવા) હું એવો વેરીલો હોત તો આપણી દોસ્તી તાજી કરત ? દસ વર્ષે ! ને સ્ટેશનથી સીધો તમારા બે પર ‘કૉલ’ કરવા શા માટે આવત ? લલિતા : એ તો હું માન મૂકી તમારા અભ્યાસકેન્દ્રમાં આવી એટલે. શાંતિદાસ રોટરીકલબ માટે અમેરિકા જવાના હતા તેનો લાભ લઈ. શ્રીકાન્ત : (ખુશ થતો) લાભ લઈ ! મને જ મળવું હતુંને ? એ બહાનું હતુંને, ‘સોશ્યલ વર્ક’નું ? લલિતા : (દિલગીર થઈ) બહાનું તો નહિ. દુનિયા જેમ જોતી ગઈ તેમ મને પણ લાગતું ગયું કે આપણે જીવી જાણતાં જ નથી. નાનપણનો ઉલ્લાસ—એ અવનવો પ્રાણ રૂંધાઈ જવા દઈએ છીએ. સંકડાઈ જકડાઈ ગયાં છીએ, કશાકના ચોકઠામાં—કોણ જાણે શેના ! એટલે રીતરિવાજ નવેસર વિચારવા તો જોઈએ જ.... પણ—પણ એ તો મેં નમતું મૂક્યું ત્યારે જ તમે— શ્રીકાન્ત : શું થાય ! મહમ્મદ કૈલાસને નમે નહિ, ને કૈલાસથી વળાય નહિ. લલિતા : અને તો એ તમે અતડાને અતડા રહેત, જો મેં નિખાલસપણે કબૂલ્યું ન હોત—(સંકોચ પામી અટકી જાય છે.) શ્રીકાન્ત : કે તારા પહેલાંના વિચારો ભૂલભર્યા હતા; સ્ત્રીપુરુષ વિષેના. એમાં શરમવાનું શું ? લલિતા: બધું અસ્પષ્ટ હતું. હોય જ.. ભૂતકાળ. …. શ્રીકાન્ત : (સહેજ આવેશથી, લાગી આવ્યું હેાય એમ) ભૂતકાળ.. વહી ગયેલો કાળ, કાળ જેવો ખૂંચે છે, આ૫ણને બન્નેને, હજી, લલિતુ ! લલિતાઃ પણ મારું સાંભળો—હવે હું એવી રહી નથી, નહીં જ ! મારી અનભિજ્ઞતા કહો કે સમાજના ઢાંકપિછાડાથી આંખ બિડાયેલી હતી એમ કહો; ને વધારામાં સુખસંપત્તિ મળવાથી આંખો ખોલવાની જરૂર પડી ન હતી— શ્રીકાન્ત : હશે, જે કંઈ હોય તે, પણ તે તને પછી સૂઝ્યું. અને એટલા વખતમાં મારા જે કંઈ અભિપ્રાયો—સ્ત્રી વિષે, સમાજ વિષે — બંધાવાના હતા તે પાક્કા થઈ ચૂક્યા. લલિતા : (આશ્ચર્ય પામી) એટલે.. તમે આવા થઈ ગયા છો, તે મારે કારણે ? શ્રીકાન્ત: મુખ્યત્વે. જે હૃદયપલટો હું ઝંખતો હતો તે થીજી ગયો. હા, વખત વહી ગયો. લલિતા : ખરેખર ? જો એમ હોય તો તે વખતે તમે લગ્નની તો વાત જ કાઢી નહોતી ! ઊલટું તે વખતે પણ જાણે.. (સરળતાથી) જાણે તમારે પ્રેમ કરનાર કોઈ જોઈએ એવું જ, એટલું જ. શ્રીકાન્ત: (સકટાક્ષ) ‘એટલું જ’ ? હવે તો તને નથી લાગતુંને કે ‘એટલું જ!’ (વિરામ) એટલું જ કહી વિરમીએ. લલિતા : અરે, શ્રીકાન્ત, તમે એટલું ય ન સમજ્યા. નહોતા સમજી શક્યા તે વખતની મારી અવસ્થા ને હજી એવી જ ભૂલ કરો. વીસ વર્ષની ભણતી છોકરી, સંજોગવશાત્ સુરક્ષિત રહેલી —તેને આવું પ્રૌઢ ખુલ્લેખુલ્લું વર્તન કેવું લાગે ? અ ..રુ.. ચિ જ થાય. શ્રીકાન્ત : (કહેવાની રીતમાં વિજયનો, આંખોના ચળકાટમાં દ્વેષનો ધ્વનિ સૂચવાઈ જતો) અને હવે ? રુચિ—રુચિકર ! લલિતા : પ્રેમ હતો તો દરગુજર કરવું જેઈતું'તું તમારે. સ્ત્રીનું મુગ્ધપણું કંઈ હંમેશાં મુગ્ધપણું રહેત ? શ્રીકાન્ત : (સખ્તાઈથી) અજાણ હોઈએ તો જાણકારની સાખ કબૂલ રાખવી. તેં મારું માન્યું તો નહીં, ઊલટું છેડાઈ પડી. આપણું ખાનગી રાખવાને બદલે, કહેવાતી બહેનપણીઓ સામે મારી દરખાસ્ત ભરડી નાખી. વધારામાં તેં નહિ પણ સર શાંતિદાસે મને ઉડાવી દીધો એવી માન્યતા ફેલાવા દીધી; એમનાં ઊંચા ઊંચા નૈતિક—ધાર્મિક ન્યાયાસન પર સ્વામિદેવ સાથે પોતે બિરાજી ! (ઊંડો દમ ભરી) આ ટેવ તારી ભયંકર છે : સામાન્ય ચર્ચા ખાતર પોતાની જાતને ઉઘાડી પાડી દેવાની—અંગતમાં અંગત સવાલ બાફી નાખવાની ! કોઈને કોઈની પડી નથી. હજી પણ એ જ ટેવ તને ભારે પડશે—યાદ રાખજે ! લલિતા : (સ્મરણ કરી. વિચારતી હોય એમ; અર્ધપ્રશ્નાર્થે) એવું તે શું કહ્યું હશે . . કે આમાં આપણે બે જુદાં પડીએ છીએ. શ્રીકાન્ત : એ તો સંજોગોને લઈને; પણ સ્વભાવે ? લલિતા : કોણ જાણે, પોતાના જ સ્વભાવ વિષે જાણતાં કેટલી વાર થાય છે. . પોતાને શું રુચશે તે. શ્રીકાન્ત : ત્યારે શું ન્યાયમૂર્તિ શાંતિદાસ ને તું એક બીબાનાં છો ! ! લલિતા : (આવેશભર્યા સંતાપ સાથે) પોતાની જાતને ન જાણવાથી ભૂલ—ભૂલસહસ્રના ફણગા ફૂટે છે. ને એ ફણગા જીવન લગણ ટકવાના. રસકસ ચૂસી લેવાના. વિષવૃક્ષ. એકનો અનાદર, બીજાનો સ્વીકાર. પછી અવિચારી વાત, મિથ્યાગર્વથી સંતોષ મેળવવાનો. વિષવૃક્ષ જ. શ્રીકાન્ત : (ઠંડો પડી) કંઈ નહિ હવે. હવે શું થાય ! લલિતા : પણ અર્થ સમજ્યા વિના, બિન—અનુભવથી જે પગલું ભરાઈ જાય એની સામે આટલું ઝેર ? ક્યાં સુધી વેર … મારો નીલુ તો એવું ઘણુંઘણુંયે કરે, જેને હું હાલતાં ને ચાલતાં ગળી જાઉં. એની ભૂલમાં મારો દોષ જોઉં. મારી જાતને સુધારું પણ એનું છોકરમત કરી કાઢી નાખું. ભાવની આડે લેશમાત્ર ના આવવા દઉં. મારી નાનકડી બાળકીની સાથે પણ એમ જ. શ્રીકાન્ત : બાળકી ? લલિતા : (નિરાશ થઈ જઈ) તમને ખબરે નથી ! શ્રીકાન્ત : બતાવે ત્યારેને ? ક્યાં છે ? લલિતા : (ઘડીભર અનુત્તર રહી) તમને પરવા છે ? તમારાથી અલગ એવું જે કંઈ મારું હોય પણ મારે માટે જીવનસર્વસ્વ ? શ્રીકાન્ત : શા પરથી આવા આક્ષેપ ? હું ખુશીથી સામેલ થઉં. માત્ર..વખતનો સવાલ . . કામની જવાબદારી. તારે સમજવું જોઈએ. લલિતા : (મુખ્યત્વે પોતાને ઉદ્દેશી વિચારતી હોય એમ) મારે સમજવું જોઈતું'તું..પહેલેથી જ. શ્રીકાન્ત : એમ ખોટું ના લગાડ ! લલિતા : (પહેલાંની જેમ, સ્વગતવત્) સમજવું જોઈતું’તું. . . હું પહેલાં આવી, નર્મદાકાંઠે તમારા કેન્દ્રમાં; બાબો થોડા દિવસ પછી—એ જ મોટી ભૂલ થઈ. શ્રીકાન્ત : શાની વાત છે ? લલિતા : ને બીજી મોટી ભૂલ. . . નીલુ આવી પહોંચ્યો અને એની સામું તમે જોયું સુધ્ધાં નહીં— ત્યારે પણ મને ચેતવાનું ન સૂઝ્યું ! શ્રીકાન્ત : છોકરો તારો છે એવી ખબર ન આપે તે મારો વાંક ? પારકાનો વાંક ? લલિતા : પણ મોટાંઓની છાવણીમાં એકનો એક બાળક—એકાએક આવી ચડે ને ધ્યાન જ ના જાય ? તો ય તમને સૂઝ્યું નહિ પૂછવાનું, કે આ કોણ ? કોનો ? નજર સરખી નહીં, કંઈ નહીં તો કુતૂહલની ! ઊલટું તમારાં નવાં ચેલી સુંદરાબાઈમાં વધારે રસ –મને સમજાતું નથી. .. શ્રીકાન્ત : (સસ્મિત) ખોટું તો મારે લગાડવાનું. બચ્ચાકચ્ચાને મારામાં રસ નથી. પણ એનું શું થાય ? લલિતા : પણ તમારા સુરતના ઘરમાં તો આવતાંવેંત નજરે પડે એવી આરસની મૂતિં પડી રહે છે. તમે બે વર્ષના હતા, ચમત્કારિક બાલકૃષ્ણ, તેની. શ્રીકાન્ત : (ખડખડ હસતો) એ તો દાદીમાને ખુશ કરવા : શ્રીકાન્ત ‘ધ ચાઈલ્ડ પ્રૉડિજિ.’ લલિતા : હશે. મારું ધ્યાન તો આમે આકર્ષાત; અહેતુક, કોઈ પણ બાળ તરફ—અને તમારો હોત તો તો વિશેષે .. (પૂરા ધ્યાનથી શ્રીકાન્તના મનોભાવ પારખવા જોઈ રહે છે. આંખમાં મૂક યાચના પણ રહી છે.) શ્રીકાન્ત : તેં મને ક્યાં દુષ્યન્ત થવા દીધો કે ભરત વિશે હવે ઠપકો આપવા બેઠી છે ! લલિતા : (વિલક્ષણ રીતે) થવા દીધા હોત તો.... એ તમારું બાળક હોત— આપણું બાળક તો ? શ્રીકાન્ત : (ભવાં ચડાવી) મને નથી લાગતું કંઈ ખાસ ફેર પડત. ના, સાચે જ ! (પોતાના ખરા ભાવ પ્રગટ કરતો) તું માનીશ ? હું એવો જ —પહેલેથી જ ! મારી સર્જનશક્તિ કદાપિ બાળકથી ન સંતોષાય. ઊલટું બાળક તો એ શક્તિ રૂંધી નાખે—જે શક્તિ પૂરજોસ સફળ થવા મથે : સંશોધનમાં, જનસેવામાં; જેનું પ્રત્યક્ષ ફળ હું નયે જોવા પામું પણ લાભ લે ભવિષ્યની પ્રજા; વારે વારે મારું પુણ્યસ્મરણ કરી, મને સાચું અમરત્વ અર્પી. એ તો આશ્વાસન: માનવસમાજ ચાલ્યા જ કરવાનો, જોકે સામાન્ય વ્યક્તિ નાશ પામવાની; હોમાઈયે જવાની. મને તો સંતાન પોતાનું, ખાસ પોતાનું જોઈએ એવી સ્ત્રીઓની ઝંખના સમજાતી પણ નથી; કે પુરુષોનો વંશવિસ્તાર તથા વારસદાર વિષેનો પ્રાકૃત ખ્યાલ. (લલિતાનું મોઢું સાવ પડી જાય છે; જાણે હમણાં જ રડી જશે) તારા જેવી પૂર્ણ સ્ત્રી ઉત્તમ પરિપાક ઇચ્છે તે સમજી શકાય; જોકે મને કંઈ એવી ઊર્મિ ન થાય એ પણ સમજી શકાય.. આવા સંજોગોમાં. (ઉત્તર નથી) ખોટું લાગ્યું ? શા માટે ? દંભ શા કામનો—ને તે પણ તારી સાથે ? લલિ ‘ડાર્લિંગ', આમ જો. (એનું મુખ ઊંચું કરે છે.) તને કંઈક ખટકે છે : બાળકો વિષે, ખરું ને ? તો ચાલ, પ્રથમ એનું નિરાકરણ કરીએ. પહેલાં તો મને આ બાળકી વિષે કહે. મને કંઈ જ ખબર નથી ! ક્યાં મોકલી છે ? (લલિતા આંસુ લૂછે છે.) બેબી બીમાર છે ? કોઈને દત્તક આપી છે ? દેખાતી કેમ નથી, આ ભેદી બેબી ? લલિતા : (સ્વગતવત્) આની આગાહી થઈ હતી મને . . પહેલેથી. શ્રીકાન્ત : (લાડ કરી) ના, એમ નહિ. સ્વગત બોલો તે ના ચાલે—સમજાતું નથી. આખી વાત કર. હમણાં જ એનો ભાર ઉતારીએ. લલિતા : (અર્ધપ્રશ્નાર્થે) તમને બધું કહેવું કે નહીં . . . શ્રીકાન્ત : એવું હોય ? લલિતા : તમે શો અર્થ કરશો. હવે શો અર્થ કહીને. . અર્થ વિનાની વાત ? પણ તે વખતે જ હું ભાનમાં કેમ ના આવી ? તે વખતે જ મારી આંખ ઊઘડી કેમ ના ગઈ—ઉઘાડી કેમ ન દીધી તમે ? અત્યારની જેમ, ચોખ્ખેચોખ્ખું સંભળાવી દઈ— (કરુણ ભાવે) ખરે, મને આગાહી થઈ હતી, પહેલેથી જ—તે વખતે જ, ઉન્માદક પુનર્મિલનમાંયે ! તે દિવસે તમે મારા બાળકનો અનાદર કર્યો ત્યારે મને મારો જ અનાદર લાગ્યો. ત્યારથી હું જાણતી હતી . . કે મારું સ્થાન નથી, મા તરીકે, તમારી બુદ્ધિમાં. તે ઘડીએ જ અત્યારના ભણકારા વાગવા લાગ્યા. જોખમની લાલ બત્તી જોકે દેખા દે છે તો એકાએક, આંખના એક પલકારામાં, પહેલેથી જ— પણ ચેતવું નથી હોતું ! મારાથી મનાયું જ નહીં . . કે ત્રાસદાયક ભૂલ થઈ ગઈ હોય . . આફતની ખીણ જોતજોતાંમાં ઊઘડશે, બીજી અભાગણીઓ જેવી જ મારી દશા થશે ! મારી પણ ! એવું પોતાને થાય, થઈ શકે—મન જ માનવા તૈયાર નથી ! (શ્રીકાન્ત પૂરો ગૂંચવાયેલો, નારાજ દેખાય છે. લલિતા શાંત થઈ જાય છે, ઊંડા વિચારમાં ગરકાવ. એકાએક ઊંચું જોઈ, પુરુષ પર તીક્ષ્ણ દૃષ્ટિપાત કરી, સ્ત્રીસુલભ વાક્પ્રહાર કરે છે.) હવે સમજી : તમે ખરેખરું વેર લીધું ! ને તે ખરે વખતે ! કહે છે કે વેર જીવતાં લગણ યાદ આવે—પણ આ તે મરતાં મરતાં ય યાદ રહી જાય ! આહ … (વિરામ. શ્રીકાન્તને આઘાત લાગે છે. આ અણધાર્યો આક્ષેપ અણુઅણુમાં અપમાનવત્ સાલે છે. સખ્ત ખોટું લાગ્યું હોય એમ એ એકદમ ઊભો થઈ જાય છે, કાયમની વિદાય લેવાના એકમાત્ર ઉદ્દેશથી. લલિતા ભાન ભૂલી એની તરફ ધસે છે. એનો હાથ પકડી લઈ, પોતાની છાતીસરસો દાબે છે; આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. દ્રવી જઈ, મૃદુભાવે સ્ત્રી—ઉદ્ગાર કાઢે છે.) ના, ના .. એવું શું કરતા હશો ! જૂનું વીતી ગયું– ભૂલી જાઓને ! હું તો ભૂલી જાઉં એવી છું ! હું તો પસંદ કરું ભૂલવાનું ! શ્રીકાન્ત : (અવાજ ધીમો કરી, ભાવથી) ને હું.. સંભારવાનું— (ઉત્તપ્ત અનુરાગપૂર્ણ ચુંબન લલિતાને હસ્તે કરી) તને ! આ મુંબઈથી દૂરદૂર નર્મદાતીર, એક વડની ઠંડી ઘટા, ચંદ્રે તારા પર પાડેલી જાળી... ઓ, લલિ, વેર કરવા માટે પણ બે જોઈએ. જેટલું પાસે અવાય એટલો તો આવ્યો છું. લલિતા : (મંદ સ્વરે) ક્યાં આવો છો ! ત્રણ ત્રણ મહિના વીતી ગયા. તપાસ નહિ, કાગળ નહિ. ચૂંટણી નિમિત્તે આવવાનું થયું. રાતે તો અહીં હશો પણ નહીં ! શ્રીકાન્ત : પણ તેં નાહકનો તાર કેમ કર્યો ? સેક્રેટરી બેક્રેટરી ફોડે તો શું ધારે ? મારે આવવાનું તો હતું જ, મોડું કે વહેલું. (લલિતા જવાબ દેતી નથી; ફરીને એનામાં દ્વંદ્વ ચાલતું હોય એવી મુખમુદ્રા થઈ જાય છે.) હં.. આપણે નજીવી સરખી લડાઈ થઈ ગઈ એટલે બોલતી નથી ! લલિતા : વિચાર થાય છે.. કહીને શો ફાયદો ? શ્રીકાન્ત: ત્યારે તાર શા માટે ? લલિતા: સાચેસાચ શંકા થાય છે . . કુશંકા. શ્રીકાન્ત : તું આવી કેમ થઈ ગઈ છે ? આટલામાં જ ! લલિતા : પહેલાં ફાળ પડતી હતી. હવે સૂઝ પડતી નથી, કશાની. શ્રીકાન્ત : ચિંતા કોને નથી ? આમ વખત શું બગાડતી હઈશ ? ચાલ, એક ઘડી ભૂલી જા— (ઉમળકાથી લાડ કરતો) લલિતા, લલિત લવંગ લતા ! લલિતા : (ભાવથી) શું છે.. બોલો. શ્રીકાન્ત : તમે બોલો. અજાણ્યાંની જેમ નહીં ! મારું નામ શું ? લલિતા : કાન્ત.. શ્રીકાન્ત : ના, આખું નામ ! લલિતા : કમનીય કંઠમણિ કમલાકાન્ત... શ્રીકાન્ત : (રાચતો) કમલાકાન્ત .. શ્રી કોણ ? મારી લક્ષ્મી ? (તેજસ્વી આંખ સુવિશાળ કરી, સ્ત્રીને પૂર્ણદૃષ્ટિથી ધરી રાખે છે. તત્ક્ષણ એનામાં પ્રસન્નતાની લાલી ઝળકી ઊઠતી જુએ છે.) પોતામાં શ્રી હોય તો કાન્ત માટે વસવસો શા માટે ? એક વાર પૂર્ણતા જાણી એટલે એ પોતાની જ થઈ ગઈ ! પછી શાની ન્યૂનતા ? શાનું દૈન્ય ? ગત સમયનો શોચ કેવો, જેને કાળ નથી ? પ્રેમનો પડછાયો કેવો, જેને છાયા નથી ? એ હર્ષોન્માદ, સ્વપ્નસિદ્ધિ — આવશે હજી ફરી, નવી નવી પૂર્ણતા ધરી, ક્ષણે ક્ષણે અવનવી— (હસી પડે છે; જાણે પોતાની જ મશ્કરી કરતો ન હોય એમ ! કવિમય છટા મૂકી, રોજની વ્યવહારુ ભૂમિકામાં અવતરણ કરી) અર્થાત્ સાદી ભાષામાં : લહેર કરીશું, “ડાર્લિંગ” ! આ ઉપાધિ પૂરી થાય એટલે તરત ! લલિતા : (આશા પ્રગટતી) સાચે જ ? શ્રીકાન્ત : ત્યારે નહીં ? મારી આ પાર્ટી સાથેની ઉપાધિ પતવાની જ; ચૂંટણી પત્યે. લલિતા : (મૂળની નિરાશા ઉછાળો મારતી હોય એમ) હાય, તમે આંધળા છો ? કામ સિવાય બીજી ઉપાધિઓ નથી માણસને, જીવંત માનવીને—લાગણીની—પ્રાણ રૂંધતી ? તમને લેશ માત્ર ખ્યાલ નથી ? પરિણામ તરફ ધ્યાન નથી ? કે પછી તમે આંધળા છો ! જાણીબૂઝીને આંધળા—હજીયે—
(બેઠકખાનાનું બારણું પછડાય છે. લલિતા ચોંકીને અટકી જાય છે.) કોણ છે ?
(સુંદરાબાઈ પર આંખ પડે છે. પાછળ, એમની તરફ દૃષ્ટિ કર્યા વિના, માથું આડું કરી, હાથ વતી છેડો તાણતી વાટ જુએ છે.) પાછું શું થયું વળી ? સુંદરા : (મક્કમ રહી) બાઈસાહેબની પાસ ત્રણ દિવસની રજા માગવા આવી છું. (લલિતા ચિડાઈ જાય છે.) આજ બપોરથી જોઈશે. લલિતા : આ તે કંઈ રીત છે ! તમને ખબર નથી કે મારે બહારગામ ગયા વિના ચાલે એમ નથી ? મારી તબિયત બરાબર નથી ? શ્રીકાન્ત : (સુંદરાની હાજરીનો વિચાર કર્યા વિના, લલિતા પ્રતિ) જવાનું નક્કી રાખ્યું કે ? ઠીક કર્યું. એ બહાને તો એ બહાને. લલિતા : બહાનું નથી. (સુંદરા તરફ જોઈ) આ અઠવાડિયે તો રજા નહિ મળે. સુંદરા : (વિચારી જોઈ, ઠંડે પેટે પોતાનો નિર્ણય જણાવતી) સારું. તો બપોરના ત્રણ કલાક જઈ આવીશ. હમણાં સૂતા છે; આપ સાચવી લેજો. લલિતા : (ધીરજની હદ આવી ગઈ હોય એમ) શું થયું તમને ? સુંદરા : કંઈ નહિ. જરૂરી કામ છે. લલિતા : (ગુસ્સામાં ને ગુસ્સામાં ઊભી થઈ જઈ. ઓરડા ભણી ચાલવા માંડતી) આમ આવો; જરા વાત કરી લઈએ. એવું તે શું કામ છે કે સામાની સગવડ ન સચવાય ? મારે ખુલાસો જોઈએ. સુંદરા : (બબડતી) તો પછી નોકરીમાંથી છૂટી કરો, હાલ ને હાલ ! વિશ્વાસ ન હોય તો ! લલિતા : (સંયમપૂર્વક પોતાની જાતને ઠંડી પાડતી, મહેમાન ન સાંભળે એમ) આમ જરા જરામાં મોં કેમ ચડાવો છો ? પહેલાં કંઈ આવાં નહોતાં ! ગઈ કાલે બાબાની સામે તમે રડી ગયાં. બહુ બહુ પૂછ્યું, સમજાવ્યાં ત્યારે એટલું બોલ્યાં કે 'મારે જીવવું નથી.' એવું તે હોય ? શાનાં મૂંઝાઓ છો ? (સુંદરા અનુત્તર ઊભી છે; સ્વસ્થ, અકળ) મને બહેન જેવી ગણીને કહો. કંઈ મોટી મુશ્કેલીમાં આવી ગયાં હો તો ય ગભરાવાની જરૂર નથી. હું કાઢી મૂકીશ તો નહિ પણ જિંદગીભરનો આશરો આપીશ : તમને, તમારી દીકરીઓને, (અચકાતાં અચકાતાં) અને તમારા જન્મનાર બાળકને. એને ય બચાવીશું ! રખેને ચિંતામાં ને ચિંતામાં કંઈ ગાંડું કરી બેસો—એવું આપણાથી ન થાય, હોં ! સુંદરા : (ભભૂકી ઊઠી) આવું કલંક— મારે માથે ! કોણ જાણે કોણ દુશ્મન વેરનો માર્યો આપને કાને આવી વાત— લલિતા : (ગભરાઈ જઈ) ના, ના, કોઈ મને ભંભેરતું આવ્યું નથી, તેમ મારા કાને કાચા નથી. આ તો મારે છોકરું તમને સોપીને જવાનું છે એટલે મને થયું કે સહેજ પૂછી લઉં. તમારા મન પર કંઈ ભાર હોય તો. . દૂર થાય, એટલું જ. સુંદરા : (લલિતાના પ્રમાણમાં પ્રશસ્ય સ્વસ્થતા જાળવતી) જુઓ, બહેન, તમને જ વહેમ હોય તો મને જવા દો. અને રાખવી હોય તો મને હલકી ના પાડો. (શિર સવિશેષ ઉન્નત કરી) કૂતરીના જેવી જ આ સુંદરાબાઈને ગણતાં હો તો અહીં મારું કામ નહીં ! લલિતા : (ભોંઠી પડી જઈ, માફી માગતી ન હોય એવી રીતે, નિખાલસતાથી) ના, ના, એમ હોય ? એમ ન માનશો કે મારા મનમાં હલકો ખ્યાલ આવ્યો. જો એવું હતું તો મારાં છોકરાં તમને સોંપત ? કંઈ મનમાં ના રાખશો. મને પૂરો વિશ્વાસ છે.. (થોડી ક્ષણ એમની વાત સંભળાતી નથી. દરમિયાન શ્રીકાન્ત એકલો પડ્યો, ઊઠીને પૂતળીઘર જોતો હતો તેને અંદરથી એક લખોટીનો ડબ્બો મળી આવે છે. એક પછી એક એમ બે સાથે ઉછાળી વારાફરતી ઝીલતો રમે છે અને તાત્કાળિક સૂઝી આવેલું જોડકણું ગાય છે : “લખોટી, લખોટી, સંસારની લખોટી ! ઘરની લખોટી ! ઘર—લખોટી ! લખોટી, લખોટી. . .") હું સાંજ સુધી અહીં છું. એટલા વખતમાં જે કંઈ હોય તે ભલે પતાવી આવો. પણ વેળાસર આવી જજો, હોં ! તમે નહિ હો તો નીલુ બિચારો અડધો થઈ જશે. સુંદરા : (શેઠાણી પર મોટો પાડ કરતી હોય એમ) એટલે તો બેન, ઘેર મારી કેટલી જરૂર છે તોયે અગવડ વેઠીને.. બાબાને ખાતર. . (છેવટનું સંભળાવી દેતી) આ સુંદરાબાઈ કુળ ડુબાડે એવાં નથી ! (સ્વગૌરવ વધારી ચાલતી થાય છે. શ્રીકાન્ત એને જતી જોઈ, લખોટીઓ પાછી હતી તેમની તેમ મૂકી દે છે. લલિતા ઘડીભર જ્યાં છે ત્યાં ઊભી રહે છે; કંઈક વિચારમાં પડી હોય, નવી દિશા સૂઝતી હોય એમ. પછી ધીમે પગલે શ્રીકાન્ત ભણી જાય છે.) શ્રીકાન્ત : તમારાં સુંદર બાઈ કેમ છેડાઈ પડ્યાં ? લલિતા : (કશાકના અત્યારપૂરતા નિર્ણય પર આવી હોય એમ નિશ્ચિત મુખમુદ્રા તથા બિડાયેલા હોઠે શ્રીકાન્ત સામે સીધેસીધી દૃષ્ટિ માંડી) એને અસ્વસ્થ જોઈ, મેં સહેજ ઇશારો કર્યો : કે ન જોઈતું બાળક— અથવા તો જોઈતુંયે બાળક— ભૂલેચૂકે આવી જવાનું હોય, તો સીધેસીધું કહી દેવું સારું. શ્રીકાન્ત : શા માટે ? લલિતા : રસ્તો નીકળે. રસ્તો કાઢીએ. શ્રીકાન્ત : સમજ્યો, પણ શા માટે તને કહે ? લલિતા : ત્યારે કોને કહે ? એના આશકને ? તમારો અનુભવ એવો થયો ? શ્રીકાન્ત : (સંદેહાર્થે ખભા ચડાવી, ભ્રૂભંગ કરી) એવો ગોટાળો બનીયે જાય, કોક વાર. તમારાં જેવાં માટે તો પ્રશ્ન જ નથી : અનેક બારાં ખુલ્લાં. લલિતા : એમ ? શ્રીકાન્ત : ત્યારે નહીં ? તું તો પરણેલી છે, સુધરેલી છે, સુરક્ષિત છે. લલિતા : અમારાં જેવાં પણ .. આશકનો આશરો લઈ શકે ? શ્રીકાન્ત : કોઈ પુરુષને ગમે તો નહીં જ, અત્યારનો સમાજ જોતાં ! બિચારી સુંદરા ! હવે આવી બન્યું જ સમજવું ! એવી વિકટ સ્થિતિ છે આવાંની ! લલિતા : ના, ના, એટલી નિરાંત છે . . દયા છે. એમને આંચ નહિ આવે. શ્રીકાન્ત: (વિચાર્યા વિના) એમ ? લલિતા : સુંદરાબાઈ તો નિર્દોષ છે. મેં અન્યાય કર્યો, એવી શંકા લાવીને; મને સ્પષ્ટ લાગ્યું, એમના ચહેરા પરથી જ ! પણ હું જ તમને પૂછું : ધારો કે વાત સાચી હોત, તો એ બાઈ કોની પાસે જઈ શકત ? તમે જ કહો, કોની પાસે. શ્રીકાન્ત: (વિચારમાં પડી) કોઈની પાસે નહિ. લલિતા: (શૂન્યતામાં ટગરટગર જોતી હોય તથા વિકરાળ ચિત્ર ખડું થઈ અત્યારનું દૃશ્ય ભૂંસી નાખતું હોય એમ) કોઈ નથી …એ માની પડખે. શ્રીકાન્ત : (અનુમતિપૂર્વક) કોઈ કરતાં કોઈ નહિ, ખરું જોતાં. કૂતરું સરખું ય પોતાનું નહિ રહે. એ જ કારમી હકીકત છે; ને તે સ્ત્રીએ સમજયે જ છૂટકો. અલબત્ત, અનાથાશ્રમો તો ઠેર ઠેર પડ્યા છે. પરંતુ ડગલે ને પગલે હરેકનું અપમાન ખમી લેવાનું—એક પોતા પૂરતું નહિ, પોતાના બાળક પૂરતું પણ ! જિંદગીભરનાં ઓશિયાળાં ! એવું અડગ મન હોય તો જ ત્યાં આશરો લેવો પરવડે. આપણામાંથી કોઈ કરી શકે તો ધન્યવાદ ! અલબત્ત, આવા કેસમાં સિદ્ધાંત કામ આવ્યો નથી, હજી સુધી; આ વીસમી સદીના પાંચમા દસકા સુધી. પણ ધાર કે તારા નોકર હાથીજીએ—કે મેં જ—કે ખુદ તારા ન્યાયમૂર્તિ પતિએ એવું કર્યું હોત, ખડેચોક પરાઈ સ્ત્રી સાથે પકડાયા હોત, તો ન વાંધો આવત ઘરમાં કે ધંધામાં. બહુ બહુ તો ઘરવાળી રડી કકળીને ચૂપ થઈ જાત. પણ બાઈ પકડાઈ એટલે ઘર જાય, વર જાય, છોકરાં જાય; નામ જાય, નાત જાય, જાત જાય. નોકરી હોય તો નોકરીયે જાય— બધું જ જાય ! લલિતા : અને જીવ જાય. એક નહિ જેવી, નજીવી બીના, જે તમે ભૂલી ગયા ! શ્રીકાન્ત : અરે, પણ બાળહત્યા અને માતૃહક્ક વિષે તો મેં આવતાંવેત તારા નોકરોને ભાષણ ઠોકી દીધું—તું જેને 'ભાષણ' કહે છે તે. લલિતા : ભાષણોની અંદરખાને શું છે તે મારે જાણવું છે. હવે માની લો કે એવી કોઈ બિચારી સપડાયેલી બાઈ તમારી પાસે આવે. તમારા અભ્યાસકેન્દ્રમાં તો એવા કિસ્સા બનતા હશે, જરૂર. શ્રીકાન્ત : જોજો, તું અમારું નામ બગાડતી ! લલિતા : એમ ? શ્રીકાન્ત : (આંખમીંચામણ કરી) રસિક કિસ્સા બહાર આવતા નથી એટલે ‘સ્ટેટિસ્ટિક્સ'ના નોંધવા લાયક આંકડાની પર. પણ બહાર બનેલા કિસ્સા ચિકિત્સા ખાતર ચર્ચાય ખરા. લલિતા : (ગાંભીર્યથી) વાત ઉડાવો નહિ ! આ તો સમસ્યા છે, સૌથી મૂંઝવી નાખે એવી જીવન્ત સમસ્યા, સ્ત્રીપુરુષના સંબંધની; લોકજીવનને સ્પર્શતી, એને જ કોરી ખાતી. સમાજ—સુધારાનો દાવો કરો છો તો જવાબ દો : તમે શી સલાહ આપો ? હું તો કહું કે આ બાળક—આ વહાલસોયું પણ સત્યાનાશ વાળે એવું બાળક, જેના મરણ—જીવનનો સવાલ છે એવું અભાગી બાળક—જેને લીધે હયાતીમાં આવ્યું તેની પાસે, તેના બાપ પાસે ન્યાય માગતી એ સ્ત્રી જાય. શ્રીકાન્ત : બાપ પાસે ? ના જ જવાય ! કારણ, જવું નકામું. યાર ખસી જ જવાનો. એ તો ઊલટો વીફરીને ઝેરી નાગસમો સામે જ થઈ જવાનો. એને તો એમ જ લાગવાનું કે સ્ત્રી ખોટ્ટી ગળે પડતી આવે છે—એ હલકી વંતરી પૈસા કઢાવવા હવે ‘બ્લેકમેલ’ પર ચડી છે ! લલિતા : હડહડતું જૂઠાણું— શ્રીકાન્ત : આવો મારો અનુભવ છે. કુદરતે પણ પુરુષ માટે એ બારી રાખી છે ના ? પ્રેમી હંમેશ સકારણ દલીલ કરી શકે કે છોકરાની મા થવું એ દિવાસ્પષ્ટ પુરાવો છે, પણ છોકરાના બાપ હોવું એ અંધશ્રદ્ધાનો વિષય. શ્રદ્ધાનો . . એટલે કે તર્કવિતર્કનો. લલિતા : ક્યાં ગઈ પુરુષની ન્યાયબુદ્ધિ ? શ્રીકાન્ત : માટે જ સ્ત્રી હાથે કરીને ભીંતભેગું માથું ફોડે, એવી સલાહ તો ન જ આપું ના ? માટે જ સલાહ આપું કે એવી બાઈએ પોતાના ધણીનો આશરો લેવો. લલિતા : શું ? શ્રીકાન્ત : ખોટાને સાચા ઠરાવવા ને સાચાને ખોટા ઠરાવવા. એ પણ વેર લેવાની સૂક્ષ્મ રીત છે; સમાજ પર વેર કાઢવાની. લલિતા : (નિસાસો મૂકી) પાછું આવ્યું વેર... (ન મનાતું હોય એમ) પણ પત્ની બેવફા નીવડીને આધાર લે પતિનો ? શા મોંએ ? શ્રીકાન્ત : કંઈ કહેવાપણું ઓછું જ છે ? પતિ એટલે શિરછત્ર. બધું જ ઢાંકે તો આયે કેમ ન ઢાંકે ? અત્યારના લગ્નમાં સ્ત્રી માટે જરા જેટલી સુખસગવડ બાકી હોય તો તે આટલી જ. લલિતા : પણ એ તો ઢાંકપછેડો થયો ! જૂઠાણાને ક્ષણેક્ષણ જીવવાનું ! એમાં ચિન્તન, સિદ્ધાંત ક્યાં ? સંબંધોની નવેસર રચના ક્યાં ? અહા, ક્યાં ગઈ મોટી મોટી વાતો ! શ્રીકાન્ત : લલિતા ! હવે બસ કર, તારું ભાષણ. કેન્દ્રમાં કે સભામાં આવું કહેવાય નહિ, હોં ! લલિતા : હવે તમે સમજશો.. કે મેં સુંદરાબાઈને આવી અંગતમાં અંગત વાત કેમ પૂછી. કારણ ગર્ભ રહ્યો હોત તો પડખે ઊભી રહેવા હું તૈયાર હતી : બાળકની અને માની. મારાં ગણીને બેઉને સાચવત. (આટલું કહી લલિતા પોતામાં વસાઈ ગઈ હોય, શ્રીકાન્તથી સ્વજાતને સંકેલી લઈ, એમ વર્તન રાખે છે.) શ્રીકાન્ત : ધન્ય છે ધન્ય તને, આપણી સ્ત્રીસભા તરફથી, મારા પ્રમુખસ્થાનેથી. હિમ્મતવાળી તો ખરી જ, પહેલેથી જ, પણ ખબર નહોતી કે તું તો અવધિ કરે એવી છે ! ખરેખર ! તું યે સુંદરાબાઈ જેવી જ અકળ. બેઉ માયા; મહામાયા. અંદર ને અંદર બધું સમાવો એવાં. ગૂઢ કહેવાઓ, કવિની ભાષામાં; અને નહીં તો મીંઢાં. લલિતા : માલેક કે નોકર, પણ સ્ત્રી તો સ્ત્રી જ. શ્રીકાન્ત : આખી સ્ત્રીજાતિ સરખી. ખૂલે ધીમે ધીમે. હઠે બુરખો પણ ધીમે ધીમે. તમે લોકો, અમારી જેમ, આખી જ પત્તાબાજી ટેબલ પર ખુલ્લે ખુલ્લી કરી દેવાની જિગર કેમ કરતાં નહિ હો ! લલિતા : કારણ, આ જુગારમાં જે હોડ મૂકીને રમવાનું છે તેમાં બેસુમાર ભેદ છે, સ્ત્રીપુરુષ વચ્ચે. તેથી તો સ્વભાવસિદ્ધ ખેલાડી જેવી બેધડક સ્ત્રીનાય હાંજા ગગડી જાય છે ! ના, ના, પણ સુંદરાબાઈને તો કંઈ ઢાંકવાનું નથી; હાથે કરીને બધું ખોવાનું નથી. મારું પણ પહેલાં એમ હતું. એ બોજે સહ્ય: દુનિયા જેને સ્વીકારે તેનો બોજો ગમે તેવો તોય સહ્ય. એટલે જ મારી દાસી આવી સ્વસ્થ છે. ધોરી રસ્તા પર ચાલવાથી ગતિ તો શું, શ્વાસોચ્છવાસ પણ સરલ થઈ જાય છે. પ્રશ્નો ઊઠી ઊઠી શાંતિને હચમચાવી નાખતા નથી. શ્રીકાન્ત : પાછો સંતાપ શરૂ કર્યો ? તો તો આ હું ચાલ્યો. લલિતા : હું તો સુંદરાબાઈની વાત કરતી'તી: એમનું પાત્રા—લેખન. જો હું નવલકથાકાર હોત તો એને મારી નાયિકા બનાવત. એની સુંદરતા જ ગહન, અકળ છે. જાણે વિશ્વની સમસ્યા .. શાંત પટ નીચે આવરેલી. શ્રીકાન્ત : મુખ ગૌરવભર્યું પણ ગુપ્ત. એટલું ય કહી ન શકાય કે સુંદરાબાઈને પોતાની સુંદરતાનું ભાન છે કે નહીં; રૂપનું અભિમાન.. લલિતા : (પોતાને ઓછું આવતું હોય એમ, સખેદ) કે પછી દમયંતી દાસી થઈ ત્યારે પણ જે યાદ રાખતી ને સાચવતી એવું માન: કે પોતે છે ખાનદાન.. પતિવ્રતા, નીતિમાન... શ્રીકાન્ત : (હાથની ઘડિયાળ જોતો) જજ સાહેબ ઘરમાં છે કે ? નહિ મળું તો વિચિત્ર લાગશે. લલિતા : હજી પૂજામાં બેઠા હશે. (શ્રીકાન્ત મશ્કરી કરતો હોય એમ હસી, ઊભો થવા જાય છે. લલિતા આઘાત લાગ્યો હોય એમ બોલી ઊઠતી) આટલામાં જ ? હજી વાત તો થઈ નથી ને ઊઠ્યા ! શ્રીકાન્ત : (દૈનિક વ્યવહારની કામગરી રીતે) સર શાંતિદાસને વાંધો છે, મને મળવાનો ? લલિતા : (વ્યગ્ર બની) શા પરથી ? એમને તો ખ્યાલ પણ નથી . . કે તમે અહીં છો. શ્રીકાન્ત : ત્યારે લેડી શાંતિદાસને વાંધો છે, ન્યાયમૂર્તિ મને મળે તેનો ? લલિતા : (ખોટું લાગ્યું હોય એમ, ઉપચાર પૂરતું) લેશ માત્ર નહીં. નીચે દીવાનખાનામાં બિરાજો. કાર્ડ મોકલાવું. (શ્રીકાન્ત હસી પડે છે. લલિતા હવે વિનોદ સમજે છે અને સરળતાથી વાત ચાલુ રાખે છે.) એમ છે કે એમને જ ઘરે કોઈને મળવું ગમતું નથી. કામ હોય તો રિસેસ વખતે ક્લબમાં બોલાવે. શ્રીકાન્ત : પણ વર્ષ બે વર્ષ પહેલાં જ, એ હાઈકોર્ટના જજ નિમાયા, ત્યારે તો તમારા માનમાં જે મેળાવડા ઊભા કર્યા હતા તે પરથી તો કોઈ અનુમાન ન કરે કે વકીલ સાહેબ એકાંતપ્રિય સ્વભાવના હશે. મને નથી લાગતું કે ક્યાંય ભાષણ લાદવાનો કે પ્રમુખપદ શોભાવવાનો કે અનાવરણવિધિ કરવાનો કે ખાતમુહૂર્ત યોજવાનો, કે કંઈ નહિ તો નવદંપતીને આશીર્વાદ આપવાનો લાગ એમણે જતો કર્યો હોય ! હારગોટા લેવા કે આપવા, ફૂલ નહિ તો ફૂલની પાંખડી અને ‘બે બોલ’ તો ખરા જ. ત્યારે અચાનક શું થઈ ગયું ? શાંતિના દાસને શાંતિસ્વરૂ૫ થવાનું ક્યાંથી સૂઝ્યું ? ક્યારથી પડદામાં ગયા ? લલિતા : (નાખુશ દેખાતી) તમને કંઈ કહેવા જેવું નથી ! બધું જ મશ્કરીમાં; ઉડાવવાની જ વાત ! શ્રીકાન્ત : લલિ, મેં મારી જીવનકથા ગાઈ નાખી નથી, તારે ચરણે ? “શ્રીકાન્તનાં પાપોનું નિવેદન.” તું હસે યા રડે તેનું માઠું લગાડ્યા વિના ? પણ સહેજ પ્રશ્ન ના થાય ? સર શાંતિદાસ છેક ટોચે ચડે તે જ વખતે આવું— લલિતા : એ બધું—અમારા જીવનનું બધું—એક બનાવથી ચૂંથાઈ ગયું ! જેમતેમ દિવસ નીકળે છે. બહારથી એમનું એમ ચાલ્યા કરે પણ અંદરખાને હું કેવી થઈ ગઈ છું ! નોકરો સાથે ચીડિયાં કરતી, નીલુથી ય ભાગતી, તમારા જેવા પાસે કરગરતી— (અટકી જઈ, છત ભણી જોઈ રહે છે. જાણે કશાક તરફ ધ્યાન ખેંચાયું હોય તથા એ વિષે ખાતરી કરવા ફરી કાન માંડતી હોય.) પાછું શરૂ થયું ! (શ્રીકાન્ત બાઘો બની લલિતા તરફ તાકી રહે છે એટલે) સંભળાય છે ? પાછું શરૂ થયું ! (સૂનમૂન શાંતિ પથરાતાં, ઉપરથી છત પર કંઈ વારે વારે પડતું હોય એમ ધીરો તીક્ષ્ણ અવાજ આવે છે.) ધબકારા.. ઉપર. શ્રીકાન્ત : ક્યાં ? લલિતા : છતની ઉપરથી.. જાણે કાંકરા. . લાગલાગટ પડતા હોય. શ્રીકાન્ત : ખાસ ધ્યાન દોરાય એવો અવાજ નથી. લલિતા : શાનો હશે ? શ્રીકાન્ત : કપચી બેસાડતા હશે. પણ અમાસની રજા તો કડિયા પાળે. આજે મહાશિવરાત્રિ ને કડિયા— લલિતા : એ કડિયા નથી. શાંતિદાસ પોતે. શ્રીકાન્ત : ઉપરની અગાશીમાં ? ભર તડકામાં ? લલિતા : ઉપર માળિયું જ છે. નાનું; એક ખાટલા જેટલી જગા. અગાશી તે આ નીચે છે, જ્યાં અમે બધાં સાથે સૂઈ રહેતાં. . પહેલાંના વખતમાં. શ્રીકાન્ત : (લલિતાની દશા કેટલી આકુલ છે તેનું હવે મોડું મોડું ભાન થતાં, એને સ્વસ્થ કરવા સહાનુભૂતિ બતાવતો) શાંતિદાસ હમણાં જ અમેરિકા જઈ આવ્યા છેને, એટલે ચીજો હાથે કરવાની આદત કેળવી હશે. એમા શું હીણપત થઈ ગયું ? એકાદી કપચી— લલિતા: કપચી ? એ તો લખોટી છે. આ ઢીંગલીઘર ભરાય એટલી લખોટી. શ્રીકાન્ત : લખોટી ? (પોતાને ડબ્બાભર લખોટી મળી આવી હતી. તેનું સ્મરણ થતાં) હં.. લખોટી ! લલિતા : લખોટી. બીજું શું ? છોકરાં છોકરાંને રમવાની લખોટી. શ્રીકાન્ત : હોય ? લલિતા : એ તો શાંતિદાસ ક્યારેક જરા એકલા પડે એટલે લખોટી સાથે રમવાના. ઉછાળીને ફેંકે, ગણે; જુએ કેટલી પાછી આવી. શ્રીકાન્ત : (આશ્ચર્ય પામી) લીલા જ છે ! સવારના પહોરમાં ખરા કામને વખતે, બાબા સાથે રમે ! લલિતા : બાબો તો ભરઊંઘમાં પડ્યો છે. બાબા સાથે રમે ખરા ! ! બિચારો પાસે હોય તો તો લખોટી કાઢેય નહીં ! શ્રીકાન્ત : કદાચ એમના કસરતબાજ મગજને ઉચ્ચ ગણિતના કૂટ પ્રશ્નો એ રીતે સૂઝતા હશે. નવાઈ એટલી જ કે નવરાશ કાઢે. લલિતા : (કંઈક ચીડ સાથે) એવું કોણ છે જેને થોડી સરખી શિથિલતા, વિશ્રામ—વિનોદ ના ગમે ? તમે હો તો ઘરનાંને ભાષણ કરો કે સિગાર સળગાવો. શ્રીકાન્ત : તારા જેવી મોહિની ઘરે બેઠી હોય ત્યારે નહીં ! લલિતા : ત્યારે શું ધણીધણિયાણી એકબીજાનાં મોં જોતાં બેસી રહેતાં હશે ! શ્રીકાન્ત : વારુ, એમ તો એમ. મને જે મનાવવું હોય તે. લલિતા : તમને ગળે નહિ ઊતરે, પણ નીલુના સોગન ખાઈ કહું છું: જે વખત અમે બે પહેલાં સાથે ગાળતાં તે હવે ઉપર માળિયામાં ગાળે છે; પોતે એકલા એકલા, સૂનમૂન. શ્રીકાન્ત : એમ ? કયારથી ? લલિતા : અમારી બાળકી, નીલુથી નાની, અચાનક એકાએક ચાલી ગઈ.. ત્યારથી. શ્રીકાન્ત : ક્યાં ગઈ ? લલિતા : ગુજરી ગઈ. શ્રીકાન્ત : (ગૂંચવાડો દૂર થતો હોય એમ) એ બાળકીની વાત હતી ! હં .... લલિતા : આજે એને અકસ્માત થયો હતો. બરાબર બે વર્ષ પહેલાં. શ્રીકાન્ત : (સહૃદય બની) ત્યારે તો કેટલી નાની હશે ! એટલાનુંય દુઃખ, માને હૈયે... લલિતા : સાલે. માબાપને ઘા રહી જાય.. હંમેશ માટે. શ્રીકાન્ત : ખરેખર ! લલિતા : તમને ખબર નથી, એવા દુઃખની. તમે બાપ હો તોય કદાચ તમને જાણ ના થાય. પણ શાંતિદાસને ખૂબ લાગ્યું હતું, બેહદ ! દુનિયામાં મોટા, આવા ભારેખમ લાગે છે, તો ય ઘરમાં તો બાળકીના ભક્ત, બાળકીના ચાકર ! ત્યારથી આવા થઈ ગયા ! શ્રીકાન્ત : ખરેખર ! (વિરામ.) આ ખોટથી તમે બે બહુ નિકટ આવ્યાં હશો ? લલિતા : એમ લાગે; પણ થયું એથી ઊલટું ! બેબી ગઈ.. ને એ જાણે વસાઈ ગયા, પોતામાં ને પોતામાં. પોતાનું જ જગત ! ત્યારથી એમણે મેડે રહેવાનુ શરૂ કર્યું. અમે બધાં નીચે ને એ ઉપર. રાતે પણ એકલા : એ, એમની ફાઈલો અને લખોટીઓ—બાબો પણ ન જોઈએ ! શ્રીકાન્ત : શું કહે છે ! આટલે હદ સુધી ? મને તે સ્વપ્ને ય ખ્યાલ ન હતો. આમાંથી તો એમને કાઢવા જ જોઈએ ! (ઢીંગલીઘર બતાવી) આવું બધું . . ભાંગ્યુતૂટ્યું, યાદ કરાવે એવું, શા માટે રાખતાં હશો ? લલિતા : એ કંઈ ભુલાય છે ? બાળકી તો બાળકી જ હતી ! (ગર્વ લેતી હોય એમ) એના બાપ બાળકીની માનીતી લખોટીઓ કોર્ટમાં પણ લઈ જવાના; કોઈ ન જુએ એમ. ને એ લખોટીઓ મારા દેખતાં પણ કાઢવાના નહિ. એ વિષે એક શબ્દ નહિ. મારી સાથે પણ નહિ— મારી સાથે તો નહીં જ ! શ્રીકાન્ત : એવું તે હોતું હશે ! બાળકના મરણથી આવો આઘાત લાગે—ને તે પણ બાપને, મરદને ! (લલિતા ખેદપૂર્વક માથું નમાવી, હકીકત એ જ છે એવું સૂચવે છે.) એક મુદ્દો. આ બધું બન્યું તે પહેલાં શાંતિદાસ લખોટી ખેલતા ? લલિતા : જરૂર. બાળકીને જ ખૂબ શોખ હતો. તેમાં ય એને ખાસ શું ગમતું કે એના પપ્પા પોતાના હાથમાં, પગના અંગૂઠામાં, મોં સુધ્ધાંમાં લખોટી સંતાડી દે અને એ સંતાકૂકડી કરી શોધી કાઢે ! (ગળગળી થઈ જાય છે.) શ્રીકાન્ત : હં.. ત્યારે તો લખોટી બાળકી સાથે સંકળાયેલી ! ભય સાચો ઠર્યો... પણ લલિ ! લખોટી એટલાં નાનાં માટે જોખમભરી નહીં ? લલિતા : ખરુંને ? મને પણ હંમેશ ધ્રાસકો રહેતો. પણ એ ખાસ કાળજી રાખતા. એમના સિવાય કોઈને પરવાનગી નહિ, લખોટી રાખવાની. શ્રીકાન્ત : એ વિષે મેં ક્યાંક વાંચ્યું પણ હતું. હજારોમાં એક કેસ. . કે બાળક કંઈ ગળી જાય—ચીજ નાની સરખી પણ ન પીગળે એવી—ને દિવસો પછી, તદ્દન ઓચિંતું, છોકરું રૂંધાઈ જાય ! લલિતા : (ત્રાસથી) એમ ? અને આપણને સૂઝ જ ન પડે કે શું થઈ ગયું, અચાનક એકાએક ! શ્રીકાન્ત : બેબી શ્વાસ જ ના લઈ શકે, જો હવાની નળીમાં ગોળી ચાલી ગઈ હોય તો. લલિતા : બાળકી પણ એમ જ—શાન્ત હતી ને એકદમ ગૂંગળાઈ ગઈ ! શ્રીકાન્ત : હં . . વળી નીલુ યે ક્યાં એવો મોટો, સમજણો થયો છે હજી ? ખરેખર, લખોટી કોર્ટમાં ભલે રાખે, પણ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ, સદંતર, ઘરની લખોટી ! લલિતા : પણ એ કાઢવા દે તોને ? ક્યાં રાખે છે એ જ બતાવે નહિ, પછી શું ? શ્રીકાન્ત : આ તો વિલક્ષણ કહેવાય. ‘સાઈકો—એનેલિસિસ'નો ‘કેસ’. લલિતા : (ગભરાઈને, લાગણીથી) ના, ના, ‘કેસ’ જેવું કંઈ નથી, શાંતિદાસનું. શ્રીકાન્ત : જેને પરણ્યાં આપણે, તેનું ઉપરાણું ખેંચવું પડે; એ તો ઠીક. પણ મનમાં તો સમજીએને, આપણી ખાનગી પ્રયોગશાળામાં ? લલિતા : (ચિડાઈને) શા માટે ? શ્રીકાન્ત : નહીં તો દર્દ મટે કેમ ? લલિતા : ત્યારે તમને બહુ પડી છે, શાંતિદાસને મટાડવાની ! અમારા ઘરસંસારને પ્રયોગશાળા બનાવવાની ! શ્રીકાન્ત : ના, સાચે જ, આ તો તારા જ હિતમાં— લલિતા : ના, ના, એવું કંઈ નથી ! બહારથી તો ખબરે ન પડે ! શ્રીકાન્ત, કોઈને વાત ના કરશો, બહાર. શ્રીકાન્ત : બહાર તો કંઈ કંઈ વાત થાય છે. એમની ન્યાયધગશ વિચિત્ર પણ ગૃહજીવન વિચિત્રતર. (લલિતાને તટસ્થ, તીક્ષ્ણ નજરે જોતો) તને જ વહેમ નથી આવ્યો . . એવો ? લલિતા : (હજી રીસમાં) શા માટે કહું, તમને ? શ્રીકાન્ત : (વિચારતો દેખાય છે. પછી, સૂઝ્યું હોય એમ તાળી પાડી) હં . . બરાબર ! શાંતિદાસની બધી વિચિત્રતાનું એ જ કારણ હોય— બાળકી ! દર્દ પણ એ જ ને ઉપાય પણ એ જ ! લલિતા : (આશા એકાએક ઝળકતી; અત્યંત આતુરતાથી) હોયને ? હોઈ શકે, ખરુંને ? મને પણ લાગ્યું છે— શ્રીકાન્ત : વસ્તુતઃ એવી મનની સ્થિતિ અત્યારની ‘સાઈકોલૉજી’માં સારી પેઠે છણાઈ છે. જાણીતું છે કે કોઈ વાર એક છોકરું મરી જાય ત્યારે બીજા બાળકને જન્મ આપવા જેટલી ઝંખના થાય તેટલી જ બીક લાગે. લલિતા : (સોત્કંઠ) બરાબર ! એવી જ બીજી બાળકી સરજવી હોય ! પ્રબળ ઇચ્છા જાગે છતાં ઊંડે ઊંડેથી ત્રાસ થાય ! શ્રીકાન્ત : ‘છતાં’ નહિ પણ તેથી જ. એવી દશા માની ય થાય, બાપની ય થાય કે બંનેની. લલિતા : અને આખી પરિસ્થિતિ બન્નેને ગૂંચવી નાખે, હચમચાવી નાખે એવી ! શ્રીકાન્ત : (લાગણી વિના) જરૂર. લલિતા : ખરુંને ? તો તો એ વિષે શોધખોળ થઈ હશે. તો તો ઉપાય પણ હશે ! શ્રીકાન્ત : કંઈક પ્રબળ કારણથી વેગ મળવો જોઈએ. તો જ વિરોધ, “રિઝિસ્ટન્સ ” તૂટે. લલિતા : કેવું કારણ ? શાનો વેગ ? શ્રીકાન્ત : ધાર કે તમે બેઉ પ્રેમમાં ગરકાવ થઈ જાઓ.. (એક આંખ મીંચી) ભૂલેચૂકે બેબી આવી જાય ! મારું માન : એમને એક સંતાન ભેટ આપ ! લલિતા : (આનંદમાં આવી, અકળભાવે સ્મિત કરતી, સ્વગતવત્) વાત ખરી હોય તો તો રસ્તો દેખાય એ ખરો ! (ઉપર છત ભણી નજર કરે છે. કંપી ઊઠી, કાન પર હાથ દઈ) લખોટી, લખોટી.. મને હવે સંભળાય ના તો સારું ! પહેલેથી એની જાણ જ ના હોત તો સારું ! ઊંઘમાંયે છોડતી નથી લખોટી... (માળિયામાંથી ગ્રામોફોન પર કબીરભજન, “કર લે સિંગાર, ચતુર અલબેલી” સંભળાય છે.) શ્રીકાન્ત : (ગીતનો ભાવ રુચતો નથી છતાં ધ્યાનથી સાંભળી, ભાવવશ બની, ઊભો થઈ જઈ આમથી તેમ આંટા મારતો) અહીંયાં, આ મૃત્યુગીત ! કોણ વગાડે છે ? લલિતા : એ પોતે.. વારંવાર. શ્રીકાન્ત : (ઊંડો દમ ભરી) હં.. મૃત્યુને આવકારે છે ! ધૂન હચમચાવી નાખે છે, પણ ત્રાસ થાય છે ! યમદેવ માટે શૂંગાર ? અભિસારિકાભાવ ? સર્વોપરિ ઉત્સવ ? પ્રેમનો વિજય —તે આવા અન્ત માટે ? મરણશરણ થવા ? આ જ અન્તિમ પ્રાર્થના માનવી મુખે, જીવલેણ ખૂનીના મોઢામોઢ ? પોતાનું બલિદાનયાચક, સંતના બલિદાનસૂચક ! સતત સ્મરણ કરાવતી કે દેવ નહિ, રાક્ષસ નહિ પણ માણસ—માણસ માણસનું લોહી ઝંખે છે ! આહ્, કેવો વિશ્વાસઘાત—આપણો, સમસ્ત માનવજાતનો ! એટલે જ આ ભજનથી ખંજર વાગે છે. કોઈ દિવસ ભુલાશે નહિ : માણસે આપેલું બલિદાન; માણસે લીધેલું બલિદાન ! શું ? શાંતિદાસને આવું સાંભળવું ગમે છે ? ઘરમાં આ જ સંગીત રાખો છો ? લલિતા : નીલુથી પણ રહેવાતું નથી. સાંભળીને રડે છે. શ્રીકાન્ત : લલિતા, લલિતા, મારે જવું પડશે, પણ સાંભળી લે. વાત તો રહી ગઈ. હવે કોણ જાણે ક્યારે નિરાંતે મળીએ. શાંતિદાસની સ્થિતિ ગંભીર છે. આ રોગ જ કહેવાય; દેખીતો નહિ, પણ મનનો. “ગિલ્ટ કૉમ્પ્લેક્સ”—પછી એ પાપ, પશ્ચાત્તાપ વાસ્તવિક હોય કે ભ્રમ પણ હોય ! લખોટી, બાળકી, ભજન.. બધાંથી અકાળ મરણનું સતત સ્મરણ — કંઈક ખટકે છે ! કશાકની ભ્રાન્તિ, ઊડે ઊંડે ઘોંચાઈને પાક્કી થઈ ગયેલી જડ : જે મગજને ખોતરી નાખે, શોષવી નાખે હૃદયના તન્તુતન્તુને ! આમ ને આમ ચાલ્યા કરે તો કંઈ કહેવાય નહિ—ગાંડપણ પણ આવે ! (લલિતા મુખ ઢાંકી દે છે.) તું કંઈ કર— કંઈ પણ ! લલિતા : (અસહાય ભાવે) શું કરું ? કંઈ કરવા ન દે . . (વિહ્વલ બની) પાસે સરખા આવવા ન દે ! શ્રીકાન્ત : એમને રીઝવ, મનાવ. ગમે તેમ કરી કશામાં ય ઉત્સાહ લેતા કરાય, રસબોળ—હા, પહેલાંના જેવા જ—બાળકીમાં—જેના આઘાતે આ હાલ થયા ! લલિતા : પણ હું કરું શું ? કંઈ થતું નથી મારાથી ! કેવી રીતે — શ્રીકાન્ત : ઋષિની સખત ઉદાસીનતા— હઠાવવી, તોડવી જ રહી અપ્સરાએ, પિતાના સહજ લાવણ્યબળે. લલિતા : પણ કેવી રીતે . . એક બાળકીનું તો બલિદાન અપાયું, એમને હાથે ! અને હવે, જે બીજું આવવાનું છે—તમારું—તે બાળકનું પણ— (શ્રીકાન્ત ચમકીને, સચિંત વદને, લલિતાનું સાંગોપાંગ નિરીક્ષણ કરે છે.) મનોમન સાક્ષી છે. બીજી નથી. શ્રીકાન્ત : (સંયમ ખોઈ, ગુસ્સામાં બોલી ઊઠતો) એટલી જ ખબર હોત કે શાંતિદાસનું આવું હતું—આવું થઈ ગયું હતું, તમારી વચ્ચે, આટલે હદ સુધી— તો તને મળત જ નહીં ! મને ચેતવ્યો કેમ નહીં, પહેલેથી— લલિતા : શું કહે ! જ્યાં લાગણીનો છાંટો ન મળે— (શ્રીકાન્ત ચાલી જાય છે. બહારનું બારણું પછડાય છે. લલિતા સ્તબ્ધ બની, છત ભણી આંખ માંડી, ધૂન પૂરી થતી સાંભળે છે. પછી જમીન પર ઘૂંટણિયે પડી, તૂટેલા ઢીંગલીઘર પર માથું ટેકવી, ધ્રૂસકે ધ્રૂસકે રડે છે.) બાળકી, બાળકી...
(પડદો. અંક એક સમાપ્ત.)