નારીસંપદાઃ નાટક/મીરાં

Revision as of 01:48, 16 September 2024 by Meghdhanu (talk | contribs)

સુરેશ દલાલ ગ્રંથશ્રેણી — નાટક

7
મીરાં


સ્નેહા દેસાઈ • હેમા દેસાઈ
ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
મુંબઈ
• અમદાવાદ

Meera
Gujarati Play by Sneha Desai, Hema Desai
@ સ્નેહા દેસાઈ

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
199/1, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ 400 002
ફોન : 022—2200 2691, 2200 1358
E—mail: imagepub@.gmail.com
1—2 , અપર લેવલ સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ,
આંબાવાડી, અમદાવાદ 380 006
ફોન: 079—2656 0504, 2644 2836.
E—mail: imageabad1@gmail.com
www.suresh—dalal.in

પ્રથમ આવૃત્તિ: વિશ્વ રંગભૂમિ દિન: 27 માર્ચ, 2015
મૂલ્ય: ३. 60.00
ISBN: 978—81—7997—660—9

આવરણ/લેઆઉટઃ અપૂર્વ આશર
indian—ebooks
www.e—shabda.com
ટાઇપસેટિંગ: બાલકૃષ્ણ સોલંકી, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. અમદાવાદ
મુદ્રક: રિદ્ધીશ પ્રિન્ટર્સ, અમદાવાદ. ફોન: 2562 0239

ભાવના—તુષાર પારેખ
હેમા–આશિત દેસાઈને...
જેમની આંગળી પકડીને નાનપણમાં ચાલતાં શીખી
અને પછી ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશી
તમારા પ્રોત્સાહને મને કલ્પનાની પાંખો આપી શક્યતાનું આકાશ પામવા

મીરાં

મીરાં નાટક અમે લખ્યું એની પાછળ એક મજાની વાત છે. N.C.P.Aના Centrestage નાટ્યોત્સવમાં મિત્રો કાજલ ગઢિયા અને ધર્મેન્દ્ર ગોહિલે એન્ટ્રી નાખી'તી. મીરાં ઉપર એકોક્તિ કરવાનો એમનો વિચાર હતો. જે લેખક આ સ્ક્રિપ્ટ લખવાના હતા તે કો'ક કારણસર ન લખી શક્યા અને નાટકના પ્રીમિયરના ૨૦ દિવસ પહેલાં કાજલ અને ધરમ ઘરે આવ્યાં—ત્યારે કવિત — મારો દીકરો, ૭ મહિનાનો હતો. તેમની ઇચ્છા હતી કે હેમા—પપ્પાના કવિ મિત્રો અને સંચાલક મિત્રોમાંથી કોઈના હું references આપું જે એમને તરત એક એકોક્તિ લખી આપે. મેં થોડાં નામ—નંબર આપ્યાં. સાથે એક સીનોપ્સીસ જેવું લખી આપ્યું કે જેના આધારે ધરમ વાત આગળ વધારી શકે. ઘરની સામેના દેરાસરમાં બેસીને ધરમે એ સીનોપ્સીસ ૨—૩ વાર વાંચીને મને ફોન કર્યો કે એની ઇચ્છા છે કે આ નાટક હું લખું. મેં જીવનમાં ક્યારેય તે પહેલાં નાટક લખવાની ચેષ્ટા નહોતી કરી. મેં ના પાડી. દીકરો આટલો નાનો, મીરાં જેવો વિષય, મારે કોઈ અખતરા નહોતા કરવા. પણ કાજલ અને ધરમે ખૂબ આગ્રહ કર્યો. હેમાએ હિંમત આપી કે તેઓ મદદ કરશે અને નાટક લખવાની શરૂઆત થઈ. એકોક્તિમાંથી અમે બે પાત્રનું નાટક બનાવ્યું અને મીરાંના તત્ત્વજ્ઞાનને નોખી રીતે પ્રસ્તુત કરવાનો પ્રયોગ કર્યો. આલાપે આ નાટકમાં ખૂબ સુંદર સંગીત આપ્યું (જેને માટે એને શ્રેષ્ઠ સંગીતકારનો ટ્રાન્સમીડીયા ઍવૉર્ડ પણ મળ્યો.) હેમાના સ્વરે મીરાંમાં પ્રાણ ફૂંક્યા અને જોતજોતાંમાં મેજિકલ કહી શકાય એવી એક અદ્ભુત કૃતિનું નિર્માણ થયું. સમય જતાં નેહા મહેતાની જગ્યાએ આ નાટકમાં મેં મુખ્ય ભૂમિકા પણ ભજવી. મીરાંના પ્રયોગોને આજ દિવસ સુધી પ્રેક્ષકો યાદ કરે છે. પ્રાયોગિક રંગભૂમિ ઉપર ‘મીરાં'નું નામ હંમેશાં સાદર લેવાશે એનું ગૌરવ છે. આ નાટકમાં હું અને ધર્મેન્દ્ર ગોહિલ ભેગાં થયાં એક દિગ્દર્શક અને અભિનેત્રી—લેખિકા તરીકે. આ સંબંધ આગળ વધ્યો જ્યારે અમે ફરી ભેગાં થયાં બ્લૅકઆઉટ નાટકમાં. એ નિર્માતા—અભિનેતાના રૂપે અને હું લેખિકા—અભિનેત્રી રૂપે. મનહર ગઢિયા, કાજલ ગઢિયા, ધર્મેન્દ્ર ગોહિલ અને હેમાના સહકાર વિના મીરાં લખવું અશક્ય હોત. આ નાટક લખ્યાનો મને એક વિશેષ આનંદ છે.

—સ્નેહા દેસાઈ

પ્રથમ પ્રયોગ — ૧ ડિસેમ્બર, ૨૦૧૦, N.C.P.A, મુંબઈ
નિર્માતા
ધર્મેન્દ્ર ગોહિલ, કાજલ ગઢિયા
નિર્માણ
ધર્મેન્દ્ર ગોહિલ પ્રોડક્શન્સ
પ્રસ્તુતકર્તા
મનહર ગઢિયા
આલેખન
સ્નેહા દેસાઈ, હેમા દેસાઈ
દિગ્દર્શક
ધર્મેન્દ્ર ગોહિલ
સહાયક દિગ્દર્શક : દર્શન પંડ્યા/કુણાલ શેઠ
સંગીત : આલાપ દેસાઈ • સંગીત સંચાલન : સાગર પવાર, મેહુલ જોષી
સ્વર : હેમા દેસાઈ, આલાપ દેસાઈ
પ્રકાશ/પ્રકાશ સંચાલન: હુસૈની દવાવાલા/હુસૈની દવાવાલા, ચંપુદાદા
કલા : અમિત ઈંદુલકર, કુણાલ શેઠ
નિર્માણ નિયામક : તૃપ્તિ ઠક્કર
નેપથ્ય : જિજ્ઞેશ કારિયા
પ્રચાર : મનહર ગઢિયા (કાજલ ઍડ્સ)
વસ્ત્ર પરિકલ્પના : હેતલ છેડા
મેકઅપ : દિનેશ દાદા
વિશેષ આભાર - પ્રયાગ દવે, અલ્પેશ ઢકાણ, ધ્રુવ બારોટ

અંક ૧

દૃશ્ય ૧


(મીરાં રાઠોડ એક છત્રી લઈને ઊભી છે... ફોન પર વાત કરે છે...) મીરાં: હેલો... હેલો. મિ. વકીલ.. જરા જોરથી બોલો. અહીંયાં મને ઓછું સંભળાય છે. નેટવર્ક પ્રોબ્લેમ છે. અરે નેટવર્ક પ્રોબ્લેમ છે... ટાવર... ટાવર... નથી પકડાતો. અરે ! નહીં આવી શકો એટલે શું ? હું આ ભૂતિયા મહેલમાં એકલી શું કરું ? હેલો... સરકિટ હાઉસમાં કોઈ ટ્રસ્ટી રહેવા આવ્યા છે... જગ્યા નથી હેલો... હેલો - (કટસ્) ડેમ ધિસ પીપલ.. ! પ્રોફેશનાલિઝમ નામનો અણસાર નથી... ! (ઝાંઝરનો અવાજ) મીરાં: કોણ ? કોણ છે ત્યાં ? (નો રિપ્લાય મીરાં સહેજ ગભરાયેલી છે)

(પાછો ફોન વાગે)

મીરાં: હા મિ. વકીલ..ઓહ મા... ? હા બોલો...ના મિ. વકીલ....અહીંયાંના સાઈટ સુપરવાઈઝર આવ્યા નથી....આ ટાણે એટલે અમારું કામ કંઈ ટાણું જોઈને ઓછું થાય છે ? ૯થી ૬ ની નોકરી નથી... તો શું કરું ? બધી મહેનત... બધું ભણતર ભૂલીને ઘરમાં પુરાઈ રહું ? બસ થયું મા...હું નહીં..આવું.. કાલે તો નહીં...કાલે તો નહીં નીકળાય... અહીંયાં બહુ વરસાદ છે... અને ફોનનું નેટવર્ક....મારા માટે આ તક મહત્ત્વની છે... પ્લીઝ... પ્લીઝ... હું હાથ જોડું છું....હેલો... હેલો.... તમે સમજવાનો પ્રયત્ન કરો... ઘરે નહીં આવતી એટલે... હેલો... (ફોન કટ) મીરાં: ડેમ..ડેમ...ડેમ... ! એક મોકો નથી છોડતા હેરાન કરવાનો... ઈલલિટરેટસ્... હીપોક્રેટ્સ છે સાલાઓ... કઈ રીતે કોઈને નીચે ખેંચી શકાય બસ એના જ પ્રયત્ન... (અલમોસ્ટ ઈન ટીયર્સ)

(ગીત ૧: દૂરથી ગોવિંદો પ્રાણ અમારો રે—નો અવાજ)

મીરાં: કોણ છે ત્યાં ? કોણ છે ? (જાણે એક તેજના ચમકારામાંથી લાઈટ્સના ફ્લિકરિંગમાંથી, ધુમ્મસમાંથી, ભિંજાયેલી એક રબારણ વેશમાં સ્ત્રી દેખાય છે...) સ્ત્રી: બેન, બે ઘડી અહીં રોકાઉં ? આભ ફાટ્યું છે...મૂવો વરસાદ જીવ લેશે...વરસાદ રોકાશે કે ચાલી જઈશ....બેન, રોકાઉં અહીં ? બેન, હું પૂછું છું, રોકાઉં અહીં ? મીરાં: આ કંઈ મારું ઘર છે ? ખુલ્લું મેદાન છે... રોકાવું હોય તો તમારી મરજી...મને શું પૂછો છો ? સ્ત્રી: પૂછીએ તો જરા સારું લાગે... ! (મીરાં ઈરિટેટ થાય...) (ફોન રિંગ) ગુસ્સામાં લાગો છો ? મીરાં: તમને મતલબ ? તમારે શું કરવું છે ? સ્ત્રી: ઝગડો કરતા 'તા ? મીરાં: માઈન્ડ યોર બિઝનેસ... સ્ત્રી: એટલે.. ? મીરાં: (ઈરિટેટ થઈને) તમારા કામથી કામ રાખો... મને એકલી રહેવા દો... સ્ત્રી: એકલાં આ વેરાન ખંડેરમાં.... મીરાં: બસ, હવે એક પણ શબ્દ બોલ્યાં છો ને તો અહીંથી કાઢી મૂકીશ....

(ગીત : ૨)

સ્ત્રી: તમે બોલવાની ના પાડી તી....ગાવાની ક્યાં ના પાડી તી ? ધણી હતો કે સાસુ ? મીરાં: જુઓ તમે... સ્ત્રી: બોલવાના સૂર, તાલ પરથી લાગ્યું કે કંઈક ગોટાળો છે....ભાષા નો સમજાય પણ ગુસ્સો ને ગાળ્યું તો લ્હેકા પરથી જ સમજાય... આ બાજુનાં નથી લાગતાં....કામે આવ્યાં છો ? મીરાં: હા... સ્ત્રી: કયા કામે આવ્યાં છો ? મીરાં: શું કામ આવી હોઉં આવા ખંડેરમાં ? તમને આ પેપર્સ સમજાય છે... ? આ ઔજાર સમજાય છે તમને ? સ્ત્રી: ના.. મીરાં : હું આર્કિયોલૉજિસ્ટ છું... સ્ત્રી: એટલે ? મીરાં: પુરાતત્ત્વવિદ્... સ્ત્રી: અચ્છા... એટલે ? મીરાં: જૂની સંસ્કૃતિઓ વિશે શોધખોળ કરું છું.... દ્વારકા નગરી વિશે વધુ જાણવા આવી છું... સ્ત્રી: એટલે એમ કે સમયની સાથે ભુલાયેલાં, દટાયેલાં નગરો શોધવા આવ્યાં છો ? ધણી સાથે ભાંડતાં'તાં ? ભલે હવે ન કહેવું હોય તો ન કહો... હું તો અમસ્તી જ પૂછતી હતી... મીરાં: (હસે છે) ના ... સાસુ હતાં... ધણી નથી... સ્ત્રી: નથી ? મીરાં: ચાર વર્ષ થયાં... સ્ત્રી: ઓહ... લાગતું નથી.... મીરાં: કેમ ? ચાંદલો કર્યો છે એટલે ? રંગીન કપડાં પહેર્યાં છે એટલે ? સ્ત્રી: મારો ઈ અરથ નહોતો....માફ કરજો...તમારું નામ ? મીરાં: મીરાં... મીરાં રાઠોડ......લક્ષ્મી નિવાસ, માતાજીના મંદિરની સામે, વઢવાણ, સુરેન્દ્રનગર અને તમારું ? સ્ત્રીઃ નામમાં શું દાટ્યું છે, બેન ? એ કામચોર.. એવું મને મારી સાસુ કહેતી... એ છપ્પરપગી... એવું નણંદ કહેતી...'એ હરામહાડકાંની...’ એવું મને મારો વર કે'તો...તમને જે ગમે ઈ તમે કો... મીરાં: (હસે છે) પાણી પીશો ? સ્ત્રી: આ પેલું ફિલ્ટરવાળું પાણી છે ? મીરાં: હા. સ્ત્રી: તો નો... એનાથી મારું પેટ બગડે ! મીરાં: ક્યાં જવા નીકળ્યાં છો ? સ્ત્રી: બેન અમે રબારી જીવ. ફરતા ફરીએ. અમારે ઠામ શું ને ઠેકાણાં શું ? પગ લઈ જાય ત્યાં જઈએ... રોટલા રળી ખાઈએ... ને રાત પડે કે એય ને મજાના ભજન લલકારીયે..

(ગીત ૩: રામ રાખે તેમ રહીયે....)

મીરાં: મજાનાં છો તમે... ! અજાણ્યા ગામમાં રાત કાઢવી ભારે નહીં પડે ? સ્ત્રી: વાતવાતમાં તો આયખું વીતી જાય, તમે ક્યાં રાતની વાત કરો છો ? બાકી તમે શેરનાં... અમારા ગામડાવાળાની વાત્યું તમને નો સમજાય.... મીરાં: મનથી કરેલી વાત મન તરત સમજી જાય. તમ તમારે વાત કરોને... (સ્ત્રી ગણગણે છે....) મીરાં: બાકી સરસ ગાઓ છો તમે...જાદુ છે તમારા કંઠમાં... સ્ત્રી: અમે શું ગાવાનાં બેન ? આ તો હરી વાંસળીમાં હવા ફૂંકે ને ઈ ગાય. આપણે તો એના દોરવાયા દોરીયે....(સ્ત્રી બે પદ ગાય છે....) આ મીરાંબાઈનું પદ છે... મીરાં: અચ્છા... સ્ત્રી: હા... ઈ મીરાંબાઈ... માએ કહ્યું, કૃષ્ણ તારો સાંવરિયો ને એને વરી બેઠી....ગજબની હતી....કૃષ્ણ પાછળ ઘેલી મીરાં... એના જેવી બીજી નહીં થવાની... મીરાં: સાંભળ્યું છે એમના વિશે.....વાંચ્યું છે એમના વિશે... સ્ત્રીઃ સાંભળો અને સમજો એમાં આભ ધરાનો ફરક...કોને પ્રેમ કરી બેઠી ? કૃષ્ણને ? જે ક્યારેય કોઈનો થયો જ નહીં ? ન દેવકીનો... ન નંદનો... ન જશોદાનો....ન ગોપીઓનો...ન ગોકુળનો.. ન વાંસળીનો... ન શંખનો... ન રાધાનો....ન મીરાંનો....

(ગીત ૫ કાનુડો શું જાણે મારી પ્રીત)

મીરાં: રુકિમણીજીના તો થયાને ? સ્ત્રી: એને થયા કહેવાય ? રાધાને આટલો પ્રેમ કર્યો. પછી બચાડી રુક્ષમણી આખી જિંદગી ત્રાજવું લઈ તોળતી હશે કે કોને વધારે પ્રેમ કરે છે. મને કે રાધાને ? રાત્રે ઊંઘ ન આવે બેન ઘરવાળો લીલા કરે તો બૈરા કેમ સૂવે ? શંકા ઘરમાં પૈસે કે આંખ્યુમાં ઉજાગરા અંજાય જાય... આખેઆખો કૃષ્ણ કોને મળ્યો છે ? તમે જેટલો પ્રેમ કરી શકો એટલો કૃષ્ણ તમારો. પકડવા જાવ ઈ ભેગો તો છટકી જાય... ને પડતો મૂકો તો વળગવા આવે. મીરાં: મજાની વાત કરો... પણ આ કૃષ્ણ મીરાં ને એવું બધું આપણે બહુ ન વિચારીએ. સ્ત્રી: એ જ તો વાત છે ને… ! આપણે ક્યાં કંઈ વિચારીયે જ છીએ. સામું દેખાય ઈ જોઈએ. તમે બધાંય માની બેઠાં છો કે મોહનનો કોન્ટ્રેકટ માત્ર મીરાંને મદદ કરવા પૂરતો જ મર્યાદિત છે... અરે મોહન જેટલો મીરાંનો છે ને એટલો જ તમારો છે ને એટલો જ બધાંયનો છે. ફરક છે તો માત્ર એને ઓળખવાનો....આપણા જેવા માણહની આ પૂરતી સમજ નહીં બેન.. એટલે આ થોથાં વાંચીને એક છબી ઊભી કરીએ અને ઈ છબી જ સાચી એમ માની લઈએ. મીરાં: એટલે ? સ્ત્રી: એટલે એમ કે આપણે મન કૃષ્ણ એટલે માખણ ખાતો... ગોવર્ધન પર્વત ઊંચકતો, પીતાંબરધારી, વાંસળી વગાડતો, ૧૦૮ રાણીવાળો, છપ્પનભોગ જમતો ને એવું બધું... મીરાં: તો સાચું જ છે ને ? સ્ત્રી: ધૂળ સાચું ? આખો દિ' પર્વત આંગળી પર લઈ ઊભો રે તો આંગળી સોજી ન જાય... છપ્પનભોગ ને માખણ ખાધા કરે તો ડેબેટીજ ન થાય ? મીરાં: ડાયાબિટિઝ... અને ભગવાનને ? (હસે છે) સ્ત્રી: ભગવાનને ય ભગવાન બનવાનો ક્યારેક તો ભાર લાગે ને ? ઈને રજા ન જોઈએ ? આ એમની રજા... મીરાં: અને કામ ? સ્ત્રી: રાજ ચલાવવું... જ્ઞાનની વાત્યું કરવી. ગીતા ગાવી... રાક્ષસું મારવા... ધરમની ધજા ફરકાવવી....આ બધું ઈનું કામ....પણ ઈ બધું માણસને ભારે લાગે.. એટલે આપણે કાનુડાને રાસે રમાડીયે....મારા હાળા નવરાત્રી નવ દી' રાસ રમીને પગ થાંબલા થઈ જાય...ને બચાડા ભગવાન આખો દી રાસ રમે ? ઈ કેમ હાલે ? તમે આખાય વૃંદાવનમાં જઈને જુઓ... ક્યાંય રાધા કૃષ્ણના પ્રેમની વાતો કરતો શિલાલેખ જડશે નહીં. કોઈ પુરાવો છે ? નથી. પણ મન માને છે એ વાતને.....કેમ ? કારણ કે એ સાચી લાગે છે. વહાલી લાગે છે. આવો પ્રેમ આપણે નો કરી શકીએ એટલે માનીયે કે આપણા ભગવાને કર્યો હશે. મીરાં: આ તો કઈ જુદો દૃષ્ટિકોણ છે... સ્ત્રી: એ શું વળી ? મીરાં: એટલે... જોવાની અલગ રીત....

(ગીત ૬ બોલ મા બોલ મા)

મીરાં: એ વાત તમારી સાચી... પ્રેમ અચકાઈને કરો એના કરતાં ન કરો એ સારું. લગ્નનું પણ એવું જ. ગમતું પાત્ર મળે તો ઠીક બાકી તો બધી નિભાવવાની વાતો. મન મારીને જીવવું બહુ અઘરું હોય છે. એક એક પળ વીતાવવી અઘરી લાગે. સ્ત્રી: આપવીતી કો' છો બેન ? મીરાં: (બોલતા અચકાય છે) સ્ત્રી: બોલો બોલો...બેન બા મોકળા મને વાત કરો.... મીરાં:

અજાણ્યા માણસનો સંગ ન કરીએ...
એના હાથ માહે હીરો નવ દઈએ...
મનડાની વાતું ને દીલડાંની વાતું...
ભેરુ વિના કોને કહીએ ?

સ્ત્રી: વાહ રે બાપા વાહ ! બોલો તમારામાં કાં અચાનક મીરાંબાઈ પ્રગટ્યાં ? મીરાં: કોણ પ્રગટ્યાં ? સ્ત્રી: લે... નામ મીરાં છે ને મીરાંબાઈને નથી પીછાણતાં ? હું છું ને...તમને હંધુંય સમજાવીશ...અને બેન કાલે હું કોણ ને તમે કોણ ? તમારી વાત્યું મારે કોને કરવી છે ? તમ તમારે પેટ છૂટી વાત કરોને….ધણીની બહુ યાદ આવે છે ? મીરાં: ના... સ્ત્રી: ના ? મીરાં: ના... એ નથી એ વાત મને ડંખતી નથી. ક્યારેક અચરજ થાય છે. ક્યારેક મનમાં બહુ ખરાબ લાગે છે... કેમ મને કોઈ ફરક નથી પડતો ? હું ભાવવિહીન છું ? શુષ્ક છું ? કઠોર છું ? જેની સાથે લગ્ન થયાં, જેની સાથે સંસાર માંડ્યો એ મને યાદ ન આવે તો હું કેટલી ખરાબ ? કેટલી ખરાબ ? પણ શું કરું ? મા બાપે કહ્યું ત્યાં નાની ઉંમરે પરણી ગઈ... ન સ્વભાવનો મેળ, ન ભાવનાઓનો... એ ફોજમાં હતા. મહિનાઓ સુધી સીમા પર રહે. અમારી વચ્ચેની વાતો પણ ગણતરીની અને મળવાના દિવસો ય ગણતરીના.....કોઈ મનમેળ જ નહીં... બસ પડ્યું પાનું નિભાવવાનું.....એમના ગયા પછી એમની ગેરહાજરી નથી વરતાતી મને....નથી સાલતી તો શું કરું ? સ્ત્રી: મીરાંબાઈ ભાવવિહીન હતાં ? કઠોર હતાં ? નહીંને ? તોય ક્યાં રાણાની વાહે સતી થયાં ? ક્યાં એણે શોક પાળ્યો ? તોયે આજે પૂજાય છે ને, ગવાય છે ને... ? કેમ ? કારણ કે એ સાચુકલી હતી... મનથી કૃષ્ણને વર માનીને ધારત તો રાણા સાથે સંસાર માંડી શકી હોત....પણ એણે એવું ન કર્યું... ચોખ્ખે ચોખ્ખું રાણાને બધું કહી દીધું... રાણાને એણે છેતર્યો નહીં... મનમાં પાપ નહીં એ બાઈના. આ બધો પ્રેમનો પરચો બહેન... થતા થઈ જાય પણ નિભાવવો અઘરો પડે. મીરાં: પણ હું શું કરું ? મારા ઘરમાં બધાં મારી સામે તિરસ્કારથી જુએ છે... મને ખરાબ માને છે... મારા પર શંકા કરે છે... કડવી વાતો કરે છે... મેણાં મારે છે.... એ ગુજરી ગયા ત્યારે તો હું ત્યાં હતી પણ નહીં તોય જવાબદાર હું ? મારા ભાગ્ય ખરાબ હોય, હું અભાગી હોઉ તો મરું, મારો વર કેમ ? અને જાણે આટલું દુઃખ ઓછું હોય ત્યાં દાઝ્યા પર ડામ દેવા માટે સર્જાયેલા રીતિરિવાજો... ચૂડી, ચાંદલો ભાંગો... રંગીન કપડાં ત્યાગો... સારા પ્રસંગે ઘરમાં પુરાઈને રહો... ગંદી... ઈનસેન્સેટિવ, ઈનહ્યુમન પ્રથાઓ....શું કરે માણસ ? કઈ રીતે આ ગાંડપણમાં સ્વસ્થ રહે ? હજી તો ૧૩ દિવસ થયા'તા... મને કહે... સાસુ: (વોઈસ ઓવર) કાલે વહેલી સવારે કુળદેવીને ત્યાં પગે લાગવા જવાનું છે... તૈયાર રહેજો... મીરાં: મારાથી ત્યાં અવાય ? સાસુ: બસ આ છેલ્લી વાર…… કુળદેવીનું નામ લજાવ્યું....ઘરને કુળદીપક આપ્યા વગર મારા દીકરાને ભરખી ગયાં....માથું ઝુકાવી માફી માંગજો... દેવીના આશિષ હશે તો કદાચ આવતે જન્મે સુખી થશો અને સુખી કરશો... મંદિરને ધોઈને ચોખ્ખું કરજો....અને બસ કુળદેવીની મૂરત આંખમાં ભરીને પછી બહાર.....કોઈ દિવસ પગ મૂકવાનું નામ ન લેતાં... મીરાં: શા માટે માફી માંગું હું કુળદેવીની ? મારો સોહાગ છીનવી લીધો એના માટે માફી તો કુળદેવીએ મારી માંગવી જોઈએ. કયા જમાનામાં જીવીએ છીએ આપણે ? ૨૦૧૦ની સાલમાં દસકાઓ પહેલાંના શરમજનક રિવાજો... અને આ માનવાવાળા કોણ ? આવા ભણેલાગણેલા લોકો ? તો પછી અભણોને શું કહેવાપણું રહે ? સ્ત્રી: નવું શું છે ? વરસોથી આ જ ચાલતું આવ્યું છે ને કદાચ વરસો સુધી આ જ ચાલવાનું... કનડગત કરવાની રીત્યું બદલાશે પણ માણસનો સ્વભાવ નહીં...દુઃખ થાય ઈ પૂરતું નથી... એનો દેખાડો ય કરવો પડે... એટલે જ તો વિધવા માથું બોડે....ધોળા કપડાં પહેરે... શણગાર ન કરે, સતી બને, કોઈ સારા પ્રસંગમાં ભાગ ન લે... પણ એ બાઈએ. આમાંનું કંઈ માન્ય ન રાખ્યું.... મીરાં: કોણે ? સ્ત્રી: એ મીરાંબાઈએ... એટલે જ તો એ જુદી પડી... ખોટી ઠરી.... મીરાં: એમની પાસે કૃષ્ણ હતા....જે ચમત્કાર કરીને મીરાંબાઈને ડગલે ને પગલે બચાવતા હતા...આજના જમાનામાં આપણે આવા ચમત્કારોની આશા ન રખાય... સ્ત્રી: તે તમે મારા ગિરિશ્વર ગોપાલ પાહે કેવા ચમત્કારોની આશા રાખો છો ? અરે ફિલમના ચમત્કારો અને ઈશ્વરના ચમત્કારો વચ્ચે તત્ત્વનો તફાવત છે... અહીં આટલી ઘનઘોર અંધારી રાતે વરહતા વરસાદમાં, તમારા ઘેરથી આટલે દૂર, તમે એકલાં હો ને આવા વેરાન ખંડેરમાં તમારા દેહને એક ઘસરકો સુધ્ધાં નો પડે એ મારા કાનુડાનો ચમત્કાર નથી ? જોનારની વાંહે ઓછું આપણાથી જવાય છે... ? બાકી ઈશ્વર શું કામ આપણને જિવાડે ? હસતાં જીવવાનું છે ને રડતાંય જીવવાનું છે. તો પછી હસતાં જ ન જીવીએ ? ખુશીથી, ખુમારીથી ન જીવીએ ? મીરાં: ઝેરનો કટોરો ને સાપનો કરંડિયો....ઈ બધાં કિસ્સા ગળે વાત ઉતારવા માટેની વાર્તાઓ.. સ્ત્રી: પણ ઈ યાદ રાખજે... તમને જે મારતું નથી ઈ તમને વધારે બળવાન બનાવે છે... જેમ મીરાંની ભક્તિને રંગ ચઢ્યો, જેમ એની પૂજાને ઈશ્વર ફળ્યો, જેમ એના પ્રેમને કૃષ્ણ જડ્યો, એમ તનેય મારગ મળી રહેશે... બળવો ઈ તો દબાયેલા જીવનો ઉત્સવ છે...

(ઝેર તો પીધાં છે જાણી જાણી...)

મીરાં: કહેવું બહુ સહેલું છે... સંસારનો ત્યાગ કરવો એ તો આજે મને સૌથી સરળ લાગે છે. સમાજમાં રહીને સમાજની સામે બળવો પોકારવો એના માટે અસામાન્ય હિંમત જોઈએ.... આજે હું મારી રીતે જીવું છું. નથી પહેરતી સફેદ કપડાં... નથી સાંભળતી ઘરવાળાઓની વાતો... નથી જતી મારાં મા—બાપ પાસે બે રોટલી માંગવા.....તો હવે નવી કનડગત શું ? તો ચરિત્ર પર શંકા... ! મારી સાથે કામ કરતા દરેક પુરુષ સાથે મને...છી... કેમ ? કોઈ સ્ત્રી પુરુષ વગર ન જીવી શકે ? પુરુષ વગર એની કોઈ ઓળખ, કોઈ આઈડેન્ટિટી નથી ? અગ્નિપરીક્ષા દર પગલે આપવી જરૂરી છે ? તમે કહો છો મૌન રહેવું.... લો રહી મૌન...તમારી મીરાંની જેમ આ મીરાં પણ મૌન રહી....તો ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું. કેટલીયે વાર..એ ન માન્યું તો સતત અને સખત હેરાન કરી અને એક દિવસ તો... સ્ત્રી: શું થયું ? મીરાં: મારા દૂધમાં ઊંઘની ગોળીઓ નાખીને મને....(૨ડી પડે છે) કોઈ કૃષ્ણ ન આવ્યો મને બચાવવા બહેન..... કોઈ કૃષ્ણ ન આવ્યો....તો ય આજે હું જીવતી છું... કહેવાય છે ને કે કોઈ પણ ચીજ પ્રમાણથી વધારે સારી નહીં. કદાચ ઝેર માટે પણ આ વાત સાચી છે. વધારે પડતી ગોળી નાખી એટલે મને ઊલટી થઈ ગઈ ને એમાં હું બચી ગઈ. તમારી પેલી મીરાં ઝેર પચાવી શકતી હશે પણ મારા જેવી સામાન્ય સ્ત્રી ન પચાવી શકે. સ્ત્રીઃ મારા કૃષ્ણએ મીરાંબાઈને ઝેર પચાવવામાં મદદ કરી એને તમે ચમત્કાર માનતાં હો તો તમારા દેહમાં વધારાની ગોળી નખાવીને બધી જ ગોળીઓ પાછી બહાર કઢાવી, એ શું મારા કાનુડાનો ચમત્કાર નથી ? કોઈ કૃષ્ણ ન આવ્યો તને બચાવવા એમ ? અરે બેન પેલી વધારાની ગોળી હતી એ જ મારા કૃષ્ણ હતા બે'ન... બહુ હેરાન થયાં છો... અરે હજી આગળ ઘણું યે વીતશે... ઝેરનો પ્યાલો નહીં તો સાપનો કરંડિયો મળશે... એ ય નહીં તો છેવટે અગ્નિપરીક્ષા... સીતામાતા સાબિતી આપવાથી ન બચી શક્યાં તો તારી, મારી શી વિસાત ? સાબિતી તો મરીશ ત્યાં લગી ડગલે ને પગલે આપવી પડશે. મીરાં: સાબિતી આપવાથી સાબિત શું થાય છે ? ચરિત્ર ચોખ્ખું છે કે નહીં એ કઈ રીતે અને કોણ નક્કી કરશે ? વિશ્વાસ મૂકો તો ઈ ને ભાંગવાનો એક વાર ડરે ય લાગે... શંકા કરીને શું મળવાનું... ? જીવન આટલું અઘરું હશે એવું નહોતું વિચાર્યું.... સ્ત્રીઃ સહેલું શું છે જીવનમાં બે'ન ? બે રોટલા કમાવા યે અઘરા છે. જેની પાસે રોટલા છે એને માટે રોટલા પચાવવા અઘરા છે. કોઈનાં સપનાં નથી પૂરાં થાતાં, તો કોઈની ઊંઘ. દરેકનું દુઃખ નોખું ને દરેકનું દુ:ખ બીજા કરતાં વધારે. આજે હું ને તું સામસામે બેસીને પોતપોતાના દુઃખની ઢગલાબાજી રમશું તો છેવટે મારા દુઃખથી તું અને તારા દુઃખથી ડરીને હું, ખુશી ખુશી પોતપોતાના દુઃખની ઢગલી લઈને ચાલતી પકડીશું....એ આવજો રામ રામ... મીરાં: પણ કોઈ ઉપાય તો હશે ને ? કોઈ તરકીબ ? ભલે દુઃખ ઓછું ન થાય, પણ ઓછું વરતાય એવી તરકીબ ? સ્ત્રી: હા છે ને ! ખોલો તમારા ભણતરની ચોપડી ને એક વાર ખોલો મીરાંબાઈનું જીવન જે એના ભક્તિપદોમાં એણે ગાયું છે. બધી તરકીબો સંતાઈ છે એમાં. હા ગોતવું પડે ઊંડા ઊતરીને. દરિયાનાં મોતી ગોતવાં મરજીવા થાવું પડે... કોઈ શબ્દમાં… કોઈ લીટીમાં.. કોઈ લયમાં.... કોઈ ગીતમાં...જીવનનું રહસ્ય ઊઘડશે. મીરાંબાઈએ ભોગવેલા ત્રાસમાં ક્યાંક કૃષ્ણનો રાસ પણ જડશે. મીરા: (કન્ફયુઝ — સાઈલન્ટ) સ્ત્રી: મુંઝાઈ ગઈ ? એક કામ કર…હું પૂછું એના મનથી જવાબ આપ... ફટાફટ... ઝાઝું વિચાર્યા વગર… સ્ત્રી: મસ્તીનો, સોહાગનો, પ્રેમનો રંગ કયો ? મીરાં: લાલ... સ્ત્રી: એ લાલ રંગમાં ઉમેરો થોડી ફકીરી, થોડી ભક્તિ, થોડી બંદગી અને વધુ ઘેરો કરો તો ઈ બની જાય... મીરાં: ભગવો સ્ત્રી: ભગવો વેશ તે... મીરાં: સંતનો... સાધુનો... સ્ત્રીઃ શબ્દ કરતાં વધુ બળવાન ? મીરાં: મૌન... સ્ત્રી: ભાવને દર્શાવવા માટે સૌથી ચોટદાર ? મીરાં: કવિતા... સ્ત્રી: જ્યાં મૌન અને કવિતા બંને નો હાલે ત્યાં ? મીરાં: સંગીત... સ્ત્રી: સંગીતનો જન્મ થાય મીરાં: શાંતિમાંથી... સ્ત્રી: અને શાંતિમાં પડઘાય... મીરાં: માત્ર ઈશ્વરનું નામ... સ્ત્રી: વાહ રે વાહ મીરાં: પણ આ બધું... સ્ત્રી: (હસે છે) ભેગા કર આ છૂટાછવાયા ટુકડા અને ગોઠવી દે...જો કોણ દેખાય... ? છે... કોણ દેખાય છે ? જેની મસ્તીમાં ફકીરી ભળી, જેને સંગત થઈ સંત મહાત્માની. જેણે મેણાંને માર્યાં મૌનથી, ભાવને વહાવ્યા ગીતમાં—પદોમાં અને પરોવ્યાં મોતી એકતારામાં... જેના ચહેરા પર પરમશાંતિનું તેજ અને મુખ પર નામ વહાલા કૃષ્ણનું... એ બીજું કોઈ જ નહીં પણ... મીરાં: મીરાં... સ્ત્રી: આ જ છે મીરાંબાઈ... એની છબીમાં જ એની આખી ઓળખ છુપાઈ છે.. જોઈ શકો તો નજરોની સામે છે મીરાં ને ન જુઓ તો એક સાધારણ બાલાજોગણ. મીરાં: તમે કોણ છો ? કોણ છો તમે ? સ્ત્રી: હું તો બેન ફસાઈ છું.... આ વરસાદમાં અહીંયાં...વરસાદ ઓછો થાય કે જતી રહીશ... મીરાં: તમે તો કંઈ કેટલા અર્થ શોધી કાઢો છો.. કેમ તમને આ બધું સમજાય છે અને મને નહીં ? એવો શું જાદુ છે તમારામાં કે તમે કહો છો એ બધું સાચું લાગે છે ? સ્ત્રી: જાદુ તો બધાંયમાં હોય. થોડો જાદુ તમારામાં હોય તો જ બીજાનો જાદુ તમને સ્પર્શે... જાદુ જાદુને ખેંચે. તમને ય બધું સમજાઈ જશે... આપણા દુ:ખને ઊજવતા શીખવું પડે. મીરાંબાઈની જેમ એને શબ્દોમાં ઢાળીને લખવું પડે, સૂરમાં પરોવીને ગાવું પડે, એને પગે બાંધી નાચવું પડે, એને મોરપીંછ માની માથે ચઢાવવું પડે... સુખને તો વહેંચવાનું મન થાય..…દુઃખ તો પોતીકી પીડા હોય... એને તો સ્વાર્થી બનીને આપણી પાસે રખાય...પંપાળીને લાડકા દીકરાની જેમ મોટું કરાય...આ પોતીકી પીડા આખી જિંદગી જિવાડી જાય.... મીરાં: કેટલું સામ્ય છે નહીં અમારા જીવનમાં ? ઇન્ફેક્ટ આમ જોવા જાઓ તો કોઈ પણ સ્ત્રીના જીવનમાં અને મીરાંબાઈના જીવનમાં. આજે આટલી વાત કરતા ખબર પડે છે કે કેવી નાની નાની ચીજો પર ધ્યાન નથી દેતા આપણે. કેટલીક વસ્તુઓને આપણે જોઈ નથી શકતા. સ્ત્રી: હા બેન... આ જમાનો આખોય છતી આંખે આંધળો છે... આપણી લોકકથામાં જીવન જીવવાની કળા કેટલી સહજ જોવા મળે છે. લોકો પાસે બે ઘડી ઊભા રહીને પાછળ જોવાનો ક્યાં સમય છે ? ઇતિહાસમાં ભવિષ્યની ચાવીઓ દટાયેલી હોય છે. એને શોધવી પડે...

(ફોન રિંગ)

મીરાં: હેલો... હા... મા બોલો. હું હજી અહીંયાં જ છું... હા બોલો મોટાં ભાઈ... મેં તમને ના પાડી'તી કે હું કાલે નહીં આવી શકું... છેલ્લી વાર પૂછો છો એટલે ? હેલો....તમે મારાં મમ્મી પપ્પાને શું કામ ફોન કર્યો પણ ? તમે એક મિનિટ માને ફોન આપો.. મા... તમે સમજી નથી શકતાં કે સમજવા નથી માંગતાં ? હું મારા કામ માટે અહીંયાં આવી છું... કોઈ એલફેલ સાથે રખડવા નહીં... સાચું કહું... મને દયા આવે છે... તમારા પર... તમારા ગંદા વિચારો પર... એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને પ્રોત્સાહન આપવાને બદલે તમે... એનીવે... ફોર ધ લાસ્ટ ટાઇમ... હું નહીં આવું... કાલે પણ નહીં અને પછી ક્યારેય પણ નહીં... બસ ? મેં પતિ ગુમાવ્યો એના માટે ભલે તમને સીમ્પથી ન હોય, પણ તમે જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે એટલે માફ કરું છું તમને અને તમારી લાચારીને... (ફોન કટ કરે છે...) (સ્ત્રી ગીત ગણગણે ઝેર તો પીધાં જાણી જાણી...) મીરાં: તમને લાગતું હશે કે આ કેટલી સ્વાર્થી સ્ત્રી છે... સાસુ—સસરાની સેવા કરવી જોઈએ, ઘર સંભાળવું જોઈએ એના બદલે પોતાના કામમાં પરોવાયેલી છે, બહાર રખડે છે... બધાં એવું જ માને છે.… સ્ત્રી: વેરને પંપાળ્યા કરીએ તો સૂઝ ક્યાંથી આવે ? ઘાને ખોતર્યા કરીએ તો રૂઝ ક્યાંથી આવે ? દીકરીને દુઃખી કરીને ફેરવેલી ૨૫ માળા ગો—હત્યા બરાબર જ ગણવી... ને માબાપને હડધૂત કરીને ગામને દાન ધરમ કરો ઈ બ્રહ્મ હત્યાનું પાપ જ નોતરેને ! ઈર્ષ્યા, અદેખાઈ, લાલચ, સ્વાર્થ જેવા અવગુણોને પંપાળીને ભોળાનાથ પર કરવામાં આવતો દૂધનો અભિષેક અને ગટરમાં ઠાલવવામાં આવતું બગડેલું દૂધ.. આ બેની વચ્ચે કોઈ ફરક નથી... એવું મારી બા મને કહેતી... ને આપણે કોણ કોઈને સ્વાર્થી કહેવાવાળા બેન ? અને જો તમે સ્વાર્થી છો તો બીજું એવું કોણ છે જે નથી ? મીરાં: તમે નથી લાગતાં સ્વાર્થી.... સ્ત્રી: તારા—મારા જેવા સાધારણ લોકોની વાત તો જવા દે, આપણે જેને સંત, મહાત્મા, ઈશ્વર માનીયે છે. શું ઈ બધાંયે સ્વાર્થી નથી ? ધરમની ધજા ફરકાવવા, રાજગાદી સંભાળવા કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા નો ગયા હોત તો ચાલત ? મીરાં: પાછા કૃષ્ણ ? સ્ત્રીઃ કૃષ્ણ વગર આ જીવનમાં શું છે બેન ? કૃષ્ણએ તો કેટલાયને દુઃખી કર્યા, રાધાનું મન તોડ્યું... વાંસળીને અળગી કરી.....કરવું પડે બેન... એક મોટા હિત માટે કરવું પડે... મીરાં: પણ કૃષ્ણ ભગવાન હતા. એમને ખબર હતી બધી... શું થવાનું છે એની... સ્ત્રી: જડતાથી પ્રભુ જડતા નથી... મીરાં: તમને કોઈ સાધારણ માણસની એટલે કે સીધા સાદા માણસની વાત કરતા નથી આવડતી ? સ્ત્રી: આવડે છે ને.... રાણાની વાત... મીરાં: કોણ રાણા ? સ્ત્રી: રાણા ભોજ... મીરાંના પતિ. આ આખીય વાતમાં રાણાને આપણાથી ભૂલી ન શકાય... ઈનો શું વાંક ? મીરાંબાઈની મા એના હાથમાં કૃષ્ણની મૂરતી આપે અને કહે.. કે લે આ તારો વર. અને મીરાં જિંદગી આખી આ વાતને પકડી રાખે એમાં બચાડા રાણાનો શું વાંક ? એની કેટલી ઇચ્છા મરી પરવારી એ કોણ વિચારે છે.. ? ન ઘર વસ્યું. ન સંસાર...ન પત્ની બની શકી મીરાં, ન સખી... સાથે રહેતી... ઊઠતી... બેસતી. ખાતીપીતી એક વ્યક્તિ. આ બધુંય કરવા છતાં તમારી સાથે નથી, એ વાતની પીડા સમજી શકે છે ? આપણું ગજું નહીં એ સમજવાનું બેન. આપણું ગજું નહીં ! પણ શું થાય... ? મીરાંએ એના નસીબમાં લખ્યાં 'તાં.. ઈ કરમ કર્યાં....બાકી બધું હરિ સંભાળે... સૌથી પહેલી ફરજ જાત તરફ હોય બેન...પોતાના મનને મારીને બીજાને ખુશ રાખવા ઈ કોઈ નથી કહેતું....પડી... ! વીજળી પડી... ! નક્કી આજે ક્યાંક વીજળી પડી ! મીરાં: તો હું જે કરું છું એ યોગ્ય છે ? સ્ત્રી: ઈ તો છેલ્લે ખબર પડશે.... અત્યારે નો કહેવાય.... તમે જે કંઈ મારગ અપનાવો એ પહેલેથી સાચો કે ખોટો નો હોઈ શકે... એને આપણે સાચો બનાવો પડે... ઘર—દ્વાર પ્રેમથી છલોછલ રાખીયે તો હરદ્વાર જવાની જરૂર નથી. અરે જીવતરની સાચી દિશા એટલે તો મથુરાથી ગોકુળ ભણીની દિશા...આજે તું જે કંઈ નક્કી કરે એ નિર્ણય સાચો સાબિત કરવો ઈ તારી જવાબદારી છે. કામ કરે તો એવું કર કે બીજું કોઈ કરી નો શકે.. ભક્તિ કર તો નરસિંહ જેવી, મીરાં જેવી....સદીયો લગી માણસ યાદ કરે કે આવું કોઈ થઈ ગ્યું અમારી પહેલાં બાપા... મીરાં: આ બધું સમજવું બહુ અઘરું છે. સ્ત્રીઃ તમારી જેટલી સમજ હશે એટલો જ મારો સર્જનહાર તમને સમજાશે ! ઈ કાંઈ તમારી હામે ઈમનેમ અમથેઅમથો પ્રગટ નો થાય હોં ! નરસિંહ મહેતો મશાલની હારે પોતાનો હાથ હળગાવી દે ને.....એટલો એનામાં તલ્લીન થઈ જાય ત્યારે એના રૂપને નીરખવાનું એને સૌભાગ્ય મળે ! છે તમારી પાહે ભક્તિનું ઈ ઊંડાણ ? મીરાં: કોણ તમારી વાતો સાંભળીને તમને અભણ માને ? તમારી સાથે ચર્ચા કરવા બેસે તો ભલભલા હારી જાય... સ્ત્રી: લ્યો હવે રાખો રાખો...ઈ કો કે દ્વારકામાં દ્વારકા નગરીની શોધમાં આવ્યાં છો ? શું શોધો છો ? કૃષ્ણનું મોરપીંછ, વાંસળીના સૂર, રાધાનો વિરહ કે દ્વારકાના દરિયામાં સમાઈ ગયેલાં મીરાંબાઈ ? મીરાં: એટલે મીરાંબાઈ દ્વારકા આવ્યા'તાં ઈ સાચું ? હું જે કામ માટે આવી છું એમાં મારી મદદ કરશો ? સ્ત્રી : હું શું મદદ કરવાની ? મારી શું જરૂર પડી તમને ? મીરાં: પડશે... મારા રિસર્ચમાં આવા ઘણા બધાં પૉઇન્ટસ અગત્યના રહેશે... ભલે પુરાવા ન હોય પણ દલીલ ખોટી નથી. ભલે સ્થૂળ ન હોય સૂક્ષ્મ તો છે. ભલે કંઈ મળ્યું ન હોય પણ એક સનાતન શોધ તો છે. કૃષ્ણની શોધ, મીરાંની શોધ (સાઇલન્સ) મીરાંનાં અવશેષની શોધ. સ્ત્રી: કોણ જાણે છે ? તે જમાનાનું આજે કોણ છે અહીં ? તે જમાનાનું શું છે અહીં ? પણ હા... જીવે છે મીરાં.....થોડી તારામાં.... થોડી મારામાં.... બધાંમાં.... થોડી થોડી... આજે એણે કરેલાં પુણ્ય આપણે ભોગવીયે છીએ પણ એણે ભોગવેલા તિરસ્કાર અને શ્રાપના છાંટા પણ આજ લગી આપણે ઓઢેલી ચૂંદડી પર લાગ્યા છે... આપણું દુઃખ જો મોટું લાગતું હોય તો એના પર શું વીત્યું હશે એ કોઈએ ઉથલાવીને જોવાનો પ્રયત્ન કર્યો છે ? મીરાં: હું ઉથલાવીશ ઇતિહાસનાં પાનાં... શોધ કરીશ સત્યની... ઇતિહાસમાં દટાયેલી ભવિષ્યની ચાવીઓ શોધી કાઢીશ... મને કહો બેન... મીરાંબાઈએ દ્વારકામાં જળસમાધિ લીધી એ વાત સાચી ? દ્વારિકાનગરી સમુદ્રમાં સમાઈ છે એ વાત સાચી ? મારે જાણવું છે... ખોજવું છે... સ્ત્રી: અત્તરમાંથી ફૂલનું કુળ શોધવા નીકળ્યા છો...મળશે કે કેમ ઈ તો તમે જ જાણો... મીરાં: મળશે... જે મળે તે... જે જડે તે...ત્યાંથી શરૂ કરીશ... સ્ત્રી: શરૂઆત તો નામથી જ થઈ ગઈ બેન... ! મા—બાપે મીરાં નામ રાખ્યું ત્યારથી જ... શરૂઆત દરેક ચીજની ઝંખનાથી થાય...દરેક ધરમમાં શંકા માટે સ્થાન હોવું જોઈએ. તમે પૂછો કે આવું કેમ ? આવું કઈ રીતે ? એટલે જવાબની શોધ શરૂ થઈ જાય. જવાબ ન આપે તો એ ધરમ ખોટો અને જવાબ ન જડે ત્યાં લગી આપણી સમજણ અધૂરી ! મીરાં: અમારી સમજણ અધૂરી ? તમે મીરાંબાઈની આટલી વાત કરી એ તો ઠીક... પણ એમની પાસે એમનું મન, એમની વ્યથા અને એમનો પ્રેમ ટાંગવાની એક ખીંટી હતી. જેનું નામ કૃષ્ણ. અને કૃષ્ણમાં પરોવાઈને એમણે બીજી બધી વસ્તુમાંથી જીવ કાઢી લીધો અને ભવસાગર પાર કરી ગ્યાં. સ્ત્રીઃ કૃષ્ણ તો નામ છે માત્ર ! ક્યાં મેં કે તમે કે પછી ખુદ મીરાંબાઈએ એમને જોયા છે ? પ્રતીક સમજો છો ? મીરાં: સમજું છું ને ! સ્ત્રીઃ બસ ત્યારે ! તમે જેમાં જીવ પરોવવા માંગતા હોવ એને જ ઈશ્વર માનીને એમાં જોડાઈ જાવ ! પછી એ સંસાર હોય, માણસ હોય, કામ હોય કે પછી પૂજા હોય... જાતને સીવી દયો એક લક્ષ્યમાં... પછી આજુબાજુનું કંઈ દેખાશે નહીં... કંઈ સંભળાશે નહીં. મીરાં: જેમ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ ? સ્ત્રી: હવે સમજયા... એકની એક વાત જુદી જુદી રીતે વરસોથી કહેવામાં આવે છે... કાન દઈને સાંભળે ઈ ભવપાર થઈ જાય, બેન....ધરમ એ માણસ બનવાનો રસ્તો છે, ભગવાન બનવાનો નહીં... મીરાં: માણસોમાં, કાર્યમાં પરોવાયેલા રહેવું અઘરું છે. સાચા રહેવું એનાથી યે વધારે અઘરું છે.. જુઠ્ઠાણાં બોલાઈ જાય છે.... ન ઇચ્છા હોય તોય જુઠ્ઠું બોલાઈ જાય છે, છેતરામણી થઈ જાય છે. સ્ત્રી: ઈ નો હાલે... મેં પહેલાં પણ કહ્યું હતું. મીરાંબાઈ ધારત તો સંસારમાં રહીને પણ એનાથી અળગી રહી શકી હોત પણ એ પોતાની જાત સાથે સાચી રહી... ઈરાદા પવિત્ર હોય તો છુપાવાની જરૂર રહેતી નથી....

(ગોસ્વામી સીનઃ ગોસ્વામીજી અને મીરાંબાઈ)

ગોસ્વામીજી: કોણ ઈ ? મીરાં: બાપા ઈ તો હું... મીરાં ગોસ્વામી: ઓળખાણ નો પડી... મીરાં: બાપા... એક કાનુડો ઓળખે એટલે બસ. બાકી બીજું કોઈ ઓળખશે એવી આશા રાખવી ય વ્યર્થ છે... ! ગોસ્વામી: તમારી વાતો નથી સમજાતી. મીરાં: ઈ તો કોઈને ય નથી સમજાતી....પણ મને તમારી દરેકે દરેક વાતો સમજાઈ ગઈ છે... બાપા ! કાનુડા વિશેનું તમારું પ્રવચન સાંભળ્યું ત્યારે જ મનડાએ તમને ગુરુ બનાવવા નક્કી કરી નાખ્યું ! ગોસ્વામી: શું ? મીરાં: હા... મેં તો તમને ગુરુપદે સ્થાપી દીધા છે...મને તમારી શિષ્યા બનાવી લો બાપા ! ગોસ્વામી: માફ કરજો માતા... પણ અમે સ્ત્રીઓને શિષ્ય તરીકે સ્વીકારતા નથી... ! મીરાં: કેમ ? ગોસ્વામી: કારણ... અમને એમની ભક્તિની શક્તિ અંગે અવિશ્વાસ છે માતા... મીરાં: માતા કહો છો... અને માતાની શક્તિ ઉપર શંકા કરો છો ? ગોસ્વામી: સ્ત્રીઓ પુરુષની ભક્તિને વિચલિત કરે છે... ! મીરાં : તો એમાં વાંક સ્ત્રીના સ્ત્રીત્વનો કે પુરુષના પુરુષત્વનો ? ગોસ્વામી: વાંક સ્ત્રીની અણસમજનો.....તેના રૂપનો....તેની ચેષ્ટાઓનો... મીરાં: સમજદાર પુરુષની અલૌકિક ભક્તિની શક્તિ જો એક અણસમજુ સ્ત્રીના માધ્યમ દ્વારા વિચલિત થઈ શકતી હોય તો તેમાં વાંક ભક્તિની અધૂરી શક્તિનો છે....રૂપના દાવાનળમાં ભસ્મીભૂત થઈ જાય ને ચેષ્ટાઓના ઘોડાપૂરમાં તણાઈ જાય એવી ભક્તિ કરતાં તો નાસ્તિક રહેવું લાખ દરજ્જે સારું. ગોસ્વામી: તમારી અણસમજણ પર મને દયા આવે છે. મીરાં: પણ મારી આ જ અણસમજણ પર મારા કાનુડાને ગર્વ છે. હું તો તમારી પાસે એ વિશ્વાસ સાથે આવી હતી કે તમે મને મારા ગિરિશ્વર ગોપાલની વધુ નજીક લઈ જશો...પણ તમે મારી અલ્પ સમજ કરતા પણ વામણા નીકળ્યા...તમે સ્ત્રીઓને દીક્ષા નથી આપતા કારણ કે જગતના પ્રત્યેક પુરુષમાં ક્યાંક વત્તે ઓછે અંશે સ્ત્રીનો અંશ છે અને પ્રત્યેક સ્ત્રીમાં ક્યાંક પુરુષના ગુણ રહેલા છે....પૂર્ણ પુરુષોત્તમ તો એક ને માત્ર એક મારો કૃષ્ણ છે. માફ કરજો... પણ હવે હું કોઈ અલ્પજીવી મનુષ્યને મારા મોહનને મળવાનું માધ્યમ નહીં બનાવું...તમે શું મને દીક્ષા ના આપી શકો...મારે જ તમને મારા ગુરુ નથી બનાવવા..…

(ગોસ્વામી સીન ઓવર)

સ્ત્રી: હિંમત એ ઉછીની ન લેવાય...એને તો આપણી અંદર જ શોધવી પડે... મીરાં: હજી કેટલુંય જાણવું છે તમારી પાસેથી... હજી ઘણું ય શીખવું છે. આ ઘડીએ છોડું છું મારું ઘર... મારો સંસાર... કંઈ પણ કરીશ. ભૂખી મરીશ પણ પાછી નહીં ફરું. સ્ત્રી: ક્યાં જઈશ ? શું કરીશ ? મીરાં: નોકરી... મજૂરી... કંઈ પણ. જીવનના ચાર રસ્તે આવીને અટકી છું. કોઈ પણ રસ્તો અપનાવીશ, મારો બનાવીશ. તડકો વેઠીશ.. છાંયડો શોધીશ. આર્કિયોલોજિસ્ટ છું... જૂની સંસ્કૃતિઓ વિશે સંશોધન કરું છું...પણ મારા જીવનમાં લુપ્ત થયેલી, દટાઈ ગયેલી ભાવનાઓને નથી શોધી શકતી ? નથી ઓળખી શકતી...નાની ઉંમરે લગ્ન થયાં... સ્ત્રી: હા... સત્તર વર્ષે... મીરાંના રાણા ભોજ સાથે.... મીરાં: ચાર વર્ષમાં વૈધવ્ય ભોગવ્યું.... સ્ત્રી: તારો વર શહીદ થ્યો ને રાણાને યુદ્ધ મોરચે વીરગતિ મળી... મીરાં: પણ હું નહીં કરું રંગનો ત્યાગ....નહીં ભાંગું ચૂડી—ચાંદલો. સ્ત્રી: (હસે છે.) જેમ... મીરાંએ સતી થવાનો અસ્વીકાર કર્યો... મીરાં: મેં નક્કી કર્યું છે કે મારું કામ હવે એક નવા જોમથી કરીશ. એક ઓળખ બનાવીશ... ભણતરને ન્યાય આપીશ... સ્ત્રી: તું કામને પ્રેમ કરજે... મીરાંએ કાન્હાને કર્યો...પ્રેમ કરતા શીખે એ જ પૂજા કરતા શીખે... મીરાં: શું થશે ? સાસુ હેરાન કરશે ? સમાજ થૂંકશે ? સ્ત્રી: એ છાંટા ક્યાં મીરાંને અડ્યા ? ક્યાં એને રોકી શક્યા... ? નો રતનમલ...નો ઉદયમતિ... નો એનો દિયર વિક્રમજિત.... કોઈનું ગજું નહીં મીરાંની ભક્તિ સામે... મીરાં : નથી મારી ઇચ્છા ઘેર પાછા જવાની. નથી મન ફરી એ ચહેરાઓ જોવાનું. નથી એ મેણાં વેઠવાની તાકાત કે એ નેગેટિવિટીનું ઝેર પચાવાની શક્તિ. સ્ત્રી: ત્યાગ....મેવાડનો ત્યાગ. ફકીરીનો સ્વીકાર... ખુલ્લું આકાશ.. મીરાં... ઊડતું પંખી મીરાં... ગળે બાઝેલો ડૂમો મીરાં... અને બહાર નીકળેલો ટહુકો પણ મીરાં.... મીરાં: મસ્તીનો, સોહાગનો. પ્રેમનો રંગ કયો ? સ્ત્રી: લાલ... મીરાં: એ લાલ રંગમાં ઉમેરો થોડી ફકીરી, થોડી ભક્તિ, થોડી બંદગી અને વધુ ઘેરો કરો તો ઈ બની જાય.... સ્ત્રી: ભગવો... મીરાં: ભગવો વેશ તે... સ્ત્રી: સંતનો... સાધુનો.... મીરાં: શબ્દ કરતાં વધુ બળવાન ? સ્ત્રી: મૌન. મીરાં: ભાવને દર્શાવવા માટે સૌથી ચોટદાર ? સ્ત્રી: કવિતા... મીરાં: જ્યાં મૌન અને કવિતા બંને નો હાલે ત્યાં ? સ્ત્રી: સંગીત... મીરાં: સંગીતનો જન્મ થાય સ્ત્રી: શાંતિમાંથી... મીરાં: અને શાંતિમાં પડઘાય... સ્ત્રી: માત્ર કૃષ્ણ..કૃષ્ણ..કૃષ્ણ.. મીરાં: ....શાંત છું આજે... એકદમ શાંત....સ્થિર આવી હતી ઘરમાંથી છુટકારો મેળવવા... પણ લાગે છે અહીં દ્વારકામાં જ મુક્તિ મળશે. સ્ત્રી: દ્વારકા એ તો મીરાંનુંય મુક્તિધામ કહેવાય છે.... કેટલું સાચું... કેટલું ખોટું એ તો હરિ જાણે... ! મીરાં: મને તમારી સાથે લઈ જાઓ... ભટકવું છે મારે... ભમવું છે મારે... ધ્યેય વગર....દિશાહીન... સમજણની શોધમાં અપનાવશો ને મને ? સ્ત્રી: હું કોણ અપનાવવાવાળી તમને ? અભણ, ગમાર, નીચ કુળની રબારણ છું. હું તો... મીરાં: ભણેલા કરતાં વધારે ગણેલા છો. અમારી સમજણ કરતાં તમારી સમજણનો વ્યાપ વધારે મોટો છે, ઊંડો છે. સ્ત્રીઃ ના બોલો બે’ન... આવું ના બોલો....મારી કોઈ હેસિયત નથી. મીરાં: રૈદાસ ચમાર મીરાંના ગુરુસ્થાને રહી શકે તો તમે કેમ મને અપનાવી ન શકો ? કેમ મારગ ન બતાડી શકો ? કેમ એંધાણી ન આપી શકો ? સ્ત્રી: એંધાણી તો એય ને મારો હરિ આપે...તારી શોધની હજી શરૂઆત થઈ છે. બહુ આગળ જવાનું છે. જો ચાર રસ્તે અટકે અને એંધાણી નો મળે તો આંખ બંધ કરીને મીરાંને યાદ કરજે.....રસ્તો દેખાશે તને....મોરપીંછને હવામાં લહેરાવજે... એ દિશા સુઝાડશે તને....ચાલવા માંડ....મારગ તારી પાનીમાંથી આપોઆપ ફૂટશે...ખરે રસ્તે એ તને લઈ જશે... અહીં દ્વારકા સુધી લઈ આવ્યો છે.....એક મીરાંને બીજી મીરાંને મેળવવા...પછી આગળ હરિ ઇચ્છા... (બંને નૃત્ય કરે છે... સ્ત્રી ચાલી જાય છે.....મીરાં સ્ત્રીને જતી જોઈ રહે છે.... ઝાંઝર અને મોરપીંછ દેખાય છે તેને....લાઈટનું ફોકસ એના પર આવે છે...) વોઈસ ઓવર : શું શોધે છે ? મને કે પછી પોતીકી પીડાની પોટલી જેની આગળ ખોલી, એ રબારણને ? નામ તો તારું ય મીરાં છે ને મારું ય મીરાં જ હતું... સદીઓથી પીડા ભોગવતી સ્ત્રીની જાતનું જ નામ મીરાં છે.... સમજાય છે ને મારી વાત તને ? તારી જાતને પળવાર ભૂલીને આસપાસ જો... તો તને બધે જ મીરાં જ મીરાં દેખાશે મીરાંની યાતના તો સ્ત્રીજાતિની યાતના... યુગો બદલાય, સદીઓ બદલાય પણ માણસના સંબંધો કદી બદલાતા નથી. પુરુષ હંમેશાં પતિ જ રહ્યો... કદી ન બની શકી. મીરાંના જીવનના પ્રસંગો તો માત્ર પ્રતીક છે. પુરુષે મોકલેલો ઝેરનો કટોરો પણ મીરાં સ્ત્રીની સમજદારી સમજી ગટગટાવી ગઈ. એકલી મીરાં જ શું કામ ? તારી જ વાત કરું તો તેં પણ સ્વજનોથી ક્યાં ઓછા ઘા સહ્યા છે. દહેજના ખપ્પરમાં હોમાતી પ્રત્યેક નવવધૂ મીરાંનો જ કોઈ અંશ નથી ? મીરાં કોઈ સ્ત્રીનું નામ ન હોઈ શકે... મીરાં તો સમાજે સ્ત્રીને આપેલું સહનશીલતાનું નામ છે. વરદાન છે મીરાં. અપેક્ષા રહિત જીવનની ઝળહળતી જ્યોતનું નામ મીરાં હોઈ શકે. જેમ મીરાંનુ જીવન છે એવો જ એનો સાંવરિયો કૃષ્ણ પણ પ્રતીક છે... સનાતન પ્રેમનું, શ્રદ્ધાનું, વિશ્વાસનું, જિંદગીના ગોરંભાયેલ આકાશમાં બીજના ચંદ્રનું, બળતા હૈયે કરેલા ચંદનના લેપનું પ્રતીક. આપણે દરેકે પણ પોતપોતાનો કૃષ્ણ શોધી લેવો પડશે. જેને આધારે માણસ માત્રમાં ડગમગ થતી શ્રદ્ધાની જ્યોતને જે ફરી પ્રજ્વલિત કરી શકીએ ને આયખાને અછોવાનાં કરી શકીએ. જ્યાં મારગ ન જડે ત્યાં મોરપીંછનું ધ્યાન ધરીએ ને કાન માંડીયે ત્યાં વાંસળીનાં સાતે સાત છિદ્રોમાં સાત સાત ભવનાં તારણ થાય. આપણે જીવનના મર્મને બહાર શોધવા મથીયે છીએ પણ બધાંયે રસ્તા માણસના મનમાંથી જ નીકળતા હોય છે... ચાલ ફરી એક વાર તારી અને મારી ભીતર ટૂંટિયું વાળીને પડેલી મીરાં નામની સ્ત્રી જાતિને ઢંઢોળીયે અને બુદ્ધિની પેલે પાર જઈ પ્રેમ પંથના પ્રવાસી બનીએ. ‘સહેલું શું છે જીવનમાં બે’ન ? બે રોટલા કમાવા યે અઘરા છે. જેની પાસે રોટલા છે એને માટે રોટલા પચાવવા અઘરા છે. કોઈનાં સપનાં નથી પૂરાં થાતાં. તો કોઈની ઊંઘ. દરેકનું દુઃખ નોખું ને દરેકનું દુઃખ બીજા કરતાં વધારે. આજે હું ને તું સામસામે બેસીને પોતપોતાના દુઃખની ઢગલાબાજી રમશું તો છેવટે મારા દુઃખથી તું અને તારા દુઃખથી ડરીને હું, ખુશી ખુશી પોતપોતાના દુઃખની ઢગલી લઈને ચાલતી પકડીશું... એ આવજો રામ રામ...

લોકો પાસે બે ઘડી ઊભા રહીને પાછળ જોવાનો ક્યાં સમય છે ? ઇતિહાસમાં ભવિષ્યની ચાવીઓ દટાયેલી હોય છે. એને શોધવી પડે...

આ આખીય વાતમાં રાણાને આપણાથી ભૂલી ન શકાય... ઈનો શું વાંક ? મીરાંબાઈની મા એના હાથમાં કૃષ્ણની મૂરતી આપે અને કહે....કે લે આ તારો વર....અને મીરાં જિંદગી આખી આ વાતને પકડી રાખે એમાં બચાડા રાણાનો શું વાંક ? એની કેટલી ઇચ્છા મરી પરવારી એ કોણ વિચારે છે... ?

જવાબ ન આપે તો એ ધરમ ખોટો અને જવાબ ન જડે ત્યાં લગી આપણી સમજણ અધૂરી !

મીરાં કોઈ સ્ત્રીનું નામ ન હોઈ શકે... મીરાં તો સમાજે સ્ત્રીને આપેલું સહનશીલતાનું નામ છે. વરદાન છે મીરાં.’