નારીસંપદાઃ નાટક/જનજાગૃતિ માટેનાં શેરી નાટકો

Revision as of 01:53, 16 September 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાગ-૨<br>જન જાગૃતિ માટેનાં શેરી નાટકો}} {{Poem2Open}} નવલકથા ‘અકૂપાર’નું નાટ્યરૂપાંતર કરનારાં અદિતી દેસાઈએ ગુજરાતમાં શેરી નાટકની પ્રવૃત્તિને વેગ આપ્યો. સરૂપ ધ્રુવ એનાં અગ્રેસર બન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાગ-૨
જન જાગૃતિ માટેનાં શેરી નાટકો

નવલકથા ‘અકૂપાર’નું નાટ્યરૂપાંતર કરનારાં અદિતી દેસાઈએ ગુજરાતમાં શેરી નાટકની પ્રવૃત્તિને વેગ આપ્યો. સરૂપ ધ્રુવ એનાં અગ્રેસર બન્યાં. સામાજિક પ્રશ્નો, કોમી સમસ્યા, નગર સંસ્કૃતિના પ્રશ્નો, પર્યાવરણની સલામતી, દીકરી જન્મ વગેરે જેવા વિષયો પર શેરી નાટકો ભજવાતાં રહ્યાં છે. રાજકીય પરિસ્થિતિ તથા સત્તાધીશોની મનમાની સામે પણ પ્રજાને જાગૃત કરવાના ઈરાદાથી શેરી નાટકો ભજવાય છે. ‘દિલમાં છે એક આશ’ ગુજરાતનાં કોમી તોફાનો વખતે શાંતિ ફેલાવવાના આશય સાથે જનમાનસમાં સદ્ભાવ જગાવવાના હેતુથી લખાયેલું શેરી નાટક છે. આજે વીસ વર્ષ પછી પણ એનો મુખ્ય ભાવ તથા સંવેદના ભાવકના મનને સ્પર્શી જાય તેવાં છે. સરૂપ ધ્રુવનું બીજું શેરી નાટક ‘મેગાસિટીમેં મચ ગયા શોર’ શહેરીકરણ અને સમાંતરે યુવાનોના આક્રોશને વાચા આપતું નાટક છે. અહીં જાહેરાતો, મોટાં મોટાં મોલ, મહાનગરની ઝાકઝમાળ અને એનાથી અંજાઈ જતો નિમ્ન મધ્યમવર્ગ તથા ધર્મને નામે નાગરિકના જીવન સાથે રચાતી કવાદાવાની રમત વગેરેને રજૂ કરાયાં છે. સ્વાતિ મેઢનું ‘રાજીનો સનેડો’ ઉંદરની બાળવાર્તાનું જન જાગૃતિ માટેના નાટકમાં થયેલું રૂપાંતર છે. સાત પૂંછડીની પરંપરાવાળા સમાજમાં જીવતી રાજી નામની ઉંદરડી માત્ર એક જ પૂંછડી સાથે જીવવાનું નક્કી કરે છે, પણ સમાજ એ શી રીતે સ્વીકારે? સનેડો જેવા લોકગાનનો ઉપયોગ નાટકને વધારે રસપ્રદ બનાવે છે. નિર્ઝરી મહેતાનું ‘દીકી સ્પેશ્યલ’ શુદ્ધ સ્વરૂપમાં શેરી નાટક નથી. પરંતુ એમાં અપાયેલો સંદેશો, દીકરીઓના મહત્ત્વ માટેની મથામણ, પ્રવક્તાના પાત્રનો ઉપયોગ વગેરે એને શુદ્ધ નાટકને બદલે જનજાગૃત્તિ માટે થતાં નાટકની હરોળમાં મૂકી આપે છે. લતા હિરાણીનું ‘તાક્ધીનાધીન’ ભલે દ્વિઅંકી નાટક હોય, પરંતુ એ પણ શેરી નાટકની શિસ્તને અનુસરીને જ લખાયેલું નાટક છે. ટૂંકા સંવાદો, ગીતો, જોડકણાંનો ઉપયોગ અને કિશોરવયના વિદ્યાર્થીઓની સમસ્યા આ નાટકમાં વણી લેવાઈ છે.