નારીસંપદા : ટૂંકી વાર્તા/બે વાત

Revision as of 02:56, 17 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બે વાત

એકત્ર ફાઉન્ડેશને દોઢેક વર્ષ પહેલાં જ્યારે મને ‘સ્ત્રીવાર્તાકારોની વાર્તાઓ સંપાદિત કરી આપશો?’ એવું પૂછ્યું ત્યારે ‘હું તો બધી વાર્તાઓ વાંચું છું’ એવા વહેમમાં મેં હા પાડી દીધી. મને ખબર હતી કે વીસમી સદીના આરંભ ગાળાની અને 21મી સદીના બીજા દાયકાની વાર્તાઓ મને મથાવશે. લીલાવતી મુનશી, સરોજિની મહેતા, સૌદામિની મહેતા, વિનોદિની નીલકંઠ, લાભુબહેન મહેતા વગેરેની વાર્તાઓ શોધતા તકલીફ તો થઈ પણ ભરૂચનાં મીનલ દવે તથા મનોજ સોલંકી, પરિષદમાંથી હંસાબેન વગેરેની મદદથી આ વાર્તાકારોની વાર્તાઓ મળી ગઈ. આમ તો હું નીવડેલ-નવા તમામ સર્જકોની વાર્તાઓ વાંચનારી, પણ 2005 પછી વધી ગયેલાં સામયિકો, વાર્તાશિબિરો અને વાર્તાહરિફાઈઓને કારણે લખતાં થયેલાં કોઈ સ્ત્રીસર્જક મારી નજર બહાર રહી ન જાય એટલા માટે મેં ફેસબુક પર વાર્તા માટે જાહેર ટહેલ નાખી. દરેક સર્જક પાસેથી મેં ત્રણ વાર્તા મંગાવી હતી. લગભગ 78 બહેનોએ મને વાર્તાઓ કુરિયર કરી! મને ખબર જ નહોતી કે આટલી મોટી સંખ્યામાં બહેનો વાર્તા લખતી હતી ! બે-ત્રણ મહિના બધી વાર્તાઓ વાંચવામાં ગયા. સવાસો વર્ષના ગાળામાં સ્ત્રીસર્જકો દ્વારા લખાયેલી, વાર્તાકલાની દૃષ્ટિએ ખરી ઉતરતી વાર્તાઓ જ મારે લેવાની હતી એ બાબતે હું બિલકુલ સ્પષ્ટ હતી. વધારેમાં વધારે 50-55 સ્ત્રીસર્જકોની વાર્તાઓ મારે વાંચવી પડશે એવું મેં માન્યું હતું પણ મારે લગભગ 200 વાર્તાકાર બહેનોની વાર્તાઓ વાંચવાની થઈ જેમાંથી મેં દસ-બાર વાર્તા બાબતે જરાક સમાધાન કરીને 129 સ્ત્રીસર્જકોની વાર્તાઓ અહીં સમાવી છે. વાર્તાકારોની યાદી (પરિશિષ્ટ) મેં અકારાદિ ક્રમે બનાવી છે. અનુક્રમ મેં સર્જકોની જન્મતારીખ અનુસાર રાખ્યો છે. વાર્તાકલાની મારી સમજ મુજબ જેમની વાર્તા યોગ્ય ન લાગી એમના માત્ર નામ પરિશિષ્ટમાં રહેવાં દીધાં છે. મને વાર્તા મોકલનાર બહેનો સિવાયના સ્ત્રીસર્જકોની મંજૂરી લેવાનું કામ અનંત રાઠોડે કર્યું છે. આટલી બધી વાર્તાઓ ઝેરોક્ષ કરવી, ક્રમ અનુસાર ગોઠવવી વગેરે કામ મારા કાયમી મદદનીશ સાજન પટેલ, રવિ અને વિધિએ કર્યું છે, તો પ્રસ્તાવના, વાર્તા વિશે, અનુક્રમ તથા પરિશિષ્ટ વગેરે ટાઈપ કરી આપ્યું છે અમિતા પંચાલે. એકત્ર ફાઉન્ડેશને આવું કામ સોંપ્યું એ બદલ અતુલભાઈનો આભાર... આપણી બહેનો આટલી મોટી સંખ્યામાં વાર્તાઓ લખતી થઈ છે એ નહીંતર મને કેવી રીતે ખબર પડત? છેલ્લા દોઢ-બે દાયકાની વાર્તાઓ જોતાં લાગે કે હજી ઘણી બહેનો અતિશય નબળી વાર્તા લખે છે. જોડણી, વાક્યરચનામાં નરી અરાજકતા છે. પણ આપણે યાદ રાખવાનું છે કે આમાંથી મોટાભાગની બહેનોએ પચાસ વટાવ્યા પછી, ઘરગૃહસ્થીની જંજાળ વચ્ચે કલમ ઉપાડી છે. એમને જો જરાક તાલીમ મળે તો એમાંની ઘણી બહેનો સારી વાર્તા લખી શકે એમ છે, એવું હું ચોક્કસ જ માનું છું. આ બધી બહેનોને શુભેચ્છાઓ. આ સમય દરમિયાન અનંત રાઠોડનું લોહી ઘણું પીધું છે. ફરી એક વાર એકત્ર ફાઉન્ડેશનનો આભાર.

20-06-2024
શરીફા વીજળીવાળા