સવાસો વર્ષની વાર્તાઓ/દુઃખ કે સુખ

Revision as of 03:13, 17 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દુઃખ કે સુખ?

સરોજિની મહેતા

ઘડિયાળમાં સાત વાગ્યા. ઓરડીના ખૂણામાં ચટાઈ ઉપર હાથનું ઓશીકું કરી સૂઈ ગયેલી સાવિત્રી સફાળી જાગી ઊઠી. હાય હાય, હજી રસોઈની કશી તૈયારી નથી. શાક સુધ્ધાં આણ્યું નથી. હમણાં ધમાધમ કરતો દિનસુખ પેઢી ઉપરથી આવશે. પહેલાં ચા પી પછી આઠને ટકોરે જમવાનું માગશે, અને તૈયાર નહીં હોય તો આભ તોડી પાડશે! આજ આટલું બધું ઊંઘી કેમ ગઈ? આ બધા વિચાર સાવિત્રીના મગજમાંથી એક સેકન્ડમાં વીજળી પેઠે પસાર થઈ ગયા, પણ બીજી ક્ષણે યાદ આવ્યું કે દિનસુખ તો હવે ક્યાં પાછો આવવાનો હતો? અને એણે છૂપી નિરાંત અનુભવી? કોણ જાણે? બીજી ક્ષણે તો આંખમાંથી આંસુ નીકળી પડ્યાં, અને પાછલા ત્રણ દિવસના બનાવો તાજા થયા. શુક્રવારે – ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ને દિવસે —ચાર વાગ્યે, દુનિયાના ઇતિહાસમાં અજોડ એવો બનાવ મુંબઈમાં બન્યો હતો. એક પછી એક, મોટા બે જબરદસ્ત ધડાકા થયા. શહેર ખળભળી ઊઠ્યું. કોઈ કહે: ‘જાપાનીઝ ઍરોપ્લેન આવ્યું, ગોદીમાં બૉમ્બ ફેંકી નાસી ગયું!” કોઈ કહે: “જર્મન સ્ટીમર છૂપી રીતે બારામાં પેસી ગઈ છે, શહેર પર તોપમારો ચાલે છે!” સંધ્યાકાળે સાચી વાતની ખબર પડી. દારૂગોળાથી ભરેલી સ્ટીમરમાં આગ લાગી છે. ગોદીમાંથી નીકળતા આગના ભડકા, ધુમાડો અને થોડી થોડી વારે થતા નાનામોટા ધડાકા તો આખી રાત ચાલ્યા. બહાર ગયેલાં સંબંધીઓ માટે સૌ કોઈ ભારે ચિંતામાં પડ્યાં. કોઈએ એ પાછાં સલામત આવ્યાથી નિરાંતનો શ્વાસ લીધો, ત્યારે કોઈ આખી રાત ઉદ્વેગમાં બેસી રહ્યાં. સાવિત્રી પણ એમાંની એક હતી. એનો વર દિનસુખ આખી રાત આવ્યો જ નહીં. પડોશીઓની વાતો ઉપરથી સવારમાં ખબર પડી, કે ગોદી નજીક આવેલા બધા લત્તા હજીયે ભડકે બળે છે. મુંબઈ મ્યુનિસિપાલિટીના બાવીસ આગના બંબામાંથી સતત છંટાતું પાણી તો દાવાનળ પર ખોબો પાણી નાખવા માફક જણાતુંયે નથી! કોઈ સેંકડો મકાનો ધડાકા સમેત ઊડી ગયાં છે, બીજાં સેંકડો બળે છે. મસ્જિદ બંદરનું સ્ટેશન તારાજ થઈ ગયું છે. સેંકડો માણસોનો પત્તો નથી. મુડદાં રસ્તામાં રઝળે છે. કોઈ ઠેકાણે એકલાં ઘડ, કોઈ ઠેકાણે હાથપગ કે ડોકાં વેરવિખેર પડયાં છે! ઓરડીની બારસાખ પકડી ઊભેલી સાવિત્રી ધ્રૂજતી ધ્રૂજતી ચાલીમાં થતી વાતચીત સાંભળી રહી હતી. દિનસુખ હજી ઘેર આવ્યો નહોતો. સાવિત્રી વિમાસણ કરતી હતી. એમની પેઢી તો કાલબાદેવીમાં છે. ત્યાં તો કંઈ નુકસાન થયું જાણ્યું નથી.' ત્યાં દાદર ચઢી પડોશનો એક છોકરો ઘૂસી આવી બોલી ઊઠ્યો: 'અરે નાનાકાકા, એક કપાયેલો હાથ વિઠ્ઠલવાડીને નાકે પડ્યો છે! મેં સગી આંખે જોયું!” બધાં ચમક્યાં. ક્યાં ગોદી, ક્યાં વિઠ્ઠલવાડી?!—પણ સૌથી વધારે ચમકી સાવિત્રી. દિનસુખના શેઠની પેઢી ત્યાં, વિઠ્ઠલવાડી પાસે જ હતી! ત્યાં ચાલમાંથી એક બોલ્યો: 'અરે જા જા! કાલબાદેવીમાં તો હું કાલે સાંજે જ હતો. ત્યાં કંઈ નુકસાન થયું નથી.’ છોકરો બોલ્યો: “હું ક્યાં કહું છું કે ત્યાં નુકસાન થયું છે? પણ ધડાકો કેટલો જબરો તે ગોદીમાંથી હાથ છેક ત્યાં ઊડીને આવ્યો!”

સાવિત્રીને હૈયે ધારણ વળી, પણ તોયે હજી દિનસુખ આવ્યો નહોતો એ તો ચિંતાનું કારણ હતું જ. રાત્રે એણે ખાધું નહોતું. સવારે ચા સરખી પીધી નહોતી. આખી રાત ઊઠબેસ અને બારણું ઉઘાડવાસ કરવામાં ગાળી હતી. એટલે થાકી તો બહુ ગઈ હતી; પણ મન ઉદ્વેગમાં હતું. એટલે કશું સૂઝતું નહોતું. ત્યાં જોડેની ઓરડીમાં રહેનાર ચંદુભાઈનો અવાજ સંભળાયો: 'અરે મગનભાઈ, સાંભળ્યું કે? પેલી નીચેવાળી ગોમતી ડોશી આખી રાત રોઈ રોઈને મરી ગઈ, ને એના ચિરંજીવી અત્યારે ધીમે ધીમે મહાલતા મહાલતા આવી પહોંચ્યા! કહે છે કે હું તો કોટમાં ગયો'તો. તે ત્યાં જ એક મકાનના દાદર નીચે આખી રાત સંતાઈ રહ્યો, વખતે રસ્તામાં કંઈ આગબાગ લાગી હોય તો! લો ભાઈ, અહીં તો ઠાકોરદ્વાર તરફ ક્યાં આગનું નામ હતું? સાવિત્રીએ ધાર્યું કે એનો વર પણ એમ જ બીકનો માર્યો ક્યાંય સંતાઈ રહ્યો હશે ને હમણાં આવી પહોંચશે, પણ આવી પહોંચશે તો તરત ખાઈને પેઢીએ જવું પડશે. ભલે ને આખું મુંબઈ શહેર સળગીને રાખ થઈ જાય. પણ આ શેઠિયા લોકોની પેઢી સલામત રહે, તો પછી ગુમાસ્તા લોકોએ તો મિનિટોમિનિટ વખતસર જવું જ જોઈએ, નહીં તો એમનો વેપાર ખોટો થઈ જાય! તેણે ઝપાટાબંધ રસોઈ કરી દીધી, પણ કોઈ આવ્યું નહીં. અત્યાર સુધી કોઈને જણાવા દીધું નહોતું કે દિનસુખ આવ્યો નહોતો. પોતાના દુ:ખમાં સ્ત્રીને હંમેશાં મોં સંતાડવાનું જ મન થાય છે, પણ બાર વાગ્યા છતાં વાસણ માંજવાનો ખખડાટ એની ઓરડીમાં ન સંભળાયાથી પાડોશણે ડોકું બહાર કાઢી પૂછ્યું: 'કેમ, આજે આટલું મોડું? હજી પરવાર્યા નથી?' અને સાવિત્રી રડી પડી. હકીકત જાણી પાડોશણ આશ્વાસન આપવા આવી. એનો અવાજ સાંભળી બીજી આવી. ત્રીજી આવી. એમ આખા માળ ઉપર ખબર ફેલાઈ ગઈ. દિનસુખની પેઢી તો કાલબાદેવીમાં છે. ત્યાં કંઈ બીક નહીં એમ સૌ કહેવા મંડ્યાં. એક વાગવા આવ્યો ને સ્ત્રીઓના ટોળામાંથી રસ્તો કરતો એક માણસ આવ્યો ને પૂછ્યું: 'દિનસુખલાલ અહીં રહે છે ?' ટોળામાંથી એક સ્ત્રીએ 'હા' કહી એટલે એ છેક ઓરડીમાં આવ્યો. એણે કહ્યું: 'હું મોહનલાલ દેવચંદની પેઢી ઉપરથી આવું છું. દિનસુખલાલ આજે કેમ કામ ઉપર આવ્યા નથી? એક પડોશણે કહ્યું: 'અરે ભઈ, અમે બધાં તે જ વિમાસણમાં છીએ. આ વહુ તો રોઈ રોઈને અડધી થઈ ગઈ છે. કાલના ઘેર જ આવ્યા નથી!” આવનાર જરા અચકાઈને બોલ્યા: 'કાલે બપોરે પેઢી ઉપરથી એમને એક હૂંડીના રૂપિયા ભરવા મોકલ્યા હતા—માંડવી ઉપર, મસ્જિદ સ્ટેશન પાસે.' સાવિત્રી ધ્રૂજી ગઈ. માંડવી! ત્યાં તો નુકસાનનો પાર નથી એમ સવારે આસપાસના સૌ કહેતા હતા! વળી મસ્જિદનું સ્ટેશન તો રહ્યું જ નથી એમ સાંભળ્યું! પેલો માણસ તો પચીસ હજાર જેવી મોટી રકમનું શું થયું હશે તે વિશે ચિંતા બતાવતો ચાલ્યો ગયો. પછી તો છેક સોમવારે (આજે) સવારે એને શબની ઓળખાણ માટે પોલીસ તેડી ગઈ, ત્યાં સુધીનો વખત સાવિત્રીએ કેવી રીતે કાઢ્યો તે કલ્પી લેવું જ રહ્યું. શબ માત્ર વસ્ત્રો ઉપરથી જ ઓળખવાનું હતું, કારણ ડોકું તો હતું જ નહીં, માત્ર ધડ જ હતું. ખમીસ તો સાદું સફેદ હતું. એટલે એમાં કંઈ નિશાની જેવું નહોતું. પણ કોટ તો દિનસુખનો જ હતો. એક બટન બીજાં બધાંથી જુદા રંગનું હતું. સાવિત્રીએ જ ધડાકાને આગલે દિવસે તૂટી ગયેલાને ઠેકાણે ટાંક્યું હતું અને બીજાં બટન કરતાં રંગ જુદો હોવા માટે ઠપકો પણ ખાધો હતો! વળી ગજવામાંથી એના ઉપર આવેલો એના મામાનો કાગળ નીકળ્યો, અને મોહનલાલ દેવચંદની પેઢીના કાગળો - પેલી હૂંડી પણ મળી આવી! પેઢીના મુનીમને પણ હૂંડી અને બીજા કાગળો ઓળખવા માટે પોલીસે બોલાવ્યો હતો. તેણે કહ્યું: ‘પણ હૂંડી છે, ત્યારે રૂપિયાનું શું ?’ સાવિત્રી સાથે આવેલા પડોશીએ કહ્યું : 'જ્યાં ભરવાના હતા ત્યાં ભરી દીધા હશે. ત્યાં તપાસ કરો.’ મુનીમ અકળાઈને બોલ્યો: ‘તપાસ ક્યાં મારા કરમમાં કરું? કાનજી ધરમસીની માંડવીની પેઢીનું મકાન તો ચારે તરફથી ભડકે બળે છે, ને ત્યાંવાળા માંહી ને માંહી બળી ગયા કે ધડાકે ઊડી ગયા, કશો પત્તો નથી.’ ‘બે દિવસ વાટ જુઓ, ધીરે ધીરે ખબર પડશે.’ પણ મુનીમ જરા વિચાર કરી ચમક્યો, અને બોલ્યો: 'પણ પૈસા ભરી દીધા હોય તો આ હૂંડીનો કાગળ ગજવામાં ન હોય. એને બદલે કાનજી ધરમસીની પેઢીની પહોંચ હોય. દિનસુખ ત્યાં પહોંચ્યો જ ન હોય તો પછી હૂંડી ને રૂપિયા બંને ગજવામાં જ હોય. રૂપિયાનું શું થયું?” પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યો: 'કાકા, માણસ અઢી દહાડા રસ્તામાં પડ્યો રહ્યો તે કોઈએ એનાં ગજવાં નહીં તપાસ્યાં હોય? વળી મોટો રસ્તોય નહીં, નાની ગલીના ખૂણામાંથી મુડદું જડ્યું! મુંબઈમાંથી ઉઠાઉગીરો પરવારી ગયા હોય તો અમારે નોકરી છોડીને ઘેર બેસવું પડે.' સૌને આ વાત ખરી લાગી. જરૂર કોઈએ દિનસુખના શબ ઉપરથી પચીસ હજાર રૂપિયા કાઢી લીધા હોવા જોઈએ. આ બધો વિધિ પત્યા પછી સાવિત્રી પડોશીઓ સાથે ઘેર આવી હતી. દિનસુખના માથા વગરના શબને અગ્નિદાહ દેવાની પોલીસ તરફથી રજા મળી. સાંજે સ્મશાનેથી આવી સૌ વેરાઈ ગયા હતા. ત્રણ દિવસથી આશ્વાસન આપતી પડોશણને પણ સાવિત્રીએ આગ્રહ કરી ઘેર મોકલી હતી. અત્યારે એ એકલી જ ઉજાગરા અને રુદનથી થાકી ઊંઘી ગઈ હતી. તે છેક હમણાં જાગી. દિનસુખ માટે રસોઈ કરવાની નહોતી, પણ આવું દુ:ખ છતાં સાવિત્રીનું પેટ અન્ન માગી રહ્યું હતું. તોય રાંધવા બેસવું ઠીક ન લાગે. સૌ કહેશે કે ધણી આમ કમોતે મૂઓ ને આ બાઈને ખાવાના ચસકા થાય છે! ત્યારે શું ચા બનાવવી? પણ કટાણે બૈરાં ચા પીએ તે દિનસુખને પસંદ ન પડે. અરે, પણ એ હવે ક્યાં વઢવા આવવાનો હતો? વિચારમાં હતી. ત્યાં સામેવાળી કેસર હાથમાં થાળી લઈને આવી : 'લો, બે'ન, જે ભાવે તે બે કોળિયા ખાઈ લો. ત્રણ દહાડાનાં ભૂખ્યાં છો. હવે એકલાં તો રોજ ખાવાનું જ છે ને!! સાવિત્રીને વિચારમાં જોઈ એણે કહ્યું: ‘જુઓ, મેં કંઈ પકવાન—મિષ્ટાન્ન બનાવ્યાં નથી. ફક્ત ખીચડી ને કઢી છે. જરા બે કોળિયા ખાવ. મારા સમ.’ કેસરે સામે બેસી ખવડાવ્યું. આનાકાનીથી ખાવા માંડેલું. છતાં થોડી વારે સાવિત્રીને ભાન આવ્યું કે પોતે ખૂબ સ્વાદથી ખાઈ રહી છે! શું કારણ? ત્રણ દિવસની ભૂખ? હા, એ ખરું. પણ બીજુંય કારણ હતું. કેસરે કઢી મજાની તીખીતમતમતી બનાવી હતી. પોતાને ભાવે તેવી! દિનસુખને મરચાં નડતાં હોવાથી સાવિત્રીને રોજ મોળું જ ખાવું પડતું. લગ્ન પછી શરૂઆતમાં સાવિત્રીએ એકાદ વખત દિનસુખ માટે જુદી મોળી રસોઈ કાઢી પોતાને માટે તીખી બનાવી હતી; ત્યારે પતિએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે એમ બબ્બે જાતની રસોઈ પરવડે નહીં. ધણી ખાય તે બૈરીએ ખાવાનું. ઘરમાં મરચાં આણવા જ દેતો નહીં, એટલે દિનસુખ જમીને પેઢીએ જાય પછી પણ સાવિત્રી ઉપરથી મરચું લઈ ન શકે. અને અત્યારે સાવિત્રીને વિચાર આવ્યો: ‘હવે રોજ સરસ તીખું ખવાશે!” ને પાછો પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો! બીજી સવારે ટેવ મુજબ સાવિત્રી પાંચ વાગ્યે જાગી ગઈ, અને જલદી જલદી પરવારવાનો વિચાર કર્યો. ત્યાં યાદ આવ્યું કે ઉતાવળ કશી નથી. દિનસુખ માટે છ વાગ્યે ચા કે નવ વાગ્યે રસોઈ બનાવવાનાં નથી અને મિનિટ બે મિનિટ મોડું થવા માટે ગાળો પણ સાંભળવાની નથી. કપડાં ધોવા બેઠી, ત્યાં પણ એ જ વિચાર! ઓછો સાબુ વાપરી ખૂબ ઊજળાં કપડાં ધોવાની કરામત અજમાવવાની સૂચના સાંભળવાની નથી! બેચાર દિવસ તો, સાવિત્રીને ભણકારા જ વાગ્યા કર્યા—હે રસોઈનું મોડું થઈ ગયું! ચા બરાબર સારી ન થઈ! બૂટ ઉપર કચરો રહી ગયો! ગયા અઠવાડિયામાં ખરચ વધારે થઈ ગયું! હમણાં દિનસુખનો ગુસ્સો ફાટશે ને ડામ જેવા બોલ ચાંપશે. ત્યાં પાછું ભાન આવતું કે એ બધું હવે ખલાસ! સાવિત્રીનો વખત પસાર કરાવવા ઉપરવાળાં લક્ષ્મીબહેન ચોપડીઓ- ચોપાનિયાં આપી ગયાં. પહેલાં પણ સાવિત્રી ઘણીવાર એમની પાસેથી વાંચવા માટે બપોરે કંઈ ને કંઈ લાવતી પણ સાંજ પડતાં પહેલાં બધું પાછું આપી આવવું પડતું. કારણ બૈરાં ‘થોથાં' વાંચી ભવ બગાડે તે દિનસુખને પસંદ નહોતું. આજે પણ સાવિત્રીને થયું: આટલાં બધાંને શું? ક્યારે વાંચી રહીશ? સાંજ પહેલાં તે પાછાં આપવાં પડશે ત્યાં યાદ આવ્યું કે હવે રોજ ગમે તેટલું વાંચ્યા કરું—કોઈ ટોકનાર નથી. એકલવાયાપણું વેઠવાનું હતું. પણ સ્વતંત્રતા પણ માણવાની !

પોતાના મોટા ફ્લેટમાં બનાવેલા ઑફિસરૂમમાં શ્રીમતી સાવિત્રીદેવીએ ટેબલના ખાનામાંથી ફાઈલ કાઢી પાનાં ઊથલાવવા માંડયાં. આબુમાં પોતે કાઢવા ધારેલી નવી હોટેલને સારુ મૅનેજર માટે છપાવેલી જાહેરખબરના જવાબમાં આવેલી અરજીઓની ફાઈલ હતી તે જોતાં જોતાં ઘંટડી વગાડી. એક છોકરો હાજર થયો. ‘બહાર જે આવ્યા છે તેમને એક પછી એક મોકલ.' તાજા ગ્રેજ્યુએટ નવીનચંદ્ર, હાઈકોર્ટમાં ત્રણ વરસથી ફોકટ ફેરા ખાઈ ચૂકેલા ઍડ્વોકેટ જુગલરાય, લેખક અને કવિ સૂર્યમુખશંકર; કડછી-તવેથો ખખડાવી કંટાળેલા સોમા મહારાજ, હાથે રોટલા ટીપવાની પીડા ટાળવા હોટેલમાં જમવા સાથેની નોકરીની ઉમેદ રાખનાર, વાંઢા રહી ગયેલા જમનાદાસ; એવા એવા ઘણા આવ્યા. હોટેલની માલિક બાઈમાણસ જુવાન હોય તો મૅનેજરપણું કરવા સાથે સાથે દોસ્તીદાવો પણ કરી લેવાની આશા રાખનાર બેચાર છેલબટાઉઓ પણ હતા; પણ આ 'બાઈમાણસ'નો રુઆબ જોઈ એ થરથરી ગયા! સૌની સાથે એક પછી એક વાત કરી. દરેકની અરજી ઉપર શેરો મારી સાવિત્રીએ ફાઈલ બંધ કરી, ત્યાં છોકરાએ બારણામાં ડોકું ખોસ્યું; ‘બાઈસાહેબ, એક ઉમેદવાર હમણાં જ આવ્યો છે.

સાવિત્રીએ ભીંત ઉપરની ઘડિયાળમાં જોઈ કહ્યું: 'ચારથી પાંચ વાગ્યા સુધીમાં જ આવવાનું હતું. હવે તો સાડા પાંચ થઈ ગયા. છોકરો બહાર જઈ પાછો આવ્યો: ‘જી, કહે છે કે મોડું થયું તે માફ કરો, ગાડી ચૂકી ગયો. છેક બોરીવલીથી આવ્યો છે ને બીજી વાર ગાડીનું ભાડું ખરચવાના પૈસા નથી.' 'ઠીક, આવવા દે.' ઘસાઈ ગયેલો કોટ, સાબુના અભાવે લાલ થઈ ગયેલું ધોતિયું અને મૂળ કાળી, પણ ઝાંખી થઈ ગયેલી ટોપી પહેરી એક માણસ નીચે મોંએ અંદર આવ્યો. ટેબલ પાસે આવી એણે ડોકું ઊંચું કર્યું અને દિનસુખ અને સાવિત્રી એકમેક સામું જોઈ રહ્યાં ! એક ક્ષણના ગભરાટ પછી સાવિત્રીએ સ્વસ્થતા મેળવી લીધી અને તદ્દન સરળ ભાવે પૂછયું: 'તમે મારી હોટેલના મૅનેજરની નોકરી માટે અરજી કરી છે. પણ તમને કશો અનુભવ છે? દિનસુખનો પિત્તો ઊછળ્યો. ગમે તેમ પણ એ સાવિત્રીનો પતિ હતો ને! દાંત પીસી એણે કહ્યું: ‘જવા દે બધી ભાટાઈ! આવા ધંધા ક્યાંથી માંડયા બાઈસાહેબ? હેં? સાવિત્રીએ દૃઢતાથી કહ્યું: ‘તમે શું બોલો છો તેનું ભાન છે? નોકરીની ઉમેદવારી માટે આવ્યા છો, સીધો જવાબ દો, નહીં તો હમણાં મારો માણસ બહાર કાઢશે. જવા દે બધા ઢોંગ, જાણે પોતાના ધણીને ઓળખતી નથી?” ‘મારાં ધણી તો ૧૯૪૪ની ગોદીની હોનારતમાં મરી ગયા.’ “જી, ના. સમજ્યાં શેઠાણી! આ જીવતાજાગતા ઊભા છે. હવે આ બધી લપ મૂકીને ધણીનું ઘર માંડો. 'પણ ધણી છે જ નહીં તેનું શું? એમનું શબ મળી આવ્યું હતું અને તેનો અગ્નિસંસ્કાર પણ થઈ ગયો હતો!” એક પાગલના જેવું ખડખડાટ હાસ્ય દિનસુખના મોંમાંથી નીકળ્યું “કેવાં બનાવ્યાં બધાંને? ડોકા વગરના મુડદાને મારો કોટ પહેરાવી દીધો ને બધાંય છેતરાઈ ગયાં. હવે ખબર પડી ને કે તારો ધણી કંઈ એમ કાચોપોચો નહોતો!” સાવિત્રીએ ટેબલ ઉપર પડેલા પૅડમાંના કાગળ ઉપર ઝડપથી ચિઠ્ઠી લખી ઘંટડી વગાડી. છોકરો હાજર થયો. 'જો, કાલબાદેવીમાં વિઠ્ઠલવાડી પાસે મોહનલાલ દેવચંદની પેઢી છે ને, ત્યાં આ ચિઠ્ઠી લઈ જા, એકદમ.' દિનસુખે ગભરાટમાં છોકરાનો હાથ પકડી લીધો ! ક-ક-ક-કેમ, શું કામ છે? એ પેઢીનું? “મેં લખ્યું છે કે તમારો ચોર હાજર છે. એમની મરજી હશે તો ઘરમેળે પતાવટ કરશે, નહીં તો પોલીસને ખબર આપશે.’ દિનસુખ ખુરશીમાં ફસડાઈ પડ્યો. હજી છોકરાનો હાથ જોરથી પકડી રાખ્યો, અને કાકલૂદી કરતો બોલ્યો: ‘ના, ના, જરા મારું સાંભળી લે. સાવિત્રીએ છોકરાને કહ્યું: 'ઠીક, હમણાં રહેવા દે. પછી હું બોલાવું ત્યારે આવજે.' છોકરો ચાલ્યો ગયો. પછી દિનસુખ તરફ ફરી બોલી: 'શેઠ લોકોના પચીસ હજાર તો ખલાસ થઈ ગયા હશે. નહીં?'

'અરે, કલકત્તે જઈ પચીસ હજારના પંદર લાખ બનાવ્યા હતા—શેરબજારમાં. પણ પાછા બે વરસથી ગ્રહ વાંકા થયા છે. બધા પાસા અવળા જ પડે છે. છેલ્લાં છેલ્લાં અમેરિકન ફીચરમાંય ન ફાવ્યો.’ પાછો જરા અટકીને બોલ્યો : પણ તેં ઠીક પૈસા બનાવ્યા લાગે છે. એટલે આપણે નિરાંત.' ‘મેં પુષ્કળ મહેનત કરીને થોડુંઘણું એકઠું કર્યું છે, પણ તે દગાખોરો માટે નહીં.’ ભવાં ચઢાવી દિનસુખ સાવિત્રી તરફ જોઈ રહ્યો. પણ સાવિત્રી એનાથી ડરે એ દિવસો વહી ગયા હતા તે હજી એ સમજ્યો નહોતો! સાવિત્રીએ શાંતિથી ચલાવ્યું: 'પોતાના ઉપર વિશ્વાસ મૂકનાર શેઠ લોકોને છેતરતાં કશુંયે ન લાગ્યું?' અરે, એ તો છેતરપિંડી વગર દુનિયા ચાલે જ નહીં. એ શેઠલોકો બીજાને છેતરીને પૈસા બનાવે તો મેં એમને છેતરીને બનાવ્યા. પૈસા લઈને પેઢીમાંથી નીકળ્યો ત્યારે તો કશો ખોટો ઇરાદો નહોતો, પણ માંડવી પહોંચતાં પહેલાં ધડાકો થયો, એટલે એકદમ વિચાર આવ્યો કે લાવ ને, આવી તક ક્યાં મળવાની હતી?” ‘સારું. શેઠને તો છેતર્યા તો છેતર્યા, પણ બૈરીનું શું? એ ભૂખે મરતી હશે એમ કોઈ દિવસ વિચાર ન આવ્યો? પંદર લાખમાંથી એક પાઈ પણ ન મોકલાઈ?' “એ તો હવે દુનિયામાં બધા વિચાર કરવા બેસીએ તો કેમ પાલવે? તને પૈસા મોકલું તો બધે ખબર પડે જ ને કે હું જીવતો છું. પછી પેલા શેઠ લોકો પાછળ પડ્યા વગર રહે? એટલે મારું કર્યું કરાવ્યું બધું ધૂળ મળે. ‘ત્યારે તમારે સગપણ ફક્ત પૈસા સાથે જ છે ને ?’ નફટાઈથી હસતો દિનસુખ બોલ્યો: ‘તેથી તો કહું છું કે તેં પૈસા ભેગા કર્યા છે, એટલે નિરાંત. જોકે તેં અવળા ધંધા તો કર્યા જ હશે, પણ જવા દઉં છું.’ સાવિત્રીએ ગુસ્સાથી લાલ થઈ જતાં કહ્યું: 'હવે બસ કરો. એકદમ જાઓ, નહીં તો પેઢી પર ચિઠ્ઠી મોકલવાની પણ રાહ નહીં જોઉં. આ અહીંથી સીધો પોલીસને ફોન કરું છું.' દિનસુખ પાછો ગભરાઈ ગયો. ‘ના ના, હું જાઉં છું, પણ જરા કહે તો ખરી, તું ઠાકોરદ્વારની ઓરડીના ખૂણામાં રહેનારી, તને આ હિંમત ને હિકમત ક્યાંથી આવડી?' “એ તો પેટ કરાવે વેઠ! નહોતું તમારું કુટુંબમાં કોઈ, કે નહોતું મારે. પછી ખાવું ક્યાંથી? તમારા મામાને ત્યાં થોડો વખત રહેવા ગઈ, પણ મામીએ તો મને નોકરડીથીય નપાવટ ગણવા માંડી. લૂખા સૂકા રોટલા માટે છ મહિના મેં કાળી ગુલામી કરી, પણ પછી હદ થઈ. આપણી ઉપરવાળાં લક્ષ્મીબહેન જે મને રોજ ‘થોથાં' વાંચવા આપતાં તેમને મેં લખ્યું. એમણે પાછી બોલાવી લીધી. હું કંઈ ખાસ ભણી નહોતી. એટલે નોકરી તો ક્યાંથી મળે? પણ લક્ષ્મીબહેને હિંમત આપી. મદદ કરી મારી ઓરડીમાં જ વીશી ખોલાવી. તમારા શેઠ લોકોએ પણ મને નિરાધાર જાણીને પાંચસો રૂપિયાની મદદ કરી હતી. કોણ જાણે કેમ, મને તો આ ધંધો ખૂબ ફાવી ગયો. જોકે મહેનત તો બહુ પડતી. પછી તો મોટો ફ્લેટ લઈ વધારે મોટી વીશી કાઢી માણસો રાખ્યા, પણ ઘરાકો સાથે છેતરપિંડી કોઈ દિવસ કરી નહીં. ચોખ્ખું રસોડું ને પુષ્ટિકારક ખોરાક માટે મારી વીશી પ્રખ્યાત છે. હવે આબુમાં નાની હોટેલ કાઢવી છે. તેને માટે આ જાહેરખબર આપી હતી.’ 'આપણે મૅનેજર થવા તૈયાર છીએ.’ ‘જેણે એક વખત આટલો મોટો દગો કર્યો, બૈરીને રઝળાવી, તેનો વિશ્વાસ કોણ કરે?' ‘તો પછી તારા ઘરમાં રહીશ, ને બેઠો બેઠો ખાઈશ. “એનું તો નામ જ દેશો નહીં. દયા ખાતર બે વખત વીશીમાં મફત જમવા દઈશ એટલું જ.'

દિનસુખ ગુસ્સામાં દાંત કચકચાવતો બોલ્યો: ‘બીજાં બૈરાં સૌભાગ્યસુખ માટે જાતજાતનાં વરતવરતુલાં કરે, કેટકેટલાં દેહકષ્ટ કરે ને આ બાઈસાહેબ રંડાપામાં જ રાજી છે!' પણ તમે જ કહો ને કે મને આ રંડાપામાં દુ:ખ મલ્યું છે કે સુખ?'

*

વાર્તા અને વાર્તાકાર :
સરોજિની મહેતા (૧૨-૧૧-૧૮૯૮ થી ૧૯૭૭)
વાર્તાકાર, નવલકથાકાર.
રમણભાઈ નીલકંઠના દીકરી.

ત્રણ વાર્તાસંગ્રહ :
1. એકાદશી (1935) 11 વાર્તા
2. ચાર પથરાની મા (1953) 13 વાર્તા
3. વળતાં પાણી (1962) 19 વાર્તા

‘દુઃખ કે સુખ’ વાર્તા વિશે :

આ લેખિકાની ‘દુઃખ કે સુખ’ વાર્તામાં આલેખાયેલી સ્ત્રીની છબિથી સાનંદાશ્ચર્ય થાય. આ વાર્તાની સાવિત્રી પતિના ડરે થરથર કાંપતી. પતિના મૃત્યુના સમાચારથી એને હાશ થાય છે. હવે ગમતું કરાશે, ભાવતું ખવાશે, ગાળો કે માર નહીં ખાવો પડે એવા વિચારોથી સાવિત્રીને પોતાની જાત પર તિરસ્કાર થાય છે. પણ તોય પળે પળે, નાની મોટી બાબતે હવે દિનસુખ નથીની હાશ થયા જ કરે છે. વીશી ચલાવતી સાવિત્રી મહેનત અને પ્રામાણિકતાને કારણે એક દિવસ હોટલની માલિક બને છે અને મેનેજરના ઈન્ટરવ્યુ માટે (વાચકની અપેક્ષા અનુસાર જીવિત એવો) એનો વર આવે છે. દિનસુખ ધણીપણું આદરે છે પણ સાવિત્રી હવે એને ગાંઠે એમ નથી. એ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવે છે : ‘જેણે એક વખત આટલો મોટો દગો કર્યો, બૈરીને રઝળાવી તેનો વિશ્વાસ કોણ કરે?’ દયા ખાતર બે વાર વીશીમાં જમાડવા કહે છે ત્યારે ગુસ્સાથી દાંત કચકચાવતો દિનસુખ કહે છે : ‘બીજા બૈરાં સૌભાગ્યસુખ માટે જાતભાતનાં વરત વરતુલા કરે, કેટકેટલાં દેહકષ્ટ કરે ને આ બાઈસાહેબ રંડાપામાં જ રાજી છે !’ એના જવાબમાં સાવિત્રી કહે છે : ‘પણ તમે જ કહો ને કે મને આ રંડાપામાં દુઃખ મળ્યું કે સુખ?’ છતે ધણીએ ધરાઈને ધાન નો’તું ખાધું. પતિના મૃત્યુના સમાચાર પછી જીવનમાં જરાક નિરાંતની પળો આવી હતી. બાકી તો ફડકે જીવ જતો હતો.

અન્ય સારી વાર્તા :

આદર્શ વિધવા, બીજો માર્ગ ક્યાં છે?, આબરૂનો સવાલ, ચાર પથરાની મા, હરામનો, હિંદુ માનસ, કાળી