નારીસંપદા : ટૂંકી વાર્તા/ઊલટા ફેરા

Revision as of 00:56, 20 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઊલટા ફેરા

ભારતી રાણે

પાછલી રાતે બારીએ ટકોરા પડયા. 'બા, બારણું ખોલો..' સાવ દબાયેલો અવાજ આવ્યો. દીકરીના લગ્નની છેલ્લીવેલ્લી તૈયારીઓ આટોપીને ઘર આખુંય થાકીને જંપી ગયું હતું, માત્ર કુહૂના હૈયાનાં અરમાનો જેવી રોશની ઘર પર ઝબૂકતી જાગતી હતી. હજી કલાકેક પહેલાં જ લાંબા નિસાસા સાથે નિદ્રાધીન થયેલાં ચંપાબા ગાઢ ઊંઘમાં હતાં. આગંતુકે જરાક જોરથી ટકોરો દીધો, ને સહેજ ઊંચે અવાજે બોલ્યો: ‘બારણું ખોલોને, બા!’ સપનામાં સાંભળેલ કોલાહલથી ઝબકીને જાગ્યાં હોય તેમ ચંપાબા સફાળા બેઠાં થઈ ગયાં. ‘કોણ એ?' કહેતાં એમનો અવાજ ધ્રૂજી ઊઠયો. 'એ તો હું બા!' અવાજ ઓળખાયો ને આખો દિવસ પ્રતીક્ષામાં જલતો રહી, રાતે રામ થઈ ગયેલો કુટુંબની આશનો દીવો ફરી પ્રજવળી ઊઠ્યો. ચંપાબા હળવેથી બારણું ખોલીને બહાર દોડ્યાં. આવનારને ભેટી પડતાં એમની આંખોમાંથી આંસુની સરવાણી ફૂટી. “આવી ગયો મારો લાલ, લોક ભલે ગમે તે કહે, મારું મન કહેતું હતું કે, તું આવશે જ!' આવનારના કાનમાં બોલતાં હોય, તેમ ચંપાબા ગણગણ્યાં. આગંતુકના હાથમાં એક નાની સૂટકેસ હતી. ઉંબરો ઓળંગતાં પળભરમાં તો એની આંખો સામેથી કડવી-મીઠી સ્મૃતિઓનો આખેઆખો કાફલો પસાર થઈ ગયો. 'નાલાયક, નીકળી જા, અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી..! જા, ફરી ક્યારેય તારું મોં ન બતાવતો!' હીંચકા પરથી કૂદીને ભીંતે ચડી બેઠેલા બાપુજી જાણે હજીય ફિટકાર વરસાવી રહ્યા હતા. એણે જોયું કે, પંદર વરસ પછી પણ એ ઓરડામાં બાપુજીની હાજરી સિવાય બીજું કાંઈ બદલાયું નહોતું. સોફાના ઘસાઈ ગયેલા રેકઝીન જેવા અભાવોને મખમલની જાજમથી છાવરીને બેઠેલો દીવાનખંડ, ઘરની દરેકેદરેક વ્યક્તિ માટે પોતપોતાનો એક અલાયદો ખૂણો ફાળવીને બેઠેલો દીવાનખંડ; મધ્યમવર્ગનું સંયુક્ત કુટુંબ વસતું હોય. તેવા કોઈ પણ ઘરનો હોય, તેવો જ એ દીવાનખંડ. એને એક છેડે બારી પાસે બાની પથારી હતી ને બીજે છેડે સૌથી નાનાભાઈની. એણે કલ્પના કરી કે, બે શયનખંડમાંથી એકમાં વચલો, એની પત્ની તથા એનો નાનો બાબો સૂતાં હશે, ને બીજામાં વહાલી દીકરી કુહુ, વચલાની બેબી સપના અને નિયતિ સૂતાં હશે કદાચ.. નિયતિનું નામ યાદ આવતાં જ શિયાળાને પરોઢિયે પણ એને કપાળે પરસેવો બાઝ્યો. એનું આખું શરીર ઝેર ઓકતું હોય તેવું લાગ્યું. એને પાછા ચાલ્યા જવાની ઈચ્છા થઈ આવી, પણ હવે એ શક્ય નહોતું. એ અંદર આવી ચૂક્યો હતો, ને હળવેહળવે ઊઠવા લાગેલાં સ્વજનોથી ઘેરાઈ રહ્યો હતો. થોડી વારે સામેના રૂમમાંથી નિયતિ બહાર નીકળી ને નતમસ્તક રસોડા તરફ ચાલી ગઈ. આગંતુકે ત્રાંસી આંખે નોંધ્યું કે, નિયતિ હજીય પહેલાં જેટલી જ સ્લીમ હતી, ને વિખરાયેલાં વાળ સાથે પણ આકર્ષક દેખાઈ રહી હતી. નિયતિનું હૃદય જાણે અંદર ડાકલાં વાગતાં હોય, તેવું ધડકી રહ્યું હતું. ફ્રીજ ખોલીને ઠંડા પાણીની બૉટલ પકડતાં એના હાથ ધ્રુજી રહ્યાં હતાં. આટલા વરસે માંડ શાંત થયેલ એનું મન અચાનક ડહોળાઈ ગયું હતું. બૉટલ હાથમાં લઈને, ગ્લાસમાં પાણી રેડ્યા વિના એ શૂન્યમનસ્ક ઊભી રહી. પંદર વરસ પહેલાંની એ ગોઝારી રાત ભૂતાવળની જેમ ડારતી એની આસપાસ ચકરાઈ રહી હતી. એ રાતે બાપુજીનો ગુસ્સો ને દીકરાનો અહમ્ બંને સાતમે આસમાને હતા. બાપ-દીકરા વચ્ચે આવા ઝગડા ઘણી વાર થતા, પણ એ રાતે વાત છેક જ વણસી ગઈ. બાપુજી જાકારો દઈ બેઠા ને દીકરો અડધી રાતે ઘરનો ઉંબરો ઓળંગીને કાયમ માટે ચાલ્યો ગયો. ન એની પાસે નોકરી, ન કાંઈ આવક. કુહૂ ત્યારે આઠ વર્ષની હતી. ‘ચાલ નિયતિ’ : એણે બરાડતાં કહેલું, ને નાજુક નાનકડી કુહૂના વિચારે એનાથી ઊંબરો નહોતો ઓળંગાયેલો. એણે તો ધારેલું કે, કાલે સવારે સમાધાન થઈ જશે, ને સૌ સારાં વાનાં થશે, પણ એ તો ગયો તે ગયો, ક્યારેય પાછો ન ફર્યો. પાછળથી તો એની સાથે ન જવા બદલ એ ઘણુંય પસ્તાઈ હતી, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતુ. એકાદ વર્ષ પછી પરદેશથી બા ઉપર છાના ફોન આવવા શરૂ થયા હતા એના. કુહૂ સાથે પણ એણે સંપર્ક જાળવી રાખ્યો, પણ નિયતિ સામે એકેય વાર ન જોયું! ત્રણેક વરસ એમ જ વીત્યાં, ત્યારે એક દિવસ નિયતિને માથે આભ તૂટી પડેલું. સમાચાર આવેલા કે, પરદેશમાં એણે ધર્માંતર કરીને કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં છે. બીજાં બે વરસ પછી નિયતિને ખબર પડી કે, એને હવે એક દીકરી પણ છે. કુટુંબે આ વાત સમાજથી છુપાવી રાખી, ને એણે કુહૂ ખાતર સાસરાના કુટુંબને વળગી રહેવાનું નક્કી કર્યું. 'આર યુ ઑ.કે. મોમ? કેમ તને પાણી લાવતાં આટલી બધી વાર લાગી? લાવ હું જ લઈ જાઉં છું.' કુહૂએ નિયતિના હાથમાંથી ટ્રે સરકાવી લીધી. કુહૂના મહેંદી રચેલા હાથ પરથી ઊઠતી નિલગિરીના તેલની સુગંધથી નિયતિ જાણે મૂર્છામાંથી જાગી. 'ચિઅર અપ મૉમ, આર યુ નર્વસ?' કુહૂ પાછી ફરીને એને વહાલ કરતાં પૂછી રહી હતી. કુહૂની નિર્દોષ આંખો અસમંજસથી તરબતર હતી. નિયતિએ એનું કપાળ ચૂમ્યું. ચા-નાસ્તાની ટ્રે મોકલ્યા પછી પણ દીવાનખંડમાં જવાની એની હિંમત ન થઈ, ન તો કોઈએ એને બહાર બોલાવી. અપરાધભાવથી અચકાતી એ બારણાની ઓથે ઊભી રહી, ને મિજાગરાની ફાંટમાંથી આગંતુકનો ચહેરો નિહાળતી રહી. આધેડ વયે પણ તે હજી યુવાન લાગી રહ્યો હતો. એને તેની નીલી આંખો ગમતી. ઘણી વાર એ તેનો ચહેરો બે હાથ વચ્ચે પકડીને તેની આંખોમાં પડતું પોતાનું પ્રતિબિંબ જોતી રહેતી. નિયતિને યાદ આવ્યું કે, તેની ડોક પરની મુલાયમ ચામડીનો સ્પર્શ પણ એને ગમતો.. એને લાગ્યું કે, એને ગમતી હતી, તે નીલી આંખો પર કોઈ અજાણ્યા હોઠોની લિપસ્ટીકના લાલલાલ ડાઘ લાગેલા હતા. આગંતુકના ચહેરા પર, ડોક પર, એના આખા શરીર પર કોઈ અદૃશ્ય શરીરની છાપ ઊઠી આવી હતી જાણે! 'કાલે રાતે તો અમે આશા જ મૂકી દીધી હતી. વેવાઈને કાલે શું મોઢું બતાવશું? - તેની ચિંતામાં મને તો ઊંઘ પણ નહોતી આવતી. લોકને કેટલું સમજાવવું? આવશે જ ને એ તો! રજા મળવાનો વાંધો છે, વીઝાની ગૂંચ છે કાંઈક, કોન્સ્યુલેટના કાયદા, એમાં આપણું કાંઈ ન ચાલે.. કેટલાં બહાનાં ને કેટલું જૂઠાણું ચલાવવું પડ્યું અમારે! ને તારા તો કાંઈ કરતાં કાંઈ સમાચાર જ નહીં. તારે ફોન તો રિસિવ કરવો જોઈએ ને! જ્યારે હોય ત્યારે અમારે આન્સરિંગ મશીનની ટેપ સાંભળવાની? તારી દીકરીનો સંબંધ તૂટી ન જાય, એની ચિંતા પણ બસ અમારે જ કરવાની? તારી કાંઈ જવાબદારી નહીં?..' બહારના રૂમમાંથી વચલા ભાઈનો અવાજ આવી રહ્યો હતો. આગંતુક નતમસ્તકે ચૂપચાપ સાંભળતો રહ્યો. ફરિયાદોનું નક્કર લોખંડ પીગળી રહ્યું હતું ને એના ઉકળાટે ઘરની હવા બોઝલ બની રહી હતી. વચલાએ અત્યારે આ પ્રકરણ ઉખેળ્યું તે ચંપાબાને ગમ્યું તો નહીં, પણ આજે મોટાના બચાવમાં તેઓ કાંઈ પણ બોલી શકે તેમ નહોતાં. કાલે રાતે તો એમની પણ ધીરજ ખૂટી પડેલી. છેલ્લી ઘડીએ કોઈ વિઘન તો નહીં આવી પડે ને? - એવા ધ્રાસકા સાથે મોટાની રાહ જોતી એમની આંખો થાકથી મીંચાવા લાગી, ત્યારે ચંપાબા સાવ નિરાશ થઈ ગયાં હતાં. એમને પોક મૂકીને રડવાનું મન થઈ આવ્યું હતું, પણ સપરમા દિવસની ખુશીઓ ખરડાઈ ન જાય, એ બીકે એમણે પાસું ફરીને આંખો લૂછી કાઢી હતી. ‘હું ડેડી પાસે સૂવાની છું આજે!' કુહૂના ટહુકાએ વાતનો દોર બદલાયો. એ ખૂબ ખુશ દેખાતી હતી. પપ્પાને જોઈને એનો ઉત્સાહ મનમાં સમાતો નહોતો. એની પથારી દીવાનખંડમાં મારી પાસે જ કરી દો. ચંપાબાનું ફરમાન છૂટ્યું. લગ્નના ઘરમાં નિયતિને ને એને એકાન્તનો એકાદ ટૂકડો પણ આપી શકાય, તેવી શક્યતા નહોતી. ઘરનાંને જાણે એની જરૂર પણ ન લાગી. બધાં તો બસ, 'કુહૂનો પ્રસંગ સચવાઈ ગયો. હવે કાંઈ વાંધો નહીં આવે' - તેવા સંતોષમાં મગ્ન હતાં. નિયતિએ હૉલમાં બાના ખાટલા પાસે એની પથારી પાથરી. એના માટે ખાસ સાચવીને રાખેલી સફેદ, ઈસ્ત્રીબંધ ચાદર ગાદલા નીચે ખોસતાં એણે ખાસ ધ્યાન રાખ્યું કે, પથારીમાં ક્યાંય કોઈ સળ ન રહી જાય ! હા, નિયતિને બરાબર યાદ હતું: એને સળ નહોતા ગમતા. અંતે બંનેનો એકલાં સામનો થઈ જ ગયો. રસોડામાંથી એ રૂમ તરફ જતી હતી ને એ બાથરૂમમાંથી નીકળ્યો. 'કેમ છો તમે?' નવોઢાની જેમ શરમાતાં નિયતિ બોલી પડી. 'ઓ. હા..ય! હાઉ આર યુ?' સુક્કો જવાબ આવ્યો. 'શું ફરમાવો છો, મારાં પટરાણી!' કહીને કાયમ બોલાવતો, તે જીવનસાથી તો ક્યારનો ક્યાંય દૂર નીકળી ગયો હોય તેવું એને લાગ્યું. “આય એમ ફાઈન!' સામે મળી ગયેલ અજનબીને એણે ફૉર્મલ જવાબ આપ્યો, ને હળવેથી પોતાના રૂમમાં સરકી ગઈ. કુહૂની ખાલી પથારીને સહેલાવતી, એ ક્યાંય સુધી જાગતી રહી. થાકીને લોથપોથ થઈ ગયેલું માણસ ઘોરતું હોય, તેવો નસકોરાંનો અવાજ હોલમાંથી આવવા લાગ્યો. નસકોરાં બોલાવવાની આદત મા- દીકરાની એક સરખી, પણ આજે બાનાં નસકોરાં સંભળાતાં નહોતાં. એણે કલ્પના કરી કે, બા કદાચ જાગતાં હશે, ને સૂતેલા દીકરાને એકટક જોયા કરતાં હશે.... સવારે વહેલાં ઊઠી જવાનું હતું. તૈયાર થતાં કુહૂ એના વાળમાં મઘમઘતી વેણી સજાવી ગઈ. જરી ભરેલ લાલ ઘરચોળા જેવી સાડીનો છેડો પીનઅપ કરતાં સેફ્ટીપીનથી એનું ટેરવું વીંધાયું ને લોહીનો ટશિયો ફૂટયો. મોંમાં આંગળી દબાવતી, એ આયનાને પૂછતી રહી: 'શું વાંક હતો મારો?' ઘરને એક ખૂણે આવનાર અને ચંપાબા ગુસપુસ વાતો કરતાં હતાં, તે એને અછડતું સંભળાયું: ‘આજે ને આજે ચાલ્યો જશે? મારી પાસે એક દિવસ પણ નહીં રોકાય?' 'ના બા, કોઈ મારી રાહ જુવે છે. મને આટલું આવવા દીધો, એય ઘણું છે. ને પેલી મારી નાનકડી સ્વિટી છે ને, એ તો મારાથી ક્યારેય છૂટી પડી જ નથી. મારા વગર એ જમશે પણ નહીં...આ તો કુહૂ ખાતર આવવું પડ્યું, બાકી આ ઘરમાં..' બાનું ડૂસકું સાંભળીને એ આઘી ખસી ગઈ. એને યાદ આવ્યું: કુહૂ નાનપણથી જ જરા વધુ સમજણી હતી. એ ઘર છોડીને ચાલ્યો ગયો. ત્યાર પછી કુહૂએ ક્યારેય એને પ્રશ્નો પૂછીને પજવી નહોતી, પણ જ્યારે કુહૂ પોતાની ઢીંગલીને કહેતી કે, 'ખાઈ લે, બેટુ, એવી જીદ નહીં કરવાની.. ડૅડી હમણાં જ આવશે. જો તું માનશે નહીં ને તો ડૅડી ચાલ્યા જશે!' ત્યારે એની આંખો છલકાઈ આવતી. કુહૂએ એ સવારે ડૅડી સાથે પેટ ભરીને નાસ્તો કર્યો. લગ્ન પોતાનાં નહીં, પણ ડૅડીનાં હોય તેમ એણે આવનારની કાળજી લીધી. 'ડૅડી, તમારાં કપડાં પ્રેસ કરી આપું?' “થેંક્સ દીકરા, હું બધું રેડી કરીને જ આવ્યો છું.' 'મારો બેટો તો બહુ ડેશિંગ લાગે છે ને!” ‘કમ ઑન ડેડ, યુ લુક સ્માર્ટર પેન મી. આફ્ટર ઑલ ડૅડ કોના છે!’ ભૂલથી ઘરમાં પ્રવેશી ગયેલા પારેવા જેવા ફફડતા અવાજો એના મનની આંધળી ભીંતો સાથે ક્યાંય સુધી અફળાતા રહ્યા, ને પછી પંખી ચક્કરચક્કર ફરતા પંખા સાથે ભટકાઈને એક ખૂણામાં ફસડાઈ પડે, તેમ ઢળી પડયા. જરી ભરેલા અચકન અને સાફામાં એ આજેય વરરાજા જેવો લાગતો હતો. ઘરચોળા જેવી લાલચટ્ટાક સાડીમાં નિયતિ પણ કાંઈ કમ નહોતી લાગતી. જુગતે જોડી લાગે, તેવાં એ બંનેએ આજનો દિવસ પળપળ, પગલેપગલે સાથે ને સાથે ચાલવાનું હતું. જાનનું સ્વાગત કરવા, વરને પોંખવા, કન્યાદાન કરવા, ને પછી કન્યાવિદાય સુધી.. 'તદેવ લગ્નમ્ સૂદિનં તદેવ

	તારા બલમ ચન્દ્ર બલં તદેવ 

વિદ્યા બલં દેવ બલં તદેવ લક્ષ્મીપતે તે દ્વિયુગમ સ્મરામિ...' વેદીની અગનઝાળ સાથે હવામાં ઊઠતા અવાજોનાં વાદળાં બંધાઈને પછી જાણે નિયતિની આંખોમાં ખરી પડતાં હતાં. આખી વિધિ દરમિયાન એ યંત્રવત ગોરમહારાજની આજ્ઞાનું પાલન કરતી રહી. સ્ત્રીઓ ઊલટભેર ગાઈ રહી હતી: ‘નાણાવટી રે સાજન બેઠું માંડવે.. જેવા ભરીસભાના રાજા, એવા કુહૂબહેનના દાદા.. જેવી ફૂલડિયાની વાડી, એવી કુહૂબહેનની માડી.." એને લાગ્યું કે, લગ્નવિધિ જાણે એક મોટો કરોળિયો છે, ને એનાં જાળાંમાં સાત જન્મના સાથનું જીવડું તરફડી રહ્યું છે. અંતે છેડાછેડી બંધાઈ, ને મંગળફેરાની તૈયારી શરુ થઈ. કુહૂ ખૂશ હતી. એના પગ જાણે થરકી રહ્યાં હતાં. કંકુનું તિલક અને ગુલાબના હારમાં શોભતા વરની આંખોમાં પણ કુહૂ પ્રત્યેનો પ્રેમ છલકાઈ રહ્યો હતો. પંડિતે વેદીમાં હવિષ્ય હોમ્યું. ને પ્રજળી ઊઠેલી જવાળામાંથી ઊઠતો ધુમાડો આવનારના ચશ્માના કાચની પાછળ છવાઈ ગયો. એણે ચશ્મા કાઢી આંખો લૂછી. નિયતિને લાગ્યું કે, જાણે કોઈ છાનુંમાનું આવીને એને બાજુમાં ઊભેલ વ્યક્તિ સાથે અદશ્ય છેડાછેડીથી બાંધી રહ્યું છે. ફેરા શરુ થયા. પંડિતના મંત્રોચ્ચાર સાથે નિયતી પણ જાણે ઊલટા ફેરા ફરવા લાગી. એક. બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત.. બધા જ વળ એક પછી એક છૂટી રહ્યા હતા, ને એ ક્રમશ: મુક્ત થતી જતી હતી. ફેરા પૂરા થઈ ગયા. એણે જોયું કે, કુહૂ અને એનો વર વડીલોના આશીર્વાદ લઈ રહ્યાં હતાં. ચપોચપ ફોટોગ્રાફ પડી રહ્યા હતા. વિડિયોની ફ્લડલાઈટમાં કુહૂના સેંથાનું સિંદૂર અને એનાં આભૂષણો ઝલમલી રહ્યાં હતાં. વિદાય વેળાએ કુહૂ નિયતિને ભેટીને ખૂબ રડી, ને આગંતુક કુહૂને ભેટીને ધ્રુસકેધ્રુસકે રડી પડયો. કોઈ ધીરગંભીર સ્વરે ગાઈ રહ્યું હતું :

‘જરીએ જડેલ મેં તને અંબર દીકરી દીધાં મેં ગોતી ગોતી, સોનાંયે દીધાં ને રૂપાંયે દીધાં મેં માણેક દીધાં ને મોતી, એક ના દીધું મેં તને આંસુનું મોતી, તને દઉં ના દઉં ને વેરાઈ ગયું. ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં..' આખાય ટોળા પર ઘનઘોર ઉદાસીનું વાદળ છવાઈ ગયું, ને વરસતા પહેલાં સૌની આંખને ખૂણે આવીને અટકી ગયું. જાન રંગેચંગે રવાના થઈ. સગુંવહાલું પણ તીરવેગે વિખેરાઈ ગયું. વચલાને માથેથી મોટો ભાર ઊતરી ગયો. કૃતકૃત્યતાનો ભાવ અનુભવતાં ચંપાબા બાપુજીના ફોટાને પગે લાગ્યાં. આગંતુક જવા તૈયાર થયો. બા ડબડબતી આંખે એની પીઠ પસવારવા લાગ્યાં. 'હું તો હવે ખર્યું પાન કહેવાઉં. આ જ રીતે મારી અર્થી ઊપાડવા પણ જરૂર આવજે, મારા લાલ.. કહેતાં કહેતાં બા પોક મૂકીને રડી પડયાં. નિયતિને કાંઈ કહેવાનું નહોતું. ફરી એક વાર રિક્ત નજરે એ જનારને અલોપ થતો જોતી રહી. કોઈ સ્વજન આવીને મૃત વ્યક્તિની ખુલ્લી રહી ગયેલ આંખો બંધ કરે, તેમ એણે પંદર વર્ષની પ્રતીક્ષાનાં પોપચાં સદાને માટે બંધ કર્યાં. કરમાઈ ગયેલી વેણી એણે કચરાપેટીમાં નાખી, કપાળ પરનો ચાંદલો ઉખાડીને અરીસા પર ચોટાડયો, ને ફરી પોતાને કામે વળગી.

*