નારીસંપદા : ટૂંકી વાર્તા/શું થયું?

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શું થયું?

આશા વીરેન્દ્ર

એણે સ્કૂટી સ્ટેન્ડ પર ચઢાવીને પાર્ક કર્યું. સખત ગરમી છે, અકળાવી નાખે એવી. આખા ને આખા નિચોવી નાખે એવી. દુપટ્ટાના છેડાથી એણે ચહેરા પરનો પરસેવો લૂછ્યો. માને ખબર પડી ગઈ હશે કે હું આવી ગઈ ! ઓટલા આગળ આવીને ઊભી જ રહી હશે. અરે, માને એકલીને જ નહીં, આખા મહોલ્લાને ખબર પડી જાય છે કે, નિરાલીબેનની પધરામણી થઈ છે. ખબર તો પડે જ ને? આવું ખખડપાંચમ, એન્ટીક પીસ જેવું સ્કૂટી ચાલે એના કરતાં અવાજ વધારે કરે. પણ તો યે, જેમ લૂલો-લંગડો દીકરો ય જનેતાને રાજકુંવર જેવો લાગે એમ નિરાલીને પોતાની કમાણીમાંથી ખરીદેલું આ સ્કૂટી પવનપાવડી જેવું લાગતું. બાકી મિહિર પણ મજાક કરતા કે, રાજા મહારાજા દરબારમાં તશરીફ લાવે એ પહેલા છડીદાર છડી પોકારે એવું તારી સ્કૂટીનું છે. એ છડીદાર તારા શાળા પ્રવેશ પહેલા ખબર આપી દે કે, ‘નિરાલીસાહેબા તશરીફ લા રહી હૈ...’ આ હમણાંથી વાતે વાતે મિહિર કેમ યાદ આવી જાય છે? ને જો પોતે યાદ ન કરે, તો કોઈ ને કોઈ પૂછવાવાળું નીકળે જ નીકળે. શું ખબર મિહિરના? અરે ભઈ, મિહિરના ખબર એને જઈને પૂછો, મને શા માટે પૂછો છો? ઘર તરફ નજર કરી તો મા ઊભી જ હતી. પોતાના આવવાના સમયે દરરોજ આ જ રીતે જાણે ફ્રેમમાં મઢી દીધી હોય એમ મા એક જ પોઝમાં, થાંભલાને અઢેલીને ઊભી રહેતી. ઘરમાં દાખલ થતી વખતે નિરાલી એટલી ઝડપથી ચાલી, જાણે માને એણે જોઈ જ નથી. પોતાના રૂમમાં જઈ એણે હાથમાંના ચોપડાં ટેબલ પર પછાડ્યાં. ત્યાં જ પાછળ મા આવી પહોંચી, ‘શું થયું પછી?’ ‘મા, હજુ તો ઘરમાં પગ મૂક્યો નથી કે તેં શરૂ કર્યું. જરાક શાંતિથી શ્વાસ લેવા દઈશ?’ મા છોભીલી પડી ગઈ. પોતાનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય એમ જરા માથું ઢાળીને ઘડીક ઊભી ને પછી રસોડા તરફ ચાલી ગઈ. બેઠક ખંડમાં આવીને નિરાલી પંખો ખોલીને સોફા પર બેઠી ત્યાં મા પાણીનો ગ્લાસ લઈને આવી. ગ્લાસ લેતાં નિરાલીએ માના ચહેરા સામે જોયું. રોજ એ સ્કૂલેથી આવે ત્યારે ખીલી ઉઠેલો લાગતો એ ચહેરો આજે ફિક્કો લાગ્યો. મા સાથે આવી રીતે વાત કરવા બદલ પસ્તાવો થતો હોય એમ તેણે મા સામે જોઈને સ્મિત કર્યું. એનો હાથ પકડીને એણે માને કહ્યું, ‘બેસને !’ મા ચાવી દીધેલ પૂતળાની માફક તરત જ બેસી ગઈ. જાણે કશુંક ચાવતી હોય એમ ધીમે ધીમે નિરાલી પાણીનો એક એક ઘૂંટડો ગળે ઉતારતી હતી. કદાચ મનોમન ગોઠવતી હતી કે, માને શું અને કેવી રીતે કહેવું? પછી એણે કહ્યું, ‘આજે તો આખો દિવસ બહુ કામ પહોંચ્યું. અમારાથી મળી નથી શકાયું.’ ‘હં.’ ફક્ત એટલું જ કહીને મા પાણીનો ગ્લાસ મૂકવા અંદર ચાલી ગઈ. કશું બોલી નહીં, જરૂર માને ખરાબ લાગ્યું છે. તે ન લાગે? હું આવી તોછડાઈથી એની સાથે વર્તું તો? બિચારી, સવારે હું ઘરમાંથી નીકળું ત્યારથી મારા પાછા ફરવાની અને સાંજ પડવાની રાહ જોતી હોય. નિરાલી આવશે અને સૂમસામ ઘરમાં જીવ આવશે. નિરાલી સ્કૂલની અને મિહિરની કંઈકંઈ વાતો કરશે. એને બદલે હું આમ...? એને એકાએક મા માટે હેત ઊભરાઈ આવ્યું. રસોડામાં જઈ, માને ગળે હાથ વીંટાળી, લાડ કરતાં એ પૂછવા લાગી, ‘આજે શું જમાડીશ મા?’ ‘તારે જે ખાવું હોય તે. સુપ ને પુલાવ બનાવું?’ ‘એક્સેલન્ટ આઈડિયા ! મા, તને કેવી રીતે ખબર પડી જાય છે કે મને શું ખાવાનું મન થયું છે?’ નિરાલી માના હાવભાવનું ઝીણી નજરે નિરીક્ષણ કરી રહી હતી. જરાય લાગ્યું નહીં કે, પોતે બતાવેલી અકળામણથી એ નારાજ હોય. એ છે જ એવી. પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એનો જરા સરખો અણસાર ન આવવા દે. ‘મા, તું ચોખા પલાળ અને મને શાક આપી દે. હું પુલાવ માટે શાક સમારી આપું.’ ‘ના, તું રહેવા દે. આખો દિવસ માથાફોડ કરી કરીને થાકી ગઈ હોઈશ...’ મા કહેતી રહી ને નિરાલીએ પ્લેટમાં શાક કાઢવા માંડ્યું. ‘જો મા, આટલું બસ?’ શાક સમારતાં સમારતાં એ વિચારે ચડી. હમણાં હમણાં એ ચીડકણી થઈ ગઈ હતી. નાની-નજીવી વાતમાં ગુસ્સો અને છણકો થઈ જતો. આવો તો એનો સ્વભાવ નહોતો. શોભા તો એની જીગરજાન. એની પરે ય વાતે વાતે એ કેવી તતડી ઊઠતી ! રવિવારે નિરાલીને ફુરસદે મળી શકાય એમ કરીને શોભા કેટલા વખત પછી ઘરે આવી હતી. અઠવાડિયા પછી એનો જન્મદિવસ આવે છે એ વાત નીકળતા શોભાએ કહ્યું હતું, ‘નિરાલી, આજ-કાલ કરતાં તને પાંત્રીસમું બેસવાનું. આપણાં બેચમાંથી અમે બધાં બે-બે છોકરાઓની મા...’ ‘મને ખબર છે, વર્ષા, અનિતા, નંદિની આ બધાંને કેટલાં છોકરાં છે તે. આ સિવાય બીજી કોઈ વાત કરવાની છે?’ ‘તું ભલે ગુસ્સો કરે પણ મારાથી તો બોલ્યા વગર રહેવાશે જ નહીં. વાત સાવ હાથમાંથી નીકળી જાય એ પહેલાં તું મિહિર સાથે ગોઠવાઈ જા, ઠેકાણે પડી જા. એને એક દીકરી છે એ વાત સાચી, પણ દરેકે જીવનમાં કંઈ ને કંઈ બાંધછોડ કરવી જ પડે.’ ‘થેન્ક્યુ ફોર યોર એડવાઈઝ, બોલ બીજું કંઈ?’ એ વખતે ભલે એણે વાત વચ્ચેથી કાપી નાખી પણ શોભા કંઈ છોડે એમ નહોતી. જ્યારે ફોન કરે ત્યારે એનો પહેલો સવાલ ‘નિરુ, શું થયું?’ ‘કેમ? શું થવાનું હતું?’ ‘જો, એમ વાત ટાળવાની કોશિશ ન કર. તું ભલે ન કહે, હું બધું સમજું છું. તું માને લીધે અટકે છે. પણ થોડું તારી પોતાની જિંદગી માટે પણ વિચાર કર. મા કંઈ કાયમ માટે...’ ‘શોભા પ્લીઝ, મારે આ બાબતમાં કંઈ નથી સાંભળવું.’ ‘નથી સાંભળવું કહી દીધું એટલે શું મારે કંઈ નહીં બોલવાનું? હું તો બોલીશ, સત્તરવાર બોલીશ.’ શોભાનો લાગણીભીનો કંઠ રૂંધાઈ જતો, ‘સમજ, જરા સમજ. નહીંતર પસ્તાવાનો વારો આવશે. કોઈનાં મા-બાપ આખી જિંદગી નથી બેસી રહેવાનાં. તું એકવાર મિહિર સાથે જોડાવાનું નક્કી કર. મા માટે કોઈ ને કોઈ રસ્તો નીકળી રહેશે.’ મા પણ એમ જ કહેતી, ‘હું હવે કેટલાં વરસ કાઢવાની? તું ઘર વસાવીને ઠેકાણે પડે તો મારા જીવને ય શાંતિ.’ મા જ્યારે આવું બધું બોલતી ત્યારે નિરાલીની નજર જળોની જેમ એના ચહેરા પર ચોંટી જતી. વારંવાર પટપટ થતી માની આંખો, એના આછું આછું ધ્રૂજતા હોઠ, એના થરકતા ગાલ; અરે, ચહેરા પરની એકએક રેખા ચાડી ખાતી કે, નિરાલી પોતાનાથી છૂટી પડી જશે એવી આશંકાનો કેટલો જબરદસ્ત ઓથાર એના મન પર હતો ! ‘મા, હું વિચાર કરીને જવાબ આપીશ.’ ‘ક્યાં સુધી વિચાર્યા કરીશ? હું લાકડાં ભેગી થાઉં ત્યાં સુધી?’ ક્યારેક મા અતિશય અકળાઈ જતી. આવી અકળાયેલી, મુંઝાયેલી માનો સામનો નિરાલીએ આજ સુધી ક્યારેય નહોતો કર્યો. આવી પરિસ્થિતિમાં શું કરવું એ એને સમજાતું નહીં અને એટલે જ વિના કારણે એને મા પર ગુસ્સો આવી જતો. એકાએક જ એ માથી ઉબાઈ જવા માંડી હતી. એને માની એલર્જી થવા લાગી હતી. બસ, ઘરે પગ મૂકું ત્યારથી આ એક જ વ્યક્તિને જોવાની, એક જ જગ્યાએ ઊભી રહેલી મા, એક જ ઢબે પહેરેલો સાડલો, એક જ રીતે પાંથી પાડીને ઓળેલું માથું, એક જ જૂનીપુરાણી ફ્રેમનાં ચશ્માં – વર્ષોથી માને આવી જ જોઈ હતી. કોઈ ફેરફાર નહીં. કોઈ નવીનતા નહીં. એ એકદમ ચોંકી ઊઠતી. આ કેવા વિચિત્ર વિચારો એને ઘેરી વળે છે આજકાલ? દુનિયામાં જે સૌથી પ્રિય છે એ માથી જ કંટાળો આવે છે? મારા અને મિહિરના મતભેદમાં આ ભલીભોળી માને શા માટે સંડોવું છું? એ અને મિહિર છ-સાત વર્ષથી એક જ શાળામાં નોકરી કરી રહ્યાં હતાં. બીજા શિક્ષકો સાથે હતો એવો ને એટલો જ સંબંધ એને મિહિર સાથે પણ હતો. એમાં કશું વિશેષ નહોતું. પણ ત્રણેક વર્ષ પહેલાં મિહિરની પત્નીએ બે વર્ષની દીકરીને મૂકીને વિદાય લીધી ત્યાર પછી આ બે વચ્ચેના સંબંધનાં સમીકરણો ધીમે ધીમે બદલાવા લાગ્યાં હતાં. ‘મા છે ત્યાં સુધી હું એને એકલી છોડીને ક્યાંય જવાની નથી.’ એવો નિરાલીનો સંકલ્પ ડગુમગુ થવા લાગ્યો હતો. એની રગેરગને ઓળખતી માથી આ વાત ક્યાં સુધી છાની રહે? ઉપર ઉપરથી તો માએ ખુબ રાજીપો બતાવ્યો પણ નિરાલી સમજી શકી હતી કે, માના મન પર આ વાત નેતરના કોરડાની જેમ વિંઝાઈ હતી. એટલે જ મા, શોભા કે અન્ય શિક્ષકમિત્રો જ્યારે શું થયું? એમ પૂછતા ત્યારે એને શરીર પર ધગધગતો સળિયો ચંપાતો હોય એવું લાગતું અને પછી અંદરને અંદર ભભૂકતો જ્વાળામુખી ફાટે ત્યારે એની અડફટે મા ચઢી જતી. તે દિવસે તો એ સ્કૂલે જવા નીકળતી જ હતી ત્યાં મા એને ખેંચીને બાપુના ફોટા પાસે લઈ ગઈ હતી. દદડતી આંખે માએ કહ્યું હતું, ‘ખબર છે, કાલે તારા બાપુએ સપનામાં આવીને મને ઠપકો આપ્યો, ‘દીકરીને આટલું સમજાવી નથી શકતી? કે પછી...’ આ પછી કહીને ભલે એ આગળ કંઈ ન બોલ્યા, પણ હું સમજી ગઈ કે, એમને શું કહેવું હતું. ને મારે આવો આરોપ મારા માથે નથી મઢવો. આજે તારા બાપુએ કહ્યું, કાલ ઊઠીને આખો સમાજ મારી સામે આંગળી ચીંધશે.’ છેલ્લે માએ પોતાનું અમોઘ શસ્ત્ર અજમાવીને સોગંદ આપતાં કહ્યું હતું, ‘આજે આ વાતનો નિર્ણય થવો જ જોઈએ. તમારે જ્યારે, જ્યાં મળવું હોય, ત્યાં મળીને નક્કી કરો. બાકી આજે જો તું જવાબ લીધા વગર આવી છે તો...’ ‘બસ મા, આગળ બોલવાની જરૂર નથી.’ કહેતાં નિરાલીએ ચોપડાં ઉપાડ્યાં, સ્કૂટીની ચાવી લીધી અને ચંપલ પહેર્યાં ત્યારે એના ચપોચપ ભીડાયેલાં હોઠ પરથી માને લાગ્યું કે, આજે તો ચોક્કસ ફેંસલો આવી જ જશે. કાં તો ઈસ પાર કે પછી ઉસ પાર. પોતે ખરેખર શેમાં ખુશ છે, ઈસ પારમાં કે ઉસ પારમાં? – માને કંઈ સમજાતું નહોતું. આ બાબતમાં નિરાલી તો ચોખવટથી કશી વાત ન કરતી પણ શોભા મા સુધી બધી બાતમી પહોંચાડતી. મિહિરને નિરાલી એટલી તો પસંદ પડી ગઈ હતી કે, એનાથી અલગ રહીને હવે પછીનું જીવન વિતાવવું એને વસમું લાગતું હતું. વળી છૂટી-છવાયી મુલાકાતો દરમ્યાન એની દીકરી અમોલી તો નિરાલી આન્ટીની આશિક જ બની ગઈ હતી. અહીં સુધી સાવ સીધેસીધી લાગતી વાત ત્યાં આવીને હંમેશા ગૂંચવાઈ જતી હતી જ્યાં નિરાલી લગ્ન પછી માને સાથે રાખવાનું કહેતી. જોગર્સ પાર્કમાં કે દરિયા કિનારે ભાવી જીવનનાં રંગીન સપનાં જોતાં બેઠેલાં બંને જણ હંમેશા માના નામથી ચર્ચા અને મિલન સમાપ્ત કરી ઊંચા જીવે છૂટાં પડતાં. કેટલાય વખતથી આમ ને આમ ચાલતું ને એક ડગલું ય આગળ ન વધાતું. નિરાલીની દલીલ હંમેશા એવી રહેતી કે, હું તમારી દીકરી સાથે રહી શકું તો તમને મારી મા કેમ નડે છે? પરંતુ મિહિર આ રીતે નિરાલી સાથે જોડાવાના પક્ષમાં નહોતો. આ માટે એની પાસે ઘણાં કારણો હતાં, પણ સરવાળે એટલું કે, આ મુદ્દાને લીધે બંનેનાં મનમાં ગાંઠ પડી ગઈ હતી. ઘરમાં બેસી રહેલી મા કોણ જાણે ક્યાંથી અને શી રીતે નિરાલી અને મિહિરની વચ્ચે આવીને ઊભી રહી જતી. આમ, આખી વાતમાં તદ્દન નિર્દોષ હોવા છતાં હવે નિરાલીને મા નડવા લાગી હતી. નિરાલીના ગયા પછી કંઈ કેટલાયે વિચારોનો બોજ મન પર લઈ મા ઘરકામમાં જીવ પરોવવાનો પ્રયત્ન કરવા લાગી. રસોડાનાં કામકાજમાંથી પરવારું એટલે આજે તો નિરાલીના ચોપડાનો કબાટ ગોઠવવો છે, એના પલંગની ચાદર બદલવાની છે, એના કપડાંને ઇસ્ત્રી કરી રાખું તો એને એટલી નિરાંત. આખો દિવસ નિરાલી, નિરાલી ને નિરાલી. એના સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી. આવું થોડું ચાલે? હવે તો એના વગર રહેવાની ટેવ પાડવી પડશે. આ તો ઠીક છે, એ આટલાં વર્ષો મારી સાથે રહી, બાકી દીકરીઓ તો સાસરવાસી જ હોય ને? મિહિર સાથે એ ખુશ રહે એટલે બસ. મારે બીજું શું જોઈએ? વાસણ માંજી રહેલાં હાથ થંભી ગયા. બીજું કશું નથી જોઈતું? ખરેખર? નિરાલી ક્યાંય ન જાય, મારી પાસે જ રહે, એવું નથી જોઈતું? સાચું બોલ, સાચું બોલ... એણે બંન્ને હાથ કાન પર દાબ્યા. ના, ના, નથી જોઈતું. એકલી રહીશ વળી, ન કેમ રહેવાય? મંદિરે જઈશ, મંડળોમાં જોડાઈશ, કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરીશ. દિવસ તો પસાર થઈ જાય. એમાં શું? સ્કૂટી ખખડ્યું, નિરાલી આવી. સ્કૂટર સ્ટેન્ડ પર ચઢાવતાં એણે નજર કરી. મા ઊભી હતી. પણ રોજની મા અને આજની મામાં કેમ આટલો બધો ફરક લાગતો હતો? મા એકાએક વાંકી વળી ગઈ હોય, ઘરડી થઈ ગઈ હોય એવી લાગતી હતી કે પછી એ માત્ર ભ્રમ હતો? ઘરમાં દાખલ થતાં પહેલાં એ થાંભલાને અઢેલીને ઊભેલી મા પાસે ગઈ. વ્હાલથી માને ગળે વીંટળાઈ ને પછી ઘરમાં ગઈ. રૂમમાં ચોપડાં મૂકીને પાછી આવી, પંખો કર્યો, સોફા પર બેઠી. મા પાણી લાવી, સામેના સોફા પર બેઠી, પણ કશું પૂછ્યું નહીં. ‘મા, આજે સવાલ નથી કરવો, ‘શું થયું?’ ’ ‘જવાબ તારા મોઢા પર જ દેખાય છે, પછી પૂછવાની શું જરૂર? જોને, તું કેટલી ખુશ છે?’ નિરાલી ઊઠી. માના સોફા પર, એની પડખે બેઠી. ‘તું પણ ખુશને મા? આજે બધું નક્કી થઈ ગયું.’ માના ખોળામાં માથું મૂકતાં એણે કહ્યું. ‘નક્કી થઈ ગયું? હા...શ, હું આ દિવસની જ રાહ જોતી હતી.’ નિરાલીના વાળમાં ટપક, ટપક કરતાં બે-ચાર બુંદ પડ્યા. ‘ચાલ, ઊભી થા, મને જરા રસોડામાં જવા દે તો !’ આંસુથી ભીંજાયેલો માનો અવાજ સંભળાયો. એક પ્લેટમાં મા પેંડા લઈને આવી. નિરાલીના મોંમાં એણે પેંડો મૂક્યો. ‘તું મીઠું મોં નહીં કરે મા? લે, આ મારા તરફથી.’ એણે માને પેંડો ખવડાવ્યો. જમી પરવારી, રસોડામાં ઢાંકોઢૂબો કરી મા બહાર આવી ત્યારે નિરાલી કબાટમાંથી કપડાં કાઢીને બેગમાં ગોઠવી રહી હતી. આ જોઈને માને આંચકો લાગ્યો. ‘શું કરે છે નિરાલી?’ ‘કેમ વળી, તૈયારી તો કરવી પડશે ને?’ ‘પણ... પણ આટલું જલ્દી? ક્યારનું નક્કી કર્યું?’ ‘કાલનું...’ ‘કાલ ને કાલ? એટલી બધી શી ઉતાવળ હતી?’ ‘મા, તને ભલે ન હોય તો ય મને તો ઉતાવળ હતી.’ છે ને આજ-કાલની છોકરીઓ ! નહીં કંઈ લાજ-શરમ કે નહીં સંકોચ. આટલી ઉતાવળ ફાટી જતી’તી તો ના-ના શું કામ કર્યા કરતી’તી? એમ પણ નહીં વિચારતી હોય કે, આમ એકાએક માને છોડીને જતી રહીશ તો એની પર શું વીતશે? એને મિહિરને ઘરે જવાનો આટલો બધો અભરખો હોય તો હું યે શું કામ એને ચોંટી રહું? વહેલી મોડી જવાની તો હતી જ. તો ભલે ને, કાલે જ જતી. મનને સમજાવવાના આટલા પ્રયત્નો કરવા છતાં માને ઓછું તો આવ્યું જ. ‘નક્કી કરતાં પહેલાં મને જરા વાત તો કરવી’તી કે કાલનું જ નક્કી કરે છે !’ ‘એમાં તને શું પૂછું મા? તેં જ તો કહ્યું’તું કે, આજે જવાબ લઈને જ આવજે.’ બેગની ચેઈન બંધ કરતાં નિરાલીએ કહ્યું, ‘વળી આમાં તારે તો કશું કરવાનું છે નહીં, જે કરવાનું છે એ મારે જ કરવાનું છે. ને મા, બધું કંઈ કાલે જ મારી સાથે નહીં લઈ જાઉં. આ તો જરૂર પૂરતું જ. પછી ઘર ક્યાં ભાગી જવાનું છે? જેમ જરૂર પડશે એમ લઈ જવાશે.’ ‘ભલે, તમને બંનેને જે ઠીક લાગ્યું એ ખરું. પણ તારું બધું તૈયાર ગયું હોય તો ચાલ, છેલ્લે છેલ્લે જરા શાંતિથી બેસીએ.’ બોલતાં બોલતાં માનું ગળું રૂંધાઈ ગયું. ‘શાંતિ ક્યાંથી મા? હજી તો કેટલી તૈયારી બાકી છે? તારાં કપડાં, દવાઓ, તારા ઠાકોરજી બધું સાથે નહીં લેવું પડે?’ ‘મારું? મારું બધું શા માટે?’ આશ્ચર્યથી માનું મોં ખુલ્લું રહી ગયું, ‘મિહિર... મિહિર માની ગયા?’ ‘ના મા, મિહિર કોઈ રીતે માનવા તૈયાર નહોતા. એ સંબંધ પર આજે પૂર્ણવિરામ મૂકાઈ ગયું. પણ એની સાથે આટલો સમય વિતાવ્યા પછી, આટલા નજીક આવ્યા પછી સ્કૂલમાં રોજ ઊઠીને એમનો સામનો કરવો મારે માટે શક્ય નહોતો. તો વળી બીજી બાજું મને ઘર પણ ગૂંગળાવતું હતું. તું ને હું, હું ને તું. ઘરમાં હરીફરીને માત્ર આપણે બે. ઘરની હવા પણ અવાવરું ગંધાતી હતી. એક બંધિયારપણું મારી છાતીએ ચઢી બેસતું ને મને નિરાંતે શ્વાસ લેવા નહોતું દેતું. વળી તારે ય રાતના ઉજાગરા કરીને બાપુનો ઠપકો સાંભળવો પડતો હતો. બહુ વિચાર્યું કે, આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું? ને એક સરસ મજાનો ઉપાય મળ્યો પણ ખરો.’ ‘તું શું કહેવા માંગે છે, મને કંઈ સમજાતું નથી. મેં તને સોગંદ આપીને કહ્યું હતું કે...’ નિરાલીએ આગળ વધીને માનો હાથ પકડી લીધો. ‘મા, મેં પણ મારી જાતને સોગંદ આપેલા છે કે, તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં. તારા સોગંદ પાળવા હું મારી જાતને તો શી રીતે છેતરી શકું? એટલે જ એક સરસ મજાના વાનપ્રસ્થાશ્રમમાં જઈને બધું નક્કી કરી આવી.’ ‘અરે, પણ છોકરી, મને ઘરડાં ઘરમાં મૂકી આવીશ તો તું શું કરીશ? તને એ લોકો થોડા જ રાખશે?’ ‘રાખશે મા, એ લોકોને કોમ્પ્યુટર જાણતા હોય એવા ક્લાર્કની જરૂર હતી. મેં ત્યાં નોકરી સ્વીકારી લીધી છે. સ્કૂલની મારી જવાબદારી પૂરી કરીને પછી હું આશ્રમમાં કામમાં જોડાઈ જઈશ. બસ, પછી તો તું, હું ને મારું સ્કૂટી ત્રણે સાથે ને સાથે. વળી કોઈ એવું પૂછવા ય નહીં આવે કે શું થયું? કેમ ને મા?’ નિરાલીએ પરાણે હસવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો આંખમાં અત્યાર સુધી સંઘરી રાખેલા આંસુ ટપકી પડ્યાં. માની આંખો ય વરસી રહી હતી અને જાણે નિરાલીને પૂછી રહી હતી, શું થયું?


વાર્તા અને વાર્તાકાર :

આશા વીરેન્દ્ર (૦૨-૦૯-૧૯૫૦)

નોંધપાત્ર વાર્તા :

ફરીથી મળવું