નારીસંપદા : ટૂંકી વાર્તા/ઓહવાટ

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઓહ̖વાટ

દીના પંડ્યા

બોરપર ગામની ધૂળ-ઢેફાળી ગલી છોડી ત્રણ ઓળાઓ સીમ-પાદર વળોટીને ચાલ્યા જાય છે. સૌથી આગળ દોરડા જેવા હાથ-પગવાળી, સીસમીયા રંગની, ગાગર જેવડું પેટ લઈને માંડ ત્રીસેકની લાગતી સ્ત્રી નામે સોમલી ચાલી રહી છે. એણે લીલું પોલકું, મોરપીંછી ઓઢણી ને પીળી ઘાઘરીનો કછોટો વાળ્યો છે. એના હાથમાં બંગડી, કાનમાં સોનેરી રંગ ખોઈ બેઠેલી બુટ્ટી, ડોકમાં માળા છે. એના જમણા હાથમાં મોર-પોપટ ભરેલી થેલી ને માથા પર એક પોટલું છે. એની પાછળ દસેક વર્ષની હિણી છોકરી નામે મીણા ચાલી રહી છે. એણે ઝાલરવાળી જાંબલી-પીળાં ફૂલો ચીતરેલી ઘાઘરી ને રાતા રંગનું છેલ્લા બે બટન ખોઈ બેઠેલું પોલકું પહેર્યું છે. નાકમાં લાલ ચુની, કાનમાં લટકણિયાં, હાથમાં પ્લાસ્ટીકની બંગડીઓ ને માથે મીંડલા ગૂંથી ચોટી વાળી છે. એ ઉઘાડા પગે ચાલી રહી છે. એના હાથમાં વાદળી રંગ ઉપટેલી થેલી છે. એની જમણેરી કોર માંડ આઠેક વર્ષની લાગતી ડીલે જરા ભરેલી કાળી છોકરી, નામે રાધી ચાલી રહી છે. એણે ગુલાબી રંગનું લાંબું પહોળું ઘઘા જેવું ફ્રોક ને હાથમાં બે ત્રણ રંગની સામટી ચૂડીઓ ખડકી છે. માથા પાછળ કડક ગૂંથણીને કારણે સોટી જેવી લાગતી અડધા વેંતની ચોટલી, એને છેડે લાલ બોપટીથી ફૂંમતું વાળ્યું છે. નાકે સુડૂડૂડૂ સુડૂડૂડૂ ચારેક વાર કરે પછી એકાદ વાર નાક પર ઊંધો હાથ ફેરવી લીંટ લો'તી, બીજા હાથે માની ઓઢણીનો છેડો ઝાલી એની પાછળ દોરાતી જાય છે. પગમાં એણે બ્લ્યુ-ધોળા રંગની સ્લીપર પહેરી છે. ત્રણે ઓળાઓ હાઈ-વેની સમાંતર કેડી પર ચાલ્યા જાય છે. છેલ્લી બસ ગઈ-નો અફસોસ સોમલીને હૈયે છે, તો સાથે ટિકીટના પૈસા બચી ગયા-નો મનમાં હરખેય છે. ‘હો નભ્ભાઈઓ ઝટ ઢીંઢા ઉપારો. સામે ગામ ટીંબે ઓ' રીયુ મામાનું ઘર, કાંઈ છેટુ થોરું સે? પાણો નાઈખો કે પરબારો ટીબે પોંગે.’ ‘પણ મા, આપરે આમ હું લેવા ધોડ્યા જાઈએ સીએ? મારી ઈસ્કૂલ...’ ‘મીણ્કી, આ સંધાય તારા બાપુના કારસ્તાનું, માડી, રુંવારે રુંવારે મુને કળતર દીધી સે...’ ‘બાપુએ કીયો કારસ્તાન કીધો મા?' રાધીએ અવળે હાથે નાક લૂંછી ગળોવેલની જેમ માને વીંટાતા પૂછ્યું. ‘આઘી રે આઘી ! જોતી નથ્ આ પેટ ને એની વેઠ. દીચરો દીચરો જાણે કારો ભૂતડીયો વરગીયો ઈને ઈ...ઈ કારસ્તાનું કે’વાયને...' ‘ના કીધીં તોય ગાભા-ચીંથરાના બાચકા હાર્યે ને માથે લીધાસે... એક મારી ઢીંચલી ને રાજકુમાર, ઘોડો ને ઘોલકી... ઈ તુને જરાય અરઘ્યા નૈઈ, માડી’ શુક્રતારા પેઠે આંખો ચમકાવતી રાધી બોલી. 'તે મૂઈ, તારી મા ઘરઘવા નૈઈ જાતી – કે જાન જોરી રૂડો વરઝોરો કાઢીએ ને માથે આસરવાદ - ઈમ કાંઈ સટ પાર ઉતરે બધું? લીયો પગમાં ઠામુકી વીજરી બાંધો લગીર...' સોમલીએ છણકો કર્યો ને છૂટો હાથ કેડે મૂકી ચાલવા લાગી. એનો બબડાટ ચાલુ છે. 'અસ્ત્રીનો ઓંતારા (અવતાર) એટલે આખ્ખાય જલ્મારાની પીડા લમરે ને લમરે વરગી ભૈ. બ્રમ્માને તો લગીર અદકી ફોરાશ હૈશે. અસ્ત્રીઓ, જાવ દનિયાની બધ્ધીય ને દૈઈનો બોરફૂટો કરો...’ 'માડી, સેટુંસે? બસ ગઈ તો ગઈ. પન કાલ્ય નેંકળ્યા હોત તો... તુને ચણીબોરનો બોરકૂટો કરી, મેંઠું ભભરાવી આલત... હા.' ઊંચી ડોકે, નિષ્પલક માને તાકી રહેતા મીણા બોલી. ‘આઈસ - મોટી ગવંડર. આટલું હેંડતા જોર આવેસે? તારા જેવરી ઉં હતી તૈઈ ઈંધણા ભેગા કરવા હાટું, પાંસ-હાત ખેતરવા ચપટીમાં હેંડી નાંખતી... હા. આ હામા ગામે ટીંબે મામાનું ખોરડું કળાય સે તો. ગામમાં ગરવું હોય ઈને ટીંબે ઘહાયને જાવું પરે. બાચી તું કાલ્યની વાતુ નો કરતી. કીધું સે ને કે આભને ગાભનું કાંઈ ઠેચાણું નૈઈ. વરી કરમ ભમરાળાને વેઠ લમરે લખાઈ લાયેલી સું... તે આ ખોળીયાને ધમરોર્યા વગૈર સુટકો સે? ટાંટિયામાં જોર સે તે... અતારથી નૈઈ હંચરીએ તો કરાફાટ જલ્મારો પૂરો ચ્યમનો કરીહું, દીચરી?’ 'માડી, તુ બવ બકે સે. પરથમ ભિસ્કૂટ ને પાણી દે. નીંકર હેંડવાનું સપુચું બંધ.’ રાધીએ માનો છેડો પડતો મૂકી, એને આંતરીને સત્યાગ્રહ જાહેર કહી દીધો. સોમલીની ભર્યા તળાવ જેવી હેતીલી નજર ઘડીક રાધી પર ખોડાઈ... બીજી પળે એ બગડી, 'તૈઈ પરી રે આઈયા. વગરાનું જનાવર તું ને કાસીને કાસી ખાઈ જાહે, મારે હું?’ રાધી બી ગઈ. માનો છેડો ઝાલી આસપાસ નજર કરતી ચાલવા લાગી. એને કેડી પરથી ડાળખી મળી. ચારે બાજુ વીંઝતી ચાલી. એને ઉદ્યમ મળી ગયો. ‘ઓય મારે...’ એકાએક સોમલીએ ચીસ પાડી. ઝાડી-ઝાંખરા, વૃક્ષ-વેલા સાથે હવાય મુંગી મંતર છે. દૂર સુધી કેડી નિરવ છે. હા, દસ હાથ છેટે હાઈ-વે પર ધમધમાટ છે. સાથે ચાલતી મીણા અને પાછળ સોટીથી રમતી રાધી, માની ચીસ સાંભળી એની સામુ એક નજરે જોતાં ઊભાં રહી ગયાં. ‘હું થીયુ મા?’, મીણાએ થેલી નીચે મૂકી, માના હાથમાંથી થેલી-પોટલું થઈ લીધાં. સોમલી વળ ખાતી નીચે બેઠી. દેહ પરની પીળાશ થથરી ઊઠી હોય એમ રંગ કાળો ઝાંખો થયો, આંખો ફાટેલી ને મોં ખુલી ગયું છે. રાધીએ માની આગળ આવી કચકચ શરૂ કરી. ‘પેટમાં ચૂંક આવે સે? તો તો મામાના ટીંબે કીયારે પોંગીશુ? ઉં તો કેતી’તી કાલ્ય બસમાં બેહીએ કે વાત પતે. બેઠાં ભેગા ભૂરરર કરતાં મામાના બાયણે...’ ‘કાલી થાતી મુંગી મરને રાધલી. આપરા રૂપારાં મૂંઢા જોઈને ઈ બેહારવાનો ઉતો? ફદિયાય જોઈએને? હવ્વે તમાર્ બેયુની ટિકિટુ લાગે સે... ઓય માડી રે.’ સોમલીએ પેટ પકડ્યું. આસપાસ નજર કરી ડાબી કોર અડધ ગોળાકારે માટીયાળી પથરીલી આડશ ઉપર ઝાડી ઝાંખરા જામ્યા છે. કેડી છોડી વાંકી ચાલે સોમલી એ ઝાડી તરફ ચાલી. પાછળ થેલાં-પોટલું ઘસડતી છોકરીઓએ પગ ઉપાડયો. ‘ઘડીક બેહીએ મીણા. હે મા જોગણી દીયા કરજે. ઘીરે પુગાડી દેજે. ચ્યાં છેટું સે? પાણો નાઈખો કે હામા ગામે. લે હવ્વે હારું વરતાયસે.’ સોમલી ઊઠી. પોટલું માથે મૂક્યું. થેલી ઝાલી, રગડતાં બે ડગલાં ભર્યાં ન ભર્યાં ને વેણ ઊપડી – ‘ઉ...મા’ કહેતાં ધબાક્ દઈને નીચે બેસી પડી. દીકરીઓ મુંઝાઈને માના મોં પર ઓંટા લેતી પીડા જોઈ રહી. ‘માડી, તુંને ગ્યાસ થીયો હૈસે. ચાર રસ્તા પાર કીધે... લગીર સોડાવારો હોયે ખરો...’ રાધીએ માને ધરપત આપી. પીડાથી વલવલતી સોમલી રાધીની ગેસની વાત સાંભળી દાઝે ભરાઈ. 'ડાયલી થામા છોરી. મીણા... મીણ્કી મામાને ન્યાં નૈઈ પોગાય. પણે ઝાડી પાર લઈ જા મુને. પગમાં જાણે સીસુ ભઈરું હોઈ ઈમ. ભારે સલ્લ થૈંઈ ગીયા સે, દીચરી. જલમવેરી નેંકળ્યો આ – તો. અધ વચારે ઉતાવરો થીયો ને મારું માણહ પાહે નૈઈ. તારા બાપુને ચેટલું વારેલું કે મુંથી આ ફેરે નૈઈ વેઠાતું. તમેય હંગાથે... પન સેઠિયાની દિ' તો ઠીક રાતનીય ચોકીદારી. દનિયાનો પાછો ખોડા પારે... તે રોજ પેટને ખાવા તો જોઈસેને મીણા. આ પેટની પીંજણ ને કામની હાયવોયમાં દીચરો, દીચરો કરી હું કરવા ધલવલતો હૈશે તારો બાપુ? ઈ મુને હમજાતુ જ નથ...' મીણા-રાધી માને ઝાડીની આડશે લઈ ચાલ્યાં. ત્યાં કોરી માટીનો પટ છે. હાડકાનો માળો બની ગયેલી સોમલીથી બેસાયું નહીં. એ ચત્તીપાટ સૂતી ને ડાબે જમણે અમળાવા લાગી. ‘આ તમે બેય કૂંખેથી આવી ગૈઈ ખબરેય નો પરી. પન આ વેરવી તો મારો જીવ એંઠવા આયો લાગેસ... મીણા, ભંભલીમાંથી બે ટીપા પાણી દે ને થેલીમાંથી બે ગાભા બા’ર કાઢ્ય...' ‘ગાભા હાર્યેં લીધા ને મારી ઢીંગલી તુને નડી ગૈઈ? ઘોડો-રાજકુમારની વાતુ તો જાવા દે' ‘રાધી બુન જોતી નથ, માને પેટમાં બવ દુઃખે સે? નાનકો ભઈલો આબ્બાનો નૈઈ તીયારે?’ ‘ચ્યોંથી આવહે ભઈલો? ઉંતો દેખું જરા. આપરે તો કોઈ દાણ દેખ્યુ નથ.’ રાધી ગોઠણભેર બેસી પડી. 'મીણા... ગાભા... જલ્દી ઓય મારી જોગણી... અઇયા પાથરણું... ઓ રે બ્રમ્મા આ તો તારું કામ લેખાય. લગીર મડડમાં આવો, પરભુ. બચ્ચારી આ છોડીયું... ઈમ નૈઈ મીણા પાથરણું મારી નેચે લે. ઉં ઢીંઢો ઉંસો કરી વાળુસુ. રાધલી જરા ટેકો કરતાં કાંઈ મરી નૈઈ જાય. અસ્તરીનો અળવીતરો ઓંતોર, એક દાણ વેઠવું પડહે તમારે તે.’ 'આપરે તો વેઠે મારી બલારાત.' રાધીએ કોણીથી હાથ વાળી બીજા હાથની હથેળીમાં સંપૂટ બનાવીને મૂક્યો. પછી ટચુકડા હાથ મા તરફ આગળ કર્યા. મીણા ઓછાડના બે છેડા ઝાલી તૈયાર છે. રાધીના હાથમાં તો શું જોર હોય. પણ સોમલી માટે બે ટચુકડા હાથોનો ટેકો શારીરિક કરતાં માનસિક રીતે વધુ કામ કરી ગયો... એણે બે પગ વાળી જોર કરતા ઢીંઢો ઊંચો કર્યો ને મીણાએ પાથરણું નીચે સરકાવી દીધું. પછી માનુ લૂંગડું સરખુ કરવા મથી. ‘કભારજા, ઉંસુ લે... કેડ હુધી ઘાઘરો હરકાવી દે. બગરશે તો બીજા લુગરાં ચ્યાંથી લાબ્બાના, છોરી? અસ્તરીની જાત હાવ નઘરોળ... વેઠ ને ઉઘારાપરું લમરે સોંટી ગીયું હમજો. ઈના વગર્ય સરસ્ટ્રીમાં સીધ્યું કામ કુણ કરવા નવરું સે? બ્રમ્માએ પોતાને જોહટવાનું કોંમ પ્રથ્વીની અસ્તરી માતરને માથે ધરાર થોંપી દૈઈ... ઓ નિરાંતવા સરગાપૂરીમાં ઘોરે સે...' મીણા કાંઈ સમજ્યા વગર માના સનેપાતને ઝીલતી રહી ને એ કહે તેમ કરતી રહી. સોમલી પેટ દબાવતી દીકરીઓ આગળ જરા શરમાણી. મીણા-રાધી બધું કુતૂહલથી જોતી રહી. હવે શું થાશેની અવઢવમાં એમનાં બાળ હૈયાં ભારે મુંઝવણ અનુભવી રહ્યાં છે. ઊંચા મને મામાને ઘેર જવાની રાહ જોઈ રહ્યાં છે. ત્યાં લીમડે બાંધેલો ટાયરનો હિંચકો સે. ફિલમ જોવા હાટું ટી.વી.ય ખરું. પણ મા તું તો અહીં ચત્તીપાટ પડી છે. 'ઓ મારે...' સોમલીને ફરી વેણ ઊપડી. ‘ચિલ્લાઓ મત સા... અપને મરદ કે પાસે જાતી તબ કુછ સોચતી ક્યા? દરદ ક્યાં તેરે બદલે તેરે મરદ કો બ્રહ્માજી ઉધાર દેને વાલે થે? વહ તો તેરે હી ભાગ્યમે…' સોમલીને એની નણંદ જસીને સરકારી દવાખાને લઈ ગયેલા ત્યારે ડોળા કાઢતી નર્સબેનનો... જસીને બરાબરનો મળેલો ઠપકો યાદ આવી ગયો. ‘તૈણ દિ કષ્ટાઈ પછી જસીને દવાખાને લઈ ગીયેલા. દીચરો નો બઈચો... હે મા જોગણી મારી હાર્યે કાંઈ ઈવું નો કરતી. કિરપા કરજે માંડી... દેહમાટીએ તો જાણ્યે હાથી સઢી બેઠોસ...’ 'મીણ્કી ચ્યાં ધ્યાન સે? લગીર મારા ટાંટિયા પો'રા કર્ય. બવ જોરુકા ઈવડા ઈ... પન આજ મુથી હલાવતા નથ. વગરો ખુંદનારા ટાંટિયા આ જ કે પછેં બીજા મનમાં એવું થાય સે, મીણા. ઈમાં સૂરજડાડો જાસે તો... રાધલી સે જ દાધારંગી... નેકરતાં નેકરતાં. તૈઈ જાવું ને ઐઈ જાવું... લોટો જોવું ને ખાવું, પન... પન... માલીપા આ બેઠો ઉતાવર કરહે... ઈ થોરી ખબર્ય હોય તે માસિયા ગૈણ, મીણ્કી. પશાભાઈને ન્યાં પાટ બેહેલી ઈ તારીખીયું ને પછેંનો માસિયો ગૈણ... રૂપારી ઈસ્કૂલે તો જાસ...’ મીણાની આંગળીના વેઢે વૈશાખ પર અંગૂઠો સ્થિર થઈ ગયો. ‘મા હાત પૂરા પન આઠ પુરા નો કે' વાય.' 'દીચરી, જબાપ દે... આવી દેખીતી બ્રમ્માની અવળવીતરાઈમાં કોઈ હું કરે હે? આ વગરે બચ્ચારી દીચરીઓ હાર્યે એકલી સોમલી હું કરહે એવો વચાર્ય બ્રમ્માને નૈઈ આયવો હોય? ઠીક લે, બેટાં ઉં તો ઠાલું બોલુસું જલમ... મરણના કારસામાં માણહુનું કોઈ જોર નો હાલે...હો.' 'મા તું બવ બોલતી સે... એટલે હારું જ હોવાનું તુંને... ઉઠ હવે’ રાધી મોં ફુલાવી બોલી. 'માડી, ભિસ્કૂટ ખા... તો ટાંટિયામાં જોર આવ હે. હુરત ગીયા પાલીફોઈના ઘિરે લગન પર... તીયારે આપરે ચેટલું હેંડ્યા તા? ઈના હિસાબે તો આ ઢબૂકડું હોવાનું સે. ઊભી થા. ટીંબે પૂગીએ પછેં તું જાણ ને મામા જાણે. ઉં તો ચંદાને ભનકા હાર્યે પશાભૈની વાડીએ જાવાની. મામાએ નવી બકરી લીધી સે તે દૂધ તો પીવાની.' 'ને પોપટ હો રાયખો સે. ભનકો ઘિરે આવેલ તીયારે નો'તો કેંતો? નામ નારણ રાયખું સે.' ‘ઓય રે આ ઘિરે ભનકો કિયા આયવો સે? આવ બોરપર તો આપરને માંડ તૈણ વરહ થીયા. હૈસે, મીણા' ‘ઉં કચ્છડાની તો વાત કરું સુ માડી. બાપુને અગરીયા થાતામાં જબ્બર માંદગી આઈ ને બધું છોરીને બોરપર આઈવા. થીયું હવા ફેર થાહે તો બાપુને...' ‘દીચરી, ઈયાં કે નીયાં રોટલા હાટુ પગ ઘહીએ... ઈ મોટી વાત સે. બે રૂપારી દીચરીઓ સે... ઈમા હાંડલા રહોડે કુસ્તી કરતા હોય... ન્યાં દીચરાની ખાંખત કરવી કાંઈ પોહાય? ઉપરેશન... મીં કીધું...’ સોમલી દીકરીઓ આગળ બહુ બોલાઈ ગયું માની જરા ઢીલી પડી. 'પન તારા બાપુને સરગાપૂરી પોંગવાની લ્હાય... ને ઈયાં પુગાડે કુણ? તો કે’સે દીચરો... ઈવડી ઈ ધખના હૈડે ઉંડે હુધી ધરબાયેલી હોય... ઈમા કોઈ હું કરે, બોલ? લાગે સે મીણા ટીંબે પૂંગાશે. લે, બેઠી કર મુને. બે'ક ભિસ્કુટ આપ. તમેય ખાવ... બટા.’ રાધીએ માની વાતનો તુરત અમલ કર્યો. પોટલામાંથી પેકેટ કાઢી સોમલી ને મીણાને આપી પોતે ખાવા લાગી. બિસ્કીટ ખાતા સોમલી બોલી, 'મીણા આ ફેરે નક્કી દીચરો જ... ભુવાએ એનું ડાલુ માથ્થું ઝબોટતાં દાણા જોઈ વાળી ઓચરેલું કે તારી કુંખે દીચરો જા... તારા ખોરડે ચાંદા-હુરજના તેજ તપ્યાં જાણ. પનર કીલો જુવાર ને નવું ચાઈના સિલકનું પે'રણ લેવાનો હા... તારા માટીએ જીભ કચરીસે... આ થાનકે માનું બેહણું... આઈયા સત ઝગારા મારે સે, બુન.' 'મીણા, તીયારે તો હવા રૂપિયો ને બશેર ગોર મેલીને આયેલી. ને દનિયા ગનતી બેઠી. કીયારે દૈઈમાં જીવરો સબોટાય ને કીયારે દીચરો...' સોમલી પાછા પગલે ચાલતી અતીતને આંબી જતાં ભાન ભૂલી ગઈ કે સામે કોઈ સમોવડીયણ સખી નહીં પણ દસ વર્ષની દીકરી છે. 'હાઉ મા વાતુ કરવાનું પડતું મેલ ને ઊભી થા, પગ ઉપાર’ 'ઈ વાત હાચી મીણી' સોમલી પેટ સંભાળતી ઊભી થવા ગઈ ને કેડમાં કડાકો બોલ્યો - 'ઓય મા...’ દર્દથી અમળાઈને બેસી પડી. બીજી પળે ચત્તીપાટ. ‘મા કાવલી થાતી વળી પેટ ઝાલીને હુતી પડી સો? ન્યાં ટીંબે પોગીને તું તારો દીચરો જને... તો ઈમાં હું ખાટુ-મોરું થૈઈ જાવાનું સે મા.’ રાધી બોલી. 'મૂઆ ધનીએ તો ભુવા હામુ રાતીચોળ આંખ્યે ઓચરી દીધું કે ગમે ઈ કર્ય... મારે દીચરો જોઈએ એટલે જોઈએ. બે બે છોરીઓનો હું બોરકૂટો કરવો સે? મારી ગોમી મા... મારા દીચરાનું મોં જોયા વગર્ય મરહે તો અવગતીયે જાહે... ઈની મંનસાનું હું... અલી હાંભર મીણા તારી ગોમીમાએ હડબડમાં સૂટકો જાહેર હો કરી વાળ્યો કે આ ફેરે સોમલી સુટી થાવા ભાઈને ન્યાં ટીંબે જાહે. નીંયા નક્કી દીચરો આવહે. દીચરીના ચાનસ જરાય નૈઈ. હાઉ ! તારા બાપુએ મુને ધક્કો જ દૈઈ વાળ્યો. જાવ ભાઈને ઘિરે. ગોમીમા મારા હાચુ જ કીયે. તારા ભાઈના ભૂંગળે ઉં તો દીચરો ભાળું.’ 'ઓય મા... મીણા પાણી દેસ? ગળુ હુકાય સે... લાગે સે છોરો હેઠો સરક્યો... પડખા ખાલી વરતાય સે... બવ વાર નૈઈ... મૂંઢું ખૂલી ગીયુસ' મીણાને આ નવતરને ઉભડક અવસર જોવાનો થયો. એ માના મોં સામે જોવા લાગી. એ તો બંધ સે. 'મુને ખીચરી-હાકની ભૂક લાગીસે. ક્યાં લગણ મા આમ હુતી રેસ, ભૈસા'બ? ઊભી થૈઈને ધોડવા માંડ... હમરા ટકોરા બંધ થૈઈ જાવાની. આવરું મોટું પેટ કરી મેલ્યુસ... તે લગીર પેટ તારું નો દુઃખે તો હું મારું દુ:ખે? પરથમ મારી ખીચરીનું કા'ક કરો ભૈસાબ'. 'ગોંમના હાહુકારની જ્યમ ઉઘરાણી કરસ... તે હારી લાગસ? માને સુવાણ્ય નથ... ભાળતી નૈઈ? આંધરી સો? પણે પોટલીમાં ટોસ, દારિયાય ખરા. જાવ ઓચરો.' મીણા રાધી પર બગડી. 'ઓ મા' સોમલીના કંઠે ચીસ ઘૂમરાઈ. દેહ ધ્રૂજવા લાગ્યો. મોં પર પરસેવાના રેલા હાલ્યા જાય છે. શ્વાસ લેતાં ફુગ્ગાની જેમ છાતી ફુલે છે. આંખોના ડોળા ઊંચા ચડી ગયા છે. મીણા માની દશા જોઈ ગભરાઈ ગઈ. સામે રોડ પર ભમભમાટ વાહનો દોડ્યે જાય છે. મીણા અહીં તહીં નજર કરતી રોતી રોતી બોલે છે. - 'માને દીચરો આબ્બાનો સ... બવ દુઃખેસે કોઈ મડડ કરો.' ‘મીણા મોટર હાલી ગૈઈ તોય રીહમાં ને રીહમાં પાછા પગ નો દીધા. મુને હતુ વગરાની કેડી પર તમારી હંગાથે ઉં ચેટલી વાર હાલી સુ ઈનો હિસાબ નૈઈ. પન પેટ લઈને હાલવું ઈ ભારજલ્લી વાત થઈ હો. ઓ મારે, ઓ મારી જોગણી... પન ભર્યું રાંડ્યા પછેંનું ડહાપણ મીણકી હું કામનું? તારા બાપુએ રૂપિયા ભેગા કઈરાસે પણ દીધા નૈઈ. ઈમને મુબાઈલ લેવાના ઓરતા સે. બોલ. માડી રે મારી જોગણી...’ 'બવ બોલ્યમા માડી થાચી જૈસ. લે ઉઠ' ‘આપરે તો ગોમીમાને માથું ઝટકાવીને કૈઈ દેવાના આ રાધીબુન દીચરો નઈ જનવાના એટલે નૈઈ જનવાના'. માની વાત સાંભળી રાધીએ ગોમીમા સામે મોરચો માંડી દીધો. 'મીણ્કી આજ તું મારી મા. માયલો જીવ સખળ ડખળ કરેસે. ધરા ઉપર આબ્બા ઉતાવરો થીયોસે. હું તો ગોમીમાને કૈઈ વરી'તી ડારો દૈઈ મૂંગી કરી વાળી મુને કે અમે ચેટલાય જણતર જોઈ વરીયા. તારા રખ્ખી હુંશિયારી અમ્મારામાં ના આઈ. તારી વેજા લૈઈ જાવ સાનામાના ભાઈને નીંયા... મારો દીચરો આઈઆ દાના-પાની વોરતાં ગધેરો બનેસે... ભાળતી નથ? હવ્વે દીચરો લૈઈને જ આ ખોરડે ટાંટિયો મેલજે, નૈઈ તો... પછેં તો ઓરડાની કોરે બેઠેલા તારા બાપુય વિફર્યા..' હેંડતી જ થા... દીચરો ના લાઈ... તો આ ખોરડાના તુંને રામ રામ.' ‘ઉં તો જાણ્યે અહલ્યા થૈ ગૈઈ, બટા. દીચરો નો આયો તો? વરી તિકાભાઈ ભાભીને ન્યાં વસ્તાર વધ્યો સે... ઈય હું કરે? ભાભીય હો દાડીએ જાતીસે. ઈ તો હારુ સે ગામ બા'રુ ટીંબે ભૂંગળ વાળી મેલ્યું સે તે રે'વાની આપદા ટળી કચ્છડામાં તો અમારા બાપુએ મજ્જાનું ખોરડું કરેલું હો... મીણા, બટા, દીચરો જ આવહે ને?’ 'આવહુ હૈસે તો આવહે આટલો વલોપાત હાને કરસ માડી?’ રાધી બોલી. મા ને એકધારો બબડાટ કરતી જોઈ મીણાય ગભરાઈ ગઈ 'મા, બવ લૂલી હલાવસ...' 'માડી, ગોમીમા ને બાપુને તરકે મેલ્ય હવે. દાંડાઈ કરતી ઊભી થા. જો મા, મામાના ટીંબે પોગવું સે ને?' રાધી પંખીઓને જોતાં કંટાળીને મા પાસે બેસી પડી. ત્યાં સામેથી મોટરસાઇકલને આવતા જોઈ રાધી બોલતાં અટકી. કેડી પરથી ધમધમતું બાઈક નીકળ્યું. આગળ દૂધના બે કેન બાંધ્યા છે. માથે ફાળીયું વીંટેલી આધેડ વ્યક્તિએ ઝાડીમાં સળવળ જોઈ નજર કરી. 'મા ટીંબા કોરથી ભટભટીયું આયુ લાગેસ?’ રાધી રાજી થાતાં બોલી. 'કુણ સે ન્યાં? હું વપત પરી?' 'આઈયા મામલો બાયુનો સે, વીરા. તું તારે કૂટર હંકારી જા. સુટકો થાય આટલે હાઉ. ટીંબે તિકાભાઈનું ખોરડું સેને ઈની બુન ઉં સોમલી સું'. સોમલીએ ઝાડીની આડશે જરા તરા બેઠી થઈ જવાબ આપ્યો. 'તિકો તો બકાલાની હેરફેરે ગીયોસે... છકરો લૈઈને, બુન' 'કૈઈ નૈઈ... વીરા, તું હૈંડતો થા. આ તો બાયુનું કામ. મીણા, મીણાડી, તું આગળ બેહ. ન્યાંથી ભઈલો આવહે'. બાઈક ધીરેથી આગળ ચાલ્યું અને એ આધેડે મોબાઈલ કાઢ્યો. ‘તો પછેં બુન ચ્યાંથી આવે, મા?' રાધીએ પૂછ્યું. ‘નીયાંથી જ... હંધાય માટે એક જ મારગ બનાયવો સે પરભુએ' ધુમાડિયો અજવાસ નિઃશબ્દ છે. હાઈ-વે સજીવ છે. મોટી બેનનું જોઈ નાની બેન મદદ કરવા મા પાસે બેઠી. કંઈ ન સૂઝતાં એ આજુબાજુની જમીન સાફ કરવા લાગી. માનું પાથરણું સરખું કર્યું. માના દુઃખે દુઃખી થાતી મીણા અને રાધી માને ઓશિયાળી નજરથી જોઈ રહ્યાં. સોમલી જાણે અભાન છે. એને મૂંગી થઈ ગયેલી જોઈ મીણા રોવા લાગી. મા મરી ગૈઈ હશે એ શંકા જાગી. મોટીને જોઈ નાનીએ ભેંકડો તાણ્યો. સોમલીએ આંખો ખોલી. ધીમા સાદે બોલી, 'રોવાનું નૈઈ. મુને કાંઈ નથ થીયું. મીણા ઘાઘરો ઉંસો સે ને, લગીર પગ પો'રા કર્ય. મીણા શરમાઈ. રાધી કુતૂહલથી જોઈ રહી. 'ઓય મારી દીચરીઓ આપરી એક જાત્ય ને એક ધરમ. આજ મારો, કાલ્ય તમારો વારો.’ ‘ના હો માડી મુને ઈ નૈઈ ફાવે. આ તારી કષ્ટી જોને' રાધી ડહાપણ ડોળતી બોલી. સોમલી હસી ‘તારે કીધે થીયું નો થીયું થાવાનું સે કાંઈ? ઈ તો ઓલ્યા બ્રમ્માના કારસ્તાનું બધીય અસ્તરીયો હાથ પીરા કરે પછેં એક દિ' દીચરો કે દીચરી?’ 'તૈય મારેય તારી જ્યમ પગ આઘા-પાસા કરી, ઉપાડ ડિલે હાથમાં સીપર લૈઈ પછેં દીચરો કે દીચરી... ભોંગવાનની મરજીની ઈ રમત્યું રમવાની ઈમને?’ સોમલી રાધીની નિર્દોષતાને જોઈ રહી. દીચરીઓ ચેટલી વ્હાલી લાગે સે. રેડિયો, ટી.વી. વારાય ગાંગરેસે... દીચરા કે દીચરી બે બસ. ઈ તો હમજી ગીયેલી. પન ધણીને ગોમીમા દીચરો દીચરો કરતાં ધૂણે સે ઈનું હું? 'ઓ મારી જોગણી ચ્યારની મથુંસું. કાં તો આવરો આ જીવ લેહે મારો...' સોમલીની એકલતાનો બળાપો બે દીકરીઓ વચ્ચે થઈ અજવાસ અંધકારના સંધિકાળમાં વેરાઈ ગયો. અમળાતી હાથ પછાડતી સોમલી દીકરીઓને રોતી જોઈ રહી. સોમલીને ઝડપી શ્વાસ શરૂ થયો. પીડાની સીમા વળોટી દેતાં મોંમાં ફીણ ઊભરી આવ્યા. ડોળા ફાટી ગયા. કાયા ધ્રુજવા લાગી. મીણા આપસૂઝથી માની નજીક ગઈ પેટ પંપાળવા લાગી. ઉપરા ઉપરી આવેલી વેણના દર્દથી અશક્ત થઈ ગયેલી સોમલી મંદ સ્વરે બોલી, 'દીચરી, આજ તું મારી મા કઉં ઈમ કરતી રે.' ટપ ટપ અવાજ 'રાધલી હું કામ ટપકારો કરસ? ઈ ચકમકીયા પાણા નથ.’ ‘મોટા પાણા પર નાનો પાણો મારી અણીદાર સીપર બનાવું સું. ઉં મા બનીસ તીયારે સીપર જોહેને?’ ‘મૂઈ અંગૂઠા જેવડી સે. પન વાતુ ભડભાદર હરખી કરે સે.' સોમલીથી નિઃસાસો નંખાઈ ગયો. ભાયગના ચોપરે દીચરીઓના કીયા લેખ લૈઈખા હૈસે... રામ જાણે. ઈની જેમ વગરામાં અસુરા ટાણે, પોતાના માણહ વગર્ય, પૈહા વગર, જણતર આમ... આ જોગણી મા આ...’ મીણાએ માનો હાથ દાબ્યો. રાધી મા સામું જોતાં... સોટી વીંઝતા બોલી, ‘આપરે તો દીચરો નૈઈ જનીએ... પછે એ દઃખી હાનો કરે? ઈવરી ઈ ધખના આજથી આ છાંડી... જા.’ ‘મા આ હું? પાણી... પાણી...' 'છાની મર મીણ્કી. દેખ માથું આગરસે... જરા હાથ દે મુને... ઓ....મા..' ‘માથું? કોનું માથું?’ ‘રાધલી તું વચ્ચે બોલ બોલ નો કર.' મીણા નીચી વળી ને માના બોલને સમજવા મથી. ‘મા, તુને લોઈ... લોઈ...’ ‘હે પરભુ આ છોડીને કાંક હુઝાડ... રાધલી પોટલીમાંથી સાલ્લો કાઢ્ય. રોડની દશ્યે પરડાની આડાશ કરી વાળ્ય.' રાધીએ જરી ગયેલા સાડલાનો ડૂચો થેલીમાંથી બહાર કાઢ્યો. હાઈ-વેની બાજુ આડશ થાય એમ સાડીના બે છેડા ઝાલી ઊભી રહી. બાઘી નજરે બધું જોતી રહી. ‘બળ્યા મોંની... બલાડાની જેમ આખ્યું ફાડીને આઈયા જોવે સે. લગીર પરડો ઉંસો કર્ય. મા, મા પગસે. નાની આંગરી - પંજો તો પછેં ભઈલાનું માથું નૈઈ હોવાનું?’ 'ગાંડી પાસીની મીણ્કી, માથા વગર્ય કોઈ જીવી હકે?' રાધીએ પોતાનું જ્ઞાન ઠાલવ્યું ને આડશ મજબૂત કરી. 'મીણા, નક્કી એ દીચરો... ભુવાએ ડમડમ ડાકલી વગારતાં કીધું સે' સોમલીએ ભુવાના શબ્દો સંભારતા નવી ઊર્જા મેળવી ને બાળજન્મની ઘડીઓ ગણાવા લાગી. બરાબર એટાણે રાધીને ગાવાનું વેણ ઉપડ્યું. ‘ઝેણ વાગે ઝેંણ મેહુલ્યો ગાજે સે, મારી આંગર મોરલીયો નાચે સે’ ‘બુન ગાંડીસો? અત્તારે ઝેણ વગારવા કાં બેઠા? જો, મા ને જોતો. મડું, હવ્વે હું કરહું?’ વાદળું હટ્યું. સૂરજે અસ્તાચળે જતાં પહેલાં ફાંટ ભરીને પ્રકાશનું પોટલું ધરા પર છોડી મેલ્યું. રાધી અબોલ માને જોઈને હિબકે ચઢી. મીણાએ ભંભલીમાંથી પાણી છાંટ્યું ને બોલી, 'લે મા જણી લીધોને દીચરો. હવ્વે ઊઠ ઊભી થા.' ‘અમુને વગરામાં મેલી મરી નો જાતી, મા. તારા વગર્ય અમે હું કરીહું? નૈઈ જોતો ભઈલો.’ રાધી રડમસ સૂરે બોલી. બે ચાર પળમાં સોમલીનું ચેતન પાછુ આવ્યું. શરીરમાંથી લોહી બહુ વહી ગયું છે. ‘દીચરીઓનું કુણ?’ એ ચિંતા સાથે એણે જાતને સંભાળી. બીજી પળે 'ઓય માડી રે’ -ની ચીસ સાથે બાળ જન્મ થઈ ગયો. 'અલી સીપર' મીણાએ માનો રઘવાટ જાણ્યો... વીજળી વેગે છીપર આપી. સોમલીએ નાળ છેદન કર્યું. પાછી પટકાઈ. ‘મુઈ ગધેરી, ઈને ઉંધુ કરી ઠપકાર્ય. રોતુ નથ'. ‘મીણાએ પીંડને અવળો કરી બરડામાં ધબ ધબ મારવા લાગી.. બીજી પળે ઉંવા ઉંવાના તીણા સાદથી દિશાઓ ભરાઈ ગઈ. નવસૃજનની ખુશીમાં પ્રકૃતિએ સંધિકાળને પૂરેપૂરો પારદર્શી બનાવી દીધો છે. ઝાડી, ઝાંખરા, વૃક્ષો, હાઈ-વે પરની ચહલ પહલ આછા તેજે ઝળહળ ઝળહળ. ‘મીણા પરથમ ઈ તો કે, દીચરો કે દીચરી? મારી જોબ્બાની હેંમત નૈઈ હાલતી.’ મીણા મૂંઝાઈ. બાળકને ચીંથરાથી સાફ કરતી, જવાબ ન આપી શકી. 'અલી હાંભરતી નથી? મોંમાં મગ ઓર્યાસ? ‘પન અમુને ચ્યમ ખબર્ય પરે કે આ ભાઈલો સે કે બુન સે?' મીણાને બદલે રાધીએ જવાબ આપ્યો. 'ગાંગલી નૈઈ તો બે પગ વચાળે લોચો હોય તો ભઈલો જાણ્ય.’ રાધીએ માના કીધા ભેગું પીંડનો પગ ઊંચો કર્યોને જોતી રહી. ‘છી ગોબરું કે' વાય. આમ કરાતું હૈશે?’ મીણા શરમાઈ. 'પન મારે જાણવું સે કે આ ભઈલો સે કે તારા રખ્ખી નીંભર બુન સે?’ બંને બેનોએ સાથે મળી આ ભાઈ છે કે બહેનની જાત તપાસ શરૂ કરી. રાધી તાલી પાડતા બોલી. 'મા, લોચો લોચો. આ તો ભાઈલો સે. મીણા, ‘મા ના પેટમાં લપસણી હૈસે તે ભઈલો સરરર સટ્ કરતો બા’ર. ઝેણ વાગે ઝેણ વાગે રે...' સંધ્યા નવજાત બ્રહ્મ અંશનું સ્વાગત કરવા એને રંગોથી વધાવતી ઊભી છે. ઘડીક ધણીને ભાંડતી ઘડીક દીકરીઓને ધમકાવતી સોમલી દીચરો આયોની વધામણી હૈયે ઝીલતા ઊર્જાવાન, કાંતિવાન બની ગઈ છે. એણે અંગો સંકોર્યા પીઠવાળી કાયા લૂછી. શિશુને હાથમાં લઈ ઊભી થઈ. બાળક માના મેલા ઘાટ છાયલ તળે ઢબુરાયું. સોમલી આગળ અને પાછળ દીકરીઓ ચાલી સોમલીનો બબડાટ શરૂ થયો. 'આ ટાણસર ધણી નો બોયલો, ને ટાણાસર મોટર નો મળી. ટાણસર ટીંબે નો પોંગ્યા. પન પીટ્યા દીચરાને દિ’વાર, ચોઘડિયા લૈઈને ટાણાસર જલમવું જ ઉંતુ... એનું હું? રામધણીના દરબારે હંધુય ટાણાસર થાય, મીણા'. ‘માડી, આ હાંકરી જગામાં મામાનો છકરો આવહે? ભટભટીયા વારાએ મામાને મુબાઈલ માયરો'તો હો. હુએ દેખ્યું તું.’ ‘મામા નક્કી આવહે કે આવ્યા જાણ્ય. ઈની પાહે મુબાઈલ સે. છેલ્લી વાર ઘિરે આઈવા તીયારે કેતા'તા તમુને ભઈલો આવહે તો ચાંદીની જણસ પાક્કી. ઉં તો જૈઈને કે’વાની જણસ નૈઈ, મુબાઈલ ખપે. મુનેય મારગ વચાળે માની જ્યમ કષ્ટી પડે દીચરો આબ્બાનો થાય તો ઉં હંધાયને ભટભટીયાવાળાની જ્યમ મુબાઈલ ઠપકારી દઉં હો.’ રાધીની વાતે સોમલી હસી પડી. હસતા હસતા નવજાત શિશુને જોતાં આગળ ચાલી. પાછળ મીણા છે, એની જમણીકોર માની ઓઢણી ઝાલી જીવનમાં છલોછલ આનંદ શ્રદ્ધાને સીંચતી રાધી ચાલતી થઈ. સામેથી જરા આઘે લાઈટ જોઈ રાધી રાજીપાથી બોલી ઊઠી. 'મા, મા, નક્કી એ મામાનો છોકરો. આપનને લેવા હાટુ આયવો લાગે સે.' હરખમાં રાધી નાચતાં નાચતાં ગાવા લાગી ‘ઝેંણ વાગે ઝેંણે મેહુલ્યો ગાજે સે, મારે આંગર મોરલીયો... નૈઈ નૈઈ ભઈલો નાચે સે.’

વાર્તા અને વાર્તાકાર :

દીના કે. પંડ્યા (૦૯-૦૪-૧૯૫૪)

એક વાર્તાસંગ્રહ :

1. ઓહ̖વાટ (2012) 15 વાર્તા