નારીસંપદા : ટૂંકી વાર્તા/વર્તુળનો ખુલ્લો છેડો

Revision as of 02:25, 21 September 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વર્તુળનો ખુલ્લો છેડો

અર્ચિતા પંડ્યા

આજે મધુને મનથી રઘવાટ થઈ ગયો. સંધ્યાકાળ થવા આવ્યો પણ શેઠાણી એક પછી એક કામ બતાવ્યે જ જતાં હતાં. મધુના મનમાં દીકરી જસી રમતી હતી. એ એકલી શું કરતી હશે એની ચિંતા સતાવતી હતી. મધુએ સરખામણી કરી. ‘ક્યાં બધી સગવડતાવાળું આલિશાન મકાન અને ક્યાં પોતાની નાની ઓરડી? આખો જન્મારો ઢસરડો કરું, તો પણ મારાથી આવું ઘર નહીં બને! છે જસીના બાપને કંઈ ચિંતા? એણે તો રીક્ષા ચલાવવાની, તે પણ સામેથી આવીને ઘરાક મળે તો જ. પણ દારૂ તો રોજ ઢીંચવાનો, ને પછી એની ગંદી વાસનો શ્વાસ મારા મોં પર ફેંકવાનો!’ એનું મન ઘૃણાથી ભરાઈ આવ્યું. બેઝિનનો નળ જરા જોરથી ખૂલી ગયો, પાણીની છાલક સીધી મોં પર વાગી, ‘‘છી છી’’ ઝટ દઈને એ ભીનાશ લૂછવામાં જાણે પતિની લાળ હોય એવો ભાસ એને અંદર સુધી કમકમાવી ગયો. શેઠાણી રાજી રહે એમ બનતી મદદ કરીને ઝટ પરવારીને મધુ ઘર તરફ લગભગ દોડી. ઓટલે બેઠેલી જસીને નોટમાં કંઈક લીટા પાડી રહેલી જોઈ મધુને હાશ થઈ. ‘‘શાક વાઢ્યું કે નહીં?’’ મનની ચિંતા અને દિલનો પ્રેમ દીકરીને બતાવ્યા વગર એણે જસીને પૂછ્યું. ‘‘હોઉ વાઢ્યું ! વઘારવા જતી હતી પણ બળવાની બીક લાગી. રોટલીનો લોટ તો બાંધ્યો !’’ હરખાતાં હરખાતાં જસી બોલી. માની આંખમાં અમી ઉમટી આવ્યાં પણ ઝટ દઈને એ દેવતા લગાડવા માંડી. ‘‘મારો રોયો આવી જશે તો કકળાટ કરી મૂકશે ને પછી...’’ ‘‘માડી, બાજુવાળો મનીષ આજે અહીં રમવા આવેલો.’’ ‘‘ઘરથી દૂર નહીં જવાનું. ઓટલે જ રમવાનું હં કે?’’ ‘‘હા તે ઓટલા પર જ એણે મને આ ચિત્ર દોરતા શીખવાડ્યું. જો ને !’’ ‘‘પછી બતાવજે.’’ શાક વઘારીને રોટલી ઓરસિયા પર ગોળ ગોળ વણતાં રોજેરોજની એક જ ભરમાર રીલની જેમ મધુના મનમાં ફરતી રહી. દારૂ પીને લથડતી ચાલે આવવું, જમવું અને મધુને પથારીમાં તાણીને આ દુનિયાનો બાદશાહ હોય એવા તોરમાં સૂઈ જવું અને જાગવાનું તો નળિયા સોનાનાં થાય પછી જ ને? ત્યાં સુધીમાં મધુ અડધું કામ પરવારીને નોકરીએ જવા ભાગતી હોય. આમ ને આમ રોજિંદી ઘટમાળનાં વર્તુળ જિંદગીના પાનાં પર ચીતરાતાં જતાં હતાં. નોકરીથી પાછી ન ફરે ત્યાં સુધી નાનકડી જસીની એને ચિંતા રહેતી. ‘એક રીતે એની જોડે અહીં કોઈ રમતું હોય તો સારું.’ એણે વિચાર કર્યો. ‘‘લાવજે તો શું દોર્યું તેં?’’ ‘‘આ જો સૂરજ, નદી, પહાડ, હોડી, ફૂલ-ઝાડ...’’ ‘‘અરે વાહ. સરસ ! દોરતી રે’જે. આવું તો મારા શેઠાણી એમના છોકરાઓને શીખવા ટ્યુશન રાખે છે !’’ જસી પોરસાઈ. ભાગ્યે જ બનતું પણ આજે માને ખુશ જોઈ વાત કરવા બેસી ગઈ. ‘‘માડી, આજે કૂતરી ખાવાનું શોધવા ગઈ હતી તો પેલો ડાઘિયો એના બચ્ચાં ખાવા આવેલો.’’ ‘‘હાય હાય પછી?’’ ‘‘બચ્ચું છે ને પેલું ટીલડીવાળું? બહુ જબરૂં થઈ ગયું છે !’’ ‘‘ડાઘિયાને કોણે ભગાડ્યો પછી?’’ ‘‘અરે ટીલડીવાળું બચ્ચું તો જોર જોરથી ભસ્યું. એટલા કૂદકા માર્યા અને ભસાભસ કરી મૂકી કે ડાઘિયો તો ભાગ્યો !’’ જસીનો હરખ ઉલાળા મારતો હતો. ‘‘હાઆઆઆઆ... એની માને જુએ છે ને એ? એનાં જેવું બચ્ચાંને પણ આવડી જ જાય ને?’’ ‘‘મમ્મી તને જોઈને હું પણ તારી જેમ કામ કરતાં શીખી જઈશ?’’ ‘‘બહુ જલ્દી !’’ હસીને માએ થાળી પીરસીને જસી તરફ ધકેલી. ‘‘જમી લે, ભૂખી થઈ હશે. આપણું રખોપું આપણે જ કરવું પડે છે, એ બચ્ચું બરાબર સમજી ગયું લાગે છે, તું પણ સમજી જજે !’’ કોળિયાં ભરતાં જસી વિચારતી રહી, ‘‘રખોપું? એ તો ગલૂડિયાને મોટા કૂતરા ખાય એટલે? મને કોણ ખાવા આવવાનું હતુ?’’ ‘‘મોટી થતાં તું બધું સમજી જઈશ. અત્યારે જમી લે.’’ કોળિયા ગળે ઉતર્યા પણ જસીના મનમાં વાત ગળે નહોતી ઉતરતી. બહુ વિચારતી દીકરીને જોઈને માએ કહ્યું, ‘‘કાલે ઘડિયાળ દોરતા પણ શીખી લેજે એટલે ટેમ જોતાં આવડે ને આંકડા પણ બરાબર લખતા આવડી જાય.’’ જસીના વિચારોની નાવ ફંગોળાઈ બીજી દિશા તરફ. કાલે ઘડિયાળ કેવી રીતે દોરશે એ વિચારમાં ઘડિયાળ તરફ જોતી અવલોકન કરવા લાગી. બહાર રીક્ષા ઊભી રહેવાનો અને ચંપલ ઘસડાવાનો અવાજ આવ્યો એટલે મધુએ એ તરફ ધ્યાન આપ્યું. બહાર ચોકડીમાં પાણી ભરેલું નહીં હોય તો પેલો દારૂડિયો ગામ માથે લેશે વિચારીને એ બહાર દોડી. જસીને ખબર હતી કે હવે એણે જલ્દી જમીને સૂઈ જવાનું હતું. દારૂડિયા પપ્પાથી પણ પોતાને મમ્મી દૂર રાખવા ઈચ્છતી હતી કે શું? પપ્પા હતા એટલે, બાકી એને ય ક્યાં ગમે એવા હતા? આવે ત્યારે ગંધાતા જ હોય ! પાછા માને તો ગાળો જ આપતા હોય. આવા પપ્પા કઈ રીતે ગમે? બધાંના પપ્પા આવા જ હશે? વિચારતી વિચારતી એ સૂઈ ગઈ. રાત્રિસંગીત જેવા થોડાં જાણીતા અવાજોએ એની ઊંઘ તોડી પણ એને તો નિદ્રાદેવીના ખોળે વધુ મઝા આવતી હતી. ફરી આવી એક સવાર, મમ્મીએ હલબલાવીને એને જગાડી, અને સૂચનો આપતી દોડાદોડ ઘરથી કામે જવા નીકળી ગઈ. મમ્મીના શબ્દોને ઊંઘમાં સાંભળ્યા અને હોંકારો પણ એ જ અવસ્થામાં આપ્યો. ‘‘જસલી, પપ્પાની અને તારી ચા બનાવી દીધી છે. રોટલો છે અને ખીચડી વઘારી છે ખાઈ લેજો. આજે ઘડિયાળ દોરજે હોં ! હું જલ્દી આવી જઈશ.’’ જસીનો હોંકારો માંડ બહાર નીકળ્યો. મમ્મી ક્યાં સાંભળવા ઊભી રહેવાની હતી? પપ્પા જાગ્યા એટલે બહુ જ ઓછી વાતચીતમાં એણે ચાનાસ્તો આપવાથી માંડી વાસણ ધોવાનું કામ પતાવ્યું અને એ મનીષ આવે એની રાહ જોવા લાગી. ચિત્રકામ એને બહુ ગમતું. સ્કૂલ છૂટી ગઈ એટલે ચિત્રકામ કરવા મળતું નહોતું. ‘‘જસ્સી ! તૈયાર? આજે ચકલી દોરતા શીખવાડું.’’ ‘‘પણ મારે તો ઘડિયાળ દોરતા શીખવી છે.’’ ‘‘ઘડિયાળ અઘરી પડે. એના માટે પરિકર જોઈએ.’’ ‘‘પરિકર? એ તો છે મારી પાસે !’’ ‘‘તારી પાસે ક્યાંથી આવ્યું પરિકર, જસી?’’ ‘‘અરે, મમ્મીના શેઠાણીએ જૂનું દફ્તર અને કંપાસ મોકલ્યો હતો. એ મેં સાચવીને રાખ્યું છે.’’ જસી ખુશ થઈ કે એના અસબાબમાં એવી વસ્તુ છે જે ખૂબ ઉપયોગી છે. એ ત્વરાથી કંપાસ લેવા દોડી. મનીષ તો જસીની પાછળ પાછળ ઓરડીમાં પણ ગયો. કદાચ જસીનો સંઘરેલો ખજાનો જોવા કે પછી... જો કે, મનીષનો આ ઉત્સાહ જસીની સમજણમાં બહુ આવ્યો નહોતો, પણ ઝાઝું વિચાર્યા કરતાં એને તો ચિત્રકામ જ શીખવું હતું, એ દોડતી ઓટલે આવી ગઈ. ઓટલા પર જ જસીનો ક્લાસ શરૂ થયો. બંને જણા ચિત્રકામની નોટ ફરતે બેઠા. પરિકરનો ઉપયોગ મનીષે સમજાવ્યો. એણે કાગળમાં વર્તુળ દોરવાનું શરૂ કર્યું. પરિકરને કેન્દ્રમાં ખોડી પેન્સિલ વડે ગોળ હાથ ફેરવીને દોરતા મનીષનો હાથ જસીના પગને અડી ગયો. જસી જરા સંકોચાઈ. એક તરંગ આવીને શમી ગયું. જસી થોડી ડરી, પણ એણે ધ્યાન ચિત્રમાં પરોવ્યું. મનીષને શું સૂઝ્યું કે એ વારેવારે વર્તુળ જ દોરાવવા લાગ્યો. ‘‘ઘડિયાળ શીખવી હોય તો ગોળ દોરતાં આવડવું જ જોઈએ !’’ વારંવાર પગને થતો સ્પર્શ, એક વાર ઝાટકા સાથે ફ્રોકનું ઉડવું અને ખુલ્લી જાંઘ... જસીને અજૂગતું લાગ્યું. હવે એનું ધ્યાન વર્તુળ પર નહીં પણ મનીષના ચહેરા પર હતું. મનીષની આંખોમાં જસીને વિકારના સાપોલિયાં દેખાયાં. નાની ઉંમર હોવા છતાં સ્પર્શની ભાષા એને સમજાઈ. એણે કહ્યું, ‘‘ઘડિયાળના આંકડા પણ શીખવજે નહીં તો મમ્મી લડશે.’’ બોલીને એણે પરિકર પોતાની જાંઘ નીચે છૂપાવ્યું. હવે તો જાણે મનીષના હાથને સૂંવાળી ચામડી તરફ ખેંચાણ થતું હોય એમ એ ફરી જાંઘ પર આવ્યો કે જસીએ પરિકરની અણી મનીષના હાથમાં ખોસી દીધી. ‘‘એય શું કરે છે તું? મને વાગ્યું, ભાન પડે છે?’’ ‘‘આમ પગ પર હાથ ન ફેરવાય, ભાન પડે છે?’’ કોણ જાણે ક્યાંથી જસીમાં તાકાત આવી ગઈ. એ ઝાટકો મારીને ઊભી થઈ ગઈ. ‘‘આજે મારે મમ્મીને મદદ કરાવવા જવાનું છે, એણે બોલાવી છે.’’ થોડી સેકંડો મનીષની આંખોમાં ભય ડોકાતો રહ્યો. ‘શું મારી દાનત ઊઘાડી થઈ જશે?’ ‘‘હું તને મૂકી જઉં મમ્મી પાસે?’’ ‘‘મારા પપ્પા હમણાં આવશે. હજુ મારે વાસણ ઘસવાનાં છે. તું જા અત્યારે.’’ પરિકરની અણી એણે ઊંચી કરી અને પછી કંપાસમાં મૂકવાને બદલે ખિસ્સામાં મૂક્યું. મનીષને જવાની ઈચ્છા નહોતી પણ ભયને લીધે પાછા પગલે પોતાના ઘર ભણી ચાલ્યો. જસીના મનમાં સતત ડાઘિયો અને મનીષ એક સાથે દેખાવા લાગ્યા. હવે એને મમ્મીએ કહેલી રખોપાની વાત પણ થોડી સમજાઈ. ઘરનું બારણું બંધ કરીને એ બેઠી. ખરેખર તો એને મમ્મી પાસે નહોતું જવાનું કે નહોતા પપ્પા આવવાના. આ ક્ષણે આખા જગતમાં એ એકલી હોય એવું એને લાગ્યું. હાથથી પરિકરને અડી પણ જોયું. વિચારોથી ઘેરાયેલી અને ખાટલામાં લપાયેલી જસીને ઊંઘ આવી ગઈ. સાંકળ ઠોકવાના અવાજે એ જાગી ગઈ. ઊભી થઈને એણે બારણું ખોલ્યું. ‘‘અંદરથી બંધ કરીને કેમ સૂઈ જાય છે? કેટલી ખોટી થઈ હું? હજુ કંઈ તૈયારી કરી નથી. મોડું થઈ જશે તો? કામ કામ કામ ! આજે તો થાકી ગઈ હું. શેઠાણીને પણ દિવાળીનું કામ એક જ દિવસમાં પતાવી દેવું હોય એમ જાણે...! શાક પણ વાઢ્યું નથી? શું કરતી હતી?’’ જસી માને જોઈ રહી. એ રણચંડી જેવી લાગી. એને થયું, માને પણ મારા જેવા અનુભવ થયા હશે? કેટલાય પ્રસંગો હવે એને યાદ આવ્યા. શાક માર્કેટ, મંદિર, બસ, મેળો, સરઘસ... એ દરેક વખતે અજાણ્યા લોકોની ભીડમાં મા કંઈક જુદી જ લાગતી. કદાચ એને સાવધ રહેવાની આદત પડી ગઈ હતી. આ દુનિયાના ગોળામાં ભીડનાં વર્તુળોમાં પણ ક્યાંક ક્યાંક હજારો લોકો વચ્ચે શિકાર થતી સ્ત્રી, પોતાનાં, પારકાં, જાણ્યા કે અજાણ્યા બધાંથી શારીરિક, માનસિક રીતે ઘવાતી સ્ત્રીને કોઈ છેડો મળશે ખરો? એને ફરી વર્તુળ દોરીને એનો એક છેડો ખુલ્લો રાખવાનું મન થયું. ઘરરરર અવાજે એનું ધ્યાનભંગ કર્યું. માએ છાશ વલોવવા માંડી હતી. ગોળાકાર ઘૂમતાં વલોણાએ જસીને મા પાસે બોલાવી. જસી બોલ્યા વગર માની મદદ કરવા લાગી. એને ખબર હતી કે દરેક ટંકનું એને એક જૂદું ટેન્શન હોય છે. હવે એ બાપાથી ડરી ડરીને ઝટપટ કામ કરશે. એનો પોતાનો થાક ભૂલી જશે. પછી એનું એ જ. એ જ રીક્ષાની ઘરઘરાટી, બાપાની લથડતી ચાલ, એ જ બદબૂ, દારૂના એસિડમાં અડધા ઓગળીને બહાર પડતા શબ્દો, એ જ ધોંસ, એ જ બળજબરી અને કિચૂડ કિચૂડ અવાજ... આજના નવા દિવસનું એ જ જૂનું વર્તુળ... આજે જસી જાગતી રહી. ઊંઘવાના ડોળ સાથે બધાં પરિચિત અવાજને સમજતી રહી. એને લાગ્યું કે માનું ધ્રુસ્કું ઉંહકારાનો હાથ પકડીને દબાઈને બહાર આવ્યું. એણે ઝીણી આંખ ખોલી. પપ્પા, એટલે નરાધમ બાપ આજે પણ ચડી બેઠો હતો ઘોડો ઘોડો રમતો હોય એમ. કમરના દુઃખાવાવાળી મા... ઝેલ્યે જતી હતી એક દારૂડિયાને. હળવેથી જસી ઊભી થઈ, ખિસ્સામાંથી પરિકર માના હાથમાં પકડાવ્યું અને પાછી પથારી ભણી વળી ગઈ.