નારીસંપદા : ટૂંકી વાર્તા/ઉપરતળે
નસીમ મહુવાકર
“બોલો મોટાભાઈ, શું વાત છે?” અલ્પેશનો ફોન આવતાં નિનાએ પૂછ્યું. “મમ્મીએ પાછું તૂત શરૂ કર્યું, બેના !” “વળી શું થયું?” “એનું એ. એના બે છોકરા... હવે તું વાત કર એની સાથે.” અલ્પેશની અધૂરી છોડેલી વાત નિનાને પૂરેપૂરી સમજાઈ. અલ્ઝાઇમરવાળી મમ્મીને સંભાળવી અઘરી. ગમે તેવા કાબેલ ડૉક્ટર એની હાલક-ડોલક સ્મૃતિને સ્થિર કરી શકે તેમ નહોતા. સમયના કયા ટુકડામાં એ ક્યારે સરી પડે એ કહેવાય નહીં. એ તબક્કો ક્યારેક કલાકો સુધી તો ક્યારેક દિવસોના દિવસો સુધી ખેંચાય. એકનો એક સવાલ એ દોહરાવ્યા કરે. જવાબ આપવાવાળા થાકી જાય. અલ્પેશ કે ચિંતન એની સામે ઊભા હોય ને મમ્મી એમને જ પૂછે : “અપુ-ચિંતુ આવી ગ્યા નિશાળેથી?” અલ્પેશ કહે, “હું લેવા જાઉં છું હમણાં” મમ્મી ઉતાવળ કરે, “જલ્દી લઈ આવ. ભૂખ્યા થ્યા હશે.” અલ્પેશ એને ચકાસે, “હું કોણ છું?” મમ્મીની આંખ ચકળ-વકળ થાય. એના મગજનો ભાર કપાળની કરચલીમાં વર્તાય. એ બોલે, “તું અલ્પેશ, મારો મોટો.” “તો સ્કૂલેથી કોને લાવવાના?” ઘડી-બે ઘડી એ મૂંગીમંતર થઈ જાય. હાથ પર ગાલને ટેકવે, નજર સ્થિર કરી થોડીવાર અલ્પેશને અને થોડીવાર ખુલ્લા બારણાને તાકે. બારણામાંથી આવતો તડકો અને એના અજવાસમાં ઉડતી રજોટીમાં એ કશુંક શોધતી રહે. એના મનમાં રહી ગયેલા અપુ-ચિંતુ અને સામે ઊભેલા અલ્પેશ-ચિંતન બે છેવાડાના બિંદુ બની રહે અને એ એમની વચ્ચે અટવાતી રહે. મમ્મીની ઉથલ-પાથલ શાંત કરવા નિના કામમાં આવે. એણે આપેલો ઉત્તર મમ્મી કાયમ માન્ય રાખે. અત્યારેય નિનાએ વધુ ગડમથલ ન કરવી પડી. સામે છેડે મમ્મીનો અવાજ સંભળાયો. “નિનુ, અપુ-ચિંતુ બપોરથી ઘરે નથી. ક્યાં ગ્યા હશે?” “તું જરાય ચિંતા કરમાં મમ્મી, હું તને કહેતાં ભૂલી ગઈ હતી. અપુ-ચિંતુ મારી સાથે છે. સર્કસ જોવા લઈ આવી’તી. કેટલાય દિવસથી જીદ કરતા’તા. મોડું થયું એટલે મારા ઘરે સુવાડી દીધા. સવારે પાછા મૂકી જઈશ. હવે તું વારે ઘડીએ પૂછ પૂછ ન કરતી.” મમ્મીનો હાશકારો લાંબો ટકવાનો નહોતો પણ અલ્પેશ પાસે કહેવા માટે કંઈક હતું. ફોન મૂકી નિનાએ પથારીમાં લંબાવ્યું. બંને દીકરા નિનાદ-નિવાન એમના રૂમમાં હોમવર્કમાં અને હેમાંગ સ્ટડી રૂમમાં લેપટોપ પર કામમાં વ્યસ્ત હતા. એ લંબાયેલા શરીરે સામેની દીવાલ પર પડતા વાહનોની હેડલાઇટના શેરડા તાકતી રહી. મમ્મીનો ઉત્પાત શમાવવા જે સૂઝ્યું એ કહી નાખ્યું. પોતાની આંગળીએ ચાલતા અપુ-ચિંતુની કલ્પનાથી મનમાં મલકી જવાયું. ક્યાં બંને ભાઈઓ અને ક્યાં પોતે ! અલ્પેશ એનાથી પંદર વરસ અને ચિંતન તેર વરસ મોટો. બંનેનાં સંતાનો પરણવાને આરે. મમ્મી શોધતી એ અપુ-ચિંતુ નિનાના સંતાનો જેવડા. સ્મિતનો લસરકો આપી ગયેલી કલ્પના બોઝિલ બની ગઈ. ભાઈઓના બાળપણનો એક ચોક્કસ સમયગાળો મમ્મીના મનમાં થીજી ગયેલો અને એ ગાળામાં એની આવન-જાવન વધી પડેલી. છેલ્લાં નવેક વર્ષથી એ ભૂતકાળ અને વર્તમાનને ભેગાં જીવતી. એક સાંજે ફોનમાં પપ્પાનો તરડાયેલો અવાજ એના કાને પડેલો – “નિના, તારી મમ્મીને કંઈક થઈ ગયું છે. વિચિત્ર વાતો કરે છે. બીજાનું તો ઠીક, મનેય ઓળખતી નથી. દવાખાને લઈ આવ્યા છીએ.” ઘરમાં એ સમયે બધા અલ્ઝાઇમરના નામથી અજાણ. ખૂબ વધી ગયેલા ડાયાબિટીસે મમ્મીનાં જ્ઞાનતંતુ નબળા કરી નાખેલાં. કોઈ ઉપચાર એને મજબૂત કરી શકે એમ નહીં. એની જીવનરેખા છૂટાછવાયા પ્રવાહમાં વહ્યા કરે. ઘડીક આગળ, ઘડીક પાછળ અને ક્યારેક ક્યાંય નહીં. પપ્પા, અલ્પેશ અને ચિંતન એના આંખોમાંથી આવતું અજાણ્યાપણું જીરવી ન શકે. સ્પષ્ટ અંકાયેલી એકમાત્ર નિના. એ મોટી થઈ ગઈ હતી, સાસરે ગઈ હતી અને કાયમ ફોનવગી હતી. નિના પપ્પા સાથે દવાખાને ગયેલી ત્યારે ડૉક્ટરને પૂછેલું, “આમ કેમ ! બધું ભૂલે ને હું યાદ?” ડૉક્ટરે કારણ નહીં, તારણ આપેલું. “કદાચ એ ગાંઠ વધુ કઠણ હશે. એમની યાદો ઓગળી ત્યાં સુધી એ ઢીલી નહીં પડી હોય.” મમ્મીને સાચવવી એ નાના બાળકને સાચવવા બરાબર. નિના એની પાસે જતી આવતી રહે. એક જ શહેરમાં રહેતી એટલે અગવડ નહીં. મમ્મી-પપ્પા અલ્પેશ સાથે રહે. ચિંતનનાં સંતાનો મોટાં થતાં એ અલગ થયેલો. મમ્મીની જવાબદારીઓ પપ્પાના ખભે. સતત ચકરાવે ચડતું મમ્મીનું મગજ રાતોની રાતો તરફડતું રહે. ન એ ઊંઘે, ન પપ્પાને ઊંઘવા દે. “ઊંઘ નથી આવતી. હિંચકે બેસીએ?” “હું થાક્યો છું. મને ખૂબ ઊંઘ આવે છે. અત્યારે સૂઈ જા. સવારે બેસશું.” “તમારું કાયમ આવું. દિ’એ ધંધો, ને રાતે ઊંઘ. અપુ-ચિંતુ છે તે મારો વખત જાય. નહિતર...” પપ્પા અરધી રાતે એની સાથે હિંચકે જઈ બેસે. વહેતા સમયે સતત એની સામે રહેતા પપ્પાનું ચિત્ર પણ ધૂંધળું બનાવી દીધેલું. એ પપ્પાને પૂછતી, “એ ક્યાં ગયા?” “કોણ?” “અપુ-ચિંતુના પપ્પા” “તો હું કોણ?” મમ્મી મુંઝાઈને દરવાજે ઊભી રહી જાય. એ સતત રાહ જોતી પપ્પાની. એ હતા ત્યારે પણ અને એ ગયા પછી પણ. એમની ગેરહાજરીથી અલ્પેશની વ્યથા વધી પડેલી. એ ધંધામાં હોય, ભાભી ઘરકામમાં અને બાળકો અભ્યાસમાં. મમ્મી નબળાઈવાળા શરીરે બે માળવાળા ઘરનો દાદરો ચડતી ઉતરતી રહે કે ઘરના કોઈ ખૂણે આંખો ખોડી કશુંક ખોળતી રહે. કલરની પોપડી ઉખડી ગયેલી દિવાલો અમસ્તી-અમસ્તી પંપાળે. ફળિયામાં કે દરવાજે જઈ પાછી આવે. ભાભી પૂછે – “શું છે?” એ કહે, “અપુ-ચિંતુ દેખાતા નથી.” એના પર સતત નજર રાખવી પડે. એ દિવસે ચૂક થઈ ગયેલી. ભાભી એકલી અને રસોડાનાં કામમાં. મમ્મી દરવાજો ખોલી બા’ર નીકળી ગયેલી. ઘરમાં ધમાલ મચી ગઈ. ઉચાટ, શંકા-કુશંકા અને દોડધામને અંતે અલ્પેશ એને બાજુની સોસાયટીમાંથી શોધી લાવેલો. એ ઘરમાં આવતાં જ તાડૂકેલો, “ક્યાં જતી રહી’તી કીધા વગર?” એણે અલ્પેશની અરધી રાડો સાંભળેલી, અરધી નહીં. એનેય ખબર નહોતી એ તો ગઈ હતી, અને ક્યાં આવી હતી. હવાફેર કરવા ચિંતન મમ્મીને પોતાના ઘરે લઈ ગયેલો. ચિંતનના ફ્લેટની દિવાલો મમ્મી માટે અજાણી. એ કલાકો સુધી ગેલેરીમાં બેસી રસ્તો તાક્યા કરતી. એક સવારે નાની ભાભી કામ માટે બહાર ગઈ. મમ્મીને ચા પીવાનો વિચાર સૂઝ્યો હશે. એ ચા ગેસ પર મૂકી પાછી બેડરૂમમાં જઈ સૂઈ ગઈ. બળતી તપેલીમાંથી નીકળતા ધૂમાડા અને ગંધથી પડોશીઓને ખબર પડી. ચિંતન તાબડતોબ આવ્યો, ને મમ્મી અલ્પેશ પાસે પાછી ફરી.
નિનાના રૂમમાં અંધારું ઘેરું બન્યું. રસ્તા પરથી સાંભળાતા વાહનોના અવાજો પાતળા થયા. દિવસ આખાનો થાક જંપ લેવા તરફ વળી રહ્યો હતો. એ આંખ બંધ કરી પડી રહી. ઊંઘનું ભારણ લાગવાનું શરૂ થયું કે મોબાઇલની રિંગ વાગી. “નિનું, ખબર નથી પડતી શું કરવું? મમ્મી ખૂબ રડે છે અપુ-ચિંતુ માટે. કહે છે કે તમે બધા ખોટું બોલો છો. છોકરાઓ નિના પાસે નથી. ક્યાં ગ્યા? શું થયું બેયને?” “ફોન મૂકો અલ્પેશભાઈ, હું આવું છું.” એ હેમાંગની સાથે નિનાદ-નિવાનને લઈ અરધી કલાકમાં અલ્પેશના ઘરે પહોંચી. રડી-રડી મમ્મીની આંખો સૂજી ગયેલી. ભારે શ્વાસમાં એનાં હીબકાં ભળતાં હતાં. અલ્પેશ-ચિંતન લાચાર બેઠેલા. મમ્મીની આંખો એમને જોવા છતાંયે નહોતી જોતી. બંને સામે હતા છતાંયે એની પાસે નહોતા. એમનો ખોવાયેલા અસ્તિત્વનો ઓથાર રૂમમાં પથરાયેલો હતો. નિના સાથે ગયેલા “અપુ-ચિંતુ” માટે અલ્પેશ-ચિંતનનેય પ્રશ્ન હતો. નિના આવી ગઈ પણ અપુ-ચિંતુ? નિના મમ્મીની બાજુમાં જઈ બેઠી. મમ્મી વધુ ભાંગી પડી. એનો અવાજ ચિરાયો. “તું કેતી’તી ને અપુ-ચિંતુ તારી સાથે છે. ક્યાં છે મારા છોકરા?” “આ રહ્યા. તારી સામે તો ઊભા !” “ક્યાં?” નિનાએ નિનાદ-નિવાન તરફ આંગળી ચીંધી. મમ્મીએ નજર એ બંને પર ઠેરવી. એની આંખોમાંથી ભેજ ઘટ્યો. “જોઈ લીધા બેયને મમ્મી? હવે કહેતી નહીં એ તારા છોકરાવ નથી. આજકાલ મગજ ખરાબ થઈ ગ્યું છે તારું. બેયને શાંતિથી રહેવું હતું મારા ઘરે. તેં ન રહેવા દીધા. ઊંઘમાંથી ઉઠાડી પાછા લાવી છું. હવે રાખજે તું. હું બેયને ક્યાંય ફરવા નથી લઈ જવાની.” પરાણે ગુસ્સો લાવવામાં નિના હાંફી ગઈ. વાતને ઘરેથી સમજીને આવેલા નિનાદ-નિવાન ચૂપચાપ હતા. અલ્પેશ-ચિંતન કશુંક બનવાની રાહ જોઈ રહ્યા. મમ્મીના ચહેરા પર સ્થગિતતા હતી. કોઈ ભાવ કળાતા નહોતા. એની રતુમડી આંખો ઝીણી થઈ. ગૂંચવાઈને ઉપર-તળે થયેલી સ્મૃતિઓ પળભર સ્થિર થઈ. મમ્મીના મનની છબીમાં અપુ-ચિંતુ અને નિનાદ-નિવાન એકબીજામાં સમેટાઈ રહ્યા.
❖