નારીસંપદા : ટૂંકી વાર્તા/અહલ્યાના રામ

Revision as of 02:06, 22 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અહલ્યાના રામ

છાયા ઉપાધ્યાય

તેનું શરીર એકસાથે કમજોરી અને તાજગી અનુભવી રહ્યું છે.‌ તાવમાંથી ઉઠ્યા પછી થાય એવી અનુભૂતિ. અતિના આઘાતથી ચામડી સન્ન થઈ ગઈ હોય અને ચામડી નીચે રુધિરની ધીમી ઝણઝણાટી વરતાતી હોય, તેવું. કોઈ સાથે વાત કરવાની તાકાત નથી. તેને લાગે કે વાતમાંથી વાત નીકળશે અને છુપાવેલો ઘા ઉઘાડો પડી જશે. પણ, બાજુમાં બેસી કોઈ બોલ્યા કરે તો હવે તે ચીડાતી નથી. ઉપરથી, તેને ઇચ્છા રહે છે કે આસપાસ કોઈ વાતચીત થતી રહે, કોઈપણ વિષય પર. મોંઘવારી કે ક્રિકેટ કે રાજકારણ કે પર્યાવરણ. એ બધા જ વિષયોમાં તેને ઍકેડેમિક રસ પડે છે, બેશક ઉપરછલ્લો, પણ રસ પડે છે. તે જોયા કરે છે કે, વાતો કરનારા કેવા ભારથી દલીલ કરે છે. જેનું કોઈ પરિણામ નથી એવી બીના માટેના તેમના આગ્રહને તે જોતી રહે છે. અત્યારે ‘અમદાવાદ કે કર્ણાવતી' વિષય ચાલે છે. એ પહેલાં થોડીઘણી વાત ચૂંટણી અંગે થઈ હતી. દરમ્યાન, તેઓ સ્ટાર્ટરને ન્યાય આપી રહ્યા છે. તેને સવાલ થાય છે, “શું તેમને એ સૂપ,વેજ કબાબ અને બીજી વાનીઓનો સ્વાદ અનુભવાતો હશે? કે જે રસથી વાતો થઈ રહી છે, તે રસને કારણે સામાન્ય સ્વાદવાળું ખાણું સ્વાદિષ્ટ લાગતું હશે? તે રસનો સ્રોત કયો?” તેના સ્વાદરંદ્ધો ખુલી ગયા છે. કહી શકાય કે જરા વધારે પડતાં. મમ્મી, ભાભી અને માસી તો કોઈ પણ ડીશને ચાખતાવેંત એની રૅસીપી કહી દે. તે પણ એમ કેળવાયેલી હતી. પછી, પેલા ગાળામાં, એ આવડત પણ વિસરાઈ ગયેલી. કોઈ સ્વાદ અનુભવાતો જ નહોતો, ત્યાં ઈન્ગ્રિડીઅન્ટ ક્યાંથી પકડાય ! અત્યારે બધું ઉકલે છે, સ્વાદ, ગંધ, સામગ્રી, રૅસિપી, સમય. પ્રમાણમાં વધુ મોકળી થયેલી જીભને વધુ ખારાશ, વધુ તીખાશની લાલસા થાય છે. બુઠ્ઠા થયેલ ચપ્પાને ધાર કઢાવતાં તે વધુ અણીદાર બની જાય અને ઊંડો ઘા કરી દે, એમ. એ ઘા જેટલી તીવ્રતાથી અનુભવાય, એટલી જ તીવ્રતાથી બધા સ્વાદ તેની જીભ પર ખદબદી રહ્યા છે. તુરા, કડવા કે ખાટા સ્વાદ જીભે મૂકવાનું તેને મન નથી. એ સ્વાદોની સૃષ્ટિથી તે ઘણા લાંબા સમય સુધી ઘેરાયેલી રહી. હવે એ અબખે પડી ગયા છે. મીઠું અને મરચું સંવેદનોને રણઝણાવે છે, એટલે અત્યારે ગમે છે. જોકે, એ મસાલા સંતોષ નથી આપતા. ભૂખ પણ ઉઘડી છે તેની. પેટ ભરાય એટલું ખાઈ શકાતું નથી. એટલે ભૂખની અનુભૂતિ સતત છે. જ્યારે ચિત્ત બહેર મારી ગયેલું ત્યારે તેની ભૂખ પણ મરી ગયેલી, બધા પ્રકારની. મેઈન કોર્સ પીરસાઈ ગયો. વાતોમાં નવો કોર્સ શરૂ થયો. દિલ્હીના પ્રદૂષણ અને જાટ સંસ્કૃતિ અને ખેડૂતોની સ્થિતિ. મૅરી કોમનો મૅડલ અને દિપવીરનું રીસેપ્શન. આવા વિષયો પ્રત્યે પરિવારજનોની સ્પૃહાની તેને નવેસરથી નવાઈ લાગે છે : 'કેટલું બધું લાગે છે, સ્પર્શે છે આ બધાને!' તે પોતે તો કોઈ કિનારે ઊભા રહી જાણે કે તરણ સ્પર્ધા જોઈ રહી છે. તરવૈયા પાણીમાં ખાબકે છે અને પાણીને કાપે છે. એક ઊંડા વમળમાંથી હજી હમણાં જ બહાર આવ્યાનો થાક તેના શરીર પર, વર્તનમાં સ્પષ્ટ છે. તે ઝાઝું હલનચલન કરતી નથી. એટલી તાકાત નથી. શરીર દુબળું અને ફિક્કું છે. ગાલ, આંખ અને માંસલ દેખાતા બાવડા પર અસલમાં થોથર છે. બે કોળિયા વચ્ચે બે મિનિટ થાય છે તેને. કોઈ તેને જમવાનો આગ્રહ કરતું નથી. તેની સ્થિતિથી નિ:સ્પૃહ જણાતાં, ટેબલ પરનાં બાકીના બધાંએ ઘણું જોર લગાવેલું પેલા વમળમાંથી તેને ખેંચી કાઢવા ! 'પૂરતું જમવાથી એવું જોર આવે? હું ય પહેલાં ભરપેટ જમતી જ હતી ને!' એક વિચાર તેના મનમાં ઊઠે છે અને બીજા વિચાર પર લઈ જાય છે. 'તો પણ, એક નબળી ક્ષણ અને પછી નબળી ક્ષણોની હરોળ શરૂ થઈ જ ને!' તે ફરીથી પેલી ગર્તામાં ઢસડાય છે, 'હું છું જ એવી. મારી જ ભૂલ. મારા કારણે આખા પરિવારની આબરૂના ધજાગરા ઉડ્યા. શું મોં લઈને અહીં બેઠી છું! જીવવાનો શો અધિકાર છે મને! મેં શું ભૂલ કરી? મારાથી આવી ભયંકર ભૂલ થઈ જ કેમ? કેટલી ખરાબ છું હું ! કેટલી બેવકૂફ ! મારે કોઈ સંબંધ નથી જોઈતો. મારી જોડે કોઈ સંબંધ શું કામ રાખે? હું સારી વ્યક્તિ નથી. મને કોઈએ ઝેર આપી દેવું જોઈએ. ઍક્સિડન્ટ થઈ જાય તો સારું. ઓહ ! આ પીડા કરતાં મોત સારું. શા માટે જીવવું? આ બધાં મને શુ કામ જીવાડે છે? તેઓ મને મારતાં કેમ નથી? હું તદ્દન વાહિયાત છોકરી છું.' બાજુમાં બેઠેલા ભાઈનો ધક્કો વાગ્યો અને તે વર્તમાનમાં આવી. ભાઈએ 'સૉરી' સૂચક સ્મિત કર્યું. તેની શૂન્યમનસ્ક આંખોમાં સંકોચ જાગ્યો. એ સાથે તેનામાં ચેતન સળવળ્યું. કંઈ જ ના બન્યું હોય એમ ટેબલ પર વાતચીત અને ભોજનનો દૌર રીઝ્યુમ થયો. આવું અવારનવાર થાય છે. તે પોતાના અંધારામાં ખેંચાઈ જાય અને ભમરીમાં ઊંડી ઊતરતી જાય. એના એ જ વિચાર; પોતાની ભૂલ, નિમ્નતા, દોષભાવના, પ્રેમ માટેની અપાત્રતા અને મૃત્યુ. પસ્તાવા સુધી ય તેનાથી પહોંચાતું નહીં. કોઈ અંધારિયા ભોંયરામાં તે આગળને આગળ વધ્યે જતી.‌ પોતાને બચાવવાનો વિચાર દોષભાવના તળે દબાઈ જતો. બરાબર તેવે ટાણે, મમ્મીના હાથમાંથી વાસણ પડી જતું, પપ્પા ભૂલથી ટી.વી.નો અવાજ વધારી બેસતા, ચિન્ટુને બોલાવવા ભાભી મોટેથી બૂમ લગાવતા કે ભાઈના મોબાઈલની રીંગ મોટેથી વાગતી. તેનું શરીર એક કંપ સાથે વર્તમાનમાં, જીવંતતામાં પાછું આવતું. અંધારો કૂવો બનેલી તેની આંખો પાણીથી છલકાતી. કોઈ કહેતું નહીં, “બસ. રડ નહીં.” તેની આસપાસ હાજર દરેક વ્યક્તિની આંખ તેના હૃદયનો પડઘો બનતી. તેની પીડા મમ્મી-પપ્પા, ભાઈ-ભાભીના ચહેરા પર લેપાતી. ક્યારેક તે ચીસો પાડતી, “નાટક કરો છો, તમે બધાં.” કોઈ કહેતું નહીં કે “એવું નથી.” બસ, મમ્મી પીઠ પસવારતી કે માસી પીંડી દબાવી માલિશ કરતાં. ક્યારેક તે કહેતી, “મને લઢો. મને મારો. હું સારી છોકરી નથી. મેં તમારું ખુબ બગાડ્યું છે.” ત્યારે, કાં તો પપ્પા તેને બાથમાં ભરતા, કાં તો ભાભી તેના પગ પાસે બેસી તેના હાથ પોતાના હાથમાં લઈ હૂંફ આપતા. અત્યારે પણ, તેને વર્તમાનમાં લાવી દીધા પછી, તેની આગળ વાનગીઓ એવી રીતે પસાર કરવામાં આવે છે જાણે કે એ નિત્યક્રમ હોય. જીવનનું પરમ સત્ય હોય એમ, બધા આવનારા શિયાળાની, સ્ટૅચ્યુ ઑફ યુનિટીની, ભાલિયા ઘઉંની ભાખરીની વાતો કરવા માંડે છે. 'કેટલા બધા સમયે આમ જાહેર સ્થળે આવી?' તેને પ્રશ્ન થાય છે. આવા સ્વાભાવિક પ્રશ્નનું ઊઠવું ય તેને સંકોચ અને શ્રદ્ધા વચ્ચે ફુંદરડી ખવડાવે છે. પોતાના પ્રત્યેનો સદ̖ભાવ, તેનો પોતાનો હોય તો પણ તેને છેતરામણો અથવા ડરામણો લાગે છે. જોકે, છેલ્લા અઠવાડિયા કે દસેક દિવસથી, તેનામાં માણસાઈ પ્રત્યે શ્રદ્ધા સળવળી છે. તેનામાં ચેતન ધબકવું શરૂ થયું છે. તે જાતે ઊઠી પાણી પી લે છે અને “ચા પીવી છે.” એમ કહે છે. તેને લાગે છે કે લાંબી તંદ્રામાંથી તે ભાનમાં આવી છે. 'ઊંઘ નહોતી. ઊંઘ્યા પછી તો તાજગી હોય.' તેને સૂઝે છે. હજી પણ, તપાસ્યા વગર અપનાવી લીધેલા વિચાર તેને ઘેરી વળે છે. હવે, વિચાર ‘કરવા’ જેટલી સ્વસ્થતા તેને મળી છે. એ ચપટી સ્વસ્થતા વડે તે વાવાઝોડામાંથી બહાર આવવા ઝઝૂમે છે. દર વખતે, ભાઈ કે ભાભી, મમ્મી કે પપ્પા, માસી કે માસા, છેવટે ચિન્ટુ, હાથ પકડવા અડીખમ ઊભેલાં મળે છે. ટેબલ પર બેઠાં બેઠાં એ ઘટનાઓ તેની આંખના દરિયામાં તરે છે. 'હું મારા પોતાના માટે ય આ ધીરજ ચૂકી ગઈ.', એમ ધ્યાને આવતાં તેનું મન વળી દોષનો ટોપલો ઓઢી લે છે. વળી, કોઈ એક સ્નેહી તે આવરણ પાછળ ટૂંટિયું વાળી લપાયેલા તેના આતમરામને નર્યા પ્રેમ વડે સ્પર્શે છે. કુવિચારો હજી તેના પર હુમલો કરે છે. પણ, તે થોડીક સાબદી છે આ વખતે. સાવ નજીકનો જ ભૂતકાળ તરવરે છે આંખની પાછળ. પણ, તે મજબૂતાઈથી આંખ સામેના પ્રિયજનોને નજરમાં જકડે છે. તે યાદ કરે છે, આ બધાંએ તેને ક્ષણભર એકલી નથી મૂકી. તે તો પથ્થરની જેમ સોફામાં બેસી રહેતી. માત્ર હાજત કરવાની સૂઝ જેટલું જીવન તેનામાં ચોંટી રહેલું. ત્યારે, તેને પાણી પાવાથી માંડી, તેની સાથે જાગવા સુધી આ બધાંએ સમય સાચવ્યો. નામું લખતા પપ્પા, ખાનગી શાળાની શિક્ષક મમ્મી, આઈ.ટી. ઈન્ડસ્ટ્રીની ડેડ લાઈન સાચવતાં ભાઈ-ભાભી, ફાર્માસિસ્ટ માસા અને ગૃહિણી માસી, સાત વર્ષનો ભત્રીજો ચિન્ટુ; બધાંએ તેમની ફરજોના કેન્દ્રમાં તેને મૂકી દીધી હતી; નકામો પથ્થર દૂર કરવા મથતા શિલ્પીની જેમ. સારપ અને નબળાઈની તંગ રાશ પર તેના પગ વારંવાર ઝૂલવા માંડે છે. 'આ બધાને ખબર નથી પડતી કે હું તદ્દન નકામી છું ! શા માટે…?', એમ વિધ્વંસક રસાયણની ચકલી તેનામાં ખુલી ગઈ. 'આ બધાં મને સાચવે છે.', જેવા સાત્વિક વિધાનને કાર્ય ઠેરવી, તેનાં કારણો ઉપજાવવાના કામે તેની નબળાઈ લાગી પડી. તેણે બધી તાકાત ભેગી કરી તે નળ બંધ કરી દીધો. જોકે, તેની નબળાઈએ ઝમવું ચાલુ રાખ્યું. તેણે ઝઝૂમવું. લાંબા સમય પછી પહેલી વાર તેને શરીરમાં તાકાત અનુભવાઈ. તેને લાગ્યું કે જેમ તે ઝઝૂમે છે તેમ તાકાત વધતી જાય છે. પહેલી વાર ઘટતી ઘટનાની જેમ તેના ચહેરા પર સ્મિત આવ્યું. કોઈ હકની જેમ સમજાયેલી ખુશી, તેણે ફરજ તરીકે પકડી લીધી. તેણે ટેબલ ફરતે નજર ઘૂમાવી. ખુરશીઓમાં બેઠેલા આપ્તજનોએ બિનશરતી ચાહી હતી તેને. 'છટ્! આ સ્નેહ યાદ રાખવાને બદલે હું શું ઓઢી બેઠી હતી !' આ વિચાર પણ પોતે સ્વીકારેલો આરોપ છે એમ લાગતાં તેણે માથું ખંખેર્યુ અને પાણીનો ઘૂંટ પીધો. આરોપ. દોષ. એક ઘટનાને એમ ઓઢી લીધી હતી. ઘટનાને સમજવા જતાં, તેનાં કારણો ઉકેલવા જતાં, તે અપક્વ વિચાર વારસાને શરણે થઈ ગઈ હતી. તેના વિચારો પર, 'મારી સાથે આવું કેમ થાય? તેણે મારી સાથે આમ કેમ કર્યું. મેં શું ભૂલ કરી? ‌ચોક્કસ મારી જ કોઈ ખામી. છેવટે, વ્યક્તિને ઓળખી ના શક્યાનો દોષ તો થયો જ.' -જેવી અણસમજ હાવી થઈ ગયેલી. તેની બધી ક્ષમતા એ ટૂંકા નજરીયા હેઠળ દબાઈ ગયેલી. ઘૂંટડો પાણીએ તેનામાં નવી ધારા પેટાવી. 'ભૂલ થઈ.‌ થાય.' પથ્થરોમાંથી માર્ગ કાઢતા ઝરણાની જેમ તેના ચિત્તમાં જીવનપોષક વિચાર પ્રવાહ વહેતો થયો. ઝાડા-ઉલટીમાં ઠલવાઈ ગયેલું શરીર વળતી તકે સ્વાસ્થ્ય પોષક રસાયણો ઝરાવે, તેમ. 'જીવન ખાબોચિયામાં ય ધબકાર સર્જી લે છે; પથ્થર પર લીલ થઈ બાઝે છે.' તેના ચહેરા પર પ્રગટેલી કાંતિ, તેની દેહયષ્ટિમાં ઉમેરાયેલ ચેતન અને તેનું ટટ્ટાર થયેલું સૌષ્ઠવ પ્રિયજનોના ચહેરા પર આનંદ થઈ છલકાયું. ભાઈ સામે જોઈ તેણે પુછ્યું, “કેટલો સમય થયો?” ભાઈ સમજી ગયા કે તે ક્યા કાળની લંબાઈ પૂછે છે. છતાં, વાનગીનું નામ જણાવતા હોય એટલી સાહજિકતાથી કહ્યું,“પાંચ મહિના.” તેના મનમાં ઊગ્યું, 'ગર્ભમાંનો નાનો કોષ પણ આટલામાં તો ઘાટ મેળવી લે. આ જીવનને આમ ઢબૂરી ના દેવાય !' હાથ ધોવા બાઉલ મૂકતા પહેલાં વેઇટરે પપ્પાને પૂછ્યું, “ડેઝર્ટ, સર?” તેણે માંદલા પણ સ્પષ્ટ અવાજે જવાબ આપ્યો, “બૅક્ડ મૅક્રોની વીથ પાઈનેપલ.” ફોઈની પસંદ જાણતા ચિન્ટુએ ઉમેર્યું, “ચીઝી. વૅરી ચીઝી એન્ડ ક્રિસ્પી.” તેણે ચિન્ટુને પહોળું સ્મિત આપ્યું.