નારીસંપદા : ટૂંકી વાર્તા/અટ્ટહાસ્ય

Revision as of 02:44, 22 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અટ્ટહાસ્યરિયું

અમિતા પંચાલ

‘આજે રાતે હું આત્મહત્યા કરીશ. ના, તમે ધારી એ વાર્તાની ઉઠાંતરી કરવાનો મારો કોઈ ઈરાદો નથી. પરંતુ હા, મારું મૃત્યુ તદ્દન એ વાર્તાની માફક નિશ્ચિત જ છે. અરે! આ અટ્ટહાસ્ય કોણ કરે છે? વિશ્વાસ નથી આવતો? તમને વિશ્વાસ આવે એટલે જ તો પેલી વાર્તાનું પહેલું વિધાન ઉઠાવ્યું છે મેં. એમ કરવા બદલ તમે મને ક્ષમા ન કરી શકો તો મને કોઈ વાંધો નથી. ક્ષમા માંગી માંગીને તો અડધી જિંદગી પૂરી થઈ ગઈ છે. આમેય ક્ષમા આપનારાઓ શું ખરેખર ક્ષમા કરી દેતા હશે? મને તો શંકા છે. એ તો બધા કહી દે કે, જાઓ! માફ કર્યા તમને! પણ પછી? પછી એ બધા બળ્યા કરતા હોય છે ભીતર ને ભીતર અને બાળ્યા કરતા હોય છે મને પણ, વારંવાર! એ દિવસે વાસી થઈ ગયેલા મુઠ્ઠીભર ભાત સામેવાળાના છાપરે નાખેલા મેં. અજ્જુએ જોયેલું. હજી તો હું ભાતવાળા હાથ ધોઉં એ પહેલાં અજ્જુ વળગી પડેલો મને. ચૂમી લીધી હતી મને. મારો યુવાન લસલસતો દેહ ચાંપી લીધેલો એણે પોતાના વાસી શરીરે. આંખોમાં ગેલ ભરીને પૂછી રહ્યો’તો, ‘બંધ કરું દરવાજો?’ હજી તો એ દરવાજો બંધ કરવા ગયો જ હતો અને સામેના મકાનવાળા વકીલ સાહેબે આવીને બરાડો પાડ્યો’તો, ‘ઊભો રે’ એ!’ છુટ્ટો ભાત છાપરે જેવો ખણખણતો પડ્યો હતોને, એવો જ ખણખણતો સવાલ છૂટેલો વકીલ સાહેબના મોઢે. ‘છાપરા પર શું નાખ્યું હમણાં તેં?’ મેં ભોળીએ અજ્જુને બચાવવા એની સામે જોયા વિના જ ભાત ચોંટેલા હાથ બતાડીને કહી દીધેલું : ‘એ તો મુઠ્ઠીભર ભાત બચેલો ને કાકા, ચકલીઓ ખાશે કરીને મેં જ નાખ્યો હમણાં.’ પછી સ્મિત સાથે અજ્જુ સામે જોયેલું તો એની આંખો લાલ! હું કંઈ સમજું એ પહેલાં તો સટ્ટાક! અજ્જુનો પંજો મારો ગાલ ચચરાવતો રહેલો બે દિવસ સુધી. પેલો કાકો તો ગાળાગાળી કરી જતો રહેલો પણ અજ્જુની ગાળાગાળીએ ચાર દિવસ લીધેલા ઘેર જવામાં. પાંચમે દહાડે એણે ખુલાસો કરેલો કે બહુ હાચુ બોલવાનું નહીં. લ્યો બોલો! સાચું બોલીએ તો ગાળો ને તમાચા પડે એવું પહેલી જ વાર જાણેલું મેં એ વખતે. પછી તો સૉરી-વૉરી, સમજાવટ-પતાવટ બધું ચાલેલું અને અંતે મેં, મોટ્ટા મને અજ્જુને માફ કરી દીધેલો. માફ એટલે? સાચ્ચે જ માફ કરી દીધેલો. અરે, ફરી અટ્ટહાસ્ય ! અરે ! એ વખતે એને માફ શું કર્યો, પછી તો વારંવાર એને માફ કરવો પડ્યો મારે! એક દિવસ હું મમ્મીજીને દવા આપવાનું ભૂલી ગયેલી. ભૂલી ગયેલી એટલે, યાદ કરાવ્યું’તું મેં, પણ હાથમાં નહોતી આપી બસ, એટલી જ ભૂલ થયેલી. રાતે સૂવાનો સમય થયો ત્યારે મને યાદ આવ્યું કે મમ્મીજીએ દવા લીધી કે નહીં એ તો ખબર જ નથી મને! મેં વળી ભોળા ભાવે અજ્જુને કીધું, ‘આજે મમ્મીએ દવા લેવામાં નક્કી ચોરી કરી હશે.’ ‘એમ?’ આંખો ધનુષાકારે વાળતો અજ્જુ ખેંચી ગયો’તો મને મમ્મીજીના ઓરડા ભણી. ‘દવા લીધી તેં?’ પૂછતાં મમ્મીજીએ એવી રીતે જોયેલું જાણે સોનાની કટારી પેટમાં ન ઘૂસી ગઈ હોય? છૂટ્ટા તીર ચલાવતાં હોય એમ મમ્મીજી તાડૂકેલાં, ‘તારી વહુને સૂઝ્યું છે દવા આપવાનું? એ તો પૂછ પહેલાં.’ અજ્જુએ મારી સામે ધારદાર છરીની માફક જોયેલું ને ફરી સટ્ટાક! મેં અધભીની આંખે મમ્મીજીને દવા આપેલી અને મમ્મીજી ધીરેથી મારા કાનમાં ગણગણેલાં, ‘મજ્જો આવે છેને?’ મન તો થયેલું કે એમનેય ગાલ પર એક સટ્ટાક... પણ મેં ભોળીએ એમને પણ માફ કરી દીધેલાં. આખરે તો એ મા હતાં ને એમના! ભઈ, કેમ આટલું અટ્ટહાસ્ય! પણ એક દિવસ તો મમ્મીજીએ હદ કરી નાખેલી હોં. દિવાળીનું ટાણું હતું ને મારે માથે ઢગલો કામ! મજાની મીઠાઈ બનાવેલી, ઠરવા મૂકેલી. બપોરે અજ્જુ જમવા આવ્યો તો એને પીરસી. બહુ સરસ બનેલી તે અજ્જુ વખાણી રહ્યો’તો. પણ મમ્મીજીને તો મારી જોડે વેર જ હતું તે બબડ્યાં, ‘અમને તો કોઈ ચખાડે તો ખબર પડેને કે કેવી બની છે? એકલા રાંધે, એકલા ખાય ને એકલા અઘે આ બધા તો!’ હું તો બિચારી થરથર ધ્રૂજું ને અજ્જુ તો ફાટ્યો. થાળી છૂટ્ટી ફેંકી મમ્મીજીના માથામાં ને મારા ગાલે? સટ્ટાક! મને થયું કે કહી દઉં કે ગરમ હતો મોહનથાળ પણ... મમ્મીજીને માથે ઢીમડું થઈ ગયું’તું. એટલે મેં ભોળીએ ફરી માંડી વાળ્યું. ઘરડો જીવ બિચારો માર ખાઈ ગયો. વધારે ક્યાં દુઃખી કરવા? માફ કરી દીધાં મેં, બેયને. આ અટ્ટહાસ્ય...! મમ્મીજીને હું ગમતી નહોતી બહુ. હકીકતે તો એમને અજ્જુ જ નહોતો ગમતો. સગો દીકરો હતો છતાં નહોતો ગમતો! આમ તો મને પણ નહોતો ગમતો પણ... મારો તો પતિ એટલે... એટલે મમ્મીજીને મળી રહેતાં બહાનાં મને તમાચા ખવડાવવાના, અમારી વચ્ચે ઝઘડો કરાવવાના. પોતેય ખાઈ જતાં ક્યારેક પણ તોયે છોડતાં નહીં એકે તક. એક દિવસ એમને પૂછેલું મેં, ‘કેમ મમ્મીજી? કેમ?’ અટ્ટાહસ્ય કરતાં એ બોલેલાં, ‘બહુ કનડ્યો છે તારો વર મને આખી જિંદગી. સાલો વાતે વાતે રાવણ કાઢે! અલા, મા છું હું એની, એનોય ખ્યાલ નથી કર્યો એણે કદી! તું બહુ વહાલી થાઓ છોને એને? જા, હમજાઈ જોજે એને કે મમ્મીજી ખોટ્ટું બોલીને ઝઘડા કરાવે છે. જા, કહી જોજે. ઈ મને મારશેને તો તનેય નહીં છોડે, હા. જા, બચાઈ લે પોતાને, જા...’ અજ્જુને આવું કહીશ તો શું થશે ને શું નહીં, એ વિચારે જ કંપારી છૂટી ગયેલી મને. છેલ્લા શ્વાસ ચાલતા’તા ત્યારે પણ મમ્મીજી બબડતાં’તાં, ‘એને કઈ દો, મને હાથ નો લગાવે. ઈ મને જોતો જ નથ્.’ પપ્પાજીએ એક દિવસ એમને ઝાડુએ ઝાડુએ કૂટેલાં ત્યારે વચ્ચે પડવાની હિંમત નહોતી ચાલી મારી. આ વાતને યાદ કરીને એ જ્યારે ભડકેલાં ત્યારે બોલેલાં, ‘તેંય ક્યાં બચાવી’તી મને? હેં! બાઘ્ઘાની માફક જોયે ગઈ’તી તુંય. તું, તારો વર ને તારો સસરો – તમે બધ્ધાં મારા સત્રુ છો એ હમજી જજે તું. થાય તે કરી લેજે, જા!’ પછી તો આવા કંઈક યુદ્ધો ચાલેલાં. હું પરણીને આવી એ પહેલાંથી છેડાયેલા સંગ્રામમાં મારે કયા પક્ષે લડવાનું છે એ જ નહોતું સમજાતું એટલે હું બિચારી ભોળી શું કરી શકતી’તી બીજું? માફ કરી શકતી’તી તો કરે જ ગઈ... અલા! કોણ કરે છે આ હસાહસ ભઈ? આજે તો વધારે જ હદ થઈ ગઈ છે. છેલ્લાં વીસ વરસથી માફ કરી કરીને થાકી ગઈ છું હવે હું. ઠેઠ આજે મને મનમાં સવાલ થાય છે કે કેમ માફ કરતી રહી હું બધાને? કેમ એટલે શું? અરે, પ્રેમ કરું છું હું આ બધાને. મારો પરિવાર છે આ. આ સાલું અટ્ટહાસ્ય કોણ કરે છે પણ ! આ જો તો ! જો, જો... એટલું મોટ્ટે મોટ્ટેથી હસે છે કશુંક કે ભોંકાય છે મને. આ ચારે કોરથી કો’ક રાવણ કાઢે છે જો. કેવા કેવા સવાલ કરે છે એ તો જો... ‘હેં ! પ્રેમ કરે છે તું બધાને, એમ? હાહાહાહાહા...’ ‘હેં! માફ કરી દે છે તું બધાને, એમ? હાહાહાહાહા...’ ‘હેં! બહુ જવાબદારી છે કાં તારા માથે? હાહાહાહાહા...’ ‘શું? આત્મહત્યા કરીશ? તું? હાહાહાહાહા...’ ‘શું નાટક બાકી ! શું નાટક ! આહાહાહાહાહા ! હાકથૂ !!!’ ‘હાહાહાહાહા...’ ‘હાહાહાહાહા...’ હદ છેને! હું આત્મહત્યા કરું છું એનોય ભરોસો નથી આને ! પણ હું સાચ્ચે જ આત્મહત્યા કરવાની છું. જોકે, પંખે નહીં લટકું. પંખો, દુપટ્ટો, સાડી, ટેબલ અને છત – આમાંથી એકેય પર ભરોસો નથી મને. કૂદી જવાનો વિચાર કર્યો છે પણ પછી એમ થાય છે કે ક્યાંક હાડકાં ખોખરાં કરાવીને જીવી ગઈ તો? ઊંઘની ગોળીઓ નથી મારી પાસે, નહીંતર ખાઈ લેત પચ્ચીસ-વીસ. સાલું, ડોક્ટરની પરચી વગર તો કોઈ ઝેર પણ નથી આપતું ! હા, નસ કાપી લેવાનો આઇડિયા બેસ્ટ છે. પણ સાલું દુખશે તો નહીં ને? તડકો તો જો બહાર ! આટલા ભરબપોરે મોટાં વાહનોય ન હોય ને રસ્તા પર, નહીંતર આમ ઊભી રહી જાત રસ્તાની વચોવચ. બે ઘડીનો ખેલ અને ખેલ ખતમ. ફીનાઈલ-બીનાઈલ પીવામાં પણ રિસ્ક છે અને અડધુંપડધું બળીને જીવવા કરતાં તો મરી જવું જ સારું ભઈ... અરે બંધ કરાવો આ અટ્ટહાસ્ય કોઈ... પ્લીઝ...! હું કરી રહી છું આત્મહત્યા... સાચે જ...’