નારીસંપદા : ટૂંકી વાર્તા/એ પાંચ દિવસો

Revision as of 03:54, 22 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એ પાંચ દિવસો

મોના લિયા

ઘરે આવેલા મહેમાનોની આગતા-સ્વાગતામાં રોકાયેલી સરિતા બાથરૂમમાં જવા તલપાપડ થતી હતી. બંને બાજુની શેટી પર બેઠેલાં એ લોકોને એક પછી એક પાણીના ગ્લાસ આપવા એ લથળતા પગને સ્થિર કરીને ઊભી હતી. એ લોકો વાતોમાં એટલા પરોવાયેલા હતા કે, ટ્રેમાંથી ગ્લાસ લેવામાં પણ વખત લગાવતા હતા. એક વખત વિચાર પણ આવ્યો, ચાલને વચ્ચે ટેબલ પર ગ્લાસ મૂકીને દોડી જાઉં બાથરૂમમાં. હાથ લાંબો કરીને પોતે લઈ લેશે. પરંતુ એમ કરવામાં થોડું જોખમ હતું. મહેમાનના ગયા પછી સાસુને કહેવાનો મોકો મળે. એટલે એણે માંડી વાળ્યું. “લ્યો પાણી” વાતોએ વળગેલી સ્ત્રીને એણે કહ્યું. સાસુ સાથે ચાલતી વાતમાં પોતે નડે નહીં એમ જગ્યા શોધીને ઊભી રહી ગઈ. કિશોર વયની સુધા તરત પાણી ગટગટાવી ગઈ. કદાચ ઘણી વારથી તરસ લાગી હશે. ખાલી થયેલા ગ્લાસ લઈને રસોડા તરફ જતાં આંગણામાં આવેલા બાથરૂમની દિશામાં જોવાઈ ગયું. બહારથી સ્ટોપર લગાવેલી હતી. હાશ ! અંદર કોઈ ન હતું. ટ્રે પ્લેટફોર્મ પર નાખી દઈ પહોંચી જવા એણે પગની ગતિ વધારી. “એ ચા ચડાવજો વહુ" ઓસરીમાંથી આવેલા શબ્દોએ એના ગતિશીલ પગને લાકડામાં રૂપાંતરિત કરી નાખ્યા. ચાવી આપેલાં રમકડાંની જેમ એણે ચાનું પાણી ઉકાળવા મૂકી દીધું. મનમાં થયું, પાણી ઉકળે ત્યાં સુધીમાં જઈને જોઈ શકાય. નકામા દાગ થઈ ગયા તો? શરીર પર વીંટળાયેલી પોપટી સાડી જોઈ. આ રંગ પ્રમાણમાં આછો, ન કરે નારાયણ ને જો પાછળના ભાગમાં લાલ ચટક દાગ છપાઈ ગયા તો ! આખાય ગામમાં બાયું વાતો કરે. સવલીમાં તો મીઠાની તાણ છે. કાલ સવારે છોકરાની મા થશે તોય... કોઈ ખરાબ સ્વપ્ન જોઈ લીધું હોય એમ મોં પર પરસેવાના ટીપાં નીતરવાં લાગ્યાં. ચાનું પાણી ઉકળીને તપેલીની બહાર આવવા થનગની રહ્યું હતું. દૂધ ઠાલવતાં જ ઊભરો શાંત થઈ તળિયે બેસી ગયો. "ભાભી ક્યાં ખોવાઈ ગ્યા?” પાછળથી સુધા કયારે આવીને ઊભી રહી ખબર ન રહી. “એ તો અમથું...” સરિતાએ શબ્દો જોડવા પ્રયત્ન કર્યો. કંઈ સૂઝયું નહીં એટલે આજુબાજુ નજર કરી. મનમાં ચાલતી ઉથલપાથલ જાણવાનું કોઈ સાધન હજુ નહોતું શોધાયું. એને હાશકારો થયો. સુધા સામે જોયું. એનું મોં હસું-હસું થતું હતું. રાજેશ હાથમાં ટુવાલ લઈને બાથરૂમ તરફ જતો હતો. કાશ એને રોકી શકાય? ટેલિપથી કે એવું કંઈક હોય.. એની શહેરમાં ભણેલી નણંદ આવી ત્યારે કહેતી હતી. પણ રાજેશ ને પોતાને...! એ વિચારને ભૂંસી નાખ્યો. પેટમાં જરા દુઃખાવો શરૂ થયો. એની સજાગતાએ એનો ઉપહાસ કર્યો. પત્યું ! હવે ક્યારે પોતાનો વારો આવશે? પાણી આપ્યાં પછી ચા બનાવતાં પહેલાં જ કેમ જઈ ન આવી ! માતાજી હવે તું જ લાજ રાખજે. એના આખા ચહેરા પર કરચલીઓ ઊપસવા લાગી. સખત તાણ અનુભવતાં એણે જોયું, ચા ઊભરાઈને તપેલીની બહાર આવી ગઈ. “કેટલી વાર સરિતા...” ઓસરીમાંથી સાસુનો અવાજ કાનમાં સળીની જેમ ભોંકાયો. સામે સુધા દાંત કાઢતી હતી. ચા આપતી વખતે થતી વાતો પરથી એટલું કળાયું, આજે સાત જણની વધુ રસોઈ બનાવવાની હતી. વારેવારે આંખ પેલી તરફ દરવાજાને જોઈ લેતી. બાથરૂમનો અડીકો હજુ અંદરથી બંધ હતો. શહેરમાં રૂમે રૂમે બાથરૂમ હોય એવું સાંભળ્યું હતું. એણે કપાળ પાસે આવી ગયેલી વાળની લટોને કાન પાછળ ધકેલી. બાથરૂમ ખાલી થવાની રાહ જોયા વિના એ સૂવાના ઓરડામાં આવી. અંદરથી બારણું વાસી દઈને અડીકું બંધ કરી દીધું. થોડીક ક્ષણો બારણાને અઢેલીને આમ જ સ્થિર ઊભી રહી. એના ધબકારા વધી ગયા હતા. કસરતના પિરીયડમાં દોડતાં પહેલો નંબર મેળવ્યો હોય એવું લાગ્યું. આગળ આવેલી વાળની લટોને પાછળ લઈ કસીને અંબોડો વાળી નાખ્યો. એણે શરીર ઢીલું મૂકી દીધું. આંખ બંધ કરીને ત્યાં જ બેસી ગઈ. સાડીનો છેડો ખભા પરથી સરકીને કમર પાસે આવી ગયો. થોડી સેકન્ડ આમ જ વીતી ગઈ. પછી ઊભા થઈને કપડાં કાઢી નાખ્યાં. ચણિયામાં પડેલા લાલ દાગ પર આંગળી ફેરવી. ભીનાશ વર્તાઈ. ફાટી આંખે સરિતા હાથમાં લીધેલા કપડા સામે તાકી રહી. સાડીનો પાલવ હાથમાં લઈને આખે આખી સાડી પર નજર ફેરવવા લાગી. માતાજી, આજ તો આવી જ બનત. કો’કે જોયું હોય તો કહેત પરણેલી બાઈને આટલી સમજ ન પડે ! ને પોતે ગામ આખામાં વગોવાઈ જાત. કોઈને જવાબ આપવાને લાયક ન રહેત. ઠંડા પાણીની બોટલ પર બાઝેલાં પાણીનાં ટીપાંની જેમ નખશિખ ચામડી પર પરસેવાના બિંદુ તરી આવ્યાં. બારીના કાચમાંથી ડોકિયું કરતાં તડકા પર એણે પડદો પાડ્યો. ઉપર પંખામાંથી આવતો ખરરર... ખરરર.. અવાજ એને આશ્વાસન આપતો હોય એમ અચાનક વધી ગયો. આખી સાડી જોઈ લીધા પછી એને મનમાં હાશ થઈ. સાડીમાં ક્યાંય લાલ રંગ લાગ્યો ન હતો. “વહુ, ખીચડી ચડાવજો. સાથે કઢી ને ડુંગળીનાં ભજીયાં.” સામે જવાબ ન મળતાં સાસુ ફરી તાડૂક્યાં. “ક્યાં ખોવાઈ સરિતા...” જોરજોરથી આવતા આ અવાજ કાનમાં બાવળના કાંટાની જેમ ખૂંચતા હતા. એને લાગ્યું પોતે બહેરી થઈ જાય તો કેવું સારું. અસહ્ય પીડામાં વચ્ચે એ માંડ "આ રહી...” એટલું ઉચ્ચારી શકી. હવે આ પેટનો દુઃખાવો પાંચ દિવસ સુધી પીછો નહોતો છોડવાનો. કમર અને પગ પણ આ દિવસોમાં સાથ આપતા ન હતા. આખા ઘરમાં સરિતા દેખાઈ નહીં એટલે ડોશી રાજેશના ઓરડા પાસે આવ્યાં. "ક્યારની શું કરશ? સરિતા...” સાસુની બૂમાબૂમ દરવાજે આવી ઊભી હતી. બારણું ખોલી બહાર આવેલી સરિતાનાં શરીર પર સાડી જેમ-તેમ વીંટળાયેલી હતી. એના ચહેરાની તંગ થયેલી રેખા સામે જોવાનો વખત ડોશી પાસે ન હતો. એમણે આંખ ઝીણી કરી અછડતી દૃષ્ટિ નાખી “ચાલ ચાલ હવે. રાજેશ આવ્યો નથી કે બેય જણ ઓયડામાં... વહુઆરુ છો પણ લાજ શરમનો છાંટો નથી !” એકવાર બોલવાનું ચાલુ કર્યા પછી બે વાત સંભળાવ્યા વગર ચૂપ રહે તો સાસુ શાનાં ! "બાઈ, હું છેટે બેઠી છું.” એ બહાર કોઈ સાંભળે નહીં એટલા ધીમા અવાજે બોલીને થોડી દૂર ઊભી રહી. “લો તારે ના'વામાં ઝડપ રાખજો." બબડતાં ડોશી મંદિર પાસે ગયાં. લાલ કપડું લઈને મંદિર ઢાંકી દીધું. ઓરડામાં પાછી આવી ત્યારે રાજેશ પલંગ પર સૂતાં સૂતાં ટીવીમાં ચેનલ બદલતો હતો. સરિતાએ આવીને ખૂણામાં પડેલો લોખંડનો કબાટ ખોલ્યો. પતરાનો અવાજ આખા રૂમમાં ફરી વળ્યો. કણસાટ વચ્ચેય ઝડપ રાખવી જરૂરી હતી. નાહીને પહેરવાનાં કપડાં અને સેનેટરી નેપકીન લઈને એ બાથરૂમ તરફ આગળ વધી. ભગવાનની હારબંધ છબીઓ નીચેથી માથા પર સાડીનો પાલવ નાખી એ પસાર થઈ ગઈ. માથાબોળ નાહીને બહાર આવી. પાણી સાથે થાક પણ ધોવાઈ ગયો હતો. સાબુની સુગંધ એનાં ભીના વાળમાંથી ટપકતી હતી. એણે મનોમન થોડી હળવાશ અનુભવી. વાળને ટુવાલથી લૂછી લઈ કાંસકો ફેરવ્યો. વારંવાર આગળ આવી જતી લટોમાં પિન ભરાવી. આ ઘરમાં ખુલ્લા વાળ રાખવા અપશુકન મનાતું. બે આઇબ્રો વચ્ચે લાલ ચાંદલો ગમે એટલી ઉતાવળમાં પણ કરવો જરૂરી હતો. એણે અરીસામાંથી રાજેશ તરફ નજર કરી. એ ક્રિકેટના સ્કોર જોવામાં વ્યસ્ત લાગ્યો. સરિતાએ હોઠ પર હાથ રાખીને ઉધરસ ખાધી. વાળની પાથીમાં સિંદૂર પૂર્યું. એને સ્ટાર પ્લસ પર બપોરે આવતી સિરીયલ યાદ આવી ગઈ. એમાં પતિ તૈયાર થતી પત્નીને છૂપાઈને જોતો હોય. “કેટલો વખત સરિતા...” સાસુનો અવાજ વારેવારે ડોકિયું કરતો હતો. બહાર નીકળતાં રાજેશના શબ્દો સંભળાયા, “થોડો નાસ્તો આપી જજે." સરિતાએ પાછા વળી રૂમમાં જોયું ત્યારે રાજેશનું ધ્યાન ટી.વી. તરફ હતું. રસોડામાં સાસુએ થોડી તૈયારી કરી રાખી હતી. “એ બધા શામજી ફૂવાને ત્યાં આંટો મારવા ગયા છે. હીરા ફઈની તબિયત નરમ રહ્યાં કરે છે. એટલે કે’ મળતા આવીયે. હમણાં આવતાં જ હશે.” બોલતાં ડોશી ડેલી બહાર ઓટલા પર આવનારની રાહ જોતાં બેઠાં. સરિતાએ આખા રસોડામાં ચારેબાજુ જોયું. શું કરવું સમજ પડતી ન હતી. ઊભાં રહેવાથી થાક લાગતો હતો. રસોઈની જરૂરી વસ્તુઓ લઈ એ જમીન પર બેસી ગઈ. ઝીણી ઝીણી ડુંગળી સમારતાં આંખમાંથી પાણી ટપકતું હતું. ચણાના લોટમાં જરૂરી બધા મસાલા નાખી ભજિયાં માટે રાગ બનાવી. લસણનાં ફોતરાં ખોલવા બેઠી. ભીનું લસણ સાફ કરવામાં સમય બહુ જતો હતો. છોતરાંમાં એક પર એક ઘણાં આવરણ હતાં. એણે નખથી બધાં કાઢી નાખ્યાં. “સરિતા... નાસ્તો...” રાજેશનો આવાજ. ઓહ, ભૂલી જ ગઈ. બિચારા ક્યારના ભૂખ્યા રાહ જોતા હશે. ફરીથી ઊભાં થવાના વિચારથી નિ:શ્વાસ નખાઈ ગયો. મમરાની ડીશ રાજેશ સામે મૂકી એ થોડીવાર એમ જ ઊભી રહી. રાજેશનું ધ્યાન કેચ આઉટ થયેલા ક્રિકેટરને જોવામાં હતું. હજુ ગઈકાલે પેલી સિરીયલમાં નૈતિકે અક્ષરાનો હાથ પકડીને એને પોતાની પાસે બેસાડી દીધી હતી. બહાર ડેલી પાસે મોટેમોટેથી થતી વાતોનો અવાજ સંભળાયો. બધા આવી ગયા હતા. પલંગ સામે ઊભેલી સરિતાને પ્રશ્ન થયો. પોતે કેમ આટલી વાર સુધી અહીંયા ઊભી હતી. જતાં જતાં એણે પાછળ વળી રાજેશ સામે જોયું. મમરાથી ભરેલાં મોઢે એ ટીવી જોવામાં મશગુલ દેખાયો. સરિતા રસોડામાં બાકી રહેલું કામ ઝડપથી પતાવવા લાગી. બધા પુરુષોના જમ્યાં પછી સ્ત્રીઓ જમવા બેઠી. રસોડું આટોપી એ થાક ઉતારવા ઓરડામાં ગઈ. રાજેશ ડેલી બહાર ખાટલો ઢાળીને બેઠેલા પુરુષો સાથે ગપાટા મારતો હતો. બહારગામથી આવેલી જેઠાણી રડતાં છોરાને ચૂપ કરાવી સૂવડાવવાના કામમાં હતી. ડોશી પોતાની દેરાણીને ગામમાં હમણાં કોનાં લગન લેવાયાં, કોનાં ઘરે છોકરો આવ્યો, કોની છોરી ભાગી ગઈ ને કોના છૂટાછેડા થયા એ સમાચાર ચૂકી ન જવાય એમ યાદ કરી કરી વિસ્તારથી સંભળાવતાં હતાં. સરિતાએ પલંગમાં પડતું મૂકયું. હવે એના શરીરમાં જરાય શક્તિ રહી ન હતી. પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો, જે કોઈપણ ઉપાય વગર સહન કરવાનો હતો. એ લગ્નની શરૂઆતના દિવસોમાં રાજેશના આવવાની રાહ જોતી હતી. ત્યારે દિવસ આખો પોતાનાથી વિખૂટો પડેલો પતિ રાતના રાજાની રાણીની જેમ વ્હાલ કરતો. પછી તો કેટલીય અમાસ-પૂનમ વીતી ગઈ. આ પાંચ દિવસમાં તો રાજેશ મોડો જ આવતો. એ આમ તેમ પડખાં ફેરવતી રહી. કેમે કરી ઊંઘ આવતી ન હતી. રાજેશ આવે ને માથા પર હાથ ફેરવે પછી પોતાના હાલ-ચાલ પૂછે, એટલાંમાં વાતો કરતાં તો આ દુઃખાવો ભૂલાઈ જાય. એની કોણી પર માથું રાખતાં તો પળવારમાં ઊંઘ આવવા લાગે. આવું બધું શક્ય બની શકત જો આ પાંચ દિવસ ન હોય. પણ આ દિવસોમાં ખબર નહીં કેમ એનું વર્તન આટલું બદલાઈ જતું હશે... એણે પ્રશ્નનો ઉત્તર શોધવાનો મરણિયો પ્રયાસ કર્યો. શરીરમાં વીજળીનો કંપ પસાર થઈ ગયો. દરવાજો ખૂલ્યો. બહારની લાઇટનો અજવાશ અંદર સુધી લંબાયો. રાજેશ ઓરડામાં આવ્યો કે તરત પલંગમાં પડી માથા પર ચાદર ઓઢી લીધી. સરિતાથી ઉંહકાર થઈ જતો હતો. “આહ...” તીણો અવાજ. માથા પર ચાદર ઓઢીને સૂતેલો રાજેશ બેપરવાહીથી બોલ્યો, “બોઉં નખરાં હો તારા તો, જગ આખામાં બૈરાં થતી જ હશે ને...” સરિતાની આંખોના ખૂણામાં ભેગી થયેલી ભીનાશ ચાદરમાં લૂછાઈ ગઈ.