નારીસંપદા : ટૂંકી વાર્તા/ગાંઠ

Revision as of 04:28, 22 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગાંઠ

મોના જોષી

ઘર આગળ ટેક્સી આવીને ઊભી રહી કે તરત ઓસરીમાં બેઠેલા બધા ડોક ઊંચી કરીને જોવા લાગ્યા. "આ સેજલ આવી." એક જણ બોલ્યું. "આશિષભાઈનો જીવ એનામાં જ અટક્યો છે. હવે છૂટે તો સારું, બિચારા ક્યારનાય રિબાય છે." બીજાએ સહાનુભૂતિ દર્શાવી. "બે મહિનાથી રિબાય છે. એમાંય છેલ્લા દસ દિવસથી તો અનાજ-પાણી પણ બંધ થઈ ગયાં છે. દીકરા—વહુએ અને અલ્પાભાભીએ માથું મૂકીને સેવા કરી છે. એમાં ના ન કહેવાય." ત્રીજાએ ટાપસી પૂરી. ત્યાં વળી ચોથાએ કાનમાં કહેતા હોય એમ ધીમા અવાજે માહિતી વહેંચી, "એવું સાંભળ્યું છે કે અલ્પાભાભી તો બાર-પંદર વરસ પહેલાં જ દીક્ષા લઈ લેવાનાં હતાં. આ તો છોકરાઓ માટે થઈને વિચાર માંડી વાળ્યો. બાકી આશિષભાઈ અને અલ્પાભાભીનો સંસાર તો ક્યારનોય પૂરો થઈ ગયો છે. બંને વચ્ચે કશું જ નથી." "હા, તે સાચું હશે હોં! મને પણ એવું જ લાગે છે. આમ તો, અલ્પાભાભી બહુ હસમુખા સ્વભાવનાં હતાં. એકદમ હસતો ચહેરો, પણ આ પંદરેક વરસથી દીક્ષાનું ભૂત ઊપડ્યું છે ને, તે તમે જુઓ તો સાવ નિર્લેપ ચહેરો. ચૂપચાપ ઘરનું કામ કરે અને પછી માળા ફેરવવા બેસી જાય. બિચારા આશિષભાઈ સંસારમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન ગાળે છે. મને તો એમની બહુ દયા આવે. દીક્ષા લેવી હોય તો લોકો પરણતા શું કરવા હશે? બીજાની જિંદગી પણ બગાડે છે." પડોશીએ નીચા અવાજે ગુસ્સો પ્રગટ કર્યો. ટેક્સીનો અવાજ સાંભળી સેજલનાં ભાઈ-ભાભી બહાર દોડી આવ્યાં. સેજલ ભાઈને વળગીને રડી પડી, "કેવું છે?" એણે ભાઈને પ્રશ્ન કર્યો. "બસ, તારી જ રાહ જોવાય છે. પપ્પાનો જીવ તારામાં અટક્યો લાગે છે. કશું બોલી નથી શકતા, પણ આંખો જાણે તને જ શોધતી હોય એમ ચકળવકળ ફર્યા કરે છે." ફરી બંને ભાઈ-બહેન વળગીને રડી પડ્યાં. ટેક્સીમાંથી સામાન ઉતારીને ત્રણે જણ ઘરમાં ગયાં. ઘરમાં પગ મૂકતાં જ સેજલે પૂછયું, "પપ્પા ક્યાં છે?" ભાઈએ અંદરના રૂમ તરફ ઇશારો કર્યો. "અને મમ્મી?" સેજલે તરત બીજો પ્રશ્ન પૂછ્યો. "એ પણ પપ્પાના રૂમમાં જ છે. માળા કરી રહ્યાં છે.” ભાઈના ચહેરા ઉપર સહેજ અણગમો ફરક્યો. સેજલે પપ્પાના રૂમ તરફ પગ ઉપાડયો ત્યાં ભાભીએ એને રોકી, "સેજલબહેન પહેલા તમારા રૂમમાં જઈને થોડું ફ્રેશ થઈ જાવ. અઢાર કલાકની મુસાફરી કરીને આવ્યાં છો. પછી ફ્રેશ થવાનો ટાઈમ નહીં મળે." ભાભીએ વહેવારુ સૂચન કર્યું. સેજલને પણ એ સૂચન બરાબર લાગ્યું. પોતાના રૂમમાં પગ મૂકતાં જ શૈશવનાં સ્મરણો સેજલને વીંટળાઈ વળ્યાં. પપ્પા સાથે કરેલી એક-એક ધમાલમસ્તી યાદ આવવા લાગી. ભાઈને નાની અમથી ભૂલ કરવા ઉપર ખખડાવી નાખતા પપ્પા, સેજલને ક્યારેય લડ્યા હોય એવું યાદ નથી. ભાઈ હંમેશા ફરિયાદ કરતો, "તમે હંમેશાં મને જ લડ્યા કરો છો. સેજલને તો કંઈ કહેતા જ નથી." ત્યારે પપ્પા લાડથી કહેતા, "એ તો પારકી છે બેટા. આપણી સાથે વધારે વખત નથી


રહેવાની. અને તારે તો પારકીને પરણીને ઘરમાં લાવવાની છે. એટલે તારાથી કોઈ ભૂલ થાય એ ના ચલાવી લેવાય." બંને ભાઈબહેન પપ્પાની ખૂબ નજીક રહ્યાં છે. બાળપણની યાદમાં મમ્મી કરતાં પપ્પાની છબી વધારે છલકાય છે. સ્કૂલનો કોઈપણ સમારંભ હોય, ક્યાંય બહાર ફરવા જવાનું હોય, પિક્ચર જોવા કે હોટલમાં જમવા જવાનું હોય, બધે પપ્પા સાથે હોય. મમ્મી તો બે ટાઈમ રસોઈ કરી હાથમાં માળા લઈને બેસી જાય. હા, ભાઈ કે બહેન સાજાંમાંદાં હોય તો મમ્મી મન મૂકીને બંનેની સેવા કરતી. માંદાં પડીએ ત્યારે તો મમ્મી જ યાદ આવતી. સેજલને મમ્મીનો નિર્લેપ ચહેરો યાદ આવ્યો. આમ તો નાનપણમાં સેજલ મમ્મીની ખૂબ નજીક હતી. મમ્મી કાયમ હસતી રહેતી અને ઘરમાં બધાંને હસાવતી રહેતી. પતંગિયાની જેમ જ્યાં જાય ત્યાં પોતાના રંગો વિખેરતી, પણ એકદમ જ એને દીક્ષાનું ભૂત વળગ્યું. હસતીરમતી મમ્મી એકદમ નિર્લેપ થઈ ગઈ. પોતાનું કર્તવ્ય નિભાવવા પૂરતી જ સંસાર સાથે જોડાયેલી રહી. ધીરે-ધીરે બંને બાળકો પણ મમ્મીથી દૂર અને પપ્પાની નજીક થતાં ગયાં. "સેજલબહેન તમારી કૉફી." ભાભીના અવાજે સેજલને સજાગ કરી. "જીજાજી કેમ છે? એ પછી આવશે?" ભાભીએ પ્રશ્ન પૂછયો. "મજામાં છે. એનું નક્કી નહીં. આવશે કે નહીં આવે. કારણ કે બંને છોકરાંઓની એક્ઝામ ચાલે છે. એટલે એકે તો ત્યાં રહેવું જ પડે. આપણે ઇન્ડિયા જેવું નહીં કે પડોશીને સોંપીને નીકળી જવાય. છતાંય જોઈએ, કંઈ સેટિંગ થશે તો આવી જશે." સેજલે જવાબ આપ્યો, ત્યાં સેજલનો ફોન રણક્યો. "જીજાજીનો જ ફોન હશે. તમે વાત કરી લો અને કોફી પીને પછી બહાર આવો." ભાભી દરવાજો આડો કરીને બહાર જતી રહી. સેજલે કમને ફોન ઉપાડ્યો, "બોલો!" "બરાબર પહોંચી ગઈ?" સામે છેડેથી સાહિલનો અવાજ આવ્યો. "હંમ્." સેજલે એકાક્ષરી જવાબ આપ્યો. થોડી ક્ષણોની ચુપકીદી પછી ફરી સાહિલનો અવાજ આવ્યો, "સેજલ પ્લીઝ બધું ભૂલી જા. ફરી આવું નહીં થાય. આઈ પ્રૉમિસ યૂ. હું આપણાં છોકરાંઓના સમ ખાઉં છું." "મારાં છોકરાંઓને વચમાં ના લાવતો." સેજલે ગુસ્સો દબાવાની કોશિશ કરી, "એ કાળાં કામ કરતી વખતે છોકરાં યાદ નહોતાં આવ્યાં? ભૂલી ગયો હતો કે તું પરણેલો છું? તારા ભરોસે મારાં મા-બાપ, મારી દુનિયા, મારો દેશ બધું છોડીને ત્યાં આવી હતી. મને દગો દીધા પહેલાં એક પણ વાર વિચાર ના કર્યો? શું કમી હતી મારા પ્રેમમાં બોલ?" "હું સ્વીકારું છું કે મારી ભૂલ હતી. અને હું હજાર વાર માફી પણ માગી ચૂક્યો છું. હવે બીજું શું કરું તો તારો વિશ્વાસ ફરી જીતી શકું? હું તને અને આપણાં બાળકોને ખોવા નથી માગતો. તારા વગરનું જીવન હું કલ્પી શકતો નથી! તું મને માફ નહીં કરે તો આપણું ફેમિલી વીખરાઈ જશે, હું સુસાઈડ કરી લઈશ, પ્લીઝ મને માફ કરી દે…" થોડીક ક્ષણો માટે બંને છેડે મૌન છવાઈ ગયું. "અત્યારે મારે પપ્પા પાસે જવું છે. હું પછી વાત કરીશ." સેજલે ફોન કટ કરી દીધો. સેજલ આંખો લૂછીને ઊભી થઈ અને ધીમા પગલે પપ્પાના રૂમમાં પ્રવેશી. એક હાડપિંજર ખાટલામાં સૂતેલું હતું. ગળામાંથી આવતો ખરખરાટીનો અવાજ એ હાડપિંજરમાં પ્રાણ હોવાનો પુરાવો આપતું હતું. સેજલે ખૂણામાં ખુરશી પર બેસી આંખો બંધ કરી માળા ફેરવતી મમ્મી ઉપર નજર


નાખી. દરવાજાનો અવાજ આવતાં મમ્મીએ આંખ ખોલીને સેજલને જોઈ. એના ચહેરા ઉપર એક ફિક્કું સ્મિત આવીને ચાલી ગયું. 'મમ્મીને છેલ્લે હસતાં ક્યારે જોઈ હતી?' સેજલે દિમાગ ઉપર જોર આપ્યું. બહુ પ્રયત્ન પછી એને યાદ આવ્યું. એ સાતમામાં કે આઠમામાં ભણતી હતી ત્યારે એક દિવસ મમ્મીએ એને તૈયાર કરી, વહાલ કરીને, હસતાં ચહેરે સ્કૂલે મોકલી હતી. એ દિવસે રોજલ સ્કૂલેથી પાછી આવી ત્યારે સ્કૂલ- બસ આગળ મમ્મી એને લેવા નહોતી ઊભી રહી. સેજલને આશ્ચર્ય થયું હતું. ઘરના ઓટલા ઉપર પણ કોઈ હાજર નહોતું. એણે ઘરમાં પગ મૂક્યો. અંદરના રૂમમાંથી મમ્મી-પપ્પાનો અવાજ આવી રહ્યો હતો. સેજલે બારણાની તડમાંથી અંદર નજર નાખી. મમ્મી પલંગ ઉપર બેઠી રડી રહી હતી અને પપ્પા નીચે મમ્મીના પગ આગળ બેઠા હતા, "અલ્પા પ્લીઝ મને માફ કરી દે! હું તારા પગે પડું છું. ફરીવાર આવું નહીં થાય. મારી ભૂલ થઈ ગઈ…" પપ્પાનો આજીજીભર્યો અવાજ સેજલના કાને પડ્યો હતો. મમ્મી રડતાં-રડતાં મક્કમ અવાજે બોલી હતી, "વિશ્વાસ કાચ જેટલો પાતળો હોય છે. એમાં એકવાર તડ પડે પછી એને ગમે તેટલું સાંધો એમાં તડ તો રહી જ જાય છે. તમે ભૂલ કરી ત્યારે જ આપણા સંબંધનો તાર તૂટી ગયો હતો, પણ આપણાં બાળકોના ભવિષ્ય માટે થઈને હું ફરી એને ગાંઠ બાંધીને સાંધી દઉં છું. પણ યાદ રાખજો, આ ગાંઠ હંમેશાં આપણા બંનેની વચ્ચે રહેશે!" સેજલને એ ઉંમરમાં આ સંવાદનો અર્થ નહોતો સમજાયો. એણે ફક્ત એટલું જ નોંધ્યું કે પપ્પા બિચારા ક્યારના મમ્મીને સોરી સોરી કહ્યા કરે છે અને મમ્મી સાવ પથ્થર જેવી છે. પપ્પાને કેટલા દુઃખી કરે છે. બસ, ત્યારથી એ મમ્મીથી દૂર થતી ગઈ. પણ આજે... આજે એને બધું જ સમજાઈ ગયું. એના પગ આપોઆપ મમ્મી તરફ વળ્યાં. માળા પૂરી કરી એની ગાંઠ પકડીને મમ્મીએ આંખે અડાડી. આંખ ખોલીને સેજલ સામે જોયું. સેજલ પ્રેમ નીતરતી આંખે મમ્મીને તાકી રહી હતી. સેજલે મમ્મીની બાજુમાં બેસીને મમ્મીનો હાથ પકડ્યો, "હવે આ ગાંઠ છોડવાની વેળા આવી ગઈ છે મમ્મી! આટલાં વર્ષો સુધી અમારાં માટે, આ પરિવાર માટે, પરાણે આ સંબંધ નિભાવે રાખ્યો છે. તને આ ગાંઠ કેટલી ખૂંચી હશે એનો મને અંદાજ છે, પણ હવે આ ગાંઠ છોડી દે મમ્મી... પપ્પા ને માફ કરી દે! એમને જવા દે! ગાંઠ છોડીને એમને મુક્ત કર અને તું પણ મુક્ત થઈ જા!" મમ્મીની પથ્થરિયા આંખોમાં સહેજ સળવળાટ થયો. થોડી ભીનાશ છવાઈ. સેજલ હાથ પકડીને મમ્મીને પપ્પાના પલંગ પાસે લઈ ગઈ. મમ્મીએ ધ્રૂજતા હાથે પપ્પાના પાંખા થઈ ગયેલા વાળમાં હાથ ફેરવ્યો. વર્ષોથી જે ચહેરા સામે નજર નહોતી માંડી એને ધારીને જોયો. પપ્પાએ આંખો ખોલી... વર્ષો પછી બંનેની આંખ મળી... પપ્પાના હોઠ ફફડયા... અવાજ ના નીકળી શક્યો, પણ ચહેરાની એક-એક રેખાઓ મમ્મીની માફી માગી રહી હતી. મમ્મી ડૂસકાંને દબાવીને ધીમા અવાજે બોલી, "તમને માફ કર્યા! ત્રણ ડચકાં ખાધાં, આંખના ખૂણામાંથી બે આંસુ સર્યા અને પપ્પાએ દેહ મૂકી દીધો. મમ્મી પપ્પાની છાતી ઉપર માથું મૂકીને હૈયાફાટ રડી પડી. રડવાનો અવાજ બહાર સુધી ગયો. ભાઈ-ભાભી અંદર દોડી આવ્યાં. "ગયા... હું નહોતો કહેતો, દીકરીમાં જીવ અટક્યો છે!" ઓસરીમાં ઊભેલાં સંબંધી બોલ્યા.


"આ બધી માયાની ગાંઠો છે ભાઈ. જેટલી વહેલી છૂટે એટલો વહેલો છુટકારો થાય!" એક વડીલે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.