નારીસંપદા : ટૂંકી વાર્તા/સામેના ઓરડાનો પડછાયો

Revision as of 04:37, 22 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સામેના ઓરડાનો પડછાયો

શ્રેયા શાહ

નીરજ મારા ઘરે લગભગ રોજ... વારંવાર અને લંબાણથી ધસી આવતો, એમ.બી.એ., એકલતાથી પીડાતો... એકલો... એકલપંડો પડોશી છોકરો. તેને એકલતા ગમતી નો’તી અથવા તો તેનાથી એકલતા સહેવાતી ન હતી અથવા તો એકલતાના આવરણ નીચે તેની ભીતરમાં ઊઠતા અનેક કોલાહલો કે આંદોલનોની હડિયાપટ્ટીથી બચવા... તે આડોશ, પાડોશના ઘરોની મુલાકાત લેતો, ખૂબ બોલતો... બોલ્યા કરતો... જડબાં હલાવતો... અધૂકડો નીરજ... મારા ગમા-અણગમાથી કે મારા ભાવવિહીન ચહેરાથી પર હતો. મને હંમેશા તેની આંખોની વેધકતાની સપાટી નીચે થોડી તરડાયેલી ગમગીનીનું આંજણ ને રજોટાયેલું મન દેખાઈ આવતું. નાની ઉંમરમાં તેના પિતાએ આપેલો બરછટ ચહેરો તે ખૂબ ચીવટથી સાફ રાખતો અને આછા ભૂખરા વાળને તેલથી લદબદ ઓળ્યા પછી... તેની માંના ચહેરાનો અણસાર ઓઢી લેવાનો પ્રયત્ન કરતો. ક્યારેક દેખાતી તેની આંખોની ભીનાશ તેના બરછટ ચહેરાને ઓછો બરછટ બનાવતી... કે તેની માંના ચહેરાને વધારે એકલવાયો બનાવતી કે તેનાં પોતાના અસલ ચહેરાને અજાણ્યો બનાવી દેતી. ઘણા બધા પ્રયત્નો પછી પણ... નીરજની જિંદગીમાં ખાસ કશું બદલાયું નહીં હોય કે બદલી શકાયું નહીં હોય એટલે તેણે ચશ્માંની ફ્રેમ... અને આંખોનાં ઊંડાણ ને સતત બદલતાં રહેવાનું નક્કી કર્યું હશે. બોલતાં બોલતાં અને શરીરને સરકાવતા... નાક ઉપર લપસી પડેલા ચશ્માંને આંખ સુધી ધક્કો મારી નીરજ... અધૂરાં વાક્યો પૂરા કરતો... કે છોડી દેતો... કે પરિસ્થિતિને ફોકસમાં લેવાનો પ્રયત્ન કરતો. ઘરની દરેક વસ્તુઓને ખૂબ ચોક્સાઈથી ગોઠવતો... ઢાંકવાનો પ્રયત્ન કરતો... કે ખસેડી લીધેલી વસ્તુઓની નીચેના ધૂળના લસરકાઓની પાંડુલિપિ ઉકેલતો નીરજના સફેદ કપડાની પીળાશમાં તે એકલો રહેતો એ વાત પકડાઈ જતી. તો... રોડની ફુટપાથ પર વેચાતાં કાબરચીતરાં ફૂલોની પ્રીન્ટવાળાં શર્ટ પહેરતા નીરજના ટૂંકા કદના શરીર સાથે કે તેની વાતોના અગલતન વિષયો સાથે... તે પોતે ક્યારેય બંધબેસતો થતો નહીં... તે બાબતની ખબર... નીરજની મા... તેના ચરબીથી લચી પડેલા પિયરના ઘરેથી મોટીમસ લાઇફ-સ્ટાઇલ અને મોટાંમસ સપનાઓ લઈને આવી હતી, તો નીરજના પિતા અત્યંત બેસ્વાદ... ફિક્કા... બુઠ્ઠા થઈ ગયેલાં નઘરોળ સપનાઓ લઈને જીવતા હતા... એટલે જ નીરજની મા... નીરજના પિતામાં અને નીરજના પિતા તેના ફિક્કા-બેસ્વાદ સપનાઓ નીરજમાં શોધ્યાં કરતાં... અને નીરજ પણ સતત કશુંક શોધતો હોય તેમ... ચારેબાજુ... મિત્રો, સંબંધો, સ્ત્રીઓ, ઓળખાણો અને ઘરનાં રાચરચીલાંમાં ખાંખાંખોળા કર્યા કરતો... કશુંક અસ્પષ્ટ, અઢળક કે અધધધ મેળવવા... તે કશું ને કશું કર્યા કરતો. પ્રોગ્રામ્સ, સેમિનાર કે કોન્ફરન્સીસ, વર્કશોપ, શોર્ટ ડ્યુરેશન કોર્સીસ, પોસ્ટલ કોરસપોન્ડન્સ, ડિપ્લોમા કે સર્ટિફિકેટ... સવાર કે સાંજ... અહીં કે ત્યાં સતત ખાંખાંખોળા કર્યા કરતો. તે લગભગ બધી જ જગ્યાએ મળતો. કવિસંમેલન કે ડિસ્કોથેક... લાઇબ્રેરી કે એક્ઝિબિશન... બધે જ પ્રસરી રહેતો નીરજ... જમણા કે ડાબા હાથની મુઠ્ઠીમાં સંતાડેલી એકલતાને જાણે કે... બધે જ વેરવિખેર કરી નાખવા માંગતો હોય તેમ... નવાણું ટકા બધી જ બાબતોની તેની ખબર છે એવું તે કહેતો અને હું એક ટકાની જેનરૉસિટી બતાવવા બદલ તેનો આભાર માનતી. તે ઘણુંબધું બોલી શકતો... બોલ્યા કરતો... ફાઇનાન્સથી ફાઈનઆર્ટ્સ અને પોલિટીક્સથી પોર્નોગ્રાફી સુધીના અનેક વિષયો પરથી સરકતો સરકતો નીરજ... તેના વ્યક્તિત્વની દરેક સ્ક્વેર ફીટને તસોતસ ભરી દઈ... હંમેશા બીજા લોકો પર થોપાઈ જવાનો પ્રયત્ન કરતો અને દરેક માણસના કાન અને સમય તેની નીજી માલ-મિલકત હોય તેમ... માની... એવું જ માન્ય કરતો. નીરજ આમ તો સાવ અધૂરો રહી ગયેલો, જડબાને સખત દબાવી રાખીને બોલતો, હાથના વધુ પડતા હલનચલન દ્વારા બીજા સુધી પહોંચવાના પ્રયત્નો કરતો... ઘમંડી... પાટલૂનના ડાબા ખિસ્સાને ફંફોસતો અને રાત્રે આવેલા ભયંકર સપનાનો હેંગઓવર અનુભવતો... નીરજ... સ્ત્રીઓ સાથે... કોઈપણ પ્રકારની સ્ત્રીઓ સાથે... કંઈક જુદી રીતે... જુદા હલનચલન, જુદાં જડબાં, કે જુદાં સપનાઓ કે જુદા બરછટ ચહેરા સાથે કે જુદા ભૂખરા વાળ સાથે... જુદો બની વર્તતો. તેને સ્ત્રીઓ ખૂબ ગમતી. તે દરેકે દરેક જગ્યાએ પહેલા સ્ત્રીઓને શોધી લેતો. તે સ્ત્રીઓને શોધે છે તેની તેને પોતાને પણ ગતાગમ નો’તી. પરંતુ તેની ચશ્માંની ફ્રેમ કે આંખોનાં ઊંડાણની આજુબાજુ કોઈ સ્ત્રી મંડરાતી હોય એ બાબત...

*****

નીરજની ભૂગોળની ચોપડીમાં તેના ગામનું નામ આવતું નો’તું કે નક્શો ચિતરી શકાય તેવી તેના ગામની આકૃતિ નો’તી – તે છતાં નીરજ તે ગામમાં જન્મ્યો... અને નાના નળિયાવાળા મકાનની ડાબી બાજુના પહેલા ઓરડામાં... નાના નાના શ્વાસ લઈ નીરજે જીવવાનો પ્રયત્ન કર્યો... નીરજના પિતા કામકાજ અંગે વારંવાર બહારગામ જતા એટલે જ નીરજ... તેના પિતામાં પોતાની પ્રતિકૃતિ શોધતો કે તેના પિતાને ચાહતો કે... તેના પિતાના સપનાઓને ઘરનાં કાળાં-ભૂખરાં નળિયાઓમાં સંતાડી પોતાના જીવતરનો નક્શો તૈયાર કરતો... તેની કોઈને ક્યારેય ખબર પડતી નહીં... નીરજને રાત ગમતી, રાતનો અંધકાર ગમતો... અને અંધકારમાં હરીકેનની વાટ ધીમી કરી... નીરજ તેની માના ઓરડાના બારણાંને અમસ્તો અમસ્તો જોઈ રહેતો. આવી જ એક રાતે... નીરજે જોયું કે તેની માના ઓરડામાં મોડી રાતે હરીકેનની, પડછાયાઓની અને કોઈના ઊંચાનીચા શ્વાસોની, દબાયેલા અવાજોની ચહલ-પહલથી જાણે કે... તેની માનો ઓરડો... તેનું શરીર, તેનાં મોટાંમસ સપનાઓ અને પિતાની ગેરહાજરી... બધું જ જાણે ચકરાવે ચડ્યું હોય એમ... નીરજે આખી રાત અવાજો સુંઘ્યા કર્યા અને... પડછાયાઓ સાંભળ્યા કર્યા અને બારણાની તીરાડમાંથી આવતી કોઈ તરબતર અત્તરની સુગંધનો પ્રવાહ જોયા કર્યો. ને પોતાના બરછટ ચહેરાને લૂંછી લૂંછી... સૂંવાળો બનાવ્યા કર્યો ને... રાતના જાડા અંધકારનું બારણું અને પોતાનું કણસતું શરીર ને પોતાની કંપતી પથારી... ને તરબતર અત્તરની સુગંધ આ બધો જ માલ-અસબાબને પોતાની જમણી કે ડાબી મુઠ્ઠીમાં ચસોચસ દબાવી નીરજે નક્કી કર્યું કે... તે હવે જલ્દી મોટો થઈ જશે... ને મોટો થયા કરશે.

*****

દિવાસળીના ટોચકા જેવું ગામ ને એક મોટોમસ દરિયો હતો નીરજ... આ દરિયાના ખડકાળ પથ્થરો ઉપર બેસી... દરરોજ પોતાને ઉલેચતો હોય તેમ થોડા થોડા પથ્થરો અને પાંચીકાઓ દરિયામાં ફેંક્યા કરતો. અને રાહ જોતો ક્યારે આખો ને આખો દરિયો ધરબાઈ જઈ તેની અંદર સમાઈ જાય... અને ક્યારે ભરતીના મોજાઓની છાલકથી... તે પોતે ક્યારે આખો ને આખો ભીંજાઈ જાય. અને આવી ને આવી રાહ જોતાં... એક દિવસ નીરજને મળી એક કળિયા જેવી છોકરી... માધવી. માધવીની મોટી આંખોમાં કબુતરનો ઘુઘુકાર હતો અને આંખોનું કાજલ હંમેશા થોડું નીચે ઉતરેલું રહેતું હોવાથી તેની આંખો કોરી લાગતી અને ગાલ તથા ચહેરો ફીક્કો. માધવીની આંખોમાં ભૂતકાળની ભુતાવળો નાચતી જોવા મળતી અને સતત કંપતા હોઠ ઉપર... ઝાડી-ઝાંખરાની સુક્કાશ તરવરતી રહેતી. માધવી ગોરી... પાતળી અને જથ્થાબંધ વાંકડીયા વાળવાળી છોકરી. તે હંમેશા ખુલ્લા અને લાંબા કપડાં પહેરતી. લગભગ આખા શરીરને ઢાંકી રાખતી. અઢળક સળ પડતાં તેનાં કપડાંની ભીતરથી માધવીના શરીરનો ખરો આકાર ક્યારેય દેખાતો નો’તો અથવા તો માધવી તેને દેખાવા દેતી નો’તી. માધવી લગભગ ઓછું અથવા કદાચ નહીં જેવું જ બોલતી અથવા તો કદાચ તેને બોલવું ગમતું નહીં કે આવડતું નહીં. અથવા તો કદાચ તેના બંધ હોઠો પર... ખાલી પ્લેટ ઉપરના છરી-કાંટાના ટકરાવાના અવાજો જેવા તેના બચપણના અવાજો અવિરત ચાલ્યા કરતા. બચપણની કો’ક દિવાળીની કો’ક સાંજે... ઘરના ફળિયામાં જ ફટાકડા ફોડતો તેનો ભાઈ... માધવીની નજર સામે જ બળી ગયો ત્યારે ઘરની અંદરના કોલાહલો અને ભાઈની ચિચિયારીઓમાં સ્તબ્ધ ઊભી રહી ગયેલી... માધવી... જ્યારે જ્યારે કોલાહલો સાંભળતી ત્યારે ત્યારે તેની ચામડી થોડી ભૂરી બની જતી... અને તેના જથ્થાબંધ વાંકડીયા, સુક્કા વાળની નીચે તે હમેશાં તેના કાનને ઢાંકી દેતી. એક કળિયા જેવી... સ્તબ્ધ આંખો, ફીક્કો ચહેરો અને જથ્થાબંધ વાંકડીયા વાળવાળી છોકરી... માધવી... એક દિવસ દરિયાકાંઠાના... ખડકો ઉપર બેઠેલા નીરજની નજરે ચડી. બન્નેએ એકબીજા તરફ જોયું, પછી દરિયા તરફ, પછી એકબીજા તરફ અને ફરીથી દરિયા તરફ જોવાનું માંડીવાળી... ફરીથી એકબીજા તરફ જોયું ત્યારે... માધવીની ચામડી સહેજ ભૂરી બની ગઈ અને નીરજના ચશ્માં નાક સુધી ઊતરી આવે એ પહેલાં... નીરજને આખી પરિસ્થિતિ પૂરતા ફોકસમાં આવી ગયેલી. એટલે જ નીરજે... પોતાના બચપણની એક કણસતી રાતને માધવીના હાથમાં સરકાવી દેવા... પોતાનો હાથ લંબાવ્યો... અને માધવીએ... તેના ઘરની... ફળિયાની... તેની અંદરની ચિચિયારી ઓગાળી દેવા... નીરજનો હાથ પકડી કિનારાના એક મોટામસ ખડક ઉપર નીરજની લગોલગ બેસી... હોઠ ઉપરની દરિયાની ખારાશને જીભ ફેરવી ચાટ્યા કરી...

*****

અને આમ ને આમ... ત્રણેક મહિના સુધી દરિયાની ખારાશ. આંખોમાં બેઠેલા કબુતરનો ઘુઘુકાર, વાંકડિયા જથ્થાબંધ વાળની ઘેઘુરતા અને નીરજના પિતાએ આપેલો બરછટ ચહેરો દરિયાના પાણીની ભીનાશમાં ભીંજાતા રહ્યા. અને માધવીનો હાથ નીરજ સુધી લંબાતો નીરજની આસપાસ ફેલાતો રહ્યો. નીરજને માધવી ગમવા માંડી. તેના સળ પડેલા કુરતામાંનું શરીર, બંધ હોઠ અને રોમાંચ અનુભવતી તેની ભૂરી ચામડી...માં નીરજનું રજોટાયેલું મન હડીયાપટ્ટી કરતું હાશકારો અનુભવવા માંડ્યું.

*****

પરંતુ એક દિવસ... કાળા ખડકો વચ્ચે કાળો કુરતો પહેરેલી ગોરી... ફિક્કી, દરિયાની ભીની છાલકમાં પગ ખૂંપાવી ઊભેલી માધવી... અમસ્તા દરિયાને અમસ્તો અમસ્તો જોઈ રહી હતી ત્યારે... પહેલી વખત છાંટેલા કોઈ અત્તરની સુગંધનો મોટોમસ લિસોટો... ધારદાર છરીની જેમ ઊડી... નીરજ સોંસરવો ઊડી નીકળ્યો. નીરજ આ ધારદાર અત્તરની સુગંધમાં વિલાઈ ગયો. તેની આંખ સામે મોડી રાતનું હરીકેન, પડછાયાઓની અને કોઈના ઊંચા-નીચા શ્વાસોની, દબાયેલા અવાજોની અને માંના ઓરડાના બારણાની... ચિચિયારીઓ ચકરાવો લેવા માંડી. માધવીના શરીરની તરકમાંથી આવતી તરબતર અત્તરની સુગંધમાં તેને પોતાનું કણસતું શરીર અને કંપતી પથારી દેખાવા માંડી. અને નીરજનો બરછટ ચહેરો અને બરછટ અવાજ અને બરછટ હાથની બંધ મુઠ્ઠી... માધવીના શરીર સુધી પહોંચી તેને હચમચાવી... તેને પીંખી નાખી...! એક કાળઝાળ કોલાહલમાં ફેરવાઈ ગઈ. ‘‘આ... આ અત્તર તું ક્યાંથી લાવી...?’’ કેમ...? ...તને... આ અત્તર કોણે આપ્યું? માધવીનું ફળિયું તેના નાના ભાઈની ચિચિયારીઓથી... તેની વેદનાથી... તેના સળગી રહેલા માંસની દુર્ગન્ધથી છલકાઈ ગયું. ‘‘બોલ ! આ... અત્તર... તું ક્યાંથી લાવી?’’ અને નીરજનો તરડાયેલો અવાજ... સમડીની જેમ ચકરાવો લેતો માધવીની આજુબાજુ મંડરાવા માંડ્યો. તેના કપડાના સળની ધ્રુજારીમાં તેની આંખોનું કાજલ નીચે... વધારે નીચે દદડી આવ્યું. તે કશું ન બોલી શકી, અથવા તો તેનો અવાજ એક માત્ર ઘુઘુકાર સિવાય કોઈ અર્થ પ્રગટ ન કરી શક્યો. ‘‘બોલ ! જવાબ આપ ! આ અત્તર કોણે આપ્યું?’’ નીરજ બોલતો જ રહ્યો, પ્રશ્નો પૂછતો જ રહ્યો, અવાજો કરતો જ રહ્યો, અને તેની બંધ મુઠ્ઠીમાં છુપાયેલો સાત વર્ષનો નીરજ... બંધ બારણાંની તરડને તાકતો જ રહ્યો... અને તેની માના મોટાંમસ સપનાઓની ચિતરામણ જોતો રહ્યો. માધવીના ફિક્કા ચહેરા ઉપર... અને માધવીના કાન ઉપરના વાંકડિયા વાળ વધારે ઘટ્ટ થતા રહ્યા. અને નીરજના અવાજો બરડ બનતા જ રહ્યા અને માધવીના બરડ વાળની ઘટ્ટ દિવાલને અથડાઈ પાછા આવતા બરડ અવાજો... નીરજને અંદરથી વધારે બરડ બનાવતા રહ્યા...

*****

અને આમ ને આમ... પીળાશ પડતાં સફેદ કપડાં પહેરતો નીરજ બરછટ ચહેરો અને માની ભીનાશ ઓઢેલી આંખોવાળો નીરજ, તેની અંદર છુપાયેલા સાત વર્ષના બાળકને ટપારતો, વઢતો, બુચકારતો, બબડતો નીરજ, અસંખ્ય બંધ બારણાં અને અસંખ્ય તરડોથી સંધાયેલો નીરજ, દરિયો, ખડકો, પાંચીકાઓ અને માણસો સાથે સંબંધ બાંધતો, તોડતો, જોડતો નીરજ, દીવાસળીના ટોચકા જેવા ગામથી શહેર સુધી લંબાયેલો નીરજ, કાળા નળિયાંનું આકાશ ઓઢેલો નીરજ, સ્ત્રીઓને શોધતો નીરજ... સ્ત્રીઓને ધિક્કારતો... નીરજ આમ ને આમ મોટો થતો ગયો... તેના નસકોરામાં ભરાયેલી અત્તરની સુગંધને આમથી તેમ ખોતરતો રહ્યો... અને માધવીના બાપના શરીર ઉપર પથરાયેલી તેની માના શરીરમાં... માધવીનું ઓગળી ગયેલું શરીર... શોધતો જ રહ્યો...