લેખક-પરિચય
શ્રીકાન્ત શાહ(જ. 29.12.1936) : ગુજરાતી સાહિત્યના આધુનિકતા-કાળના એક નોંધપાત્ર કવિ, નવલકાર અને એકાંકી નાટકકાર. એમના ‘એક'(1962) નામના કાવ્યસંગ્રહમાં અછાંદસ કાવ્યો છે; એકાંકીકાર તરીકે સામાજિક-મનોવૌજ્ઞાનિક વિષય-વસ્તુ પરનાં મંચનક્ષમ નાટકો એમણે લખેલાં. ‘તિરાડ અને બીજાં એકાંકી'(1972)થી એવા નાટકોના લેખક તરીકે એ જાણીતા થયેલા. ને યુનિવર્સિટીના યુવક-મહોત્સવોમાં એ એકાંકીઓ ઘણાં વર્ષો સુધી ભજવાતાં રહેલાં. શ્રીકાન્ત શાહે સૌથી વધુ ધ્યાન ખેંચેલું એમની લઘુ નવલકથા ‘અસ્તી'(1964 અને બીજી આવૃત્તિ 2006)થી. એક જ પાત્રની નજર સામે દેખાતાં દૃશ્યોનું વર્ણન અને એ પાત્રના એ અંગેના પ્રતિભાવો પર ચાલતી આ કથા વિનાની કથા સંકેતો અને કલ્પનોથી ધ્યાનપાત્ર બનતી રહે છે. એ સમયે આ નવલ ઘણી ચર્ચાસ્પદ બનેલી. શ્રીકાન્ત શાહે ઘણાં વર્ષ મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કરેલું. વય્ચે કેટલોક વખત એ ‘ગુજરાત સમાચાર’ સાથે પણ સંકળાયેલા.