અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ માણેક/હરિનાં લોચનિયાં

Revision as of 04:52, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


હરિનાં લોચનિયાં

કરસનદાસ માણેક

એક દિન આંસુભીનાં રે
         હરિનાં લોચનિયાં મેં દીઠાં!
પચરંગી ઓચ્છવ ઊછળ્યો'તો અન્નકૂટની વેળા :
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા'તા ભેળા!
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી :
શત શગ કંચન આરતી હરિવર-સંમુખ નર્તન્તી.

દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,
દેવદ્વારની બ્હાર ભટકતા ટુકડા કાજ ટટળતા;

તે દિન આંસુભીનાં રે
         હરિનાં લોચનિયાં મેં દીઠાં!

લગ્નવેદિપાવક પ્રજળ્યો'તો, વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજન મા’જન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા;
જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેતસમાણું,
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું :

`બ્રાહ્મણવચને સૂરજસાખે' કોમળ કળી ત્યાં આણી,
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી;

તે દિન આંસુભીનાં રે
         હરિનાં લોચનિયાં મેં દીઠાં!

ભયથરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા :
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ-લાલચે ધાયાં!
થેલી, ખડિયા, ઝોળી, ત્રિજોરી, સૌ ભરચક્ક ભરાણાં :
કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા!

ધીંગા ઢગલા ધાન્ય તણા સો સુસ્તો માંહીં તણાણા :
રંક ખેડુનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં!

તે દિન આંસુભીનાં રે
         હરિનાં લોચનિયાં મેં દીઠાં!

હૂંફાળાં રાજવીભવનોથી મમતઅઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદ્દીઓએ દીધાં જુદ્ધ-દદામાં!
જલથલનભ સૌ ઘોરઅગનની ઝાળ મહીં ઝડપાયાં :
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઈ હડકાયા;

નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઊભરાણાં :
લખ લખ નિર્મળ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણાં;

તે દિન આંસુભીનાં રે
         હરિનાં લોચનિયાં મેં દીઠાં!

ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં!
વસંત વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધાય ભુલાણા :
જીવનમોદ તણા લઘુતમમાં પ્રગતિપદ છેદાણા;

હર્ષઝરણ લાખો હૈયામાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં :
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં;

તે દિન આંસુભીનાં રે
         હરિનાં લોચનિયાં મેં દીઠાં!