અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/નો મળ્યા

Revision as of 04:54, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


નો મળ્યા

દુલા ભાયા ‘કાગ’

અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે…
ચડનારા કોઈ… નો મળ્યા રે…
અમે, દાદરો બનીને ખીલા ખાધા રે…
તપસ્યાનાં ફળ… નો ફળ્યાં રે… ટેક

માથડાં કપાવી અમે… ઘંટીએ દળાણા… (૨);
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે…
જમનારા… કોઈ નો મળ્યા રે… અમે.

નામ બદલાવ્યાં… અમે પથિકોને કાજે… (૨);
કેડો બનીને જુગ જુગ સૂતા રે…
ચાલનારા કોઈ… નો મળ્યા રે… અમે.

પગે બાંધ્યા ઘૂઘરા ને… માથે ઓઢી ઓઢણી… (૨);
ઘાઘરી પ્હેરીને પડમાં ઘૂમ્યા રે…
જોનારા… કોઈ નો મળ્યા રે… અમે.

કુહાડે કપાણા અમે… આગ્યુંમાં ઓરાણા… (૨);
કાયા સળગાવી ખાખ કીધી રે…
ચોળનારા કોઈ… નો મળ્યા રે… અમે.

સ્વયંવર કીધો આવ્યા… પુરુષ રૂપાળા… (૨);
કરમાં લીધી રૂડી વરમાળા રે…
મુછાળા કોઈ… નો મળ્યા રે… અમે.

‘કાગ’ બ્રહ્મલોક છોડ્યો છોડ્યો પતિતોને કાજે… (૨);
હેમાળેથી દેયું પડતી મેલી રે…
ઝીલનારા કોઈ… નો મળ્યા રે… અમે.