પ્રારંભિક
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૫: સપ્ટેમ્બર ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૯/૨૦૨૪
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૯/૨૦૨૪
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
નંદલાલ બોઝની કળા હરિપુરા મંડપ સુધી દોડી આવી
અનુક્રમ
સંચયનઃ બીજો તબક્કો: અંક - પ: સપ્ટેમ્બર, ૨૦૨૪
સમ્પાદકીય
» હું વૃક્ષવાદી છું ~ મણિલાલ હ. પટેલ
કવિતા
» યાહોમ કરીને પડો ~ નર્મદાશંકર દેવે (નર્મદ)
» સદાકાળ ગુજરાત ~ અરદેશર ખરબરદાર
» એકલો ~ ઝવેરચંદ મેઘાણી
» પરમ સખા મૃત્યુ ~ ચુનીનાલ મડિયા
» ખંડેરની હવેલી ~ રામપ્રસાદ શુક્લ
» પગલાં ~ સુન્દરમ્
» અંતરપટ ~ જુગતરામ દવે
» અમોલાં અમોલાં કવન વ્હેંચવા છે ~ ગુલામમોહમ્મદ શેખ
» ઢીંચણ પર માખી બેઠીને... ~ રાવજી પટેલ
» તમે આવો તો... ~ મણ સોની
» વિદાય ~ કુલીનચન્દ્ર યાજ્ઞિક
» વતેસર ~ હરીશ મીનાશ્રુ
» તમે ટહુક્યાં ને... ~ ભીખુ કપોડિયા
» ભણતર ભુલાવો, મારા સાયબા... ~ વિનોદ જોશી
» પાંદડા ~ જયેન્દ્ર શેખડીવાળા
» તું જેને વરસાદ કહે છે ~ જયેન્દ્ર શેખડીવાળા
» કામની વાત એક જ ~ પીયૂષ ઠક્કર
વાર્તા
» અડધી રજા ~ પ્રવીણસિંહ ચાવડા
ઓથાર ~ મીનળ દવે
નિબંધ
» છીપ ~ ચન્દ્રકાન્ત શેઠ
વિવેચન
» ગીતમાં લયવિધાન ~ લાભશંકર પુરોહિત
» સર્જકની નજરે સર્જકો ~ ચુનીલાલ મડિયા
કલાજગત
» કલાદૃષ્ટિ ~ નંદલાલ બોઝ, અનુવાદ: કનુ પટેલ
તમામ રેખાંકનો તથા ચિત્રો નંદલાલ બોઝ
સમ્પાદકીય
“હું વૃક્ષવાદી છું”
ꕥ મણિલાલ હ. પટેલ ꕥ
‘બ્હારથી એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’
- મરીઝ
મરીઝ સાહેબનો આ શેર મને મારેય માટે સાચો લાગ્યો છે. દુનિયા કહો કે જીવન યા સંસાર/સમાજ પીડા બહુ આપે છે. કાયમ કસોટીની એરણ પર આપણે હોઈએ છીએ, ત્યારે આપણને કોઈ અગોચર તત્ત્વ મદદ કરતું હોય છે. બહુ કસોટી થાય ત્યારે એ આપણી બહુ નજીક આવીને કાળજી લ્યે છે. જીવનમાં ઘણા કપરા અનુભવો થયા છે- ને ત્યારે સગાંવ્હાલાં કે મિત્રો કરતાં પણ કોઈ ‘અજાણ્યું’ આપણી સંભાળ લેતું રહે છે- એ મારો અનુભવ છે. એક પંખી ટહુકો આપણને ઉગારી લે છે. હું નાસ્તિક નથી, પરંતુ હું ‘મંદિરવાદી’ પણ નથી, મારો ઈશ્વર મંદિરો-દેવળો-મસ્જિદો કે ગુરુદ્વારાઓમાં નથી વસતો. એ તો હમેશાં વૃક્ષોમાં વસે છે શ્વસે છે. હું ‘વૃક્ષવાદી’ છું. વૃક્ષથી મોટું મંદિર ક્યાંય નથી, માટીથી કોઈ અદકેરી માતા નથી. આજે હું અહીં સુધી પહોંચીને માટી, સૂર્ય, હવા-પવન, જળ અને આકાશને જરીક ઓળખતો થયો છું. મારી આસ્થા રહસ્યમય પ્રકૃતિમાં છે.
હું કશીય સગવડ વગરના તળગામમાં મોટો થયો છું. જીવવા માટેય ત્યારે તો બહુ અગવડો હતી પણ એવા અનુભવો-અગવડોએ મારું ઘડતર કરીને મને વૃક્ષવાદી બનાવ્યો છે! બાળપણમાં જે કૈંક ખાવાપીવાનું ઘરમાં ન્હોતું મળતું તે વૃક્ષો વનરાજી નદી સરોવર પ્હાડોએ અને ખેતર-સીમ-વગડાએ આપેલું-એટલે આજે પણ હું વૃક્ષો પાસે વધુ જાઉં છું- મંદિરો મારી આસ્થાનો વિષય નથી. ઘરમાં બાપુજી- (અમે કાકા કહેતાં)-નાહી ધોઈને, ગોખલામાં મૂકેલી છબીઓમાં ફોટારૂપે બિરાજમાન દેવીદેવતા સમક્ષ ઘીનો દીવો કરી સીમ વગડે ચાલ્યા જતા! અમે તો માટી અને મેઘમાં માનનારા પૂર્વજોનાં પ્રકૃતિવાદી સંતાનો છીએ...! પ્રકૃતિએ જ અમને પાળ્યાં પોષ્યાં છે.
મારા ગામપાદરે એક જર્જરીત શિવાલય પડવાને વાંકે એમ જ ઊભેલું હતું- જે હવે એક નાનકડી દેરી બનીને રહી ગયું છે. હવે તો અપૂજ બનીને ઝાંખરામાં ઢંકાઈ ગયું છે - ત્યારે પણ ત્યાં આરતી કરનારું કોઈ ન્હોતું. અમે તો પાદરના વિશાળ વડદાદા તથા લીમડાઓની વચ્ચે એમની સંગે રમતા રહેતા. અમને કદીય ભગવાનની જરૂર પડી ન્હોતી. આજે પણ નથી પડી! કેમકે એ તો ચોપાસ પ્રકૃતિરૂપે હાજરાહજૂર છે. અમને આંબા આંબલી રાયણ-મહુડાએ ગોદ લીધેલા હતા. અમને પ્રકૃતિનાં રહસ્યો ગમે છે, અમે મુગ્ધતાથી વનોવૃક્ષો તથા મોલભરેલાં ખેતરોને જોયા કરીએ છીએ –હજી એમનો એ ખોળો જ શ્રદ્ધા અને આશા પ્રેરતો ને વ્હાલ કરતો લાગે છે. ફૂલોફળોથી લચી પડતાં છોડ તથા વૃક્ષો અને કંટીઓ, ડૂંડા, કણસલાંથી શોભતાં –વ્હાલથી બોલાવતાં ખેતરો જ મારે મન ઈશ્વરની દેણ છે. એ છાનોમાનો આપ્યા જ કરે છે. કેમકે એ મહેનતની કદર કરી જાણે છે. ઘરેથી રિસાઈને આખો દિવસ રાયણવૃક્ષોની ઘટામાં બેસી રહેતા ને રાયણ ખાઈને ભૂખ ઓછી કરતા. પ્રકૃતિની એ કૃપા આજેય છે ને અજેય પણ છે- આ વલણ સહજ છે. એને રહસ્ય પણ કહી શકો. માનવ અને પ્રકૃતિની આ ચેતનાને ચાહીચાહીને સમજવાની છે.
અમારાં એ ગામડાંનાં લોકો ખેતરોમાં-ઝાડવામાં જીવન પૂર્ણ કરી દેતાં. એમણે કદી ફરિયાદ ન્હોતી કરી - અભાવોની ફરિયાદ. અન્નને દેવ માનનારાં એ લોકો પશુપંખી સાથે પણ વ્હેંચીને ખાતાં; લાલસા નહિવત્ હતી. ઘડતરના એવા દિવસો હવે નવી પેઢીઓને મળતા નથી - પીડાઓ એની જ છે.
ગાઈ-નાચીને, સમૂહમાં ખાઈપીને પર્વો-પ્રસંગો ઉજવતા એ પૂર્વજોની દુનિયા હવે આજે અચરજ લાગે છે. ખરી મજા તો ગઈ. અમારાં લોકની એ દુનિયા બહુ સીમિત હતી - પણ એમાં ચૌદેય લોક સમાઈ જતા.
મુસાફરી તો પાવાગઢ, ડાકોર, અંબાજી કે દ્વારકા સોમનાથ સુધીમાં તો પૂર્ણ થઈ જતી. કોઈક રામેશ્વર, બદરીનાથ કે કાશી ગોકુળ મથુરા જઈ આવતાં તો કહેતાં કે અમે તો નવ ખંડ ધરતી ખૂંદી વળ્યાં! કેવો સંતોષ! ઘર વાડામાં સાપ નીકળતો ત્યારે દાદા કહેતા કે એ તો પૂર્વજ છે - આપણી રક્ષા કરવા ફરે છે. બાપાના અંગમાં પૂર્વજ રમતો ત્યારે એ તેને પડકારા કરીને ભગાડતા – એમ બધાં માનતાં. એકવાર ભયંકર આંધીતોફાન કરાના વરસાદમાં મોટીબેન અમને આંબલીના થડમાં સંતાડીને બચાવી લાવેલી. વગડે જતાં કોઈ ગાંડી સ્ત્રીએ મને બાથમાં લઈને કચકચાવવાનો પ્રયાસ કરેલો ત્યારેય મોટીબેને મને બચાવી લીધેલો. કોઈ રહસ્ય તત્ત્વ મને બચાવતું ને પ્રેરતું રહ્યું છે. ધોધમાર વરસાદમાં દાદા અમને ડુંગરાવાળા ખેતરથી સાગનાં પાનની છત્રી કરીને ઘરે લઈ આવતા. બા અને રામીમા એમના ખાવાના ભાગમાંથી પણ અમને આપી દેતી ને આંખો છલકાવતી, બાપા મારી કૉલેજની ફી માટે પૈસા શોધવા જતા ને ખાલી હાથ આવતા-નિરાશ ને ઉદાસ! બીજે દિવસે કશીક વ્યવસ્થા થઈ જતી- કોણ હતું જે આમ સંભાળ લીધા કરતું?? નદીમાં-મહીસાગરમાં (સાવ ઘર પાસે ગણાય) - ન્હાવા જતા ને તરતાં શીખતી વેળા ડૂબવા લાગેલા અમે બંને ભાઈ! ચોપાસ કોઈ ન્હોતું ત્યારે અચાનક પાણીમાં તરતી ભેંસો પાસે આવી ને અમે એની પીઠે ચડીને તરી ગયા- બચી ગયા! બપોરીવેળામાં આમ ભેંસો ક્યાંથી આવી હશે?! ૧૯૯૨માં ઓરિસ્સા-પ.બંગાળના પ્રવાસમાં તો બેત્રણવાર મુશ્કેલીમાં મદદ મળેલી – સામેથી! જારસુઘુડાથી ભુવનેશ્વર જવા મને ઢળતી રાતે કોઈ પણ બસનો કંડક્ટર ના પાડતો હતો - કહેતોઃ ‘જગહ નહીં હૈ!’ ત્યારે, મને પ્રવાસી તરીકે નિરાશ જોઈને એક યુવાને પાસે આવીને પૃચ્છા કરી બસમાં ટિકિટ અને જગ્યા પણ અપાવી - એ પત્રકાર મિત્ર હતો લાલમોહન પટ્ટનાયક! એ કટક ઊતર્યો ત્યારે નિમંત્રણ ને સરનામું આપતો ગયેલો! એજ પ્રવાસમાં હાવરા/કલકત્તા તથા જલપાઈગૂડીનાં સ્ટેશનોએ મને પોલિસની ગાડીએ તો ક્યાંક સહપ્રવાસીએ લિફ્ટ આપી સલામત સ્થળે પ્હોંચાડ્યો હતો, સતના-ખજૂરાહો તથા ભોપાલમાં મધરાતે મદદ કરનારા મળ્યા હતા! કોઈ મારી સંભાળ લે છે. એની પ્રતીતિ મને ઘણીવાર થતી રહે છે. સંકટ આપનાર જ ઉગારવાની યોજના કરે છે - દૂર રહીને પીડા આપનારો ‘એ’ પાસે આવીને મદદની વ્યવસ્થા કરે છે - બીજે દિવસે હું અેને નવી કૂપળમાં હસતો જોઉં- અનુભવું છું. ૧૯૯૩માં યુ.કે. જતાં. એક સપ્તાહ પ્હેલાં એક સાંજે એક દમ્પતિ-સાઠી વટાવેલું/ક્રિશ્ચિયન લાગતું-મળવા આવ્યું. હું એમને કદી મળેલો નહીં- નામઠામ જાણું નહિ ને પૂછ્યું ય નહિ. એ બંને મને બહુ આત્મીય લાગ્યાં. કહેઃ તમને શુભેચ્છા પાઠવવા આવ્યાં છીએ, મેં એમને જોસેફ મેકવાનનાં બે પુસ્તકો વાંચવા માટે આપ્યાં. એ ગયાં એ ગયાં - જીવનમાં ક્યાંય કદીય મળ્યા જ નહિ! આજેય થાય છે કે એ કોણ હતાં? કદાચ જિસસ ક્રાઈસ્ટે મોકલેલાં દૂત હતાં?! હા! કદાચ. મારા એ બે માસના પ્રવાસમાં યુ.કે.માં મને એ બંને સતત યાદ આવ્યાં કરતાં! હું એમને ભીતરમાં અનુભવતો. મને બચાવનારી મોટીબેન અને વ્હાલ નહિ કરી શકેલી દુઃખીયારી બા તો મને દશ વર્ષનો મૂકીને ગૂજરી ગયાં હતાં - પણ મારી રક્ષા કરવા જાણે એ કોઈને કહેતાં ગયેલાં હશે એવું આજેય લાગે છે.
મંદિર-મૂર્તિઓ શ્રદ્ધાનાં પ્રતીકો ભલે હશે! પણ ‘મારો રામ’ તો પ્રકૃત્તિમાં વસે છે ને કોઈ અજાણ્યા માણસમાં-ગરીબડા છતાં પરગજુ માણસમાં શ્વસે છે એની મને ખાતરી છે. હું મંદિરમાં નહિ પણ વૃક્ષો પાસે જાઉં છુંઃ એ મને હંમેશા મારાં લાગ્યાં છે.
કવિતા
નર્મદાશંકર દવે (નર્મદ)
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે .... યા હોમ...
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઇંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે ... યા હોમ...
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે ... યા હોમ...
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે ... યા હોમ...