પ્રારંભિક
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૫: સપ્ટેમ્બર ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૯/૨૦૨૪
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૯/૨૦૨૪
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
નંદલાલ બોઝની કળા હરિપુરા મંડપ સુધી દોડી આવી
અનુક્રમ
સંચયનઃ બીજો તબક્કો: અંક - પ: સપ્ટેમ્બર, ૨૦૨૪
સમ્પાદકીય
» હું વૃક્ષવાદી છું ~ મણિલાલ હ. પટેલ
કવિતા
» યાહોમ કરીને પડો ~ નર્મદાશંકર દેવે (નર્મદ)
» સદાકાળ ગુજરાત ~ અરદેશર ખરબરદાર
» એકલો ~ ઝવેરચંદ મેઘાણી
» પરમ સખા મૃત્યુ ~ ચુનીનાલ મડિયા
» ખંડેરની હવેલી ~ રામપ્રસાદ શુક્લ
» પગલાં ~ સુન્દરમ્
» અંતરપટ ~ જુગતરામ દવે
» અમોલાં અમોલાં કવન વ્હેંચવા છે ~ ગુલામમોહમ્મદ શેખ
» ઢીંચણ પર માખી બેઠીને... ~ રાવજી પટેલ
» તમે આવો તો... ~ રમણ સોની
» વિદાય ~ કુલીનચન્દ્ર યાજ્ઞિક
» વતેસર ~ હરીશ મીનાશ્રુ
» તમે ટહુક્યાં ને... ~ ભીખુ કપોડિયા
» ભણતર ભુલાવો, મારા સાયબા... ~ વિનોદ જોશી
» પાંદડા ~ જયેન્દ્ર શેખડીવાળા
» તું જેને વરસાદ કહે છે ~ જયેન્દ્ર શેખડીવાળા
» કામની વાત એક જ ~ પીયૂષ ઠક્કર
વાર્તા
» અડધી રજા ~ પ્રવીણસિંહ ચાવડા
ઓથાર ~ મીનળ દવે
નિબંધ
» છીપ ~ ચન્દ્રકાન્ત શેઠ
વિવેચન
» ગીતમાં લયવિધાન ~ લાભશંકર પુરોહિત
» સર્જકની નજરે સર્જકો ~ ચુનીલાલ મડિયા
કલાજગત
» કલાદૃષ્ટિ ~ નંદલાલ બોઝ, અનુવાદ: કનુ પટેલ
તમામ રેખાંકનો તથા ચિત્રો નંદલાલ બોઝ
સમ્પાદકીય
“હું વૃક્ષવાદી છું”
ꕥ મણિલાલ હ. પટેલ ꕥ
‘બ્હારથી એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’
- મરીઝ
મરીઝ સાહેબનો આ શેર મને મારેય માટે સાચો લાગ્યો છે. દુનિયા કહો કે જીવન યા સંસાર/સમાજ પીડા બહુ આપે છે. કાયમ કસોટીની એરણ પર આપણે હોઈએ છીએ, ત્યારે આપણને કોઈ અગોચર તત્ત્વ મદદ કરતું હોય છે. બહુ કસોટી થાય ત્યારે એ આપણી બહુ નજીક આવીને કાળજી લ્યે છે. જીવનમાં ઘણા કપરા અનુભવો થયા છે- ને ત્યારે સગાંવ્હાલાં કે મિત્રો કરતાં પણ કોઈ ‘અજાણ્યું’ આપણી સંભાળ લેતું રહે છે- એ મારો અનુભવ છે. એક પંખી ટહુકો આપણને ઉગારી લે છે. હું નાસ્તિક નથી, પરંતુ હું ‘મંદિરવાદી’ પણ નથી, મારો ઈશ્વર મંદિરો-દેવળો-મસ્જિદો કે ગુરુદ્વારાઓમાં નથી વસતો. એ તો હમેશાં વૃક્ષોમાં વસે છે શ્વસે છે. હું ‘વૃક્ષવાદી’ છું. વૃક્ષથી મોટું મંદિર ક્યાંય નથી, માટીથી કોઈ અદકેરી માતા નથી. આજે હું અહીં સુધી પહોંચીને માટી, સૂર્ય, હવા-પવન, જળ અને આકાશને જરીક ઓળખતો થયો છું. મારી આસ્થા રહસ્યમય પ્રકૃતિમાં છે.
હું કશીય સગવડ વગરના તળગામમાં મોટો થયો છું. જીવવા માટેય ત્યારે તો બહુ અગવડો હતી પણ એવા અનુભવો-અગવડોએ મારું ઘડતર કરીને મને વૃક્ષવાદી બનાવ્યો છે! બાળપણમાં જે કૈંક ખાવાપીવાનું ઘરમાં ન્હોતું મળતું તે વૃક્ષો વનરાજી નદી સરોવર પ્હાડોએ અને ખેતર-સીમ-વગડાએ આપેલું-એટલે આજે પણ હું વૃક્ષો પાસે વધુ જાઉં છું- મંદિરો મારી આસ્થાનો વિષય નથી. ઘરમાં બાપુજી- (અમે કાકા કહેતાં)-નાહી ધોઈને, ગોખલામાં મૂકેલી છબીઓમાં ફોટારૂપે બિરાજમાન દેવીદેવતા સમક્ષ ઘીનો દીવો કરી સીમ વગડે ચાલ્યા જતા! અમે તો માટી અને મેઘમાં માનનારા પૂર્વજોનાં પ્રકૃતિવાદી સંતાનો છીએ...! પ્રકૃતિએ જ અમને પાળ્યાં પોષ્યાં છે.
મારા ગામપાદરે એક જર્જરીત શિવાલય પડવાને વાંકે એમ જ ઊભેલું હતું- જે હવે એક નાનકડી દેરી બનીને રહી ગયું છે. હવે તો અપૂજ બનીને ઝાંખરામાં ઢંકાઈ ગયું છે - ત્યારે પણ ત્યાં આરતી કરનારું કોઈ ન્હોતું. અમે તો પાદરના વિશાળ વડદાદા તથા લીમડાઓની વચ્ચે એમની સંગે રમતા રહેતા. અમને કદીય ભગવાનની જરૂર પડી ન્હોતી. આજે પણ નથી પડી! કેમકે એ તો ચોપાસ પ્રકૃતિરૂપે હાજરાહજૂર છે. અમને આંબા આંબલી રાયણ-મહુડાએ ગોદ લીધેલા હતા. અમને પ્રકૃતિનાં રહસ્યો ગમે છે, અમે મુગ્ધતાથી વનોવૃક્ષો તથા મોલભરેલાં ખેતરોને જોયા કરીએ છીએ –હજી એમનો એ ખોળો જ શ્રદ્ધા અને આશા પ્રેરતો ને વ્હાલ કરતો લાગે છે. ફૂલોફળોથી લચી પડતાં છોડ તથા વૃક્ષો અને કંટીઓ, ડૂંડા, કણસલાંથી શોભતાં –વ્હાલથી બોલાવતાં ખેતરો જ મારે મન ઈશ્વરની દેણ છે. એ છાનોમાનો આપ્યા જ કરે છે. કેમકે એ મહેનતની કદર કરી જાણે છે. ઘરેથી રિસાઈને આખો દિવસ રાયણવૃક્ષોની ઘટામાં બેસી રહેતા ને રાયણ ખાઈને ભૂખ ઓછી કરતા. પ્રકૃતિની એ કૃપા આજેય છે ને અજેય પણ છે- આ વલણ સહજ છે. એને રહસ્ય પણ કહી શકો. માનવ અને પ્રકૃતિની આ ચેતનાને ચાહીચાહીને સમજવાની છે.
અમારાં એ ગામડાંનાં લોકો ખેતરોમાં-ઝાડવામાં જીવન પૂર્ણ કરી દેતાં. એમણે કદી ફરિયાદ ન્હોતી કરી - અભાવોની ફરિયાદ. અન્નને દેવ માનનારાં એ લોકો પશુપંખી સાથે પણ વ્હેંચીને ખાતાં; લાલસા નહિવત્ હતી. ઘડતરના એવા દિવસો હવે નવી પેઢીઓને મળતા નથી - પીડાઓ એની જ છે.
ગાઈ-નાચીને, સમૂહમાં ખાઈપીને પર્વો-પ્રસંગો ઉજવતા એ પૂર્વજોની દુનિયા હવે આજે અચરજ લાગે છે. ખરી મજા તો ગઈ. અમારાં લોકની એ દુનિયા બહુ સીમિત હતી - પણ એમાં ચૌદેય લોક સમાઈ જતા.
મુસાફરી તો પાવાગઢ, ડાકોર, અંબાજી કે દ્વારકા સોમનાથ સુધીમાં તો પૂર્ણ થઈ જતી. કોઈક રામેશ્વર, બદરીનાથ કે કાશી ગોકુળ મથુરા જઈ આવતાં તો કહેતાં કે અમે તો નવ ખંડ ધરતી ખૂંદી વળ્યાં! કેવો સંતોષ! ઘર વાડામાં સાપ નીકળતો ત્યારે દાદા કહેતા કે એ તો પૂર્વજ છે - આપણી રક્ષા કરવા ફરે છે. બાપાના અંગમાં પૂર્વજ રમતો ત્યારે એ તેને પડકારા કરીને ભગાડતા – એમ બધાં માનતાં. એકવાર ભયંકર આંધીતોફાન કરાના વરસાદમાં મોટીબેન અમને આંબલીના થડમાં સંતાડીને બચાવી લાવેલી. વગડે જતાં કોઈ ગાંડી સ્ત્રીએ મને બાથમાં લઈને કચકચાવવાનો પ્રયાસ કરેલો ત્યારેય મોટીબેને મને બચાવી લીધેલો. કોઈ રહસ્ય તત્ત્વ મને બચાવતું ને પ્રેરતું રહ્યું છે. ધોધમાર વરસાદમાં દાદા અમને ડુંગરાવાળા ખેતરથી સાગનાં પાનની છત્રી કરીને ઘરે લઈ આવતા. બા અને રામીમા એમના ખાવાના ભાગમાંથી પણ અમને આપી દેતી ને આંખો છલકાવતી, બાપા મારી કૉલેજની ફી માટે પૈસા શોધવા જતા ને ખાલી હાથ આવતા-નિરાશ ને ઉદાસ! બીજે દિવસે કશીક વ્યવસ્થા થઈ જતી- કોણ હતું જે આમ સંભાળ લીધા કરતું?? નદીમાં-મહીસાગરમાં (સાવ ઘર પાસે ગણાય) - ન્હાવા જતા ને તરતાં શીખતી વેળા ડૂબવા લાગેલા અમે બંને ભાઈ! ચોપાસ કોઈ ન્હોતું ત્યારે અચાનક પાણીમાં તરતી ભેંસો પાસે આવી ને અમે એની પીઠે ચડીને તરી ગયા- બચી ગયા! બપોરીવેળામાં આમ ભેંસો ક્યાંથી આવી હશે?! ૧૯૯૨માં ઓરિસ્સા-પ.બંગાળના પ્રવાસમાં તો બેત્રણવાર મુશ્કેલીમાં મદદ મળેલી – સામેથી! જારસુઘુડાથી ભુવનેશ્વર જવા મને ઢળતી રાતે કોઈ પણ બસનો કંડક્ટર ના પાડતો હતો - કહેતોઃ ‘જગહ નહીં હૈ!’ ત્યારે, મને પ્રવાસી તરીકે નિરાશ જોઈને એક યુવાને પાસે આવીને પૃચ્છા કરી બસમાં ટિકિટ અને જગ્યા પણ અપાવી - એ પત્રકાર મિત્ર હતો લાલમોહન પટ્ટનાયક! એ કટક ઊતર્યો ત્યારે નિમંત્રણ ને સરનામું આપતો ગયેલો! એજ પ્રવાસમાં હાવરા/કલકત્તા તથા જલપાઈગૂડીનાં સ્ટેશનોએ મને પોલિસની ગાડીએ તો ક્યાંક સહપ્રવાસીએ લિફ્ટ આપી સલામત સ્થળે પ્હોંચાડ્યો હતો, સતના-ખજૂરાહો તથા ભોપાલમાં મધરાતે મદદ કરનારા મળ્યા હતા! કોઈ મારી સંભાળ લે છે. એની પ્રતીતિ મને ઘણીવાર થતી રહે છે. સંકટ આપનાર જ ઉગારવાની યોજના કરે છે - દૂર રહીને પીડા આપનારો ‘એ’ પાસે આવીને મદદની વ્યવસ્થા કરે છે - બીજે દિવસે હું એને નવી કૂપળમાં હસતો જોઉં- અનુભવું છું. ૧૯૯૩માં યુ.કે. જતાં. એક સપ્તાહ પ્હેલાં એક સાંજે એક દમ્પતિ-સાઠી વટાવેલું/ક્રિશ્ચિયન લાગતું-મળવા આવ્યું. હું એમને કદી મળેલો નહીં- નામઠામ જાણું નહિ ને પૂછ્યું ય નહિ. એ બંને મને બહુ આત્મીય લાગ્યાં. કહેઃ તમને શુભેચ્છા પાઠવવા આવ્યાં છીએ, મેં એમને જોસેફ મેકવાનનાં બે પુસ્તકો વાંચવા માટે આપ્યાં. એ ગયાં એ ગયાં - જીવનમાં ક્યાંય કદીય મળ્યા જ નહિ! આજેય થાય છે કે એ કોણ હતાં? કદાચ જિસસ ક્રાઈસ્ટે મોકલેલાં દૂત હતાં?! હા! કદાચ. મારા એ બે માસના પ્રવાસમાં યુ.કે.માં મને એ બંને સતત યાદ આવ્યાં કરતાં! હું એમને ભીતરમાં અનુભવતો. મને બચાવનારી મોટીબેન અને વ્હાલ નહિ કરી શકેલી દુઃખીયારી બા તો મને દશ વર્ષનો મૂકીને ગૂજરી ગયાં હતાં - પણ મારી રક્ષા કરવા જાણે એ કોઈને કહેતાં ગયેલાં હશે એવું આજેય લાગે છે.
મંદિર-મૂર્તિઓ શ્રદ્ધાનાં પ્રતીકો ભલે હશે! પણ ‘મારો રામ’ તો પ્રકૃત્તિમાં વસે છે ને કોઈ અજાણ્યા માણસમાં-ગરીબડા છતાં પરગજુ માણસમાં શ્વસે છે એની મને ખાતરી છે. હું મંદિરમાં નહિ પણ વૃક્ષો પાસે જાઉં છુંઃ એ મને હંમેશા મારાં લાગ્યાં છે.
કવિતા
નર્મદાશંકર દવે (નર્મદ)
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે .... યા હોમ...
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઇંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે ... યા હોમ...
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે ... યા હોમ...
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે ... યા હોમ...
અરદેશર ખબરદાર
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્યતણાં કિરણો દોડે ત્યાં, સૂર્યતણો જ પ્રકાશઃ
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમપ્રીતઃ
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી પુણ્યવિરલ રસભોમ;
ખંડ ખંડ જઈ ઝુઝે ગર્વે – કોણ જાત ને કોમ!
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્યતણા ઉર, વૈભવરાસ રચાયઃ
જયજય જન્મ સફળ ગુજરાતી! જયજય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ઝવેરચંદ મેઘાણી
તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે,
પણ જમજે અશ્રુનો થાળ એકલો;
હોંશીલા જગને હસવા તેડું કરજેઃ
સંઘરજે ઉરની વરાળ એકલો.
તુજ દ્વારે દ્વારે દીપકમાલ ચેતવજેઃ
ગોપવજે દિલ-અંધારાં એકલો;
બીજાંને આંગણ અમૃત-ઝરણાં રેલવજેઃ
પી લેજે વિષ તારાં તું એકલો.
તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે,
ને સહેજે સર્પોના દંશ એકલો;
કીર્તિની કલગી સહિયારે કર દેજેઃ
ભોગવજે બદનામી-અંશ એકલો.
દિલદિલની દુઃખ-વાતો દિલસોજીથી સુણજેઃ
ચૂપ રહેજે કાપી જબાન એકલો;
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજેઃ
કદમો ભરજે કંટક પર એકલો.
(પૃથ્વી)
મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીનું-વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી - ના ગમે.
અનેક જીવતા મરણ–ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.
અને મનસમાંય–ઓઢત ભલે ન કો’ ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું–
કરે કર કો લેણદાર ચૂકતું તકાદા વડે?
ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે
(કાવ્યપ્રકારઃ સૉનેટ, છંદઃ મંદાક્રાંતા)
જે જે સ્વપ્નો વિફળ બનતાં ક્રન્દનો મેં કીધેલ,
દુઃખે દર્દે શિર પટકતાં ઝેર જાણે પીધેલ,
એ સૌ સાચાં સુહૃદ બની આજે મને ખૂબ પ્રેરે,
સંસ્કારોનાં શુચિતર સ્મિતોથી બધે હર્ષ વેરે.
જે આશાઓ અવશ બની તેનાં હતાં ધ્યેય ખોટાં,
વિભ્રાન્તિનાં વમળમહીં માન્યાં હતાં સર્વ મોટાં,
નાણી જોતાં નિકષ પર મિથ્યાત્વ એનું નિહાળ્યું,
સાચાં ધ્યેયો પ્રતિ જિગર ને ચિત્તનું જોમ વાળ્યું.
જૂઠા ખ્યાલો, હૃદયમનના છોભીલા સર્વ ભાવો
છોડ્યા, છૂટ્યો દિલ ધડકતે સ્નેહનો અંધ લ્હાવો;
કિંતુ સાચી ઉપકૃતિ લહું નષ્ટ સૌ સ્વપ્ન કેરી
એ ખંડેરો ઉપર દિલની છે હવેલી ચણાઈ.
આદર્શોમાં અજબ લસતી ભગ્ન આશા સુનેરી,
સૌ ભૂલોનાં શબ ઉપર છે સંસ્કૃતિ શુભ્ર છાઈ.
સુન્દરમ્
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
જુગતરામ દવે
અરેરે! આડું અંતરપટ આ અદીઠ!
અહીં મેં માંડી, તહીં તેેં માંડી, આંખની આતુર મીટ,
પળ ઊપડી પટ પુનઃ બિડાયું, વા વાયરો વિપરીત. અરેરે...
તું મારાં - હું તારાં ઝીલું, વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત, અરેરે...
આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહીં ચિત્ત. અરેરે...
ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે આ ઝાકળ-ઝીણું ચીર. અરેરે...
ગુલામમોહમ્મદ શેખ
સૂરજ અને ચાંદો ઓલવાયા
તે આકાશ–ઘડીએ
તમે મને રોપ્યો રસ્તા પર
ખાટલીના ખોળામાં તમે મારા અસ્તિત્વને
કાચી કેરીની જેમ પકવ્યું,
પછી ઝાકળિયા ઘાસનાં મેદાન પર
આંગળી પકડી મને ક્ષિતિજને પાર દોરી ગયા.
તમારે પડછાયે ઊગ્યાં આંબા ને આંબલી
તમારી પીઠ ફરી ને ઢેલો ટહુકી
ને હજીય ટહુક્યા કરે છે.
તમે દોરેલી લીટી ચીંધે છે તે રસ્તે
રખડું છું, રવડું છું, બબડું છું, ગબડું છું,
રસ્તાની બંને બાજુ મ્હોરેલાં
ઘાસમાંથી ઝાકળનાં ટીપાં લઈ
હથેળીમાં મસળું છું
ત્યારે તમે કલ્પેલ મારા ગર્ભદેહનો
અણસાર આવે છે.
રાવજી પટેલ
ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હેં... તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ.
એની પર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.
આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે!
મને થાય છે:
ચોકની માટીમાં રગડપગડ આળોટું
પણ
હે.. તું કેટલાં બધાં વર્ષો પછી પાછી આવી?
આજે કામબામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.
આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?
રમણ સોની
તમારી વાતોનાં મૃગજળમહીં પંખી તરતાં
અમારી આંખોનાં, હળુહળુ વહે વાયુ સ્મિતનો;
પ્રતિબિંબાયેલાં ઉષઃકિરણો, સાન્ધ્યસુરખી
ઝીલી લે શ્રદ્ધાનાં કમલ સુરખી થૈ પ્રગટતાં...
અને આવર્તો શા ઊઠત ટપકંતી સુખવ્યથા-
તણા! – આખુંયે આ હૃદય ભીની માટી સમ મુજ...
તમારી વાતોનાં સ્મરણમહીં ગર્જે રણ હવે..
કશો વંટોળાતો સમય, ક્ષિતિજો ના ઊકલતી.
વીતેલા શબ્દોના ઊભરી ઊઠતા રેતઢગલા-
મહીં શા’મૃગો-શી મુજ તરલ દૃષ્ટિ ખૂંપી જતી;
અને ત્યાં ઊંટોનાં ગભીર પગલે સૂર્ય પ્રજળે
વહેલી વાતોની અસર સમ પ્રસ્વેદ ચૂસતો...
તમારી વાતોની તરસ રૂંધતી કંઠ. તલસુંઃ
તમે આવો તો આ મૃગજળમહીં પદ્મ પ્રગટે...
(પૃથ્વી)
વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ–ઉત્સાહમાં;
કંઈ વળી નિરાશામાં; ક્વચિત્ સાગરે જ્ઞાનના
પીયૂષલવ પામવા; કદીક આત્માની ખોજમાં.
વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!
વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!
વિચાર, મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યક્તથી,
જરીક રમી વ્યક્તમાં, સરી જવું જ અવ્યક્તમાં-
નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!
વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
નવી જ કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!
‘ઉદીચ્ય’, તા. ૧૬/૦૭/૧૯૯૨
હરીશ મીનાશ્રુ
મીંદડી, તારા પેટમાં ટકે ખીર તો એના પેટમાં ટકે વાત, છે એનું એટલું પ્રેસર... એટલું પ્રેસર
વાતમાં નાખી મો’ણ લખુભા કરશે ટૂંકી વાતની લાંબી વારતા કે એ વણસીને થૈ જાય વતેસર
વાતોડિયાને કોક વાતે જો કોકની હારે પડતું વાંકું
ખુદને પૂછે: બોલ ત્રવાડી, જાંઘ ઉઘાડું સાવ કે ઢાંકું
વાતને ચોળે હાથમાં લઈ સહેજ ચૂનો, ચપટીક તમાકુ
કૉશ લઈને વાતમાં પાડે રોજ બખાળા જેવડું બાકું
વાતને ઊંધી વેતરી નાંખે સઈ ને પછી ઝભલું મેલી બાંડિયા જેવું સીવવા બેસી જાય નવેસર
દાઢીએ મેલે ઉસ્તરો રઘો રાત કે રાતો ટશિયો ફૂટે વાત ને વતું બેયનું રે થૈ જાય વતેસર
વાત ભલે ને વેંતની હો પણ નીકળે પછી ક્યાંય ના છેડો
વાતનું વડું છમ, ન એમાં દમ, છતાં ક્યાં છૂટતો નેડો
અંતકડીની જેમ અડોઅડ વાતનો મેલે કોઈ ના કેડો
આમ શરૂ સૉનેટથી કરી પહોંચીએ ત્યારે હોય સનેડો
વાતને જરા વાયડી કરી ફેર ઉાપડે લાપસી ઉપર ભભરાવીને મરચું મીઠું સ્પેનનું કેસર
પેટછૂટી જ્યાં કરવા મથે વાત કે વાછૂટ, લાગલી દેશી વાલના વાંકે વકરીને થૈ જાય વતેસર
વાતનો વાયુ વાય ને ખસે નળિયું, ભસે કૂતરું, અખા
વાતમાં પડે રાત: મેં દીઠો ચોર –એવું કે’ અલ્લારખા
ધરમીને ઘેર ધાડ પડી શું? થાય ગપોડી ગામને બખાં
સાચ ને જૂઠની જોડ સિયમિઝ રાત ને દિવસ કરતી ડખા
હીંચકે બેસી રોજ બપોરે વાત ઉખેળે જેમ કોઈ જન્નતને ઝૂલે પારવતી ને દેવ મહેસર
બાબા આદમ હૈ બાતૂની, ઇવ ભી ટૉકેટિવ- નતીજા? – વાત વલૂરી વંઠીને થૈ જાય વતેસર
ભીખુ કપોડિયા
તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું...
લીલી તે કુંજમાંથી આવ્યે બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંડમાંથી ઝરણું દડ્યું...
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં...ય
વન આખુંયે લીલેરા બોલે મઢ્યું...
વિનોદ જોશી
હે જી, મારું ભણતર ભુલાવો, મારા સાયબા!
કાઢો મુંને ઉછીની બારાખડીની બ્હાર...રે!
પ્હેલેરો અખશર ક્યાંથી આવિયો,
રાખી મુંને તંતોતંત અણજાણ,
વચનું વદીને જીવતર જોગવ્યાં;
મળ્યાં નહીં અરથનાં એંધાણ;
હે જી! હૈયેથી વેરી દઉં થડકા ઠાવકા!
વીણો તમે હરખે હોંકારા હારોહાર...રે!
પાડું ને ઉપાડું લીટા લેખમાં,
આડી આવે આળ ને પંપાળ,
આજ તો ભૂંસી દો મારી આપદા
આઘી મેલો જાડી રે જંજાળ;
હે જી! બાવનમાં બાંધી રે મુંને ઠેઠથી!
લાગે હવે માંહ્યલા ઉછાળાના મારા...રે!
કવિશ્રી ધ્રુવ ભટ્ટને અર્પણ
જયેન્દ્ર શેખડીવાળા
પળ વિકટ વિહ્ વળ ઘડી છે કરગરો
જીભ પર આવો, શબદ થૈ ફરફરો
માણસો જેવાં જ સપનાં નીકળ્યાં
લોચનો કંપો, હવે તો થરથરો
વૃક્ષ ભ્રમણામાં જીવે તો છો જીવે
પાંદડાં સાથે જીવે છે મર્મરો
જીવવા માટે બીજું શું જોઈએ?
સાંજનો હળવો પવન ને ઝરમરો
એક તો તારું સ્મરણ ને આ સમય
ઝંખના બુઠ્ઠી ને પથ્થર કરકરો
જયેન્દ્ર શેખડીવાળા
તું જેને વરસાદ કહે છે
એને હું આપણી વચ્ચેનો અશ્રુસેતુ કહું છું
તું જેને અશ્રુસેતુ કહે છે
એને હું આપણી ભીનાશની લિપિ કહું છું
તું જેને ભીનાશ કહે છે
એને હું આપણામાં ઓગળી ગયેલો ગોરંભો કહું છું
તું જેને ગોરંભો કહે છે
એને હું કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહું છું
તું જેને કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહે છે
એને હું વરસાદ કહું છું.
પીયૂષ ઠક્કર
એ કામની શોધમાં નીકળ્યો છે
એની પાસે કલ્લાકો છે આઠ, દસ કે બાર
બે હાથ, બે પગ, એક જીભ, બે કાન ને બે આંખ
એ શીખી ગયો છે
કોઈ પણ શેઠને સાંભળવા ગમે એવા શબ્દો
કોઈ પણ શેઠને કહેવી ગમે એવી વાતો સાંભળવાને
એણે કેળવ્યા છે પોતાના કાન
બે હાથ ને બે પગે
કોઈ પણ ગણિતના પ્રમેય જાણ્યા વિના
એ આંકી શકે છે કોઈ પણ શેઠની ઇચ્છાઓનો પરીઘ
કામમાં મજા પડે છે? કોઈ તકલીફ ખરી?- જેવા
વાહિયાત પ્રશ્નો માટે એણે સ્કોપ નથી રહેવા દીધો
એને આવડે ગણતાં કલ્લાકો ને
કલ્લાકના હિસાબે મજૂરી
એ કામની શોધમાં નીકળ્યો છે
જોકે એ જાણે છેઃ
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેવી
ફિકર કર્યા વિના - એ ભરશે એટલાં ડગમાં
કોઈ પણ કામ જડી આવશે
આખરે, એ એક જ વાતને સમજ્યો છે
બે હાથ, બે પગ, એક જીભ, બે કાન ને બે આંખ વડે
ભૂખના ઊંડાણને ને
મનના પેટાળને
સમજી લેવાનું હોય છે.
(તા.ક. અહીં સમાવેલા મોટાભાગના કાવ્યો F.B. પરથી લીધાં છે.)
વાર્તા
અડધી રજા
ꕥ પ્રવીણસિંહ ચાવડા ꕥ
હેડલાઇટ બંધ હતી તેથી કાર પ્રભાતના રતુંબડા પ્રકાશમાં તરતી હોય એમ આવી. રેલવે-ક્રોસિંગ આવીને એ ઊભી રહી ત્યારે બત્તીના થાંભલા પાછળ અંધારામાં એક પથ્થર ઉપર બેઠેલો પુરુષ ઊભો થયો અને માથું નમાવીને ધીમેથી સ્ત્રીની બાજુની સીટ ઉપર બેસી ગયો. એ ક્ષણે બંનેએ એકબીજાની સામે જોઈ લીધું. આ ક્રિયાઓ અવાજ વગર, સ્વપ્નમાં ભજવાતા દશ્યની જેમ થઈ. એ પછી કાર રેલવે-લાઇનને સમાંતર સાંકડા રસ્તા ઉપર ધીમેધીમે ગબડવા લાગી. રસ્તો તૂટેલો હતો તેથી વારંવાર બ્રેક મારવી પડતી. હતી. સ્ત્રીએ ગિયર બદલતાં કહ્યું, ‘બધા રોડ નવા થયા પણ આવા ખૂણાના થોડા ટુકડા રહી ગયા છે. કોર્પોરેશન બિચારું કરી કરીને કેટલું કરે?’ પુરુષની નજર રેલવેના પાટા ઉપર હતી અને એને બાળપણના પ્રવાસોની વ્હિસલો સંભળાતી હતી. નાક પથ્થરિયા કોલસાના ધુમાડાની સુગંધ પકડતું હતું. નજર હટાવ્યા વગર એણે પૂછયું. ‘આ પાટા સુકાઈ ગયા છે કે હજુ એમની ઉપર ટ્રેનો દોડે છે?’ ‘બધી બંધ થઈ ગઈ, બસ જેવો એક ભૂતિયો ડબો આવે છે દિવસમાં બે વાર પણ એની સામેય કોઈ જોતું નથી. બધાની વાંહે ભૂત પડ્યું છે. ઊંઘ આવી હતી?’ ‘હા.’ ‘રિક્ષામાં આવ્યા? હોટલ ગલીની અંદર છે, નહીં? સ્ટેશનની પાસે સંકડાશમાં એવી જગ્યાએ તમારાથી ઉતરાય નહીં. આ બાજુ પણ હવે તો ઘણી સારી હોટલો થઈ છે.’ પુરુષ બોલવા ગયો પણ ફાવ્યું નહીં એટલે થોડી વાર માથું ધુણાવતો બેસી રહ્યો. પછી સ્ત્રીના બધા પ્રશ્નો ભેગા કરી એણે જવાબ. આપ્યો, ‘કંઈ ફેર પડતો નથી. વહેલો જાગી ગયો હતો. ચાલતો આવ્યો, ચાલવાની ઇચ્છા હતી.’ અજાણ્યા શહેરના અંધારામાં કલાકથી પથ્થર ઉપર બેઠો હતો તે કહ્યું નહીં. ‘રસ્તો મળ્યો.’ ‘વટેમાર્ગુને રસ્તો બતાવતા ફકીરો, બાવા અને ચાની કીટલીઓવાળા છોકરા અંધારામાં થોડેથોડે અંતરે ગોઠવાયેલા હતા, ગેબી કારસ્તાન જેવું લાગ્યું.’ આટલાં વર્ષે મળવાનું થયું ત્યારે શરૂઆતમાં જ શહેરના રસ્તાઓ અને રેલવેલાઇનની અવદશા જેવા છાપાળવા વિષયો નીકળ્યા તે સ્ત્રીને ઠીક લાગ્યું નહીં હોય. સમતોલન માટે એણે નવો વિષય કાઢ્યો, ‘તમે એકલા પડી ગયા.’ બે રાત હોટલની સાંકડી રૂમમાં કાઢી હતી. પાસે સરનામું નહોતું. ટેલિફોન નંબર નહોતો. ભૂતકાળની તાકાત ઉપર એક માણસને શોધવાનું હતું. ટેલિફોન-ડિરેક્ટરીનો અભ્યાસ કર્યો. એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિનું આધુનિક વિશેષ નામ તો ભુલાઈ ગયું હતું પણ અટક આવડતી હતી. બે-ચાર રોંગ નંબર પછી આગલી સાંજે સંપર્ક સધાયો હતો. એનો સ્વર સાંભળીને સ્ત્રીએ આશ્ચર્ય બતાવ્યું નહોતું. એટલે કે દૂર રહ્યે રહ્યે પણ પિયરમાં બનતી જન્મ અને મરણ જેવી મહત્ત્વની ઘટનાઓની માહિતી રાખતી હતી. એણે કહ્યું હતું, ‘મને સમાચાર મળ્યા, ફોન કરવાનો વિચાર આવ્યો પણ પછી થયું આટલાં વર્ષે -’ ‘તારા ગામમાં આવ્યો છું.’ ‘પણ મારે ઘેર તો-’ ‘હું સમજું છું.’ ‘હોટલ ઉપર પણ મારાથી-’ ‘એ પણ સમજું છું.’ એ પછી મુલાકાત માટે તટસ્થ સમય અને સ્થળ. નક્કી થયાં હતાં. પંખાના ખખડાટમાં મોડે સુધી ઊંઘ આવી નહીં અને આવી ત્યારે દવાઓ અને ઇંન્જેક્શનોની વાસ ઓઢીને પત્ની એ સાંકડી ઓરડીમાં હાજર થયાં. કાળાં ચશ્માં પહેર્યા હતાં અને હાંફતાં હતાં. લાવો માથું દાબી દઉં, જુઓને શરીર કરી નાખ્યું છે - એવું બોલ્યાં, પણ પાંસળીઓને પસવારતી આંગળીઓમાં ઠપકો હતો. છેવટે એના વગર ચાલ્યું નહીં ને! ચશ્માંના કાચમાં પાતળું હાસ્ય પણ હતું. ‘રાત્રે વરસાદ આવ્યો હતો.’ પુરુષને વરસાદની સ્મૃતિ નહોતી. પાસાં ફેરવ્યાં પણ એ તરફ ધ્યાન ગયું નહોતું. ઘસડાતા પગે અને શ્વાસની ધમણ સાથે કદાચ એ ભળી ગયો હતો. અથવા આ શહેરનો વરસાદ વરસાદ નહોતો. ‘વરસાદ આવે ત્યારે કંઈ ને કંઈ કૉમેડી હોય. પોતે ઊભા થવું નહીં અને અડધી ઊંઘમાં મને ઠોંસા મારે - ગાડીનો કાચ ઉઘાડો રહી ગયો હશે? પલળતાં જઈને એ ચૅક કર્યું. પછી પથારીમાં પડવાનું મન થાય? બારણા વચ્ચે ખુરશી મૂકીને હું તો બેસી રહી. આજે, તમારો ફોન આવ્યો તેથી હશે. ભાઈ-મમ્મી ખૂબ યાદ આવ્યાં. અમે ઊંઘતાં હોઈએ અને આખી રાત એ બંને ગળતાં નળિયાં નીચે ચૂવા મૂક્યા કરે. તપેલીઓ ને ડોલો ખૂટે પછી વાડકીઓનો વારો આવે.’ ‘એ સમયે નળિયાંવાળાં છાપરાં એટલે. ઘેરઘેર એ મજા હતી.’ આખું ઘર, શરીર અને આંખો પલળે નહીં ત્યાં સુધી વરસાદ વરસ્યો ગણાય નહીં. પુરુષે કહ્યું, ‘તું એવી ને એવી રહી.’ - આપણે બંને વરસાદ વડે જોડાયેલાં છીએ. - કરેક્ટ. - વચ્ચે ચંદ્રને મૂકી આપણને ગૂંથી દીધાં છે. - ત્રીજા શાના વડે શું થયાં છીએ? - આંખોના લૂણથી પલળીને આપણે એકરસ થયાં છીએ. પોતે સ્ત્રીના ચહેરા સામે એકધારું જોઈ રહ્યો હતો એ ખ્યાલ આવ્યો અને તરત એણે નજર ખસેડી લીધી. ‘આપણે ક્યાં જઈએ છીએ! તારી કૉલેજનું -’ સ્ત્રી એક કૉલેજમાં ભણાવતી હતી. પાછળની સીટ ઉપ૨ એના વ્યવસાયની સાબિતી જેવી થોડી ચોપડીઓ પડી હતી. ઘેરથી તો નાહીને તાજી નોકરીએ જવા નીકળી હશે. ‘હાઈવે ઉપર ક્યાંક દૂર જવું છે, નજર રાખતા રહેજો. ટેલિફોન બુથ દેખાય તો પ્રિન્સિપાલને ફોન કરી દઈશ.’ અહીં સ્ત્રીએ છણકો કર્યો, ‘પ્રિન્સિપાલ, શાની? ગિરા તો મારાથી એક ટર્મ જુનિયર. આપણે પોલિટિક્સમાં પડવું નહોતું, મને તો ઘેરથી પણ ના હતી કે આપણે એવી જવાબદારી લેવી નથી. શાંતિથી બે પિરિયડ લો અને ઘર સંભાળો.’ ‘તું પ્રોફેસર બની ગઈ! ‘હસવું આવે છે? ઘરડી થવા આવી. છોકરી જર્મની ભણે છે.’ ‘એ તો બધું હશે. જીવન અટકતું નથી. એ ગાડી ચલાવતી હોય અને પોતે સંકોચાતો, બે ઢીંચણની વચ્ચે હાથ દાબી રાખીને પાસેની સીટ ઉપર બેઠો હોય એવું કલ્પ્યું નહોતું. સ્ત્રીનું શરીર ભરાયું હતું પણ ચહેરાની રેખાઓ વધારે સ્પષ્ટ બની હતી. એને થયું, પોતે ગરવી મધ્યમાને જોતો હતો. એમ એ ડાબી બાજુની સીટ ઉપર કોને જોતી હશે? ગાલે ખાડા, પહેરણમાંથી ઊપસતાં ખભાનાં હાડકાં - એક અજાણ્યો વૃદ્ધ. ‘અહીં તો બધાં ખેતરો હતાં’, હાથ ફેલાવી સ્ત્રીએ બે બાજુનાં મકાનો બતાવ્યાં, ‘કૂવા હતા, ખેડૂતો કોસ ચલાવતા. આટલામાં જ ક્યાંક એક નાનું મંદિર હતું. ખૂબ નાનું, દેરી જ કહેવાય.’ ‘ત્યારે અહીં દેવતાઓ વસતા હશે.’ સ્ત્રીના સ્વરમાં કૃતજ્ઞતા આવી ગઈ. ‘એસ્તો! એક વાર અમે આવ્યાં હતાં. શરૂઆતમાં, મેરેજના એક-બે મહિનામાં જ. પાસે થોડાં છાપરાં હતાં. ત્યારે આ પાકો રોડ નહીં. સાવ અજાણ્યાં માણસો, એમને શું સ્વાર્થ. પણ એક બહેને બિચારાંએ કપરકાબી ઉજાળીને આખા દૂધની ચા પાઈ હતી. આવાં શઉકાર માણસો અમ જેવાને આંગણે ક્યાંથી - એવા લહેકા સાથે. આ હજુ એને યાદ કરે છે, ‘શઉકાર’ શબ્દ ત્યારથી અમારા ઘરમાં દાખલ થઈ ગયો. મને વારંવાર પૂછે છે કે આપણે, શઉકાર શાના?’ ‘બહું સમજુ માણસ ગણાય.’ ‘કોણે?’ ‘તારા - હસબંડ.’ ‘અરે, એમની તો વાત જ ન થાય. મને કહે છે, તું આ કામવાળી બાઈઓ, શાકવાળી બાઈઓને જો. એમની ભાષામાં કેવું અમી હોય છે! ચાલમાં, હાવભાવમાં કેવી ગરવાઈ હોય છે!’ ગલીઓ પૂરી થઈ અને કાર પશ્ચિમ તરફ દોડવા લાગી. રસ્તાની બે બાજુ છૂટક છૂટક ચાલતાં માણસો દેખાતાં હતાં. સ્ત્રીએ ઝડપથી બારીનો કાચ ચડાવી દીધો. ‘ફૂલીને ફુગ્ગો થયું તોય ગામડું તે ગામડું જ રહ્યું. જ્યાં જાઓ ત્યાં ઓળખીતા સામે જ ભટકાય.’ ‘ચાલવાનું નિયમિત રાખવું જોઈએ.’ ‘સલાહ બહુ સારી છે. પણ પછી કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવા તમે જશો મારી જગ્યાએ?’
•••
દરેક વાત ભૂતકાળ તરફ લથડતી હતી. - જીવનમાં જે સારું છે, શુભ છે, તે સામે ચાલીને આપણે આંગણે ન પણ આવે. એવા સંજોગોમાં આપણે એની પાસે જવું જોઈએ. - આટલો બધો ઉપદેશ આપો છો તે તમે મારા પિતાજી છો? - હા. એક અર્થમાં તારો બાપ પણ છું. છોકરીના હોઠ ઉપર હાસ્ય રહ્યું પણ એમાંથી રમૂજ ઊડી ગઈ, એણે તરત કહ્યું - સાચું. - તું સૌંદર્યો માટે સર્જાયેલી છે પણ પોતે એ જાણતી નથી કારણ કે થોડી મૂર્ખ છે. ખૂબ સાચવવું પડશે. એક પગ ઉપર ઊભી રહીને તેમ નહીં કરે તો ગબડી પડીશ અને તણાઈ જઈશ. - તમે પાસે હશો ને, બીજા પગે તપ કરતા, ખભો સહેજ મારી તરફ ધરીને? - હું હથેળીમાં રાખીશ એવા ભ્રમમાં રહેતી નહીં. તને તો દોડાવીશ, તપાવીશ, રડાવીશ. - અદ્ભૂત માણસો રડાવે જ. એમને બીજું આવડે પણ શું?
•••
‘અત્યારે શોધવા જઈએ તો મળે?’ સ્ત્રીએ પૂછ્યું, શાની વાત થતી હતી. કઈ વસ્તુની સ્મૃતિ પણ ખોવાઈ ગઈ હતી તે પુરુષને સમજાયું નહીં. એણે પૂછયું, “શું” ‘આવડી અમથી હતી. આમ નમીએ ત્યારે માંડ મૂર્તિ દેખાય.’ પુરુષને થયું, મંદિર પાછળ પાછળ ઢસડાય છે. ‘ટિટોડીઓ બહુ હતી. એ બધી બિચારી ક્યાં ગઈ હશે?’ ‘નગરનિયોજકોએ ખેતરો ઉપર નકશો ગોઠવી ખીલા ઠોકી દીધા. એની નીચે સંગીત દબાઈ ગયું.’ ‘એવું ન બોલો. એમ તો આ પણ કોર્પોરેટર હતા, પૂરી બે ટર્મ માટે. તેમને એવી બાબતમાં રસ ન હોય, બાકી આ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ થયા હતા.’ ‘ઓ હો! તો તો ટિટોડીઓ વિશે બોલ્યો એ પાછું ખેંચવું પડશે.’ ‘કંટાળીને એ બધું મૂકી દીધું. ગાંઠના પૈસા અને ટાઇમ ખરચીએ પણ જમાનામાં જશ મળતો નથી.’
•••
ભૂતકાળ અતાર્કિક હતો. છોકરીનાં લગ્ન લેવાયાં એ દિવસોની ઘણી સ્મૃતિઓ પરસ્પર વિરોધી હતી. ભવિષ્યમાં મળવું નહીં, એકબીજાની દિશામાં જોવું પણ નહીં એવી પ્રતિજ્ઞા લીધી હતી. તો પછી આ દૃશ્યને ક્યાં ગોઠવવું? બગીચામાં ઊતરતી સંધ્યા સાથે નાનાં ભૂખરાં પક્ષીઓ ચીસો નાખતાં હતાં. હાથ પકડી પુરુષને બાંકડે બેસાડી છોકરી એના પગ પાસે બેઠી હતી. - એક વાર તો આ પગ ધોઈને પીવા પડશે. - કેમ આટલું બધું? સ્વર રૂંધાતો હતો છતાં છોકરીએ ગરદન ઊંચી કરીને રુઆબ સાથે કહ્યું - બસ, મારા મનની મુનસફી. - સંબંધોમાં મેં તને એવી ગુલામી તો નથી આપી, કબૂતર. ધીમે ધીમે. જળની પાતળી ધારે ધોતી હોય એમ એ પગ ઉપર હાથ ફેરવતી હતી. - આને ગુલામી કહેવાય? -પણ- - તમને ખબર ન પડે. આમ તો માનતી કે બધી ખબર એમને જ પડે છતાં અનેક પ્રસંગે નાની નાની વાતોમાં સંભળાવતીઃ તમને ખબર ન પડે. - અને ચરણ પખાળવાનો વિધિ અનિવાર્ય હોય તો તે તારે જ કરવો એવું શા માટે માની લીધું? - તમે બોલી રહ્યા? હવે હું કહું એ સાંભળો. છૂટા પડીએ છીએ એ તો સંજોગોની વાત છે, પણ તમારી ઉપરનો કુલ હક જતો કરું છું એમ ન માનતા. તમે વચનથી બંધાયેલા, પણ હું છુટ્ટી. બધાથી પરવારો, નોકરી અને સંસારમાંથી, છોકરાં મોટાં થાય. એક એક કરીને સહુ દૂર જાય, ઘડપણ આવે. કોઈ તમારમાં ભાગ પડાવવા તૈયાર ન હોય, ત્યારે મને ચાકરીનાં પાકાં દસ વર્ષ આપવાં પડશે. સાંભળનારનું મૌન છોકરીએ સ્વીકાર્યું નહોતું. શરીર ખેંચીને એ ગર્વથી વધારે ટટ્ટાર થઈ - મને ઓળખો છો ને? - ઊભી થા. મારાં ચરણ થાકી ગયાં. - કંજૂસાઈ કરો છો? મેં વધારે પડતુ માંગી લીધુ?
•••
કાર ધીમી ૫ડી અને અનિશ્ચિતતાથી ખોટકાતી રસ્તાની બાજુએ ગબડવા લાગી. “તડકો ચડી ગયો.” “હા”, પુરુષે કહ્યું. ‘પાંચેક કિલોમીટર ઉપર એક ગામ આવે છે. એને વટાવીએ પછી થોડે જ દૂર ટેકરીઓની વચ્ચે હમણાં વીસ એકર જમીન લીધી. હજુ નક્કી નથી કર્યું. ફાર્મ હાઉસ કરવું કે પછી યોગ-સેન્ટર જેવું કંઈક. મને હતું, તમે આવ્યા છો તો બતાવી. દઉં.’ ‘તડકો ચડી ગયો. તારે મોડું થતું હશે.’ સ્ફૂર્તિથી કિચુડાટ સાથે ફરીને કાર સામેની બાજુ રસ્તાની સહેજ દૂર એક ઝાડ નીચે ઊભી રહી. સ્ત્રી સ્ટિઅરિંગ વ્હીલ ઉપર હાથ રાખીને બેસી રહી. “તું તો એક્સપર્ટ ડ્રાઇવર બની ગઈ.” ‘મને સમાચાર મળ્યા હતા.’ આગલી સાંજે પણ ફોન ઉપર આ શબ્દો બોલાયા હતા. અજાણ્યા નહોતું થવું છતાં પુરુષથી પુછાઈ ગયું, ‘શાના સમાચાર?’ સમાચાર તો ઘણા હતા, વૈવિધ્યવાળા હતા. ‘તમારાં પત્નીના’ ધીમે ધીમે, કંઈક દૂર કરતો હોય એમ પુરુષ હવામાં હાથ હલાવતો બેસી રહ્યો. ‘તુ થાકેલી લાગે છે.’ ‘વાત બદલો નહીં.’ ‘વાત નથી બદલતો.’ ‘ઉજાગરાની અસર હશે.’ ‘હું એની વાત નથી કરતો.’ ‘સાંભળો-’ આવેશથી ઘૂમરી લઈને સ્ત્રી એની સામે ફરી, હાથ ઊંચો કર્યો, કંઈક બોલવા ગઈ, પછી હોઠ ધ્રૂજીને બંધ થઈ ગયા. પુરુષ બોલ્યા વગર બેસી રહ્યો. ઊભરાઈને જે શમી ગયું એ વિશે એણે પ્રશ્ન કર્યો નહીં. એક ઊભરો એના મનમાં પણ આવ્યો હતો. સાંભળ, તું બોલીશ નહીં. મને બોલવા દે. તારે કંઈ કહેવાની જરૂ૨ નથી. સાંભળ, હું એમ કહું છું કે હું તને કોઈ પ્રતિજ્ઞા યાદ કરાવવા નથી આવ્યો - બે ક્રિયાઓ એકસાથે થઈ. સ્ત્રીએ ઇગ્નિશન કી તરફ હાથ લંબાવ્યો. પુરૂષે કહ્યું, ‘નીકળીએ.’ કાર રસ્તા ઉપર આવી ત્યારે આંખો આડે હાથ ધરવો પડ્યો સૂર્ય સામે હતો. ‘સહેજ ધીમે -’ સ્ત્રીએ એક્સિલરેટર ઉપરથી પગ લઈ લીધો. “હુંયે અમથી. એવી કોઈ ઉતાવળ નથી. જમવાનું શું કરો છો?” “દૂધ-બ્રેડ-ચા” “હોટલનું નથી પૂછતી. કાયમ ઘેર શું ખાઓ છો એ. પૂછું છું.” “દૂધ-બ્રેડ-ચા” “રોજ તો ઘાસથી પેટ ભરાય નહીં. રસોઇયો રાખી લો.” ‘પડોશીઓ દયાળુ છે. સ્વજનો -’ ‘સ્વમાન નથી?’ પુરુષે બારીની બહાર જોતાં કહ્યું, “છે ને.” ‘ખીચડી, ભાખરી શાક જાતે બનાવી લો એવું મારાથી તમને કહેવાય?’ પુરુષને હસવું આવ્યું, ‘તારાથી તો મને બધું જ કહેવાય.’ ‘હાશ. હસો છો ત્યારે વીસ વર્ષ નાના લાગો છો.’ એણે ડાબો હાથ સ્ટિઅરિંગ વ્હીલ ઉપરથી લઈ લીધો. “કશું અઘરું નથી. તેલ કે ઘીનો વઘાર મૂકવાનો, તમારે આ ઉંમરે તો ઘી જ સારું, ડૉક્ટરો ગમે તે કહે.” “ડૉક્ટરો ખૂબ માયાળુ છે. કંઈ નથી કહેતા.” ‘વચ્ચે કોઈનો ફોન આવે અને પૂછે કે શું કરો છો તો આટાવાળા હાથ સંતાડતાં કહેવાનું, કેમ વળી, ચોપડી વાંચું છું.’ ‘એવું કહીશ.’ ‘રાઈ, પછી સહેજ જીરું, પછી આટલી અમથી હિંગ, આમ જુઓ મારી સામે -’ પુરુષે આજ્ઞાંકિતપણે જોયું. અંગૂઠો અને પહેલી આંગળી ભેગાં કરી સ્ત્રી માપ બતાવતી હતી. ‘હજુ નવ પણ નહીં થયા હોય અડધો દિવસ કૉલેજ ભરી શકાય.’ ‘જોઈએ, એવી કોઈ ઉતાવળ. નથી. આમેય ટાઈમટેબલમાં આજે પહેલા બે પિરિયડ તો છે નહીં.’ ‘તારી બહેનપણી પ્રિન્સિપાલ, ગિરાબહેન કહ્યાં કે શું -’ “જોઈએ.” ‘તારે મોડું થશે. મને અહીં ગમે ત્યાં ઉતારી દે. ચાલવાનું જ છે.’ ‘આ તમારું રેલવે ક્રોસિંગ આવી ગયું.’ ‘એટલી વારમાં?’ ‘ટૂંકે રસ્તે આવ્યાં.’ ‘વાહ, તારા શહેરીની પરકમ્મા થઈ ગઈ.’
(‘પ્રવીણસિંહ ચાવડાનો વાર્તાલોક’માંથી, સં. મણિલાલ હ. પટેલ)
ઓથાર
ꕥ મીનળ દવે ꕥ
હાથ કમ્પ્યૂટર પર કામ કરતા હતા, આંખ ઘડિયાળ પર ફરતી હતી. આજે પહેલી મેમુ નહીં પકડાય. મિસિસ રાવ પણ ખરાં છે! એમને છેક છૂટવાને સમયે કામ યાદ આવ્યું. એમની એ વાત ખરી કે દસ-બાર દિવસ પછી આજે ઓફિસ ખૂલી છે, એટલે કામ ભેગું થઈ ગયું છે. પણ બહેન મારી, તું તો હમણાં તારા વરના સ્કૂટર પાછળ બેસીને ઘર ભેગી થઈ જઈશ ને ગરમ-ગરમ ઇડલી-સાંભાર ખાઈશ. મારે તો ટ્રેન ચુકાય પછી એક કલાક સ્ટેશન પર તપ કરવાનું, અને બીજી ટ્રેનના ખાલી ડબ્બામાં ફફડતાં ફફડતાં બે કલાકે ઘરે પહોંચવાનું, એ પીડા તને કેમ સમજાય? હાશ, કામ પત્યું, લો, બહાર નીકળતાં જ રિક્ષા પણ મળી ગઈ. અરે, ભાઈ જરા જલદી ભગાવજે. કેટલે દિવસે આજે શહેરમાં કર્ફ્યૂમુક્તિ જાહેર થઈ છે. લોકો તો જાણે પાંજરામાંથી છૂટ્યા હોય એમ ભાગમભાગ કરે છે. ગાંડી પ્રજા છે આ. હમણાં જરાક ફટાકડો ફૂટે ને બધાં ઘરમાં પેસી બારણાં બંધ કરી દે. અત્યારે ભલેને સ્કૂટર કે કાર લઈને નીકળી પડ્યાં હોય. લો, આ સિગ્નલનેય અત્યારે જ લાલ લાઈટનું મુહૂર્ત નીકળ્યું. અકરમીનો પડિયો કાણો તે આનું નામ. સાત રૂપિયા તૈયાર રાખ્યા છે કે, અર્ધી મિનિટ પણ એ માટે ન બગડે. સ્ટેશનમાંથી લોકો બહાર નીકળે છે, નક્કી ટ્રેન પકડવી છે, તેને પહેલાં જવા દોને! આ રેલવેવાળા પણ ખરા છે! છેક ગામને છેડે દાદર બનાવ્યો છે, ને ચોથા પ્લૅટફૉર્મ પર ટ્રેન ઊપડવાની તૈયારીમાં છે. દોડું તો ખરી. લો, આ, આ છેલ્લાં બે જ પગથિયાં બાકી છે, ને ટ્રેન ઊપડી ગઈ. હવે વગાડો મંજીરાં ને ગાવ ભજન! ચાવાળો કહે, ‘બહેન, હવે તો એકલા બેસવું પડશે.’ કેવી રીતે જુએ છે જોને! આખા પ્લૅટફૉર્મ પર કોઈ પૅસેન્જર જ નથી. હમણાં બે મિનિટ પહેલાં તો કેટલા માણસો હશે? ને હવે? પથરો પડે ને ચકલી ઊડી જાય એમ બધા ફરરર... ઘડીક થાય સ્મિતાને ત્યાં જતી રહું. એક કલાક અહીં બેઠા પછી ટ્રેનમાં પણ કંપની મળશે કે કેમ તે એક સવાલ છે. વાતાવરણમાં ડરની ગંધ છે. ચાવાળો મને જુએ છે તોય મને ભય લાગે છે કે મારા પર ગરમ ચાનું તપેલું તો નહીં રેડી દે ને? કઈ જાતિનો છે કોને ખબર? આપણે નાત-જાતમાં નથી માનતાં, ધરમ-કરમમાં નથી માનતાં, એની એને થોડી ખબર છે? એ તો મારો ચાંલ્લો જુએ છે. ના, ના, બધા માણસો કંઈ એવા થોડા હોય? તરસ લાગી ગઈ. પણ પર્સમાં જોયું તો પાણીની બૉટલ ખાલી છે. લાવ, પી.સી.ઓ. પરથી ફોન કરી દઉં. ને પાણી તથા મૅગેઝિન લઈ લઈશ. વિક્રમે જ ફોન ઉપાડ્યો. બીજી મેમુમાં આવવાની વાત સાંભળીને ચીડાઈ ગયા. પણ, મેં તો ફોન મૂકી જ દીધો. એમનો ખીજભર્યો અવાજ ફોનમાંથી ઝૂલતો મારા લગી પૂરો પહોંચી ન શક્યો. પી.સી.ઓ.વાળાએ સલાહ આપી, ‘બહેન, આટલા મોડાં એકલાં ટ્રેનમાં ન જશો. અત્યાર સુધી વાત જુદી હતી. હવે જવાય એવું નથી રહ્યું.’ શું બદલાઈ ગયું. આ દસ દિવસમાં? માણસે રડવાનું છોડી દીધું? માણસ પ્રેમ કરતાં ભૂલી ગયો? બાળજન્મ અટકી ગયા? ફૂલો ખીલવાને બદલે ખરવા લાગ્યાં? કંઈ તો બદલાયું નથી. તો પછી આ ડર, ખૌફ, આ શંકાનો માહોલ શાને? બુકસ્ટૉલ પર નજર નાખી. છાપાંમાં એ જ આંકડાની રમત, મોતની માયાજાળ, અગનખેલ, ગોળીઓની ભાગદોડ, બે મૅગેઝિન લઈને બૅન્ચ પર જઈને બેઠી. પ્લૅટફૉર્મ સાવ ખાલી છે. ચાની લારીના ચૂલા ઓલવાઈ ગયા છે. ભજિયાનું તેલ ટાઢું પડી ગયું છે. કોલ્ડડ્રિંક્સની બાટલીઓ ડબ્બામાં પુરાઈ ગઈ છે. સ્ટૉલ પર કામ કરતા છોકરાઓ ઊંઘે છે. પૉલિસવાળો લંગડો છોકરો ઘોડીનું ઓશીકું બનાવીને જંપી ગયો છે. પણ મારી બૅન્ચ પાસે બેઠેલા કૂતરાને નિરાંત નથી. ઊભું થાય છે, ગોળ-ગોળ ફરે છે, મોં ઊચું કરીને લાંબે રાગે ભસે છે, કાન ઊંચા કરીને જુએ છે. સાશંક બનીને બેસે છે. ઘડીવાર રહીને પણ તે માથું નજીક લાવી ગોળ-ગોળ કુંડાળું કરી પડી રહે છે. ફરી ઊભું થાય છે. સામેના પ્લૅટફૉર્મ પર બે કૂતરાં હાંફતાં બેઠાં છે. આ એમનાથી ડરતું હશે? વાંચતાં-વાંચતાં અચાનક ધ્યાન ગયું, મારી બાજુમાં એક બાઈ આવીને બેસી ગઈ છે. કાળા બુરખામાંથી એના હાથ સિવાય કંઈ દેખાતું નથી. સાથે મોટો થેલો છે. મોં પર જાળી છે, પણ એની આંખો એમાંથી દેખાતી નથી. તોય એટલી તો ખબર પડે છે કે એ મને જુએ છે. આખા પ્લૅટફૉર્મ પર આટલી બધી બૅન્ચ ખાલી છે ને એ મારી પાસે આવીને જ કેમ બેઠી? એનો ઇરાદો શો છે? એના થેલામાં બૉમ્બ ફાટે તો? મારું શું થાય? મારો વર ને છોકરાં તો રખડી જ પડેને? કદાચ એવું નયે થાય. એ બિચારી તો ચુપચાપ બેઠી છે. પણ ચૂપ બેઠી છે એટલે કશું ન કરે એવું તો ન કહેવાયને? ઊભી થઈને બીજી બૅન્ચ પર જતી રહું? ઉઠાતું જ નથી. પગ જાણે થાંભલા થઈ ગયા છે. જીભ તાળવે ચોંટી ગઈ છે. હાથથી પર્સને સજ્જડ પકડી રાખ્યું છે. આ શિયાળાની સાંજે મારા હાથ પર કપાળેથી પરસેવાનું ટીપું પડે છે. ‘કેમ બહેન, કા ચાઇલા?’ દાળવાળો ચિમન મારે માટે દેવદૂત બનીને આવ્યો. હવે નસોમાં રક્તસંચાર શરૂ થયો. જાણે સંચારબંધીમાંથી મુક્તિ જાહેર થઈ. ‘બહુ મોડાં પઈડાં? પેલી તો ગઈ.’ હસીને માથું ધુણાવ્યું. હજી જીભ ઉપાડતાં ડર લાગે છે, અવાજ થોથવાશે તો? ‘અંઈ કાં બેઠાં?’ એણે મને ઊભા થવાનો ઇશારો કર્યો. ‘અત્તારે તે આવામાં બેહાતું ઓહે?’ પણ મારા પગમાં હજી ઊઠવાની તાકાત નથી. ચિમન જરા વરા ઊભો રહીને મારી મૂર્ખતા પર હસતો ચાલતો થયો. એની વાત ખરી હતી, મારે ઊઠી જવું જોઈએ. બાજુવાળીનો ભરોસો થાય? પર્સમાંથી છરો કાઢીને હુલાવી દે તો કોઈને ખબર પણ નહીં પડે. અરે, લાત મારે તોય હું તો નીચે પડી જાઉં. એના હાથ જોને, કેવા પુરુષ જેવા પહોળા પહોળા છે! ક્યાંક કોઈ ખૂંખાર ખૂની તો બૂરખો પહેરીને નહીં બેઠો હોયને? હવે? ઊભી પણ શી રીતે થાઉં? ક્યાં કમત સૂઝી કે અત્યારે જવા તૈયાર થઈ? હે મારા રામ, સલામત પહોંચાડજે. આ જો કંઈ કરશે તો કહી દઈશ કે, ‘બાઈ, તારે જે જોઈએ તે લઈ લે, પણ મને મારીશ નહીં. તરસે ગળામાં કાંચકી બાઝી ગઈ. હાથ તો ફ્રીઝ થઈ ગયા છે. કોઈ આવતું દેખાય તો અહીંથી ઊભી થઈ જઉં. આંખને ખૂણેથી પ્લૅટફૉર્મના છેડા લગી નજર દોડાવું છું, કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા લોકો? હજી ગઈ કાલ સુધી તો રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ અને ટ્રેનના ડબ્બાઓ માણસોથી ધમધમતા હતા. પગ મૂકવાની જગ્યા શોધી જડતી ન હતી. અને જેમાં રોજ બેસવાનું થાય તે લેડીઝ કમ્પાર્ટમેન્ટ? સ્ટેશને-સ્ટેશને સ્ત્રીઓ અંદર ઠલવાતી જાય, ચાળણામાંથી ચળાતા દાણાની જેમ કેટલીક બહાર ઊતરતી જાય, ધીરે-ધીરે થાળે પડીને પોતાની જગ્યાએ ગોઠવાતી જાય. પર્સ ને થેલીઓ ઊઘડતાં જાય, તવુેર, પાપડી, વટાણા, લીલું લસણ બહાર નીકળતાં જાય, ફોલાતાં જાય. કોઈક થેલામાંથી રંગીન દોરા નીકળી પડે ને સાડી કે કૂર્તા પર ફૂલ-પાંદડી ખીલતાં જાય. ક્યાંક સ્વેટરની ભાત ગૂંથાતી જાય, પાપડ-ચટણી-અથાણાં-મસાલાનાં પૅકેટ વેચાતાં-ખરીદાતાં જાય. સાસુ કે પતિના ત્રાસની વાતે રડતી સ્ત્રીનાં આંસુ લુછાતાં જાય, ઑફિસના કડવા-મીઠા અનુભવોની આપ-લે થઈ જાય, સગાઈ-લગ્નની મીઠાઈ અહીં પણ અપાય, ક્યારેક મારામારી ને ગાળાગાળીનો દોર પણ ચાલે. સાથે જ રામરક્ષાકવચ ને ગાયત્રી મંત્રના પાઠ ભણાતા હોય, જરાક જગ્યા કરી, આસન પાથરી નામજ પણ પઢાતી જાય. સ્ટેશન આવે ને ખાલી જગ્યા પુરાતી જાય. આજે ક્યાં ગયા એ ચહેરાઓ? એ તુવેર-વટાણા-લસણ-પાપડ-મસાલા ભરેલી થેલીઓ? ને એની જગ્યાએ દેખાય છે આતંકિત ચહેરાઓ ને શંકા-કુશંકા ભરેલી થેલીઓ. એનાથી શી રીતે બચવું? અરે, ટ્રેન આવી ગઈ, ને ખબર પણ ન પડી? લેડીઝ કમ્પાર્ટમૅન્ટમાં ચડી, ને પાછળ-પાછળ જ પેલી બુરખાવાળી પણ આવી છે. હે ભગવાન, આ મારો પીછો કેમ નથી છોડતી? કમ્પાર્ટમૅન્ટ તો સાવ ખાલી છે. માંડ બે-ત્રણ સ્ત્રીઓ છે. એક માછણ પોતાનો ખાલી ટોપલો સીટ પર રાખીને ઊંઘતી પડી છે. ભલે ટોપલો ગંધાય, પણ કોઈક બેઠું છે, તો રાહત કેટલી લાગે? પેલી તો સામે જ આવીને બેઠી. બહાર તો અંધારું જામવા માંડ્યું છે, આના કાળા બુરખા જેવું જ. ક્યાંય પ્રકાશની કોઈ રેખા દેખાતી નથી કે એને વળગીને આ અંધારાના સાગરને તરી જાઉં. શું કરું, કશું સૂઝતું નથી. અંધકારથી બચવા, કાળા બુરખાથી બચવા, ન દેખાતી, છતાં સતત મને જ તાકી રહેલી બુરખાવાળીની આંખોથી બચવા મેં તો આંખો જ બંધ કરી દીધી. શું કરતી હશે એ? લોકો તો કહે છે કે એનો ભરોસો જ ન થાય. ક્યારે છરો કાઢીને તમને હલાલ કરી નાખે ખબર ન પડે. કૉલેજમાં અમારી સાથે હસીના ભણતી હતી. એસ.વાય.માં હતાં ત્યારે એના ભાઈએ એની ભાભીને છરો મારીને મારી નાખેલી. આ બાઈ પણ આવું કરે તો? કોઈ હલબલાવતું હતું. આંખો ખોલી તો સામે પેલી બુરખાવાળી ઊભી હતી. હે ભગવાન, આ શું કરશે? કોને બૂમ પાડું? પેલી માછણ તો આરામથી ઘોરે છે. આ મને મારી નાખશે તો એને ખબર પણ નહીં પડે! ચાલુ ટ્રેને કૂદી પડું? હે રામ, મને બચાવી લેજે. કાલથી આ ટ્રેનમાં નહીં આવું. અરે, નોકરી જ નહી કરું. ભાડમાં જાય અપડાઉન. એક ટંક ભૂખ્યાં રહીશું. પણ આ ઓથાર નહીં સહેવાય. ‘બહેનજી બહેનજી!’ બુરખાવાળી બોલાવે છે! ‘મેરા સ્ટેશન આ ગયા. અચ્છા હુઆ આપ યહાં બૈઠી થી, વર્ના મેરી તો હિંમત હી નહીં થી, ઈસ માહોલ મેં અકેલે જાના... આપ સમઝતી હૈ ન?’ અરે, એ પણ ડરતી હતી! મારી જેમ જ! અને હું એનાથી ડરતી હતી! મારાથી હસી પડાયું. ‘ઈસમેં ડરને કી ક્યા બાત હૈ? મૈં તો હર રોજ અપડાઉન કરતી હૂં.’ મારો અવાજ ટ્રેનની વ્હીસલના અવાજને પણ દબાવતો હોય તેવો નીકળ્યો. એણે મારા હાથ પર હાથ મૂકીને ‘ખુદા હાફિજ’ કહ્યું. એવા વજનદાર હાથમાં ઉષ્મા હતી. પરસેવાની ભીનાશ હતી. તે ભીનાશમાં મારી હથેળીનો પરસેવો ભળી ગયો. સ્ટેશન પર ગાડી ઊભી રહી. એના મોટા થેલાને ઉતારવામાં મેં હાથ આપ્યો. થેલો હલકોફૂલ લાગતો હતો. ટ્રેન ઊપડી. સ્ટેશનના ઝાંખા પ્રકાશમાં એક આકાર ધીમે-ધીમે ઓગળવા લાગ્યો. માછણે બગાસું ખાધું. આળસ મરડી ટોપલામાંથી એક થેલી કાઢી અને વાલોળ વીણવા લાગી. ડબ્બામાં માછલીની વાસ સાથે પરસેવાની ગંધ ને વાલોળની લીલાશ ફેલાઈ ગઈ. બહાર અંધકારમાં ચમકતા તારાઓ મને ઘરની દિશા તરફનો માર્ગ બતાવવા લાગ્યા.
(શબ્દસૃષ્ટિઃ નવેમ્બર-ડિસેમ્બર, ર૦૦રની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી)
(‘ઓથાર’ સંચયમાં છે.)
નિબંધ
છીપ
ꕥ ચન્દ્રકાન્ત શેઠ ꕥ
મારા હાથમાં છીપ છે, મોતી વિનાની ખાલી છીપ. એના સફેદ રંગની વિલક્ષણ છાયાઓને હું નીરખું છું. દૂધમાં પાણી રેડતાં એ દૂધની શ્વેતતામાં જે વિલક્ષણ છાયા પ્રગટ થાય છે તેની વિવિધ છટાઓ હું છીપમાં પામું છું. કેટલી સુંવાળી છે છીપ! કોઈ ગૌરાંગનાની હથેલીનો જ ભર્યો ભર્યો સ્પર્શ જાણે આમાં સચવાયો છે. આ છીપનું મૂળ ઉદ્ભવસ્થાન ક્યાં હશે? ઘૂઘવાતો સાગર. દૂર ક્ષિતિજ સુધી વ્યાપેલું ચંચલ આકાશ. મોજાંઓના અવકાશને ચીરવાનો, પવનને પીંખી નાખવાનો હિંસક આવેશ. કાળમીંઢ ખડકોની છાતી પર છિન્નભિન્ન થતા જલનો હુંકાર. ફીણની શ્વેતતારૂપે પૂર્ણિમાને દિને આકંઠ પીધેલું ચાંદનીનું જલમાંથી પુનઃબહાર પ્રગટવું! અનંતતાના કાવ્યનો હૃદયને સ્પર્શ. આ બધું જોનાર આ મારી બે આંખો તે શું? આ મારા બે બાહુમાં ન સમાઈ શકે એવા જલ પર ઉછળતા આકાશ સામે મારે શું કરવાનું? મારી આ નાનકડી હથેળીઓની સામે મોજાંઓ ઉછાળતો સૂસવાતા પવનનો અદીઠ હાથ-આટલાં બધાં મોજાં પવન કઈ રીતે ઉછાળતો હશે? અથવા પવન જ ઉછાળે છે એમને એમ કેમ કહેવાય? આ જલમાં જ પેલી ભીષણકાય વહેલો ઘૂમે છે ને આ જલમાંથી જ મોતીની છીપો મળે છે. ઓટનાં ઓસરતાં પાણી છે. પાણીએ લીંપેલી કિનારીની રેતમાં ફીણનું શ્વેત સ્મિત સંઘરી બેઠેલાં છીપલાં ચમકે છે. કોઈ શિશુએ નાનકડી ગુલાબી હથેલીમાં એ છીપલાને રમાડ્યું હશે, કોઈ મુગ્ધાએ ચમકતી આંખે પોતાના પ્રિયતમના હસ્તમાં મૂક્યું હશે અને એ વખતનો એના કરનો કંપ છીપમાં નિર્ગૂઢ રીતે આલેખાઈ ગયો નહિ હોય? મારા હાથમાંથી છીપને હું ફેરવું છું. હું એના અણુએ અણુમાંથી પેલા સમુદ્રને, પેલા શિશુને, મુગ્ધાને - કંઈ કેટલાંયને પામવા માગું છું. પણ આ તો આ અદના હાથે ચઢી ગયેલી એક માત્ર છીપની વાત છે! ઊંચા પર્વતના શિખર ઉપર હું ઊભો છું. આખા પર્વતની ઊંચાઈ જાણે મારી ઊંચાઈ બની ગઈ છે. હું ચારે બાજુ નજર કરું છું. આખું આકાશ સુદર્શન ચક્રની જેમ મારી આંગળી પર ફેરવવાની મને તમન્ના જાગે છે. મારા હૃદયમાં કોઈ અનેરો આનંદ હું અનુભવું છું. કોઈ પ્રપાતની જેમ આ આનંદ આ પર્વતની એકએક કાળમીંઢ શિલાને જો દૂધનું સ્નાન કરાવે તો હું કેટલો કૃતાર્થ થાઉં! મને મારા હાડમાંસનું પાંજરું નડે છે. હું શું કરું? મારી નજર દડાની માફક ઊછળતી કૂદતી એક શિલા પરથી બીજી શિલા પર ઘૂમે છે... ને ત્યાં એક શિલાના ચરણ આગળ અર્ધી દટાયેલી છીપને જોઈને વિસ્મય અનુભવે છે. આ છીપ આટલી ઊંચાઈએ ક્યાંથી? કોણ આ છીપ અહીં લાવ્યું હશે? આ છીપને જો બોલવાનું હોય તો શું બોલે? કદાચ શિશુના કોઈ રમણીય સ્વપ્નના કલ્લોલની વાત કરે? કદાચ એ બાળકી પલપલતી પાંપણમાં ચમકતા પ્રભાતના પ્રથમ કિરણના કંપનું સ્મરણ કરે? એની રાતી પગલીઓની પથ્થર પર વેરાતી કોમળ કૂપળોના મધુર મર્મરનો કેફ પણ એ કદાચ વ્યક્ત કરે? આ છીપ એટલે સરિતા, આ છીપ એટલે સિંધુરાજ. આ ગિરિરાજનું સિંધુરાજ સાથેનું સ્નેહમિલન શું આ છીપ દ્વારા વ્યક્ત થઈ રહ્યું છે? ખબર નથી. તરંગની ગતિ અવળચંડી છે! એ કેટલીયે વિચિત્ર વાતોની અટપટી ગૂંથણી કરી એવા આભાસો રચે છે કે એમાં બુદ્ધિ તો બિચારી ક્યાંય અટવાઈ જાય!
• • •
હવે હું યુવાન નથી. મારા હાથ કંપે છે. પવનના કયા ઝપાટે આ ખખડધજ દેહ મૂળમાંથી ઊખડી જશે એની મને ખબર નથી. હું આંગણમાં નજર કરું છું. મેં બાળપણમાં જે આંબો વાવ્યો હતો તેનીયે ઉંમર થઈ ગઈ છે... એ પણ હવે જશે એમ લાગે છે! આ પાનખર છે! આંગણું સૂકાં પાનમાં ખખડે છે! દીવાલો ધ્રૂજે છે. સૂરજનાં સુવર્ણ કિરણો માટે તૂટેલા જીર્ણ પગથિયા પર પડે છે ત્યારે મને વેદના થાય છે. હવે મને ચેન નથી. પ્રત્યેક ઉચ્છવાસે અંદરના અંગારા પર રાખ વળતી જાય છે. હવે ઠરી જવામાં વાર થવાની નથી. હું મારી ખરબચડી હથેલીને તાકી રહું છું. આ હથેલીથી કેટકેટલું મેં કર્યું છે! એથી સારાં-માઠાં કેટલાં કામ કર્યાં છે? આ હથેલીએ લગ્ન વખતે કંકુના થાપા પણ મારેલા અને કોઈ માસુમ ચહેરા પર તમાચો પણ મારેલો. આ હથેલીની ભાગ્યરેખા કેટલી ખંડિત છે! ચડ્યો પણ હતો અને પડ્યો પણ હતો! મહાન પર્વતોના શિખર પર ચઢી આ હથેલીએ વાદળોની આર્દ્રતાનો સ્પર્શ માણ્યો હતો. આ હથેલીમાં આજે તો નરી શૂન્યતા ઘોળાય છે! હું હથેલી પરથી નજર ખેસવી લઉં છું... એટલામાં પડોશીનો નાનો બચુ આવે છે! મારી આગળ બંધ મુઠ્ઠી બતાવી પૂછે છે: ‘દાદા, કહો તો આમાં શું છે?’ ‘ના, નહી કહું.’ મેં એને સહેજ ખીજવવા કહ્યું. ‘ના, એવું નહિ કરવાનું દાદા, કહો ને!’ ‘કહું?’ ‘કહો.’ ‘કંઈ નથી.’dhr ‘કંઈ નથી જુઓ આ શું છે?’ મેં એની હથેલીમાં છીપ જોઈ... ખાલી છીપ... મેં કહ્યું: ‘બચુ, આ તો ખાલી છીપ છે!’ ‘ખોટી વાત... છીપ ખાલી ન હોય...!’ હું બચુને કશું ન કહી શક્યો; ખોટો પાડવાની મારી શક્તિ નહોતી... વૃત્તિયે નહોતી!
(નિરીક્ષક: ૬–૧૨–૧૯૭૦)
॥ વિવેચન ॥
ગીતમાં લયવિધાન
ꕥ લાભશંકર પુરોહિત ꕥ
‘લય’ જેવી સંગીતકળાની પારિભાષિક સંજ્ઞાને આપણે જ્યારે કાવ્યચર્ચાને અનુષંગે પ્રયોજીએ ત્યારે એના વિભાવસંકેતોની ચોકસાઈ હોવી ઘટે. સમવિષમ તમામ ઘટકોનો ઉપચયાત્મક સંવાદ, એવો યૌગિક અર્થ સંસ્કૃત ‘લય’ સંજ્ઞામાં નિહિત (यास्मिन् लीनो भवेत्तदुभयं लय इति व्यवरहन्ति) અંગ્રેજી ‘રીધમ’ સંજ્ઞાના પર્યાય તરીકે એને પ્રયોજવાનું બનતાં અંગ્રેજી સંકેતો પણ એમાં ઉમેરાયા. હવે બન્યું એવું કે, ‘rhythm’નો ‘નિયમિત ધબકાર’ (beat) – એ અર્થ વધારે ચલણી બન્યો જ્યારે ‘આંદોલ’, ‘સંચરણ’(movement) – એ સંકેત પાછળ રહી ગયો. આવું બનવામાં સંગીત અને કવિતા– બંનેમાં સમાનપણે પ્રવર્તતા તાલના અનુશાસનનો પ્રભાવ કારણરૂપ હોઈ શકે. હકીકતે તો શબ્દની કળામાં પ્રવર્તતા વાગ્લયની ઘટનામાં, ઉક્તિમાં વરતાતા ધ્વનિથડકાર લયઅંતર્ગત પ્રાથમિક દ્રવ્ય છે. આવા થડકાર અને વિરામની પ્રવાહિતાથી નીપજતાં ગત્યાત્મક આંદોલનમાં લયનું સાચું સ્વરૂપ છે. શબ્દને ઉપાદન વા ઉદ્દિષ્ટ લેખે સ્વીકારતી કાવ્યકળામાં લયનિબંધનનાં વિવિધ સ્તરો-કક્ષાઓ પ્રતીત થતાં હોય છે. સૌંદર્યવિષયક વિભાવ તરીકે લયનાં સર્વસાધારણ ઘટકોની વાણીગત ઉપસ્થિતિ એ કાવ્યલયની પ્રાથમિક શરત છે. ગદ્ય અને છાંદસ વાણીમાં પ્રતીત થતા વાગ્લયને મુકાબલે ગીતમાં લયપ્રવર્તનનું સ્વરૂપ થોડુંક વિલક્ષણ અને નિરાળું હોય છે. લયની અનુનેયતા (flexibility),ગતિશીલતા અને સેન્દ્રિયતાનો પરિચય આપણને ગીતમાં પ્રયોજાતો લય સંપડાવી રહે છે. ગીતમાં લયનો વિભાવ અત્યંત સંકુલ, સર્વતઃ સ્પર્શી અને બહુપરિમાણીય સત્તા ધરાવતો હોય છે. ગીતને સાદ્યન્તપણે સંચારિત કરનારું અને વાણીગત દ્રવ્યને સૌંદર્યરસિત કરનારું મહત્ત્વનું ઘટક છે આ લય. પણ લય કેવળ છાંદસ સંધિએકમોની મિલાવટનો જ મામલો નથી કેમ કે એનો રસાત્મક પુદ્ગલ જેમાંથી બંધાતો હોય છે તે શબ્દ ‘અવાજ’ અને ‘અર્થ’ની સૌંદર્યસંપૃક્ત પદઘટના છે. એટલે એમાં પ્રત્યક્ષ મૂતર્તાની કક્ષાએ ધ્રુવપદ/અંતરાની આંતરુક્તિ, યમકાદિ પ્રાસ ને અર્થશૂન્ય પૂરકો (suppliments)થી નિયંત્રિત થતા પંક્તિબંધોને સમાવતા અને માત્રિક સંધિએકમોના અંતરાલમાં સંગીતસંધિઓના મેળવણથી રસાયેલા પદ્યબંધોની બાહ્ય આકૃતિ તરત નજરે-કાને ચડતી ચીજ છે; તો ગીતના કેન્દ્રીય ભાવને રચનાના સાદ્યંતપટમાં વિલસાવવાની નોખનોખી તરેહો, ચરણોના પારસ્પરિક અન્વયમાંથી બંધાતા પાસાદાર અર્થસ્ફટિકો અને સમગ્ર નિબંધનમાંથી ઊપસતા ભાવવિવર્તોની ધ્વનનપ્રતીતિ રચનાના આંતરલયની અમૂર્તતાનો અણસાર આપે છે. ઊર્મિના સરલતરલ સંવેદનમાંથી ઉ્દભવેલું ગીત આજે માનવીય સંવેદનાના સૂક્ષ્મ-સંકુલ અનેકાનેક ભાવપ્રદેશોને વ્યક્ત કરવામાં સમર્થ નીવડ્યું છે. એમાં લયની પ્રાણપ્રદતા મહત્ત્વની રહી છે. કહો કે, લય ગીતની સમગ્ર કાવ્યચેતનાનું મૂલધારકચક્ર છે. ગીતની કવિતાકોટીમાં રચનાગત લયપ્રવર્તન ‘અવાજ’ (Sound) અને ‘અર્થ’ (meaning) – ‘ભાષા’ અને ‘ભાવ’ની દ્વિ-સ્તરીય ભૂમિકા સંપૃક્તપણે સંચરણશીલ રહે છે. શ્રુતિ અને શ્રુતિખંડકોના કાલમાન પર આધારિત આરોહ-અવરોહનાં ધ્વનિકંપનો તથા સ્વર-વ્યંજનોની અન્વિતિમાંથી ઊઠતાં નાદસંચલનોની જુગલબંદી નાદાત્મક-અવાજ-ની લયસંસૃષ્ટિ નિષ્પન્ન કરે છે; તો ગીતની નાદાત્મક સપાટી તળે આંતરસ્તરે સ્ફુટ-અસ્ફુટપણે વહેતો ‘અર્થ’ ભાવનિબંધનની વિવિધ રચનાતરેહો દ્વારા જ્યાં વ્યંજનાપ્રતીતિ પામતો હોય છે ત્યાં અર્થાત્મક-ભાવ-ની લ્યસંસિદ્ધિ પ્રકાશિત થતી હોય છે. ધ્રુવપદમાં સૂત્રરૂપે રહેલું ભાવબિંદુ અંતરાઓમાં તરંગાયિત થઈને ભાવશબલતા પામતું પામતું વિસ્તરતું જાય અને ધ્રુવપદનાં આવર્તનો એને ઘૂંટતાં જાય એવી ધ્રુવપદ/અંતરાની અતિપ્રચલિત તરેહનાં અનેક ઉદાહરણો મળી રહેશે. ન્હાનાલાલનું ‘ફૂલડાંકટોરી’, વેણીભાઈ પુરોહિતનું ‘ઊનાં રે પાણીનાં...’ રમેશ પારેખનું ‘તારો મેવાડ મીરાં છોડશે’, વિનોદ જોશીનું ‘ઝાલર વાગે જૂઠડી’ – તરત કલમે ચડતાં દૃષ્ટાંતો છે. ટૂંકા ધ્રુવપદથી અન્વિત થતી પંક્તિમાલા કે ચરણયુગ્મોમાં વ્યંજક પુદ્ગલોની વિવર્તયુતિઓ આકારાતી જાય એવી તરેહ પણ જાણીતી છે. દયારામનું ‘બિહારીલાલ’, સુન્દરમ્ નું ‘કોણ’, ન્હાનાલાલનું ‘હરિ આવો ને’, બાલમુકુન્દ દવેનું ‘શ્રાવણ નીતર્યો’માં એની સાહેદી મળી રહેશે. સામસામે તોળાતાં ભાવબિંબોનાં દ્વંદ્વથી ગ્રથિત તરેહ દયારામના ‘લોચન-મનનો ઝઘડો’માં, તો ભાવ-યમકની આંતરસંકલનાની સાવ નવી તરેહ જયેન્દ્ર શેખડીવાળાની ‘કોણ’ ભલે સંલક્ષ્યક્રમવ્યંગ્ય પ્રકારે હોય; પણ ‘અર્થ’ લયનો જે અનુભવ ભાવક તરીકે આપણને સાંપડતો હોય છે તે તો ભાવનપ્રક્રિયાના સંલક્ષ્યક્રમવ્યંગ્ય સ્તરે જ સંભવી શકે; કહો કે ભાવબોધના ક્રમ-ઉપક્રમની સંલક્ષ્યતાની પ્રક્રિયા એ જ એના અંતરલયના ઉઘાડની અવસ્થા હોય છે; ભાવક્રમની સંલક્ષ્યતા ઊકલતી થાય એ જ લય પ્રતીતિ રસવ્યાપાર નીવડે.
(ફલશ્રુતિ,૧૯૯૯)
સર્જકની નજરે સર્જકો
ꕥ ચુનીલાલ મડિયા ꕥ
એક કલાકૃતિ વિષે કલાકાર પોતે શું કહે છે એ જાણવું રસપ્રદ થઈ પડે છે. એક સર્જક વિષે બીજા સર્જકનો અભિપ્રાય રસશાસ્ત્રીઓના અભિપ્રાય કરતાં વધારે મહત્ત્વનો બની રહે છે. અગાઉ ફૅબર પ્રકાશકોએ ‘કવિઓ વિષે કવિતાઓ’ નામની પુસ્તકશ્રેણી પ્રગટ કરેલી, એ પણ આ પ્રકારના એક વિશિષ્ટ રસાસ્વાદનો જ પ્રયોગ હતો. આપણે ત્યાં ‘દર્શક’કૃત ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ પણ સર્જકતા વિશેનું એક સર્જકનું દૃષ્ટિબિંદુ સમજવામાં સહાયભૂત થાય એવો વિવેચનગ્રંથ છે. દર્શકે આ ગ્રંથમાં ટૉલ્સ્ટોયથી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય સુધીના નવ નવલકથાકારોની કૃતિઓનું સૌન્દર્યદર્શન કરાવ્યું છે. એમાં ‘ઘરે બાહિરે’થી માંડીને ‘ડૉ. ઝિવાગો’ જેવી ભિન્નભિન્ન ભૂમિ અને તાસીરની કથાઓનો સમાવેશ થાય છે. ‘મીરાંની સાધના’ નામક અધ્યયન એ કવયિત્રીના જીવન અને કવનને નવીન નજરે મૂલવવા મથે છે. આ ઉપરાંત ‘સાહિત્યકારની સાધના’, ‘સર્જનમાં સાવચેતી’ અને ‘સ્વાંતઃસુખાય’ એ ત્રણ લેખોમાં લેખકે પોતાની સર્જનપ્રવૃત્તિ અને અેનાં ચાલકબળોની ચર્ચાવિચારણા કરી છે. ‘શિક્ષણ અને રચનાકાર્યમાં પડ્યો હોવા છતાં સાહિત્ય એ મારા હૃદયના આનંદની વસ્તુ રહી છે,’ એમ આરંભમાં જ કબૂલનાર લેખકે અહીં જે જે કૃતિઓ હૃદયનો આનંદ વ્યક્ત કરવા માટે પસંદ કરી છે તે તે કૃતિઓ એના પ્રકારોમાં શિરટોચે સ્થાન પામેલી છે. એ દૃષ્ટિએ એમની એ પસંદગી પોતે જ એક પ્રશિષ્ટપૂજક ઉન્નતભ્રૂ ને દુરારાધ્ય રસવૃત્તિની શાખ પૂરી રહે છે. તો, બીજી દૃષ્ટિએ જોતાં અહીં પસંદગી પામેલી કૃતિઓ અને અહીં ગેરહાજર જણાતી અન્ય રચનાઓ ઉપરથી વિવેચકના ગમા-અણગમા, આગ્રહો અને અભિગમોનો પણ અંદાજ બાંધી શકાય એમ છે. દાખલા તરીકે આરંભિક અધ્યયન ‘યુદ્ધમાંથી શાંતિ’ના આરંભમાં જ શ્રી દર્શક કલા અંગેનું પોતાનું એક વલણ સોઈ ઝાટકીને જણાવી દે છેઃ ‘આનંદ પણ આનંદ ખાતર નથી પણ મંગળના અનુભવ માટે છે. તો કલાએ પણ તે જ કર્તવ્ય અદા કરવાનું છે.’ શ્રી દર્શક પોતે ટૉલ્સ્ટોયને આ રીતે મૂલવવા મથે છેઃ ‘ટૉલ્સ્ટોયને મન કલા એ માત્ર મોજનો વિષય નથી; તે ચિત્તને વ્યાપક કરવા સારુ ચિત્ર શુદ્ધ કરે તેવી અપેક્ષા છે. સાચી કલા સત્યને કે વાસ્તવને છેહ દીધા વિના ચાલે છે. રસશુદ્ધિની જોડાજોડ રસતૃપ્તિ કરી જ શકે છે.’ ‘યુદ્ધ અને શાંતિનો’નો કથાવિકાસ, પાત્રવિકાસ ને તેનું પર્યવસાન જોતાં એવા અનુમાન પર આવવું પડે તેમ છે કે કલા અને નીતિને અનિવાર્ય સંબંધ હોવો જોઈએ. કલા ભલે કલાની રીતે તે સંબંધની અભવ્યક્તિ કરે, તે આંડબરી તટસ્થતા ધારણ ન કરી શકે... આખરે નૈતિક સમસ્યાઓની ખોજ દ્વારા જ માનવસમાજનાં ધોરણ, પોષણ ને સત્યની સંશુદ્ધિ થયા છે. બીજે એક સ્થળે લેખક કહે છેઃ ‘દરેક મહાન કલા એના પૂર્ણ સ્વરૂપને ત્યારે જ પામે છે, જ્યારે એ વ્યષ્ટિની કથાને સમષ્ટિનાં સુખદુઃખોનું વાહન બનાવે છે.’ ‘સાહિત્યકારની સાધના’માં શ્રી, દર્શક એક અભિપ્રાય દર્શાવે છેઃ ‘...માનવીના ચિત્તને વ્યાપક કરવું, અભેદનો અનુભવ કરાવવો તે જ સાહિત્યકારનું ઇતિકર્તવ્ય છે. જેનું લખાણ ચિત્તને સંકુચિત કરે, મલિન કરે, અહંબુદ્ધિ ને ભેદને જન્માવે કે પોષે તેનું લખાણ ગમે તેવું જોરદાર હોય, ગમે તેવી તેની પદવિન્યાસચાતુરી હોય તો પણ તેને મનીષી નહિ કહેવાય...’ આટલાં અવતરણો પરથી લેખકનું કલા અને સૌન્દર્ય અંગેનું વલણ જાણી શકાય છે. આરંભમાં એમણે ‘મંગલ’ની વાત કરી છે એથી કોઈ વાચકને ગેરસમજ થવાનો પણ ભય છે. શ્રી દર્શક ‘શુભ’ના પુરસ્કર્તા છે. છતાં ‘મંગલ’ની વાત કરીએ તેઓ આજકાલ બજારુ થઈ પડેલા ‘માંગલ્ય’ની માગણી કરનારાઓમાંના એક નથી જ. એમની સૌન્દર્યદૃષ્ટિ સાફ છે અને પારગામી છે, નહિતર ‘યુદ્ધ અને શાંતિ’ કે ‘ઘરે બાહિરે’ જેવી નવલકથાઓનાં સૌન્દર્યબિંદુઓને તેઓ પામી જ ન શકત. પણ એ અને અન્ય સમર્થ નવલકથાઓનું કલાસામર્થ્ય તેઓ નિરૂપી શક્યા છે એ જ બતાવે છે કે કલા અને નીતિ બાબતમાં પણ તેઓ ધોકાપંથી નથી. પોતે શિક્ષક છે અને એ પ્રવૃત્તિમાં સમાજસુધારક કે સેવકની કામગીરી આપોઆપ જ એમને ભાગે આવે છે, છતાં તેઓ સાહિત્ય કે કલા પાસેથી સસ્તી સુધારકશાઈ કામગીરી લેવામાં માનતા નથી. વ્યવસાયી Do gooder જેવા બનવાનું એમના સ્વભાવમાં જ નથી. શ્રી ‘દર્શક’ની પોતાની નવલકથાઓ વાંચનાર સાખ પૂરી શકશે કે આ લેખક સાહિત્યસર્જનમાં નીતિના ડોળઘાલુ કે મરજાદી કે ચોખલિયા નથી. ‘દીપનિર્વાણ’ કે ‘ઝેર તો પીધાં છે...’નાં ઘણાંયે પ્રકરણો ને ખંડો કહી આપે છે કે લેખકને શુદ્ધ સૌન્દર્યથી ઓછું કશુંય સંતોષી શકે એમ નથી. કલા કનેથી આ લેખક તેઓ સસ્તી પાદરીશાઈ કામગીરી લેવામાં માનતા જ નથી. અને છતાં ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં વિશ્વસાહિત્યની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનો રસાસ્વાદ કરાવતી વેળા એમને કેટલાંક વળગણો નડતાં હોય એમ વાચકને લાગ્યા વિના રહેતું નથી. શ્રી દર્શક પોતે ગાંધીયુગની નીપજ છે. આશ્રમજીવન, જેલજીવન આદિનો એમને પ્રત્યક્ષ પરિચય છે. ગાંધીવાદી વિચારધારા ઉપર એમણે ભાષ્યો પણ લખ્યાં છે, એની મૂલવણી કરી જોઈ છે. છતાં તેઓ મૂઢમતિ કે વેદિયા ગાંધીવાદી નથી. એવું હોત તો લેજરક્વિસ્ટકૃત ડેલ્ફીની દેવદર્શિનીની કથાને તેઓ સ્પર્શ પણ ન કરત. અથવા ‘ગુજરાતનો નાથ’ કે ‘માનવીની ભવાઈ’માંના શૃંગારભરપૂર, લગ્નબાહ્ય મિલનપ્રસંગોને ઝાડી નાખત. એવું કશું કરવાને બદલે એ નવલકથાઓનાં એમણે ભરપેટ વખાણ કર્યાં છે, એ જ બતાવે છે કે એમની સૌન્દર્યદૃષ્ટિને સુધારકદૃષ્ટિનાં કે પાદરીવેડાનાં પડળ બાઝી શક્યાં નથી. એવું હોત તો, ‘ઘરે બાહિરે’માંના સંદીપ-વિમલાના નાજુક મિલનપ્રસંગોને એમણે આડો વહેવાર, અનાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર આદિ નામો વડે નવાજ્યા હોત. પણ એમ કરવાને બદલે તેઓ એક સમાનધર્મી સર્જકની જ હેસિયતથી સંદીપ અને વિમલાના એ પતનને સહાનુકમ્પાથી અવલોકી શકે છે એ પણ એમની શુદ્ધ કલાદૃષ્ટિની સાહેદી જ ગણાય. અને છતાં આ પુસ્તકમાં વારેવારે ચિત્તની સંશુદ્ધિ, ચિત્તની વ્યાપકતા, રસશુદ્ધિ વગેરેની વાત આવ્યા જ કરે છે એ શાથી ભલા? એક ખુલાસો કલ્પી શકાય. લેખક પોતે આજન્મ શિક્ષક છે, આચાર્ય છે. સમાજ સુધારક બન્યા, સુધારક બન્યા વિના પણ, અજ્ઞાતપણે તેઓ જીવનસુધારણા, સમાજસુધારણા માટે મથતા જ હોય. એ એમના વ્યવસાયની જોડે અભિન્નપણે જોડાયેલી સ્વાભાવિક કામગીરી છે. સંભવ છે એમણે કરેલી કલાકૃતિઓના રસાસ્વાદમાં એ ‘શુભંકર’ દૃષ્ટિબિંદુ અસંપ્રજ્ઞાતપણે કામ કરતું જ હોય. અથવા કદાચ એમ પણ બન્યું હોય કે એ શુભલક્ષી, મંગલલક્ષી દૃષ્ટિએ જ એમણે આ પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ અધ્યયન અને આસ્વાદ માટે પસંદ કરી હોય. જો એમ જ હોય તો, શ્રી ‘દર્શક’ની કલાદૃષ્ટિનો હજી વધારે પરચો પામવા માટે એમને એક પડકાર આપવો જોઈએ. આ ગ્રંથમાં એમણે વાગીશ્વરીનાં જે કર્ણફૂલો પસંદ કર્યાં છે એમાં સૌન્દર્ય બેશક ઘણું છે, પણ એ મહદઅંશે એકાંગી છે. કલામાં તો કૃત્સિતતાનું પણ સૌન્દર્ય હોઈ શકે. એવાં કર્ણફૂલો લેખકે બહુ પસંદ કર્યાં નથી. તેથી જ એમની કલાદૃષ્ટિને હજી વધારે નાણવા માટે આ પડકારનું કરવાનું મન થાય છેઃ જેમ્સ જૉઈસકૃત ‘યુલિસિસ’ને તે આન્દ્ર જિદકૃત ‘કાઉન્ટરફિટર્સ’ કે ‘લેડી ચે.’ નહિ તોયે હેન્રી મિલરકૃત ‘ટ્રોપિક ઑફ કૅન્સર’ (પ્રતિબંધ ઉવેખીને વાંચી શકાય તો જ!) જેવી નવલકથાઓની દેખીતી અસુંદરતામાંથી સુંદરતા સારવી આપો તો તમને રંગ ભણીએ. ફ્રાન્સ કાફકાને ખાસ્સા એક યુગ જેટલો ઉવેખીને, દુર્બોધતાની અને અનીતિમયતાની ગાળો ભાંડીભાંડીને છેક હવે જ વિવેચકોએ કાનબૂટ પકડી છે કે કાફકા અત્યંત નીતિમય નવલકથાકાર હતો, ઈસુપરાયણ હતો. પાપભીરુ હતો. એની ‘ધ કૅસલ’ કે ‘ધ ટ્રાયલ’ જેવી નવલકથાઓ કે ‘ધ મેટેમોર્ફોસિસ’ જેવી વાર્તાઓને આપણા લેખક કઈ રીતે આસ્વાદે છે એ જાણવું પણ બહુ રસપ્રદ થઈ પડશે. દેવી વાગીશ્વરીનાં કર્ણફૂલોમાં તો ‘વૉર ઍન્ડ પીસ’ કે ‘સરસ્વતીચન્દ્ર’ જેવી મહાનવલોની જોડાજોડ જ, દુનિયાદારીએ જેને અનીતિમય આલેખન કહેલુ એ ‘માદામ બોવારી’નું પણ માનભર્યું સ્થાન છે જ. તેથી જ, ફ્લૉબેર અને પ્રુસ્ત જેવા નવલકથાકારોની કૃતિઓની ખામી-ખૂબીઓ સમજાવવાનું, ભલે જરા અવિનય લાગે તો પણ, શ્રી દર્શકને આહ્વાન આપવાનું મન થાય છે.
‘કથાલોક'માંથી
॥ કલાજગત ॥
ક્લાદૃષ્ટિ
ꕥ નંદલાલ બોઝ, અનુવાદ: કનુ પટેલ ꕥ
જૂના જમાનામાં વિદ્યાર્થી પહેલાં કઠોર પરિશ્રમ કરીને વ્યાકરણ યાદ કરતો હતો, ત્યાર બાદ અલંકાર તથા કાવ્ય પર કુશળતા પ્રાપ્ત કરતો હતો, અર્થાત્ પહેલાં પરિશ્રમ પછી આનંદ. પરંતુ આપણે કાવ્ય અને વ્યાકરણની એક સાથે પઠન-પાઠનની વ્યવસ્થા કરી દીધી છે. ત્યાં સુધી કે આજકાલ તો આનંદ પહેલાં, પરિશ્રમ પછી. આનંદ જ પરિશ્રમ કરવા માટેની શક્તિ પેદા કરશે એવું માનવા લાગ્યા છીએ. (દૃશ્ય)રૂપની સૃષ્ટિમાં આટલો પ્રયત્ન કેમ કરવો પડે છે? સામાન્ય રીતે આપણા મન સામે એક પરદો લટકેલો હોય છે. તેને હટાવ્યા સિવાય વસ્તુને પૂરી રીતે જોઈ ન શકાય અને જોયા વગર ચિત્ર પણ ન બનાવી શકાય. લાંબા ગાળાની લગન અને અભ્યાસના ફળસ્વરૂપે જ એ થઈ શકશે. કોઈ-કોઈ પ્રતિભાશાળી કલાકાર એવી અવસ્થાએ પહોંચી ગયા હોય કે કોઈ વસ્તુ તરફ નજર કરે અને એ આવરણ દૂર થઈ જાય, વસ્તુનો એક ને એક પક્ષ તેના મનની આંખોની પકડમાં તત્કાળ આવી જાય. આવું થવાથી રૂપ-સૃષ્ટિનું કામ તેમના માટે ખૂબ સરળ થઈ જતું હોય છે. આપણા માટે પણ થઈ શકે છે. હા, લગન અને અભ્યાસ જોઈએ. પોતાના વિષય સામે ધ્યાનરત વિદ્યાર્થી આખો દિવસ રસ્તાની ધારે ઊભો છે. પાંદડા વગરનું વિશાળ લીમડાનું વૃક્ષ તેની ઊંચી શાખા-પ્રશાખામાં સોનેરી ગોળીઓ જેવી ગુચ્છે-ગુચ્છ લીંબોળીઓ લાગેલી છે. તું જે આજે આ વૃક્ષની આરાધના કરી રહ્યો છે, ચિત્ર બનાવી રહ્યો છે, એ જો તને ખરેખર સરસ લાગે તો તારા સમગ્ર જીવનનો સંચય થઈ જશે. જીવનમાં બની શકે કે કોઈ દિવસ તને ખૂબ દુઃખ લાગે, નજીકની કોઈ વ્યક્તિને ખોવી પડે, સંસાર અસાર દેખાય ત્યારે રસ્તાની ધારેથી એ વૃક્ષ કહેશે - હું તો છું. તને સાંત્વના મળશે. આ તારો અક્ષય સંચય હશે. કેવળ આ જન્મમાં નહીં, જન્મ-જન્માંતરમાં પણ. કોઈ વિદ્યાર્થીને વનવગડાનું વૃક્ષ બનાવવાનું કહેવામાં આવે છે અને સાથે જ એને સમજાવવામાં આવે છે. પહેલાં થોડીવાર સુધી વૃક્ષને જુઓ. વૃક્ષની પાસે જઈને બેસો - સવાર, બપોર, સાંજ તથા સુમસામ રાતમાં. આવું કરવાનું સાવ સહેલું નહીં હોય, થોડીવાર બેઠા પછી કંટાળો આવશે. એવું લાગશે કે વૃક્ષ જાણે ખીજાઈને કહી રહ્યું છે - “તું અહીં કેમ ? જા ચાલ્યો જા અહીંથી કહું છું ને.’’ ત્યારે વૃક્ષનાં તમારે વખાણ કરવાં પડશે. કહેવું પડશે - “મારા ગુરુનો આદેશ છે, તેની અવગણના ન કરી શકાય, તું ગુસ્સે ન થઈશ, મારા પર રાજી રહે. મારી સમક્ષ તું તારું વાસ્તવિકરૂપ પ્રગટ કર.” આ રીતે કેટલાય દિવસો સુધી ચૂપચાપ સાધના કર્યા પછી જ્યારે લાગે કે હાં, હવે વૃક્ષને જોઈ લીધું. ત્યારે રૂમમાં જઈ દરવાજો બંધ કરી વૃક્ષનું એક ચિત્ર તેયાર કરો. વૃક્ષની કોઈ એક વાત પહેલાં સારી લાગવી જોઈએ, ત્યારે વૃક્ષને જોઈ શકાશે, ત્યારે તમારું જોવું ધીરે ધીરે સાર્થક થઈ ઉઠશે, સારું લાગવાની સાધના જ કલાની સાધના છે. પરંતુ પહેલીવાર સારું લાગવું દૈવી ઘટના હોય છે. જેમાં છે તે કલાકાર છે. કોઈ બીજું તમને કેવી રીતે આપી શકે ? અવની બાબુ કહેતા હતા ગુરુ કલાકાર તૈયાર નથી કરતાં કલાકાર થઈને જ શિષ્ય આવે છે. જેમ પ્રકાશ, હવા, જળ, અગ્નિની અનુકૂળ વ્યવસ્થા કરીને સારસંભાળ રાખીને નાના છોડને મોટો કરવો પરંતુ નાના છોડને જન્મ કોણ આપી શકે છે ? કોઈ એક જગ્યાએ રહેતાં-રહેતાં ધીરે ધીરે સારું લાગવા માંડે છે. સારું લાગે છે. અપરિચિત સંબંધ સૂત્રોના ફળસ્વરૂપે. જોયું કે વન વગડાનું વૃક્ષ આકાશ નીચે કેવુંક ઊભું તો છે. તુરંત સારું લાગ્યું, જોયું કે તેનાં ફૂલો ખીલ્યાં છે. એ સારું લાગ્યું. ફૂલ ખરે છે, બની શકે કે તે સારું લાગ્યું. મન પ્રસન્ન છે. એટલે બની શકે કે સારું લાગ્યું હોય કે પછી વૃક્ષની ભંગિમા કે બંધારણ કે ડાળીઓ અને પાંદડાંનો લય અને રંગ સુંદર છે એટલે સારું લાગ્યું હોય. કાગળનું ગુલાબનું ફૂલ હંમેશાં એક જેવું જ રહે છે. એ કેટલી વાર સુધી સારું લાગી શકે? અસલી ગુલાબ સમગ્ર સંસારની સાથે હર ક્ષણે અનેકાનેક સંબંધ બાંધતું જાય છે. ગતિનો આ લય જ તેનું જીવન છે. આ અનેકરૂપી જીવનને ધ્યાનથી જોઈએ તો જોવાનું સમાપ્ત જ નથી થતું અને એટલે જ કલાકારનું સારું લાગવાનું પણ કોઈ રીતે સમાપ્ત થતું નથી. ચોક્કસ પણે વિશિષ્ટ પરિવેશની વચ્ચે કે વિશિષ્ટ સ્મૃતિથી ઘેરાઈને કાગળનું ગુલાબ પણ સારું લાગી શકે છે. ત્યારે પણ તે કલાનો આધાર થઈ જાય છે. ખરી વાત એ છે કે જે કોઈ પણ વસ્તુનું ચિત્ર બનાવો, એ વસ્તુ સારી લાગવી જોઈએ. એ જાણે તમારું મન હરી લે. ત્યારે એ સારું લાગવું પીંછીના ટેરવાથી જાતે જ રૂપ લઈ લેશે. આવું થવાથી ખરેખર જ સારું ચિત્ર બનશે. ચિત્ર બનાવવાનું આ સૌથી મોટું, સૌથી મહત્ત્વપૂર્ણ કૌશલ હોય છે. મનમાં જો રસ ના પેદા થયો, સારું ન લાગ્યું, સારું લાગવું દિવસે દિવસે ન વધ્યું, એ સારું લાગવાની પ્રેરણાથી કામ ન થયું તો કેવળ શિલ્પગત કુશળતા પ્રાપ્ત કરવી વ્યર્થ છે. એકવાર મને ઇસરાજ વગાડવાનો શોખ થયો, નિયમિતરૂપે સા-રે-ગ-મ સાધવા માંડ્યો. કેટલીક ગર્તો પણ શીખ્યો. જેવું ઇસરાજ વગાડવાનું બંધ કર્યું કે છ મહિનાની એ મહેનતને ભૂલવામાં છ દિવસ પણ ન લાગ્યા, કારણ કે કેવળ સંગતનું વ્યાકરણ ગોખી લીધું હતું. રસમાં પ્રવેશ નહોતો કર્યો. પ્રેમ જોઈએ, ધૈર્ય પણ જોઈએ, સાધનાની સફળતા જોઈએ. કળાસર્જન એક સાધના જ છે, શોખ નહીં. આમેય ઘણા લોકો છે જે પેલા અમેરિક્ન સાહેબની જેમ કરે છે. એ સજ્જન સાત સમુદ્ર પાર કરીને મહાત્માજીના દર્શન કરવા તેમના આશ્રમમાં આવ્યા. આશ્રમના લોકોએ કહ્યું, “હમણાં એમની પાસે સમય નથી, એક બે દિવસ રોકાઈ જાવ.” પરંતુ સાહેબ રોકાય કેમ, કારણ કે તેઓ તો એક પછી એક શું કરશે તે નક્કી કરીને આવ્યા હતા. હવે પછીની ટ્રેન એમને પકડવાની હતી. તે કારણથી મહાત્માજીને મળ્યા વગર જ ચાલ્યા ગયા. આને મુર્ખામી કહેવાય. અને મુલાકાત થઈ હોત તોય શું ફાયદો થાત, કોણ કહી શકે, બની શકે કે મળવાવાળાઓના લીસ્ટમાં એક વધુ નામ જોડવાનો જ એમને મૂળ ઉદ્દેશ્ય રહ્યો હોય. એનાથી અધિક એ ઇંચ્છતા પણ ન હોય. દરરોજ રીયાઝ કરવો જોઈએ. હરપળે પરીક્ષણ-નિરીક્ષણ કરવું જોઈએ. ડર અને લાલચ વર્જ્ય છે. ક્લાકાર જેટલો અનુભવ કરે કેવળ એટલો જ વ્યક્ત કરવો યોગ્ય છે. કવિ સાથે ક્યારેક-ક્યારેક એવું પણ થાય છે - કોઈ અવાંતર શબ્દનો મોહ કે એક ઉપમાનો મોહ કે આઈડિયાનો મોહ થઈ ગયો હોય. એમ જ ચિત્રકારે જોયું વૃક્ષ નીચે એક માણસ બેઠો છે. તેને ગમ્યું ત્યાર બાદ ચિત્ર બનાવતી વખતે તેની સાથે ઝૂંપડી મૂકશે કે એક એક પાંદડાને સરસ રીતે બનાવશે કે આકાશમાં વાદળાંના રંગની છાંટ દેખાડશે - તે લક્ષથી ભટકી ગયો. પરિણામસ્વરૂપ ચિત્ર નષ્ટ થઈ ગયું. આને જ લોભ કે મોહ કહેવાય છે. પહેલાંની કલ્પનાની સાથે પછીની કલ્પનાનો મેળ ન પડવાથી જ ચિત્ર નષ્ટ થઈ ગયું. શું પરંપરાગત આદર્શની જરૂરિયાત છે? જો કોઈ આકસ્મિક દુર્ઘટનાથી સમગ્ર પરંપરા લુપ્ત થઈ જાય તો શું હંમેશ માટે સમગ્ર કલાઓ નષ્ટ થઈ જશે? કલાનું મૂળ આદિ-મૂળમાં છે. જે આનંદના પરિણામસ્વરૂપે સૌર જગત અને પૃથ્વીની સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ જ આનંદમાં આવીને ચિત્રકાર ચિત્ર બનાવે છે. એટલે મહાપ્રલય પછી જેમ પુનઃસૃષ્ટિ સર્જાય, પુનઃ મનુષ્ય જેવા સંપૂર્ણ જીવનો જન્મ થાય તેમજ કલાની શરૂઆત પણ થશે. છતાં પણ પરંપરાગત કલા વ્યાપારની મૂડીની જેમ હોય છે. તેને ઉપયોગમાં લઈને થોડાક જ પ્રયત્નથી વધારે સારું એશ્ચર્ય પામી શકાય છે. જે આર્ટિસ્ટ છે તેના દરેક સમયે બધાં મિત્ર હોય છે. તે ક્યારેય એક્લો નથી હોતો. તમે સારા લાગો છો. તમારા ગયા પછી વૃક્ષ સારું લાગે છે, વૃક્ષ નહીં હોય ત્યારે દરવાજો ય સારો લાગશે. સારું કેમ લાગે છે ? ક્હેવું થોડું અઘરું છે. છતાંય કોઈ આવેગના કારણે કોઈ વસ્તુ સારી લાગવા કે વસ્તુ પોતાની છે એટલે સારી લાગવામાં ઊણપ રહે છે. કૂતુહલવશ કોઈ વસ્તુનું સારું લાગવું એ પણ સ્થાયી નથી હોતું. એક અન્ય રીતનું સારું લાગવું હોય છે. એ છે ઊંડો એકાત્મક્તાનો બોધ. કોઈ દશ્ય એટલું સારું લાગે છે કે તેમાં મરવાની પણ મજા આવે બધાં જ ભરોસો આપે છે. બધાં જાણે સ્નેહી છે. કોઈ વસ્તુ જેટલી સારી લાગે છે, મૃત્યુનો ડર એટલો ઓછો થાય છે. કારણ મને અનુભવ્યું કે હું મરી જઈશ તો આ તો રહેશે જ. આનું રહેવું તે મારું રહેવું તો છે. ચિત્ર બે પ્રકારના હોય છે. એક એ જે ચિત્રકારે બનાવ્યું છે અને બીજું એ જે સ્વયં બન્યું છે. સારા ચિત્રમાં વિષયવસ્તુ, શૈલી અને ચિત્રકાર ત્રણેય સ્થિત હોય છે. ચિત્રમાં રંગ પૂરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ધાન્યના ખેતરની લીલોતરી તમને એટલી ગમવી જોઈએ કે તમે સ્વયં લીલા થઈ જાઓ. તમારા અસ્તિત્વની અનંત ઓળખ સાથે એ ઓળખ જોડાઈ જાય. ત્યારબાદ ચિત્ર બનાવશો તો ક્યો લીલો રંગ પૂરવાનો છે, તેની સાથે બીજો કયો રંગ ક્યાં સારો લાગશે વગેરે બાબતો ઊંડી અનુભૂતિના કારણે તમારી સામે સ્વયં સ્પષ્ટ થશે - પીંછીના ટેરવે રંગ પોતાની મેળે આવતો જશે. એક બીજી વાત, આલંકારિક પદ્ધતિમાં ચિત્રકાર પાકથી લચેલા ખેતરનો રંગ આકાશમાં પૂરી શકે છે. વાદળમાં પણ પૂરી શકે છે. પહાડમાં પણ પૂરી શકે છે. તેમાં કશું ખોટું નથી હોતું. કારણ ચિત્રકારે પ્રકૃતિ પાસેથી શીખી લીધું હોય છે. જુદા જુદા રંગોનો ઊંડો અભ્યાસ અને રંગોની પરસ્પર સંબંધની વાત, દઢ આત્મીયતાની વાત, છતાંય સ્વાધીન અને સ્વતંત્ર છે. આ પ્રથા આપણને જૂના રાજપૂત, મુગલ કે પારસી ચિત્રોમાં જોવા મળે છે. આનાથી કૃતિમાં કોઈ પ્રકારની ક્ષતિ નથી આવતી પરંતુ તે શ્રેષ્ઠ બને છે. જેણે પહાડ નથી જોયો એ વાદળનું ચિત્ર ન બનાવી શકે. સ્થિરતાને જાણ્યા વગર ચંચળતાને જાણી શકાતી નથી. ઇન્દ્રિયોની ચંચળતામાં જે રસ છે અને ચિત્રની ધ્યાનમગ્નતામાં જે રસ છે. કલાકારે બન્નેને જાણવાની જરૂરિયાત છે. કલાકાર એક પક્ષે હોય તે ન ચાલે. તેણે સર્વદેશી અને નિર્લિપ્ત હોવું જોઈએ. સાંભળ્યું છે એકવાર કોઈકે કહ્યું હતું કે ફણગો ફૂટતા જવનો ઉપરનો ભાગ પાંખો ફેલાએલા પતંગિયા જેવો લાગે છે. પરંતુ જ્યારે કોઈ ખરેખરા પ્રતિભાશાળી કવિએ કહ્યું કે જવનો ફણગો ફૂટતો જોઈને એવું લાગે કે જો એક જોડી પાંખો મળે તો તે પતંગિયાની જેમ ઊડવા માંડશે. એક જ ઉપમાને જોવાથી ખ્યાલ આવશે કે રજૂઆતમાં કેટલો ફર્ક આવે છે. જે જડ હતી તે ચેતન બની ગઈ. પ્રવૃત્તિમાં બે ધારાઓ છે. એકમાં એક રૂપની સાથે બીજાનો મેળ ન બેસે પરિણામ આશ્ચર્યજનક. આ થયું સ્થૂળ રૂપ. બીજામાં દેખાય છે કે આ બધી વિસંગતિ અથવા વિચિત્રતા જે અંતર્નિહિત નિયમથી પ્રગટે છે તે જ તેનું એક્ય છે. જેવું દશ્ય અને વૈવિધ્યના અંતરમાં એક્ય - આ જ પ્રકૃતિ - વિશ્વ પ્રકૃતિ પણ અને તેમાં સમાહિત માનવ પ્રકૃતિ પણ. કલાકાર સૌથી પહેલાં બાહ્ય રૂપ તરફ આકર્ષિત થાય છે. ત્યાર બાદ એ રૂપથી બીજા રૂપના સંપર્ક તરફ. ત્યાર બાદ આકર્ષાય છે તે ભાવ અને તે રસ તરફ જે પ્રત્યેક રૂપને, પ્રત્યેક ક્ષણને રૂપાંતરિત અને જીવંત કરી રહ્યું છે. આ રીતે કલાકાર જેટલો આગળ વધે છે, તેટલી જ તેની સર્જનક્ષમતા વધે છે. એટલો જ સર્જનના ક્ષેત્રનો વિસ્તાર થાય છે. કલા વિશેષની પોતાની વિશિષ્ટ ભાષા કે કનવેંશન (convention)નું કામ વસ્તુને સરળ કરવી તે નહીં પરંતુ પૂર્ણ બનાવવી તે છે. જ્ઞાન અને સાધનાની વિશેષ સંયોગથી જ તેનો ઉદભવ થાય છે. આપણી ચારેય બાજુએ સર્વત્ર ક્ષતિગ્રસ્તભાવ અને ક્ષતિગ્રસ્ત રૂપની તરફ પ્રકૃતિનો જ સમગ્ર આવેગ અને ઇચ્છાનું ખેંચાણ છે. તદ્ઉપરાંત સૃષ્ટિમાં વ્યાપ્ત જળ, વંટોળ, તડકો અને અતિવૃષ્ટિ છે. જીવ-જંતુ જનાવર અને મનુષ્યોના અગણિત ઉપદ્રવ છે. આ બધી જડવસ્તુઓની જડતાના કારણે ઉત્પન્ન થતી અડચણો થકી મૂળભાવ અને આવેગ સુધી આપણે સીધા પહોંચી શકતા નથી. આંખો દ્વારા, અંતરના પ્રેમ દ્વારા તે જોવામાં અને બતાવવામાં સાર્થકતા છે. ચીનની ચિત્રકલા અને ભારતીય શિલ્પકલાની સરખામણી નથી. ભારતીયો વિષયને ચારે તરફ્થી જુએ છે. એ જોવાને આકારિત કરવાનું યોગ્ય માધ્યમ છે, શિલ્પકલા અને સ્થાપત્યકલા. પરંતુ ચિત્રની સપાટી દ્વિઆયામી હોય છે. તેમાં લંબાઈ અને પહોળાઈ જ હોય છે. તેનું વિશિષ્ટ દષ્ટિબિંદુ અંતર કે અવકાશ હોય છે. આ ટુ-ડાયમેન્શન (2-Dimension) સર્જનના ક્ષેત્રમાં અંતરની રસસૃષ્ટિ ચીની કલાકારો સ્વાભાવિક્તાથી બતાવે છે તે બીજે ક્યાંય જોવા મળશે ? ચીની ચિત્રકારો માટે ચિત્ર બનાવવું તે લખવા જેવું છે. એટલા માટે જ ચિત્રની સપાટ ભૂમિ તેમના સર્જન માટે વધુ ઉપયોગી નીવડે છે. ઓકાદુરાએ કહ્યું હતું કે પ્રકૃતિ (Nature) પરંપરા (Tradition) અને મૌલિકતા (Originality) - આ ત્રણના પરિણામે જ સર્વાંગ સંપૂર્ણ કલાત્મક સર્જન થાય છે. પ્રકૃતિની જાણકારી વગર કલા દુર્બળ અને કૃત્રિમ થઈ જાય છે. પરંપરાના જ્ઞાનને અભાવે તે જડ અને અણઘટ બને છે. અને કલાકારનું પણ જો કાંઈ યોગદાન ન હોય તો બધું જ હોવા છતાં કલા નિષ્પ્રાણ રહે છે. બીજી બાજુ કેવળ પ્રકૃતિ પર આધારિત હોય તો નકલ બની જાય છે. કેવળ પરંપરા આધારિત હોય તો થઈ જાય કારીગરી અને કેવળ મૌલિક્તાનો આધાર લઈને કલાકાર સર્જન કરે તો એ પાગલ જેવું આચરણ કરે છે. જુદી જુદી ઉંમરે મનુષ્યનું જીવન જુદી જુદી વસ્તુઓને કેન્દ્રમાં રાખીને ચાલે છે. બાળપણમાં મા, કિશોરાવસ્થામાં ભાઈ-બહેન, યુવાવસ્થામાં સ્ત્રી કે પ્રેમિકા અને પ્રૌઢાવસ્થા કે ઘડપણમાં બીજું કાંઈ. આ કેન્દ્રો સ્થિત રહેવાથી જીવનમાં રસ રહે છે. સુખ રહે છે. ઉત્સાહ રહે છે. કેન્દ્રથી ખસી જવાથી બધું જ બેસ્વાદ થઈ જાય છે. એટલે કામ માટે કોઈ પ્રેરણા રહેતી નથી એટલે જે જેટલાં સ્થાયી તત્ત્વોને કેન્દ્રસ્થાને રાખીને જીવનનો વિકાસ કરે છે, તેને સુખ-શાંતિ અને કામ કરવાની પ્રેરણા આપતો સ્રોત પણ એટલો જ સ્થિર રહે છે. ખતમ થતો નથી. આવી સ્થિર વસ્તુ છે આ વિશ્વ પ્રકૃતિ. આ વાત જીવનમાં પણ સત્ય છે અને કલામાં પણ. નિત્ય નિયમિત સાધનાના પરિણામે, છેલ્લે મન ભરેલા ઘડા જેવું થઈ જાય છે. ભરેલો ઘડો થોડો પણ હલવાથી છલકાય છે તેમ કોઈપણ કારણે જરાપણ ઉદ્દાલિત થતા મનમાં સ્થિર રસાનુભૂતિ અને રૂપાનુભૂતિનું અક્ષયપાત્ર છલકાઈ જાય છે અને આકારિત થાય છે. ચિત્ર, શિલ્પ, નૃત્ય, કવિતા અને ગાન. ખૂબ આશા અને ઇચ્છાથી શરૂઆત કરી પણ આજ તમને લાગે છે કે કશું થયું નહીં. પરંતુ બની શકે કે થવામાં હવે બહુ વાર ન હોય. માની લો કે તમે જગન્નાથપુરીના મંદિરે જઈ રહ્યા છો. સવારના સમયે ખૂબ દૂરથી વનરાજીની વચ્ચે મંદિરનો ઘુમ્મટ દેખાય છે. ઉત્સાહભેર ચાલવા માંડ્યા. જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તડકા અને રેતની ગરમી વધવા માંડી. ભૂખ અને તરસથી જીવ અકળાઈ ઊઠ્યો, ખબર નહીં ક્યારે આસપાસનાં મકાન અને વનરાજી વચ્ચે દેખાતો ઘુમ્મટ પણ ખોવાઈ ગયો. તમે એકદમ દિક્ભ્રમિત થઈ ગયા. ચાર રસ્તે આવીને કઈ બાજુ જવું તેની સમજણ નથી પડતી. છતાંય કદાચ દરેક ડગલે તમે આગળ વધતા રહો છો. જ્યારે એકદમ હતાશ થઈ રહ્યા હશો, ત્યારે રસ્તાની ધારે એક વળાંક પાર કરતાં જ સામે એક વૃક્ષથી આગળ જતાં જ મંદિરનો ખુલ્લો દરવાજો આંખ સામે હશે. કલાકારે હંમેશાં ચેતનવંતા રહેવું પડે. ભાગીરથીમાં તરંગની તાલે તરણા સાથે કમળનું ફૂલ અને પાન વહી રહ્યું છે. તે પાણીમાં માછલી પણ રમી રહી છે. પોતાની ઇચ્છા મુજબ જળના પ્રવાહની દિશામાં કે ઊલ્ટી દિશામાં જઈ રહી છે. બન્નેમાં તફાવત છે. આજ તફાવત સાધારણ મનુષ્ય અને કલાકારમાં હોય છે. ૦ વાસ્તવિક્તા શું છે ? તેની વ્યાખ્યા કુમારસ્વામીએ એક સંસ્કૃતની ઉક્તિ ટાંકતાં આપી છે. વાસ્તવિકતા એ છે, જ્યાં અભાવ-બોધ નથી. અર્થાત્ કલાના ક્ષેત્રમાં કહી શકાય કે ચિત્ર અને ચિત્રનું વિષયવસ્તુમાં સમાનતા ન હોવાથી પણ જ્યાં અભાવ-બોધ નથી. ચીની લોકોએ પણ આજ કહ્યું છે. સાચા કલાકારનું કામ કેવું હોય છે? વસ્તુનો આશ્ચર્યજનક અનુભવ થાય છે. પણ પાસે જઈને જોતાં શાહીની છાપ અને પીંછીના ડાઘ સિવાય કશું જ દેખાતું નથી. ચાઈનીઝ લોકો એટલે જ કહે છે કે ટેકનિક જ બધું છે, અને ટેકનિક કશું જ નથી. મન જ ચિત્ર બનાવે છે. મન જ્યારે જવા ઇચ્છે ત્યારે તે ખેંચી ખેંચીને ક્યાંથી ક્યાં લઈ જાય તે ખબર પણ ન પડે. સાચા કલાકારની ટેકનિક કે સાચી ટેકનિક છે - તંત્ર (તાઓઉપનિષદ)ના એ શ્લોકની ઉક્તિ અનુસાર - પક્ષીના ઊડવાની જેમ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જઈને બેઠું પણ હવામાં કોઈ નિશાન જ ન રહ્યું. કોઈ કોઈ વ્યક્તિ એવી છે જે કોઈપણ વસ્તુનું ચિત્ર બનાવે, તે તેમાં પ્રવેશી જાય છે. પ્રવેશ કેવો ? તમારો હાથ પકડીને અહીં આ રીતે મૂકી દીધો. પછી ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યો. પછી તમને પકડીને ઉઠાડ્યા, બેસાડ્યા - આ થયું એક. એક બીજું થયું જો તમારા અંતરમાં જ પ્રવેશી શકે તો તમારા હાથની સાથે, તમારા પગની સાથે હું જે ઇચ્છી શકું છું. ઊઠવું, બેસવું, દોડવું, નાચવું - કાંઈપણ કરવામાં જોર નથી આવતું. અડચણ નથી આવતી, બસ સહજ રીતે તે જ થાય અને સાચું થાય છે. નાના બાળકો દ્વારા બનાવેલું ચિત્ર પણ ખૂબ સુંદર હોય છે. અદ્ભુત છંદ, અદ્ભુત રંગ એનાં હોય છે. એટલે નાના બાળકોના કામની નકલ કરીને કલાકાર ન બની શકાય. નાના બાળકોના કામના ગુણ મોટા કલાકારોને કામ લાગે છે. ત્યારે જ્યારે એ જ્ઞાનની ચરમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. કારણ મોટા માણસો જો નાના બાળકોનું અનુકરણ કરે તો એ ખોટો દેખાડો થશે. એટલે મોટા માણસો પણ ઘણીવાર બાળકો જેવો વ્યવહાર કરે છે. એ આપણે જાણીએ છીએ. આવી જ વ્યક્તિઓને આપણે પ્રતિભાશાળી કે પરમહંસ કહીએ છીએ. એક જાપાની કવિતામાં કવિએ લખ્યું છે. હું ચેરીનું ફૂલ થવા ઇચ્છું છું. મનુષ્ય તો ચેરીના ફૂલથી ઘણો મોટો હોય છે. ઘણો મહાન હોય છે. તો પછી તેની આમ આવી વિપરીત ઇચ્છા કેમ ? આનું કારણ છે, એ મનુષ્ય છે એટલે એને એવી ઇચ્છા થઈ. ચેરીના ફૂલના મનમાં તો મનુષ્યની ચેતના સંસારના બુદ્ધિ અને અનુભૂતિ પ્રસારિત થાય છે. મનુષ્યની ચેતના સંસારના સર્વમાં પ્રવેશ કરવા ઇચ્છુક છે. એનો બીજો અર્થ એ પણ લગાવી શકાય છે - મનુષ્ય સંસારની અનંત જટિલતા, અસીમ દ્રવ્વ, અખૂટ એશ્ચર્ય આ બધાની સાથે જ, આ બધાનો જયકારો કરીને જ તે ચેરીના ફૂલની જેમ પ્રસ્ફૂરિત સહજ સૌંદર્યને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. ભારતીય મૂર્તિકલા ખૂબ જ ઊંચી વસ્તુ છે. તેમાં જે કાંઈ થઈ ગયું છે, તે અન્ય કોઈ યુગમાં નથી થયું. જ્યાં સુધી એક નટરાજની મૂર્તિ, એક બુદ્ધની મૂર્તિ કે એક ત્રિમૂર્તિ ઉપલબ્ધ છે. ત્યાં સુધી સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારતવાસી માથું ઊંચુ રાખીને રહી શકશે. ભારતીય કળા અને ભારતીય સભ્યતા આમાં જ સંપૂર્ણ છે. તેમાં નિરાકાર વિચારને સાકાર કરવામાં આવ્યો છે. પ્રકૃતિના - એ નાના પ્રકારની રૂપછટાઓને અનેક કલાકારોએ અનેક રીતે રૂપાંતરિત કરી છે. પરંતુ કરુણા, મૈત્રી કે કોઈ બીજા અમૂર્ત વિચારને મૂર્તરૂપ આપવાનો પ્રયત્ન કલા જગતમાં અન્યત્ર દુર્લભ છે. ચિન્હ કે પ્રતીકની રચના નથી કરી, રચના કરી છે મૂર્તિની. અર્થાત્ અહીં વિચારનું ‘વાચન’ મુશ્કેલીભર્યું કે કલ્પનાતીત નથી. રસિક વ્યક્તિઓ માટે તેનો બોધ વ્યાખ્યા સાપેક્ષ પણ નથી. વિચારનો જન્મ થયો અને વિચાર જ મૂર્તિ બન્યો. એક સમયે યુરોપમાં પ્રકૃતિની હૂ-બ-હૂ નકલ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. એ કલાનો સાચો રસ્તો નથી, તેમાં ખરેખરી તૃપ્તિ નથી મળી શકતી. તેના વિરોધમાં હવે પ્રકૃતિને એકદમ તેમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ પણ અયોગ્ય છે. તેમાં જરાય રસ નથી. આપણી આસપાસનું બધું જ છોડીને માણસ ન વિચારી શકે કે ન જોઈ શકે. વિજ્ઞાન કે મનોવિજ્ઞાનના તથ્યોનું શું થશે. એ કલાનું સત્ય તો નથી. કલાનો વિષય અને કલાકારનું મન પદાર્થ અને પ્રકાશ જેવાં છે. માટી અને પથ્થર સૂર્ય પ્રકાશને શોષી લે છે. તેને ઝાંખો બનાવે છે. પ્રકૃતિની અનુકારક કલામાં આવું જ થાય છે. અને કાચ, અરીસો કે જળ સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરીને વધુ ચકચકિત કરે છે. ભારતીય કે પૂર્વની કલાનું મૂળ ચરિત્ર જ આ છે. આ કલા અનુકરણ પ્રત્યે વિશેષ જોક નથી આપતી. વધારે પડતી એબસ્ટ્રેક (Abstract) કે અમૂર્ત થવાની પણ એને જરૂરિયાત નથી જણાઈ, તેનું સત્ય સ્વરૂપ અને અરૂપ બન્નેને સાથે રાખીને વચ્ચે ઊભી છે. ૦ પ્રકૃતિના ચિત્રણમાં કે લેન્ડસ્કેપમાં સ્થાપિત નવ રસમાંથી એકેય રસ નથી હોતો. વધુમાં વધુ તેને શાંત રસ કહી શકાય કે પછી એકાત્મકતાનો રસ કહી શકાય. ચીની લોકોએ સંભવતઃ પોતાના ઋષિ લાઓત્સેના વિચારોમાંથી આ રસને પ્રાપ્ત કર્યો હતો. એક લેન્ડસ્કેપની વચ્ચે એક માણસ. જો લેન્ડસ્કેપનું ચિત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય તો માણસનું ચિત્ર કરવાની ચેષ્ટા ન કરવી જોઈએ અને જો માણસનું ચિત્ર દોરવાનો મુખ્ય હેતુ હોય તો લેન્ડસ્કેપ ચિતરવામાં સાવધાની રાખવી જોઈએ. ચિત્રમાં આકારિત થનારા વિષયને સીધેસીધો કે પરાણે વશમાં કરવાનો પ્રયત્ન કરવાથી તે સિફતપૂર્વક છટકી જશે. પ્રેમમાં પણ આ જ થતું હોય છે. તેની ગતિ પણ વાંકી હોય છે. જે બાજુ જવા ઇચ્છતા હોવ તે બાજુ સીધા ન જવાય, જે કહેવા માગતા હોઈએ એ સીધેસીધું ન કહેવાય જે કહેવા માગતા હોવ તેને વ્યંજનાના માધ્યમથી સુંદરતાપૂર્વક વ્યક્ત કરો. ઇંગિતના માધ્યમથી, ઇશારાથી, આનાથી પ્રેમી અને પ્રિયા બન્ને ખુશ થાય છે. આનાથી પ્રેમ સફળ થાય છે. કલા હોય કે પ્રેમિકા, બન્ને પ્રત્યે જોર-જબરજસ્તી સારી નહીં - ‘ઇચ્છા કર્યા વગર જ તેને પામી શકાય.’ લેન્ડસ્કેપના ચિત્રમાં વૃક્ષ-છોડ, રેતાળ મેદાન, જળની ધારા વગેરે બનાવીને મન સંપૂર્ણ સંતૃષ્ટ ન થાય ત્યારે લાંબી પૂંછડીવાળું પક્ષી કે હાથમાં નાની લાકડીવાળો ભરવાડ, વાંકું વળીને પાણી પીતું વાંદરું વગેરે બનાવી દીધાં અને લાગ્યું કે બધું જીવંત થઈ ગયું, બોલવા માંડ્યું, કીકું પણ સુંદર, ચિત્રમાં એ પક્ષી, ભરવાડ જ કલાકાર સ્વયં છે. કલા ક્ષેત્રે જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેમનાથી ભૂલ નથી થતી, દંતકથા પ્રચલિત છે કે એકવાર ચીની ચિત્રકારના પગની ઠોકરથી શાહીનો વાડકો ઢોળાઈ ગયો તેણે તરત જ હાથ ફેરવીને એક અદ્ભુત ડ્રેગનનું ચિત્ર બનાવી દીધું. ચિત્રકારના મનમાં જ્યારે વિષયવસ્તુની ધારણા સ્પષ્ટ રૂપે તૈયાર થઈ જાય ત્યારે મનમાંથી કાઢીને કાગળ પર મૂકી દેવાથી જ કામ થઈ જાય છે. એવું લાગે છે જેમ પડદો હટાવતાં જ પાછળ શું હતું તે નજરે પડી ગયું. આના માટે જે કુશળ હાથ,સાધન, કલા અને કલા કૌશલનું પ્રયોજન છે તેનાથી પણ નથી થતું કારણ કે કલાકાર અને કલા-રસિકને આ સંબંધે જાણે કોઈ હોશ જ નથી રહેતો. ધનુષ બાણ લઈ ઘણાં નિશાન તાકીને, ઘણા પ્રયત્નોથી લક્ષ્ય ભેદવાની ચેષ્ટા કરી શકાય છે. તેનાથી નિશાન તાકી પણ શકાય અને ન પણ તાકી શકાય. પરંતુ જ્યારે લક્ષ્ય જ ચુંબકની જેમ તીરને પોતાની તરફ ખેંચે ત્યારે આપણી તરફથી કોઈ ચેષ્ટા ન કરવાની હોવાથી ભૂલચૂકની કે નિશાન ચૂકવાની સંભાવના રહેતી નથી. વર્તમાન યુગમાં ખાસ કરીને પશ્ચિમના દેશોમાં કલાના ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનો પ્રભાવ દેખાઈ આવે છે. તેના પરિણામે થોડેઘણે અંશે અવચેતન કે અતિ સચેતન મન દ્વારા એક પ્રકારના કલાસર્જનનો પ્રયત્ન જોવા મળે છે. તે જોઈને મનમાં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, કે જો કેવળ કુતૂહલ જગાવે છે કે પ્રશ્ન આકાર લે છે. તેમાં પણ કલા છે કે નહીં. આપણી દષ્ટિએ કલા રસની વ્યંજનાની દૃષ્ટિથી જેમ એકબાજુ અનિર્વચનીય (અવાક્) અને અપરિસીમ (અસીમ) છે. તેમ જ રૂપ અને રેખાની દષ્ટિએ સુસીમ, સંશ્લિષ્ટ અને સુનિર્દિષ્ટ છે, કારણ કલા મનુષ્યની પોતાની સત્તાની સાથે વિશ્વસત્તાના ઘનિષ્ટ પરિચયની સાક્ષી કે પ્રતીક છે. એમ પણ કહી શકાય છે કે કલા નવા પરિચયનું સર્જન કરીને એક સૃષ્ટિની વસ્તુને એક બીજી સૃષ્ટિ વચ્ચે મૂકી આપે છે. કોઈ એક છોકરીની વાત કરીએ. સંસારમાં એ કોઈકની દીકરી, કોઈકની પત્ની, કોઈકની સખી, કોઈકની મા હોય છે. પ્રકૃતિની વચ્ચે કે પ્રકૃતિની દૃષ્ટિએ એ ન તો મા છે, ન બહેન કે ન પત્ની; એ કોઈની પણ સાથે અતૂટ સંબંધથી બંધાયેલ નથી - એ કેવળ નારી છે. હવે એ છોકરીનો એક એવો પણ પરિચય હોઈ શકે કે એ મા છે. એના ખોળામાં બાળક છે કે કોઈ એવું સ્પષ્ટ લક્ષણ છે જેના કારણે ભ્રમની સંભાવના જ ન રહે. છોકરી જેમ પ્રકૃતિની વચ્ચે આમ જ કોઈ અંતરંગ અનુભૂતિ વચ્ચે નિઃસંદિગ્ધ અને નિર્દિષ્ટ એક ઓળખની ઉજ્જવળતા પ્રાપ્ત કરે છે અને ત્યારે કલાનો આધાર(વિષય) બની જાય છે. સંસારમાં એનો સંબંધો દ્વારા જે પરિચય છે તે વામણો બની જાય છે. તેની ચમકને ઝાંખી કરી દે છે. અને તેને સારી રીતે ન ઓળખવાને કારણે જ એ બોધનો કે કલાનો આધાર નથી થઈ શકતી.... જે છોકરીને રોજ જોઉં છું, તેને નથી જોતો. વિવાહ વખતે એ દરેકનું ધ્યાન ખેચે છે. તે સમયે એ અપૂર્વ અને અનન્ય લાગે છે. એક પથ્થરના ટૂકડાને જ લો. જ્યાં સુધી એ કેવળ પથ્થર છે ત્યાં સુધી એક પ્રાકૃતિક ચીજ માત્ર છે. એક એવી ચીજ કે જે ફીજીક્સ કે મેટા ફીજીક્સ અંતર્ગત આવે છે. તથા જેને આંખોથી જોઈ શકાય છે. તથા યંત્ર દ્વારા જેનું પરીક્ષણ કરી શકાય છે. હવે એ જ પથ્થરનો ટૂકડો જાતે અથવા કોઈના દ્વારા થોડું રૂપ આપીને ક્યારેક શિવ, ક્યારેક વાનર, તો ક્યારેક ડોશી જેવો લાગી શકે છે. છતાંય એ મનમાં કુતૂહલ જગાડે છે. જીજ્ઞાસા પેદા કરે છે. પણ રસની સૃષ્ટિ નથી રચી શક્તો. કારણ કે જ્યાં સુધી આપણે તેને કોઈ ચોક્કસ નામ આપીને આત્મીયતા કેળવી ન શકીએ, ના તેનું નામ લઈને બોલાવી શકીએ, કલાકારના હાથમાં પડ્યા પછી એ પથ્થર પથ્થર નથી રહેતો. કલાકારે પોતાની બધી જ આંતરિક શક્તિના યોગથી જે અનુભવ કર્યો, જે જોયું, કે જે જોવાનો અભિગમ કેળવ્યો, તેનાથી તે પથ્થર શિવ, વાનર કે ડોશી વગેરેમાંથી કોઈ રૂપ ધારણ કરીને કોઈ રસિક વ્યક્તિની નજીકની ઓળખ થઈ, રસિક વ્યક્તિનો અંતરંગ થયો અને સાથે જ કલાની સંજ્ઞાથી અભિવ્યક્ત થયો, ત્યારે જ એ સૃષ્ટિની પ્રતિસૃષ્ટિ બન્યો. પૂર્વ તરફ લીલાં જંગલો ઉપર ઘેરાએલાં કાળાંડીબાંગ વાદળો - મને આટલી મજા કેમ આવે છે ? એણે મારા મનને આમ ઝંકૃત કેમ કરી દીધું છે ? કારણ બહુ જ સરળ છે. એક જ સૃષ્ટિ, એક જ ચેતનાનો એક છેડો છે તે વાદળ અને બીજો છેડો તે હું. એક તરફ મેઘ અને બીજી તરફ હું એટલે જ મેઘનું સુખ મારામાં અને મારું દુઃખ મેઘમાં વિચરણ કરે છે. વિષય (આસક્તિ) અને વિષયી (આસક્ત)ની એક જ સૃષ્ટિ છે. મારી ઇન્દ્રિઓ ફક્ત બારી દરવાજા જ છે. એ રસ્તામાં મારું અને મારી વિષય (આસક્તિ)નું મિલન થાય છે, બન્ને એકબીજામાં લીન થઈ જાય છે. એક જ ચેતના જુદા સ્વરૂપે દોલાયમાન થાય છે, તરંગિત થાય છે. કુણાલ જાતકમાં કામલોકની ચર્ચા મળે છે તેની ઉપર રૂપલોક અને તેની ઉપર અરૂપલોક, હું કહું છું કે એની ઉપર આનંદલોક. કામલોકમાં આસક્તિ છે એટલે અંધાપો છે. રૂપલોકના સ્તરે પહોંચતાં રૂપ દેખાય છે. અરૂપલોકમાં પહોંચતાં પ્રાણમાં એ નિખિલ પ્રાણછંદનું સ્પંદન અનુભવાય છે. આનંદલોકમાં રસ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે : રસો વૈ સઃ |