કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/તમને છુપાવ્યાં
૩૨. તમને છુપાવ્યાં
જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યાં!
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યાં.
હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યાં.
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યાં.
જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
કદી એને મળશું તો પછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં.
‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.
(આગમન, પૃ. ૧૦૫)