અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/ભવ્ય સતાર

Revision as of 05:33, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


ભવ્ય સતાર

સુન્દરમ્

         અહોહો ઝનઝન ભવ્ય સતાર!
         રણઝણે તાર તાર પર તાર!

અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
                  અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે.

(યાત્રા, પૃ. ૧૬૮)