કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/સેહરા મને
૪૫. દિલ બેકરાર છે
૪૬. સેહરા મને
શું હશે મારામાં કે ખેંચે છે, આ સઘળા મને,
ઘર મને, ગુલશન મને, જંગલ મને, સેહરા મને.
જ્યારે દેખાશે તો ત્યારે ચાલવું દુર્લભ હશે,
પંથ એક સાચો છે જે સૂઝે નહીં હમણાં મને.
છે સહનશીલતાની શોભા તે સ્વાભાવિકતા ગઈ,
કે હવે ધીરજના પણ કરવા પડ્યા દાવા મને.
તું મળે એ તો નથી મુમકિન, પરંતુ પ્રશ્ન છે,
તેનું શું કે એક-બે દેખાય છે રસ્તા મને.
ખુદ મને સચ્ચાઈના રસ્તે નથી મરવું પસંદ,
તેં તો દીધાં’તા શહાદતના કઈ મોકા મને.
હા, ઓ ખુદા, હવે જે મદદની જરૂર છે,
તું આપ! યા તો દે કોઈ બીજો ખુદા મને.
મારું દિલ કંઈ એવું પાણીદાર મોતી છે ‘મરીઝ’,
કેટલા ઊંડાણથી જોતા રહ્યા દરિયા મને.
(નકશા, પૃ. ૩૬)