કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/પેગમ્બરી મને
૪૯. પેગમ્બરી મને
જ્યારે જગતના દુઃખમાં કલા લઈ ગઈ મને,
વસ્તુ નજર ન આવી કોઈ પારકી મને.
જાણું છું ભેદ તેથી જરૂરી છે ચૂપકીદી,
જોયા કરે છે દૂરથી પેગમ્બરી મને.
દુઃખનો સબબ છે એ જ બીજો કોઈ પણ નથી,
લાગે છે મારા ધોરણે દુનિયા સુખી મને.
તારા સિવાય કોની મદદ માગું ઓ ખુદા,
તારા સિવાય કોઈ ઉપર હક નથી મને.
ચાલું છું આદિકાળથી પણ ત્યાંનો ત્યાં જ છું,
લાગે છે કે સમયની મળી છે ગતિ મને.
હું તારી નેમતોનું ન વર્ણન કરી શકું,
દેખાય છે કેમ આટલી દુનિયા દુઃખી મને.
જીવનનાં ઝેર એવી છટાથી હું પી ગયો,
અમૃત બધા વિનંતી કરે છે કે પી મને.
અપમાન, મારી આંખના આંસુથી ધોઉં છું,
દેખાય છે હરીફ, તમારી છબી મને.
એકાંત છે, નિરાંત છે – ક્યાં જાઉં હું ‘મરીઝ’,
ઘરના ખૂણામાં ચારે દિશાઓ મળી મને.
સૂતો છું આડે પડખે કબરમાં હું ઓ ‘મરીઝ’,
મૃત્યુની બાદ પણ ન કશી કળ વળી મને.
(નકશા, પૃ. ૬૬)