ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયા

Revision as of 12:49, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટીઆ

સ્વ. કૃષ્ણરાવનો જન્મ અમદાવાદમાં રા. બ. ભોળાનાથ સારાભાઈને ત્યાં, વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં ઇ.સ.૧૮૩૬ના ડિસેમ્બરની ચોથી તારીખે થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને પ્રીવિયસ સુધીનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં લઈ તેઓ, વિલાયત જઈને બૅરિસ્ટર થયા હતા અને એમના સમયમાં મુંબઈ અમદાવાદમાં અનુભવી બૅરિસ્ટર ગણાતા હતા. સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ વગેરે કાયદામાં તેમના સહ-અનુયાયી હતા. એ ઉપરાત કુટુંબની જાગીરોની વ્યવસ્થા તથા રા બ. ભોળાનાથ સારાભાઈથી પેઢીનો વહીવટ એ એમના મુખ્ય વ્યવસાય હતા. અમદાવાદની નાગરી ન્યાતમાંથી વિલાયત જનાર એ પહેલા જ હોવાથી એમને ૭ વર્ષ ન્યાત બહાર રહેવું પડેલું. અમદાવાદની સંસારસુધારા હીલચાલમાં એમનું કુટુંબ અગ્રણી હતું અને કૃષ્ણરાવ એ પ્રવૃત્તિમાં મદ્યનિષેધ વગેરે હીલચાલોમાં તેમજ એમના પિતાની સ્થાપેલી અમદાવાદની પ્રાર્થનાસમાજમાં આગળ પડતો ભાગ લેતા. બંગાળી અને મરાઠી ભાષાના તેઓ સારા વિદ્વાન હતા, અને બ્રહ્મો સમાજના મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર તથા કેશવચન્દ્ર સેનની અને તુકારામ બ્રહ્માનંદ આદિ ભક્તોની કૃતિઓ તેમને ખૂબ પ્રિય હતી. રોમેશચંદ્ર દત્ત, પ્રતાપચન્દ્ર મઝુમદાર, સત્યેન્દ્રનાથ ઠાકુર, ડૉ. ભાંડારકર આદિના નિકટ પરિચયમાં તેઓ હતા. સંગીતમાં તેઓ નિષ્ણાત હતા અને સંગીત ઉપરનો એમનો કાબૂ એક સંગીતાચાર્ય જેટલો હતો. એટલે જ એમની કૃતિઓમાં કવિત્વની સાથે સંગીતની ધીમી પણ સંવાદમય લહરી જણાયા કરતી. ગુજરાતમાં બંગાળી ઢબથી ગીતોના ઢાળ ઉતારનાર તેઓ પ્રથમ હતા. પ્રાર્થનાસમાજ માટે તેમના પિતાની રચેલી “પ્રાર્થનામાળા”ના બીજા ભાગના અધૂરા રહેલા અંકો કર્તાના અવસાન પછી પૂરા કરવામાં તેમના વડીલ બંધુ નરસિંહરાવની સાથે તેમનો પણ મોટો ફાળો હતો એ બહુ ઓછા જાણે છે. પહેલી સાહિત્યપરિષદમાં 'રંગભૂમિ' ઉપર એમણે નિબંધ વાંચેલો. તે ઉપરાંત જ્ઞાનસુધા, બુદ્ધિપ્રકાશ આદિ માસિકોમાં એમના લેખો અવારનવાર આવતા. એમનું લગ્ન સુરતમાં સૌ. પ્રિયંવદા સાથે થયું હતું. એમના બે પુત્રોમાંથી એક વિપિનવિહારી સ્વર્ગસ્થ થયા છે. બીજા શ્રી. સુધાકર વ્યાપારી લાઈનમાં છે. પુત્રી સૌ. પ્રતિમા એ સ્વ. આચાર્ય આનંદશંકર ધ્રુવનાં પુત્રવધૂ થાય. મુંબઈમાં ૨૦મી સપ્ટેમ્બર ૧૯૨૧ના રોજ એમનું અવસાન થયું. એમના ગ્રંથોની નામાવલિ નીચે મુજબ છે: સરદાર રા. બ. ભોળાનાથ સારાભાઈનું ચરિત્ર -ઈ.૧૮૮૮ મુકુલમર્દન (નવલકથા) - ઇ.૧૮૯૫ વિરાજમોહન (બંગાળી પરથી ભાષાંતર) -ઈ.૧૮૯૯

ભ્રાન્તિસંહાર (નાટક) –ઈ.૧૮૯૯

***