ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પંડિત ગટુલાલજી

Revision as of 13:26, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પંડિત ગટુલાલજી

ભારતમાર્તડ પંડિત ગટુલાલજી મૂળ કોટાના વતની હતા. તૈલંગી બ્રાહ્મણ ઘનશ્યામ ભટજીને ત્યાં જૂનાગઢમાં તા.૮-૨-૧૮૦૧ના રોજ તેમનો જન્મ થયો હતો. મોટપણે શીઘ્રકવિ તરીકેનું બિરુદ પામનાર એ બાળકે પાંચ વર્ષની વયે જ ‘થાળી પાળી ઘંટી બંટી તથૈવ ખાંડણિયું' એવી કવિતા રચી હતી! સાતમે વર્ષે તો તેમણે 'અમર કોષ' કંઠસ્થ કર્યો હતો. આવા પ્રતિભાશાળી બાળકની આંખો નવમે વર્ષે શીતળાના ઉપદ્રવથી ગઈ, પરંતુ તેના પ્રહાચક્ષુ ખુલી ગયાં. પિતા પાસેથી સંસ્કૃત ભાષાનાં સર્વે અંગો ભણી લઈને ૧૪ વર્ષની અંદર તો તેમણે યમુનાલહરી, ઋક્મિણી ચ, ચંપૂ, વેદાન્ત ચિંતામણિ, મારુતશક્તિ વગેરે ગ્રંથો લખ્યા અને સરિત્સિદ્ધાન્ત માર્તંડ નામક પ્રૌઢ વાદગ્રંથમાં છપાયલા લક્ષ્મણગિરિના 32 શ્લોકોનું ખંડન કર્યું. જોધપુરના મહારાણા સમક્ષ પંડિતોની સભામાં 'કંસવધ’ કાવ્ય શીઘ્ર કવિતાના પ્રયોગરૂપે રચી તેમણે પ્રથમ પંક્તિના શીઘ્રકવિ તરીકેનું બિરુદ મેળવ્યું. સંસ્કૃત અને વ્રજ ભાષા ઉપરાંત ગુજરાતીમાં પણ તે કવિતા રચતા જેનો સંગ્રહ 'સુભાષિત લહરી' નામથી પ્રસિદ્ધ થયો છે. શીઘ્રકવિ ઉપરાંત તે અદ્ભુત વ્યાખ્યાતા અને શતાવધાની પણ હતા. ૧૮ વર્ષની વયે તેમણે કાશીના પંડિતો પાસેથી ૧૦૦ જુદી જુદી બાબતોનાં અવધાનો કરીને એ પદવી મેળવી હતી. સંગીતમાં પણ તે સરસ જ્ઞાતા હોવા ઉપરાંત મૃદંગ બજાવવામાં કુશળ હતા. ૧૮૮૭માં ભારત ધર્મમહામંડળમાં વૈદિક ધર્મ ઉપર સંસ્કૃતમાં અપાયેલા એમના વ્યાખ્યાને મોટા મોટા પંડિતોને પણ મુગ્ધ કર્યા હતા, અને ‘ભારતમાર્તણ્ડ’નું પદ તેમને આપવામાં આવ્યું હતું. તેમની કૃતિઓની નામાવલિ-સુભાષિતલહરી (ગુજરાતી), યમુનાલહરી (સં), ઋક્મિણીચંપૂ (સં), વેદાન્ત ચિંતામણિ (સં), કંસવધ (સં), કૃષ્ણાભિસાર કાવ્ય (સં.). પંડિતજી મળતાવડા, શાંત, નિરભિમાની તથા સાદા હતા તેમની પહેલી સ્ત્રીનુ નામ પાર્વતી હતું. તેના મૃત્યુ પછી તેમણે ઋકમાવતી નામની એક સતી-સાધ્વી કન્યા સાથે લગ્ન કરેલું. ઇ.સ.૧૯૯૮માં તે ભાવનગર ગએલા તે વખતે તેમને પાંચ-સાત માસની એક પુત્રી હતી અને તેમનાં પત્ની બિમાર હતાં. તે વખતે પંડિતજીની પ્રકૃતિ એકાએક બિમાર થઈ આવી અને તે હરિનામ જપતાં મૃત્યુ પામ્યા. તેમનાં પત્ની તે જ ક્ષણથી મૌન ધારણ કરીને બીજે દિવસે સૂર્યાસ્તકાળે મૃત્યુ પામ્યાં હતાં.

***