ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/દુર્લભ શ્યામ ધ્રુવ

Revision as of 13:45, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દુર્લભ શ્યામ ધ્રુવ

સ્વ. દુર્લભજી શ્યામજી ધ્રુવનો જન્મ સંવત ૧૯૧૭ના ભાદરવા સુદી ૧૨ને રોજ રાજકૉટમાં થયો હતો. તે ન્યાતે દશા સોરઠિયા વણિક હતા. તેમનાં માતુશ્રીનું નામ માનબાઈ હતું. તેમના પૂર્વજો જામનગરમાં જામ થી રાવળની સાથે કચ્છમાંથી આવેલા. તેમના પિતાજી વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા અને ભક્તિનાં કાવ્યોના અભ્યાસી હોવા ઉપરાંત નવાં પદો રચી જાણતા. એ વારસો શ્રી. દુર્લભજીને મળેલો. શ્રી. દુર્લભજીભાઈનું પ્રાથમિક શિક્ષણ રાજકૉટમાં થએલું, તેર વર્ષની વયે અભ્યાસકાળ દરમિયાન જ તેમને કવિતા રચવાનો છંદ લાગેલો. અભ્યાસ આગળ વધે તે પહેલાં તેમના ઉપર કુટુંબનિર્વાહનો ભાર પડ્યો હતો. તેમની કવિતારચના અને લેખનકાર્યના પહેલા ફળ રૂપે ‘સુલોચના સતી આખ્યાન’ તેમણે પોતાની ૧૭ વર્ષની વયે પ્રસિદ્ધ કરેલું. ૨૩ વર્ષની વયે તે મુંબઈ આવ્યા અને સૌથી પહેલાં ‘મુંબઈ સમાચાર'માં પ્રૂફરીડરની નોકરીમાં જોડાયા. સ્વ. નારાયણ હેમચંદ્રનાં પુસ્તકોની કિલષ્ટ ગુજરાતી ભાષા તેમને હાથે કેટલાક પ્રમાણમાં સુધરેલી. માતાના મૃત્યુથી તે પાછા જામનગરમાં આવ્યા અને ત્યાં ‘આર્ય પ્રબોધ નાટકમંડળી' સ્થાપી, જેને માટે તેમણે કેટલાંક દૃશ્ય નાટકો લખ્યાં. સં.૧૯૪૩માં શ્રી ઝંડુ ભટ્ટજીનો તેમને મેળાપ થયો અને તેમની સલાહથી તેમણે વૈદ્યકનો અભ્યાસ આરંભ્યો અને આગળ જતાં તેમણે ‘રસેશ વૈદ્યવિજ્ઞાન' નામનું દ્વિમાસિક શરુ કર્યું. ઝંડુભટ્ટજીના ભાઈ મણિશંકરભાઈએ અમદાવાદમાં રસશાળા સ્થાપી ત્યાં પાંચેક વર્ષ રહીને તેમણે વૈદ્યકનો અભ્યાસ વધાર્યો, અને મુંબઈ આવી આયુર્વેદિક ઔષધાલય સ્થાપ્યું. એ જ અરસામાં મૂળજી આશારામની નાટક મંડળીમાં કવિ તરીકે કેટલોક વખત કામ કરેલું, પરન્તુ સ્થિર નિવાસ તો મુંબઈમાં જ કર્યો અને વૈદ્યકનો ધંધો સફળતાથી ચલાવ્યો. કવિતા અને નાટકના લેખનકાર્યમાં તેમને પોતાના વૈધક વ્યવસાય જેટલો જ રસ હતો, આ રસને વશ રહીને તેમણે નાનાં મોટાં પચાસેક પુસ્તકો લખીને પ્રસિદ્ધ કર્યા છે. તેમની કવિતા દલપતશૈલીની હતી. ગુજરાતી ઉપરાંત હિંદીમા પણ તેમણે છંદો કુંડળિયા વગેરે લખ્યાં છે. તેમનાં મુખ્ય ગણી શકાય તેવાં અને પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોનાં નામ નીચે આપ્યાં છે. તેમનું અપ્રકટ લખાણ પણ ઘણું છે. (૧) સુલોચના સતી આખ્યાન. (૨) બાલોપદેશ. (૩) ભક્તિબોધ. (૪) સુર્ધમ દર્પણ. (૫) વિદ્યા ગુણ વર્ણન. (૬) સુરમોહન શૃંગારમોહના (સંગીત નાટક) (૭) અનાર્ય સ્ત્રીનાં લક્ષણ. (૮) ગોપીચંદ નાટક. (૯) મૃચ્છકટિક નાટકસાર. (૧૦) રસચંદ્ર-રતિપ્રિયા (નાટક). (૧૧) પ્રમીલારાણી (૧૨) ગોમહિમા. (૧૩) ઉપદેશી સંગીતમાળા. (૧૪) વિજળી વિલાપ. (૧૫) નેમનાથ-રાજેમતી ચરિત્ર. (૧૬) શિક્ષક અથવા સંસાર-સાગરનો રસ્તો દેખાડનારો દીવો. (૧૭) વચનસિદ્ધિ અથવા સત્યનું બળ. (૧૮) ગોરક્ષા શતક. (૧૯) ગોરક્ષા પ્રબોધ. (૨૦) કેફ નિષેધક (ગુ. વ. સો નો ઈનામી કવિતા નિબંધ.) (૨૧) વિવેકબુદ્ધિ વાણીઓ. (૨૨) પવિત્ર મનની પ્રેમકુંવર (૨૩) બ્રહ્મચર્ય મહિમા. (૨૪) સન્માર્ગ મહિમા. (૨૫) આચારદર્શન. (૨૬) પાપી પિતાને પનારે પડેલી પ્રેમકોર. (૨૭) દુર્લભ દ્રવ્ય (ભજનો). (૨૮) શ્યામસુંદર. (૨૯) અહિંસાનું અલૌકિક બળ. (૩૦) હિંદી બ્રહ્મચર્ય બાવની. (૩૧) પ્રભુ અને હું. (૩૨) નવનિધનો સંસાર (વાર્તા) (૩૩) કન્યાવિક્રય. (૩૪) સર્વાર્થસિદ્ધિ. આમાંનાં ઘણાંખરાં પુસ્તકો પદ્યમાં છે અને થોડાં જ ગદ્યમાં છે. તેમનું અવસાન મુંબઈમાં ઈ.સ.૧૮૩૪માં થયું હતું. તેમને બે પુત્રો હતા, મોટા રતિલાલ અને નાના જીવણલાલ. રતિલાલ ભિષગ્વરની પદવી મેળવી પિતાનો વ્યવસાય કરતા, તેમનું ઈ.સ.૧૯૩૫માં અવસાન થયું. નાના પુત્ર જીવણલાલ ડૉક્ટર હતા જેમનું ૧૯૩૬માં અવસાન થયું. ડૉ. જીવણલાલના પુત્ર શ્રી. નટવરલાલ આજે મુંબઈમાં વ્યવસાય કરે છે.

***