ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/નારાયણ વિસનજી ઠક્કુર

Revision as of 13:53, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઠક્કુર નારાયણ વિસનજી

સ્વ. ઠક્કુર નારાયણ વિસનજીનો જન્મ સને ૧૮૮૪માં થએલો. તેમના પિતા ઠક્કુર વિસનજી ચત્રભુજ વેપારી હતા, અને તેમના વડવાઓ અફીણના સરકારી ઈજારદાર હતા. ન્યાતે તે કચ્છી લોહાણા હતા અને મુંબઈમાં રહેતા હતા, પાછળથી તેમણે સંન્યાસ લઇ જગન્નાથપુરીમાં નિવાસ કર્યો હતો. ઠક્કુરર નારાયણની માતાનું નામ લાછબાઈ હતું. નિશાળમાં ભણીને તો ઠક્કુર નારાયણે થોડો ગુજરાતી અભ્યાસ જ કર્યો હતો પરન્તુ અંગ્રેજી અને સંસ્કૃતનો અભ્યાસ તેમણે ખાનગી રીતે કર્યો હતો. પુસ્તકવાચનનો અત્યંત શોખ હોવાથી તેમણે સંખ્યાબંધ પુસ્તકો વસાવ્યાં હતાં, ખૂબ વાચન કર્યું હતું, તેમજ લેખનવ્યવસાય પણ સને ૧૮૩૮માં તેમનું મૃત્યુ થયું ત્યાંસુધી ચલાવ્યો હતો. નાટક કપનીઓમાં તેમણે નાની વયે એક્ટર તરીકે કામ કરેલું, અને એ જ વખતથી તેમણે વાચન-લેખનમાં રચ્યાપચ્યા રહેવા માંડ્યું હતું. લેખનવ્યવસાય હસ્તગત થયા પછી નાટક કંપનીઓમાં કામ કરવાનું તેમણે લગભગ છોડી દીધું હતું. મરાઠી, હિંદી, ઉર્દૂ અને બંગાળી ભાષાનું જ્ઞાન પણ તેમણે રફતેરફતે મેળવ્યું હતું અને એ ભાષાઓનાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ પણ કર્યો હતો. ઉર્દૂ જબાન ઉપર તેમનો સારી પેઠે કાબૂ હતો, તે ઉર્દૂ નાટક કંપનીઓમાં કામ કરવાને લીધે હતો. લેખનવ્યવસાયમાં તેમને 'ગુજરાતી'ના તંત્રી સ્વ. ઈચ્છારામ દેસાઈએ સારો ટેકો આપ્યો હતો. 'ગુજરાતી'ના ઐતિહાસિક નવલકથાનાં ભેટ પુસ્તકો તથા ચાલુ સાંસારિક વાર્તાઓના લેખનથી તેમની કલમે સારી પેઠે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમની કલમનો એક મોટો વાચક વર્ગ પણ તેથી જ ઊભો થવા પામ્યો હતો. તે કાળે લેખનવ્યવસાય ઉપર નિર્વાહ કરનારા ગણ્યાગાંઠ્યા ગુજરાતી લેખકોમાંના મુખ્ય ઠક્કુર નારાયણ હતા. ‘ગુજરાતી' કાર્યાલયની ઊતરતી કળા થતાં અને સાહિત્યનિર્માણમાં નવીનતર દૃષ્ટિનું આગમન થતાં તેમની કલમનું આકર્ષણ જનતામાં ઓછું થવા પામ્યું, ત્યારે તેમણે ‘હિંદુ ગૌરવ ગ્રંથમાળા' બહાર પાડીને હિંદુત્વને લગતાં પુસ્તક બહાર પાડ્યાં હતાં. તે ઉપરાંત તેમણે લોહણા કોમનું એક સાપ્તાહિક પત્ર હાથમા લીધું હતું અને લોહાણા કોમના નામાંકિત પુરુષોનાં જીવનચરિત્રો એકત્ર કરી એક મોટો ગ્રંથ તૈયાર કરવાનું કામ આરંભ્યું હતું. એ કામ છેવટે અધૂરું જ રહેવા પામ્યું હતું. એક જ રાતમાં હૃદય બંધ પડવાની બિમારીને લીધે તેમનું અવસાન મુંબઈમાં થયું હતું. તેમની પહેલી સદ્ગત પત્નીનું નામ ગંગાબાઈ હતું, અને બીજી પત્નીનું નામ રાધાબાઈ હતું. તેમનાં બહાર પડેલાં પુસ્તકોની સંખ્યા સો ઉપરાંતની છે. તે ઉપરાંત પચીસેક અપ્રસિદ્ધ પુસ્તકો 'ગુજરાતી’ કાર્યાલય પાસે છે. સામયિકોમાં બહાર પડેલી પણ ગ્રંથારૂઢદ નહિ થએલી તેમની કૃતિઓ પણ પચીસેક હોવાનો સંભવ છે. ઐતિહાસિક નવલકથા, સાંસારિક નવલકથા, ટૂંકી વાર્તા, કવિતા, નાટક, ધર્મ અને તત્ત્વજ્ઞાન, દાંપત્ય વિજ્ઞાન, ઈત્યાદિ અનેક પ્રકારનાં તેમણે લખેલાં અને અનુવાદ કરેલાં પુસ્તકો બહાર પડ્યાં છે. મહત્ત્વનાં અને માહિતી મળી શકી તેવાં પુસ્તકોની નામાવલિ નીચે ઉતારી છે. ઐતિહાસિક નવલકથાઓ–આનંદાશ્રમ (બંકીમકૃત આનંદમઠનો અનુવાદ), ચંદ્રશેખર અથવા બંગાળાની ડગમગતી નવ્વાબી, શાહજહાંના છેલ્લા દિવસો અથવા માધવી કંકણ, પ્લાસીનું યુદ્ધ, હલદીઘાટનું યુદ્ધ, પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્તોડ, કત્લેઆમ, ભદ્રકાળી અથવા પાવાગઢનો પ્રલય, જગન્નાથની મૂર્તિ, વિશ્વરંગ (પાંચ ઐતિહાસિક વાર્તાઓ), ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિંદુસ્તાન, ચક્રવર્તી બાપ્પા રાવળ, ચાણક્યનંદિની અથવા ચચ્ચ અને સુંહધી, હમ્મીરહઠ અથવા રણથંભોરનો ઘેરો, અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ, બેગમ બાઝાર-૩ ખંડ, બાદશાહ બાબર, ચક્રવર્તી હમ્મીર અથવા ચિત્તોડનો પુનરુદ્ધાર, નાદિરનો દોરદમામ, કચ્છનો કાર્તિકેય, યૌવનચક્ર-બે ખંડ, ભયંકર ભદ્ર-ત્રણ ખંડ, મહારાષ્ટ્રીય ઉષઃકાળ, અનારકલી, મહારાણી મયણલ્લા, પરાધીન ગુજરાત, નાનાસાહેબ, મુરીદે શયતાન, સિતમગર સુલ્તાન, કચ્છનો કેસરી, ગુરુ ગોવિંદસિંહ, વીર વૈરાગી અથવા બંદાબહાદુર, જયંતી અથવા સંતાલવિદ્રાહ, રત્નદેવી. સામાજિક નવલકથાઓ-આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા, વિલાયતી વિલાસમાં ફેશનબાઈ ખલાસ, ચુડેલનો વાંસો અથવા એક નટીની આત્મકથા-બે ખંડ, મુગ્ધા મીનાક્ષી, સંસાર સમસ્યા, મારી ભયંકર સંસારયાત્રા, આજકાલનું હિંદુસ્તાન-૪ ભાગ, કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી, વીસમી સદીની વસંતસેના-બે ભાગ, બાળવિધવા કલ્યાણી. ઇતિહાસ ધર્મ, અને તત્ત્વજ્ઞાન-મૃગશીર્ષ અને વેદોમાં આર્યોનો ઉત્તરધ્રુવનિવાસ, જ્ઞાનેશ્વરી ગીતા, અમૃતાનુભવ, વિવેકાનંદ વિચારમાળા- પાંચ ભાગ, અમરલાલ ચરિત્ર, અરવિંદ વિચારમાળા-બે ખંડ, નારાયણ ગદ્યગંગા, બાંવઢા એટલે રઘુવંશી, ધર્મભ્રષ્ટોનું શુદ્ધીકરણ, દંપતીશાસ્ત્ર, હિંદુ સંગઠન, સૌભાગ્ય રાત્રિ, હિરણ્યગર્ભ હિંદુ. લોકકથાઓ-ભારત લોકકથા-ભાગ ૧ થી ૧૦. કવિતા-કાવ્યકુસુમાકર. નાટકો-માલવકેતુ, કૃષ્ણભક્ત બોડાણો, સંસાર પારિજાત. અપ્રસિદ્ધ સંપૂર્ણ નાટકોના પ્રસિદ્ધ થએલા ઑપેરા–પરશુરામ, વસુંધરા, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, ચાલુ જમાનો, દગાબાજ દુનિયા, દેવી દમયંતી, દેવી દ્રૌપદી, દેવી ભદ્રકાલી, સાધુ કે શયતાન, માયા મોહિની, અનંગ પદ્મા, ગર્વખંડન.

***