આપણો ઘડીક સંગ/પ્રકરણ ૨

Revision as of 10:10, 19 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અર્વાચીનાને કોલેજમાં જોડાયે બે-અઢી મહિના થઈ ગયા હતા. પહેલું સત્ર પૂરું થવા આવ્યું હતું. વિદ્યાર્થીઓ ગંભીર અને ઉદાસીન બની ગયાં હતાં. આ તરંગને કોઈ દેખીતું કારણ નથી હોતું, પણ પહેલી આનંદની ભરતીનો આ એક અનિવાર્ય પ્રત્યાઘાત હોય છે. એસ. એસ. સી.નું પરિણામ ફતેહ… અને કોલેજનાં પ્રથમ ચાર-પાંચ અઠવાડિયાં એટલે એક દિવાસ્વપ્ન. આ અવસ્થામાંથી પસાર થતા વિદ્યાર્થીને સહૃદયતાથી જોનાર માણસના મનમાં આનંદ, ક્ષોભ, સહાનુભૂતિ, અને તેથી પણ વધુ–એક અવ્યક્ત કરુણા જરૂર જાગે છે; કેમ કે એ જેને જુએ છે તે એક વિદ્યાર્થી નથી, એક છોકરો કે એક છોકરી નથી, પણ જોનાર માટે ઝાંખી થતી જિંદગીનો એક જોરદાર ઝબકારો હોય છે. આ વિદ્યાર્થીની મોહિની એ હોય છે કે તે ‘કારકિર્દી’, ‘કવિતા’, ‘સત્ય’, ‘સૌંદર્ય’ એ બધાં નામોને ખરાં માને છે. તે કુંવારો છે–તેનું મન કુંવારું છે…

આ તંદ્રા પહેલાં ચાર-પાંચ અઠવાડિયાં ચાલે છે. પછી અનેક સ્વરૂપે આવે છે જાગૃતિ. એક છેતરામણી થયાના ક્ષોભની છાયા વર્ગ પર છવાઈ રહે છે, અને અહીંથી કેટલાંક વિદ્યાર્થીઓ માનસિક રીતે ટોળામાંથી જુદાં પડી, પોતપોતાની સ્વયંકેન્દ્રિત દુનિયાઓમાં ખોવાઈ જાય છે, જ્યારે બાકીનાં પોતાને અનુકૂળ રીતે ટોળાના સમાન્ય જીવનને વળગી રહી અંદર વધતી જતી શૂન્યતા શમાવી દે છે, પણ તેય થોડા વખત માટે.

અર્વાચીનાની વિલક્ષણતા એ હતી કે તે આવી શૂન્યતાની પળો બહુ ઓછી અનુભવતી. રોજિંદી જિંદગીના નાના નાના બનાવો તેના કૅલિડોસ્કોપ જેવા, કેન્દ્રમાં પડેલા રંગીન કાચના કટકાઓના શતગુણ પડઘા જગવતા દૂરબીન જેવા, મનને નાજુક આઘાત આપી આપી, જુદી જુદી રંગરચનાઓમાં પલટાવ્યે જતા હતા, અને આમાંનો એક બનાવ…

ચંદ્રને ફ્રોક પહેરાવ્યું હોય તો છોકરી જેવો લાગે. એ અત્યારે બી.એ.ના બીજા વર્ષમાં હતો. પોતાને ગામડેથી પહેલે વર્ષે આવ્યો ત્યારે તેનું નામ ચંદનલાલ હતું. બીજે વર્ષે તે બદલી નાખી ‘ચંદ્ર’ રાખ્યું. એવું ચોક્કસપણે એનું માનવું હતું કે જો ગાંધીજીનું નામ મોહનદાસને બદલે છેવટે કાંઈ નહિ તો ‘મનમોહનદાસ’ હોત તોપણ તે આટલા બધા નિષ્ફળ ન જાત!

આ ચંદ્રના મનનો એક ખૂણો કાંઈક અંશે ટૅક્સી-સ્ટૅન્ડ જેવો હતો. કોઈ ને કોઈ છોકરીની માનસિક પ્રતિમા ત્યાં પડી જ રહેતી. એક દિવસ અર્વાચીનાનો વારો આવ્યો.

ચંદ્ર લાઇબ્રેરીની દુનિયા વિશે તદ્દન અજ્ઞાન હતો. તેણે પોતાની લાંબી એવી કારકિર્દીમાં કદી પણ તેમાં પગ દીધો નહોતો, પણ આજે અર્વાચીનાને તે મકાનમાં જતી જોઈને તે પણ પહોંચી ગયો.

‘આ પુસ્તક તમે ક્યારે પાછું આપશો, બહેન?’ તેણે અર્વાચીનાએ હાથમાં લીધેલ પુસ્તક વિશે તેને બારોબાર પૂછ્યું.

‘શું કહ્યું?’ અર્વાચીનાએ એ પુસ્તકનાં પાનાં ઉથલાવતાં પૂછ્યું. તેના અવાજમાંના અણગમાને ઓળંગીને ચંદ્રે આગળ ચલાવ્યું.

‘આ પુસ્તક મરે પણ જોઈએ છે!’

‘તમારે લાયક જ છે!’ કહી અર્વાચીનાએ ચંદ્રના હાથમાં મૂક્યું. જોયું તો…

‘અજાયબ દુનિયામાં એલિસ!’

જિતેન્દ્ર બી.એ.ના પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો. નાનપણથી જ દરેક પરીક્ષામાં પ્રથમ આવવાની જવાબદારી તેને માથે જ છે તેમ તે માનતો, અને અત્યાર સુધી તેણે તે બરોબર અદા કરી હતી… અને આ તેને માટે એટલું બધું કુદરતી હતું કે કોઈ તેને અભિનંદન આપતું તો તેને નવાઈ લાગતી.

અનિવાર્ય રીતે જ અંદરથી તે કવિ હતો. અર્વાચીનાને જોયા પછીના પહેલે અઠવાડિયે પાંચ, બીજે અઠવાડિયે દસ, અને ત્રીજે અઠવાડિયે પંદર — એ ઝડપથી તેના ઉપર તેણે ખાનગીમાં કવિતાની પંક્તિઓ લખવા માંડી હતી. પણ કોઈ પણ છોકરી ઉપર જાહેરમાં આંખ ઉગામવાની હામ તેનામાં નહોતી, અને છતાં એક દિવસ તે કોલેજના દરવાજા ઉપર ઊભો હતો ત્યારે…

‘જિતેનભાઈ તમે જ ને?’ અર્વાચીનાએ અચાનક તેને પૂછ્યું.

‘હા…’ કહેતાં કહેતાં તો જિતેનભાઈનું મોં બાજુના કેનાના ફૂલ જેવું લાલ થઈ ગયું, અને હૃદય જોરથી ધબકવા માંડ્યું. તેમને ડૂમો ભરાઈ આવ્યો.

‘મને દોરવણી આપશો ને?’ અર્વાચીનાએ તેમને પૂછ્યું.

‘જરૂર… જરૂર.’ જિતેનભાઈએ જવાબ આપ્યો.

‘ક્યારે?’

‘કાલે.’ કહીને જિતેનભાઈ ‘કામ છે, માફ કરજો, કામ છે.’ કરતા કરતા જતા રહ્યા. શાની દોરવણી, કેમ, ક્યારે, કેવી રીતે–તે બધું પૂછવું જ ભૂલી ગયા. ઘેર આવી ચશ્મા લૂછી નાખ્યાં.

રમેશ નામના એક છોકરાએ અર્વાચીનાની પડી ગયેલી ચોપડીઓ ભેગી કરી આપી, તો મૂકેશ નામના એક બીજા વિદ્યાર્થીએ તેને લિફ્ટ આપવાની લાલચે પોતાને ઘેર જવાનો રસ્તો બદલી નાખ્યો. છોકરાઓમાં વાત થતી હતી તે સાચી હોય કે ખોટી, પણ વિમલ નામના એક ત્રીજા નબીરાએ તો અર્વાચીનાની પડોશમાં રહેવા જવા માટે પોતાનું ઘર જ બદલી નાખ્યું!

અર્વાચીનાના આવા જાદુથી પ્રોફેસરો અલિપ્ત ન રહ્યા. નવા જોડાયેલા યુવાન અધ્યાપકો તો તેને જ ઉદ્દેશીને પોતાનાં વ્યાખ્યાનો આપતા; જ્યારે જૂના વિદ્યાવૃદ્ધ પ્રાધ્યાપકો પણ પોતાની પાનખર ભૂલી જઈ ક્ષણભર વસંતમાં વસી રહ્યા. અને ટૅક્સી આગળ ચાલી…

*

બારણામાં ઊભેલી આ વ્યક્તિને એક ‘પરોણો’ કહેવાય કે ‘પ્રક્રિયા’ તે પ્રોફેસર ધૂર્જટિ માટે એક પ્રશ્ન હતો. શી ખબર કેમ, પણ તેમની સન્મુખ ઊભેલા આ શ્રી ભરતરામ પહેલી જ નજરે હમેશાં પોતે એક ‘પૅસેન્જર’ હોવાનો ખ્યાલ આપી જતા.

શ્રી ભરતરામ અમદાવાદના આધેડ વયના એક વિચક્ષણ વેપારી હતા.

‘આપ જ પ્રોફેસર ધૂર્જટિપ્રસાદ કે?’ તેમણે પૂછ્યું.

‘જી… જી હા!’ જાણે આ બાબત વિશે કાંઈક શક હોય તે રીતે પ્રો ધૂર્જટિએ જરા કચવાતે મને ‘હા’ કહી.

‘હું શ્રી ભરતરામ!’ સામેથી અત્યંત ભારપૂર્વક જાહેરાત થઈ.

ધૂર્જટિ સમજી ગયો કે આ બાબતમાં દલીલ કરવી નકામી છે, એટલે… ‘ઘણં જ મજાનું,’ એટલું જ એ બોલ્યો.

આમ જ સમી સાંજની આફતનું ‘ભરતરામપણું’ માન્ય રાખી, તેને અંદર આવવાનું એણે આમંત્રણ આપ્યું. શ્રી ભરતરામ જ્યારે ધૂર્જટિની સામેની નેતરની ખુરશીમાં ગોઠવાયા ત્યારે ખુરશી કકળી ઊઠી.

પ્રો. ધૂર્જટિ સાબરમતીની પેલે પાર આવેલી પેલી ઊમિર્કાવ્યો જેવી સુંદર સોસાયટીઓમાંની એકમાં રહેતા હતા. પોતાના નિવાસસ્થાનને તે જુદી જુદી રીતે ઓળખાવતા — કોઈ વાર ઘર તો કોઈ વાર ફ્લૅટ, કોઈ વાર બંગલો તો કોઈ વાર રૂમ. જ્યારે બહુ આનંદમાં હોય ત્યારે તેને ‘ભવન’ તરીકે નવાજતા. તેની આ ‘ગુફા’ માટેનું પ્રોફેસરનું માન પરાકાષ્ઠા પર તો ત્યારે પહોંચતું, જ્યારે તે પોતાના મિત્રોને ‘મેઘદૂત’ના યક્ષની માફક ‘મારું મકાન દૂરથી ચારુણા એરિયલેન લક્ષ્ય છે’ એમ એંધાણી આપતા. અલબત્ત, તેમની આ રમૂજનો ઉપયોગ જ્યારે તેમના અશિક્ષક, અરસિક મિત્રો ઉપર કરાતો ત્યારે બંને પક્ષે આઘાત અનુભવવો પડતો.

ધૂર્જટિ અમદાવાદની જે કોલેજમાં કામ કરતો હતો તેને અમદાવાદની બધી કોલેજોની જેમ ‘સાર્વજનિક કોલેજ’ તરીકે ઓળખીશું તો ચાલશે, અને આમ તો એ નામ તે કોલેજે મન, વચન અને કર્મથી સ્વીકારી લીધું હતું. કહે છે કે આજથી એક-બે વર્ષ પર તે આ કોલેજના મકાનમાં ભૂલથી જ આવી ચડેલો, અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો ન જડવાથી તેમાં જ પ્રોફેસર તરીકે જોડાઈ ગયેલો. તેનાં વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ હતો કે ‘પ્રો. ધૂર્જટિ સાહિત્ય શીખવે છે.’ ધૂર્જટિને પોતાને જોકે શ્રદ્ધા હતી કે સમય કે જેણે અનેક ઘા રુઝાવી નાખ્યા છે તે તેના વિષયનું જ્ઞાન પણ છેવટે રુઝાવી નાખશે.

…અને પ્રોફેસર ધૂર્જટિ વિદ્યાર્થીઓમાં માનભર્યા કુતૂહલના ભાવો જગાવી જતો. ચમકતાં ચશ્માં, ગુલાબી ચહેરો, આછા સરખા વાળ, સપ્રમાણ દેહ, જ્ઞાનગંભીર ઉઠાવ… વિદ્યાર્થીઓને સુરક્ષિત અંતરે રાખવા માટે આટલું પૂરતું હતું. વળી ધૂર્જટિની વય પણ સામાન્ય રીતે બુદ્ધિજીવીઓની હોય છે તેવી ‘પંદરથી પચાસ’ જેવી અચોક્કસ નહોતી લાગતી. તેની પચીસની આસપાસની અવસ્થા છતી થઈ જતી હતી અને ધૂર્જટિ તેની એકડીથી એમ.એ. સુધીની પ્રથમ વર્ગની કારકિર્દી માટે પણ નામચીન હતો. આમ પ્રો. ધૂર્જટિ કોલેજમાં ધ્યાન ખેંચતો હતો.

સત્રની શરૂઆત હોવાથી હજુ પ્રોફેસરસાહેબે ગૃહવ્યવસ્થાને રજાઓના રંગમાં જ રાખી હતી. અહીંનું ફનિર્ચર સાહેબના મનના ફનિર્ચર જેટલું જ અભિજાત હતું. આવનાર ઉપર અચાનક તૂટી પડવા સંતાઈને ઊભું હોય તેવું પુસ્તકોનું કબાટ, ‘હમણાં બોલી ઊઠીશ’ તેવી જાણે કે ધમકી આપતો હોય તેવો પ્રવેશતાં જ સામે દેખાતો રેડિયો, વાઘના ઉઘાડેલા મોંની માફક બેસવા બોલાવતો એક રક્તવર્ણો સોફા, ભૂલા પડેલા ભૂલકા જેવું એક મેજ અને અરબી ઘોડાના ઉઠાવવાળી લીલા રંગની નેતરની બે ખુરશીઓ.

શ્રી ભરતરામ આ બેમાંની એક નેતરની ખુરશીમાં બેઠા એટલે પ્રોફેસરે પોતાનાં ચશ્માં આ ચમત્કાર ઉપર ગોઠવ્યાં. અને ટૅક્સી આગળ ચાલી…

*

‘બોલો, કેમ આવવું થયું?’ ધૂર્જટિએ પૂછ્યું.

‘મને મનહરે મોકલ્યો.’ ભરતરામે ખુલાસો કર્યો.

‘મનહર?’ ધૂર્જટિ માટે મનહરનું તો શું, પણ કોઈ પણ વિદ્યાર્થીનું નામ નવું હતું.

‘કોણ? પેલા ઊચા, દૂબળા, ચશ્માંવાળા…’ ધૂર્જટિએ તેનું વર્ણન કઢાવવા શેરલોક હોમ્સની રીત અજમાવી, અને તે સફળ થઈ.

‘ના… ના… મારો મનહર દૂબળો-પાતળો કેવો વળી? એ તો આવડો હતો ને, ત્યારથી મજબૂત બાંધાનો…’ શ્રી ભરતરામ ભભૂકી ઊઠ્યા : ‘…અને ચશ્માં શેનાં? શીર્ષાસન કરે છે!’

‘આપનો જ પુત્ર કે?’ પ્રોફેસરે બીજો રસ્તો લીધો.

‘હા.’ ભરતરામના અવાજમાં આત્મવિશ્વાસ હતો.

‘કયા વર્ગમાં ભણે છે?’

‘મને ખબર નથી.’ પિતાજીને આ પ્રશ્ન અસ્થાને લાગ્યો.

‘આપને કેમ તકલીફ આપી?’

‘માફી માગવા!’ શ્રી ભરતરામે ધમકીભર્યા અવાજે કહ્યું.

પ્રોફેસરે બારી બહાર જોયું. તેમને અત્યંત દુ:ખ થયું… માફી માગવા? બહાર આસોપાલવનાં એકબે પાંદડાં પણ હાલી ઊઠ્યાં. આકાશ શરમાઈ ગયું… માફી માગવા?

‘કેમ? શાની માફી?’ તેમણે ખેદયુક્ત સ્વરે આ મનહર-પિતાને પૂછ્યું.

‘તે કહે છે, તેણે એક બહુ મોટો ગુનો કર્યો છે!’

‘કયો?’

‘વર્ગમાં ફટાકડો ફોડવાનો.’ દેખીતી રીતે જ ભરતરામને આ કાંઈ ગંભીર નહોતું લાગતું.

‘ઓ… હો…!’ ધૂર્જટિને ધડાકો યાદ આવ્યો.

‘આપ માફી આપો છો?’ ભરતરામે ઉઘરાણી કરી.

‘પણ…’ — પ્રોફેસર.

‘એ તો મેં પણ મનહરને કીધું કે ન આપે તો તારું શું જાય? પણ કહે કે મારું અંત:કરણ ડંખે છે!’ ભરતરામે ફરિયાદ કરી, પ્રોફેસરને ફોડી નાખવા પ્રયત્ન કર્યો.

‘હું તો મનહરને માફ કરી દઉં છું…’ ધૂર્જટિએ જાહેર કર્યું.

‘પત્યું ત્યારે!’ કહી ભરતરામ તરત ઊભા થઈ ગયા અને પ્રોફેસર તેમની દ્વારા આ મનહરને બે શબ્દો કહેવરાવે તે પહેલાં તો ‘જઉં છું’ કહેતા એ અદૃશ્ય થઈ ગયા. અનેરા અમદાવાદે એમને જોતજોતામાં સમાવી લીધા.

બહાર સાંજ ઘેરી બનતી જતી હતી. વરસાદને હજુ વાર હતી, પણ આકાશ છેક જ મનહરના મગજ જેટલું કોરું હતું તેમ ન કહી શકાય. એકબે વાદળાં તો શરમ મૂકીને કાળાં જ થઈ ગયાં હતાં. તેમનાથી કંટાળીને આથમતો સૂર્ય બીજાં બેચાર ઉપર રંગ ચઢાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેય હવે થાક્યો હતો.

‘આ મનહરે માફી ન માગી હોત તો? પણ તેણે જ ફટાકડો ફોડ્યો છે તેની ખબર પણ શી રીતે પડત?’ પ્રોફેસર જરા ગૂંચવણમાં પડ્યા. ‘મનહરને અંત:કરણ!?’ પ્રોફેસર સમજી ન શક્યા. ‘આ પરિવર્તન?…’ આ પાંચપચીસ આશ્ચર્યચિહ્નો તેમના ગુલાબી ચહેરા ઉપર ચમકી રહ્યાં. હજુ હમણાં તો તે કોલેજમાંથી વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી ગેરશિસ્ત ઉપર ઝનૂની ચર્ચા કરી ચાલ્યો આવે છે, અને ત્યાં આ મનહરે આમ બીજો ફટાડકો કેમ ફોડ્યો? ધૂર્જટિની આ અકળામણ હતી…

પ્રોફેસરે બાગમાં એક લટાર લગાવી આવવા નક્કી કર્યું…

ચમનમાંથી ગુજરનાર હરકોઈ આદમીને એ ખબર હશે કે પરદેશમાં સ્ત્રીઓને સન્માનવા જેમ ‘હૅટ’ ઉતારવાની હોય તેમ બાગમાં ફૂલોને સન્માનવા માથા પરનું દુ:ખ ઉતારીને જ તેમની પાસે જવાનું હોય. પ્રો. ધૂર્જટિ આ નિયમ અક્ષરશ: પાળતા, તેથી જ આજે સાંજે બાગના પ્રવેશદ્વાર આગળ જ ગોઠવાયેલા પેલા ‘પેન્સી’ના ગુચ્છને જોઈને તરત જ તેમણે તેમનું વધુમાં વધુ ખુશનુમા સ્મિત પહેરી લીધું. ‘ગુડ ઇવનંગિ, પેન્સી!’ તેમણે ધીમેથી કહ્યું.

ત્યાં તો…

‘ગુડ ઇવનંગિ, સર!’

…પાંચ પડછંદ અવાજો પ્રોફેસરના કાનમાં પડઘા પાડી રહ્યા.

પ્રો. ધૂર્જટિએ જોયું, તો પોતાની કોલેજના પાંચ ચુનંદાઓ, આદરથી હાથ ઊચો કરી તેમની પાસેથી પસાર થતા હતા.

આવું સન્માન આ વિદ્યાર્થીઓ પાસેથી ધૂર્જટિએ સ્વપ્નેય નહોતું કલ્પ્યું. સોક્રેટીસ એમ કહેતો કે જેમ ગાયને એક ઘાસના પૂળાના આધારે, તેમ સોક્રેટીસને પોતાને પણ એક ખુલ્લી ચોપડીના આધારે — તેની લાલચે, તમે દુનિયાના છેડા સુધી દોરી જઈ શકો. આ પાંચ વિદ્યાર્થીઓ માટે ધૂર્જટીને પણ એક વાર એવો વિચાર આવેલો કે કોલેજની કોઈ પણ છોકરી પોતાના પૂછડાને આધારે આ પાંચેય જણાને કાંકરિયાની પાળ સુધી તો શું, તેની અંદર પણ સહેલાઈથી દોરી જઈ શકે!

…અને આ પાંચ વિદ્યાર્થીઓ પાસેથી આવું માન? આ આદર?

બગીચાની લોનના એક-એક તણખલા માટે એક-એક તારો આકાશમાં ઊગી રહ્યો ત્યાં સુધી પ્રો. ધૂર્જટિ આ પ્રશ્ન જ વિચારી રહ્યા! અને ટૅક્સી આગળ ચાલી…

*