આપણો ઘડીક સંગ/પ્રકરણ ૩

Revision as of 10:12, 19 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અર્વાચીનાએ કોલેજના પ્રથમ વર્ષના વર્ગમાં જ્યારે જગ્યા લીધી, ત્યારે તેની પાસે એક જ મૂડી હતી — તેની બે માંજરી આંખો. તેની સામે જોનાર તેની આ બે આંખોમાં એટલો બધો અટવાઈ જતો કે પછી અર્વાચીનાને બાકીનો ચહેરો છે કે કેમ તે જોવું ભૂલી જતો. સત્રના પહેલા અઠવાડિયામાં જ અર્વાચીનાને આ બાબતની સંખ્યાબંધ સાબિતીઓ મળી ગયેલી. અનેક આંખોથી પળોટાઈ ગયેલા પેલા કારકુને પણ તેને કોલેજના પ્રવેશપત્રને બદલે, અલબત્ત, બેધ્યાનપણે, પોતાનો હાથ આપવા માંડેલો, અને દરેક પ્રાધ્યાપક તેને પહેલી જ વાર વર્ગમાં જોતાં જ એવો ઠરી જતો કે તેનું વ્યાખ્યાન થોડો વખત થંભી જતું. અર્વાચીના આ બનાવને, ‘અધ્યાપકની અક્કલના અવસાન બદલ બે મિનિટ મૌન’ એમ કહી હસી કાઢતી.

ગમે તેમ, પણ અર્વાચીનાના સૌંદર્યપ્રયોગો તેના કોલેજમાં પ્રવેશની સાથે જ શરૂ થયા.

સાબરમતી આશ્રમ એ અમદાવાદનું તીર્થસ્થાન કહેવાય છે. ગાંધીજીના સત્યના પ્રયોગો સાથે તેનું નામ સંકળાયેલું છે. અર્વાચીનાના સૌંદર્યપ્રયોગો પણ અમદાવાદમાં જ થાય છે અને તેનું કેન્દ્ર છે પ્રો. ધૂર્જટિ જેવા જેમાં પ્રાધ્યાપક છે તેવી જ સાર્વજનિક કોલેજ. આ કોલેજ પણ અમદાવાદના મધ્યમાં છે. દેખીતું જ છે કે સત્ય અમદાવાદથી સાતેક માઈલ દૂર છે, જ્યારે સૌંદર્ય તેના કેન્દ્રમાં છે — અલબત્ત, મિલના ધુમાડા જેવું ઘેરું અને ગર્ભશ્રીમંત સૌંદર્ય! અર્વાચીનાનું સૌંદર્ય આવું હતું.

અર્વાચીનાની આંખો નોંધમાત્ર લે તે માટે સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ ઊઘડતી કોલેજે અનેક રીતે શ્રમ ઉઠાવવા માંડેલો. તેનો પ્રશંસકવર્ગ વિશાળ હતો, અને આ પ્રચંડ પ્રશંસકવર્ગની પહેલી સમસ્યા હતી–અર્વાચીનાનું સરનામું.

કોલેજના આબાલવૃદ્ધ વિદ્યાર્થીઓએ તે પામવા અવનવા પ્રયોગો યોજેલા, પણ અર્વાચીનાના આવાસ પરનો અંચળો જેમનો તેમ રહેલો. વિનયનનો એક વિદ્યાર્થી તો એક વાર અસાધારણ હંમિત કરીને અર્વાચીનાની પાછળપાછળ લગભગ તેના ઘર સુધી પહોંચી ગયેલો.

પણ તેના પોતાના જ શબ્દોમાં કહીએ તો…

‘એટલામાં તો અર્વાચીનાએ પાછું ફરી મારી સામે જોયું, અને ભાનમાં આવી મેં પૂછ્યું, તો હું મારી રૂમમાં જ હતો !!!’

ત્યારે શું અર્વાચીના, ફિલસૂફીનો વિદ્યાર્થી માનતો હતો તેમ, કોઈ એક અપ્સરાનો સરનામા વિનાનો સૂક્ષ્મ દેહ હતી કે ખરેખર પાથિર્વ, પ્રથમ વર્ષમાં ભણતી, જીવતીજાગતી, ઠામઠેકાણાવાળી છોકરી હતી? કહેવું મુશ્કેલ હતું. પણ પોતાની પાંપણના પલકારાના પણ પ્રત્યાઘાતો પડે છે, તેમ તો અર્વાચીનાને પોતાનેય લાગવા માંડ્યું હતું… અને પરિણામે તે એક એક પલકારા ઉપર ધ્યાન આપવા લાગી.

પહેલા સત્રના બીજા અઠવાડિયામાં જ અર્વાચીનાએ પોતાની એક સહાધ્યાયિનીને ઊચે અવાજે કહેલું : ‘મને વિદ્યાર્થીઓની આ ગેરશિસ્ત જરા પણ પસંદ નથી. આ ફટાકડા ફોડનાર વિદ્યાર્થીએ પ્રોફેસરની માફી માગવી જોઈએ!’

…અને પ્રો. ધૂર્જટિને વિચારોમાં ખોઈ નાખતા પેલા મનહરના આંતરપરિવર્તનના મોજાની શરૂઆત અહીંથી જ થયેલી તેવો તો ખ્યાલ પણ ક્યાંથી આવે?

આજે બીજે દિવસેય પ્રોફેસર જ્યારે કોલેજના પોર્ચમાં પ્રવેશ્યા ત્યારે તેમના મનમાં તો એ જ વિચાર ઘોળાતો હતો…

*

‘ભવભૂતિ!’ પ્રોફેસરસાહેબે પોતાની કૅબિનમાં પ્રવેશતાં પટાવાળાને સાદ પાડ્યો.

‘જી!’ સાહેબથી ગમે તે વખતે ગમે તે નામે સંબોધવા ટેવાયેલો પટાવાળો સાક્ષાત્ થયો.

પટાવાળાની પાર્શ્વભૂ વિશિષ્ટ પ્રકારની હતી. તેનું મૂળ નામ હતું–શંભુ. અમદાવાદની બાજુના જ કોઈ ગામના એક બહુશ્રુત બ્રાહ્મણનો એ દીકરો. હાઈસ્કૂલમાં ચાર-પાંચ ચોપડી સુધી પહોંચી આવેલો અને ચાલુ સમયના ચોપાનિયાનો તે શોખીન. ધૂર્જટિ જ્યારે આ શંભુમાં ભારતની લોકશાહીનું ભવિષ્ય જોતો ત્યારે તે શંભુને પોતાની ખુરશીમાં બેસવાનું કહેતો, પણ શંભુ રાજકીય બાબતોમાં અસામ્યવાદી હોવાથી એ બહુમાન સ્વીકારતો નહિ.

‘શું લાગે છે?’ પ્રોફેસરે રોજની માફક આજે પણ શંભુ ઉપર આ પ્રશ્ન ફેંક્યો.

‘પ્રત્યેક સામાજિક ક્રાન્તિની પ્રક્રિયામાં આધ્યાત્મિક પ્રેરણા અનિવાર્ય છે, અને સાધનશુદ્ધિ…’ પટાવાળો મોકળે મને બોલવા મંડ્યો. તેના હાથમાં સર્વોદયનું સાહિત્ય આવી પડ્યું હતું, હમણાં હમણાં.

‘મને માફ કરજે, વિનોબા!’ ધૂર્જટિએ કહ્યું : ‘પણ તું પૂરું કરે ત્યારે મને જરૂર જગાડતો જજે.’ …અને એટલું કહી પ્રોફેસર ધૂર્જટિ સહસા તેમની ખુરશીમાં બેસતાવેંત સૂઈ ગયા… કૅબિન પર ફરીથી જ્ઞાનનાં ઘારણ ચડ્યાં, અને પટાવાળો વિખેરાઈ ગયો.

પ્રોફેસર જાગ્યા ત્યારે બપોરની છુટ્ટીનો સમય થઈ ગયો હતો, અને એટલામાં તો…

‘સાહેબ! આપને કોઈ વિદ્યાથિર્ની બહેન મળવા માગે છે.’ અનેકનામી પટાવાળાએ કૅબિનમાં આવતાં એક ચિઠ્ઠી આગળ ધરી કહ્યું. ધૂર્જટિએ તે હાથમાં લઈ વાંચી.

‘મિસ અર્વાચીના બૂચ! અંદર છોડી મૂક!’ ધૂર્જટિએ કહ્યું.

પટાવાળાએ અર્વાચીનાને રૂમમાં વહેતી મૂકી, અને… શાહીચૂસ ઉપર શાહીના ડબકાની જેમ ધૂર્જટિના સંવેદનશીલ આંતરતંત્ર ઉપર એનું — અર્વાચીનાનું — શ્યામલ સૌંદર્ય છવાઈ રહ્યું. પ્રોફેસર શારીરિક ઊઘમાંથી જાગીને હવે બૌદ્ધિક ઊઘમાં પ્રવેશ્યા. એ તેમને માટે ઉચ્ચતમ સ્થિતિ હતી.

‘સાહેબ!…’ અર્વાચીનાએ બોલવા માંડ્યું.

‘એનો અવાજ… વિચારોની શાન્ત વાણીમાં વણાયેલા મારા પોતાના અવાજ જેવો તેનો અવાજ હતો!’ — ધૂર્જટિએ શેલીની પેલી પંક્તિ યાદ આવી ગઈ. આ એની ધંધાકીય બીમારી હતી.

‘સર!…’ અર્વાચીનાએ ફરી બોલવા માંડ્યું.

‘હેં… જી… હા… હં!’ પ્રોફેસર ધૂર્જટિ ચમકીને બોલી ઊઠ્યા.

‘અમારા વર્ગની ચર્ચાસભાની આવતી બેઠકમાં આપને પ્રમુખ તરીકે આવવાનું નિમંત્રણ છે!’ અર્વાચીનાએ પૂરી સ્વસ્થતા સાથે આગળ ચલાવ્યું.

ધૂર્જટિને તેના વ્યક્તિત્વમાં રસ પડ્યો.

‘કયો વર્ગ?’ તેણે ગંભીરતાથી પૂછ્યું.

‘પ્રથમ વર્ષ વિનયન.’

‘નક્કી?’ આંખમાં રમૂજ સાથે પ્રોફેસરે પૂછ્યું.

‘જી, કેમ?’ અર્વાચીનાના અવાજમાં અક્કડાઈ હતી.

‘સામાન્ય રીતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ટેબલનો ટેકો લીધા સિવાય મારી સાથે વાત કરી શકતા નથી.’ ધૂર્જટિએ ખુમારીથી કહ્યું : ‘એટલે.’

‘એ કદાચ આપના અહમ્માંથી આકાર લેતી ભ્રાન્તિ જ હશે.’ અર્વાચીનાએ તેમને કાપી નાખ્યા.

…અને ધૂર્જટિને કળ વળે તે પહેલાં તો એકદમ કોમળ અવાજે અર્વાચીના પ્રોફેસરસાહેબને પૂછતી હતી :

‘આપ જરૂર પ્રમુખપદ સ્વીકારશોને ત્યારે?’

‘ક્યારે છે આ ચર્ચાસભાની બેઠક?’ પ્રોફેસરે પૂછ્યું.

‘આવતી કાલે સાંજે પાંચ વાગ્યે.’

‘નિમંત્રણ બદલ આભાર. એ હું સ્વીકારું છું.’ ધૂર્જટિએ મોટાઈ માણવા મથતા અવાજે કહ્યું, અને…

‘આપનો આભાર!’ કહી અર્વાચીના અંતર્ધાન થવા લાગી, ત્યાં તો…

‘પણ… મિસ… પ્રાચીના!’ ધૂર્જટિથી માનો કે જાણે ચીસ પડાઈ ગઈ.

‘પ્રાચીના નહિ, અર્વાચીના.’ અર્વાચીનાએ કૅબિનના બારણે પાછા ફરતાં સુધારો કર્યો.

‘માફ કરજો, મિસ અર્વાચીના… પણ… આ ચર્ચાસભાના વિષય વિશે મારે પૂછવું હતું.’ પ્રોફેસર હવે તદ્દન અર્વાચીનાને શરણે હતા. જોકે આ ‘વિષય’ની વાત કરતાં તેમને થયું કે બહાર શંભુ ન સાંભળે તો સારું, નહિ તો તે કાંઈ બીજું જ સમજી બેસશે…’

‘વિદ્યાર્થીજીવનમાં શિસ્તનું મહત્ત્વ.’ અર્વાચીનાએ વિષય વિશે સ્પષ્ટતા કરી, અને એટલું કહી એ એક સરસ વિચારની માફક પ્રોફેસરના મનમાં આનંદનો એક લિસોટો મૂકી, ચાલી ગઈ.

‘શિસ્ત!’ પ્રોફેસરના મનમાં અંકોડા મળવા માંડ્યા…

‘વિદ્યાર્થીજીવનમાં શિસ્ત… મનહરની માફી… સાંજની સભા… શિસ્ત… અને અર્વાચીના!’

ધૂર્જટિનો પ્રશ્ન ઊકલી ગયો. તેને સમજાઈ ગયું કે મનહરના હૃદયપરિવર્તન પાછળ આ છોકરીનો હાથ નહિ, તોપણ આંખો તો હશે જ.

અને…

‘યુરેકા! યુરેકા! લાધ્યું! લાધ્યું! બોલતો બોલતો તે કૅબિનની બહાર નીકળતો હતો ત્યાં પટાવાળો શંભુ તેની નજરે પડ્યો, અને…’

‘ઓ આકિર્મીડીસ!’ ધૂર્જટિએ કહ્યું, ‘ઓ આકિર્મીડીસ!’

શંભુ શાંત રહ્યો, સાહેબને ખુશ જોઈ ખુશ થયો.

આ રીતે અર્વાચીના ધૂર્જટિના લેન્સ પર પહેલી વાર ઝિલાઈ… તેથી તો તે દિવસે સ્ટેશન પર અચાનક ભટકાઈ જતાં તેણે તરત એમ જ પૂછ્યું : ‘પ્રથમ વર્ષ વિનયન ને?’

*