આપણો ઘડીક સંગ/પ્રકરણ ૨૦

Revision as of 10:36, 19 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૦

આ તરફ ધૂર્જટિ માનવમહેરામણથી ઊભરાતા કોઈ મેળાની એકાદ કદાવર ચકરડી ઉપર ખૂબ ચકવે ચઢી, તે પરથી તાજો જ ઊતરી આવ્યો હોય તેવું તેને આજકાલ લાગતું હતું.

વડીલોને વાત કરવાનું નક્કી કર્યું ત્યારે તેના પગ જમીનને કાંઈક અડ્યા. જોકે પેલાં ચક્કર તો હજુ સાવ શમી ગયાં નહોતાં; માત્ર આછાં થતાં જતાં હતાં.

વિનાયક સાથે વાતો કરી ઘેર આવતાં તેણે દીવાનખાનામાં જોયું, તો ચંદ્રાબા અને અર્વાચીના.

ચંદ્રાબા સોફામાં ઊડાં ડૂબી જઈ, આરામથી પથરાઈ ગયાં હતાં, અને તેમની પેલી વિશિષ્ટ રીતે ચમકતી આંખે અર્વાચીનાને કાંઈક કહેવા જતાં હતાં.

અર્વાચીના પેલી નેતરની ખુરશી ઉપર અભિજાત એવા અંતરે તોળાતી હતી. ચંદ્રાબા માટેની તેની આમન્યાએ આ સ્વરૂપ પકડ્યું હતું. અર્વાચીના ખુરશીની ધાર પર જ બેઠેલી હતી, અને આતુરતાથી ચંદ્રાબા જે કહેવા જતાં હતાં તે સાંભળવા, ઝીલવા ઝૂકી હતી.

એટલામાં ધૂર્જટિએ બારણામાં પગ દીધો. ચંદ્રાબાએ સહજ પોતાની વાત થંભાવી દીધી, જે ધૂર્જટિએ જોયું.

આ બે ભેગાં થઈ વળી શી ખબર શીય ગુફતેગો ચલાવતાં હશે?… ધૂર્જટિને થયું… તે કપડાં બદલી, બંને સાથે વાતચીત કરવા દીવાનખાનામાં પાછો જોડાયો ત્યાં સુધી બંને ચૂપ જ રહ્યાં હશે એમ તેને લાગ્યું. કેમ કે તેની પીઠમાં, ખાસ કરીને ગરદન પર, બે ને બે ચાર આંખો ચોંટી હતી.

‘કેમ!’ પાછા ફરી ચંદ્રાબા સાથે સોફામાં ગોઠવતાં તેણે બંનેને એકસાથે આવરી લીધાં. અર્વાચીનાએ ચંદ્રાબા સામે જોયું, અને ચંદ્રાબાએ અર્વાચીના સામે જોયું.

હવે, ખરેખર આ બે જણાંએ સામસામું જોયેલું કે પછી ધૂર્જટિને જ એવું લાગ્યું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, કેમ કે અર્વાચીના અને ચંદ્રાબાને આમ અચાનક સાથે બેસી, કોઈ મૂંગી મસલત ચલાવતાં જોતાની સાથે જ ધૂર્જટિને એમ થઈ ગયું કે આમાં ઢીલાપોચા થયે નહિ ચાલે, પોતે પોતાનું રક્ષણ કરી લેવું પડશે.

‘ક્યાં જઈ આવ્યો? બહાર?’ એ જ સ્વાભાવિકતાથી ચંદ્રાબાએ પૂછ્યું.

‘હં…’ ધૂર્જટિએ હુંકાર કર્યો. ચંદ્રાબા એમ જ પૂછવા માગતાં હતાંને કે પહેલાં તો ધૂર્જટિ અર્વાચીનાને મળવા બહાર જતો હતો, અને કદાચ અત્યારે પણ ગયો હશે, પણ અર્વાચીના તો…? એટલે જ ચંદ્રાબાને ચૂપ કરવા ધૂર્જટિએ હુંકાર કર્યો, જે ચંદ્રાબા પર સાવ નિષ્ફળ ગયો.

‘વિનાયકને ત્યાં?’ ચંદ્રાબાએ ફરી ધૂર્જટિને જગાડવા પ્રયત્ન કર્યો.

‘હા! વિનાયકને ત્યાં!’ અને ધૂર્જટિ અહીં જ અટકી જાત, પણ તેને પોતાનેય આ અવિનય જેવું લાગ્યું, એટલે કમને ઉમેર્યું : ‘વાતે વળ્યા એટલે વાર થઈ!’

અર્વાચીના બારી બહાર દેખાતા પેલા ઝાડ સામે જોઈ રહી હતી. એ એમ જ કહેવા માગતી હતી ને ધૂર્જટિનું રહેઠાણ વિનાયકનું ઘર, જેમ ભૂતનું રહેઠાણ આ બારી બહાર દેખાતી આંબલી!

ધૂર્જટિના ગુસ્સાનો પાર ન રહેત…

સારે નસીબે એણે ધ્યાનથી જોયું તો અર્વાચીના જે ઝાડ સામે જોઈ રહી હતી તે આંબલી નહિ, પણ આસોપાલવ નીકળ્યું.

આ પછી ધૂર્જટિ જરા ઠંડો પડ્યો, સ્વસ્થ થયો.

અર્વાચીના અત્યારે અહીં કેમ આવી ચઢી — ક્યારે, ક્યાંથી… એ બધી વાતોથી વિધિ પૂરી થઈ એટલે ચંદ્રાબાએ તે જ અનુસંધાનમાં કહ્યું, ‘અને આ અર્વાચીના એક નવી જ વાત લાવી છે!’

‘કઈ?’

‘અર્વાચીના વાત લાવી છે કે પેલાં અતુલ અને તરંગિણીએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુંને તે…’

‘તે…’

‘તે હવે નથી કરવાનાં!’

ધૂર્જટિના મનમાં ફુગ્ગો ફૂટ્યા જેવો ધડાકો થયો.

‘કેમ?’

‘શી ખબર!’ અર્વાચીનાએ કહ્યું. ધૂર્જટિ અત્યાર સુધીમાં આટલું શીખ્યો હતો, ઘણી વાર ‘શી ખબર!’નો અર્થ ‘પછી કહીશ!’ એવો ઘટાવવાનો હોય છે, એટલે અત્યારે તો આ બાબતમાં તેણે અર્વાચીનાને એક છેવટનો પ્રશ્ન એ જ પૂછ્યો કે,

‘આ વાત મળી ક્યાંથી?’

‘તરંગિણીએ જ કહ્યું.’ અર્વાચીનાએ તેની આંખો મોટી કરતાં કહ્યું.

…અને ધૂર્જટિને કાંઈ જ ન સૂઝ્યું. એટલે તે આંખોનાં અતળ ઊડાણોમાં ડૂબકી મારતો ખોવાઈ રહ્યો.

સપાટી પર આવ્યો ત્યારે જોયું તો તેની પાસે કાંઈક અભિપ્રાયની આશા રખાતી હતી.

‘નવાઈ જેવું!’ તેણે કહ્યું.

‘બહુ નવાઈ જેવું!’ ચંદ્રાબાને ધૂર્જટિના આ શબ્દોથી સંતોષ થયો અને આ મહત્ત્વના સમાચાર આપી અર્વાચીનાએ વિદાય લીધી.

ધૂર્જટિએ તેને મૂકવા જતાં રસ્તામાં ઘણુંબધું પૂછ્યું. પણ ઘેર આવી પથારીમાં પડ્યાં પડ્યાં વિચાર કર્યો, તો તે સમજ્યો કે વાસ્તવમાં અર્વાચીના પોતે જ આ બાબતમાં ઝાઝું જાણતી ન હતી.

અત્યારે તો ‘કેમ છૂટાં પડ્યાં હશે? કેમ?’ આમ વિચારતો ધૂર્જટિ ઊઘી ગયો.

રાતમાં તેને સ્વપ્નમાં વિમળાબહેન આવ્યાં, જેમણે તેને કહ્યું કે ‘તેમને મેં છૂટાં પાડી દીધાં છે!’

‘વિમળાબહેન, તમે?’

‘હા! હા! મેં!!!’

દિવસે વિચાર કર્યો તો ધૂર્જટિને વિમળાબહેનનો આ દાવો બનવાજોગ ન લાગ્યો.

પણ એ સ્વપ્નમાં આવે જ ક્યાંથી?… ધૂર્જટિ ચમક્યો. ‘વિમળાબહેન તો આબુ છે!’ એમનું ભલું પૂછવું!

*