નારીસંપદા : ટૂંકી વાર્તા/ચંદરીની મા

Revision as of 02:40, 21 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચંદરીની મા

પૂર્વી એન. ઉપાધ્યાય

‘હાય... હાય... આ મૂઈ સોડીને તો કાંઈ ગત્યાગમ જ નથ્ય પડતી. એલી એય... સંદરી... આ તારું ઓઢણું હરખું ઘાલ્ય છાતી પર...’ ચૂલો પેટાવવા વાંકી વળીને ઉભડક બેસતી ચંદરીને જોતાં જ એની મા ઊજળીનો હાયકારો નીકળી જતો : ‘આ સોડીનું હવે મારે કરવુંય હું?! કાંઈ રૂપ કાઢ્યું સે ને બાઈ આ આવડી અમથી દેડકી જેવડી ઉંમરે !’ ચંદરી હશે માંડ પંદરેક વરસની. પણ એના હાડેતા બનતા જતા શરીરને જોતાં જ એની મા હવે ડારો રાખતાં થઈ ગઈ. ખૂબ વઢી વઢીને ઊજળીએ એને ઘાઘરી-પોલકા ઉપર ઓઢણું પેર’તાં કરી, પણ તો’ય ચંદરીનું તો છોકરમતમાં જ જતું. કોઈકે નક્કી ચડાવી હશે કે, ‘સંદરી... તારી આ કમર્ય પરના તલથી તો તું એકદમ ઝ ઓલી હીરોઈનું ઝેવીઝ લાગસ હોં કે...’ – ને ચંદરી, તો એવી હરખાઈ હતી કે તે દિવસથી એ પોતાની ઘઘરી કમરથી સહેજ નીચી જ પહેરવા લાગી. એક તો ચંદરીની આવી આ લચકતી કમર ને એમાંય આ તલ. બધાંયની નજરું ચોંટી જતી. ઊજળીની અનુભવી આંખ્યુંથી આ જરીકે’ય અજાણ્યું ના રહ્યું કે આડોશ-પાડોશના છોકરાઓ વગર કારણે એના ખોરડાની આસપાસ ઓખારતા હતા. જોકે દીકરી આમ જુવાન થતાં જ માની આંખો ચોકીપહેરો કરવા લાગી હતી. -‘એલા... એ...ય... કરમણિયા... આઘો મર્ય તો આંયથી... આંય કણે હું ડાયટું સે...? મારા હગલાવ... કાંઈ કામધંધો સે કે નંઈ...?!’ -‘મારે હું સે વળી... આ તો, આ સંદરી કે’દિનું કેતી’તી... કે... શેરના ગરબા ઝોવા સે... તે આઝ મુને મફતમાં ટીકટુંય મળી સ... નવરાતના સેલ્લા બે દિ સે પાસા...’ – ડાબા હાથના નખને કાતરતાં કરમણિયાએ ખડકીએ ટીંગાઈને જ જવાબ આપ્યો. મેલોઘેલો કાબરચીતરો ઝભ્ભો. નીચે ઢીલું, રંગ ઊડી ગયેલું રાખોડિયા રંગનું પેન્ટ ને મેલ ભરેલા વધી ગયેલા નખવાળા ઉઘાડા પગ. ઊજળી એનો આવો વે’હ જોઈને જ સમજી ગઈ કે, ‘નક્કી ક્યાંકથી વેંત કર્યો સે ને કાં તો ઓલ્યા વાઘજી કાણિયાએ દીધો હસે. બાકી આ ગામના ઉતારને તો ચીંથરામાં જ જોયેલો સે.’ એક આ નવરાત આવે ને ઊજળીને ફાળ ઊઠતી. ચંદરીના જનમ વખતનો આ આવો જ આહો મહિનો. આઠમની રાત ને વાઘજી ભૂવાનો ભયાનક કાળો ચહેરો સાંભરી આવતાં જ ઊજળી થથરી ઊઠતી. એમાંય આ હવે છેલ્લા થોડાક દિવસથી તો ચંદરીની જીદ ગોંચરના શેઢા વધે એમ રાતોરાત વધતી ચાલી હતી. ઊજળીને પાછી દીકરીની આવી આ અણસમજુ ઉંમર પણ વધુ ચિંતા કરાવતી. -‘મા... માડી... આટલો હું વળી વચાર કર્યા કરસ. ઓણ તો હું તારું કાંય ઝ હાંભળવાની નય્થ. પોરેય તે નો’તી ઝાવા દીધી.’, ફળિયાના ખૂણે કરેલ ખડકલામાંથી થોડાંક છાણાં વીણતી જ ચંદરી બોલી. અજવાળિયાના ઝાંખા પ્રકાશમાં ચંદરીના મોઢા પર વિખરાયેલી વાળની લટો પણ આજે જાણે કંઈક જીદે ચડી હતી. ઊજળીએ જોયું કે ચંદરીએ જરીની કોરવાળો લીલી વેલ-બુટ્ટાના ભરત ભરેલો પીળો ઘાઘરો ને ઘાટા ગુલાબી રંગનો કમખો પે’રવા કાઢ્યો’તો. પોતાના ઘાઘરાની ઘેરને બે હાથ ફેલાવીને એ ઊજળી સામે આવીને ફૂદરડી ફરતી ઊભી રહી. આ બકા શેઠની વાડીએ કપાસ નીંદવા ગયેલી તંયે શેઠે એની દીકરીના ઉતરેલાં આ ઘાઘરી-પોલકું કાઢી આપેલાં. ઊજળી પણ ઘડીક તો દીકરીના આ રૂપમાં મોહી પડી. કરમણિયો તો આ જોઈને ગેલમાં આવી ગયો. પણ ઊજળીએ તરત જ તેને ડાર્યો, ‘એય... ખોટા ખિખિયાટા બંધ કર્ય વેખલિના...’ ફળીમાં ક્યારની આંટા મારતી મીંદડીને બેઠાં બેઠાં જ ઊજળીએ ‘એઈઈ... હૈડ...હૈડ’ કહેતાં પાસે પડેલ એક સાંઠીકડાનો ઘા કરીને ભગાડવાનો પ્રયત્ન કર્યો. પણ મીંદડી ફળીની વંડી પર ચડીને ત્યાં જ ઝીણી આંખો કરીને બેસી ગઈ. ચંદરી હજુ મા સામે જ પોતાના શરીરને ડોલાવતી ઊભી હતી. માએ ચંદરી સામે ડોળા કાઢ્યા : ‘નખરાં કરતી બંધ થા ને ઝયટ રોટલા ઘડી કાય્ઢ હવે ને દૂધ...’ પણ દીકરીનું ઉતરેલું મોઢું જોઈને વળી તેને સમજાવવા લાગી. ‘આ કપાસીએ મૂઈ મુને ખાટલે ખડકીસ... નકર હું જ તારી ભે’રી આવત... આમ અટાણે... રાતવરત એકલું નો ઝવાય હો...’ છેલ્લા થોડા મહિનાઓથી ઊજળીને પગમાં થયેલો કપાસીનો ઘા વકરતો જતો હતો. પણ અત્યારે તો તેનો ઉચાટ કંઈક જુદો જ હતો. આમ તો એ ચંદરી પર કોઈ બંધન ન મૂકતી પણ આ નવરાત આવે ને એનું પેટ ચૂંથાવાનું શરૂ થાય. ‘લે... પણ હું ક્યાં એકલી ઝાવસું? હંધાય તો સે... રૂપલી સ... ઝવલી સ... ને અરજણિયો ને એની મોટી બૂન લાખુડીયે ભેરી સે... કાં કરમણિયા? હંધાય ભેળાં જ રેસું...’ – કહેતી ને છાણાના ટુકડા કરી રાંધણિયામાં ચૂલો સળગાવતી ચંદરીનો અવાજ ઊજળીને મક્કમ લાગ્યો. એની ચિંતા વધી. આ બાજુ કરમણિયાને તો આખ્ખું હાકરકોળું મફતમાં મળ્યા જેવું થયું. એ તરત ખડકી આખી ખોલીને સીધો જ અંદર આવી ઊભો ને ચંદરીની વાતમાં ટાપસી પુરાવતાં પોતાના બંને હાથના પંજા ખોલીને ચંદરીની મા સામે કર્યા : ‘હા... તે અમે પૂરા દહ ઝણા સવી... ને આ તમારી ગગી હવે કાંઈ નાની કીકલી થોડી જ સે...?’ એ ખી-ખી-ખી હસતાં હસતાં ખાટલા પાસે આવીને ઉભડક બેસી ગયો ને ખાટલાના વાણની તૂટેલી સીંદરીની સાંધાસૂંધી કરવા લાગ્યો. ઊજળીને તેનું આમ વગર બોલાવ્યે અંદર આવી ચડવું અળખામણું લાગ્યું પણ એ મનમાં બબડતી બેઠી રહી : ‘હાળાને નાનપણથી મેં જ હેવાયો કયરોસ. પણ હવે આ વાત જુદી સ. આ સંદરી મોટી થાતી ઝાય સે તે હવે આમ કાંઈ થોડું ઝાવા દેવાય સે? દીકરી ને ઉકયડાની જાતને વધતાં વાર નથ્ય લાગતી.’ નિસાસા નાખતી વળી તેણે ચંદરી સામે જોયું. વધતી ઉંમરની એક ગુલાબી ઝાંય તેના ચહેરા પર આવી જતી હતી. ચંદરી કથરોટમાં લોટ મસળતી કરમણિયા સામે નેણ ઉલાળતી ઇશારાઓ કરતી હતી તો ઘડીક પગના ઝાંઝર પર હાથ ફેરવતી ફેરવતી તેની ઘૂઘરીઓ રણકાવતી હતી. ચંદરી માની સામું જોતાં જ તેનો અણગમો પારખી ગઈ. એ વાત પલટાવતાં બોલી : ‘હા તે હું પૂરી આંય આ છાઝલીને આંબી લવસું હવે તો... ઝો...’ કહેતાં એણે બેઠાં બેઠાં જ પોતાનો જમણો હાથ ઉપર છાજલી સુધી લંબાવ્યો. એના ઘઉંવર્ણા હાથ પર આછાંલીલાં છૂંદણાની નોખી નોખી ભાત જોતાં ઊજળી વળી પાછી ચંદરીના આ છોકરમતિયા સ્વભાવને લઈને ચિંતામાં પડી ગઈ. ગયા વરસે ચંદરી એને કહ્યા વગર જ ઓલા વાઘજી ભૂવા પાસે ત્રાજવા ત્રોફાયાવી હતી. ‘હલકટે ભરમાવી’તી મારી સોડીને, એમ કહીને કે – આ તો કરવું ઝ પડે. નકર હાંઢિયાનો અવતાર દિયે ભગવાન. ને એ હંધુય તો ઠીક પણ રૂપ ઊઘડે આ સંદરવા ઝેવું ઈ નોખું. આવું આવું બોલીને ઝ પીટ્યો મંતરી લે સે. હાયહાય... આ અહૂરટાણે ઈ મૂવાને હું કાં હંભારું ! ભવ બગડ્યો સ.’ ઊજળીના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. તે ધ્રૂજી ઊઠી. ‘સંદરી મારી હાવ ઝ ભોળું પારેવડું સે... ને આ ઉંમરેય વળી કાસી, કાંક ઈ કાળોતરો મારા પારેવાને... ના... ના... મારે જ હવે તો દૂધ ભેળી ડાંગ રાખવી પડસે... નહિ તો જણ્યું ઉધરી ઝાતાં વાર નહીં લાગે.’ મોટેથી હસવાના અવાજથી ઊજળી ચોંકી. જોયું તો કરમણિયો અંદર રાંધણિયામાં ચંદરીનો હાથ પકડી એના છૂંદણાં ઉપર આંગળી અડાડીને કાંઈક રમતે ચડેલો હતો. ચંદરીએ વળી તેના હાથોમાં તાળીઓ દેતી ને લેતી ખડખડાટ હસતી હતી. ‘લે... ઈવડું ઈ તો ફૂલડું સે...’ ‘એલા... હંઅઅઅ... હાસું હાસું હો... ને આ ઝીણાં ઝીણાં સે ઈ ફૂદડાં સે ને...?!’ ‘ઝાને હવે... બૌ વાયડીનો થાતો... ઈ તો સેને...ઈ તો... પતંગિયા સે...’ ‘એલા... એય મહોતિયા... મારી પીટ્યા કરમણિયાઆઆ... ન્યાં હું ઘરી ગ્યોસો? સંદરી નૈ આવે ગરબા ઝોવા કઈ દવસું... ને સંદરી તું આમ વાત્યુંનાં ફૂદાં મારતી હવે ઝયટ રોટલા ટીપવાં માંડ્ય...’ ઊજળીએ જરા ઊંચા અવાજે કહ્યું પણ એની પગની કપાસીમાં લવકારો થવાથી અવાજ દબાઈ ગયો. છેલ્લા કેટલાક દિવસથી તે ભોંય પર સરખી રીતે પગ પણ નહોતી માંડી શકતી. ઊજળીને પગની પાનીમાં રીતસરની બળતરા જ ઊપડી. ‘વોય માડી... આ કપાસીએ તો કાળો કોપ કયરોસ ને કાંઈ...’ ઊભું ન થવાતાં એણે ખાટલા પર પડતું મેલ્યું. લાગ જોઈને તરત જ મીંદડીએ વંડીએથી નવાણિયા બાજુ દબાતે પગે કૂદકો માર્યો. ઊજળીએ એને તગેડવા માટે ઘણા સિસકારા કર્યા પણ એનો અવાજ રીઢી થઈ ગયેલી મીંદડી સાંભળતી નહોતી. ત્યાં જ ખડકીએથી સાદ પડ્યો : ‘ઊજળી... ઊજળીવવ... આ કરમણિયાને ભાળ્યો?’ ધડકી ને ગોદડું સરખું કરતી ઊજળી ખાટલામાં તરત જ બેઠી થઈ ગઈ. ‘ઈ ગુડાણો આંયકણે ભૂરીમા... હગલો કેડો મેલતો નય્થ.’ ‘કયુંની બરકું સું પીટ્યા તને... બઝરનો દડિયો લેવા મોકલેલો... પણ મારો હાળો આંય ભરાઈને બેઠો સ લે... ઝા હવે... ઝયટ હડી કાય્ઢ...’ ભારેખમ શરીર, આધેડ ઉંમર ને તો’ય નક્કર ચાલ. દાયકાઓના અનુભવોથી બોલતી ચહેરા પરની કરચલીઓ. ધારદાર ને પારખું ભૂરી આંખો. ભૂરીમાના પડછંદ અવાજના તો આખા ગામમાં હાકોટા પડતા. ભલભલાના હાંજા ગગડી જાય એવો એમનો રોફ હતો. ભૂરીમાને અહીંયાં જોતાં જ કરમણિયો ખસિયાણો પડી ગયો ને જાણે પોતાની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય તેમ એ ભૂરીમાની આંખોમાં ન જોઈ શક્યો. ચંદરી પાસેથી ઊઠીને એ ગેં...ગેં...ફેં...ફેં... કરતો સડેડાટ ખડકી ખોલીને સીધો જ બહાર નીકળી ગયો. ચંદરી પણ ભૂરીમાને જોતાં જ સંકોચાઈ ગઈ ને પોતાની ઘાઘરી સંકોરી. ધીમે રહીને ઓઢણું સરખું કર્યું. મીંદડી પણ હવે જગ્યા બદલીને છાણાંના ઢગલા પાછળ ભરાઈ ગઈ. ચંદરી ઉપર નજર કરતાં જ ભૂરીમાએ ઊજળીને ચેતવી. ‘અરે ઊજળીવવ... તું આમ કાં આંધળી ભીંત્ય થાસ? આ કરમણિયાને આંય ઘૂફરિયું ખાતો બંધ કર્ય.’ ‘હું તો એમ હંધુય હમજું સું ભૂરીમા... ને ડારોય રાખું સું... પણ આ દીકરીનો જલમ જ એવો રાતી રાયણ જેવો કે ઉઝેરવો દોયલો... ને એમાંય પાસી બાપ વગરની...’ ‘એમ પોસુ મન રાખ્યે કાંય ન વળે. જણી સે તો હવે સાબદી રે’જે બસ.’ ભૂરીમાએ ડાબા પગને ઊંચો કરીને ઢીંચણથી વાળી છાતી સાથે દબાવીને ખાટલા પર ટેકવ્યો ને જમણા પગને નીચે લટકાવતાં બેઠાં. ‘ઠીક લ્યે... આ ભોરિંગડાનો મલમ કપાસીમાં ભરજે. થોડા દ’નમાં બળતરાયું ટાઢી પડી જાહે.’ ગામમાં નાનુંમોટું વૈદું કરી જાણતાં ભૂરીમાએ કમરે ખોસેલ મલમ ઊજળીના હાથમાં આપ્યો. થોડી વારે ઝીણી નજર કરીને તેમણે રાંધણિયામાં રોટલો ટીપતી ચંદરી તરફ જોયું, પરસેવે રેબઝેબ ચંદરી ઓઢણાનો છેડો વારેવારે સરખો કરતી હતી. થોડી વાર મૌન રહ્યા પછી ચંદરી ન સાંભળે એ રીતે જ ભૂરીમા ધીમે સાદે બોલ્યાં : ‘મું ઝાણું સું... ટોળકી શે’ર ઝાય સે... ગરબા ઝોવા... પણ...’ ‘પણ... પણ હું ભૂરીમા !?’ ઊજળીએ ચિંતા સાથે પૂછ્યું. ‘...પણ અઝવાળી તો’ય રાત્ય હો... કાં વેવલી થા...? ભૂલી ગઈ કે તારા પર હું વીતી સે ઈ... આવી ઝ એ રાત્ય હતી ક નૈ?...?!’ ભૂરીમાની આ વાત સાંભળીને ઊજળીએ એક નિસાસો નાખ્યો. પગમાં સણકો ઊપડવાથી એણે આંખોનાં પોપચાં જોરથી બીડી દીધાં. થોડી વારે ઊજળી ધીમા ને કંપતા અવાજે બોલી : ‘એ ઝ વારેઘડીએ ફડક ઊઠે સે ભૂરીમા...’ જરા વાર અટકીને ચંદરી સામે જોયું ને પછી બોલી : ‘ઈ વાઘજી કાણિયો... મારાથી નેફો સુકાણો નથ્ય તો હવે... હવે આ મારી સંદરી પાસળ લાળ ટપકાવે સે...’ ચંદરી થોડી થોડી વારે રાંધણિયામાંથી ખડકીની દિશામાં જોતી હતી. એ રાંધણિયાની દીવાલ ઓથે જડાઈને ચિત્રવત્ બેઠી હતી. જમણા પગના અંગુઠાથી ભોંય ખોતરતી કંઈક અવાજ થતાં જ એ ચોંકી જતી હતી. ચંદરીનું આવું વર્તન જોઈને આ બાજુ ભૂરીમાને કંઈક કળાતું હોય એમ પોતાના કપાળની જાડી ભમ્મરોને ભેગી કરતાં કરતાં બોલ્યાં : ‘...પણ... મુને તો કંઈક ઝુદો ઝ વે’મ પડે સે હોવવ...’ જાણે ભૂરીમાના શબ્દો કાને ના પડ્યા હોય એમ ઊજળીએ પોતાની વાત ચાલુ રાખી : ‘આ હમણાં થોડા દ’ન પેલા જ શેઢા પાંહે ભાળ્યો’તો ઈ ભૂંડાને. ઊભો ઊભો ખિખિયાટા મારતો’તો સંદરી હાયરે... ને ભેરો નરકપૂતનો કરમણિયોય હતો... મૂને ભાળી તો આઘોપાસો થૈ ઝ્યો...’ પગના દુખાવાને કારણે ઊજળીએ લમણે હાથ મૂકીને હોઠ કરડ્યા. પોતાના ઓઢણાનો છેડો છાતીએ દબાવતાં બોલી : ‘એ કાણિયાનો ઓળો મારી સાડી પર પડે ને હું તો ફફડી ઝાવ સું...’ ઊજળીની આ વાતો સાંભળતાં સાંભળતાં જ ભૂરીમા ચંદરીની તરફ જોઈ લેતાં હતાં. કંઈક રીસે ભરાયેલી તો કંઈક વિચારોમાં ખોવાયેલી ચંદરીની આંખોમાં અધીરાઈ વરતાતી હતી. એણે પોતાના ઓઢણાની જરીની કિનારને મુઠ્ઠીમાં દબાવીને લગભગ ડૂચા જેવી કરી નાખેલી. ‘મૂવો એય પાસો વૈદ થઈને બેઠો સ.’ – ઊજળીના મનમાંથી વાઘજી કાણિયો ખસતો નહોતો. ‘તંયે હું... ઈના ઝેવો કોઈ બીજો અડખેપડખેના ગામમાંય ઝાણકાર નય્થ. પણ હા’ળો કાછડીનો છૂટો.’ ‘હાવ હાસુ ભૂરીમા... બસ આ સંદરીના જનમ વખતની એ નવરાત પસી તો મેં કોઈ દા’ડો ઈનો ઓટલોય ઝોયો નય્થ... ઈ તો વેળા પડી’તીને કાંઈ... ઈનાથી તો સેટા ઝ હારા.’ આટલું બોલતાં તો ઊજળીને દૂંટી સુધી પરસેવો વળી ગયો. ‘ઊજળીવવ, આ હવે તમે હંધોય ઉખળમાળો કાઢવાનું રેવા દ્યો... ને સંદરી પર હંધુય ધીયાન આપો...’ દુખાવાનું ધીમું કણસતાં ઊજળીએ ચંદરી તરફ જોતાં ઉમેર્યું : ‘ઈ ઝ તો હંધીય મોં’કાણ સેને ભૂરીમા... ભૂંડો ટાંપીને બેઠો સે...’ કરમણિયાને આવતાં દ’ન ચડ્યો એટલે ભૂરીમાની ખાતરી પણ કંઈક વધુ ઘેરી થવા લાગી હતી. રસોઈ પૂરી થઈ ગઈ હોવા છતાં ચંદરી હજી ત્યાં જ ખીલાની જેમ જડાઈને બેઠી હતી. તેના હાવભાવમાં સાથે સાથે કંઈક વિચારો પણ છટપટતા હતા. ‘સંદરીઈઈઈ...’ વિચારશૂન્ય ચંદરીને માનો સાદ પણ ના સંભળાયો. ઊજળીએ ફરીથી આ વખતે તો થોડાક ગુસ્સા સાથે મોટેથી અવાજનો ગોદો માર્યો : ‘ક્યાં ધીયાન સે સંદરી... અલી હાંભળ... આ બે તાંહળી ભરીને આંયકણે દૂધ મેલી ઝા... ને જરીક ઉતાવળ કર્ય હવે લે.’ ચંદરી એકદમથી ડઘાઈ ગઈ. રાંધણિયામાંથી બહાર નીકળવાનું તે ટાળતી હતી. પણ નાછૂટકે હવે એને ભૂરીમા પાસે જવું પડશે એ વિચારે તે વધુ થરથરી ઊઠી. શું કરવું ને શું ન કરવું એની ગડમથલમાં એણે પોતાના ઓઢણાથી શરીરના કમ્મર સુધીના ભાગને લગભગ વીંટાળીને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. તપેલામાંથી તાંસળીમાં દૂધ ભર્યું પણ તાંસળીઓ ઊંચકતાં તેના હાથ ધ્રૂજતા હતા. ચંદરીની ચાલમાં રહેલો ફફડાટ અને આંખોમાં રહેલો અજંપો પામવા ભૂરીમા જરાક વધુ ટટ્ટાર બેઠાં. શરીર થોડુંક આગળ ઝુકાવી ડાબા હાથે કમ્મરને ટેકો આપ્યો ને જમણા હાથની છાજલી કરીને અનુભવે પાકટ થયેલી નજરને ઝીણી કરી ચંદરીના આખાય શરીર પર દોડાવી. જાણે કંઈક અઘટિત બની ગયું હોય તેમ તેમના મોંમાથી ઉદ̖ગાર નીકળ્યા : ‘એ માડી રે... જગદંબા... ભારે કરી... મૂઈ રાંડે...’ ચંદરી ભૂરીમાનું આવું બોલવું સાંભળીને ફફડતી હતી ત્યાં જ ખોડાઈ ગઈ. ભૂરીમા ચંદરી તરફ ધસી જઈ તેનું કાંડું પકડીને રીતસર તાડૂક્યાં : ‘અલી રાંડ. હાવ હાસુ બોલઝે... કેટલા દા’ડા કોરા ઝ્યા સે...?’ ચંદરીથી હાથમાં રહેલી બંને તાંસળી છૂટી ગઈ. એ સૂન્ન થઈ ગઈ. ખૂણામાં લપાયેલી મીંદડી ભડકીને વંડી ટપીને નાઠી. ખાલી આંખો, ધોળો ફક્ક પડી ગયેલો ચહેરો, થરથરતા ને પરાણે ભીડવા મથતા હોઠ, હબક ખાઈ ઊઠેલી જોરથી ધડકતી છાતી ને ટૂંકા અને ઝડપથી ચાલતા શ્વાસ... ચંદરી જાણે કે એક પ્રાણ ઊડી ગયેલું ઝાડનું ઠૂંઠું જ જોઈ લો. ઊજળીને કાંઈ સમજાય એ પહેલા તો ભૂરીમા પોતાના બંને હાથ હવામાં ફંગોળતાં ગાજ્યાં : ‘ઊજળીવવ... આ સોકરાવ રમતમાં ને રમતમાં વાડ ઠેકી ગ્યા સે...’ ઊજળી વેદનાભરી ભયંકર ચીસ સાથે પોતાની છાતી કૂટવા લાગી. ચંદરી ઘા ખાઈને ઢળી પડી.

***

વળતે દિવસે ભૂરીમાએ ગામ આખામાં કરમણિયાની ભાળ કાઢવા પગ ઘસી કાઢ્યા. પણ એનો ક્યાંય પત્તો નહોતો. ‘આ કરમણિયાને તો જાણે ભોંય ગળી ગઈ સે... ઊજળીવવ... મારો વે’મ હાસો ઝ પય્ડો...’ અધ્ધર જીવ અને ફાટી ગયેલા અવાજ સાથે ઊજળી બોલી : ‘ભૂરીમા કોઈ દાયણનો... મેળ જો પડે તો...’ પોતે જાણે શબ્દો માટે ફાંફાં મારતી હોય તેમ આગળ બોલી : ‘કોઈ ટીકડી... ઓ... ઓ... ઓસડ જેવું કાંક ચટાડે... તો...’ એના ગળામાં શબ્દો અધૂરા જ સલવાયા : ‘પણ... વાઘજી કાણિયાને આની ગંધ નય્થ આવવા દેવી હો...’ ભૂરીમા ચૂપ હતાં. એ જાણતાં હતાં કે દૂર દૂરના ગામ સીમાડા સુધી વાઘજી કાણિયા સિવાય કોઈ પાસે આ વિપતનો ઉકેલ નથી. ઊજળી પણ ભૂરીમાનું આંખનું મૌન પામતી સમસમીને બેઠી રહી. વિચારોના રઝળપાટમાં આખો દિવસ પૂરો થયો. ઊજળીનું મન હવે ચકરાવે ચડ્યું હતું. સાંજટાણે આડોશપાડોશમાંથી ગવાતાં માતાજીનાં ગરબા અને આરતીના અવાજો આવતા હતા. ઊજળીએ ખોડંગાતા પગે ઓરડાની જમણી બાજુની દીવાલના ગોખમાં રાખેલ ગરબામાં તેલ પૂરીને દીવો પ્રગટાવ્યો. ફાટી ગયેલી આંખે માતાજીના ફોટા સામે માથું નમાવ્યું ને ફોટાની પાછળ રાખેલ એક ટીનની ગોબા પડી ગેયલી દાબડી હાથમાં લીધી. સામેની દીવાલને અડાડીને ઢાળેલા ખાટલા પર ચંદરી કોઈ જ હલનચલન વગર કોકડું વળીને સૂનમૂન પડી હતી. તેની નજીક જઈને ઊજળીએ તેના માથા પર હળવેકથી હાથ ફેરવ્યો. ચંદરીના શ્વાસની ગતિ કંઈક અલગ જ વરતાણી. ઊજળી થીજી ગઈ. ચંદરી વચ્ચે વચ્ચે ક્યારેક હીબકાં ગળી જતી હતી. ઓરડાના આછા અજવાળામાં પણ ઊજળીએ દીકરીના ચહેરા પર કંઈક વિચિત્ર હિલચાલ નોંધી. ખેપડા તરફ નજર ચોંટાડીને જાણે ચંદરી કશુંક ઉકેલવા મથતી હતી. તેના લમણાની નસોમાં જાણે કે કોઈ વિચારો ઘૂંટાતા હોય તેમ ફૂલી ગઈ હતી. ઊજળી થરથરી ઊઠી : ‘કાંક... આ સોડી કાંઈ આડુંઅવળું કરી ન બેહે...’ એ વિચારે રાતનો સોપો ઊજળીને વધુ ઘેરવા લાગ્યો. ઓરડાનું કમાડ ઠાલું વાસીને ઊજળી બહાર આવી. ફળીમાં ઢાળેલ ખાટલા પર બેસીને તેણે દાબડી ખોલી ને થોડાક ડૂચો વળેલા રૂપિયાની નોટોની સળો સરખી કરતી’કને એક પછી એક ગણવા લાગી. ‘દસ-દસની સાત નોટ્યું. પાંસ-પાંસની દસ. ને વીસની સ નોટ્યું ને આ એક પસાની. કુલ ત્રયણસો રૂપિયામાં દસ ઓસા. હઝું ઓલા કય્ણબીના ખેતરે કડબ વાઢવા ગયેલી એનાય બસો બાકી સે પણ હાળો ફદિયા આપવામાં બવ લમણાઝીંક કરસે.’ ઊજળીએ ઘણા પ્રયત્નો કર્યા, મનને બીજે ઠેકાણે વાળવાના, પણ માથું બે હાથમાં લઈને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ‘...આટલેથી માનસે ઈ મૂવો...?!’ ભયંકર વિચારોએ ઊજળીને રંજાડવાનું ફરીથી શરૂ કર્યું. એ હવામાં માથું ફંગોળી એક પછી એક ખરાબ વિચારોને જાણે આઘા ખસેડવાનો પ્રયત્ન કરતી રહી. ઘડીક થાય ને સાવ જ શાંત ને સ્થિર થઈ જઈને કોઈ નિર્ણય પર આવી હોય એમ બેસી રહેતી ને ઘડીક થાય ને એક મણભારનો નિઃશ્વાસ નાખી ‘ઓ જગદંબા... ઓ મારી માવડી...’ બોલતી આંખો જોરથી ભીડી દેતી... ગઈ કાલના ઢોળાયેલાં દૂધના ડાઘાઓ ઉપર કેટલીયે માખીઓ બણબણતી હતી. થોડીક માખીઓ તો ઊજળીના પગની ફુગાઈ ગયેલી કપાસી પર ઘૂમરાતી ચટકા દેતી હતી. એનું શરીર વધુ ધ્રુજવા લાગ્યું. ‘બવ મોડું થઈ જાહે તો...?’ ઊજળી જાણે પરૂણી ભોંકાઈ હોય એમ રીતસર ચીસ પાડી ઊઠી. આ અને આવા કંઈક વલોપાતમાં તેની આંખો ક્યારે ઊંઘમાં ડૂબી ગઈ તેનો પણ ખ્યાલ ન રહ્યો. અરધી રાત માંડ વીતી હસે ને કંઈક ખખડાટ થવાથી ઊજળી સફાળી જાગી ગઈ. એના પેટમાં એક ફડકો ઊઠ્યો. ચંદરીના ઓરડાનું કમાડ અધખુલ્લું હતું. ગોખમાંનો દીવો હજુ આછું અજવાળું પાથરતો હતો એટલે એ અધખુલ્લા કમાડમાંથી ફળિયામાં ઝાંખો પ્રકાશ બહાર પાથરતો હતો. ઊજળીએ અજવાળી રાતમાં પણ અંધકારનો ઠાંસોઠાંસ અનુભવ કર્યો. હાંફળાંફાંફળાં બેઠા થઈને તેણે ચારેકોર નજર ફેરવી. એવામાં રાંધણિયામાંથી મીંદડી ચોર પગે બહાર નીકળી. ઊજળીની અશક્ત અને મજબૂર આંખો મીંદડીની બેફિકર ચાલને જોઈ રહી. એની આંખો ડબડબી ઊઠી. અચાનક જ તેના મનમાં એક વિચારે કબજો લીધો. એનું મગજ લબકારા મારવા લાગ્યું. લાચારી અને વિવશતાએ એને ઘેરી લીધી. સબાકા મારતા પગ સાથે ઊભા થઈને કોઈ જ બીજા વિચાર વગર તે સીધી જ ખડકીની બહાર નીકળી ગઈ. વાઘજી કાણિયાના ઘર તરફ નજર કરીને તે લથડતે પગે એ તરફ ચાલવા લાગી. તેણે ટીનની રૂપિયાની દાબડીને હથેળીમાં કસીને પકડી અને ઝડપથી શેરીઓ વળોટવા લાગી. પગમાંની કપાસીની આસપાસની ચામડી અસહ્ય રીતે ખેંચાતી હતી પણ ઊજળી એની તરફ ધ્યાન આપ્યા વગર એકધારી દબાતાં ડગલે આગળ વધતી રહી. થોડી વારે શેરીના વળાંકે કોઈ ઓછાયો દોડતો હોય એવો ભાસ થયો. ‘...મુને આમ કોઈ ભાળી જાસે તો...?’ – આ બીકથી હવે ઊજળીએ ગામની શેરીઓ કરતાં ખેતરની વાડ પાસેથી ચાલવાનું નક્કી કર્યું. વાઘજી કાણિયાનું ખોયડું હવે બે ખેતર છેટું હતું. સૂમસામ અંધારામાં હવે ઊજળીના શ્વાસના થડકારા તમરાઓના અવાજ સાથે એકરૂપ થઈ જતા હતા. ઝાડી-ઝાંખરાં ને બાવળના કાંટાઓ સાથે ઘસાતું શરીર સતત હાંફતું આગળ વધતું હતું. માંડ એક ખેતર વળોટી હશે કે એના વિચારો ફરીથી ભટકવા લાગ્યા. ‘વાઘજી આટલા પૈસાથી નૈ માને તો...?’ અંધારે એને વધુ ભીંસમાં લીધી. કોઈ મોટા પથ્થર સાથે તેનો કપાસીવાળો પગ ભટકાઈ પડ્યો ને તે એક લથડિયું ખાઈ ગઈ. દાબડી હાથમાંથી છૂટી જવાથી એક બોદા અવાજ સાથે તેનું ઢાંકણ ખૂલી ગયું. કપાસી હવે પૂરેપૂરી ફુગાઈ ગઈ હતી. એમાંથી પરુ બહાર નીકળીને પગના તળિયે રેલાતું જતું હતું. ઓઢણાના છેડા વડે ધીમેથી પગને સાફ કરતાં પરુની એક તીવ્ર દુર્ગંધ હવામાં રેલાઈ ગઈ. હવે એક ક્ષણ પણ અટકી શકાય તેમ નથી એ વિચારતાં ઊજળી અંધારામાં ફાંફાં મારતી દાબડી અને વેરાયેલા પૈસા ભેગા કરવા લાગી... ‘પણ વાઘજી મારો લાભ ઉઠાવશે તો...!!’ જે વિચાર સામે ઊજળી અત્યાર સુધી બાથોડિયાં ભરતી હતી એ હવે આ અંધકારમાં સ્પષ્ટ રીતે આકાર લઈને તેની સામે ખડો થઈ ગયો. તે કંઈક બિહામણું હસી પડી. અંદર ચાલતો ભયંકર તરકાટ તેની આંખોમાં ડોકાયો. તે એક ઝાટકે ઊભી થઈને વેગથી આગળ વધવા લાગી. થોડી જ પળોમાં તેણે વાઘજી કાણિયાનું ખોયડું દસ ડગલાં જ છેટું દીઠું. એ અચાનક જ પગની બધી તાકાત ખોઈ બેઠી. દરેક ડગલે તેને પાછા જવાના વિચારો આવવા લાગ્યા. પણ ચંદરી યાદ આવતાં જ વળી તે બહાવરી બનીને વાઘજી કાણિયાના ખોયડા તરફ ધસી ગઈ. ઊજળીએ ખડકીને ધીમેથી ખોલી અને પોતાની જાતને અંદર ફળીમાં રીતસર ધક્કો મારતી પ્રવેશી. જાણે હવે કોઈ દરકાર જ નથી તેમ તે વરંડો ચડીને ઓરડા પાસે થંભી. બંધ ઓરડાના કમાડની બરોબર વચ્ચે એક તિરાડમાંથી આછો પ્રકાશ આવતો હતો. ઊજળીએ છાતી પર હાથ મૂકી હાંફને દબાવતાં એ તિરાડમાંથી અંદર નજર કરી. તેણે જે દૃશ્ય જોયું તે એની આંખોને છેક જ ઠાલી કરી ગયું. એક ચોળાયેલો જરીનો કોરવાળો લીલી વેલ-બુટ્ટાનાં ભરત ભરેલો પીળો ઘાઘરો અને ઘાટા ગુલાબી રંગનો કમખો ચૂંથાયેલી હાલતમાં પડેલાં હતાં. ઉતરડાયેલી જરીની કોર એક શરીર પરથી લસરી કમરના તલ પાસે આવીને અટકી પડી હતી.