ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પ્રસ્તાવના

Revision as of 01:14, 23 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રસ્તાવના

‘ગ્રંથ અને ગ્રંથકાર'ના મૂળ યોજક સ્વ. હીરાલાલ ત્રિ. પારેખે એનો દરેક ભાગ દર વર્ષે તૈયાર કરીને બહાર પાડવાનો નિયમ રાખ્યો હતો. પણ તેમના અવસાન બાદ એ નિયમ જળવાઈ શક્યો નહિ. ઈ.સ. ૧૯૩૬માં આઠમો ભાગ બહાર પડ્યો તે પછી નવમો આઠ વર્ષે પ્રગટ થયો હતો. અને નવમાં પછી સંજોગવશાત્ બીજાં આઠ વર્ષે આ દસમો ભાગ પ્રસિદ્ધ થવા પામે છે. પણ તેથી આ પુસ્તકમાળાના મૂળ ઉદ્દેશને ભાગ્યે જ હાનિ પહોંચી છે. ખરું જોતાં, હવે ‘ગ્રંથ અને ગ્રંથકાર'ના વાર્ષિક પ્રકાશનનો હેતુ રહ્યો નથી. કારણ, મોટા ભાગના ગ્રંથકારોની પરિચયરેખા પહેલા આઠ ભાગમાં અંકિત થઈ ચૂકી છે. અને વાર્ષિક સાહિત્ય-સમીક્ષાનું કામ તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા ચાલે છે જ. એટલે આઠ દસ વર્ષે બહાર પડતા રહેતા ‘ગ્રંથ અને ગ્રંથકાર'માં બાકી રહેલા લેખકોનો પરિચય અને દસેક વર્ષના ગાળાના સાહિત્યના પ્રવાહનું અવલોકન આવતાં રહે તો કામ બેવડાયા વિના ઉદ્દિશ્ટ સાહિત્યોપકારતા તેનાથી સધાતી રહે. ગ્રંથકાર-પરિચય અને સાહિત્ય-સમીક્ષા આ ગ્રંથમાળાનાં કાયમી અંગ છે. તે ઉપરાંત, એમાં વીતેલા વખત દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી, નવલકથા જેવા સાહિત્ય-સ્વરૂપ વિશે કે અમુક ગાળાની કવિતા વિશે વિવેચન-લેખ, અથવા મુદ્રણકળા કે પ્રૂફરીડિંગ જેવા વિષય પર માહિતી આપતા લેખ જેવી પ્રકીર્ણ સામગ્રી વખતોવખત પ્રગટ થતી રહી છે. આ પ્રકારની સામગ્રીને કશી યોજના વગર યદચ્છ્યા રજૂ કરવાને બદલે તેને અનુલક્ષીને ‘ગ્રંથ અને ગ્રંથકાર'નાં ચોક્કસ અંગો નક્કી કરી દેવાથી પુસ્તકની આકૃતિ બંધાય અને તેની અભ્યાસોપયોગિતા પણ વધે એ ખ્યાલથી અમે આ પુસ્તકનું કામ શરૂ કરતાં પહેલાં તેની નીચે મુજબ વિભાગ-યોજના વિચારી હતી; (૧) વહી ગયેલા ગાળાના વાઙ્મયના પ્રવાહનું વિહંગાવલોકન; (૨) વિદેહ તથા વિદ્યમાન ગ્રંથકારોનો સાહિત્યલક્ષી પરિચય; (૩) કોઈ બે (કે ત્રણ) શિષ્ટ ગુજરાતી ગ્રંથકારોનું સર્વગ્રાહી અધ્યયન; (૪) કોઈ એક સાહિત્યપ્રકારના વિકાસ ને સ્વરૂપવિધાનનું નિરૂપણ અને (૫) વીતેલાં વર્ષોની પ્રતિનિધિરૂપ સાહિત્યકૃતિઓનો ટૂંકો રસલક્ષી પરિચય. આ યોજનાનુસાર વિભાગ (૩) અને (૪) માટે અનુક્રમે નરસિંહ-ભાલણ તથા ચરિત્રના સાહિત્યપ્રકાર વિશે વિસ્તૃત લેખો મૂકવાનું નક્કી કર્યું હતું અને તેનું મોટા ભાગનું લખાણ તૈયાર પણ થયું હતું. પણ પૃષ્ઠ-સંખ્યાની મર્યાદાને કારણે તેનાં પહેલાં બે અંગો જ અગાઉની માફક અહીં સ્થાન પામી શક્યાં ને બાકીનું લખાણ લટકતું રહ્યું ! હવે પછીનાં પુસ્તકોમાં ગ્રંથકાર-પરિચયનો-ખાસ કરીને વિદેહનો-વિભાગ ટૂંકો થશે. એટલે અહીં ઉલ્લેખેલ યોજનાનો તેમાં સમાવેશ કરવાનો પ્રયત્ન થશે તો ગુજરાતી સાહિત્યના આ અભ્યાસગ્રંથમાં બે મહત્ત્વનાં અંગ ઉમેર્યા ગણાશે. વીતેલા દસકાના વાઙ્મય પર દૃષ્ટિપાત કરવામાં કૃતિ કે કર્તાના કરતાં સાહિત્યના પ્રવાહ અને પ્રકાર પર વિશેષ નજર રાખી છે. તેમાં ઉલ્લેખેલાં નામોને કેવળ દૃષ્ટાન્ત કે નમૂના તરીકે જ ગણવાનાં છે. તેમને આપેલો પૂર્વાપર ક્રમ ગુણવત્તાસૂચક નથી. ‘કેળવણી' પછી આવતા વિષયોના અવલોકનમાં વિસ્તાર-ભયે મુખ્ય મુખ્ય કૃતિઓનો નિર્દેશ કરીને જ સંતોષ માનવો પડ્યો છે; અને તેમાં ય અશેષ યાદી આપ્યાનો દાવો નથી. ગ્રંથકાર-ચરિતાવલિને અંગે વિદ્યમાન લેખકોની પસંદગી કરવામાં તેમની સાહિત્યકાર તરીકેની યોગ્યતા ઉપરાંત વયને પણ લક્ષમાં રાખેલ છે. આજ સુધીમાં સ્થાન ન પામેલા વયોવૃદ્ધ લેખકોને પહેલાં સમાવી લેવાની દૃષ્ટિ રાખી હોવાથી યોગ્યતા હોવા છતાં આજની જુવાન લેખક પેઢીમાંથી કેટલાકનો પરિચય પછીના પુસ્તક માટે મુલતવી રાખવો પડ્યો છે. એમાંના ઘણાની પ્રવૃત્તિ હજુ ચાલુ છે. તે કાળક્રમે મહોરીને ચોક્કસ આકાર ધારણ કરે તે પછી આકરગ્રંથમાં નોંધાય તો અભ્યાસીઓને વિશેષ લાભ થાય એ દેખીતું છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર'ના પહેલા આઠ ભાગોમાં વિદ્યમાનો પૈકી અનેક એવા લેખકો સ્થાન પામ્યા છે, જેમના પરિચય છપાયા બાદ જ એમની પ્રવૃત્તિ ખરેખરી વિકસી છે. એવા લેખકોનો હવે પછીના ગ્રંથોમાં નવેસર પરિચય અપાય તો જ એ વિભાગની ઉપયોગિતા સધાય. નવમા ભાગ સુધીમાં સમાવેશ નહિ પામેલા બધા જ પ્રતિષ્ઠત વિદેહ ગ્રંથકારોને આ ભાગમાં સમાવી લેવાનો ઈરાદો હતો. પણ હજુય થોડાક બાકી રહી ગયા છે પ્રત્યેક લેખક વિશે બને તેટલી શુદ્ધ ને સંપૂર્ણ માહિતી આપવાના આશયથી તેમને વિશે લખાયેલાં પુસ્તકોમાંથી તેમજ જાણકાર વ્યક્તિઓ પાસેથી પ્રમાણભૂત વિગતો એકઠી કરીને અહીં ઉપયોગમાં લીધી છે. તેમ છતાં કોઈ સ્થળે માહિતીની અપૂર્ણતા કે હકીકતદોષ રહી જવા પામ્યાં હોય એ અસંભવિત નથી. વિદ્યમાન ગ્રંથકારો વિશેનું ઘણુંખરું લખાણ બે વર્ષ પહેલાં છપાઈ ગયેલું હોવાથી *[1] ઘણાની ઈ.સ. ૧૯૫૦ પછીની પ્રવૃત્તિનો અહેવાલ મૂકી શકાયો નથી. આ કાર્યને અંગે કેટલાક લેખકોએ, વારંવાર યાદ દેવડાવ્યા છતાં, માહિતી પૂરી પાડી નથી; પણ મોટા ભાગનાએ વિગતો ભરીને માહિતીપત્ર વિના વિલંબે મોકલી આપ્યાં તે બદલ તેમનો આભાર માનવો જોઈએ. ૧૯૪૧થી ૫૦ સુધીની વાઙ્મય-પ્રવૃત્તિનો ક્યાસ કાઢવા માટે જોઈતી વિગતો મેળવવામાં ગુજરાત સાહિત્ય સભા તરફથી છેલ્લાં દસ વર્ષમાં પ્રસિદ્ધ થયેલી કાર્યવહીઓનો ઉપયોગ કરવો પડ્યો છે. આને અંગે અમે અહીં જે તે સમીક્ષકોનું ઋણ કૃતજ્ઞભાવે સ્વીકારીએ છીએ. શ્રી. હિંમતલાલ ગણેશજી અંજારિયા, શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, પં. શ્રી. બેચરદાસ દોશી, શ્રી. શંકરલાલ દ્વા. પરીખ, શ્રી. નટવરલાલ ઈ. દેસાઈ શ્રી. બચુભાઈ રાવત, શ્રી. જયશંકર (સુંદરી), શ્રી. ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર અને શ્રી. મનુભાઈ જોધાણીએ પણ કેટલાક વિદ્યમાન તેમજ વિદેહ સાક્ષરો વિશે જોઈતી માહિતી મેળવવામાં ઊલટપણે સહાય કરીને અમને તેમના ઋણી બનાવ્યા છે. અનેક ગુજરાતી સાક્ષરોનો માનસિક સંપર્ક સાધવાની તક આપવા બદલ ગુજરાત વિદ્યાસભાનો, અને છાપવાની અનુકૂળ વ્યવસ્થા કરી આપવા બદલ આદિત્ય મુદ્રણાલયના સંચાલક શ્રી. મણિલાલ મિસ્ત્રીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ધીરુભાઈ ઠાકર
ઇન્દ્રવદન દવે
ગુજરાત કૉલેજ, અમદાવાદ
દીવાસો, સં. ૨૦૦૮


  1. * શ્રી. પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટનો પરિચય છપાયો તે પછી થોડે જ વખતે તેમનું અવસાન થયું છે, તેની અહીં સખેદ નોંધ લેવી પડે છે.