ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/વિજ્ઞાન

Revision as of 14:57, 23 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિજ્ઞાન

શાસ્ત્રીય ગ્રંથો

આ દાયકે વિજ્ઞાનની જુદીજુદી શાખાઓના વિશિષ્ટ જ્ઞાનનાં કેટલાંક મહત્ત્વના પુસ્તકો પ્રગટ થયાં છે તે નીચે મુજબ : 'માનસરોગ વિજ્ઞાન' (ડૉ. બાલકૃષ્ણ અ. પાઠક), ' નૂતન માનસ- વિજ્ઞાન' (ચંદ્રભાઈ કા. ભટ્ટ), 'જીવવિજ્ઞાન' (ડૉ. માધવજી મચ્છર), 'વનસ્પતિ સૃષ્ટિ ખંડ ૧' (ગોકળભાઈ ખી. બાંબડાઈ), 'રસાયણ વિજ્ઞાન' (ધનજીભાઈ ફકીરભાઈ), 'શરીરરચનાનું રહસ્ય' (ધનવંત ઓઝા), ‘માનવ જીવનનો ઉષ:કાળ’ (અશોક હર્ષ'), 'ભારતીય પ્રત્યક્ષ પંચાંગ' (અધ્યા. હરિહર પ્રા. ભટ્ટ), 'કાલોત્પત્તિ-જ્ઞાન-રહસ્ય' (ધીરજલાલ મ. પરીખ), ‘શારીર વિજ્ઞાન' (સ્વામી પ્રકાશાનંદ), 'કાળની ગતિ' (સ્વામી માધવતીર્થજી), ‘ખગોળ પ્રવેશ’ (છોટુભાઈ સુથાર), ‘ભૂવિદ્યાનાં મૂળતત્ત્વો અને ગુજરાતની ભૂમિરચના’ (ડૉ. રતન ના. સુખેશવાળા), 'ખેતીનાં મૂળતત્ત્વો’ ભાગ ૧-૨-૩-૪ (માર્તડ શિ. પંડ્યા), 'ખેડૂતપોથી’ (ગુજ.વિદ્યાપીઠ), ‘શિલ્પ રત્નાકર' (નર્મદાશંકર સોમપુરા), 'ઉચ્ચારશાસ્ત્રપ્રવેશિકા' (અંબાલાલ જે. પંચાલ) અને 'મણિપુરી નર્તન' (ગોવર્ધન પંચાલ), એમાં મનોવિજ્ઞાન અને ઉચ્ચારશાસ્ત્ર જેવા ભાવાત્મક વિષયોની તાત્ત્વિક સમજ, શિલ્પ અને નૃત્ય જેવી કલાઓનું શાસ્ત્રીય પૃથક્કરણ, સૃષ્ટિ, કાળ, વનસ્પતિ, ભૂમિને ખેતીનું વિજ્ઞાન અને જીવસૃષ્ટિ, શરીરરચના રસાયણશાસ્ત્ર તથા ગ્રહો-નક્ષત્રો-ખગોળ સંબંધી વિદ્યાર્થી-ઉપયોગી માહિતી આપવામાં આવેલ છે. ઉપર્યુક્ત પુસ્તકો ઉપરાંત ગણિત, પદાર્થશાસ્ત્ર અને રસાયણવિજ્ઞાન તથા સૃષ્ટિરચના વિશેનાં શાળાપયોગી પુસ્તકો પણ અમુક અધિકારી લેખકોને હાથે લખાઈ પ્રગટ થયાં છે.

સામાન્ય વિજ્ઞાન-વિચાર

વિજ્ઞાનની તાત્ત્વિક આલોચના અને સામાન્ય સમજ આપતાં આ દાયકાનાં પુસ્તકમાં 'સ્વાધ્યાય’ (ડૉ. હરિપ્રસાદ દેસાઈ), 'શોધ અને સિદ્ધિ' તથા 'માનવ જીવનમાં વિજ્ઞાન' (ડૉ. નરસિંહ મૂ શાહ), ‘વિજ્ઞાનની વાટે', (રેવાશંકર સોમપુરા), 'વિજ્ઞાનનાં વ્યાપક સ્વરૂપો', (પદ્મકાન્ત શાહ) 'ચંદ્રમા' અને 'વિશ્વદર્શન' (છોટુભાઈ સુથાર), ‘ગગનને ગોખે (નિરંજન વર્મા, જયમલ્લ પરમાર), ‘ખેતીની જમીન' (ગુજરાત વર્નાકયુલર સોસાયટી), ‘ખનિજ તેલ સંબંધે' (બર્મા-શેલ કંપની પ્રકાશન વિભાગ, મુંબઈ), ‘કૉમ્પોઝીટર’ (જયંતકુમાર યાજ્ઞિક), ‘જગતમાં જાણવા જેવું' (છોટાલાલ કામદાર), ‘આધુનિક આકાશવાણી’ (રાજેન્દ્ર ઝવેરી), 'નૂતન કામવિજ્ઞાન' (ભદ્રકુમાર યાજ્ઞિક), ‘આધુનિક વ્યાપારી મિત્ર' (પૂર્ણાનંદ ભટ્ટ), ‘માતૃપદ' (હરરાય દેસાઈ), ‘યોગપ્રવેશિકા' (શ્રીવિષ્ણુપ્રસાદજી) ઇત્યાદિ ખાસ ધ્યાનપાત્ર છે. એ સૌમાં 'સ્વાધ્યાય' અને 'વિશ્વદર્શન' શ્રેષ્ઠ છે.

હુન્નર-ઉદ્યોગ અને હસ્તકળા

'નફાકારક હુન્નરો ભાગ-૩’ (મૂળજી કાનજી ચાવડા), 'કાગળ’ (જયંતકુમાર યાજ્ઞિક), 'કાપડની કહાણી' (કા. મ. ગાંધી), 'એક દિવસમાં દરજણ' ('રોશન મહેર'), 'ભાતભાતનું ભરતકામ-ગૂંથણકામ' (લીલાવતી ચુ. પટેલ), 'પાકશાસ્ત્ર' (ગજરાબહેન દેસાઈ), ' વીસમી સદીનું પાકશાસ્ત્ર' (શ્રી. સુમતિ ના. પટેલ), 'સુરતી રસથાળ' (સગુણાબહેન મહેતા), ‘રસોઈનું રસાયણ' (વંદનાગૌરી દેસાઈ) વગેરે પુસ્તક વ્યવહારજીવનમાં ઉપયોગી નીવડે તેવાં છે.

વૈદક અને આરોગ્ય

વિજ્ઞાનનો આ પેટોવિભાગ આ દાયકામાં ઠીકઠીક ખેડાયો છે. એમાં નાનાં મોટાં મળીને લગભગ ૭૫ પુસ્તકો જમા થયાં છે. તેમાંથી ખાસ નોંધપાત્ર રા. દુર્ગાશંકર શાસ્ત્રીકૃત 'આયુર્વેદનો ઇતિહાસ' છે. આપણી ભાષામાં વૈદકનો એ અપૂર્વ ગ્રંથ છે. બાકીનાઓમાંથી 'દંતવિજ્ઞાન' અને ‘જિંદગીનો આનંદ' (ડૉ. કે. દો. જીલા), 'દૂધ' (ડૉ. ન. મૂ. શાહ), 'પશુચિકિત્સા' (લક્ષ્મી પ્રસાદ ઋષિ) 'ક્ષય અને દમમાં નૈસર્ગિક ઉપચાર' (ભૂપતરાય મો. દવે), ‘આરોગ્ય : તનનું મનનું અને દેશનું' (ડૉ. હરિપ્રસાદ દેસાઈ), 'ઉગ્ર રોગોમાં નિસર્ગોપચાર' (રમણલાલ એન્જીનિયર), ‘ખોરાકના ગુણદોષ-આરોગ્યની દૃષ્ટિએ' (ડૉ. રસિકલાલ પરીખ), ‘ઘરમાખી' (બંસીધર ગાંધી), ‘આહાર અને પોષણ' (ઝવેરભાઈ પટેલ), ‘બ્રહ્મચર્ય અને કાયાકલ્પ' (સ્વામી જીવનતીર્થ), ‘સૂર્યનમસ્કાર અને મનુષ્યજીવન' (શ્રી. જી. શ્રીમાળી), ‘બાળકો અને માતાની સંભાળ' (ગુજ. સંશોધન મંડળ), ‘જનતાનાં દર્દો' (જટુભાઈ ભટ્ટ), 'જાતીય રોગો’ (સત્યકામ), 'આંખની સંભાળ’ (ડૉ. ગોવિદભાઈ પટેલ) ‘વીજળીનો આંચકો અને તેને કૃત્રિમ શ્વાસોચ્છવાસનો ઉપચાર’ (હરિલાલ મંગળદાસ ત્રિવેદી), 'ઉપવાસ કેમ અને ક્યારે' (સ્વ. સોમૈયા), 'ગુજરાતી સ્ત્રીઓની શારીરિક સંપત્તિ' (૨. મ દેસાઈ), 'ગૃહિણીમિત્ર' (ડૉ. રા. મહેતા), 'આરોગ્યસાધના' (ડુંગરશી સંપટ), 'જીવનચર્યા' (વિ.ધ. મુનશી) ઉલ્લેખપાત્ર છે. એમાંની ઘણી ખરી ત્રણ-ચાર ફરમાની નાની પુસ્તિકાઓ છે. પ્રજાની સંસ્કારિતાના ચિહ્ન તરીકે તેનાં વિજ્ઞાન, હુન્નર, ઉદ્યોગ, વેપાર, ખેતીવાડી, કારીગરી આદિની વૃદ્ધિની પણ ગણના કરવામાં આવે છે. આપણે ત્યાં છેલ્લાં દસેક વર્ષોથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અભ્યાસ તરફ વધારે વળ્યા છે અને વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં ઠીક પ્રમાણમાં ઉપાધિઓ મેળવતા જાય છે. વૈજ્ઞાનિક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને કારખાનાંઓ પણ- ધીમે ધીમે પ્રગતિ સાધતાં જાય છે અને તત્ત્વવિદો તરફથી સંશોધન પણ ચાલુ હોય છે. પરંતુ ઈજનેરો, દાક્તરો, યંત્રકારીગરે, કૃષકો, હુન્નરશૉખીનો અને વેપારીઓને ઉપયોગી સાહિત્ય હજી આપણું ભાષામાં અત્યલ્પ છે. પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવવિદ્યા, ખગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કીટકશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર સંબંધી પ્રવેશિકારૂપ ગણાય તેવાં પુસ્તકો પણ કેટલાં? તો પછી તે વિષયોની અદ્યતન શોધોની માહિતી આપતાં પુસ્તકો તો હોય જ ક્યાંથી? નવા સિદ્ધાંતો અને સંશોધનોને શાસ્ત્રીયતાથી ને સરલતાથી સમજાવે તેવાં પુસ્તકોની હાલને તબક્કે ખાસ આવશ્યક્તા છે. કંઈ નહિ તો અંગ્રેજી; જર્મન, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં લખાયેલા ઉત્તમ વિજ્ઞાન-ગ્રંથોના સારા અનુવાદો તો આપણી ભાષામાં હોવા જ જોઈએ. વળી વિજ્ઞાન કેવળ પંડિત વર્ગનો જ ઇજારો બની ન રહે પણ આમ વર્ગ સુધી તેનો ફેલાવો થાય તે માટે લોકભોગ્ય વિજ્ઞાન-ગ્રંથમાળાઓના પ્રકાશનો પણ જરૂરી ગણાય વિજ્ઞાનનાં પુસ્તકોમાં સાદી ભાષા અને સામાન્ય વાચકોની જિજ્ઞાસા તથા રસવૃત્તિને ઉદ્દીપ્ત કરે તેવી સાહિત્યકલાની સરસતા ભેળવવાથી આમજનતાને વિજ્ઞાન શુષ્ક લાગતું મટી જશે.