અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખાનો વાદ

Revision as of 01:42, 25 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રકરણ છઠ્ઠું
અખાનો વાદ

અખો ભગત એક સંત છે, પંડિત નથી. એની વાણી તાર્કિક નથી, એ તો અનુભવની વાણી છે. દર્શન શાસ્ત્રોની ખટપટમાં, પંડિતોની શાસ્ત્રચર્ચા અને વાદવિવાદમાં એને રસ નથી. બુદ્ધિ અને જ્ઞાનનું પ્રદર્શન માણસનો અહંભાવ દર્શાવનારું છે અને અખાને તો એ અહંભાવનો નાશ જ ઉપદેશવો છે. ઊંચનીચના ભેદ એને માન્ય નથી. એક જ પરમાત્મામાં એ માને છે. જીવમાત્ર મિથ્યા છે એમ કહેતો અખો લૌકિક વહેમો, ભૂતપ્રેતની માન્યતા, ગ્રહોની માનવ પર થતી અસર, ધાર્મિક રૂઢિઓ, કર્મકાંડની નાનીમોટી વિગતો, યોગ અને સિદ્ધિ, નર-નારીના ને વર્ણાશ્રમના લૌકિક ભેદ, અનેક દેવદેવીઓ તેમ જ ચૌદ લોકની માન્યતા—સૌને કેવળ મનની અને તેથી માયિક પેદાશ ગણી હસી કાઢે છે. સ્વર્ગ અને નરકની વાતો એને ભ્રામક લાગે છે. એને મન અસ્તિત્વ છે કેવળ બ્રહ્મનું. માનવે જેને પ્રીછવાનું છે તે આ અનંત, અવ્યય, અગાધ, અખંડ, સર્વવ્યાપી બ્રહ્મને. એને જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. બ્રહ્મને જાણનારો સચ્ચિદાનંદ બ્રહ્મ જ બની રહે છે. એનું અલગ અસ્તિત્વ જ ભૂંસાઈ જાય છે એટલે જગતમાં જે કાંઈ જવામાં અને સાંભળવામાં આવે છે તે બધું સર્વથા મિથ્યા છે, ભ્રમ છે. કશું થયું નથી, કશું થતું નથી, કશું થવાનું નથી. જે કાંઈ છે તે તેમનું તેમ જ છે. તો પછી માણસને પોતાની આસપાસ જે સૃષ્ટિ દેખાય છે, નાના મોટા જે અનેક પદાર્થો દૃષ્ટિગોચર થાય છે, તેનું કારણ શું? અખો વારંવાર કહે છે કે એક જ પરમાત્મા, પોતાની અદ્‌ભુત માયાશક્તિને બળે અનંત રૂપે પોતાની લીલા વિસ્તારી રહ્યો છે. આપણી આંખો સ્થૂલ સૃષ્ટિમાં ભેદ જ ભેદ જોતી રહે છે, પણ એની પાછળ જે સૂક્ષ્મ તત્ત્વ છે. તે તો એકમાત્ર ચેતન બ્રહ્મ જ છે. જે સ્થૂલને જોય છે તે પદાર્થોને અલગ અલગ માને છે, જે સૂક્ષ્મને જોવા શક્તિમાન થાય છે તેને બધું એકરૂપ, બ્રહ્મમય, હરિમય અનુભવાય છે. એટલે માણસે આ સૂક્ષ્મને જોવા કટિબદ્ધ બનવાનું છે. એ સૂક્ષ્મને ક્યારે જોઈ શકાય? માણસની દેહબુદ્ધિ, ‘હું તે આ દેહ છું’ એવું ભાન, દૂર થાય તો આગળ વધી શકાય. દેહબુદ્ધિને કારણે માણસમાં અહંભાવ હોય છે. બીજા સૌથી હું અલગ છું, અનોખો છું, એમ એ માને છે. દેહને સાચો માનીને માણસ દેહની ઇન્દ્રિયોને સંતોષવાને મથે છે અને ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિને અર્થે અનેકાનેક કાર્યોમાં રચ્યોપચ્યો રહે છે. અમુક કાર્ય ઉત્તમ, અમુક મધ્યમ, અમુક અધમ એમ માનીને કાર્યોની સાથેસાથે રૂઢિપ્રચુર ધર્મના ખ્યાલોને એ જોડી દે છે. હું કરું છું કે હું માનું છું તે જ સાચું એવા હુંપદમાંથી જન્મે છે રાગદ્વેષાદિ અને તે માણસને સુખી કે દુઃખી બનાવે છે. આમ, પંચમહાભૂતના બનેલા નશ્વર દેહને સાચો માનીને માણસ આખી જગતજંજાળ ઊભી કરે છે અને તેમાં જ બંધાયેલો રહે છે. જો એ આત્મસ્વરૂપ પ્રીછે, પોતાના સ્થૂલ અને અનિત્ય દેહમાં વસતા સક્ષ્મ નિત્ય સર્વવ્યાપી હરિને જાણી લે, તો જગતનું મિથ્યાત્વ એને સમજાઈ જાય. અહંભાવ અને મમત્વ પછી રહે જ નહિ. એ જે કાંઈ કરે તે નિરપેક્ષ ભાવે, અનાસક્ત રહીને જ, કરે, એટલે કર્મો એને બંધનરૂપ થાય નહીં. આમ, અહંભાવ ટાળી, અનાસક્ત ભાવે, પ્રાપ્ત કર્મો કરતા રહીને માણસે પોતામાં જ ઊંડા ઊતરી, જાતને તપાસી, આત્માને પ્રીછવાનો છે. એ આત્મા શુદ્ધ બુદ્ધ, મુક્ત, નિત્ય, અજરામર, વિભુ છે. બ્રહ્મથી એ સર્વથા અભિન્ન છે, એટલે આત્મસ્વરૂપની પ્રીછ તે જ બ્રહ્મની પ્રીછ છે. જે પિંડમાં-દેહમાં છે તે જ સર્વત્ર બ્રહ્માંડમાં સભર ભર્યો છે અને તે આત્મા જ હું છું એવું જ્ઞાન તે જ મુક્તિ-મોક્ષ. મુક્તિ એ કોઈ મેળવવા જેવો અલગ પદાર્થ નથી; એ તો આત્માની પોતાના મૂળ સ્વરૂપની સાચી ઓળખ છે. એ ઓળખ થઈ કે માનેલાં બંધનો આપોઆપ દૂર થઈ જાય છે અને આત્મા જ સર્વત્ર વિલસી રહે છે. એટલે સદ્‌વિચાર, પોતાના સાચા સ્વરૂપનો વિચાર, એ જ સાચી ભક્તિ છે કેમ કે એ દ્વારા જ માણસ હરિમય બની રહે છે. સાચું જ્ઞાન પણ એ જ છે. એ ભક્તિ અને જ્ઞાનના મૂળમાં છે અનાસક્તિ, નિર્વેદ, વૈરાગ્ય. અખાએ કહ્યું જ છે કે “ભક્તિ જ્ઞાન અને વૈરાગ, પદાર્થ એક ત્રણ નામ વિભાગ.” ભાગવતના એકાદશ સ્કંધમાં બીજા અધ્યાયનો બેંતાળીસમો શ્લોક પણ એ જ કહે છે.

“ભક્તિ પરેસનુભવો વિરક્તિરન્યત્ર ચૈષ ત્રિક એકકાલઃ |
પ્રપદ્યમાનસ્ય યથાશ્નતઃ સ્યુ તુષ્ટિઃ પુષ્ટિઃ ક્ષુદપાયોઽનુઘાસમ્‌ ||”

“જેમ ભોજન કરનારને કોળિયે કોળિયે સુખ (તુષ્ટિ), પોષણ (પુષ્ટિ) અને ક્ષુધાની નિવૃત્તિ એ ત્રણે એક જ વખતે થાય છે, તેમ ભગવાનને શરણે જઈ રહેનારને ભક્તિ, પરમેશ્વરના સ્વરૂપનો

અનુભવ (સ્ફૂર્તિ, જ્ઞાન) અને (જગત પ્રત્યે) વૈરાગ્ય – એ ત્રણે એક જ સમયે થાય છે.” એકધારી અખંડ ભગવદ્‌ ભક્તિ કરનારા સાચા ભક્તને આમ જ્યારે ભક્તિ, વૈરાગ્ય અને ભગવત્સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે ભક્ત સાક્ષાત પરમ શાંતિને પામે છે. અખા ભગતે જે કહ્યું છે તેમાં શ્રીમદ્‌ ભાગવતના અગિયારમા સ્કંધની તેમ જ શ્રીમદ્‌ ભગવદગીતાની પ્રબળ અસર જણાશે. જન્મે વૈષ્ણવ એવા અખાએ સાચા વૈષ્ણવ બની રહેવાને ગોકુળનાથજી પાસે દીક્ષા લીધી હશે. એ વૈષ્ણવી દીક્ષામાં પુષ્ટિ એટલે કે ભગવાનનો અનુગ્રહ-ભગવત્કૃપાની વાત મહત્ત્વનો ભાગ ભજવે છે. ‘અખેગીતા’ના ચાળીસમા કડવામાં અખાએ લખ્યું છે :

“સંસાર રૂપી મોહનિશાને, નિવર્તવાને કાજ;
દિનમણિ છે અખેગીતા, પામે સદોદિત રાજ.
એહેમાં જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય છે, માંહે માયા-નિરીક્ષણ દ્રષ્ટ્ય;
જીવ મુક્ત ને મહામુક્તનાં માંહે ચિહ્ન ને વળી પુષ્ટ્ય.” ૪-૫

આ ‘પુષ્ટિ’ ને અંગે બીજા ઉલ્લેખ પણ છે.

“કહે અખો હરિકૃપા હોયે, તો જ સમું પડે જંતને;
દોષદર્શન નોહે તેહને, જે સેવે હરિ-ગુરુ-સંતને.” ક. ૩૩, ૧૧
“જેહને કૃપાનિધાન કૃપા કરે, તે સંતને સદ્‌ગુરુ મળે;
સદ્‌ગુરુ મળે તો પાર પામે, અને જીવ બ્રહ્મમાંહે ભળે.” ક. ૩૫,૮

‘છપ્પા’માં પણ ‘પુષ્ટિ’ શબ્દ મળે છે. ‘હરિની કૃપા’ની આવશ્યકતા અખો દર્શાવે છે.

“સ્વભાવે નભ ઉલસે સદા, જામે હિમપર્વત અદબદા.
ઘનઘટા વિના થાયે વૃષ્ટ્ય, એમ જ્ઞાતાને હોયે પુષ્ટ્ય.” ૧૫૫
“તીર્થ કોટિ હરિજનને ચર્ણ, કૃપા હશે તે ગ્રેહેશે શર્ણ.” ૮૧
“હરિની કૃપાએ હરિ તાં મળે, તેહ અખા અંતરથો ટળે.” ૧૧ર
“અખા હરિની જોઈએ મયા.” ૧૧૩

‘અખેગીતા’માં ક. ૨૪ ૧૦માં ‘મોટું સામ્રથ મહાપ્રભુનું’ એવા શબ્દો છે; છે. ૧૧, ૬માં ‘નિત્ય રાસ નારાયણનો’નો ઉલ્લેખ છે. અને એ જ કડવામાં દસમી કડી જારભાવની ભક્તિની વાત કરે છે.

“જ્યમ જાર-લુબ્ધી જુવતી, તેહેનું મન રહે પ્રીતમ પાસ;
અહર્નિશ રહે આલોચતી, એહેવું મન હરિ-દાસ.”

શુદ્ધાદ્વૈત સંપ્રદાય મુજબ ‘તત્‌ ત્વં અસિ’નો અર્થ ‘તેનું છે’ એટલે કે ‘તું બ્રહ્મ જ છે’ એવો નથી. ત્યાં ‘તસ્ય ત્વં અસિ’–તું તેનો એટલે કે હરિનો સેવક છે એવો અર્થ કરવામાં આવે છે. આવા સ્વામી-સેવક ભાવના ઉલ્લેખો છપ્પામાં તો છે જ, પણ સાચા ભક્તને વર્ણવતાં ‘અખેગીતા’માં ક. ૧૧, ૩માં પણ કહ્યું છે :

“ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયા ધરે;
સ્વામી મારો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એ કરે.”

પણ એ પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ટામાંથી જ્યારે જ્ઞાનોદય થાય છે ત્યારે સ્વામી-સેવકના ભેદ ટળી જાય છે. હું અને હરિમાં ભેદ રહેતો નથી. સઘળું અભિન્ન અને બ્રહ્મમય જ ભાસે છે. ‘અખેગીતા’માં દસમા કડવામાં અખો લખે છે :

“પર બ્રહ્મ વિના નહીં ઠામ ઠાલો, એમ દેખે ભરપૂર;
જ્યાંહાં ત્યાંહાં દેખે હરિને, ભાઈ જેહેનાં પડળ થયાં દૂર.” ૧૦

જીવ-શિવની એકતા અને અભેદ ઉપદેશતો અખો એનો એ જ છે. ઉદ્‌બોધની જુદી જુદી ભૂમિકાએ રહીને અખાએ તત્ત્વદર્શન કરાવ્યું છે કેમ કે બીજા પ્રકરણમાં બતાવ્યું તે મુજબ અખો અધ્યાત્મ માર્ગમાં એક પછી એક સોપાનો ચઢતો જઈ ‘અનુભવ’ની આખરી ઊંચાઈ સર કરે છે. એ કોઈ વાદનો કે મતનો પુરસ્કર્તા નથી જ નથી. અને છતાં વિદ્વાનોએ એની રચનાઓમાંથી વાદ તારવીને પાંડિત્યમૂલક ચર્ચા કરી છે.

અનુભવબિંદુ’ના એકત્રીસમા છપ્પામાં અખો લખે છે :

“જ્યમ છે ત્યમનું ત્યમ અખા, થયું ગયું કાંઇયે નથી;


આપે આપ આનંદઘન, સ્વસ્વરૂપ જોયું કથી.”

‘કાચના મંદિર’નું દૃષ્ટાંત અગાઉ આવી ગયું છે. મૃગજળ અને સ્વપ્ન-સંસારના મિથ્યાત્વનું દર્શન પણ અખાએ કરાવ્યું છે. એમાં મૂળ પદાર્થ જેવો ને તેવો જ છે, એમાં કશો ફેરફાર થયો નથી એમ કહેવાયું છે. કાચના મંદિર ઉપર સૂર્ય તપે છે, જુદા જુદા રંગના કાચ ઉપર એનાં કિરણો પડે છે અને તેથી રંગબેરંગી આભાસો પેદા થાય છે જે સાચા નથી. સાચો છે માત્ર સૂર્ય જે કાચમંદિરની રંગબેરંગી ભાતનું કારણ જરૂર છે, પણ છતાં પોતે સર્વથા અલિપ્ત અને મૂળરૂપ જ છે. મૃગજળ દેખાવાનું કારણ પણ માથે તપતો સૂર્ય છે. ભર બપોરે રણપ્રદેશમાં ઝાંઝવાંનાં જળ પ્રત્યક્ષ દેખાય છે, છતાં તે સાચાં નથી એ હકીકત છે. પણ એ દેખાય કે ન દેખાય તેથી એના કારણરૂપ સૂર્યના મૂળ સ્વરૂપને બાધ આવતો નથી. સ્વપ્નમાં માણસ પરણે, જાતજાતના વૈભવો ભોગવે. જ્યાં જાગ્યો કે મૂળ હતો તેવો જ. સ્વપ્નસૃષ્ટિ મિથ્યા. અંધારા ઓરડામાં દોરડી પડી હોય તેમાં સર્પનો ભાસ થાય અને માણસ ગભરાઈને બૂમાબૂમ કરે, દેવો લાવે, લાકડી લાવે. પછી જુએ તો હોય દોરડી. એમાં થયેલું સર્પનું ભાન મિથ્યા. સાચું જ્ઞાન થતાં મૂળ પદાર્થ જેવો ને તેવો જ, કશા વિકાર વગરનો, પ્રતીત થાય. આ બધાં દૃષ્ટાન્તો વિવર્તવાદનાં છે. બ્રહ્મ તો છે તેવું ને તેવું જ છે, સૃષ્ટિ કેવળ માયાવી આભાસ માત્ર છે, મિથ્યા છે એમ દર્શાવવા આ દૃષ્ટાન્ત પ્રયોજાય. આમ બ્રહ્મ જે કારણ તે જ સાચું. એટલે મળે ‘સત્કારણવાદ’ અને જગત જે કાર્ય તે મિથ્યા એટલે મળે ‘અસત્કાર્યવાદ’. મૂળ બિંબ સાચું, પ્રતિબિંબો કેવળ આભાસ. પ્રતિબિંબનો નાશ થતાં મૂળને કશો બાધ આવતો નથી એમ કહેવું તે ‘બિંબ પ્રતિબિંબવાદ,’ આકાશમાં ચન્દ્ર ઊગ્યો છે. પૃથ્વી પર પાણીથી ભરેલા અનેક ઘડાઓ છે, તેમાં એનું પ્રતિબિંબ પડે છે. ઘડા ભાંગે, પાણી ઢોળાઈ જાય, પ્રતિબિંબ દેખાતું બંધ થાય, પણ તેથી આકાશમાંના ચંદ્રને કશો બાધ નથી. બીજું દૃષ્ટાંત લઈએ, આકાશમાં વાદળાં થાય, વીજળી ઝબૂકે, પવન ફૂંકાય, વરસાદ પડે. થોડા સમય બાદ બધું દૂર થઈ જાય, આકાશ હતું તેવું ને તેવુ જ સ્વચ્છ. બ્રહ્મ પણ આવું આકાશવત્‌. આ ‘જેવું હતું તેવું જ’ને બીજી રીતે પણ નિર્દેશાયેલ છે. માણસ જન્મ્યો જ ન હોય તો તે ગોરો છે કે કાળો એમ કહેવાથી શો ફાયદો? આકાશ – પુષ્પનું અસ્તિત્વ જ ન હોય તો તેની માળા પહેરવાની વાત જ કેવી? વાંઝણીને દીકરો જ ન હોય તો પછી તે સમરાંગણમાં જીત મેળવી આવ્યો એમ કહેવાને શો અર્થ? બ્રહ્મ જેવું ને તેવું જ નિત્ય નિર્વિકાર હોય તો માયાવી સૃષ્ટિના ભેદો સાચા ન જ હોઈ શકે. જેવા તે તેવા જ બ્રહ્મમાં ‘થયું ગયું કાંઈયે નથી’ એમ પ્રતિપાદિત કરવું તે ‘અજાતવાદ.’ એનાં મૂળ માણ્ડૂક્ય ઉપનિષદ ઉપરની ગૌડપાદાચાર્યની રચેલી કારિકાઓમાં જોવા મળે છે. ‘અનુભવબિંદુ’ના પોતાના સંપાદનમાં પ્રો. રવિશંકર જોષી ‘અખાના અજાતવાદ’ને સમજાવતાં લખે છે : “અખાનો અજાતવાદ એમ કહે છે કે જગત સર્જાયું નથી, છે પણ નહિ, હવે પણ કાંઈ થવાનું નથી; સર્વત્ર કોઈ શાંત સાગર પેઠે સભર ચૈતન્યમય બ્રહ્મ જ ભર્યો છે. તેમાં કાંઈ ફેરફાર થયો જ નથી; હું નથી, તમે નથી, પૃથ્વી નથી, સ્વર્ગ નથી, બ્રહ્મા નથી, સર્જનનો ઉદય નથી, અંત નથી, કાળ નથી, ભાવિ નથી, જેમ છે એમ સર્વત્ર સભર બ્રહ્મ ભર્યો છે–ભ્રાંતિથી જ આ જગત કે બ્રહ્માંડનું દૃશ્ય દેખાય છે.” અખા ભગતે બીજાં કેટલાંક દૃષ્ટાંતો યોજ્યાં છે જેને સ્ફૂર્તિવાદનાં દૃષ્ટાંતો તરીકે ઓળખાવી શકાય. સ્ફૂર્તિ મૂળ પદાર્થથી જુદી હોતી નથી. સૂર્ય અને કિરણ, સમુદ્રજળ અને તેના તરંગો, સોનું અને તેના અલંકાર, માટી અને તેમાંથી ઘડાયેલ કોડિયાં, શકોરાં, ઘડા આદિ વાસણમાં જે અવયવી-મૂળ પદાર્થ છે તે જ અવયવ બનીને જુદાં રૂપ ને નામ ધારણ કરે છે. ઘરેણાંનો નાશ થતાં સોનું જ મળે, તરંગો શમી જાય તે પાણી જ બની રહે, બરફ પીગળીને કે વરાળ જામીને પાણી જ બને. ચંદ્ર અને ચાંદની, તંતુ અને પટ અભિન્ન જ છે. જગત પણ બ્રહ્મનું સ્ફુરણ હોઈને તેનાથી અભિન્ન છે. એટલે દૃષ્ટા પણ બ્રહ્મ અને દૃશ્ય પણ બ્રહ્મ જ. અખો અને હરિ એકરૂપ જ. વિવર્તવાદમાં આ મુદ્દો વ્યતિરેકથી ‘હું આ નથી, આ નથી, આ નથી. છું બધાથી પર’—‘હું જગત નથી, દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, એ સૌથી પર હું કેવળ બ્રહ્મ છું’—એ રીતે સમજાવાય. આ જાતના જ્ઞાનથી વૈરાગ્ય જાગે છે. સૌમાં એકરૂપતા જોઈને વિચારવું કે જગત, દેહ, મન, બુદ્ધિ, અહંકાર એ બધાં મારાથી-બ્રહ્મથી જ ઓતપ્રોત છે, બધાં જ મારાં આત્મીય છે તે અન્વય દૃષ્ટિ, જેમાં બધાનો પોતાના બ્રહ્મભાવ સાથે સંબંધ જોડી દેતાં બધા પ્રત્યે પ્રેમભાવ જન્મે છે. સંત પુરુષો વિતરાગ હોઈને સમસ્ત સંસારને પૂર્ણ પ્રેમથી જોય છે. એઓ સૌ પર પ્યાર વરસાવે છે છતાં એમના અંતરમાં આસક્તિ જન્મતી નથી. માત્ર વ્યતિરેકની દૃષ્ટિથી જેણે વિરાગ કેળવ્યો છે તે સંસારથી દૂર ભાગી જવા ઇચ્છે. કેવળ અન્વયદૃષ્ટિવાળો સુખ-દુઃખ, હરખ-શોક, રાગ-દ્વેષ, યોગ-વિયોગથી ક્લેશ પામે. એથી બન્ને દૃષ્ટિનો સુભગ સમન્વય જેણે સાધ્યો છે એે બ્રહ્મવિદ્‌ સંત ચિદાનંદ રૂપે જ સદા વિહરે છે. સ્વ-પરના એને ભેદ નથી, પ્રેમસ્વરૂપ હરિમાં રસબસ હોવાથી એ સર્વત્ર પ્રેમ વરસાવતો, બ્રહ્મરસને આસ્વાદતો, બ્રહ્મપદમાં જ લીન રહે છે. અખો આપણે એવો સંત છે. એણે કોઈ ચોક્કસ વાદ કે સંપ્રદાયને આગળ કરવા કલમ ચલાવી નથી. કોઈ મતનો એને આગ્રહ નથી. વેદાંતના શુદ્ધાદ્વૈત, અને કેવલાદ્વૈત દૃષ્ટિબિંદુઓ એની રચનાઓમાંથી જરૂર મળે છે. એણે યોજેલાં દૃષ્ટાન્તો અને ઉપમાઓમાં આ કે તે વાદ જોવો હોય તો જોઈ શકાય. પણ એની દૃષ્ટિ સારગ્રાહી છે. સત્ય જ્યારે જેવું લાધ્યું કે તેનું અનુભવમૂલક નિરૂપણ અખાએ સમુચિત દાખલા આપી કર્યું છે. એટલે કોઈ૫ણ વાદના જડ ચોકઠામાં એને બેસાડી શકાય તેમ નથી. એણે ‘તત્‌ ત્વં અસિ’ એ ઉપનિષદના મહાવાક્યનો મર્મ સમજાવા બ્રહ્મભાવની અને બ્રહ્મપદની પ્રાપ્તિની જ વાત કરી છે. એનો મૂલ મંત્ર છે ‘સોઽહં” અને એ મંત્ર દ્વારા જ આત્મસાક્ષાત્કાર કરીને એણે મુમુક્ષુઓને માટે બ્રહ્મનિરૂપણ કર્યું છે. બ્રહ્મની અચિંત્ય શક્તિ તરીકે એણે માયાને વિગતે નિરૂપી એનું પ્રાબલ્ય બતાવ્યું છે પણ તેથી એ માયાવાદી નથી બની ગયો. એક માત્ર બ્રહ્મ સિવાય બીજા કશાનું અસ્તિત્વ એ સ્વીકારતો જ નથી. અને ‘એક’ શબ્દ પણ સાપેક્ષ છે. કાંઈક ‘બીજું’ હોય તો ‘આ એક’ એમ કહી શકાય. એટલે બ્રહ્મ કેવળ બ્રહ્મ-ની જ વાતો કરતો અખો ‘બ્રહ્મવાદી’ – બ્રહ્મને જ વદનારો છે એમ કહી શકાય. મિથ્યા વાગ્‌ વિલાસ એણે કર્યો નથી, પણ નિરૂપ્ય વિષયને એવી આગવી ભાષાશૈલી અને વાક્‌છટાથી એણે નિરૂપ્યો છે કે ગુજરાતના સંત ભક્તોમાં કવિ તરીકે એનું જેવું ઉચ્ચ સ્થાન છે તેવું જ ઉચ્ચ સ્થાન ભારતવર્ષના મધ્યકાલીન કવિઓમાં પણ હોઈ શકે.