વાર્તાનું શાસ્ત્ર/પરિશિષ્ટ

Revision as of 16:58, 2 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
+ પરિશિષ્ટ

(૧) મોહનભાઈ પટેલનું અધિકારણ+[1]

ગિજુભાઈ ભગવાનજી બધેકા (૧૮૮૫-૧૯૩૯) : ગિજુભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં ચિતળ ગામે ૧૫મી નવેમ્બર, ૧૮૮૫ના રોજ થયો હતો. જ્ઞાતિએ બ્રાહ્મણ ગિજુભાઈ વલભીપુરના વતની હતા. ગુજરાતના કેળવણીના ઇતિહાસમાં અને તેમાંયે સવિશેષે બાળકેળવણીના ઇતિહાસમાં તે અવિસ્મરણીય છે. ‘બાળક’ વિશે, તેના ઉછેર વિશે, તેના સુક્ષ્મ વિકાસ વિશે ગિજુભાઈએ આપણને ગુજરાતીઓને ‘ચેતવ્યા'. બાળકેળવણીના સંદર્ભે એમની સાહિત્યસાધના પણ થઈ છે. શિક્ષકોને તથા વાલીઓને મબલક માર્ગદર્શન મળી રહે એવી એમની નાની-મોટી પુસ્તિકાઓની સંખ્યા ઘણી છે. બાળકોને લક્ષમાં રાખી એમણે કેટલીક લોકવાર્તાઓને નવેસરથી ઢાળી છે. બાળસાહિત્યના તો એ યુગપ્રવર્તક કહેવાય. એમના સેવાકાર્યની કદરરૂપે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. બાળશિક્ષણશાસ્ત્રવિષયક સાહિત્ય, કિશોરસાહિત્ય, બાળસાહિત્ય વગેરે પહેલી જ વાર દૃષ્ટિપૂર્વક ગિજુભાઈ આપણને આપે છે. બાળકને એના યાથાર્થ્યમાં, એના તળપદમાં સમજનાર લેખક આપણે ત્યાં એ પહેલા છે. ગિજુભાઈની શૈલી સરળ અને સુબોધ હોવાથી એમનું સાહિત્ય આબાલવૃદ્ધ સૌ માણી શકે છે. ગિજુભાઈએ ‘વાર્તાનું શાસ્ત્ર’ ખંડ : ૧-૨ (૧૯૨૫) પણ રચ્યું છે. સાહિત્ય- સ્વરૂપોના અભ્યાસોમાં વાર્તાના શાસ્ત્રકારે જ રચેલા આ બે ગ્રંથો આપણા સાહિત્યના અમૂલ્ય ગ્રંથો છે. વાર્તા વિશેની એમની સૂઝ અહીં પ્રગટ થાય છે. વિષય શિક્ષણસાસ્ત્રનો હોય, બાળવાર્તાનો હોય, શિક્ષકોને કે વાલીઓને બોધ કે માર્ગદર્શનનો હોય પણ ગિજુભાઈની શૈલી વિષયને અનુરૂપ ઢાળે ઢળતી હોય છે. એમનું દર્શન સ્પષ્ટ છે તેથી એમની અભિવ્યક્તિ પણ અસંદિગ્ધ છે. શિક્ષક ગિજુભાઈની સર્ગશક્તિનો એમના સાહિત્યમાં પણ સંચાર વરતાઈ આવે એવો છે. [ગિજુભાઈએ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં મોન્ટેસરી પદ્ધતિએ બાળશિક્ષણના વિકાસલક્ષી પ્રયોગ કરેલા. 'બાળસાહિત્ય ગુચ્છ'માં પચીસેક પુસ્તકો, ‘બાળસાહિત્ય વાટિકા' મંડળ-૧નાં ૨૮ અને મંડળ-૨નાં ૧૪ પુસ્તકો, ‘ઇસપનાં પાત્રો’ (૧૯૩૪) – એ બાળસાહિત્ય-વિષયક; 'કિશોરકથાઓ ૧-૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટોળી ૧-૨ (૧૯૨૯, ૧૯૩૩) એ કિશોરસાહિત્યનાં તેમજ ('વાર્તાનું શાસ્ત્ર' ઉપરાંત) મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) વગેરે ૧૫ જેટલાં બાળશિક્ષણ-વિચારનાં પુસ્તકો એમણે લખ્યાં છે.]

(૨) દિવાસ્વપ્ન વિશે...+[2]

ગિજુભાઈ વકીલ થવાને બદલે સૌ બાળકોનું સર્વાંગીણ ઘડતર કરે એવી બાળકેળવણીના કઈ રીતે પુરસ્કર્તા ને સફળ પ્રયોગકાર થયા તેની ઝલક-ઝાંખી આ ‘દિવાસ્વપ્ન'માંથી લાધે છે. કેળવણીક્ષેત્રે માહિતીને જ્ઞાનમાં, જ્ઞાનને સમજમાં અને સમજને વિવેકપૂત વર્તન- વ્યવહારમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય તેનો કીમિયો 'દિવાસ્વપ્ન'ના દૃષ્ટા લક્ષ્મીરામના આપસૂઝથી અહીં કરાયેલા કેળવણીના રચનાત્મક કે સર્જનાત્મક પ્રયોગોમાં હોવાનું પ્રતીત થાય છે. પોતાના સાથીઓ તથા ઉપરી-અધિકારીઓનો અણગમો ને તેમની ટીકાઓ, છાત્રો-વાલીઓની ગેરસમજો ને મજાકો વગેરે સહન કરીને પણ લક્ષ્મીરામ શિવસંકલ્પપૂર્વક, શ્રદ્ધા ને ધૈર્યથી બાળકોને પથ્ય ને પ્રસન્નકર થાય, એમનાં શીલ ને સામર્થ્ય ખીલવે એવા શૈક્ષણિક કાર્યક્રમો ચલાવીને તેમના સહૃદય મિત્ર ને વત્સલ વિદ્યાગુરુ બનીને રહે છે. રમતાં રમતાં ભણવાની અને ભણતાં ભણતાં રમવાની લક્ષ્મીરામની અનોખી કળાની સરળ ને સુગમ શૈલીમાં રજૂ થયેલી આ અનુભવકથા બાળઉછેર તેમ જ બાળકેળવણીના ક્ષેત્રે કામ કરનારાં સૌને પ્રેરક અને પથદર્શક બની રહેશે. આ 'દિવાસ્વપ્ન' માટે બાળકો અને બાળશિક્ષકોનું જગત ગિજુભાઈનું હંમેશનું ઋણી રહેશે.

૫/૯/૨૦૦૯
શિક્ષકદિન
ચંદ્રકાન્ત શેઠ
 


  1. + જુઓ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૪ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પાંચમી આવૃત્તિ-૨૦૧૮, પૃ. ૪૦૫ માં મોહનભાઈ પટેલે ગિજુભાઈ બધેકા વિષે લખેલું અધિકારણ.
  2. +શ્રી ચંદ્રકાન્ત શેઠે ગિજુભાઈના ‘દિવાસ્વપ્ન’ (જે આગામી સમયમાં એકત્ર ફાઉન્ડેશનની સાઈટ પર તરતું મુકાશે) પુસ્તકનું લખેલું ઉપરણું