ઇન્દુમતી મહેતા
નટશૂન્ય નાટિકાઓ
પ્ર.આ. ૧૯૭૭
પ્ર. ગુજરાત સ્ત્રીકેળવણી મંડળ, અમદાવાદ
પાત્રો
સુશીલા : ગૃહિણી–નાયિકા
રમા : એની દીકરી
કમળા : પડોશણ
ગંગા : ધોબણ
સરસ્વતી – પડોશણ
મંગળા - પડોશણ
શાન્તા - પડોશણ
વિમળા - પડોશણ
સંતોક - પડોશણ
કાન્તા - પડોશણ
મનોરમા - પડોશણ
મણિ - પડોશણ
કૈલાસ - પડોશણ
સુધા : રમાની બેન૫ણી
મીરાં : રમાની બેનપણી
રેવાડોશી
નીલા : ડૉકટર
શાકવાળી
સંપેતરું
[સુશીલાબહેનનો દીકરો જયન્ત અમેરિકા જવાનો છે. એને માટે સુશીલાબહેન અને એમની દીકરી રમા એની તૈયારી કરે છે. બધી વસ્તુઓ પેટીમાં મૂકે છે. ]
સુશીલા : એ રમા, ક્યાં ગઈ? હું ક્યારની બેસી રહી છું ને, લાવને જલ્દી.
રમા : આવી બા, કબાટમાંથી કપડાં જોઈ જોઈને કાઢવાનાં ને? ફાટેલાં હોય તો એને ત્યાં મુશ્કેલી પડે ને? લે આ કપડાં.
સુશીલા : રમા, પેટી તો ભરાઈ ગઈ. આ સુખડીનો ડબ્બો રહેશે કે નહિ?
રમા : બા, અમેરિકા જાય અને આવા સુખડીના ડબ્બા તે લઈ જવાના હોય? ત્યાં તો કેઈક વગેરે ખાશે.
સુશીલા : ભૂખ્યો તો નહિ જ રહે પણ મને તો સંતોષ થાય ને?
રમા : જોજે ની, ત્યાંથી ભાઈ કાઢી જ નાંખશે.
[કમળાબહેન આવે છે.]
કમળા : આવું કે? શું કરવા માંડ્યું છે?
સુશીલા : આવો ને. તમને ખબર છે ને કે મારો જયન્ત અમેરિકા જાય છે! એની તૈયારીઓ કરીએ છીએ.
કમળા : બહુ સારી વાત. ક્યારે જવાનાં છો ?
સુશીલા : આવતી કાલે. જયન્ત અને એના બાપુજી તો ક્યારનાય ગયા છે. પરદેશ જવાનું એટલે ઇન્જેકશનો લેવાનાં, પાસપોર્ટ-વીસા વગેરે મેળવવાનાં. આવી કેટલીએ વિધિઓ કરવાની, અને ખરે વખતે આ રેલગાડીઓનું ભંગાણ થયું છે. એ બાપદીકરો તો વિમાનમાં ગયા. અમે કાલે ગાડીમાં જઈશું.
કમળા : હા, હવે તો ગાડીઓ શરૂ થઈ ગઈ છે.
રમા : (અંદરથી આવીને) કેમ માશી, અમે તો ખૂબ તૈયારીમાં પડ્યાં છીએ.
કમળા : સારું, સારું તે તુંયે જાને.
રમા : અમારો વખત આવશે ત્યારે અમે પણ જઈશું.
કમળા : તે સુશીલાબહેન, તમે મુંબઈમાં ક્યાં ઊતરવાનાં?
સુશીલા : મારી બહેનને ઘેર, ભૂલેશ્વર.
કમળા : ઓ હો! ત્યારે તો મારા ભાઈના ઘર આગળ જ. એ પણ ત્યાં જ રહે છે.
[ધોબણ લુગડાં લઈને આવે છે.]
રમા : બા, આ ધોબણ આવી ગઈ ગંગા, કેટલા દિવસ થયા? ભાઈ જવાનો છે એ ખબર છે? એનાં અને અમારાં કપડાંની જરૂર ખરી કે નહીં?
ગંગા : શું કરું? બાઈસાહેબ, આ વરહાદ પીછો મેલતો જ નથી, તે.
સુશીલા : વાહ રે ગંગા, તું તો બહુ મોંઘી થઈ ને શું! જા, અંદર જઈને કપડાં મૂકી દે. પછી મેળવી લઈશું.
કમળા : અમારેયે ધોબી સાથે આ જ રામાયણ. સુશીલાબહેન, તમે મુંબઈમાં કેટલા દિવસ રહેવાનાં? મારા ભાઈને ઘેર, એક નાનું પેકેટ છે, તે મોકલી આપશો? ભાભીની સાડી છપાવવા આપી હતી.
રમા : માશી, અમે મુંબઈથી થોડા દિવસો પૂના જવાનાં છીએ. સામાન પુષ્કળ છે.
કમળા : હવે આટલું પડીકું તો બિસ્તરામાં રહી જશે.
સુશીલા : કમળાબહેન, સામાન તો બહુ છે પણ મોકલજો.
કમળા : સારું, બેસો ત્યારે. મારા સુધીર સાથે મોકલાવી દઈશ.
૨મા : બા, થઈ રહ્યું. હવે આવશે મફતિયાનું મોટું ટોળું. આપણને બધાને મફતિયું કરાવવાની બહુ ટેવ છે.
સુશીલા : ઠીક હવે. આટલું પૅકેટ તો ગમે ત્યાં માઈ જશે. રમા, આ પેટીમાં બધું માતું નથી. હવે શું કરશું ?
રમા : તું તો બા, મૂકતાં ધરાતી જ નથી. આ બધું શું છે?
સુશીલા : એ તો ખારી સૂંઠ, લવિંગ, એલચી વગેરે છે.
૨મા : ભાઈ એવો ચીઢાશે.
[સરસ્વતી અને મંગળા આવે છે.]
સરસ્વતી : વાહ રે સુશીલાબહેન, અમે તો કંઈ જાણતાં જ નથી. જયન્ત અમેરિકા જાય છે?
સુશીલા : પ્રયત્ન કરતાં હતાં પણ કંઈ નક્કી નહોતું. મુંબઈથી એના ભાઈબંધનો તાર આવ્યો ને બેઉ બાપ-દીકરો ગયા.
મંગળા : અલી રમા, તું તો મારા બારણા આગળથી સત્તર વાર પસાર થાય છે તોયે તેં કંઈ કહ્યું નહિ?
રમા : પણ એકદમ જ નક્કી થયું, એટલે અમે એની તૈયારીમાં પડ્યાં. (એની બહેનપણી આવે છે.) ઓ હો, તમે બે ક્યાંથી ભૂલાં પડ્યાં?
સુધા : તારી પાસે પેલી બનારસી સાડી છે તે મને આપશે ? કૉન્સર્ટમાં મારે સરસ્વતી થઈને બેસવાનું છે,
રમા : એ તો બહુ મોંઘી છે. મારી બા તો આપવા જ ન દે. તારી પાસે મારાથી ઘણી સારી સાડીઓ છે.
મીરાં : પણ એ સરસ્વતી તરીકે શોભે એવી નથી.
રમા : સરસ્વતી કેવી સાડી પહેરતાં એ તને ખબર છે? તું ગમે તે સાડી પહેરશે તોયે લોકો તો તને સરસ્વતી નહીં જ માને. એવી સાડી કૉન્સર્ટમાં પહેરવાની તો મારી બા મને જ ના પાડે છે.
[બન્ને જાય છે.]
સુશીલા : શું હતું?
રમા : મારી પેલી બનારસી સાડી માંગવા આવેલાં. સુધા પાસે ઓછી સાડીઓ છે? પોતાની સાચવી રાખવી ને બીજાની બગાડવી.
સરસ્વતી : સુધા, પેલા જગજીવનદાસની છોડી ને? અરે બાપ, એને ત્યાં તો નાણું સમાતુંયે નથી.
સુશીલા : આવી મફતિયું લેવાની ટેવ પડેલી. તારું મારું સહિયારું ને મારું મારું પોતાનું.
મંગળા : આવો સ્વભાવ જ પડી ગયો છે. મફત મળે તે માળવેયે જાય. ગઈ કાલે જ મારો ભત્રીજો એની વહુને કહેતો હતો કે “આ છાપાંમાં હૅરઓઈલની જાહેરખબર આવી છે તે જોઈ?” પેલી કહે, “એવાં બજારુ તેલ નહિ જેઈએ.” પેલો કહે, “અરે પણ મફત આપે છે.” પેલી કહે, "તેથી શું? મારા વાળ સમૂળગા ઊતરી જાય તો? કંઈ કહેણી હોય તો જ જાહેરાત કરે ને?"
મંગળા : હા સાચું જ છે. ખરાબ માલ ખપાવવાની રીત. બીજું શું ?
[બધાં હસે છે. ]
[શાન્તા અને વિમળા આવે છે.]
શાન્તા : આટલું બધું હસો છો કેમ? અમને કહોને એટલે અમેયે સાથે હસવા લાગીયે. અલી જડી, ઊભી શું રહી છે? મેલી દે અહીંયા.
સરસ્વતી : બેસો, બેસો, શ્વાસ ખાવ. આ બે બરણીઓ શાની લાવ્યાં?
શાન્તા : એ તો અથાણાંની છે. સુશીલાબહેન જોડે મુંબઈ મોકલવાની છે. રેલ્વે ભાર ઉપાડવાની છે. પછી શું? તમારા ભાઈ તો કહે, “સુશીલાબહેનને પૂછવું જોઈએ.” મેં કહ્યું, “એમાં પૂછવાનું શું? એ કાંઈ પારકાં છે?” ૫ણ કહો તો ખરાં તમે બધાં હસતાં'તાં કેમ?
મંગળા : એ તો સરસ્વતીબહેન એના ભત્રીજાની વાત કરતાં હતાં કે મફત મળે તો બધાંને ગમે.
શાન્તા : મફત તો કોને ન ગમે? એ કાનામાતર વિનાનો શબ્દ કેટલો મીઠો છે? મારા સસરાને છાપાં વાંચવાનો બહુ શોખ, ૫ણ વેચાતાં કોઈ દિવસ ન લે.
મંગળા : વાંચનાલયમાં જતા હશે.
શાન્તા : ના રે, એટલાં પગનાં પાણી શાનાં ઉતારે? અમારી નીચે શરદભાઈ રહેતા એને કહી રાખેલું કે આજનું છાપું મને કાલે આપજો. તમ તમારે નિરાંતે વાંચીને આપજો. અને બીજે દિવસે લઈ આવે.
રમા : એવા વાસી સમાચાર વાંચવામાં શું મઝા?
શાન્તા : અરે બાઈ, તું ન સમજે. એ પછી આપણે ઘેર જ રહે ને?
રમા : એવો કચરો શા માટે ભેગો કરવો?
શાન્તા : તું બેટા, ભણી પણ ગણી નહિ. એ કચરો શાનો? એ તો પસ્તીમાં અપાય ને વગર ખરચ્યે કમાણી થાય.
મંગળા : લ્યો કરો વાત. આનું નામ તે કોશર, ભાઈ ચોકખા, ઘીની બુદ્ધિ જ જુદી.
વિમળા : સુશીલાબહેન, જરા બેસો તો ખરાં. તમારું તો કામ જ ખૂટતું નથી.
રમા : બા, તું બેસ. હું બધું કરી નાંખીશ.
સુશીલા : આટલે આઘો મોકલવાનો એટલે સંભારી સંભારીને બધુ મૂકવું પડે.
સરસ્વતી : હા બાઈ, મા કોને કીધી છે ?
શાન્તા : લાખ વાનાં કરોને, પણ વહુ આવે ત્યારે એ આપણો નહિ.
સુશીલા : (નોકરને) એ મંછી, જરા આઠ દસ પ્યાલાં ચ્હા મૂકી દે.
મંગળા : હવે ચ્હા ને બ્હા, બેસોને છાનાંમાનાં પગ વાળીને, ને એમ કાંઈ ચ્હામાં પતાવશો તે નહિ ચાલે. એ ભણીગણીને આવશે ત્યારે મોટી પાલટી આપવી પડશે.
[રેવાડોશીને હાથ પકડીને લાવે છે.]
રેવા : અલી સુશી, જયન્ત ક્યાં છે? હું તો આ નાળિયેર ને કંકુ લાવી છું.
સુશીલા : રેવામા, એ તો મુંબઈ ગયો છે. એને જતાં પહેલાં ઘણાં કામ પતાવવાનાં હોય છે.
રેવા : ઠીક, તો એ જાય ત્યારે આ નાળિયેર હાથમાં આપજે..
સુશીલા : મા, તમારા તો આશીર્વાદ હોય. નાળિયેરની કાંઈ જરૂર નહિ.
રેવા : આશીર્વાદ તો છે જ. ભણીગણીને મોટો બાલિસ્ટર થઈને આવ ને જીવતો રહે. તમાકુની ડબ્બી કોઈ પાસે હશે?
સુશીલા : ના, માડી. અહીં કોઈ છીંકણી સૂંઘે એવું નથી. તે દાબડી નથી રાખતાં ?
રવા : ના નથી રાખતી. જ્યાં જાઉં ત્યાં કોક ને કોક મળી રહે છે. ન મળે તો ચલાવી લઉં એમાં બે લાભ. પૈસા બચે ને વ્યસન વધે નહિ.
મંગળા : લે વિમુ, બધાંયે આ શાસ્તર ભણેલાં છે કે નહિ?
શાન્તા : અરે, હું મલાડ રહેતી હતી ત્યારે મારી પાડોશણ રોજ મુંબઈ જાય તે પાસ કઢાવેલો. મારે જવું હોય તો હુંયે જાઉં. એક દિવસ નામ બદલી નાંખવાનું. બધાનાં નામ ને મ્હોઢાં કોણ જાણવા બેઠું છે?
મંગળા : અરે એમાં શી મોટી વાત ! અમે તો એક દિ' ઉજાણીએ ગયેલાં, ને સ્ટેશન પર વજનના કાંટા ઉપર ઊભાં. એક આનો મશીનમાં નાંખ્યો ને મેં કીધું ઊભાં રહેજો. એક પગ મારો ને એક પગ મારી દેરાણીનો, ખાસા એક આનામાં બેઉનાં વજન થઈ ગયાં.
[નીલા ડૉક્ટર આવે છે.]
નીલા : આવું કે? શાની મીજલસ માંડી છે?
રમા : ઓ હો ડૉકટર સાહેબ પણ આવી પહોંચ્યાં ને? કોઈને ઇન્જેકશન તો નથી આપવાનાં ને?
નીલા : તમારા બોલાવ્યા વિના આવું તો વીઝીટ ફી ના લેવાય ને? આ તો આ બાજુ એક કેસ હતો એટલે આવી. એક પંથ ને દો કાજ.
શાન્તા : અહીં બધાં એ જ કથા કરીએ છીએ. ભાઈ, એમ ન કરીએ તો જીવવું ભારે થઈ પડે. હેં નીલાબહેન, જરાક મારી નાડી તો જુઓ. દઈ જાણે અશક્તિ જ બહુ લાગે છે. શરીર તો આમ ચેંથરાં જેવું થઈ જાય છે.
મંગળા : જોયાં ને? કેવાં કામ કાઢી લે છે? કાંઈ શીખવવું પડે એમ છે?
નીલા : એમ કાંઈ ત્યારે હુંયે તપાસું એવી છું? શાન્તાબહેન, અહીં મારી પાસે સાધનો નથી. દવાખાને આવજો..
મંગળા : સરસ, નીલાબહેન. શાન્તાબહેન, બુદ્ધિ બધાંને ઈશ્વરે આપી છે.
[શાકવાળી બોલે છે.]
શાકવાળી : સુશીલાબહેન, શાક લેવાનાં કે?
મંગળા : બટાટા કેમ આલ્યા?
શાકવાળી : છ આને અઢીસો ગ્રામ.
શાન્તા : જા જા હવે, બે આને તો ઢગલા મળે છે.
શાકવાળી : બાઈ બે આને તો ઘરમાં પડે એમ નથી. મોંઘવારી તો જુઓ કાળા કોપની છે.
સરસ્વતી : લાવ, મારે બજારે જવું મટ્યું. લાવ ગવાર જોખ જોઉં. અલી ધડો તો બરાબર છે ને? લાવ, ચાલ આદુ, મરચાં, કોથમીર, લીંબુ ઉપર આપી દે.
વિમળા : તમે યે ખરાં છો?
શાન્તા : મસાલા વિનાનું તે શાક હોય? ચાલ બે ચાર ટીંડોરાં નાંખ. અલી સરસ્વતી, આઠ આના આલ. પછી આપી દઈશ.
સરસ્વતી : શાન્તા, પાછું આપવાની વાત જ ખોટી. તારે જોઈએ તો લે, બાકી તારી પાસેથી પાછું ક્યારે આવ્યું છે? અમારી પડોશમાં જડાવબહેન રહે છે. એ બધાં પાસેથી એમ જ લઈ જાય. સવાર પડે ત્યાં આવે, બહેન, દીવાસળીની પેટી આપો, હમણાં આપી જઈશ ને બે ચાર બટાટા આપોને! મહેમાન આવ્યા છે, એક કપ દૂધ આપો.
વિમળા : તે એટલોયે પડોશ ધર્મ નહિ?
સરસ્વતી : અરે, કાંઈ હદ હોય કે નહિ? પછી તો બધાં એને કહે કે “ના બહેન, શેર બશેર લઈ જાવ એટલે અમારાથી મંગાય પણ ખરું."
મંગળા : એમ જ અમે અમારાં જમનાકાકીને સીધાં કરેલાં. થોડા દિવસ થાય કે ઘઉં આપો, ચોખા આપો, ચણાનો લોટ આપો, પછી પાછું આપવાની વાત જ નહિ. એને બરાબરનો પાઠ ભણાવ્યો.
સરસ્વતી : કેવી રીતે ભણાવ્યો કહો તો ખરાં.
મંગળા : કાંકરાવાળાં ઘઉં ને ચોખા રાખ્યા. ઘઉં ને ચોખાના દાણા કરતાં કાંકરા જ વધારે, પછી ટેવ ભૂલી ગયાં.
[જે શ્રીકૃષ્ણ, જે શ્રીકૃષ્ણ કરતાં સંતોકબહેન આવે છે.]
સંતોક : માળાં બધાં આંહિ ભરાણાં છે.
વિમળા : આવો સંતોકબહેન.
સંતોક : હું તો બધાને ઘેર જઈ આવી. પણ બધે સાંકળચંદ ને તાળાચંદ. મને થીયું આ બધાં ગીયાં ક્યાં? આજ કેમ આંઈ ડાયરો જમાવ્યો છ?
મંગળા : લે તને ખબર નથી? આ સુશીલાબહેનનો દીકરો અમેરિકા જાય છે, તે બધાં આંઈ ભેળાં થીયાંચ. તમે કાલે ક્યાં ગ્યાં'તાં?
સંતોષ : અલી બાઈ, પૂછ ના, અમારા બાબુડાના બાપુને કોઈએ શીનીમાની ટીકીટું આપેલી, તે હંધા ન્યાં ગ્યાં'તાં.
વિમળા : કેવું હતું? ગમ્યું કે?
સંતોક : અરે, હાવ લજામણું. એ પેમલા-પેમલીની વાતું આ૫ણુને નો ગમે.
સરસ્વતી : તે જોયુ તો ખરું કે નહિ ?
સંતોક : જોયું, પણ મનમાં તો રામનું નામ લીધા કરતી'તી.
મંગળા : હવે કોઈવાર જશે નહિ? કોઈ મફત ટીકીટ આલે તોયે નહિ?
સંતોક : મફત ટીકીટ મળે તો હું કામ ન જોઈએ? આંઈ બેઠાં એવાં તંહિ બેઠાં. અને રામનું નામ લેવાનું તો બધે બને. મનનું કોઈ માલિક છે? જમવાનું જાય ને સગું દુભાય એવું શા સારુ કરીએ?
સરસ્વતી : જોયું ને? મફતનો મહિમા જ જુદો. કોઈ ન જવા દે.
વિમળા : એમાં તો જુદી જ મઝા છે. મારે એક કાકા છે, એને વાંચવાનો બહુ શોખ, પણ પૈસા ખરચીને ચોપડી ન વસાવે. કોઈ પાસે વાંચવા લાવે ને પાછી મોકલે જ નહિ.
શાન્તા : ચો૫ડીની બાબતમાં તો બધાંયે ચોર છે. મારી તો કેટલીએ ચો૫ડીઓ ગઈ
વિમળા : અરે સાંભળો તો ખરાં. મારી કાકીને ત્યાં તો આમ ભેગી કરેલી ચો૫ડીઓના કબાટો છે.
[સરલા આવે છે.]
સરલા : શાનાં કબાટ ભરેલાં છે?
વિમળા : સાડીનાં નહિ હોં? ચો૫ડીનાં.
સરલા : જેની તેવડ હોય એ ભરે.
વિમળા : તેવડની ક્યાં વાત છે? આ તો કોઈની ચો૫ડીઓ ભેગી કરીને ભરેલાં છે.
સરલા : સુશીલાબહેન, તમે કાલે મુંબઈ જાવ છો ?
સુશીલા : હા, જયન્તને મૂકવા.
સરલા : તો મારું એક કામ કરશો? મારી નીમુને ઘેર ભાણો આવ્યો છે તે એક પારણું લઈ જવાનું છે. એ લોકોને ખબર આપી દીધા છે. એટલે સ્ટેશને આવીને લઈ જશે.
રમા : આટલું મોટું પારણું અમે કેવી રીતે લઈ જઈએ? અને નહિ લેવા આવે તો?
સરલા : એમાં શું મોટી વાત છે. અમારો ભાણો એ તમારો નહિ? આ તો ઘરના સંગાથ જોડે મોકલાય. સુશીલાબહેન ના નહિ પાડે. વ્યવહારમાં તમે આજકાલનાં ન સમજો.
[કાન્તા આવે છે.]
સરલા : ખરુંને કાન્તાબહેન ?
કાન્તા : શું ? હું કંઈ જાણું તો જવાબ દઉંને?
શાન્તા : લ્યો હું કહું. આ સરલાબહેન એના ભાણા માટે પારણું મોકલે છે, એને માટે પૂછે છે.
કાન્તા : એમાં એમના પૈસા બચાવવાની જ વાત છે ને? આ ડાલ્ડાએ આવી બુદ્ધિ આપી છે. શું કરીએ? આ મોંઘવારીમાં બીજું શું થાય?
શાન્તા : આમાં મોંઘવારીનો સવાલ જ નથી. મફતની આ લ્હેજત છે. અત્યારે બધાં મંડળોમાં ગરબા ગવાય છે. એમાં પ્લાસ્ટીકની ડબ્બીની લ્હાણી લેવા માટે બે રૂપિયાની રિક્ષા કરીને આવનારાં નથી?
વિમળા : મફતની તો મઝા જ જુદી છે. અમારાં એક એાળખીતાં છે, એનું ઘર જ એમ ચાલે છે. કોઈને ઘેરથી કંઈ ને કોઈને ઘેરથી કંઈ એમ વસ્તુઓ માંગ્યા જ કરે. કોઈને ત્યાં ચ્હાપાણીનું નોતરું હોય ત્યાં આખું ઘર જમવા જાય.
સરલા : તે જમાડે શું કરવા? જેવાની સાથે તો તેવા જ થવું જોઈએ.
સરરવતી : આપણાથી એવા ભૂંડા થવાતું નથી. મારા ઘરમાંથી એક શેઠના દીકરાને ભણાવવા જતા હતા. ઉનાળાની રજા પડે એટલે પરગામથી શેઠના ભાણિયાઓ ને ભત્રીજાઓ આવે. એમનો અભ્યાસ કટાઈ ન જાય એટલે બધાંને ભેળાં ભણવા બેસાડી દે.
વિમળા : પગાર એટલો જ?
સરસ્વતી : હાસ્તો. શેઠ કહે, “તમારે તો એકને શીખવવાનું એ જ બધાંને. તમે એક દાખલો લખાવો એ બધાંયે કરે. એમાં તમારે વધારાની મહેનત ક્યાં કરવાની છે?"
સંતોક : હાચું સે. એમાં ઈ બચાડો ખોટું શું કહે સે? ભણાવનારનો પરિશ્રમ તો વધતો નથી ને? અમારા હરગોવનકાકાના દીકરાની જાન લઈને હૌ જાતું'તું. એ તો બહુ પાવરધા. અમને બધાંયને પાઠ ભણાવેલા કે ઇસ્ટેશનના ગેટમાંથી હૌએ પાછળ હાથ બતાવતાં નેહરી જાવાનું. પાછળ ટીકટું આવે સે. પછી પચાસ ને બદલે ત્રીસ ટીકટું આલી. ત્યાં કોણ ગણતું'તું, ભોજીયોભાઈ? (બધાં હસે છે.) લ્યો, આ મને રમાબહેન હાલ્યાં આવે.
મનેરમાં : કેમ, બધાં તાળી પાડીને આટલાં હસે છે ?
સંતોક : બધાં ભેળાં થીયાં સ તે રંગલો જાઈમો સે.
મનોરમા : કેમ સુશીલાબહેન, બહુ કામમાં દેખાવ છો ને શું? હા ભાઈ, દીકરો અમેરિકા જાય એટલે હોય જ ને ?
[મણિબહેન આવે છે.]
સરલા : આ મણિબહેન શું લઈને આવ્યાં? શું લાવ્યાં મણિબહેન?
મણિબહેન : મુંબઈમાં મારી દીકરીને દાળ ભરડવાની બહુ મુશ્કેલી પડે છે, તે સુશીલાબહેનની સાથે ઘંટી મોકલું છું. આવો ઘરનો સંગાથ પાછો ક્યારે મળવાનો?
રમા : (એક બાજુ જઈને) સરલામાશી, આ તો મફતિયાની હદ થઈ.
કાન્તા : અમારાં સગાંમાં એક જણને ત્યાં કન્યાને ઘરેણું ચઢાવવાનું હતું તે અમારે ઘરેથી વહુનાં ઘરેણાં દેખાડવા લઈ ગયેલાં.
શાન્તા : અરે, તમે તો ઘરેણાની વાત કરો છો. અમારા પડોશમાં ચંચળબહેન રહે છે, એમણે તો બતાવી બીજી ને પૈણાવી બીજી, સુવાંગ મફતિયા.
વિમળા : પછી તો પેલી કહે છે તેવી વાત થઈ.
સરસ્વતી : શું છે એ વાત ?
વિમળા : એક કાણી છોકરીને પરણાવી. સગાંઓ હાશ કરીને ગાતાં હતાં :
“અમે ઇડરિયો ગઢ જીત્યાં રે આનંદ ભયો,
અમે કાણી કન્યા પરણાવી ઉઠ્યાં રે આનંદ ભયો.”
[ત્યાં તો જાનડી ગાવા માંડી]
“અમે ઇડરિયો ગઢ જીત્યાં રે આનંદ ભયો.”
અમારા મૂળજીભાઈ મૂળગું ના દેખે રે, આનંદ ભયો.”
શાન્તા : વાહ, શેરને માથે સવા શેર.
કાન્તા : આ તો હદ થઈ કહેવાય. જરા ભગવાન તો માથે રાખો. આવાં પાપમાંથી કયે ભવે છુટાય? કરકસર ને મફતની વાત જુદી છે. પણ આ તો નર્યો દગો.
સંતોક : હા, માડી ઈ હાસું, કોશરની વાત જુદી છે. અમારા દાદા કે'તા અમારા આખા ઘર માટે એક જ ચશ્માં.
રમા : બધાને ફાવે કેવી રીતે? ડૉકટર આપે કેમ?
શાન્તા : ડૉક્ટર કેવા ને વાત કેવી? આ તો ત્રણ દરવાજા આગળ પેટી લઈને બેસે છે; એ ફેરિયા પાસે લે. એમાં વળી નંબરની શી વાત?
સંતોક : તો એ બધાંને સંસાર ચાઈલો જ ને? અત્યારની ઘોડે બધા ફતંગ દેવાળિયા નહિ. ક્યાંથી મફત મળે એની તકેદારી રાખે. ઘેર ગમે એટલાં ફળફળાદિ આણીએ પણ પારકાંની વાડીની બોરડી ઝૂડીને બોર ખાવાની મઝા જ જુદી સે હોં?
કાન્તા : હા સાચી વાત છે. મારાં છોકરાંઓ માટે ખાંડી પતંગ લાવો, પણ કહેશે પકડેલા પતંગની મઝા જ જુદી.
સંતોક : ઈ બધું આ૫ણુને ગળથૂથીમાં પાયેલું. અમારાં કાશીફઈ આ બધી બાબતમાં બહુ પહોંચેલાં. એની છોડીનો છૈયો ખાસ્સો ચાર વર્ષનો પણ રેલ્વેમાં ટીકટ જોવા આવે ત્યારે ઢાંકી-ઢબુરીને સુવાડી દે. ને બે વરસનો છે એમ કહીને બધી જાતરા કરાવી. બઈ, ભગતી એટલી શકિત નો આલે?
શાન્તા : બુદ્ધિ કેઈના બાપની છે? સરકાર કાયદા કરે ને આપણે એના રસ્તા કાઢીએ.
[કૈલાસ બે છોકરીઓને લઈને આવે છે.]
કૈલાસ : સુશીલાબહેન, તમે મુંબઈ જાવ છો ? આ મારી બે ભત્રીજીઓને તમારી સાથે લઈ જવાની છે. અત્યાર સુધી કોઈ સારા સંઘાતની રાહ જોતાં હતાં. હવે તમે જ જાવ છો એટલે પૂછવાનું જ શું? એની ટિકિટ તમારી ભેગી લઈ લેજો. મારો ભાઈ મુંબઈમાં તમને પૈસા આપી દેશે.
સંતોક: લ્યો બઈ, આ તેં જીવતાં હંપેતરાં આઈવાં, કહેવું પડે હોં! બીજાં હંપેતરાં ભેળાં મેલી આવો આનેય તે.
૨મા : (સુશીલાને બાજુએ) બા, આ બધું મામેરું કેમ લઈ જઈશું? આ તે મફતિયાની વણઝાર જ આવી. તું ના પાડી દેની! આ તો ગાંડા થઈ જવાય એવું છે.
[ત્યાં બહારથી તારવાળો બૂમ પાડે છે.]
તારવાળો : સુશીલાબહેન રમણભાઈ તાર છે.
[રમા દોડતી તાર લે છે. સુશીલા, સંતોક ને બધાં એને વિટંળાઈ વળે છે. રમા તાર વાંચે છે. ]
રમા : (તાર વાંચતાં) જયન્તનું અમેરિકા જવાનું હમણાં બંધ રહ્યું છે. અમે કાલે આવીએ છીએ.
સુશીલા : શું હશે? તબિયત તો સારી હશે ને?
રમા : એ બધું કાલે ખબર પડશે. આ બધાં સૌ સૌનાં સંપેતરાંઓ લેતાં જાવ. હાશ, છૂટયાં.
[બધાં વ્હીલે મોઢે સંપેતરાંઓ લઈ જવાની ગોઠવણ કરે છે. ત્યાં પડદો પડે છે. ]