નારીસંપદાઃ નાટક/કુંવરબાઈનું મામેરું

Revision as of 02:53, 7 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬. કુંવરબાઈનું મામેરું

વનલતા મહેતા

અભિનયનું બિલિપત્ર

પ્ર. એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ

પ્ર.આ. ૨૦૦૯

દૃશ્ય-૧

(પાત્રો : રતન વહુ, માસી, ખોખલો પંડ્યો)

ભજન : જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે?
(ત્યાં માસી આવે છે.)
માસી : રતનવહુ, તું તો જાણે કોયલ ટહુકી, જાદવાને પછી જગાડજે, નરસિંહ ક્યાં છે?
રતન : આવો માસી. બાપજી આજ તો વહેલા દામોદરકુંડે નહાવા ચાલી ગયા છે.
માસી : લે મારી બાઈ, આ નરસિંહ ખરો છે. માણેકવહુ ને જુવાનજોધ દીકરો શામળશા પાછા થીયા, પછી બચારા જીવને જરીય ટાઢક નથી.
રતન : માસી, બાપાજીએ તો ગાયું છે ને કે ભલું થયું ભાંગી જંજાળ. સુખે ભજશું શ્રી ગોપાળ. બસ તે દીથી મારું મન પણ ગોવિંદના ગુણ ગાવામાં પરોવ્યું છે.
માસી : હા બાઈ, તું તો બીજી નરસિંહ મહેતા થવાની છે. ત્યારે તો ભર્યુંભાદર્યું પિયર છોડીને આ રંક સાસરે, વેરાગી સસરાની સેવા કરવા રહી છો ને !
રતન : હવે એ વાત મૂકો ને કહો, સવારમાં ક્યાંથી ભૂલાં પડયાં? બોલો શી સેવા કરું?
માસી : લે બાઈ, આ તારાં ભજન સાંભળવામાં એ તો ભૂલી જ ગઈ. કોક ગોરમા'રાજ જેવા આપણું ઘર શોધતા હતા. આ એમને લઈને આવી છું.
રતન : ગોરમા'રાજ? ક્યાં છે?
માસી : આ રહ્યા, અરે ! ક્યાં ગયા? મારી પાછળ તો હતા. ઓ ગોરમા'રાજ, ક્યાં ગયા?
ખોખલો પંડ્યો : સ્વસ્તિ કલ્યાણ... ! યજમાન, અમે આ રહ્યા. જે કહેવાય તે અમે જરા ત્રીજે ઘેર દક્ષિણા લેવા રહ્યા.
રતન : પધારો ભૂદેવ, બિરાજો, લ્યો જળપાન કરો.
ખોખલો પંડ્યો : (જળ પીતા) હાશ ! સુખી રહેજે દીકરી. જે કહેવાય તે નરસિંહ મહેતા ક્યાં છે? એમને બરક ને !
રતન : બ્રહ્મદેવ ! બાપાજી તો ઘરમાં નથી.
ખોખલો પંડ્યો : ભારે થઈ. હવે કેમનું કરવું?
માસી : તાકીદનું કામ છે ગોરી.
ખોખલો પંડ્યો : ત્યાર વિના અમે જાતે આવ્યા હોઈશું?
માસી : રતન વહુ કાંઈ પારકી નથી. મહેતાના દીકરાની વહુ છે. એને કહોને.
ખોખલો પંડ્યો : જેવી તમારી ઇચ્છા. તો કહીએ. બોલો અમારું નામ પૂછો.
માસી : હા ગોર, નામ શું?
ખો. પંડ્યા : ખોખલા પંડ્યા.
માસી : એટલે કે ખખડી ગયેલા ?
ખો. પંડ્યા : શિવ... શિવ.. જેની મતિ આવી તેની શી ગતિ? અમે કેમ આવ્યા છીએ એ હવે પૂછો.
રતન : હા મહારાજ. આપ કેમ પધાર્યા છો?
ખો. પંડ્યા : તમે પૂછ્યું. અમે કહીએ. અમે આવ્યા છીએ કંકોત્રી દેવા.
માસી : કંકોત્રી? કોની છે? ક્યાંથી આવી? કોણે મોકલી?
ખો. પંડ્યા : શિવ... શિવ... આ અસ્ત્રીની જાત કીધી એટલે ધડાધડ સવાલો કરવા જ માંડે. મારે તે ફટાફટ જવાબ કેમ ના દેવો ! સાંભળો પાજી. ઊનાથી, સુરસેના વહુની કંકોત્રી છે. શ્રીરંગ મહેતાએ મોકલી છે.
રતન : મારાં નણંદ કુંવરબાઈને સાસરેથી?
માસી : રતન, ગોરે તો સુરસેના નામ કીધું ને?
રતન : એ તો નણંદબાના સાસરાનું નામ. લાવો ગોરમહારાજ, ઝટ કંકોત્રી લાવો. શા શુભ સમાચાર હશે?
ખો. પંડ્યા : લે વાંચ દીકરી. ત્યાં સુધી આપણે પાન ખાઈએ.
રતન : (કંકોત્રી વાંચતાં) 'સ્વસ્તિ શ્રી જૂનાગઢ ગામ, નાગરી નાત તણા શણગાર, ભક્તનાયક, મહેતા શ્રી પંચ નરસિંહ નામ. અહીં સહુને છે કુશળક્ષેમ. લખજો પત્ર તમો આણી પ્રેમ. એક વધામણીના સમાચાર. અમારા ભાગ્ય તણો નહિ પાર. કુંવરબાઈને આવ્યું સીમંત માઘ સુદી સપ્તમી રવિવાર, મુહૂર્ત અમો લીધું નિરધાર. તે દહાડે નિશ્ચય આવજો, સગાં મિત્ર સાથે લાવજો. ન આણશો મનમાં આશંક, તમં આવ્યે પાળ્યા લખ ટંક.'
માસી ! સાંભળ્યું? નણંદબાનું સીમંત છે. વધામણી માસી... વધામણી...
ખો. પંડ્યા : જે કહેવાય તે વધામણી દેનારને પણ દો વધામણી.
માસી : લો ગોરમા'રાજ આ પાંચ ફદિયા તમારી વધામણી.
ખો. પંડ્યા : પાંચ ફળિયા? શિવ... શિવ... ! મને શું વસવાયો સમજી બેઠા? હું તો રોકડા અગિયાર રૂપિયા લઈશ. પછી જ આગળ વાત કરીશ.
માસી : મા'રાજ, રિવાજ પ્રમાણે આપું છું ને !
ખો. પંડ્યા : રિવાજ સાધારણ બામણો માટે. હું તો પહેલી વધામણીના રોકડા અગિયાર લઈશ ને ઉપરથી ખરમના દોકડા દસ જુદા. હાં...
માસી : હવે આટલું બધું તે હોતું હશે ગોર?
ખો. પંડ્યા : આમાં તમને વધારે શું લાગ્યું? હું તો શ્રીરંગ મહેતાનો ગોર છું. કાંઈ વેરાગી ભગતડાંનો ગોર નથી. ના... ના... તમે મને સમજો છો શું? જાવ અમને રીસ ચડી છે. હવે બીજી અગત્યની વાત તમને નહીં કહીએ!
રતન : ગોર મહારાજ ! આમ શું કરો છો? કહો ને...
ખો. પંડ્યા : ના, નહીં કહું.
રતન : ગોર તમને ગોરાણીના સમ.
ખો. પંડ્યા : શિવ ! શિવ ! સોગંદ પાછા લો, મારે એકની એક ગોરાણી છે. મારા બાર ને બે ચૌદ બ્રહ્માડં રખડી જશે.
માસી : ચૌદ બ્રહ્માંડ કેમના રખડે ગોર?
ખોખલો પંડ્યો : ચૌદ બ્રહ્માંડ એટલે મારા સાત દીકરા ને સાત દીકરી.
રતન : ઓ... ઓ... ! ગોરમહારાજ, સાચું કહ્યું.
માસી : ગોર, પણ આટલી દક્ષિણા તો ન અપાય.
ખો. પંડ્યા : તો હાઉં, આ આપણે ચાલ્યા. આ કાગળ નહીં આપું.
માસી : લે હવે તારી દક્ષિણા પૂરી. લોહી પીતો દીસતો રહે.
રતન : માસી ! આ દક્ષિણાના ટાહ્યલામાં હું તો કહેવું જ ભૂલી ગઈ. જુઓને કેવી ‘કોરી કંકોત્રી' લખી છે !
'રૂડા પ્રસંગે પધારજો', એટલું જ લખ્યું છે. મામેરાનું નોતરું કેમ નહિ લખ્યું હોય?
ખો. પંડ્યા : કારણ કદાચ આ કાગળમાં લખ્યું પણ હોય.
રતન : લાવો કાગળ.
ખો. પંડ્યા : ના, એ તો મહેતાજીને હાથોહાથ દેવાનું. એમની દીકરીએ ખાસ કહ્યું છે, તે માટે જુદી દક્ષિણા દીધી છે.
માસી : હરે કૃષ્ણ ! શિવશંભો, આ નરસિંહ પણ કેવો છે? કોઈની પીડાયે નથી જાણતો? કેવી જાતનો એને તો ઘડેલો છે એના ગોવિંદે? આ તે કેવું દુ:ખ !
(ત્યાં ભજન ગાતા નરસિંહ મહેતા તથા સંતો આવે છે.)
ભજન : વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે………
પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે...
સુખદુઃખ મનમાં ન આણીયે, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયા - સુખ...
માસી : પધારો વૈષ્ણવજન ! કુંવરને સાસરેથી શુભ સમાચાર છે.
ખો. પંડ્યા : જે કહેવાય તે હું શ્રીરંગ મહેતાનો ગોર ખોખલો પંડ્યો જાતે એ સમાચાર દેવા પધાર્યો છું.
નરસિંહ મહેતા : ધન્ય થયો દ્વારિકાધિશે જ તમને મોકલ્યા લાગે છે.
ખોખલો પંડ્યો : ના ઊમાથી શ્રીરંગ મહેતાએ એમની પુત્રવધૂ યાને આપની પુત્રી સુરસેનાના સીમંતની કંકોત્રી મોકલી છે. અને સાથે આ પત્ર આપને હાથોહાથ પહોંચાડવાનું ખાસ સૂચન કર્યું છે. લો મહેતા.
નેપધ્યે : ‘ખોખલે પંડે પત્ર જ આવ્યો, મહેતાજીનો હાથજી.
વધામણી કાગળમાં વાંચી, સમર્યા વૈકુંઠનાથજી.’
ખોખલો પંડ્યો : (કંકોત્રી વાંચતા મહેતાજીને) ભક્તરાજ ! આ કાગળ જોયો? મેં તમને હાથોહાથ દીધો. બરોબર?
નરસિંહ મહેતા : હા ભૂદેવ બરાબર.
ખોખલો પંડ્યો : તો હવે હું જાઉં?
નરસિંહ મહેતા : ભલે, કૃપા કરી પધારો.
ખોખલો પંડ્યો : બસ ત્યારે જઈશ હોં?
નરસિંહ મહેતા : જરૂર, આવજો.
ખોખલો પંડ્યો : નક્કી જાઉં?
નરસિંહ મહેતા : જી, ફરી શુભ સમાચાર દેવા પધારતા રહેજો.
ખોખલો પંડ્યો : ફરીની વાત ફરી, પણ અત્યારે? જાઉં?
રતન : બાપાજી ! (ધીમેથી) ગોરબાપા દક્ષિણાની આશા રાખે છે.
નરસિંહ મહેતા : લો સંસારનો એ વ્યવહાર તો અમને સૂજ્યો જ નહીં. (કૃષ્ણની મૂર્તિ પાસેથી ગોપીચંદન લઈને ગોરને આપે છે.)
ખોં. પડયો : આ શું? ગોપીચંદન?
નરસિંહ મહેતા : મારા ગોપાળની ચરણરજ, આપની દક્ષિણા.
ખોખલો પંડ્યો : તે તમારા મસ્તકે ચડાવો એ રજને. આપણને તો અર્થલાભમાં જ રસ છે.
નરસિંહ મહેતા : પૈસા તો હાથનો મેલ છે ગોરમહારાજ ! આવી પ્રસાદીથી તો જન્મારો તરી જશો.
ખોખલો પંડ્યો : તે ભગત તમે જોઈએ તો એમાં તરો કે ડૂબો. મને પેલો હાથનો મેલ આપો.
નરસિંહ મહેતા: ભૂદેવ, નગદ તો નારાયણ. એ સિવાય બીજું તો મારી પાસે કાંઈ નથી.
ખોખલો પંડ્યો : તો તમારી દક્ષિણા તમને અખિયાતી. નાગરો સાચું જ બોલે છે કે વેરાગીને ત્યાંથી તુલસી ને ગોપીચંદન સિવાય મામેરામાં શું લાવવાનો છે. ભગતડો ?
નરસિંહ મહેતા : ભૂદેવ ! સાચા મનથી દક્ષિણા દીધી છે. મારો શામળો તમને નહીં ભૂલે. રાખી લો ક્યારેક એનાંય મૂલ્ય થશે.
ખોખલો પંડ્યો : (કચવાતે મને લેતાં) જય શંભો ! અમે હવે જઈએ છીએ.
નરસિંહ મહેતા : પધારજો. (ખોખલો પંડ્યો જાય છે.)
માસી : નરસિંહ. કુંવરબાઈનો કાગળ તો વાંચ.
નરસિંહ મહેતા : ઠીક યાદ દેવડાવ્યું. રતનવહુ, તું જ વાંચ.
રતન : (વાંચતા) બાપજી, પાયલાગણ.
મારા સસરાને હૃદયે શ્રી હરિ વસ્યા તેથી જ પરાણે તમને આ રૂડા અવસરે હું તમને નોતરું મોકલી શકી છું. બાકી મારાં સાસરિયાં તો મને મહેણાં મારે છે કે, તારો બાપ ખાલી હાથ છે. તે શું મામેરું કરવાનો? એટલે પ્રસંગ સાચવી લેવા મામેરાની જોગવાઈ તો મારાં સાસરિયાંએ કરી જ રાખી છે. આપણે બાપ-દીકરી, આ મસે ભેગા તો થઈએ ! તાત, તમે છેક જ ખાલી હાથ આવશો? તો આ પૈસાના ગર્વમાં રાચતાં મારા સાસરામાં હું કેવી રીતે જીવી શકીશ? હાલતાં ને ચાલતાં 'વેરાગી વૈષ્ણવ'ની દીકરીનું મહેણું તો હું સાંભળ્યા જ કરું છું. આ રૂડા પ્રસંગે પિયરથી એક કાપડુંય નહિ આવે તો મારી કેટલી હિણપત થશે? બાના ગયા પછી તમે આવા નમેરા કેમ થઈ ગયા છો? ભાભીને મારી યાદ. શૂળી પર જીવી રહી છું. મારી શી દશા થશે? વધુ શું લખું?
લિ. મા વિહોણી તમારી કુંવરના પાયલાગણ.

(રતન રડી પડે છે.)


નરસિંહ મહેતા : રતન, દીકરી શોક ન કર. આપણે શિરે ખુદ લક્ષ્મીપતિ બોલે છે.
માસી : એ તો લક્ષ્મી પાસે પગ ચંપાવતો બેસી જ રહેશે. ને અહીં આપણી આબરુ જશે. ઓશિયાળી દીકરી સાસરામાં કેમ જીવશે?
શિષ્ય મહંત : દુનિયાદારીનો વ્યવહાર તો નિભાવવો જ પડશે ને !
નરસિંહ મહેતા : અહીં તો ગોપીચંદન ખરીદવાના પૈસા નથી.
મહંત : તમારે ચરણે મુકાતું ધન અમારા મંદિરમાં ન મોકલી દેતા હોય તો દીકરીનું મામેરું રંગેચંગે થતે ને !
નરસિંહ મહેતા : સંગ્રહ કરવો એ પાપ છે. મારી પાસે સંગ્રહમાં તો ભક્તિ છે અને તે તો પારસમણિ છે.
માસી : તારા પારસમણિને શું ગુમડે ચોપડીશું? નરસિંહ મામેરાની તૈયારી તો કરવી જ પડશે. કાંઈ ખાલી હાથે થોડું જવાશે? છાબમાં શું મૂકીશું?
નરસિંહ મહેતા : ખાલી હાથે જ માસી. ત્યાં ગયા પછી મામેરું ખરીદનાર ખરીદશે ને છાબ પૂરનાર છાપ પૂરશે.
રતન : બાપાજી ! મારા દાગીના વેચીને મામેરુ કરીએ.
નરસિંહ મહેતા : દીકરી, ભલે તું ભગવાનમાં શ્રદ્ધા ન રાખે. મારામાં તો રાખ.
રતન : (એકીટશે જોઈ રહેતાં) બાપાજી, આપનામાં મને પૂર્ણ શ્રદ્ધા છે.
માસી : રતન, તું ય તારા સસરાને પાટલે બેઠી? લોકો શું કહેશે? વહેવાર તો સાચવવો જોઈએ ને !
નરસિંહ મહેતા : અમે રે વહેવારિયા રામ નામના !
લાખ કરોડે લેખાં નહિ, ને પાર વિનાની પૂંજી
વહોરવું હોય તો વહોરી લેજો, કસ્તુરી છે સોંઘી.
રતન : માસી ચાલો ચાલો ડમણિયું જોડાવો. હવે મને ચિંતા નથી. સાજનમાજને તૈયાર કરો.
માસી : સાજનમાજનમાં તો ભલું હશે ને તો નરસિંહ આ સંતોને લેશે.
નરસિંહ મહેતા : સાચું બોલ્યા માસી, ને મામેરામાં મૂકવા આ મારા પખાજ, તંબૂરો ને ઝાંઝ.
માસી : હાય... હાય... એ વગાડતાં વેવાઈને ઘેર જાશું? તને કાંઈ ચિંતાફકર.....
નરસિંહ મહેતા : માસી ચિંતા કરો કે ફિકર કરો. આ મામેરાની કંકોત્રી શ્રી હરિને ચરણે ધરી. ભક્તની ભીડ એ જરૂર ભાંગશે. નાગરી ન્યાતમાં એણે મને નિર્ધન શેં કર્યો?
ભજન : હે પ્રભુ નાગરી નાતમાં નિર્ધન સરજીઆ,
તમ વિના કૃષ્ણજી કોને કહીએ !
પુત્રીએ પત્ર શ્રીમંતનું મોકલ્યું, કહોને નારાયણ કેમ કરીએ
મે ગ્રહ્યો હાથ ગોપીનાથ ગર્વા તણો, વાત લાગે નવ બીજી મીઠી.
નેપથ્ય : (૭)
ભજન : મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી એક દામજી.
ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કાળજી.
મહેતાજી મામેરે ચાલ્યા, સમર્યા શ્રી જગદીશજી.
માસી, રતન સંગાથે ચાલ્યાં, વેરાગી દસ વીરાજી.
મોસાળની સામગ્રીમાં છાપાં તિલક ને તાલ પખવાજ જી.
કપલેટ : નરસૈયાને નિર્ભય છે, જે ભોગવશે ગોપાળ જી.
મામેરું મહેતો લાવ્યા, જુઓ વૈષ્ણવની વિશાત રે.
નણંદ : બા, ઓ બા, જલ્દી આવ. કુંવરભાભીનો વૈષ્ણવ બાપ આવ્યો છે. દર્શન કરીને આપણે પાપ ધોઈએ.
સાસુ : આવો મહેતા, સારું થયું તમે આવ્યા તે. તમને દીઠે જાણે દીઠા હરિ.
નણંદ : જરા જો તો ખરી બા, એનો સાથ કેવો ફૂટડો છે.
રતન : બાઈ, જેને પરમેશ્વર ઢૂંકડો હોય એને આવો સંતોનો સાથ હોય.
નણંદ : હા રે હા. કુંવરભાભીનું દુઃખ ભાંગશો એ અમે જાણ્યું.
માસી : નણંદ બા, વાંકું બોલી મુખ ન મરડો. કુંવર દીકરીના કોડ પૂરા થશે.
નણંદ : હા... હા... છાબમાં તુળસીદાસ મૂકશે? અને વેરાગી ઊભો રહીને શંખ ફૂંકશે?
ભજન : આમ નાગરી નાત કૌતૂક કરે, ઠઠોળી કરી પાછી ફરે.
સૂણી શ્રીરંગ મહેતો આવ્યા ધાઈ ભાવે ભેટ્યા બંને વેવાઈ.
ઉતરવા ઘર આવ્યું એક, ઝાઝા ચાંચડ મચ્છર વિશેષ.
ખાડા-ટેકરા વસમો ઢાળ, ઉપર નાળિયાનું નહિ નામ,
કોહ્યું છાજ ને જૂની વળી ભીંતો દોદરા બેવડ વળી,
ઝાઝા માકણ, જાઝા ચુવા ત્યાં મેતાના ઉતારા હુઆ.

(કુંવરબાઈ આવે છે.)

નરસિંહ મહેતા : કહો કુંવરબાઈ કુશળક્ષેમ છો ને? સાસરિયાં પ્રેમ રાખે છે ને? રૂડો દિવસ આવ્યો છે દીકરી તો મોસાળું કરશે શ્રી હરિ.
કુંવર : બાપાજી, સામગ્રીમાં તો કશું છે નહિ ! નાગરી નાતે લાજ કેમ રહેશે? ધન વિના જીવવું નકામું છે બાપુ! આ અવસર કેમ સચવાશે? હાય રે માની જોડે હું કેમ ન મરી ગઈ. મા જતાં જ બાપની સગાઈ પણ ઊતરી ગઈ શું? તાત જેમ ઘડો ફૂટે અને દીકરી રઝળે એવી મા વિનાની દીકરીના હાલ થાય. બાપુ, ગોળ વિના જેવો મોળો કંસાર લાગે. તેવો માતા વિના સૂનો સંસાર. અરે રે તમને તો લાજ શરમ છે નહિ ! શીદને મારો ઉપહાસ કરવા આ બધા વેરાગીને સાથે લઈને આવ્યા ! આ તમારા મોસાળું કરવાના ઢંગ છે? પિતાજી, તમે કોઈ ઉદ્યમ તો કરતા નથી. નથી ધનનો સંગ્રહ રાખતા. તમારી પાસે કાણી કોડી નહિ હોય તો જાવ પાછા.
નરસિંહ મહેતા : દીકરી, ધીરજ રાખ. મોસાળું કરશે શ્રીનાથ. તું બીજી ચિંતા છોડી દે અને જેટલી પહેરામણી કરવાની હોય તેની નોંધ લખાવી લાવ. જોજે મારી કુંવર એકે સાસરિયાને ભૂલતી નહિ હૉ. ઝટ જા...
કુંવર : તાત, તમારામાં શ્રદ્ધા રાખીને જાઉં છું. જોજો મારે મરવાનો વારો ન આવે. મને હજી વિશ્વાસ નથી બેસતો. સાસરિયા ને નાગરી નાત મને ફોલી ખાશે.
નરસિંહ મહેતા : કુંવર. તું મારી દીકરી છો. વૈષ્ણવની પુત્રી છો. જેને માથે શ્રીહરિ બેઠો હોય તેને વળી ચિંતા કરવાની હોય? નચિંત જીવે જા.
(કુંવરબાઈ જાય છે. ત્યાં શ્રીરંગ મહેતા આવે છે.)
શ્રીરંગ : ભક્તરાજ ! હવે સ્નાન કરી લ્યો. ભોજન તૈયાર છે.
નરસિંહ મહેતા : ભલે. (અંદર જઈ તાંબાકુડીમાં હાથ નાંખતાં)
ભાઈ. પાણી તો જાણે ઊકળતું તેલ. નારિયેળ નાંખો તો ફાટી જાય. સમોવણ આપો બાપ.
શ્રીરંગ : મહેતાજી ! તમને તો ભગવાન હાજરાહજૂર છે એને કહેશો તો આભમાંથી ઠંડુ પાણી મોકલાવશે.
નરસિંહ મહેતા : વેવાઈ, મારા ગોવિંદને નાનકડી વાત માટે તસ્દી દેવી?
શ્રીરંગ : હાસ્તો, તમે સતિયા હશો તો વરસાદ વરસાવો ને !!
નરસિંહ મહેતા : ભલે સંબંધી, ન્યાતીલાઓ ! ઉપહાસ જ કરવો હોય તો મારો કરો. મારા હરિમાં અવિશ્વાસ ન રાખો.
શ્રીરંગ : તો લ્યો ને તંબુરો, રાહ કોની જુઓ છો?
નરસિંહ મહેતા : શ્રી હરિ ! જોયા આ સંસારીઓના રંગ? નાની નાની વાતમાં મારે તને ઢંઢોળવા પડે છે. મારી લાજ તારે હાથ છે. સમોવણ નહીં મોકલે તો મોસાળું કેમ થશે?
ભજન : માહરે તાહરા નામનો આશરો,
તું વિના કોણ કરે સાર મારી?
તાહરે કોટિ છે સેવકો, શામળા,
મારે કહેવાને એક ઠામ તારી...
કીધો મલ્હાર તે સાંભળ્યો શામળે
થયો ઘનઘોર ને ધનુષ તાણ્યું.
વાય છે વાયરો, વીજ ચમકાર કરે,
ગાજિયો ગગન તે જગે જાણ્યું.

(ગર્જના, કડાકા, વીજળી, મૂશળધાર વરસાદની ઇફેક્ટ)

બધા : ધન્ય છે મહેતા, ધન્ય છે તમારી ભક્તિ.

નણંદ : અરે વૈષ્ણવની દીકરી, ક્યાં જઈ આવ્યાં? વેરાગી બાપને મળી આવ્યાં? ભાભી, તમને તો બાપને મળવાનું થયું, પણ આખી ન્યાતમાં અમે તો ફજેત થયા ને? બાવા જેવા બાપ કરતાં તો નબાપા સારા.
કુંવર : નણદી ! આવડું અભિમાન શીદ કરો છો? ગમે તેવા શબ્દો ન બોલો. કોઈના પિતા લખેશરી હોય, તેથી મને શો લાભ? રંક પિતા તરફથી મળેલું કપડું ય મારે મન સોનાનો મેરુ બરાબર છે. તમારે જે કહેવું હોય તે કહો. મારે તો એવા એવાય મારા બાપ જીવતા રહે એ જ બહુ છે.
નણદી : તે શા પાણા પડવાના છે? પણ કહો તો આમ ઉતાવળાં ક્યાં ચાલ્યાં?
કુંવર : નણંદબા, હું તો પહેરામણીની યાદી કરાવવા આવી છું. સાસુમા ક્યાં છે?
નણંદ : બા તો ભોજન લેવડાવી તમારા બાપને ઉતારે ગયા છે. ઊભા રહો. જરા ઘોડો તાણી બાંધો. પહેરામણીની યાદી તો દાદીમા જ કરાવશે. એ જ તો ઘરનો વ્યવહાર સંભાળે છે ને ! દાદીમા... એ આવજો જરા.
(વડસાસુ આવે છે.) દાદીમા... પહેરામણી લખાવો.
વડસાસુ : ફોગટનો કાગળ શીદ બગાડવો? છાબમાં તુલસીદલ મૂકશે. તેથી વધારે વેરાગી વહુનો બાપ શું કરવાનો?
(સાસુ તથા શ્રીરંગ મહેતા દોડતા આવે છે.)
સાસુ : વહુ ! મારી આંખના અમી ! તારા પ્રતાપે અમે તો અમર થઈ ગયા. સાંભળ્યું તમે? મહેતાની વિનંતી સાંભળી, ભગવાને વરસાદ વરસાવી સમોવણ આપ્યું.
શ્રીરંગ : આનું નામ જ ભક્તિ. વહુદીકરા, તમે શીદ કોચવાવ છો? જેના પિતા નરસિંહ ભક્ત શિરોમણી છે એવા જીવને ચિંતા શાની?
સાસુ : વહુદીકરા, સમોવણ માટે તો વેવાઈએ અનધન વૃષ્ટિ કરાવી. હવે શંકા છોડીને અજંપો મેલો.
વડસાસુ : ઓહોહો ! એવડી તે શી વાત બની કે આ વેરાગીની દીકરીના આટલા મલાવા માંડ્યા છે?
સાસુ : મા, આ આપણી વહુના પિતાએ મલ્હાર ગાઈને આકાશમાંથી મેઘ વરસાવ્યો. રસોઈ બધી તણાઈ ગઈ. ને લાડવાની તો પાળ બંધાઈ. હો મા!
શ્રીરંગ : મા, હું તો આભો બની જોતો જ રહી ગયો. ઊકળતા તેલ જેવા પાણીમાં, આકાશમાંથી વરસતા મેઘે સમોવણ ઉમેર્યું. ભક્ત પર હરિની કૃપા થઈ. હું તો ધન્ય થઈ ગયો. ફટ દેતોકને મહેતાજીના પગમાં પડ્યો.
વડસાસુ : ફટ રે મારા દીકરા શ્રીરંગ! તું ઊઠીને એક વેરાગીના પગમાં પડ્યો... અરેરે ! આ વેરાગી વૈષ્ણવ! વરસાદ વરસાવીને મારો અવસર બગાડ્યો? મારી રસોઈ બગાડીને તું એના પગમાં પડ્યો?
શ્રીરંગ : મા, મેં ક્ષમા યાચીને મેઘ બંધ કરાવ્યો.
સાસુ : મા, તમારા દીકરાને કુમતિ સૂઝી ને મહેતાની મજાક કરવા ગયા.
શ્રીરંગ: પણ ભગવાને મને ય પરચો દેખાડી દીધો.
વડસાસુ : અરે ભૂંડા, આ તો બધી કરામત કહેવાય. ફૂંક મારીને પેદા કરે કે નજરબંધી કરે. મારી આ રૂખડી ને લખુડી, એમના જેવા વસવાયોને ઘેર તો એવાં કેટલાંય જંતર-મંતર થાય સમજ્યા?
સાસુ : પણ મા, કા સમે વરસાદ...
વડસાસુ : થાય, એ તો માવઠાં કહેવાય વડી વહુઆરુ. તારા બાપના ખોબા જેવા ઘરમાં તે આવું ક્યાંથી ભાળ્યું હોય? મેં તો ઘણુંય જોયું છે.
શ્રીરંગ : પણ મા, ભક્તરાજના મોં પર શું તેજ હતું?
વડસાસુ : ફટ રે દીકરા, તેં પણ કુળની આબરુ પર પાણી ફેરવ્યું? મને શું ખબર કે તુંય ફરી બેસશે.
સાસુ : મા, એ માવઠું નહોતું.
વડસાસુ : તો શું તારે પિયરથી પાણીની હેલ આવી'તી? હવે મૂંગી રે હરખપદુડી ! મેં વળી તમને શીદ ઉતારે જવા દીધાં? હું તો સાત ગળણે ગાળીને પાણી પીઉં તેવી છું. હું જ ગઈ હોત તો તમારા ઉપર આવા નજરબંધીના જાદુ તો ન પથરાત.
સાસુ : માં, મને તો ઊંડે ઊંડે ખાતરી છે કે દીકરીનું મામેરું ય બાપ પૂરશે. આપણે કાંઈ નહી કરવું પડે.
કુંવર : સાસુમા! મામેરાની યાદી લખાવવા જ મારા બાપુએ મને પાછી મોકલી છે.
નણંદ : દાદીમા! ભાભીને બહુ ઓરતા છે તો લખાવો યાદી. જીવનભર યાદ રહી જાય કે કોની સાથે કામ પડ્યું છે! હાં...
વડસાસુ : દીકરી, તારો ઈશારો સમજી ગઈ. તું કાળજે ટાઢક રાખ. સુરસેનાવહુ! કાગળ ને કલમ લો ને મારી પાસે આવીને બેસો. લખવા માંડો... લખાવું?
કુંવર : જી દાદીમા, બોલો.
વડસાસુ : સવા પાંચ શેર કંકુ.
કુંવર : સવા પાશેર, કે સવા પાંચ શેર બા?
વડસાસુ : વચમાં ટપકું મૂકવું રહેવા દે ને બાઈ? કે પછી કાને ઓછુ સંભળાય છે? લખ, સવા પાંચ શેર.
કુંવર : લખ્યું, પછી?
વડસાસુ : આખાયે ગામમાં, ઘરદીઠ સવાશેર સોપારી ને શ્રીફળ. ઘેર ઘેર ગામને સાલ્લા-ધોતિયાની પહેરામણી કરવાનો આપણા કુળનો રિવાજ છે. વેવાઈને એક હજાર મહોરની પહેરામણી. લખાય છે ને કે હાથે વંટ ચડે છે?
સાસુ : મા, આટલું બધું?
વડસાસુ : હવે તું મૂંગી રહેને વડીવહુ. લખ, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, મામા-ફોઈ દરેકનાં જરિયાત પાંચ પાંચ વસ્ત્રોની જોડ ઓઢાડવાની.
નણંદ : ને દાદીમા મને?
વડસાસુ : તું તો ફઈબા, તને તો હીરાજડિત સોનાની રાખડી. ગોરને મોં માગી દક્ષિણા ને પંડની દીકરીને સોળ શણગાર.
નણંદ : દાદીમા, મારો ભાઈ રહી ગયો.
વડસાસુ : ભઈ, જમાઈને તો જેટલું કરો તેટલું ઓછું. એમાં તે શો પાડ કરી નાંખવાના હતા?
કુંવર : બસ?
વડસાસુ : થાકી કે? આ તો યાદ આવ્યું તેટલું લખાવ્યું. તારો બાપ બ્રાહ્મણોને તો નહીં જ ભૂલે. જો બાઈ, મને ઝાઝો લોભ નથી. યાદી કરતાં વધુ કરો તેમાં જ વડાઈ છે.
નણંદ : દાદીમા, આ યાદી ઊડી ન જાય માટે ટેકણ મંગાવજો.
વડસાસુ : હા બાઈ લખ. ટેકણ માટે ભારે બે મોટા પાણા. એટલું તો તારા બાપથી જરૂર અપાશે. લે દોડ. બહુ શોર મચાવતી આવી હતી ને ! તે હવે મીંદડી કાં થઈ ગઈ?

(કુંવરબાઈ જાય છે.)


સાસુ : મા, આવી યાદી તો ક્યાંય સાંભળી નથી.
વડસાસુ : વેરાગીની દીકરી યાદી લખાવવા આવી હતી. તાલ વગાડતાં વાતો બાપ આવ્યો છે ને ઉપરથી પાછો કહેવડાવે છે, પહેરામણીની નોંધ કરી લાવ. છાબમાં ગોપીચંદનની ગોટી ને ઝાંઝ તો મૂકશે જ પણ સાથે બે પાણા મૂકે તો નસીબ.
શ્રીરંગ : મા, વેવાઈને વરસાદ વરસાવી સમોવણ કીધું એ વેવાઈ કેમ જાણ્યું, છાબમાં પાણા મૂકશે?
વડસાસુ : તો હવે છેટું ય ક્યાં છે? આડી એક રાત જ છે. કાલે જે હશે તે ખબર પડશે.
મહેતાજીનો ઉતારો
કપલેટ : ડાટ વાળ્યો રે. ડોશીએ ડાટ વાળ્યો રે.
વડસાસુ વેરણ થઈ મારી, હરખ હૈયાનો ટાળ્યો રે.
મીઠાબોલી ને થોડાબોલી, હીંડે હરિગુણ ગાતી રે.
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું. મનમાં મોટી કાની-ડોશીએ.
(રૂખડી તથા લખુડી ધીમા પગલે આવી સામાન ફેંદે છે.)
રૂખડી : લખુડી !
લખુડી : બોલ રૂખડી.
રૂખડી : વેરાગી મામેરું કરવાનો.
લખુડી : જરૂર સોનામહોરો હશે જ.
રૂખડી : પણ આમાં તો ગાભા ને ગોપીચંદન છે.
લખુડી : જાદુગર વરસાદ લાવી શકે તો આનું સોનું બનાવી શકે ને!
રૂખડી : દે તાલી!
લખુડી : લે તાલી!
રૂખડી : તો આપણે એ જ ઉપાડીએ.
લખુડી : મામેરાની છાબટાણે આનું થશે સોનું.
(નરસિંહ મહેતા આવે છે.)
નરસિંહ મહેતા : અરે બહેનો, તમે કોણ?
રૂખડી : અમે….. અમે... હું રૂખડી.
લખુડી : ને હું લખુડી.
નરસિંહ મહેતા : મારી કુંવરના સાસરેથી આવ્યા છો? દીકરીએ મારે માટે કાંઈ મોકલ્યું છે?
રૂખડી : હેં ? (હાથમાંની પોટલી પડી જતાં બધું વેરાઈ જાય.)
નરસિંહ મહેતા : ઓહોહો ! મારા હરિની સામગ્રી તમે લાવ્યા?
લખુડી : હેં ? હા...
નરસિંહ મહેતા : ધન્ય! ધન્ય ! વૈષ્ણવને વૈષ્ણવ મળ્યા. આથી અદકું શું જોઈએ ભલા! બેસો વૈષ્ણવો.
રૂખડી : અમે વૈષ્ણવ?
નરસિંહ મહેતા : ત્યાર વિના ગોપીચંદન ને તુલસીની માળા લાવ્યાં?
લખુડી : મહેતાજી, અમે તો હલકી વરણના છીએ. તમારા ઉતારે ચોરી કરવા આવ્યા હતા.
નરસિંહ મહેતા : ચોરી? ચોરી પણ ગોપીચંદનની કરી?
રૂખડી : ભગતના ઘરમાં બીજું શું મળે?
નરસિંહ મહેતા : માવડીઓ, આ તો હરિની પ્રસાદી. રૂખડી એટલે રૂક્ષ્મણી ને લખુડી એટલે લક્ષ્મી. તમે બન્ને કૃષ્ણને પ્રિય. તમને તો આ ગોપીચંદન જ ગમેને!
લખુડી : ગમે ક્યાંથી? બીજું કાંઈ ન મળ્યું તેથી એ લીધું.
રૂખડી : લઈ લો પાછું.
લખુડી : ભગત નહીં લે રૂખડી. આપણે અડ્યા તેથી અભડાઈ ગયું.
રૂખડી : ભગતને નકામું ને આપણો ફેરો ય નકામો.
નરસિંહ મહેતા : ભગવાન તો બધાને પવિત્ર કરે. એની સામગ્રી વળી અભડાતી હશે? તમેય પવિત્ર થઈ ગયાં.
બન્ને : અમે પવિત રે.
નરસિંહ મહેતા : હાસ્તો, તમારા હૈયામાં ચોરીનું પાપ હતું તે ધોવાઈ ગયું. તમે આ લેતાં જાવ. હરિ તમને નહીં ભૂલે.

(કુંવરબાઈ આવે છે. સામે માસી તથા રતન છે.)


કુંવર : રૂખડી, લખુડી, તમે? અહીં શું કરો છો?
નરસિંહ મહેતા : દીકરી, રૂક્ષ્મણી ને લક્ષ્મીજી તો હરિનાં દર્શને આવ્યાં છે.
કુંવર : આ બન્ને તો મારે સાસરે ખાળકૂવો સાફ કરે છે.
નરસિંહ મહેતા : વાહ! તનના મેલ ઊંચકનાર તો વધુ ઊંચા. કુંવર, તારા મામેરાની યાદીમાં બન્નેનું નામ ઉમેરજે.
બન્ને : મામેરાની યાદીમાં અમારું નામ?
નરસિંહ મહેતા : વેરાગી ખાલી હાથે જવા દે, મારો વહાલો નહીં વીસરે. જય શ્રી કૃષ્ણ.
બન્ને : જે સી કરસન. (જાય છે)
કુંવર : ત... ત.... મને ભગવાને સીમંત ન આપ્યું હોત તો સારું.
નરસિંહ મહેતા : હાં... હાં... દીકરી, આવે રૂડે અવસરે મન ના કોચવાવું જોઈએ. હસી-ખુશી રહે.
રતન : નણંદબા, શંકા ભૂત ને મંછા ડાકણ. મનમાં શ્રદ્ધા રાખો. સમોવણનો વરસાદ યાદ કરો. બાપાજીમાં જરૂર વિશ્વાસ કેળવો.
નરસિંહ મહેતા : દીકરી, મામેરાની પહેરામણીની યાદી લખાવી લાવી?
કુંવર : બાપાજી, આ યાદી નથી ડિંગ છે ડિંગ. લખાવ્યા પ્રમાણેનું મામેરું તો લખપતિ પણ ના કરી શકે.
નરસિંહ મહેતા : લાવ કાગળ મારા હાથમાં.
કુંવર : તાત ડોશીએ તો કુળના અભિમાનમાં ડાટ વાળ્યો છે. મારા ને તમારા તરફનું ઝેર જ દાઢમાંથી ઓક્યું છે. જરા જુઓ તો ખરા! વાંચતા જ ડાગળીચૂક થઈ જાય તેવું છે.
નરસિંહ મહેતા : દીકરી, વાંચનાર વાંચશે; હું તને કેટલી વાર કહું? જા જોઉં, હળવીફૂલ જેવી થઈ જા.
રતન : હવે જાવ, આ રૂડા અવસરનો મહિમા બનાવો.
માસી : દીકરી, કોઈ અભાવા થતાં હોય તો કહેજે.
કુંવર : તમને ત્રણેને નચિંત જોઉં છું, એટલે મનની ડગમગતી શ્રદ્ધા પાછી સ્થિર થાય છે.
નરસિંહ મહેતા : બસ તો એ જ શ્રદ્ધાથી જીવજે દીકરી.
કુંવર : તો હવે તમે જાણો તાત. હું તો નિરાંતે ઊંઘી જાઉં છું.
નરસિંહ મહેતા : જાણે મારો જાદુનાથ. તું નીંદર કર હવે જાગશે મારો જગન્નાથ.
ભજન : જાગ જદુનંદન ! જગપતિ જાદવા !
સાર કર શામળા દીન જાણી.
આગે અનેક દુઃખ ભાંજિયાં દાસનાં,
તેણે હું જાચું વિશ્વાસ આણી.
મંડપ

(કુંવરબાઈનું મોસાળું ભરાય, નાગરણો ગીત ગાય. ખોખલો પંડ્યો (ટહેલ નાંખે નોતરાંની)

સવસ્તિ કલ્યાણ ! સમસ્ત નાગરી નાતને તથા
સર્વ સગાં સ્નેહી, સ્વજનો તથા ગામલોકને સુતપનું
સાગમટે ત્રણ ટંકના ભોજનનું ઈજન...
લખપતિ શ્રીરંગ મહેતાના સમસ્ત પરિવાર તરફથી...
પુન્સરુ-મહેતાના કુળ દિયર શ્રી રંગા મહેતાના
પુત્રવધૂ અને જુનાગઢવાસી મૂળ તળાવના
નરસિંહ મહેતાના સુપુત્રી કુંવરબાઈ ઉર્ફે
સુરસેનાના શુભ સીમંતને ટાણે પિયરથી
મોસાળું લઈ પિતાજી પધાર્યા છે... તો સર્વ
સહૃદયોને મામેરું વધાવવાનું હાર્દિક આમંત્રણ છે.
નણંદ : અરે ખોખલા પંડ્યા! શીદને ગળું ફાટી જાય તેવી રાડો નાંખે છે? વેરાગી બાપને ઉતારે તો કશી તૈયારી નથી. અરે સાંભળો, ત્યાં તો શંખ ફૂંકાય છે. હાય રે મા! નાગરની ન્યાતના બધા વ્યવહાર એણે તો છાંડ્યા છે. ભાભી ! આવજો..…
સાસુ : દીકરી, તારી ભાભીનું મોસાળું ગવાય છે. અત્યારે એને જરા સુખે બેસવા દે.
નણંદ : બા એટલે જ એને તો બોલાવું છું, કે એના બાપ કેવોક વ્યવહાર કરે છે તે જોઈને આંખો તો ઠારે. ભાભી ! જરા ઓરા આવો ! આખી નાગરી ન્યાતને જોણું થયું છે! તમે જ જોવાના રહી જશો. તમારા બાપને ઝાંઝ-પખવાજ વગાડી નાચતો જોવો એ પણ લ્હાવો છે.
વડસાસુ : અરે બાઈ, તારી ભાભી તો જનમી ત્યારથી જોતી આવી હશે ને! પણ હાં મામેરું આવે ત્યારે યાદી પ્રમાણે મેળવી લેવાનું ન ભૂલતી. બધીઓને પહેરામણી દેજે. વૈષ્ણવને શાની ખોટ ભઈ! તુલસીદાસનો ભારો વહેશે ને શંખ ફૂંકતો બાવા ભેગો નાચશે! લો વેવાઈ નાચતા ને ગાતા આવ્યા. કુંવરબાઈ બાપની સાથે છાબ પેલા.

(નરસિંહ મહેતા, રતન, માસી, સાધુ-સંત આવે છે.)

ભજન : જય દામોદર બાળમુકુંદ, નરક નિવારણ પરમાનંદ
વિશ્વેશ્વર વૃંદાવનચંદ, દેવકીનંદન, આનંદકંદ
એવા રે અમો એવા રે એવા, વળી તમે કહો છે તેવા રે.
ભક્તિ કરતાં ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે...
કરમ-ધરમની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે;
સઘળા પદારથ જે થકી વાળ્યો.
તે મારા પ્રભુજીની તોલે કો ના'વે રે...
સઘળા સંસારમાં એક હું ભૂંડો, ભૂંડાથી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો રે, નેહડો લાગ્યો છે મને ઊંડો રે...
રતન : બાપજી ! મંડપમાં તો ઠઠ જામી છે. બધાં મામેરું જોવા તલપાપડ થાય છે.
માસી : નરસિંહ ! કુંવરનો પ્રસંગ ઊજવજે હો !
ભજન : હું સેવકની લેજો સંભાળ, મોસાળની કરજો ચાલ.
છે દોહ્યલા લોકાચાર, લજ્જા રાખજો આણીવાર.
કુંવરબાઈ છે તારે આશરે, મુજ દુર્બળથી ન અર્થ સરે
રુજાગી જેનો જાદવપતિ, સાંભળ સેવકની વિનંતી
(નણંદ ખાલી છાબ કુંવરબાઈને આપે છે. માસી તથા રતન તેમાં યાદીનો કાગળ મૂકે છે.)
નરસિંહ મહેતા : વિશ્વાસ રાખી હૈયે દીકરી માધવનું રટણ કરતી રહે.
(મહેતાજી તંબુરો લઈ બેસે છે. બધાં પૂતળાં જેવા જોઈ રહે છે.)
ભજન : જાગ જદુનંદન ! જગતપતિ જાદવા
સાર કર શામળા દીન જાણી.
ધાયા નારાયણા નામ લેતાં થકી
અધમ અજામિલ તેં ઉગાર્યો.
ગજ તણી વહારે તું ગરુડે ચડી તું દસ્યો.
પરમ દયાળુ તમે તુરત તાર્યો
દાસ નરસૈયાની આશ પૂરવા સમે
કંથ કમળા તણા ! હાં રે સૂતો.
ખોખલો પંડ્યો : યજમાન ! ગોપીચંદનની દક્ષિણા સુવર્ણમાં ફેરવવી જોઈએ.
લખુડી-રૂખડી : મામેરામાં આપણે તો ભુલાઈ જ જવાનાં.
વડસાસુ : અરે ભૂખડીબારસ વેવાઈ! આ કાંઈ માઘ ચૈત્રનું માવઠું નથી કે મેઘ વરસે ! અહીં તો ધન જોઈએ ધન! શું જોઈને, મારી પાસે તમારી દીકરીને યાદી લખાવવા મોકલી હશે? મેં મૂરખીએ અમારા કુળના રિવાજ પ્રમાણે યાદી લખાવી. હાય રે બાઈ! આ તો આવ પાણા પગ પર જેવી વાત થઈ!
નણંદ : એમ તે કાંઈ ભગવાન નવરો છે તે દરવેળા દોડી આવે?
વડસાસુ : નાગરી ન્યાતમાં હાંસીને પાત્ર તો અમે થયા ને... ! મુઓ આવો વૈરાગી બાપ, ને મોઈ એની દીકરી.
કુંવર : (ડૂસકું ભરતાં) તાત... મર્મવચન નથી સહેવાતાં.
નરસિંહ મહેતા : અનાથબંધુ! દીનદયાળ! સેવકની લેજો સંભાળ.
તમે છો દામોદર દક્ષ, હું સરખા સેવક છે લક્ષ.
મારે એક તમારી પક્ષ, પરમેશ્વર થાઓ પ્રત્યક્ષ.
ધનવંત છે નાગરી નાત, તેમાં દુર્બળ મારી જાત.
મારી દીકરીનું મોસાળું કરો, ઠાલી છાબ સોનૈય ભરો.
જો નહીં આવો સુંદર શ્યામ ! તો છે નાગર સાથે કાળ.
નાગર સાથે કામ છે, સમજી લેજો વાત રે!
વાર થઈ વિઠ્ઠલા ! વહારે વેગો ચડો.
રખે નાગરી નાતમાં હાંસી થાય હરિ આવો (૩)

(ધૂન : હરિ હરિ બોલ, દામોદર બોલ, ગોવિંદ ગોપાળ, શ્રીકૃષ્ણ બોલ)

નેપથ્ય : ભજન
ઉધડકી ઊઠિયો, વેગે વૈકુંઠપતિ.
ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?વદત વાણી.
ચાલ ચતુરા! ચતુર્ભુજ ભણે, ભામિની!
નેષ્ટ નાગરે મારી ગત જાણી.
નરસૈંયો નાગરો, ભક્ત તે માહરો
છાબ ભરો તેહની શીઘ્ર થાઓ.
લક્ષ્મી તણો, એરી પેરે આવિયો,
અગણિત ગાંઠડી સંગ આણિ.
ભજન : (રાગ : મારુ)
  ભક્ત નરસૈયાનું દુઃખ જાણી રે.
ઊઠી ધાયા પુરુષ પુરાણી રે
થયા તે શેઠ સારંગપાણિરે, સાથે લક્ષ્મી થયાં શેઠાણી રે.
રથ ઉપર બેઠા શ્રીગોપાળ, રે ધમકે ધોરી ને ઘૂઘરમાળ રે.
કોણ જાણે ત્રિભુવન ભૂપરે, વ્હાલે લીધું વણિકનું રૂપ રે.
રથ ઉપરથી ઊતરિયા રે, હરિ સભા માંહી સંચરિયા રે.
ચૌદ લોક તણો મહારાજ રે, મહેતા માટે થયા બજાજ.
વડસાસુ : આ વહેવારિયો કોણ આવ્યો છે? ને સાથે આ બધી ગાંસડીઓ શીદ લાવ્યો છે? અરે કોઈ મને તો કહો.
દામોદર શેઠ : દીકરી કુંવર ! અમને આવતાં વાર લાગી તેથી રીસાણી છો?
કમળા શેઠાણી : આંસુડા મા પાડ મારી મીઠડી. અમને ક્ષમા કર. ઊઠ. તારી સાસુમાને તેડાવ.
દામોદર શેઠ : વેવાઈ શ્રીરંગ મહેતા, વહેવાર તમારો છે. ચાલો ફટાફટ બોલવા માંડો. કોને કોને શું શું દેવાનું છે !
સાસુ : શેઠાણી! તમારે મહેતાજી સાથે શું સગપણ?
કમળા : લો રે બાઈ ! ભીંત ભૂલ્યા ? અમને પારખી ન શક્યા?
તમે તો બ્રાહ્મણ ને અમે તો વાણિયા. અમારે તો દોશીનો વેપાર. કાપડ વેચીએ! નરસૈયાની ઓથે જ તો અમારી ઘરની કોઠી ભરાય છે.
દામોદર : હા વેવાણ ! અમે મહેતાજીનું ધન લઈ વેપાર કરીએ છીએ. તેથી તો મોસાળું કરવા આવ્યા છીએ. લો તમારી યાદી વાંચતા જાવ, ને લખ્યા પ્રમાણે સૌને પહેરામણી આપતા જાવ.
કમળા : આ તો પુણ્યનું કામ છે. કોઈ રહી ન જાય. કુંવર દીકરી, લો આ તમારા સસરાની પહેરામણી, ને આ જમાઈના અલંકાર ને જામા.
(નીચું જોઈ આપી, પાછા ફરો.) જેઠ-જેઠાણી, દેર-દેરાણી, ગોર-ગોરાણી, સાસુજીના હેમના હાર. નણંદબાની હિરાજડિત રાખડી. ખોખલા પંડ્યા કંકાવટી ધરો, કુંવર ચાંદલા કરતી મને દેતી જા.
ખોખલો પંડ્યો : જે કહેવાય તે મહેતાજીને ત્યાં અમારું લહેણું છે. ગોપીચંદનની દક્ષિણાને બદલે...
દામોદર : આ તમારી સોનામહોરો. તમારી ગોરાણી માટે સુવર્ણના અલંકાર અને તમારા બાર ને બે ચૌદ બ્રહ્માંડને માટે આ પહેરામણી.
ખોખલો પંડ્યો : એ ભયો ભયો યજમાન.
દામોદર : સમસ્ત નાગરી જાતને મારા વંદન. દીકરીના પિયરીઆ છીએ. કોઈ ઓછું-વત્તું થયું હોય તો માંગી લેજો. સંકોચ ના રાખતા.
કમળા : નણંદ બા, હીરા સાચા છે હોં. ને બે તોલા નથી દસ તોલાની સોનાની રાખડી છે. ઝવેરી પાસે પરમાણી જોજો.
વડસાસુ : અલી એ વાણિયણ ! આ બાર વરસની વડસાસુ હજી જીવતી બેઠી છે ને તેના પહેલાં તે વડી વહુઆરુને કહી હોય તે પહેરામણી પહેરાવી જાવ. મરો તમે બધાં. મને ઘરડીને જ ભૂલી ગયા! ને ઘોઘા થઈ દોડી ગયાં! બાપ જન્મે દીઠું ન્હોતું શું?
કમળા : અરે વડી વહેવણ ! તમે તો મોટેરાં કહેવાય. સૌને પહોંચે એ જુઓ.
પછી જ તમે તો લો ને! વા રે વાહ તમે જ તમારી સૂઝથી આવા કુટુંબને નાથી શકો. લો આ તમારું રેશમી વસ્ત્ર ખીરોદક.
વડસાસુ : બળ્યું તારું ખીરોદક. મારું નાક કાપી હવે મને સમજાવવા આવી! તે શું હું કોઈ નાની કીકલી છું? કે લઈ લઉં.
કમળા : ના રે મા... તમે તો વડીલ. તમને તો હું મારે હાથે પહેરામણી ઓઢાડીશ ! હવે તો રાજી ને? લો બાઈ... તમારી યાદી જરા સરખાવી જોજો. ઉતાવળ ન કરો. ઉતાવળ ન કરો. યાદી ઊડી નહીં જાય માટે તમે બે પાણા મંગાવ્યા હતા ને! તેનું ટેકણ મૂકું છું. સોનાના છે. લ્યો હાથમાં.
(કમળા વડસાસુને પાણો આપે છે. વડસાસુ બીજો પાણો લેવા હાથ લાંબો કરે છે. પહેલો પગ પર પડે છે.)
કમળા : હો... હો... ધીરજ ધરો. બીજો પાણો આપું છું. તમે જાતે ઊઠીને, આવા પહાણા પગ પર કાં કરો બાઈજી !
દામોદર : કુંવર દીકરી હવે અમને રજા આપો.
કુંવર : ધન્ય ધન્ય કરી દીધી કૃપા નિધિ.
દામોદર: ભક્તરાજ ! હવે અમે રજા માંગીએ છીએ.
કમળા : પુત્રી તારું કાજ સાધવા અમે નિજધામને રેઢું મેલીને આવ્યા છીએ. દીકરી, તારા તાતને કહે અમને રજા દે.
દામોદર  : અરે ! આ સોનાની મોહનમાળા ને સોનાના કંગન હજુ કોનાં રહ્યાં?
કમળા : વાહ રે શેઠ ! તમે રૂક્ષ્મણી અને લક્ષ્મીને જ ભૂલી ગયા?
દામોદર : શેઠાણી, રૂક્ષ્મણી ને લક્ષ્મીને કેમ ભુલાય ! ક્યાં છે બંને દીકરી, કુંવર !
કુંવર : રૂખડી, લખુડી મારા બાપને ઉતારેથી ગોપીચંદન ને તુલસીમાળા મળતાં તમે નિરાશ થયાં હતાં ને ! લો, આ તમારી પહેરામણી.
રૂખડી-લખુડી : મહેતાજી, અમારો તો જન્મારો સફળ થી ગયો.
કમળા : અમે જઈએ છીએ દીકરી. કલ્યાણ હો.
(કુંવર તથા રતન પગે પડે છે. દામોદર, કમળા ચાલ્યા જાય છે.)
નણંદ : અરે ભિખારી બાપની ધુતારી દીકરી! લો તમારી પહેરામણી પાછી. નામ મહેતો તો યે તમારો બાપ દીસે છે નિર્બળ. ગામના વસવાયાને પણ પહેરામણી આપી ને ઘરના જ ભૂલાઈ ગયાં !
કુંવર : કોણ ભુલાઈ ગયું નણંદ બા?
નણંદ : મારી છ માસની દીકરી નાનબાઈ. મારું પૂમડું કોઈને યાદ ન રહ્યું. હા બાઈ તમને શું? મારા સાસરામાં મહેણાં તો મને પડશે ને? કે મોટે ઉપાડે ભાભીનું મામેરું માલવા ગયા'તા. ઓ માડી રે. હું શીદ અહીંઆ હડે હડે થવા આવી.
રતન: બાપાજી ! હવે શું થશે? આટલું ખરચ્યું તો યે મહેણું રહી ગયું?
કુંવર : તાત જાગો ને. મારી નણંદ રિસાઈ જશે તો કર્યું કરાવ્યું ધૂળમાં મળશે.
નરસિંહ મહેતા : રતન, કુંવર સમરો શ્રી ગોપાળ. ખાલી છાબ ભરશે નંદલાલ.
રતન : બાપાજી, મજાક મેલો.
માસી : અરે નરસિંહ! વડસાસુની લખાવી પહેરામણી તો તારા વાણોતર દામોદર શેઠ અને કમળા શેઠાણી કરી ગયા.
નરસિંહ મહેતા : હેં, શ્રી હરિએ મારી લાજ રાખી! બસ દીકરી, હવે ભજ નારાયણ હું થી તો તાંતણો યે મુરલી મનોહર ન મેળવાય. હું તો કરતાલ વગાડી જાણું.
શ્રીકૃષ્ણ, શ્રીમાધવ, શ્રીગોપાળ, ગોવીંદ મુરારી.
(આકાશમાંથી કાપડું પડે છે. કુંવરબાઈ તે લઈ નણંદને આપે છે. નણંદ હરખાય છે.)
બધા બોલે છે : ધન્ય ધન્ય નરસિંહ ધન્ય થયો અવતાર તમારો સંબંધ પામી.
રતન : બાપજી હવે વેવાઈની વિદાય લઈએ.
નરસિંહ મહેતા : નાગરી નાત, વેવાઈ વેવણ! હવે વિદાય આપો. બોલ્યું-ચાલ્યું માફ કરજો. ન્યાતના રિવાજ પ્રમાણે દીકરીને હું લઈ જાઉં છું. કુંવરબાઈને વળાવવા અમે ઝટ જૂનાગઢ પહોંચીએ.
શ્રીરંગ : મહેતા! અમે તમને ન ઓળખ્યા. મામેરા માટે અમે અવિશ્વાસ કર્યો.
નરસિંહ મહેતા : વેવાઈ, મામેરું તો મારા શ્રીહરિએ પૂર્યું. હું શું કરતો?
શ્રીરંગ : મહેતાજી ! અમે રે સંસારી જીવ, સાક્ષાત્ વિષ્ણુ તથા લક્ષ્મીને ન ઓળખી શક્યા. અમે એમને તમારા વાણોતર જ ગણ્યા.
નણંદ : લે... લે... લે... ! આ પણ જાદુ? અલ્યા બધા તમારી પહેરામણી છે કે નહીં તે તપાસો. શેઠ-શેઠાણી ભેગી ઊડી ન ગઈ હોય!
વડસાસુ : દીકરી! હવે મૂંગી રહે. મારું શિક્ષણ લજાવ મા. વેવાઈ ! એક વિનંતી. અમને અબુધને ખાતરી કરાવો કે શેઠ-શેઠાણી એ જ વિષ્ણુ ને લક્ષ્મી હતાં.
નરસિંહ મહેતા : વેવાણ ! ખાતરી કરાવનાર હું કોણ? કોઈનું સમજાવેલું બુદ્ધિને ઉઘાડતું નથી કે નથી કામ લાગતું. શાસ્ત્રો સુધ્ધાં અધૂરી વાત કરે છે.
ભજન : ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી.
જેહને જે ગળે તે તે જ માને.
શ્રીરંગ : મહેતાજી! અમારા હૈયાની આરત પૂરી કરોં અમને વિષ્ણુ તથા લક્ષ્મીજીનાં પ્રત્યક્ષ દર્શન કરાવો.
નરસિંહ મહેતા : સાચા હૈયાની આરતથી સૌ હરિગુણ ગાવો.
ભજન : વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે
ભણે નરસૈયો, એ મન તણી શોધના
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાવો.