એકાંકી અને ગુજરાતી એકાંકી/એકાંકીમાં પહેલો પ્રવેશ

Revision as of 01:22, 16 November 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એકાંકીમાં પહેલો પ્રવેશ

આ લેખનો હેતુ હમણાંહમણાં એકાંકીના લેખનમાં ડોકાઈ જતા તે-તે એકાંકીના ‘પ્રથમ પ્રવેશ’ અન્યથા અનિવાર્ય છે કે કેમ એ વિશે જ વિચાર કરતા કરવાનો છે. સામાન્ય રીતે આજે ઘણે ભાગે એકાંકીમાં પ્રવેશબાહુલ્ય આવવા લાગ્યું છે, અને એમાં પ્રથમ પ્રવેશ કે દૃશ્યનો ઉપયોગ પ્રાક્કથન માટે- એકાંકીમાં જે વસ્તુ છે એનો પૂર્વઇતિહાસ રજૂ કરવા માટે, પાત્રો કે સ્થિતિના પ્રથમ દર્શન નિમિત્તે, કરવામાં આવે છે. અહીં થોડાક દાખલા આપવાથી વક્તવ્ય સ્પષ્ટ બનશે. શ્રી ગુલાબદાસ બ્રોકરનું, ‘એકાંકી’ના પ્રથમ અંકમાં પ્રગટ થયેલ ‘જ્વલંત અગ્નિ’ લ્યો. એમાં બે પ્રવેશ છે. પ્રથમ પ્રવેશમાં (૧) પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો, (૩) પતિનું ઘર છોડી જતું રહેવું, (૩) મિત્રનું આવવું અને પત્નીને પતિ આગળ એ જે કહેવા તૈયાર થઈ છે તે ન કહેવા સમજાવવું, (૪) પત્નીએ મિત્ર આગળ અજાણતાં પણ પોતાનાં પૂર્વ જીવનના કશા સ્ખલનનો – શું એ કોઈ જાણતું નથી, બોલતું નથી – એકરાર કરવો અને (૫) મિત્રે વાત વાતમાં નાટકના ધ્રુવપદને ઉચ્ચારવું : “આપણા દોષ જાણનાર સ્નેહીને આપણે કદીય માફ નથી કરી શકતા.” બીજા પ્રવેશમાં લગ્નતિથિની ઉજવણી છે. પતિને મિત્રે એવું બધું સમજાવ્યું છે કે એ પોતાના વહેમ, શંકા સહુ વીસરી ગયો છે અને પત્ની પર ખૂબ જ પ્રીતિ રાખે છે. એણે ઉજવણી નિમિત્તે, પત્નીની તીવ્ર ઈચ્છા છતાં, અન્ય કોઈને બોલાવ્યા નથી, પણ મિત્રને એકલાને જ આમંત્રણ આપ્યું છે. પતિ કશું નિમિત્ત કાઢી બહાર જાય છે. ત્યાં પત્નીની એક બહેનપણી આવી ચડે છે અને વાતમાં પત્ની પેલા મિત્ર પ્રત્યેનો પોતાનો અણગમો પ્રગટ કરતી જાય છે અને મિત્રના ચારિત્ર્ય પ્રત્યે આક્ષેપ કરવાની હદ લગી જાય છે. એટલામાં મિત્ર આવી જાય છે. ત્યાં પત્નીને પાડોશમાં જવાનું થતાં બહેનપણી અને મિત્ર વચ્ચે વાતચીત થાય છે અને ત્યાં બહેનપણીને પત્નીના સ્વભાવની આ ગ્રંથિ વિશે થોડું જ્ઞાન થાય છે અને મિત્રના ઉદાર સ્વભાવનાં વખાણ કરતી એ જાય છે. પત્ની અને મિત્ર વચ્ચેની વાતચીતમાં પત્ની હકીકતમાં પોતાનો સંસાર સરાડે ચડાવી આપવાના ઉપકાર અને પતિ પણ જાણતો નથી એવી પોતાની સાવ અંગત એવી વાત વિશેની એની જાણકારી વચ્ચે પોતાનો માર્ગ કાઢવાની અસમર્થતા પ્રગટ કરે છે. અને બંને વચ્ચે કાંક ખુલાસા – સમજૂતી જેવું થાય છે. પતિ આવે છે અને સહુ સહુના તાનમાં સંતોષ પ્રગટ કરે છે. બીજો દાખલો : શ્રી પુષ્કર ચંદરવાકરનું ‘યજ્ઞ’ સંગ્રહમાંનું ‘જમિયલશા’ જૂનાગઢના નાગર સજ્જનને શેર માટીની ખોટ છે તે માટે પત્ની પતિને લગ્ન કરવા સમજાવવા યત્ન કરે છે ત્યાંથી પ્રથમ પ્રવેશ શરૂ થાય છે અને જો સારો દિવસ દેખાય તો જમિયલશા પીરને ગાય ચડાવવાની બાધાથી પૂરો થાય છે. બીજા પ્રવેશમાં બાધા પૂર્ણ કરવા ગાયનો વધ કરાવવાની તૈયારી થઈ હોય છે ત્યાં પીરના મુઝાવર બાધામાંથી એમને મુક્તિ આપે છે. ત્રીજો દાખલો : ‘એકાંકી’નો બીજા અંકમાં શ્રી કરસનદાસ માણેકનું ‘ખુદા હાફિઝ’ અહીં ત્રણ દૃશ્ય છે : પ્રથમ દૃશ્યમાં સુપ્રસિદ્ધ વાર્તાકારની વાગ્દત્તા તખલ્લુસ ધારણ કરી વાર્તા-હરીફાઈમાં વાર્તા મોકલે છે તેનું મીઠું ષડયંત્ર છે. બીજા દૃશ્યમાં વાર્તાકારે પોતે માનહાનિથી બચવા તખલ્લુસથી હરીફાઈમાં વાર્તા મોકલ્યાની વસ્તુ છે. ત્રીજામાં વાર્તાકાર પોતાને ઇનામ ન મળતાં પોતે જ પોતાના કાવતરાની વાત જાહેર કરે છે, અને પરીક્ષકોએ પક્ષપાત કર્યાનું આક્ષેપે છે. મધુબાલાના નામે પોતાની વાગ્દત્તાને જ એ ઈનામ મળ્યું છે તેની માહિતી મળે છે, ત્યાં સુધી એ આક્ષેપ કરવાનું ચાલુ રાખે છે. અને વાગ્દાનનું કોકોકોલાની બાટલીમાં વિસર્જન થાય છે. ઉપરના દૃષ્ટાંતમાં જે એક વસ્તુ સ્પષ્ટ તરી આવે છે તે એ છે પ્રથમ દૃશ્ય કે પ્રવેશનો ઉદ્દશ વાંચનાર કે જોનાર આગળ એકાંકીના ખરા સંઘર્ષ પૂર્વેની વાત કહી જવાનો રહ્યો છે. ભાષા મોળી નથી. સંવાદમાં તીવ્રતા છે અને તીક્ષ્ણતા પણ છે. આવી શકે, આણી શકાય એટલું ચબરાકિયાપણું છે. પણ પહેલા પ્રવેશનું પ્રયોજન તો વાંચનાર કે જોનારને હવે પછી જે આવે છે તે શેમાંથી ઉદ્દભવ્યુ છે, શું છે તે કહેવાનું જ છે. અને આ વસ્તુ જ એકાંકીના સ્વરૂપ વિશેની ચર્ચા ઊભી કરે છે. એકાંકી કોક એવું ભારખાનું નથી કે હરેક થોભે નવો ડબ્બો ઉમેરાય કે ઓછો થાય. એકાંકીનું વહેણ એ એક રીતે અત્યંત તોરી મિજાજી વહેણ છે, તો સાથેસાથે એ વહેતાંવહેતાં જ પોતાનાં મૂળ અને લાક્ષણિકતાને પ્રગટ કરતું જતું સરળ, સુબોધ વહેણ છે. જૂના વારાનો સૂત્રધાર નાટક શું છે, શેનું છે, એનો થોડો નિર્દેશ કરી જતો. આને પ્રસ્તાવના માનીને ચલાવી લેવાતું. આવી પ્રસ્તાવના એકાંકીના આસ્વાદમાં ભારે અંતરાયરૂપ બને છે. એકાંકીનો સાચો આસ્વાદ તે મોટે ભાગે એના અંતભાગમાં મૂકેલી ચોટથી, જ્યારે એનો આખોય પ્રવાહ ઝળહળતો, સમજાતો, જોયું કે વાંચ્યું ત્યારે સમજાયું હતું તે કરતાં કશુંક વિશેષ એમાં હતું એમ કબૂલવાનો બને છે, ત્યારે જ પમાય છે. પેલું પ્રાસ્તાવિક પ્રાકકથન તો એકાંકીને કળ્યા કોયડા જેવું બનાવી દે છે અને એથી એકાંકી પાંખું બને છે. એકાંકીનું શિલ્પ આ રીતે જોઈએ તો અત્યંત લજ્જાશીલ છે. રહસ્યગોપનની આગવી કલા એ જ તો એકાંકીનું કદાચ એકમેવ આકર્ષણ છે. અને એકાંકી વાચક-પ્રેક્ષકને સમભાગે, સમભાવે, એ રહસ્ય ઉકેલવાનું આમંત્રણ આપે છે. વાચક-પ્રેક્ષકની સમજણ અને સૂઝ માટે યોગ્ય આદર જો એકાંકી દાખવશે નહીં તો વિશિષ્ટ પ્રકાર તરીકે જીવવાનું એના નસીબમાં નહીં રહે. ઉપર જે ઉદાહરણ આપ્યાં છે તે તો માત્ર તાજેતરમાં પ્રગટ થયેલાં હોવાથી નજર સામે હોય એ ખ્યાલે જ આપેલાં છે. પણ એકાંકીના તંત્ર સંબંધી ઉપર જે વિચાર દર્શાવ્યા તે નજરે એકાંકીને જોવું એ જરૂરી છે. ‘જ્વલંત અગ્નિ’ના પ્રથમ પ્રવેશમાં કહેવામાં આવેલી વસ્તુ એકાંકીને ઘણે અંશે પાંખું બનાવે છે. આ જ વસ્તુ બીજા પ્રવેશના સંવાદ અને કાર્ય દ્વારા સ્ફુટ થતી હોત તો પત્નીનું વર્તનવૈચિત્ર્ય વધુ ઊપસી આવ્યું હોત અને વધુમાં કદાચ એમ પણ બનત કે પોતાનો દોષ જાણનાર સ્હેની પ્રત્યેની એની, હીન ઉપકારવશતા, અને અપ્રગટમાં ઝેરી દ્વેષ દ્વિધા, એ કદાચ વ્યક્તિગત ખાસિયત રહી જવાને બદલે આવી પરિસ્થિતિ આવું જ પરિણામ નિપજાવે એવો આભાસ – નાટ્યાત્મક આભાસ – વધુ અસરકારક રીતે ઊભો કરી શકી હોત. અને સાથેસાથે પત્ની સિવાયનાં અન્ય પાત્ર, ખાસ કરીને બહેનપણીના પાત્રાલેખનને પુષ્ટ, દૃઢ બનાવવાનો યત્ન લેખકને કરવો જ પડ્યો હોત – જે એકાંકીને તો ઉપકારક જ નીવડત. જે રહસ્યના ઉકેલમાં વાચક-પ્રેક્ષકે ડગલે પગલે સાથ પુરાવ્યો હોય તે રહસ્યનો સ્ફોટ પણ વધુ અસરકારક નીવડે છે. ‘ખુદા હાફિઝ’માં પ્રથમ બે દૃશ્ય અને ‘જમિયલશા’માં પ્રથમ પ્રવેશ નકામનાં અને કાર્યરોધક છે. ‘ખુદા હાફિઝ’માં કમનસીબે વાચક ‘શા ઉપરથી આવું લખાયું!’ એની શોધમા પડી જાય એવું પણ થોડુંક છે, જે એકાંકીને અત્યંત કાલબદ્ધ, માત્ર તત્કાલીન બનાવી મૂકે છે. પહેલા બે પ્રવેશમાં લેખકની લેખિનીએ સંવાદને ચબરાકિયા જરૂર બનાવ્યા છે. પણ એ બધા જ વાક્પાટવને ત્રીજા પ્રવેશમાં સ્થાન મળી શક્યું હોત. વાચકને અવૈતનિક શરલોક હોમ્ઝ બનવા દેવાપણું પણ શ્રી માણેકે નકાર્યું છે. ત્રીજા વાક્યે તો વાર્તાકાર પોતાનું રહસ્ય – તખલ્લુસથી વાર્તા મોકલ્યાનું – બરાડી ઊઠે છે. એ સાચું છે કે એકાંકીનું પાત્રાલેખન એકાદ નબળાઈસબળાઈના પુદગલ પર જ રચાય છે. છતાંયે એ ભૂમિતિના પેલા સાંકેતિક બિંદુ જેવું તો ન જ રહેવું જોઈએ. મોરેલિટીઝ, મિરેકલ્ઝ, ઇન્ટરલ્યૂડ્ઝ અને એવરીમેન જેમ એ માત્ર નેકી કે માત્ર બદીના આધાર જ નથી. એ પાત્રને શક્ય એવો માનવઆકાર આપવાનો રહે છે. ‘ખુદા હાફિઝ’ની આ નબળાઈ ચકોર લેખકની અજાણી નથી. કદાચ એટલે જ એમણે વાગ્દાનને કોકોકોલાની બાટલીમાં પૂરવા જેવો અંત આણવાનું પસંદ કર્યું હશે. વાગ્દત્તા શીલા પરિતોષિકની વિજેતા બનતાં, વાર્તાકારના દંભનો પરિચય પામતાં, વાગ્દાન, એનો પ્રેમ (?) વગેરે બધું એક ક્ષણનાના વિચારને અંતે, કશા રંજ વિના છોડી દે છે. દંભનો આ જવાબ શીલા આપી શકે એવી એ પાત્રની કશી તૈયારી એકાંકીમાં નિરૂપાઈ નથી. હા, શીલાને સહજ તરંગી બતાવી છે. પણ જે બને છે તે માત્ર તરંગ જેટલું તરલ નથી. પણ એ વળી બીજી વાત છે. અહીં એટલું જ કહેવું તરલ નથી. પણ એવળી બીજી વાત છે. અહીં એટલું જ કહેવું જોઈએ કે ત્રીજા પ્રવેશમાં જ જેની પાંખડીઓ ખૂલવી જોઈએ એ વસ્તુને આગળના પ્રવેશમાં અનાટ્યાત્મક રીતે રજૂ કરી છે, અને વાચક-પ્રેક્ષકોને ખુદા હાફિજ કર્યાં જેવું કર્યું છે. અને ‘જમિયલશા’માં તો આખો પ્રથમ પ્રવેશ કાઢી નાખો અને બીજો પ્રવેશ છે અને એમ ને એમ રાખો તો એ એકાંકી અત્યારે છે એ કરતાં વધુ સુગ્રથિત થાય છે.

૧૯૫૪ [‘પ્રવેશ બીજો’, ૧૯૫૬