કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મસ્તરામ
૭. મસ્તરામ
બસ ધરી હોઠે જામ, બેઠા છે,
યાની લઈ એક નામ, બેઠા છે.
એમને ક્યાં તમા જમાનાની!
રંગમાં મસ્તરામ બેઠા છે.
ક્યાં બિરાજે છે – એટલુંયે પણ,
ભાન હો તો હરામ બેઠા છે.
કોણ શોચે, કે છે સમય કેવો!
સુબ્હ અથવા હો શ્યામ, બેઠા છે.
દોર પણ ઑર દબદબો યે ઑર!
ઑર કંઈ છે દમામ, બેઠા છે.
ઝૂંપડીમાં બિછાવી છે જન્નત,
આવરી કુલ મુકામ, બેઠા છે.
ગેબ ગાયબનાં, દીન દુનિયાનાં –
ખોલી દફતર તમામ બેઠા છે.
સૌ જતાં-આવતાં કરે છે સલામ,
સૌની લેતા સલામ, બેઠા છે.
કોણ ઊઠાડે મસ્તને ‘ઘાયલ'!
કોણ લે આનું નામ, બેઠા છે.
૩૦-૭-૧૯૫૯ (આઠોં જામ ખુમારી, પૃ. ૨૨૬)