કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/વિદાય...
૫૧. વિદાય...
ફેરવી સાચે જ મુખ લીધું અને ઊઠી ગયો,
‘જાઉં છું' બસ એટલું કીધું અને ઊઠી ગયો.
પ્યાસ એવી દૂરની લાગી હતી કે આજ તો,
પાવળું પાણીય ના પીધું અને ઊઠી ગયો.
ચાર આંખો થઈ ન થઈ ત્યાં ફેરવી લીધી નજર,
દિલ હજી તો અબઘડી દીધું અને ઊઠી ગયો.
એજ તો એનો હતો આનંદ, છુટ્ટા હાથથી–
ગાંઠમાં જે કૈં હતું દીધું અને ઊઠી ગયો.
જિન્દગીને એમનાથી વાંકુ પ્હેલેથી હતું,
જીવ દઈ અંતે કર્યું સીધું અને ઊઠી ગયો.
દોસ્તોએ બહુ કરી રકઝક છતાં છેવટ લગી,
નામ ના તકલીફનું દીધું અને ઊઠી ગયો.
આંખ છલકાતી રહી અરમાન ટળવળતાં રહ્યાં,
વેણ ના મૂક્યું છતાં લીધું અને ઊઠી ગયો.
સ્વ. મહેન્દ્ર સમીરની સ્મૃતિમાં ૧૧-૫-૧૯૮૨(આઠોં જામ ખુમારી, પૃ. ૬૯૪)