ગુજરાતી સૉનેટકાવ્યો/બુદ્ધ

Revision as of 16:01, 8 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩. બુદ્ધ

સુન્દરમ્‌

ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડપતું
હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું,
લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફ મહીં ને
વદ્યા : ‘શાંતિ, વ્હાલા, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’

અને બુટ્ટી લેવા વનઉપવનો ખૂંદી વળિયા,
તપશ્ચર્યા કીધી, ગુરુચરણ સેવ્યા; વ્યરથ સૌ
નિહાળી, આત્મામાં કરણ સહુ સંકેલી ઊતર્યા,
મહા યુદ્ધે જીતી વિષય, લઈ બુટ્ટી નીકળિયા.

પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને
નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા
પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખથકી,
જગત્‌ આત્મૌપમ્યે ભરતી બહવી ગંગકરુણા.

પ્રભો! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
અહિંસાકેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.