ગુજરાતી સૉનેટકાવ્યો/જાવા પૂર્વે

Revision as of 16:04, 8 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૫. જાવા પૂર્વે

સુન્દરમ્‌

બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે,
ડુબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે,
ખરી જાવા પૂર્વે દલ કુસુમનાં સૌ ખીલી રહે,
સરી જાવા પૂર્વે પ્રણય તવ શું આજ ઉભરે!
મને ના અંતોનું દરદ કદી યે, અંત સહુનો.
મને બાળેઝાળે અહ ભભક જાવા પુરવની.

અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી
રહી ગૈ માન્યું મેં. ક્ષણિક વસનારી તું અહીંની–
પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા
દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી
બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં
કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી!

ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
ધીરેધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે!
(‘વસુધા’)