ગુજરાતી સૉનેટકાવ્યો/ચહેરા મનુજના
૨૩. ચહેરા મનુજના
ઉમાશંકર જોશી
પડે જે જે મારી નજર પર ચહેરા મનુજના,
વિમાસું : સૌ જાણે પરિચિત ન હો કૈક ભવના,
મુખે રેખા, મુદ્રા, અભિનય, દૃગો, આકૃતિ, છટા
અને નાના રંગે મૃદુ લસતી વાગ્ભંગિ પણ હા!–
ન જાણે જાણું હું કશુંક! અણસારો મુખ તણો
રહું શોધી મૂગો મન મહીં, કરું યાદ સ્વર તે
હશે કોના જેવો? નીરખી રહું ને મૂઢ સરખો
મુખો સામે કોઈ ચિરપરિચિત પ્રેમી જન શો.
અને એ ચ્હેરા યે જરીક અમુઝાઈ, હૃદયની
રહે ઝીલી લ્હેરો વિવિધ નિજ મસ્તી મહી મચ્યા.
છતાં લાવી ના હો દૃગ મુજની કૈ તાગ દૃગનાં
ઊંડાણોમાં ડૂબી, ક્ષણ ઝલક એવી દ્યૂતિ તણી
અચિન્તી ઝીલીને ગહન નિજનાં ભીતર થકી
રહે ખીલી કેવા સ્મિત સુભગ ચ્હેરા મનુજના?!
૨૨-૧૨-૧૯૫૨