ગુજરાતી સૉનેટકાવ્યો/૪. પરિવર્તન

Revision as of 02:49, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૧
૪. પરિવર્તન

રાજેન્દ્ર શાહ

શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં
ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં
ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.

તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને
પથ વિહરવા કાજે!–જેની અપૂર્ણ કથાતણા
ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;
નિજ રચિત, આનંદે જોતાં દૃગો, ભવિતવ્યને,

હજી ય ઝરુખો એનો એ, હું, અને વળી પંથ આ,
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.
બીન મૂક થયું તો યે એની સુણી રહું ઝંકૃતિ,
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.

સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.