ગુજરાતી સૉનેટકાવ્યો/જાતકકથા
૫૪. જાતકકથા
જયન્ત પાઠક
અહો એ અંગોના નિબિડ ઝૂલતા જંગલ મહીં
ઘૂમ્યો, કેવા કેવા જનમ ભવમાં એક જ ધરી!
સરે છાતીનાં જે સુભગસ્ફુટ બે સોનકમલો
હું બંધાયો એમાં સમયનું ભૂલી ભાન ભમરો!
અહો એ બે કાંઠે સઘન વન વચ્ચેથી વહતી
નદીને પીધી મેં લપ લપ જીભે વાઘની, અને
મદીલા હાથીને રૂપ ભીની ભીની ભેખડ ખણી;
ધરે ઊંડા પેઠો મકર થઈ ડ્હોળંત જલને!
તમારાં અંગોના સુખશીતલ એ ચંદનવને
વીંટાયો હું તાપે વિકલ, તરુને, સાપ થઈને;
ફર્યો છું સુંવાળો પવન બની રોમાંચ બીડમાં
ગયો છું ને સાંજે વિહગ થઈ હૂંફાળ નીડમાં.
બધા આનંદોની પરિણતિ – હવે વ્યાપક વ્યથા;
જુદી સંબુદ્ધોથી મુજ જનમની જાતકકથા.
૩૦-૮-’૭૫