ગુજરાતી સૉનેટકાવ્યો/મરણ

Revision as of 03:28, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫૮. મરણ

ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે,
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું-, વાવરે
યથા કૃપણ સંપદા અસહ લોભથી-ના ગમે.
ઘણાંય જન જીવતાં મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતાં, છતાં દીસતાં
મરેલ, શબ શાં અપંગ, જડ, પ્રેત દીદારમાં
અને મનસમાંય-ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં.
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જીવાઈ સમું.
ન કાં વસુલ એ કરું મનગમંત રીતે જ હું-
કરે કરજ લેણદાર ચૂકતું તકાદા વડે-?
ચહું જ ઉઘરાવવા મરણ એક હફતા વડે;
બિડાય ભવ-ચોપડો, કરજમાં ન કાંધાં ખપે.
૭-૭-’૫૪