ગુજરાતી સૉનેટકાવ્યો/મિલનનું સ્વપ્ન

Revision as of 03:31, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬૦. મિલનનું સ્વપ્ન

સ્નેહરશ્મિ

ત્યજીને ખોળો કો ગિરિવરતણો ને વન વનો-
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,
કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા
ગજાવીને ગાને ઘુમટ રચીને શીકર તણો,
ઘડીમાં દોડે કો તરલ મીઠી કન્યાસમ અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે ગૌરવ ભરી
મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે
સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો – કિન્તુ ઉછળી
પછી રે’તી તે જ્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,
પ્રભો! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના વા ખડક પે
મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન—નદી
સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
લખાશે ના ભાગ્યે મિલન—સપનાં તું-ઉદધિનાં?
(‘પનઘટ’)