૬૧. સ્મારક
ચન્દ્રવદન ચી. મહેતા
લઉં ફૂલછડી? સુગંધીમય પાંખડી? કે ઘડી
શિલા શકલને અબોલ વદને ય વાચા દઉં?
વિરાટ નભમાળથી ચકચકંત તારા લઉં,
ધરું ચરણમાં? પળેપળ રચું નવી દીવડી?
સહસ્ત્ર કિરણાવલિરચિત દીપતી રાખડી
થકી ગ્રથિત વિશ્વમાં પરમ પંચતત્ત્વો સહુ
તણા અચલ ચિત્રની જ સ્મૃતિ એક તારી ચહું;
કિયું રચું કહે? અનંત યુગરાજથી યે વડી!
હતી રમતિયાળ તું — સરલ શાંત ગંગોદક –
સદા પતિતપાવની, કમલરેખ શી વિસ્તરી,
વહી ઘનગભીર નિત્ય મુજ જીવને નિર્ઝરી,
ઊડંત જગતાતની અતિ વિશાળ કો કલ્પના
સમી, તુજ મસે કઈ નવીન હું રચું ભાવના?
‘ઈલા’ શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક?