ગુજરાતી સૉનેટકાવ્યો/નજરાણું

Revision as of 03:41, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬૯. નજરાણું

ઇન્દુલાલ ગાંધી

ગયાં વર્ષો, લાંબી સફર પણ ટૂંકી થઈ હવે,
હવે મારી ટૂંકી નજર પણ આઘે નવ પડે!
યુગોનાં અંધારાં વીજળીવસનો કેમ ધરશે?
અને ખાલી હૈયું પ્રણયપગલે કેમ સરશે?
અરે, ત્યાં તો જાગ્યું હૃદય અતિ ધીમા પદરવે,
જરી દેખાયું મોં અધઉધડિયાં દ્વાર વચમાં :
ગુમાવ્યું તે આવ્યું નજીક ગણી હૈયું હરખિયું,
ફરી લેવા એની ચરણરજ નીચે નમી ગયું.

ખસ્યા આઘા એના ચરણ, રજ ઊડી પવનમાં
પડેલી આછેરી લકીર પણ થૈ લુત્પ પળમાં :
હસી આંખો બીજું કશુંય નજરાણું નવ હતું,
મને દુર્ભાગીને રડવું પણ આવે ક્યમ છતું?
ભૂંસાયેલી રેખા સ્મરણ મહીં લાવું ઘડી ઘડી,
‘ગુમાવ્યું એથી તો અધિક મળિયું’ આંખ બબડી.
(‘ઇંધણાં’)